ગુજરાતી ગઝલસંપદા/ હરીન્દ્ર દવે

From Ekatra Wiki
Revision as of 10:56, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| હરીન્દ્ર દવે |}} <center> '''1''' </center> <poem> દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.<br> શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે, ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.<br> ઝારી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરીન્દ્ર દવે
1

દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.

શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.

ઝારી લઈને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.

જકડું છું હાથમાં તો એ સચવાઈ જાય છે,
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.

2

અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું,
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત.

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.

3

આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે?

જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે?

મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે?

એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે?

જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે?