ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માવજી મહેશ્વરી/મિલકત

From Ekatra Wiki
Revision as of 01:43, 5 September 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મિલકત

માવજી મહેશ્વરી

નટુભાએ ખભેથી ત્રિકમ-પાવડો હેઠે મૂક્યા અને ખિસ્સામાંથી તમાકુની ડબ્બી અને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલાં પાન કાઢ્યાં. પગ પર પગ ચઢાવી વીરાસનમાં બેસી એક પાનને સાથળ પર વજન દઈને ઘસ્યું અને બીડી બનાવવા પ્રવૃત્ત થયો. ખાણેત્રા પર હજી મોટેભાગે પુરુષો જ આવ્યા હતા, સ્ત્રીઓ ઓછી દેખાતી હતી. તેણે આસપાસ જોતાં પૂરી પોણાં વેંતની હૃષ્ટપુષ્ટ બીડી બનાવી મોઢામાં મૂકી અને દીવાસળી પેટાવી.

સળગતી દીવાસળી હોઠને અડી ગઈ હોય તેમ નટુભાએ દીવાસળી ઘા કરી પાછળ જોયું. પાછળ ખભે ત્રિકમ-પાવડો લઈને ઊભેલો પરબત મરકતો હતો. નટુભાએ પરબત સામે જોયું ન જોયું કર્યું. પરબતે એને બોલાવ્યો. તે ગમ્યું છતાં કશુંક ખટકી ગયું. પરબતને કશુંક સંભળાવી દેવાની ઇચ્છા થઈ આવી. પણ સામે પડેલા માટીના ઢગને જોઈ નટુભા ઠરી ગયો. એક ધગધગતો નિશ્વાસ બીડીના ધુમાડા ભેગો ફેંકીને તે બોલ્યો.

‘હા ભા. જેટલું વ્હેલું થાય તેટલું સારું. પછી તડકામાં ખેંચવું ન પડે.’

નટુભાને થયું કે પરબત હવે વધુ કશું ન બોલે તો સારું. એ જાણતો હતો કે પરબત ગામનો આખાબોલો માણસ. શું બોલી બેસે તે કે’વાય નહીં અને પોતાનાથી સામે કશો જવાબ નહીં વળે. પછી આખો દિવસ ચરચરતા જીવે માટી પર વેર વાળવા કેટલુંક બળ કરવું?

પણ, પરબત ખાડે ખાડે બધાંને બોલાવતો પોતાની જગ્યાએ પહોંચી ગયો. નટુભાએ રાહત અનુભવી. તેણે ગામ રસ્તે જોયું. છૂટાછવાયા આવતા મજૂરોમાં દસેક સ્ત્રીઓનું ટોળું અલગ પડી જતું હતું. નટુભા ઝીણી આંખે ટોળાને જોઈ રહ્યો. એને વિચાર આવ્યો.

આમાં દયાને કઈ રીતે નોખી પાડવી? આવી રહેલી સ્ત્રીઓ તો બધી એક સરખી જ લાગે છે. બધાને માથે એક જ સરખાં ઘમેલાં અને ઘમેલાંમાં વાસણો અને ભાથું. કોઈ કોઈથી અલગ પડતી જ નથી.

ગઈ કાલે ખોદી રાખેલી માટીના મોટા મોટા ઢેખાળા ખાડાની વચ્ચે પડ્યા હતા. કૂણા તડકાથી ભરાઈ ગયેલા ખાડામાં બે ઢેખાળા વચ્ચે છાંયડો સંતાતો હતો. નટુભા સંતાતા છાંયડાને જોઈ રહ્યો હતો. રાહતકામ પર શોરબકોર વધતો જોઈ રહ્યો હતો.

રાહતકામ પર શોરબકોર વધતો જતો હતો. રોજિંદું વાતાવરણ જામતું હતું. ઘમેલાં, પાવડા અને ત્રિકમના લોખંડી રણકાર, માટીના પડમાં ઘૂસી જતા ત્રિકમનો બોદો અવાજ, ખોદવામાં આડાં આવતાં મૂળિયાંને કાપતી કુહાડીનો હુકાર, સ્ત્રીઓના તીણા સ્વરો, પુરુષોના હાકોટા જેવા વિવિધ અવાજોથી સાવ શુષ્ક એવું સ્થળ જીવંત થવા લાગ્યું હતું. સૂરજ રાશવા ચડી આવ્યો. મિસ્ત્રી હજી આવ્યો ન હતો. ‘જે માતાજી’ કહી નટુભાએ દોઢેક ફૂટ ઊંડા ખાડામાં પગ મૂક્યો. તેણે ઝટપટ ગઈકાલની ખોદાયેલી માટી પાવડાથી ભેગી કરી દીધી ત્યાં દયાબા આવ્યાં.

નટુભાએ દયાબા સામે જોયું. દયાબાના ચહેરા પર જરાય થાક કે કંટાળો ન હતા. વાતો કરતી આવતી સ્ત્રીઓના ટોળામાંથી છૂટાં પડી એ પોતાને ખાડે આવ્યાં હતાં. નટુભાને વિચાર આવ્યો. — આને અહીં માટી ઉપાડતાં કંઈ જ નહીં થતું હોય? નટુભાએ એ પ્રશ્નનો ઉત્તર જાતે જ શોધી લીધો. થતું હોય તોય શું? માણસ માણસને ખાય તેવો વખત આવ્યો છે ત્યારે ક્યાં સુધી મોટા ઘરનું થઈને રહેવું? ગયા અઠવાડિયે પોતે રાહત કામ પર આવ્યો ત્યારે બધાને નવાઈ તો લાગી જ હતી. પરબત જેવા તો ગામમાં વાતો પણ કરતા હતા કે દરબારનો બાજરો ખૂટ્યો લાગે છે. પણ કેટલાનાં મોં બંધ કરવાં? અને કઈ રીતે? એક વરસ તો જેમ તેમ કાઢ્યું પણ મારો વા’લો આ ભગવાનેય ભલભલાને વેતરવા બેઠો છે.

‘પેલ્લાં ઇ જ માટી ઉપાડશુંને?’

દયાબાના પગની ઘૂઘરી નાના એવા ખાડામાં મધુર રણકારનું વર્તુળ રચી રહી.

‘હા, પેલ્લાં ઈ જ ઉપાડીએ પછી બીજી ખોદશું.’

દયાબાના ઉઘાડા પગ જોઈ નટુભાને થયું. માવતરમાં તડકોય ન દેખનાર દયા અહીં ધોમતડકામાં માટી કઈ રીતે ઉપાડતી હશે? આજ સુધી તો પાણી ભરવાય ન નીકળેલી દયા અહીં માથા પર માટીનાં ઘમેલાં ઉપાડે છે તે જોઈને શું વિચારતી હશે બધી બાઈઓ?

દયાબાએ આગળથી ચણિયો સહેજ ઉપર ખોસ્યો. ઘમેલું પગ પાસે ત્રાંસું ગોઠવી પાવડાથી માટી ઘમેલામાં ભરી. નીચાં નમેલાં દયાબાની હિલ્લોળાતી છાતીને નટુભાએ અણદેખી કરવાનો પ્રયત્ન કર્યો.

‘નટુભા રવાજી રાઠોડ.’ એક શિષ્ટ અવાજ કાને પડ્યો.

નટુભાએ કપાળનો પરસેવો લૂછી નીચે મોઢે ‘હાજર સાએબ’ કહ્યું તો ખરું પણ ‘સાએબ’ બોલતાં જીભ જરા હલબલી ગઈ. એને થયુંઃ ન જાણે કયા વરણનો પાંચ ફૂટિયો આ મિસ્ત્રી અન હું આ ગામના ટિલાતનો દીકરો, મારે એને ‘સાએબ’ કે’વું પડે. ત્યાં જ બીજું નામ બોલાયું.

‘દયાબા નટુબા.’

નટુબાએ હવે ગોગલ્સ પહેરીને ઊભેલા મિસ્ત્રી સામે જોયું. અને તરત દયાબા સામે જોઈ લીધું દયાબાના બ્લાઉઝના પાલવી જેવા કાણામાંથી દેખાતી પીઠની ગોરી ચામડી જાણે અંધારિયા ઓરડામાં ચાંદરડું પડતું હતું. મિસ્ત્રી બીજે ખાડે ચાલ્યો ગયો. નટુભાએ બધી ખીજ માટી પર ઉતારી, એ ઝપાટાબંધ ઘમેલાં ભરવા લાગ્યો. ખાડો થોડીવારમાં સાફ થઈ ગયો.

પરસેવો લૂછતાં નટુભા ખાડાની બહાર આવી હાંફતી છાતીએ આસપાસ જોવા લાગ્યો. ચારે બાજુ માટી જ માટી દેખાતી હતી. માણસો ખોદ્યે જતા હતા દરરોજ, હાંફ ઓછી થતાં તેણે બેસીને પાણી પીધું અને ખાડાને જોઈ રહ્યો.

મિસ્ત્રીએ માપી આપેલા ખાડાનો ચોરસ આકાર બનાવતાં હજી બે દિવસ લાગી જવાના હતા. નટુભાને થયુંઃ પાંચ પાંચ દિવસ કાળી મજૂરી કરવાના બસ ત્રણસો-ચારસો રૂપિયા જ! ક્યારે છુટાશે આમાંથી, રામ જાણે. આષાઢ આડે તો હજી ચાર મહિના પડ્યા છે. ત્યાં સુધી અહીં આ બધાંની વચ્ચે બધાંની જેમ જ દરરોજ માટીનાં ઘમેલાં ઉપાડી ઉપાડીને રસ્તો બનાવવો! નટુભા થોડો પાછળ સરી ગયો.

બચપણમાં બાપુની કેવી જાહોજલાલી હતી. ચારે બાજુથી ‘ખમ્મા’ ‘ખમ્મા’ થતી હતી. બચપણમાં જે ‘બાપુ’ ‘બાપુ’ કહેતાં થાકતા ન હતા તેમની પડખે આજે ખાડા માપવા પડે છે. ગામના ચોકમાં, નિશાળમાં, ચબૂતરે સાથે રમનારા અને જાણી જોઈને હારી જનારા આજે કોણ વ્હેલું પતાવી લે છે તેવી હરીફાઈ માંડીને બેઠા છે. આ પરબત, આજે ગામમાં પહોળો પહોળો થાય છે, ત્યારે તો દસ ગજ દૂરથી ચાલતો, એક વખત નદીના ધરામાં બે કલાક પાણીબારો નીકળવા દીધો નો’તો. ફક્ત ધાકના જોરે, અને આજે એ ગામમાં ભરબજારે મારી વાતું માંડી લોકોને હસાવે છે. પણ બાપુ ગયા તે સાથે બધુંય ગયું. એ હતા ત્યાં સુધી બધુંય હતું. એમની હાજરી હતી ત્યાં સુધી બધું ચાલ્યું પછી તો આખું ગામ ચીલો ચાતરવા માંડ્યું. વાણિયાઓ બાપુની શાખે બધું સાચવતા પણ સાલ્લું મને એવું કાંઈ આવડ્યું નંઈ. બાપુ મોટુંમસ ઘર અને ખાલીખમ્મ ખેતર મૂકીને ચાલ્યા ગયા. સારાં વરસોમાં તો બધું સચવાઈ રહ્યું પણ આ ઉપરાઉપરી બે દુકાળે તો સાવ નાગા જ કરી મેલ્યા. બળદનાં પૂંછડાં મરડવાનો ધંધો લઈ લીધો તેનું આ પરિણામ. પોલીસ-બોલીસમાં ચાલ્યા જવા જેટલું ભણતર હોત તો આ લોઈઉકાળો તો ન હોત! અહીં તો જે કોઈ ખાડે આવે તે બળતરા દેઈ ચાલ્યું જાય. હું જાણે નવતર મનેખ હોઉં તેમ જોયા કરે મને, કેટલાક તો મારા વા’લા દયા ખાય. તેમાં ઓલ્યો ખીમો મેઘવાળ કાલે કહેઃ

‘અરે બાપુ કેવો કાળ આવ્યો છે. તમારા જેવા છત્રી બચ્ચાને આમ અમારા જેવા માવી માણસું વચ્ચે તડકામાં શેકાવું પડે છે.’

કેટલાક તો વળી દયાના મોઢા સામું જ જોયા કરે. પેલો મિસ્ત્રી તો આ ખાડાની આસપાસ જ ભટક્યા કરે છે. દયા પણ શું કરે? રૂપાળી છે એ શું એનો ગુનો? થાય છે કે એને જોનારના માથામાં પાવડો ફટકારી દઉં પણ…

નટુભાએ અર્ધા ખોદાયેલા ખાડામાં બેઠેલાં દયાબા સામું જોયું. દયાબા ચણિયો સંકોરી જાણે નિરાંતે ખાડામાં બેઠાં હતાં. કપાળ અને ગાલ પરથી રેલાતો પરસેવો ગરદન આસપાસ ફેલાઈ જતો હતો. બે અઠવાડિયામાં તડકાએ ગોરી ચામડીને સહેજ ઝાંખી પાડી હતી. છતાં ઘાટીલું શરીર ત્રીસ વરસેય મોહક લાગતું હતું. નટુભાને દયાબાની હાલત જોઈ એકદમ લાગી આવતું હતું પણ લાચારીથી મન મારી બેસી રહેતો. પણ અચાનક એકદમ સાવ જુદો જ વિચાર નટુભાના મનમાં આવી ચડ્યો. એને થયું એવું જો બને કે માટી ખોદતાં ખોદતાં ત્રિકમ કોઈ નક્કર રણકાર સાથે અથડાઈને ઊભો રહી જાય. બસ, તો તો જોઈએ પણ શું? નટુભાને આવી જાતની કેટલીક સાંભળેલી વાતો યાદ આવી ગઈ. થોડીવારમાં જાણે આવું જ કશું બનવાનું હોય તેમ મનમાં ઉત્સાહ ઊગું ઊગું થઈ રહ્યો.

‘હવે ઊઠવું નથી? ક્યારે ખોદાઈ રે’શે આ!’

નટુભાનો સ-રસ વિચાર અધવચ્ચે બટક્યો. ખાડમાં બેઠે બેઠે દયાબાએ નટુભાને ધન ઉપરથી ધૂળ ઉપર લાવી દીધો. નટુભાએ કચવાતે મને ત્રિકમ ઉપાડ્યો.

માટી ખોદાતી રહી. નટુભા આખો દિવસ મન મારી ખોદતો રહ્યો. ઘમેલાં ભરતો રહ્યો. ઠાલવતો રહ્યો. આખો આખો દિવસ મનમાં ગણતરીઓ ચાલતી રહી. આખો દિવસ નટુભાના મન પર કશીક ઉદાસી છવાયેલી રહી. તેણે દયાબા સાથે પણ દિવસ દરમિયાન બહુ વાતો ન કરી, દયાબાને સ્હેજ નવાઈ તો લાગી પણ એમણે કશું પૂછ્યું નહીં, પરસેવે રેબઝેબ એક દિવસ ગતિ કરી ગયો. સાંજે દયાબા બધું સમેટતાં હતાં ત્યારે ખમીસ ખભે મૂકતાં નટુભાએ કહ્યું.

‘હું જરા મોડો આવીશ.’

‘કેમ! આવી વેળાએ ક્યાં જશો!’

‘જીવ બહુ મુંઝાય છે. થાય છે કે ખેતરે આંટો મારી આવું.’

‘ગામનાં પંખી પણ સીમ ભણી નથી જતાં. ચૂડેલના વાંસા જેવા ખેતરને જોઈને શું કરશો?’

‘તું તારે જા, હું પછી આવું છું.’

જીવંત જણાતી સડક સૂમસામ થઈ ગઈ. બધાં એક પછી એક ઘેર ચાલ્યાં ગયાં. નટુભાએ ખેતરની વાટ પકડી. સૂમસામ રસ્તે નટુભા ગુમસૂમ ચાલ્યો જતો હતો. એ પોતાને ખેતરે પહોંચ્યો ત્યારે સૂરજનો લાલઘૂમ ગોળો પેલે પાર જવાની તૈયારી કરતો હતો. તેણે ખેતરમાં શેઢે શેઢે આંટા માર્યા. બબ્બે વરસથી તરસ્યાં સુક્કાભઠ્ઠ ખેતર જોઈ નટુભાની ઉદાસી બેવડાતી જતી હતી. આખા ખેતરમાં ચક્કર મારી એણે શેઢે ઊભેલા ખીજડા નીચે બેસી બીડી બનાવી પીધી તે દરમિયાન સાંજ ઢળી ગઈ. સીમ પર અંધારું ઊતરવા લાગ્યું હતું. નટુભાને બીડી ઓલવી ફરી એકવાર ખેતરને ખૂણે ખૂણે નજર ફેરવી નિરાશ મને ઊભા થઈ ગામની વાટ પકડી. તે પોતાનું ખેતર વટાવી સડક પર આવ્યો. આસપાસ ફેલાયેલી ઉજ્જડતા આજે એને કઠતી હતી. એ થોડો આગળ ચાલ્યો હશે. ત્યાં સડકના દખણાદા ખેતરના ખૂણા પરની નાની એવી ટેકરી આસપાસ એનાથી અનાયાસે જોવાઈ ગયું. નટુભા કશુંક વિચારી ઊભો રહી ગયો. એક બાજુ ખેતરની પથ્થરની ઊંચી વાડ અને એક બાજુ ટેકરીને કારણે ખેતરના બે ખૂણા તરફ આમ તરત ધ્યાન જાય એમ ન હતું. નટુભાને નવાઈ લાગી. એને થયુંઃ એ અત્યારે? આવા સમયે? કેટલાય પ્રશ્નો મનમાં ચકરડી ફરવા લાગ્યા. વીજળીનો ઝબકાર થાય તેમ નટુભાના મનમાં કશુંક ઝબક્યું. એ થોડોક પાછળ જઈ કેરડાના એક ઝાડ પાછળ ઊભો રહીને જોવા લાગ્યો. નટુભાના વિચારો જુદી જુદી દિશાઓમાંથી આવી આવીને એક બિંદુ પર ભેગા થવા લાગ્યા. એ કેટલીયવાર ઊભો રહ્યો. પછી કશીક ગણતરી સાથે પગ ઉપાડ્યા.

ઘેર પહોંચ્યો ત્યારે દયાબાએ રાંધી લીધું હતું. એ હાથપગ ધોઈ ચૂપચાપ જમવા બેસી ગયો. થાળીમાં શું આવ્યું એનું ધ્યાન આપ્યા વગર તેણે ખાઈ લીધું. દિવસે નિશાળે ગયેલા છોકરા અત્યારે ઘેર હતા. નટુભાએ કોઈ સાથે ઝાઝી વાત ન કરી. તે ખાવાનું પતાવી આંગણામાં ખાટલે બેસી મણમોટી બીડી બનાવી ઉચક જીવે ધુમાડા કાઢતો રહ્યો. આંખ આડે આવતા ધુમાડાની પેલે પાર એને અવનવાં દૃશ્યો દેખાવા લાગ્યાં.

ઘરેણાંથી લથબથ દયા આંગણામાં, ઘરમાં હરફર કરે છે. છોકરા ઇસ્ત્રીબંધ કપડાં પહેરી ગામ વચ્ચે સાઇકલ ફેરવે છે. ઘરના ઓટલે પાથરેલા ચોફાળ પર સિગારેટનાં બે-ત્રણ પાકિટ પડ્યાં છે. ગામના ચાર-પાંચ વાતોડિયા બેઠા છે. અલકમલકની વાતો ચાલે છે. થોડી થોડી વારે ચા આવે છે. દિવસ ઊગે છે. આથમે છે. કશી જ ચિંતા નથી. બસ, આનંદ જ આનંદ છે…

નટુભા બીડીઓ પીતો રહ્યો. ધીમેધીમે અજવાળી તેરસનો ચંદ્ર આકાશની વચ્ચોવચ આવી ગયો. માટીથી રજોટાયેલું થાક્યુંપાક્યું ગામ નિંદરમાં સરી પડ્યું.

નટુભાએ શ્વાસ થંભાવી આસપાસ જોયું. સીમ પર રાત્રિનો અનેરો જાદુ છવાયેલો હતો. દુકાળિયા મલકમાંથી જાનવરોય હિજરત કરી ગયાં હતાં. ક્યાંથી કશો સંચાર કાને પડતો ન હતો. આખી સીમ દૂધમલ ચાંદનીમાં નહાઈ રહી હતી. નટુભા ધારેલી જગ્યાએ જ પહોંચ્યો. થોડીવાર ઊભે ઊભે તેણે ચારેબાજુ જોઈ લીધું હૃદયના તેજ ધબકાર એને સ્પષ્ટ પણે સંભળાતા હતા. એ ઉભડક પગે બેસી ગયો. ફરી તેણે આસપાસ જોયું. પછી અવાજ ન થાય તે રીતે ધીમેથી કોંશને જમીનમાં ખૂંપાવી. તાજી ખોદાયેલી માટી હટાવતાં બહુ વાર ન લાગી. સાવધાનીથી તેણે ખોદ્યે રાખ્યું. માટી હટાવતા તેના હાથ નક્કર વસ્તુને અડક્યા. આખા શરીરમાં ઝણઝણાટી ફરી વળી. તેણે સંભાળપૂર્વક પ્હોળા મોંવાળો ઘડો બહાર કાઢ્યો. ઘડાને પકડી તેણે સડક ભણી જોઈ લીધું. એને રહીરહીને એમ થતું હતું કે કોઈક જોઈ રહ્યું છે. છાતી હજી પણ ધડક ધડક થતી હતી. ચાંદનીમાં બધું સ્પષ્ટ દેખાતું હતું. તેણે ઘડાને મોઢે બાંધેલું કપડું છોડી ઘડા પર મૂકેલી ઢાંકણી હટાવી અંદર હાથ નાખ્યો. મને રોમાંચિત થઈ ઊઠ્યું. અંદર હાથ ફેરવતાં ખ્યાલ આવ્યો કે ઘરેણાં સાથે રૂપિયા પણ હતા. તેણે થોડુંક બહાર કાઢીને જોયું. ધવલ ચાંદનીમાં સોનું ઝગમગી રહ્યું. નટુભાએ સંભાળીને ઘડા પર ઢાંકણી મૂકી ઉપર પાછું કપડું બાંધી દીધું. પછી જલ્દી માટી હટાવી ખાડો પૂરી દીધો. ઉપર હાથ ફેરવી જમીન સરખી કરી નાખી. ઘડો ખભે મૂક્યો અને ચારેબાજુ જોઈ પગ ઉપાડ્યા. મનમાં કંઈ કેટલાય વિચારો દોડતા હતા…

ભલે હવે ડુંગરશી ખોદાવતો આખું ખેતર. એ કંજૂસ વાણિયો જિંદગીભર ભેગું કરી દાટી ગયો ખેતરમાં. એને તો કલ્પનાય નહીં હોય કે દાટી રહ્યો હતો ત્યારે જ કોઈ જોઈ રહ્યું હતું. એ નાલાયક ડોસો બાયડીને મારી નાખીને વટ્ટથી ફરે છે ગામમાં. આગળપાછળ કોઈ નહીંને આવડી આ મિલકતને શું કરવાનો હતો! આ તો મેં જોયું, નહીં તો પડ્યું રે’ત વર્ષો સુધી ધરતીમાં ધરબાઈને, એની પાછળ ખાનારું તો કોઈ છે નહીં. કે’વાય છે કે એણે જુવાનીમાં બાયડીને પતાવી દીધેલી. એક છોકરો હતો તેય નાનપણમાં મરી ગયો. અને એ જરઠ ડોસો ધીરધાર કરીને ભેગું કરતો રહ્યો. કંઈ કેટલાંયના ઘરેણાં ઓળવી જવાની વાતો ગામમાં ચાલ્યા કરે છે. લોકોના નિઃસાસાનું ધન એને થોડું કામ આવવાનું હતું?

નટુભાના પગ અચાનક થંભી ગયા. ઘડીપળમાં મનમાં વિચાર ઝબકી ગયો. પોતે શું ઉપાડીને જઈ રહ્યો છે. ધન કે આખા ગામની હાય! જાણે ડુંગરશી ઘડામાં પેસી ગયો હોય તેમ નટુભાને ઘડો ભારે ભારે લાગવા માંડ્યો. એ જરા અટક્યો અને ઘડાને સખ્તાઈથી પકડ્યો. એની આખો સામે ગામની સડક પર ચાલતું ખાણેત્રું, પોતાનું પરસેવે રેબઝેબ શરીર, દયાબાના ફાટી ગયેલા બ્લાઉઝમાંથી દેખાતી ગોરી ચામડીને તાકતી આંખો, પરબત જેવાની મશકરીઓ. આવું કેટલુંય તરવરી ગયું. મનમાં આવતા નમાલા વિચારોને હટાવવા તે જુદી જાતનું વિચારવા લાગ્યો. છતાં કશોક ખળભળાટ થઈ ચૂક્યો હતો. કાલે કદાચ ડુંગરશી ખેતરે જાય અને ખોદાયેલો ખાડો જુવે તો એ અભાગિયો ત્યાં જ પ્રાણ મૂકી દે અને એનો અવગતિયો જીવ જિંદગીભર છાલ ન છોડે. નટુભા થરથરી ગયો.

જાણે આખા ગામની આફત માત્ર એના ઘર પર ઊતરી આવી છે. દયાબાની ગોરી ગોરી ચામડીમાંથી લોહી ટપકે છે. ફૂલ જેવાં છોકરાં ડચકાં ભરી ભરીને શાંત થઈ જાય છે. બધું વેરણછેરણ થઈ જાય છે. રહી જાય છે પોતે એકલોઅટૂલો. ડુંગરશીની જેમ જ કાંધ દેનારુંય કોઈ ન મળે.

નટુભા ઊભો જ રહી ગયો. તેણે હક્કાબક્કા થઈ ઘડો હેઠો મૂકી દીધો અને ઊભડક પગે બેસી ઘડાને જોઈ રહ્યો. એને ઘડાનું મોઢું હાલતું દેખાયું. એને થયું જાણે હમણાં કપડું ચીરી કોઈ ઝેરી નાગ બહાર આવી ફેણ ચડાવી ફૂંફાડા મારતાં પાછળ દોડવા લાગશે. એણે કાન સરવા કરી આસપાસ જોયું. જાણે ડુંગરશી એના ખેતરની ટેકરી પર બેઠો બેઠો જોરથી હસી રહ્યો છે. ડુંગરશીના પીળા દાંત એકદમ અણીદાર થઈ જાય છે અને…

નટુભાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. કેટલીય ક્ષણો અવઢવમાં પસાર થઈ ગઈ. તેણે ઘડા પર હાથ મૂક્યો. શીતળ ચાંદનીથી ઠરેલ ઘડાનો ઠંડો સ્પર્શ એની બરછટ હથેળીને સ્પર્શ્યો. એને તરત પોતાના છોકરા અને દયાબાના મોહક ચહેરા યાદ આવી ગયા. થોડે દૂર ગામ દેખાતું હતું અને થોડું પાછળ રહી ગયેલું ડુંગરશીનું ખેતર યાદ આવતું હતું. નટુભાના મનમાં ઉત્પાત મચી ગયો. એ કેટલીય વાર એમ ને એમ બેસી રહ્યો. આખરે સાપના કણાને પગતળે છૂંદતો હોય તેમ કેટલાક વિચારોને છૂંદી નાખ્યા. એણે ઘડો ઉઠાવ્યો અને ખેતર ભણી વળ્યો…

હળવો ફૂલ નટુભા ઘેર પહોંચ્યો ત્યારે આડાં દીધેલાં બારણાંની તિરાડમાંથી પ્રકાશ ડોકિયાં કરતો હતો. તેણે ધીમેથી કમાડ ખોલ્યાં. ખાટલા પર બેય છોકરાં ટૂંટિયું વાળીને સૂતાં હતાં. નટુભાએ છોકરાના વાળમાં આંગળાં ફેરવ્યાં. થાકને કારણે ભર નીંદરમાં સરી પડેલાં દયાબાનો અસ્તવ્યસ્ત ચણિયો ઉપર ચડી ગયો હતો. સ્હેજ ખુલ્લી થઈ ગયેલી સાથળી ગોરી ચામડી પીળા પ્રકાશમાં સોનાની જેમ ચમકતી હતી. નટુભાએ પાણી પીધું. બીડીના ધુમાડાથી ઊકળી રહેલા પેટમાં ટાઢો શેરડો પડ્યો. બત્તી બંધ કરી તે દયાબાને વળગી સૂઈ ગયો. સોનાનું ઝાડ નટુભાની બાથમાં હતું તે બાકીનું બધુંય ભૂલી એને બાઝી પડ્યો. (‘પરબ’: ફેબ્રુઆરી, ૧૯૯૮માંથી)