ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/નૂતન વર્ષાભિનંદન

From Ekatra Wiki
Revision as of 09:06, 25 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નૂતન વર્ષાભિનંદન

રાધેશ્યામ શર્મા

દિવાળીની સાંજ આંધળિયાં કરતી ચાલી જાય છે. એકબીજાને કાપતા ચાર રસ્તામાંના એક રસ્તાની ગલી — જ્યાંથી મીઠાઈ અને ચવાણાની ગંધ વહેતી હતી, તેનું નાકું. બારેક વરસનો જણાતો એક છોકરો, ઊંધી ચડ્ડી પહેરીને ઊભો છે. તેના પરસેવાવાળા હાથમાં સાલ મુબારક પાઠવવા માટેની રંગબેરંગી પત્રિકાઓ ઝૂલે છે. છોકરાની બે ભમ્મર વચ્ચેનો થોડો કોરો ભાગ કદાચ ઘેરી રુવાંટી વડે પુરાઈ જશે એમ લાગે છે.

છ આને ડઝન.

જોઈએ એટલાં લો.

છ આને–

રામ-લક્ષ્મણ-જાનકી, શંકર, લક્ષ્મી, શિવાજી, ગાંધી, જવાહર, દિલીપકુમાર, સરદાર, નેતાજી, વિનોબા, વૈજયંતીમાલા સામી દુકાનમાંયે ખાસ કૅલેન્ડરો માટેની જ દુકાનમાં આ બધાં લટકે છે. પશુપંખીઓ પણ આ છબીઓમાં ટીંગાવ્યાં છે. ગ્રાહકો કોક કોક તો એવાય નીકળે કે આ બધો તાલ નીરખ્યા જ કરે. કોઈ વળી એવા કે, આ જંગલમાંથી કોઈ કેડી મળવાની છે કે નહીં એમ વિમાસતા મુસાફરની જેમ ખડા થઈ રહે.

છ આને ડઝન… જોઈએ એટલાં…

છોકરાની નજરમાં નરી બાઘાઈ ભરી હોય એવો વહેમ જાય તો ના નહીં. તેનાથી બે ડગ જ પાછળ એક ઊંચો એકલદોકલ વીજળીનો થાંભલો. દીવા થવાને થોડી વાર છે.

છ આને ભૈ છ આને… ઉઠાવો છ જ આને – નૂતન વર્ષાભિનંદનનાં કાર્ડ ખપે છે. હાથ હલકો થતો જાય છે, પણ પગે પાણી ઊતરે તેનું શું? મિલોની ચીમનીઓએ ઉડાડેલી વરાળનું ધુમ્મસ ગાઢું થતું જાય છે. સૂતેલી કાળી બિલાડી જેવું, માથે એક વાદળું આવીને સુસ્ત પડ્યું છે.

તેની નજર, કીડીની માફક, સામેના સ્ટૉલના ખૂમચામાં ગડીબંધ ગોઠવાયેલાં માસિકોના દળ ઉપર, ચડે-ઊતરે છે. પાંપણનો પલકારો. વચમાં શ્વાસ ખાઈ લે છે. હાથમાં, હનુમાનજી ખભે ગદા લઈ ઊભા છે ને મોં ફુલાવેલું છે. મોઢામાં તેમણે ગોળનું દડબું તો નહીં દબાવ્યું હોય! (ગોળ તો મનેય ભાવે. ભલે ને આંખો આવી જાય.) બટન, ખમીસનું વચલું બટન અજાણપણામાં જ ગોળગોળ ગોળગોળ એ વચમાં ફેરવ્યા કરે છે. હોટલમાંથી રેડિયોએ છૂટો મેલેલો અવાજનો અશ્વ ફરતો ફરતો આવી ચડે છે ‘દિવાલી ફિર આ ગઈ સજની!’ તડતડિયાંના અવાજ… (ગઈ દિવાળીમાં બાપાએ એક લક્ષ્મી છાપ – કે શિવાજી છાપ? ટેટો ફોડેલો. નાની બહેન બચીનાં સાપોલિયાં હવાઈ ગયાં’તાં.)

ધુમ્મસ, વીજળીદીવાના થાંભલાના ગળે, સ્વેટર જેમ ગૂંચવાઈ પડી હેઠે ઊતર્યે જાય છે, દીવા ઝગ્યા. અંધારામાં મરેલી બિલ્લી પાસે જઈએ અને એકાએક ચળકચળક હીરા જેવી આંખો ઝગી ઊઠતી જોઈને કેવું થાય?

છ આને… છ આને ડઝન… ઉપાડો… છ આને–

(ગામથી અહીં આવતાં ટિકિટના કાંક છ આના જ પડ્યા’તા) તેની આંખમાં, ક્ષણાર્ધ — ગામનું ‘ગમેળું’ તળાવ, કાંઠે મોટો બાવળિયો ને તેની નીચે બળિયા બાપનું નાનું દેરું, ચળકતા ‘પીચ્ચરપાન’ – અંજાઈ ગયું. કુલેર, ટોઠા, ગોળધાણીનો સ્વાદ મોંમાં સળવળ્યો. (પાછા ગામ ભણી…) તે સહેજ મલકાયો. ભયંકર ચીતરેલા મોંઘવારીના રાક્ષસવાળું પોસ્ટર સામેની એક દીવાલથી ઊખડીને ઝૂકી પડ્યું છે.

હાથમાં આખાં ડઝન કાર્ડ રહ્યાં છે. પત્તાંની ‘કૅટ’ની જેમ કાર્ડને ચીની પંખા માફક, ફેલાવી નાંખવાનું તેને સગવડભર્યું લાગ્યું, મજાથી કર્યું ચાલુ – ’ખાલી કરવાનો ભાવ… ઉઠાવો પાંચ આને… પાંચ આને…’ લેનારા તો આવ્યા. ના કહી દેવી? ભાર દઈ, છ આના છ આના એમ સુધારી લેવા મન તો ઊપડી ગયું. મેલીદાટ ચડ્ડીના ખીસામાં પડેલી એક આની સાંભરતાં પડતું મેલ્યું. ખરીદનારા એક બે-ત્રણ છૂટક ખરીદી ગયા. સામટાં ખરીદનારા ઘરાક કઈ કોર હડતાઈ ગયા! જેટલી ઝડપે બારમાંથી આઠ ખપ્યાં તેનાથી અરધાં-ચાર ને ખપતાં શુંય થશે? દૈ’ જાણે!

ચાર આને – ચાર આને હોઠે આવી ગયું પણ – હોટલના એક મહેતાજીનું કેટલાક આનાનું ભુલાયેલું દેવું હવે યાદ આવી જતાં – રહેવા દીધું. ભાવ નીચો ના જ કર્યો. સ્ટેશનથી રાતે ઊપડનારી ગાડીઓની તીણી વ્હિસલો સંભળાયા જ કરે છે. ખાલી કરવાનો ભાવ… પાંચ આના… પાંચ આ – ઘાંટો તરડાયો છે. એટલામાં એક દંપતીએ બે, અને એમનું જોઈને જીદથી તેમના નાના છોકરાએ એક કાર્ડ લેવરાવ્યું. ત્રણ ગયાં. હાશ! ચોથું છેલ્લુંયે ખરીદી લેવા કહ્યું પણ પેલાંએ સાંભળ્યું જ નહીં હોય કે શું તે રિક્ષામાં બેસી ગયાં. ફરફરતું એક પત્તું હાથમાં રહી ગયું. મ્યુનિસિપાલિટીની બસો ફરતી બંધ પડી. અવરજવર ક્ષીણ થતી ચાલી. દૂર સુધી આંખ ખેંચી પણ કોઈ ના મળે. પહેલી વાર તેણે આ એક કાર્ડ ધારીને જોયું. પાંખો બીડીને, દબાવીને બેઠેલા કોક અજાણ્યા પંખીનું ચિત્ર હતું. અચાનક શું સૂઝ્યું તે બુશકોટના ગજવામાંથી અડધી, બુઠ્ઠી એવી સીસાપેન કાઢી. તેની અણી મોંમાં ઘાલી બત્તીના થાંભલાના ટેકે તેના વડે ચીપીને – ભાર દઈને વધના પત્તાની પાછળ મુકામ સાબરમતી લખ્યું. પછી તેવી જ રીતે પોતાના બાપનું નામ રાંટા અક્ષરે લખ્યું ને ઠેકાણું કર્યું સાબરમતી જેલમાં. ફરી, મુકામ સાબરમતી પાછું.