ગુજરાતી નિબંધ-સંપદા/અજયસિંહ ચૌહાણ/ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...

From Ekatra Wiki
Revision as of 11:29, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...

અજયસિંહ ચૌહાણ

અન્યા.

આમ તો અચાનક નીકળી પડવું એ અમારો સ્વભાવ છે. કયો સમય છે? ક્યાં જવું છે? કશું જ વિચારવાનું નહીં. બસ એમ થાય કે નીકળી પડવું છે તો રાત કે રસ્તાઓ જોયા વગર અમારી ગાડી દોડવા લાગે. આજે એમ જ નીકળી પડ્યા. રાતના દસ વાગ્યા છે. અમારી ગાડી આણંદ-વડોદરા એક્સપ્રેસ-વે પર દોડી રહી છે. પૂનમની રાત છે એટલે દૂર દૂર સુધી આસપાસનાં ખેતરોમાં ચાંદની લહેરાઈ રહી છે. એક્સપ્રેસ-વેની બંને તરફના ગરમાળાઓ પર ફૂલોની સાથે ચાંદની પણ લચી પડી છે. ગાડીમાં મારી સાથે હંમેશની જેમ પ્રશાંત તથા મારા પ્રિય વિદ્યાર્થીઓ નાનો કમલેશ, અંકુર તથા દેવેન્દ્ર છે. મારી ગાડી પણ મારા માટે એક સાથી છે. મારી પ્રિયજન સાથેની વાતો, ખીલતી સવારો ને ઉદાસ સાંજો, ક્યારેક આનંદી તો ક્યારેક ગમગીન રાતોની એ સાક્ષી છે. કેટલીય વાતો કરી છે મેં એની સાથે. આજે એની સાથે અમે પણ આનંદમાં છીએ. હજી હમણાં જ નર્મદાવિષયક નિબંધોના સંપાદનનું કામ પૂરું કર્યું છે. મિત્રને નવો નવો પ્રેમ થયો છે એટલે એનો આનંદ પણ બેવડાયો છે.

‘ચલો… તુમકો લેકર ચલે, હમ ઉન ફિજાઓં મેં જહાં… મીઠા… નશા… હૈ તારોં કી છાવમેં…’

ગીત ધીમા અવાજે વાગી રહ્યું છે. કોઈ પણ પ્રેમની શરૂઆતનો તબક્કો મીઠા નશાનો હોય છે પણ પછી આવે છે વેદનાની કારમી રાતો. પણ અત્યારે તો આનંદ જ આનંદ છે. અંકુર ગાડી ચલાવી રહ્યો છે. એક્સપ્રેસ-વે પૂરો થવા આવ્યો છે ને આગળ ક્યાં જવું એ નક્કી નથી. આમ તો મોટે ભાગે અમારી રાતની સફરનું ગંતવ્યસ્થાન હોય નર્મદા. રાત્રિના અંધકારમાં નર્મદાના સૂના ઘાટ પર બેસી રહીએ. અવિરત વહ્યે જતા વારિને જોતાં રહીએ. જીવનમાં જ્યારે હતાશા-નિરાશા ઘેરી વળે છે ત્યારે નર્મદાની શરણે જાઉં છું. પણ આજે તો આનંદ છે. રસ્તામાં પાવાગઢ લખેલું દેખાય છે ને નક્કી થાય છે ચલો પાવાગઢ.

હવે રસ્તાની બંને તરફનાં ગરમાળા અને ખેતરોનું સ્થાન મોટી મોટી કંપનીઓએ લઈ લીધું છે. મિત્રો પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત છે. મોબાઇલ આવ્યા પછી અનેક ફાયદાઓની સામે એક ગેરફાયદો એ થયો છે કે માણસ દૂર ક્યાંક મિત્ર સાથે કલાકોના કલાકો વાતો કરે છે પણ એની પાસે બેઠેલા મિત્ર માટે સમય નથી. દૂર દૂર પાવાગઢ પરનો પ્રકાશ દેખાઈ રહ્યો છે. અમારી ગાડીની સાથે સાથે જ દોડતા ગોળમટોળ ચંદ્રને કૉલેજના અનેક પાત્રો સાથે સરખાવીએ છીએ. સફરની પણ મજા હોય છે. બલકે ખરી મજા જ સફરમાં છે. સફર કેટકેટલી વાતો કરાવે છે. બેચલર ટોળી હોય ને છોકરીઓની વાતો ન હોય એ તો કેમ બને. અમારો સ્ટાફ પણ પ્રમાણમાં વાત કરી શકાય એવો. એટલે કેટલાંક પાત્રો અમારી વાતોમાં અચૂક હાજર હોય. કોઈનું હાસ્ય, કોઈની આંખો, કોઈની સાડી, કોઈના ગાંડપણની સાથે અમારી મજાકમસ્તી ચાલ્યા કરે. પુરુષપાત્રો પણ અમારે ત્યાં એકથી એક ચડિયાતાં. ઘણાં કંજૂસ તો ઘણાં દિલદાર, ઘણાં સંકુચિત તો ઘણાં ઉદાર. કોઈ કોઈ તો એવાં સાહસવીર કે એમના સાહસોના અમે પ્રેરણામૂર્તિ. વાતોમાં ને વાતોમાં પાવાગઢની તળેટીમાં આવી ગયાં ને અચાનક અમારી સામે ઊઘડ્યો અરણ્યલોક. ઉશનસ્‌ની પેલી પંક્તિઓ મનમાં ગુંજવા લાગી.

‘અમારી યાત્રા પ્રવિષતી આ હવે નામ વિણનાં અનામી આશ્ચર્યોમાં.’

આ પૃથ્વીનાં અનેક રૂપોએ હંમેશાં મને રોમાંચિત કર્યો છે. અહીંથી જતાં પહેલાં એના શક્ય હોય એટલાં રૂપો જોઈ લેવાં છે. મને પ્રતીતિ છે કે સ્વર્ગ પણ પૃથ્વી જેટલું તો સુંદર નહીં જ હોય.

અમે હળવા થવા માટે ગાડી ઊભી રાખી. ખરેલાં પાંદડાંઓમાં એકસાથે ચરચરાટનો અવાજ થયો. થોડી વાર ગાડી પાસે ઊભાં રહ્યાં. પાંદડાં વગરનાં વૃક્ષોમાંથી ચળાઈને ચાંદની આવતી હતી. જમીન પર પડેલા ખાખરાનાં સૂકાં પાનને ઘસાઈને જતો પવન મનને પ્રફુલ્લિત કરતો હતો. બધા જ મિત્રો આ રોમાંચને વહેંચવા મોબાઇલમાંથી મૅસેજ કરી રહ્યા છે. ચારે તરફ પવનરવ સિવાયની શાંતિ છે. અરણ્ય ઉપર ચાંદની લેપાઈ ગઈ છે. શિયાળાની ઠંડી રાતોમાં પણ અહીં આવ્યો છું. એ વખતે ઘટાદાર ખીલેલાં વૃક્ષો અને અમાસનું અંધારું ‘ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડો’ની જેમ કંપાવી દે એવો અનુભવ કરાવતું હતું. પણ આજે એ જ પ્રકૃતિના કોમલ રૂપ સામે છે. અમે ગાડીમાં બેસીએ છીએ ને અમારી ઊંચાઈ તરફની સફર શરૂ થાય છે. પ્રશાંતનો ફોન શરૂ થઈ ગયો છે. ધીમા ધીમા અવાજે એ કશુંક ગણગણી રહ્યો છે. કદાચ ગાડીમાં વાગતું ગીત…

‘ખૂબ સૂરત હૈ વો ઇતના સહા નહીં જાતા, ચાંદ મેં દાહ હૈ યે જાનતે હૈં હમ લેકિન રાતભર દેખે બીના ઉસકો રહા નહીં જાતા.’

કોઈને સંભળાવી રહ્યો છે. મને અમૃતલાલ વેગડનો એક નિબંધ યાદ આવે છે. એમાં આવી જ ચાંદની રાતે એ નર્મદાકિનારે સૂઈ રહ્યા છે ને ચાંદના ડાઘ જોઈ એમને વિચાર આવે છે કે આ તો ડાઘ નહીં પણ એનાં છૂંટણાં છે. સૌંદર્ય જોનારની આંખમાં હોય છે. યુગે યુગે એની વિભાવના બદલાય છે. યુગ જ શું કરવા, માણસની ઉંમરના તબક્કા પ્રમાણે પણ એ બદલાય છે. હવે ગાડી હું ચલાવું છું. રાતનાં અંધારાં-અજવાળાંમાં વાંકાચૂકા ઢાળવાળા રસ્તા પર ગાડી ચાલવાની જુદી જ મજા છે. એ વાત જુદી છે કે પ્રશાંતને મારા ડ્રાઇવિંગ પર વિશ્વાસ નથી. એમ છતાં અમે માચી આવી ગયા છીએ.

રાતના બાર વાગ્યાનો સમય થયો. ભજનમંડળીમાં હલકથી ભજનો ગવાઈ રહ્યાં છે. એક નાનકડી હોટલ ખુલ્લી છે. ચાની ચૂસકીઓ વગર તો રાત કેવી રીતે પૂરી થાય. બેઠા બેઠા ચાની સાથે ભજનરસ પણ પી રહ્યો છું. માંચીથી પગપાળા અમારી ચઢાઈ શરૂ થાય છે. પગથિયાંની બંને બાજુના નાના દુકાનદારો દુકાનોને પડદા આડા કરીને ત્યાં જ સૂતા છે. થોડાંક પગથિયાં ચડીને ખુલ્લી જગ્યાએ બાંકડા પર બેઠાં છીએ જ્યાંથી માચી, પાવાગઢની તળેટી અને હાલોલ શહેરને જોઈ શકાય છે. સરસર પવન વાઈ રહ્યો છે. ચોમાસામાં આ જ જગ્યાએથી પહાડને લપેટતા ઝરમર ઝરમર ધારાવસ્ત્રને જોયું હતું. અત્યારે ચંદ્ર પોતાની ચાંદનીનું વસ્ત્ર આખા પહાડને ઓઢાડી રહ્યો છે. મારા મોબાઇલમાં મેસેજ આવે છે. ‘ક્યાં છો?’ હું જવાબ લખું છું, ‘રામગિરિ પર.’ સામેથી પ્રશ્ન આવે છે, યક્ષ માટે તો સંદેશો લઈ જવા મેઘ હતો. આજે તો ચૈત્રની ચાંદની છે તો તમારો સંદેશો કોઈ લઈને આવશે?’ મેં જવાબ વાળ્યો, ‘આ ચાંદની જ મારો જવાબ લઈને આવશે.’ મિત્રો પણ પોતપોતાના મોબાઇલની દુનિયામાં ખોવાઈ ગયા છે. એક સમયે જે આપણી એકદમ નજીક હોય છે એ જ ક્યારેક જોજનોના જોજન દૂર હોય છે. ને માટે જ જાણે કે હરીશ મીનાશ્રુ લખે છે,

ત્વચા ઉપર નિરંતર તમારો સ્પર્શ મળે ને દૂરતાનાં કેટલાં પ્રકાશવર્ષ મળે?’

એક ક્ષણે જે ત્વચા જેટલું નજીક છે એ જ બીજી ક્ષણે પ્રકાશવર્ષ જેટલું દૂર થઈ જાય છે. કદાચ આ જ માણસની નિયતિ હશે! થોડી વાર માટે બાંકડા પર જ સૂઈ ગયો. ઊઠ્યો તો બે વાગ્યા છે. મિત્રો હજી ફોન પર વાતો કરી રહ્યા છે. મેં કહ્યું, ‘ચાલો મિત્રો, ભૂખ લાગી છે. હાઈવેની કોઈ હોટલ પર નાસ્તો કરીશું?’ ચાંદનીનું સામ્રાજ્ય ધીરે ધીરે સમેટાઈ રહ્યું છે. માચીની નીચે ઊતરતાં ચાંપાનેરના અનેક ખંડેરો આગળથી પસાર થઈએ છીએ. સદીઓનો ઇતિહાસ અહીં ઊભો રહી ગયો છે. કેટકેટલી તોપોના ગોળાના ઘાવ સહન કરીને એ હજી ઊભા છે. હું વિચારું છું કે કાશ… મારી પાસે ટાઇમ મશીન હોત ને હું એ સમયમાં જઈ શકત! ગાડી ઊભી રહી ને હું વર્તમાનમાં પાછો આવ્યો. રાત્રે ત્રણ વાગે શું નાસ્તો કરવો એની ચર્ચા ચાલી. આજે જ કોઈકે સેવઉસળ ખાવાની વાત કરેલી. અને આમ પણ હાલોલ હાઈવે પરની સર્વોત્તમ હોટલનું સેવઉસળ વખણાય છે. એક વખત તો અમે વિદ્યાનગરથી સેવઉસળ ખાવા જ અહીં આવ્યા હતા. મેં તો એનો જ ઑર્ડર આપ્યો. ને ચા તો હોય જ. કમલેશે કહ્યું કે ‘ચા તો અજયસર સરસ બનાવે છે.’ કૉલેજમાં પણ અમારા ચાર નંબરમાં સતત ચાની ચૂસકીઓ ચાલુ જ હોય. હોટલ પરથી તૃપ્ત થઈ આણંદ તરફની સફર શરૂ થઈ. હું દૂર ઊભેલા પાવાગઢને જોઈ રહ્યો હતો ને ગાડીમાં ગીત વાગી રહ્યું હતું. ‘સો ગયા યે જહાં, સો ગયા આસમા, સો ગઈ હૈ સારી મંજિલે… યે સારી મંજિલે… સો ગયા હૈ રસ્તા…’