ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/દેવોનું કાવ્ય

From Ekatra Wiki
Revision as of 07:43, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દેવોનું કાવ્ય

કાકાસાહેબ કાલેલકર

આ જ નામની પહેલી લેખમાળામાં મેં જે લખેલું તે, રાત્રિની સમૃદ્ધિ જોઈને મને થયેલો આનંદ મારી `વાસરી'(ડાયરી) માટે શબ્દબદ્ધ કરતો હતો તે હતું. એ પ્રવૃત્તિ મારા નિજાનંદની, આત્મનેપદી અને `સ્વાન્ત:સુખાય’ હતી; જ્યારે આ નવી લેખમાળા પરસ્મૈપદી લખાણ છે. મને થયું કે આ વખતે અધ્યાપનશક્તિનો જરા ઉપયોગ કરું અને માત્ર સૂચનાઓ જ આપીને અટકું.

પણ મારે કમનસીબે વાચકો પુસ્તકી આંખે જ બધું જુએ છે. એનો ઉપાય શો?

સન ૧૯૩૨માં ગાંધીજીએ યરવડા જેલમાં આકાશનાં નક્ષત્રોનું કંઈક અધ્યયન કર્યું અને આકાશદર્શન કરતાં કરતાં તેમના મનમાં જે વિચારો આવ્યા તે એકબે પત્રોમાં એમણે વ્યક્ત કર્યા. એ પત્રોમાં ગાંધીજીએ જે લખ્યું છે તેનો સાર આ છે:

“સત્યના પૂજારીના રસને અંત જ ન હોય. જે જ્ઞાનથી હું સત્યદેવની વધારે પાસે જાઉં એમ લાગે તેની પાછળ જવામાં ઘડપણ આડે નથી આવ્યું. જ્યાં સહેજે ઈશ્વર છે તેનું નિરીક્ષણ હું કેમ ન કરું? ઈશ્વરની મહાન લીલા નીરખવાની આ તક કેમ જવા દેવાય?

“આકાશ એટલે અવકાશ. આપણા શરીરમાં અવકાશ ન હોય તો આપણે એક ક્ષણ પણ ન જીવી શકીએ. જેમ શરીરને વિશે તેમ જ જગતને વિશે સમજવું. પૃથ્વી અનંત આકાશથી વીંટળાયેલી છે. તેની ધરી ૭,૯૦૦ માઈલ લાંબી છે. પણ આકાશ પોલું છે. આ અનંત આકાશમાં પૃથ્વી એક રજકણ સમાન છે, ને તે રજકણ ઉપર આપણે તો રજકણનું પણ એક એવું તુચ્છ રજકણ છીએ કે તેની ગણતરી જ ન થઈ શકે. આમ શરીર રૂપે આપણે શૂન્ય છીએ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ કે અલ્પોક્તિ નથી. આપણું શરીર તુચ્છ છે. તેનો મોહ શો? તે પડે તો શોક શો?

“આ શરીર આમ તુચ્છ હોવા છતાં તેની મોટી કિંમત છે, કેમ કે તે આત્માનું, અને સમજીએ તો પરમાત્માનું – સત્ય-નારાયણનું – નિવાસસ્થાન છે.

“આ વિચાર જો આપણા હૃદયમાં ઘર કરે તો આપણે શરીરને વિકારનું ભાજન બનાવવાનું ભૂલી જઈએ. પણ જો આકાશની સાથે આપણે ઓતપ્રોત થઈએ અને તેનો મહિમા સમજી આપણી અધિકાધિક તુચ્છતા સમજી લઈએ તો આપણો બધો મદ ઊતરી જાય.. આકાશમાં સૂર્યનારાયણ એક દિવસને સારુ પણ પોતાની અતંદ્રિત તપશ્ચર્યા બંધ કરે તો આપણો નાશ થાય. તેમ જ ચંદ્ર પોતાનાં શીત કિરણો ખેંચી લે તોપણ આપણા એ જ હાલ થાય અને અનુમાનથી આપણે કહી શકીએ છીએ કે રાત્રિના આકાશમાં જે અસંખ્ય તારાગણ આપણે જોઈએ છીએ તે બધાને આ જગતને નિભાવવામાં સ્થાન છે. એમ આપણો આ વિશ્વમાં બધા જીવોની સાથે, બધા દેખાવોની સાથે બહુ ગાઢ સંબંધ છે, ને એકબીજાના આશ્રયે આપણે ટકીએ છીએ. એટલે આપણે આપણા આશ્રયદાતા આકાશમાં વિચરતા દિવ્ય ગણોનો થોડોઘણો પરિચય કરવો જ જોઈએ.

“એમાં તો શંકા જ નથી કે આકાશ અને આપણી વચ્ચે જેટલાં અંતરાય આપણે મૂકીએ છીએ તેટલે અંશે આપણે શરીરને, મનને અને આત્માને હાનિ પહોંચાડીએ છીએ. આપણે સ્વાભાવિક રીતે રહેતા હોઈએ તો ચોવીસે કલાક આકાશ નીચે જ રહીએ. એમ ન થઈ શકે તો જેટલો સમય તેમ કરી શકાય તેટલો સમય રહીએ. આકાશદર્શન એટલે તારાદર્શન તો રાત્રિના જ થાય અને વધારે સારામાં સારું તે સૂતાં થઈ શકે છે. એટલે આ દર્શનનો જે પૂરો લાભ ઉઠાવવા માગે તેણે તો સીધા આકાશ નીચે જ સૂવું જોઈએ. આસપાસ ઊંચાં મકાન કે ઝાડ હોય તો તે વિઘ્ન કરે છે.

“આકાશ નિહાળતાં આંખને શાંતિ થાય છે. ફેફસાંને શુદ્ધ હવા મળે છે.. જેમ જેમ આપણે આ ઈશ્વરના ચમત્કારનું ધ્યાન કરીએ છીએ તેમ તેમ આત્માનો વિકાસ જ થાય. જેને રોજ મેલા વિચારો અને રાત્રિનાં સ્વપ્નો આવતાં હોય તે બહાર સૂઈ આકાશદર્શનમાં લીન થવાનો પ્રયત્ન કરી જુએ. તેને તુરત નિર્દોષ નિદ્રાનો અનુભવ થશે. આકાશમાં રહેલા ગણો કેમ જાણે ઈશ્વરનું મૂક સ્તવન કરતા ન હોય, એમ આપણે જ્યારે એ મહાદર્શનમાં ઓતપ્રોત થઈએ ત્યારે આપણે સાંભળતા જણાઈએ છીએ, જેને આંખ હોય તે આ નિત્ય નવો નાચ જુએ. જેને કાન છે તે આ અસંખ્ય ગંધર્વોનું મૂક ગાન સાંભળે.

“(સાંજની) પ્રાર્થના પછી તુરત આકાશદર્શન કરવું એ સારું છે. તેમાં ૨૦ મિનિટથી વધારે એકસાથે દેવાની જરૂર નથી. સમજે તે આને પ્રાર્થનાનો વિભાગ જ ગણશે. બહાર સૂવાવાળા એકલા જેટલો સમય ધ્યાન ધરવું હોય તેટલો સમય ધરે. થોડા જ વખતમાં તે જ ધ્યાનમાં તેઓ ઊંઘી જશે. રાતના જાગી જાય તો વળી ફરી થોડું દર્શન કરીએ. આકાશ પ્રતિક્ષણ ફરતું દેખાય છે. તેથી ક્ષણે ક્ષણે દર્શન બદલાયાં જ કરે છે.

“મારે સારુ આ નક્ષત્રો ઈશ્વરની સાથે અનુસંધાન કરવાનું એક સાધન થઈ પડ્યું છે. આશ્રમવાસીને પણ તેમ થાઓ.

“જેવું આકાશ સ્વચ્છ છે તેવા આપણે સ્વચ્છ થઈએ. જેવા તારા તેજસ્વી છે તેવા આપણે તેજસ્વી થઈએ. તેઓ જેમ ઈશ્વરનું મૂક સ્તવન કરતા લાગે છે તેમ આપણે કરીએ. તેઓ જેમ પોતાનો માર્ગ એક ક્ષણને સારુ પણ છોડતા નથી તેમ આપણે આપણું કર્તવ્ય ન છોડીએ.”

ગાંધીજીએ ઉપરના પત્રમાં જે આકાશદર્શનની ભલામણ કરી છે તેની કંઈક ઓળખાણ (યથાસંભવ દર મહિને) કરાવવાનો અમારો ઇરાદો છે. એકબે મહિનાઓ સુધી પ્રારંભિક સામાન્ય વાતો લખી વાચકોમાં આ વિશે રુચિ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આગળ જતાં કરોડો તારાઓ આખી રાત પોતાની મંગળ અને અથાક દૃષ્ટિએ આપણને નિહાળ્યા જ કરે છે તેમાંથી મુખ્ય મુખ્ય જ્યોતિઓની અને તેમનાથી બનતી કાવ્યમય આકૃતિઓની ઓળખાણ કરાવવામાં આવશે.

જો વાચકો પાસે જ્યોતિષના કોઈ ગ્રંથ હોય તો તેમનો ઉપયોગ કરવા તૈયાર રાખે. અહીં જ્યોતિષથી મતલબ છે આકાશની તારિકાઓ, ગ્રહો વગેરે જ્યોતિ, તેમનું દર્શન અને ગણિત. ફલજ્યોતિષ સાથે અમારે અહીં કંઈ નિસબત નથી. ફલજ્યોતિષ વિશે પણ યોગ્ય સમયે લખવામાં આવશે. પણ તે આપણાં આ દર્શન, અધ્યયન અને રસાસ્વાદનો વિષય નહીં બને. આપણે તો દેવની પરખ નથી કરવી, પણ દેવોના અજરાઅમર દિવ્ય કાવ્યનો રસાસ્વાદ લેવો છે જેને માટે વેદોએ પણ આજ્ઞા કરી છે:

‘देवस्य काव्यं पश्य न जजार न भ्रीयते।’

ઑક્ટોબર, ૧૯૩૮

કેટલાયે લોકો પૂછે છે, “આ તારાઓ જોવાથી લાભ શો છે?”

“સંગીત સાંભળવાથી અને કવિતા વાંચવાથી આપણને શું મળે છે?” એવો પ્રશ્ન જો કોઈ કરે તો તેને શો જવાબ આપવો? પાસાદાર અને રંગીન પથ્થરો માટે આટલી બધી ભારે કિંમત આપી લોકો શા માટે ખરીદે છે? અને તેમને જોઈ શા માટે આટલા ખુશ થાય છે? આવું જો કોઈ પૂછે તો આપણે તેને શો જવાબ આપીશું? ખરેખર, દર સાંજે નવી નવી રીતે દર્શન આપતા આ તારાઓ અને ગ્રહો દેવોનું એક અપ્રતિમ અને ચિરંતન કાવ્ય જ છે. એમને જોવાથી આપણને સાત્ત્વિક આનંદ પ્રાપ્ત થાય છે. અપાર શાંતિ મળે છે અને જેમનામાં યોગ્યતા છે તેમને આમાંથી અદ્ભુત પ્રેરણા પણ મળે છે. તેમનું અધ્યયન કરવાથી જીવનના આનંદની સાથે જીવનની એક ફિલસૂફી પણ પ્રાપ્ત થાય છે. છ આસ્તિક દર્શનોમાં તારકાદર્શનને ઉમેરી આપણે સાત દર્શનો પણ ગણાવીએ!

તારકાદર્શન અને તેમના અધ્યયનથી વ્યાવહારિક લાભ પણ કંઈ ઓછા નથી. રાત્રે આપણે જલ અથવા સ્થલ ઉપર ગમે ત્યાં હોઈએ, આપણે ક્યાં છીએ, કઈ દિશામાં આપણે જવું છે અને રાતના કેટલા વાગ્યા છે એ બતાવનાર આ એક ઘડિયાળ છે. ફરક એટલો જ કે સાધારણ ઘડિયાળોને આપણા ખિસ્સામાં રાખવાં પડે છે ત્યારે આ સનાતન ઘડિયાળના ખિસ્સામાં આપણે બધાને રહેવું પડે છે! સ્થળ-કાળસૂચક આ અજબ ઘડિયાળ આપણા અસંખ્ય વડવાઓને પોતાના ખિસ્સામાં રાખતી આવી છે. અને આપણા અનંત વંશજોને પોતાના ખિસ્સામાં એટલી જ સહેલાઈથી રાખશે. કંઈ ખબર નથી કે આ વિરાટ ઘડિયાળને કોણે ચાલુ કરી અને ક્યારે એને ચાવી આપવામાં આવી. લાખો, કરોડો અને અબજો વર્ષોનો તો એની આગળ કંઈ હિસાબ જ નથી. લાખો, કરોડો અને અબજો માઈલોનો હિસાબ તો એના પ્રાથમિક ગણિતમાં આવે છે. જ્યારે આપણા ગામના જ્યોતિષી આપણી જન્મપત્રી બનાવી આપે છે ત્યારે તેઓ આ વિરાટ ઘડિયાળના અનંત કાળમાં આપણો જન્મ ક્યારે થયો તેની ક્ષણ ટાંકી આપે છે. આપણે આપણા કાળનો આરંભ વિક્રમ, શાલિવાહન, ક્રાઇસ્ટ અથવા યુધિષ્ઠિરથી ગણીએ છીએ. પણ એ જ શકકર્તાઓનો જન્મકાળ આપણે કયા કાળારંભથી ગણીશું? અનંત કાળમાં કોઈ વિશિષ્ટ ક્ષણલવને આપણે કઈ રીતે ઓળખીએ? તે માટે તો આકાશનાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિનો જ સહારો લેવો પડશે.

રાતના અમુક વખતે કેટલા વાગ્યા છે એ જોવાની અને સમજવાની જરૂર પાંચ પ્રકારના માણસોને રહે જ છે. જ્યારે ઘડિયાળો ન હતી અને સંત્રી ઘંટા વગાડતો ન હતો ત્યારે લોકો આકાશ તરફ જોઈને જ સમયનો નિશ્ચય કરતા હતા. શાકુંતલમાં કણ્વ ઋષિનો શિષ્ય રાતના કેટલા વાગ્યા છે તે જાણવા આકાશની આ ઘડિયાળને જ પૂછે છે.

(૧) મોડી રાત સુધી વાંચનાર અને સવારે બ્રાહ્મમુહૂર્તે વહેલા ઊઠનાર વિદ્યાર્થી તારાઓ પરથી વખત ઓળખવાની જરૂર સમજે છે. (૨) સવારે ઊઠી પોતાના ખેતરે જનાર ખેડૂત તારાઓને જ સમય પૂછે છે. (૩) ભરતી-ઓટ જોઈ દરિયામાં વહાણ લઈ જનાર ખલાસીને તો નક્ષત્રવિદ્યા વિના એક પળ પણ ચાલી શકે નહીં. (૪) ગરમ દેશોમાં અથવા ઉનાળામાં રાતની ઠંડકમાં પ્રવાસ કરનાર મુસાફરોને તારાઓ વડે જ દિશાદર્શન અને કાળજ્ઞાન થાય છે. (૫) રાતના પોતાના લશ્કરને કૂચ કરાવનાર સેનાપતિ માટે તો આ તારાઓ જ ભોમિયાનું કામ કરે છે.

આપણી બધી ધાર્મિક ક્રિયાઓ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓના હિસાબે જ કરવામાં આવે છે. જ્યારે સૂર્યગ્રહણ થાય છે અથવા આકાશમાં ક્રોધી ધૂમકેતુ દેખાય છે ત્યારે તેટલા સમય માટે બધા લોકો નક્ષત્રવિદ્યાના રસિયા અથવા અભ્યાસી બની જાય છે.

આ વિદ્યાના અનંત લાભો છે અને આ છેલ્લાં સો વર્ષમાં તો આ વિદ્યાનો એટલો બધો વિકાસ થયો છે કે બધી વાતોનો વિચાર કર્યા પછી મોંમાંથી ઉદ્ગાર નીકળે છે કે આજ સુધી અનંતતા એ આપણે માટે માત્ર શબ્દ જ હતો. આપણને તેનો વાસ્તવિક ખ્યાલ ન હતો. હવે આપણે સમજ્યા છીએ કે અનંતતાનો ખ્યાલ કરવો એ કેટલું દુષ્કર છે.

સામાન્ય માણસે સૌથી પહેલાં પૃથ્વીની ગતિ, દિવસ-રાત્રિનું સ્વરૂપ અને અક્ષાંશ-રેખાંશ વગેરે પ્રાથમિક બાબતો વિશે જાણવું જોઈએ. અને ત્યાર પછી જ્યોતિષનો કોઈ પણ ગ્રંથ વાંચતાં પહેલાં અથવા કોઈની મદદ લેતાં પહેલાં પોતાની કુદરતી જિજ્ઞાસાને આધારે સવારસાંજ આકાશ તરફ જોતા રહેવું જોઈએ. જોતાં જોતાં સૌથી પહેલાં તારાઓના ઉદય અને અસ્ત તરફ ધ્યાન જશે. સાથે એ વાત પણ સમજાશે કે કેટલાક તારા બહુ મોટા હોય છે. જો શુક્લપક્ષની પૂર્વરાત્રિ હશે અથવા કૃષ્ણપક્ષની પાછલી રાત હશે તો જણાશે કે ચંદ્ર દરરોજ પોતાનું સ્થાન તારાઓની વચ્ચે બદલતો રહે છે. એ ભાઈસાહેબ દરરોજ અડતાળીસ મિનિટ મોડા ઊગે છે અને કૃષ્ણપક્ષ હોય તો દરરોજ ક્ષીણ થતા જાય છે અને એ જ ચંદ્ર શુક્લપક્ષ બેસતાં જાડો થતો જાય છે. પણ તારાઓમાં જોતાં દરરોજ એક નક્ષત્ર આગળ જ દોડે છે, કારણ કે નક્ષત્રોનો ક્રમ પશ્ચિમથી પૂર્વ તરફ ગણાય છે.

કેટલાક દિવસો સુધી દરરોજ જોવાથી આપણને સમજાશે કે આજે ઊગનાર તારો કાલે તે જ જગ્યાએ લગભગ ચાર મિનિટ વહેલો ઊગે છે અને દરરોજની પોતાની ગણતરી પ્રમાણે પૂર્વથી પશ્ચિમ સુધીનો પોતાનો માર્ગ વટાવતો જાય છે.

નવા શીખનાર માટે દક્ષિણ બાજુએથી જોવાની શરૂઆત કરવી સારી નથી. તેમણે શરૂઆતમાં પશ્ચિમ બાજુએ જોવું જોઈએ, કારણ કે ત્યાંના તારા જલદી આથમી જાય છે. પશ્ચિમને પોતાની કરી લીધા પછી પોતાની દૃષ્ટિ પૂર્વ બાજુએ લઈ જવી જોઈએ અને ત્યાં મરજી પ્રમાણે તારાઓનો ઉદય નિહાળવો જોઈએ.

જો ઉત્તર દિશા બરાબર હાથ આવી જાય તો ત્યાં પોતાનું સ્થાન કદીયે ન છોડનાર સુનીતિ-કુમાર ધ્રુવ દેખાશે અને તેની ચારે બાજુએ ભ્રમણ કરનારા કેટલાક તારાઓના સમૂહ દેખાશે. અંગ્રેજી એમ(M)ના જેવો પણ બહુ જ વાંકો એક તારાસમૂહ પણ દેખાશે. અને જો સવારે ચારપાંચ વાગ્યે ઊઠી જોવામાં આવે તો તે Mની પાછળ પાછળ આવનાર સાત તારાઓ એક પતંગ અને તેની પૂંછડી જેવા જમણી બાજુએથી ઊંચે આવેલા દેખાશે.

દક્ષિણ બાજુએ ઉપર જોવાથી તો અનેક કોહિનૂરોથી શોભતી ગોવલકોંડાની ખાણ જણાશે. આપણી કલ્પના અહીં પણ અનેક આકૃતિઓની રચના કરી શકે છે. કોઈને પૂછ્યા વિના આપણી કલ્પનાને દોડવા દેવી જોઈએ. વેદકાળના ઋષિઓ, ઇજિપ્ત અને એબિસિનિયાના હબસીઓ, ખાલ્ડિયાના જ્યોતિષીઓ અને ચીનના મંડારિનો (પંડિતો) જ્યારે આકાશ તરફ જોતા હતા ત્યારે તેમને શીખવનાર કોણ હતું? આશ્ચર્ય પામી તેમણે જોયું, જોઈને કલ્પના દોડાવી અને ધીરે ધીરે નક્ષત્રવિદ્યા વિકાસ પામી. આપણે પણ તે જ ઋષિઓનું અને અરબ મુસાફરોનું અનુકરણ કરવું જોઈએ. આમ પોતાની નક્ષત્રવિદ્યાનો ઠીક ઠીક પ્રારંભ થયા પછી બીજાઓની મદદ લેવી જોઈએ. વાચકો પોતાની જિજ્ઞાસાવૃત્તિને જાગ્રત કરી સવાર-સાંજ રાતના આઠ વાગ્યે તથા મળસકે પાંચ વાગ્યે કેવળ દસ દસ મિનિટ આપશે તો તેમને અમૂલ્ય રત્નલાભ થશે. થોડોક સમય અને થોડુંક ધ્યાન અપાય તો પછી એથી કંઈ વિશેષ આપવું પડશે નહીં. બાકીનું બધું મફત જ મળી શકશે.

નવેમ્બર, ૧૯૩૮

ધ્રુવનો તારો ગમે ત્યાંથી જુઓ, તે ઉત્તર બાજુએ એક જ જગ્યાએ સ્થિર અને અચલ જેવો દેખાય છે. આપણે જે સ્થળે હોઈએ તે સ્થળના જે અક્ષાંશ હોય તેટલા જ અંશ ક્ષિતિજથી ઊંચે એ નજરે પડે છે. હિંદુસ્તાન અક્ષાંશ ૬ અને ૩૬ વચ્ચે છે. કન્યાકુમારીથી જો જોવામાં આવે તો ધ્રુવનો તારો લગભગ ક્ષિતિજ ઉપર જ જણાશે; અને જેમ જેમ આપણે ઉત્તર તરફ આગળ વધીશું તેમ તેમ તે ઊંચે ચડેલો જણાશે.

હવે આપણે એક છત્રી લઈએ અને તેને ઉઘાડી એવી રીતે પકડીએ કે તેની દાંડીનો છેડો બરાબર ધ્રુવની સીધી લીટીમાં હોય. પછી તેને ધીરે ધીરે પૂર્વથી પશ્ચિમ તરફ ફેરવીએ તો આકાશની ગતિ સારી રીતે આપણા સમજવામાં આવશે. છત્રી જો બાર સળિયાની હશે તો તો બે સળિયા વચ્ચેનું એક ગતિનું અંતર ૨ કલાક જેટલું હોય છે. એ માપ પણ હાથ આવી જશે. ૨૪ કલાકમાં આખું આકાશ એક પરિક્રમા પૂરી કરે છે. જો હવે આપણે આ છત્રીને આકાશનો ઉત્તર ગોળાર્ધ માનીએ અને ૨૪ કલાકમાં તેની પરિક્રમા પૂરી કરીએ તો બરાબર આપણા આકાશનું અનુકરણ થશે; અને વધુમાં જો છત્રીમાં અંદરની બાજુએ મુખ્ય મુખ્ય તારાઓનાં સફેદ ટપકાં કરી દઈએ તો આકાશના તારાઓની ગતિનો પણ આપણને ખ્યાલ આવશે. (સ્વદેશી છત્રીઓ બનાવનારાઓ જો તેના અંદરના ભાગમાં ધોળા રંગથી તારાઓનાં ચિત્ર બનાવી દે તો તારાપ્રેમી લોકોમાં આવી છત્રીઓની ખપત સારી થાય.)

આપણે આપણા દેશમાં સહેલાઈથી જોઈ શકીએ છીએ કે જે તારાઓ બરાબર પૂર્વમાં ઊગે છે તે આપણા માથા ઉપર આવતા નથી, પણ દક્ષિણ તરફ ઝૂકેલા હોય છે. ૨૧મી માર્ચે અને ૨૨મી સપ્ટેમ્બરે જ્યારે દિવસ અને રાત સમાન હોય છે અને સૂર્ય બરાબર પૂર્વમાં ઊગે છે ત્યારે મધ્યાહ્ને આપણો પડછાયો બરાબર પગ તળે આવતો નથી, પણ ઉત્તર તરફ ઝૂકેલો હોય છે, કારણ કે સૂરજ દક્ષિણ તરફ ઝૂકેલો હોય છે.

આકાશનું જે બિંદુ બરાબર આપણા માથા ઉપર હોય છે તેને `ખ-સ્વસ્તિક’ કહે છે. માર્ચની ૨૧મી અને સપ્ટેમ્બરની ૨૨મી (આ દિવસોને `વસંતસંપાત’ અને `શરદસંપાત’ કહે છે)ના મધ્યાહ્ને સૂર્ય ખ-સ્વસ્તિકથી દક્ષિણ બાજુએ, આપણા સ્થળના અક્ષાંશ જેટલો જ ઝૂકેલો હોય છે.

વાચકો જરાય ગભરાય નહીં, અમે તેમને જ્યોતિષશાસ્ત્રના ચક્રવ્યૂહમાં ફસાવવા માગતા નથી. રાત્રે અને મળસકે આકાશ જે દિવ્ય અને ભવ્ય પારિજાતકના ઝાડ જેવું વિકસેલું સહેજે દેખાય છે તેનો આનંદ માણવા માટે જેટલી સામગ્રીની જરૂર હશે તેટલી જ અહીં યથાસમયે આપીશું.

મૃગ નક્ષત્ર સાંજે પૂર્વમાં ઊગેલું જણાશે. તેના ચાર પગ અને તેના પેટમાં પેસી ગયેલું ત્રણ તારાઓનું એક તીર સ્પષ્ટ દેખાય છે. આજકાલ આ જ મૃગ નિશાદેવીના રથને જોડવામાં આવે છે. સાંજથી લગભગ ઉષ:કાલ સુધી મૃગ નક્ષત્ર રાત્રિનો રથ ખેંચે છે અને લગભગ ચાર વાગ્યે સવારે તે પશ્ચિમમાં અદૃશ્ય થઈ જાય છે. આથી જ આ રાત્રિઓને ‘मृग-नीता-रात्रय:’ કહે છે.

આ મૃગનો પીછો પકડનાર એક ઉજ્જ્વલ તારો ઊગે છે. એનું નામ વ્યાધ કે લુબ્ધક છે. મૃગના પેટમાં ઘૂસનાર જે ત્રણ નક્ષત્રોનું બાણ છે તેના જ સીધાણમાં આ લુબ્ધક દેખાશે. અંગ્રેજીમાં એને `સિરિયસ’ કહે છે. આ તારો આપણી પૃથ્વીથી એટલો બધો દૂર છે કે તેનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતાં આઠ વર્ષથી પણ વધારે સમય લાગે છે. આપણા સૂર્ય કરતાં તેનો પ્રકાશ છવ્વીસ ગણો છે.

આ લુબ્ધકની આસપાસ પાંચ એવા તારાઓનું જૂથ છે કે જેને આ સાથે મેળવી દેવાથી એક કૂતરાના જેવી આકૃતિ બની જાય છે. તેને `દિવ્ય શ્વાન’ પણ કહેવામાં આવે છે. `દિવ્ય શ્વાન’ની આકૃતિ આજકાલ ચાર વાગ્યે જોવા મળશે. પશ્ચિમમાં જોવી જોઈએ. પણ જ્યારે મૃગ પશ્ચિમ ક્ષિતિજ પર અદૃશ્ય થવાની તૈયારીમાં હોય છે ત્યારે આ કૂતરાનો વેગ જોવા જેવો હોય છે. ઈર્ષ્યાથી પોતાની પૂંછડી સીધી ટટ્ટાર કરી મૃગની પાછળ જાણે ઝાપટે છે. એ કૂતરાનું માથું લુબ્ધકનો તારો જ છે. તેની નીચેનો તારો તે તેનો આગલો પગ. તેનો પાછલો પગ દક્ષિણ તરફ હોય છે અને ઘણો ટૂંકો હોય છે. તેની સમકોણે લગભગ એટલી જ લાંબી તેની પૂંછડી જણાશે.

જ્યારે આ કૂતરો પૂર્વમાં ઊગે છે ત્યારે બિચારો એવો દીન દેખાય છે જાણે ફાંસીએ ચડવા જતો હોય; પણ જેમ જેમ ઉપર ઊંચે ચડે છે તેમ તેમ તેનું જોમ અને તેની શોભા વધે છે.

કહે છે કે મૃગવ્યાધ અથવા લુબ્ધકનો રંગ જૂના વખતમાં મંગળના જેવો લાલ હતો. આજકાલ તે તદ્દન ઉજ્જ્વલ ધોળો જ છે. આ વિશે અથર્વવેદમાં કહ્યું છે:

अप्सुते जन्म दिविते सधस्थ्यं समुद्रे अन्त: महिमाते पृथिव्याम्। शुनो दिव्यस्य यत् म: तेन ते हविषा विधेम॥

`સર્વોદય’, જાન્યુઆરી, ૧૯૩૯

આજકાલ સવારના ચારથી સાડા પાંચ છ વાગતાં સુધીમાં આકાશ તરફ જોવાની વિશેષ મજા આવે છે. પૂર્વ બાજુમાં મોં રાખી કંઈક જમણી બાજુએ જોઈએ તો ત્યાં ત્રિશંકુ દેખાશે. યુરોપિયન લોકો તેને `સધર્નક્રોસ’ કહે છે. ક્રોસની ઊભી અને આડી લીટી બરાબર સમકોણ નથી, છતાં પણ એ સધર્નક્રોસને ઓળખી કાઢવો મુશ્કેલ નથી.

જો સંદેહ રહેતો હોય તો તેની તરફ આંગળી ચીંધનાર જયવિજયની વાંકી લીટી જોઈ લેવી જોઈએ. સ્વર્ગના આ જયવિજય દ્વારપાળો બતાવે છે કે જુઓ પેલો ત્રિશંકુ નીચે પડે છે અને પેલો રાજાનો પુરોહિત તેને કહી રહ્યો છે કે પડશો નહીં.

આ સધર્નક્રોસ ઊગતાં પહેલાં તે જગ્યાએ એક બીજો ક્રોસ ઊગે છે. તેને અંગ્રેજીમાં ફોલ્સ (નકલી) ક્રોસ અથવા કૅરેના કહે છે. આજકાલ સવારે પાંચ વાગ્યે સાચો ક્રોસ એટલો તો સરલ દેખાય છે કે વધારે જમણી બાજુએ કૅરેનાને શોધવાની જરૂર જ રહેતી નથી. અસલને મૂકી આપણે નકલ પાછળ શા માટે જઈએ? અને મધરાતે ઊઠીને એ કૅરેનાને જોવાની તકલીફ પણ કોણ લે? સાડા પાંચ વાગ્યે અથવા ત્યાર પછી જ્યારે આપણે પૂર્વ તરફ જોઈએ છીએ ત્યારે આજકાલ સૌથી ઉપર વિશાખાના બે તારા, તેની નીચે લટકતો મંગળ, તે પછી અનુરાધા નક્ષત્ર, તેની નીચે પેટમાં પારિજાત સાથે જયેષ્ઠાના ત્રણ તારા અને તે પછી મૂળ – આટલાં નક્ષત્રો દેખાય છે. જૂના વખતમાં વિશાખાને રાધા કહેતા, તેથી તેના પછી આવનાર નક્ષત્રનું નામ અનુરાધા પડ્યું. વાચક મંગળને અનુરાધાના પેટમાં પેસી ગયેલો જ જોશે.

આ અનુરાધા અને તે પછી આવનાર બે નક્ષત્રો જ્યેષ્ઠા અને મૂળ મળી વૃશ્ચિક રાશિ થાય છે. સ્વચ્છ આકાશમાં આ મોટો વૃશ્ચિક સહેલાઈથી ઓળખી શકાય છે. અનુરાધાના ચાર તારા આડા હોય છે. આ વીંછીનું માથું છે. જ્યેષ્ઠાના ઊભા ત્રણ તારા તે વીંછીનું પેટ છે, અને ત્યાર પછી અવળા પ્રશ્નચિહ્નની અથવા ઊંધા `ટ’ની આકૃતિવાળું મૂળ નક્ષત્ર વીંછીનો ડંખ છે. આ ડંખને છેડે જે બે તારા છે તે ઘણા સુંદર દેખાય છે.

આ વૃશ્ચિકની ઉત્તર બાજુએ (આપણી ડાબી બાજુએ) આજકાલ શુક્રનો તારો ઘણો તેજસ્વી પ્રકાશે છે. આજકાલ શુક્રનું તેજ એટલું બધું હોય છે કે તેના પ્રકાશમાં આપણે આપણો પડછાયો પણ જોઈ શકીએ. શુક્રનું ચાંદરણું અથવા જ્યોત્સ્ના કવિઓમાં મશહૂર છે.

હું આ નોંધ લખી રહ્યો છું ત્યારે શુક્રની પાછળ પાછળ મસ્તક ઊંચું કરનાર બુધ દેખાય છે. પણ વાચકોના હાથમાં `સર્વોદય’ પહોંચતાં પહેલાં તો બુધ અસ્ત થઈ જશે. અર્થાત્ બુધ દર્શન આપે તે પહેલાં તો ઉષા પ્રસન્નતાથી હસવા લાગશે અને સૂર્ય પણ આકાશ પર પોતાનો અધિકાર જમાવી દેશે.

`સર્વોદય’, ફેબ્રુઆરી ૧૯૩૯

આજકાલના દિવસો તારાદર્શન માટે તેમ જ નક્ષત્રવિદ્યા શીખવા માટે ઘણા અનુકૂળ છે. સાંજે પશ્ચિમ તરફ ચંદ્રકળા વધતી જાય છે અને ચંદ્ર રોજ એક એક નક્ષત્રમાં પદાર્પણ કરતો જાય છે. પંચાંગમાં જોવાથી ચંદ્ર કયા નક્ષત્રમાં અને કઈ રાશિમાં કયે સ્થાને છે તે જણાય છે. પંચાંગમાં તો રાશિચક્રને ગણિતશાસ્ત્રની બાર રાશિઓમાં વહેંચવામાં આવે છે તથા એ જ ચક્રના પાછા સત્તાવીસ નક્ષત્રોમાં સરખા ભાગ પાડવામાં આવે છે.

હવે આકાશમાં જે નક્ષત્રો દેખાય છે તે તો ગણિતને હિસાબે એકસરખા અંતરે નથી હોતાં તથા સીધી લીટીમાં પણ નથી હોતાં. કોઈ નક્ષત્ર ઉત્તર તરફ ઝૂકે છે તો કોઈ દક્ષિણ તરફ ઢળે છે. આમ નક્ષત્રમાર્ગ ચાળીસ અંશ પહોળો છે એમ મનાય છે.

આકાશનો ગણિતવિભાગ જુદો અને નક્ષત્રવિભાગ જુદો છતાં નિરયન (જૂનું ગ્રહ-લાઘવીય) પંચાંગનો ગણિતવિભાગ તારાવિભાગો સાથે ઘણો મળતો આવે છે. એટલે ચંદ્ર અને બુધ, શુક્ર આદિ ગ્રહોની સ્થિતિ જોવાને માટે જૂનું પંચાંગ જ અનુકૂળ ગણાય છે.

હવે જુદાં જુદાં નક્ષત્રોના ઉદય-અસ્તની વાત કરીએ તેની સાથે ક્ષિતિજ પર એમના ઉદય-અસ્ત ચોક્કસ કઈ જગ્યાએ દેખાશે એ કહેવું ઉપયોગી થશે. પરંતુ નક્ષત્રોના ઉદય-અસ્તનાં સ્થાન દરેક અંશને માટે કંઈક જુદાં જુદાં હોય છે. હિંદુસ્તાનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં છ અક્ષાંશથી છત્રીસ અક્ષાંશ સુધી છે. આ હિસાબે વર્ધા એકવીસ અંશ પર હોવાથી હિંદુસ્તાનની બરાબર મધ્યમાં છે. `સર્વોદય’માં વર્ધાનો ગણતરી-હિસાબ આપીએ તો હિંદુસ્તાનમાં ગમે તે જગ્યાએ થોડોઘણો ફેરફાર કરવાથી હિસાબ મળી રહેશે.

પૃથ્વી પર અક્ષાંશ-રેખાંશ હોય છે તેમ આકાશમાં પણ હોય છે. પણ આપણે એમનો ઉપયોગ નહીં કરીએ. વહેવારમાં દરેક નક્ષત્ર કે તારાની `આલ્ટિટ્યૂડ’ – ક્ષિતિજથી ઊંચાઈ–જાણી લઈએ તો એ વધારે ઉપયોગી થાય છે, પણ આપણે એની પાછળ પણ નહીં પડીએ. વાચકો પાસે આપણે આટલા પુરુષાર્થની આશા થોડી જ રાખીએ છીએ! એક મોટું કાર્ડબોર્ડ અથવા લાકડાનું પાટિયું લઈને તેના પર એક મોટું વર્તુળ દોરવું અને એ વર્તુળ પર ઘડિયાળની જેમ એકથી બાર અંક લખવા. મિનિટના આંકા પણ પાડીને એ વર્તુળના સાઠ ભાગ કરવા. આ વર્તુળના કેન્દ્ર પર (ઘડિયાળના કાંટા ચોડવામાં આવે છે તે જગ્યાએ એક સ્ક્રૂ ઊંધો ઊભો કરવો. પછી મેદાનમાં જઈને એક જ મેજ પર આ પાટિયાને બારનો આંકડો ઉત્તર તરફ ધ્રુવની નીચે આવે એવી રીતે ગોઠવો, છના આંકડા આગળથી કેન્દ્રમાંના સ્ક્રૂના માથા પર જુઓ એની સામે ધ્રુવનો તારો આવે તો જાણી લેવું કે આપણું વર્તુળ બરાબર ગોઠવાયું છે.

પછી નવના આંકડા આગળથી કેન્દ્રના ખીલા તરફ જુઓ. ત્રણના આંકડા આગળ બરાબર પૂર્વદિશા આવશે. આથી ઊલટું ત્રણના આંકડા આગળથી કેન્દ્રને છેદીને નવના આંકડા તરફ જોઈશું તો પશ્ચિમ બિંદુ મળશે.

એ જ રીતે બારના આંકડા આગળ ઊભા રહીને કેન્દ્રને છેદીને છના આંકડાની સીધમાં ક્ષિતિજ તરફ જોઈએ તો દક્ષિણ બિંદુ મળશે.

આ જ હિસાબે ઘડિયાળનો એક મોટો ચંદો બનાવીને મેદાનમાં મેજ પર બેસાડી દઈએ અને વચ્ચે એક ખીલો ચોડીએ તો ક્ષિતિજના કોઈ પણ સ્થાનને આપણે નિશ્ચયપૂર્વક બતાવી શકીએ. આપણે એમ કહીએ કે અભિજિત પૂર્વ તરફ દોઢ વાગ્યાને સ્થાને ઊગે છે તો એનો અર્થ એવો નથી કે તે રાત્રે દોઢ વાગ્યે ઊગશે, પણ એનો અર્થ એ છે કે બરાબર ઉત્તર-પૂર્વ તરફ આપણે તેને ઊગેલો જોઈ શકીશું. આપણા મેજ પરના ઘડિયાળના ચંદા પર સાડા સાતના આંકડા આગળથી આપણે વચ્ચેના સ્તંભ સામે જોઈશું તો દોઢના સ્થાને ક્યાંક ડાબીજમણી બાજુએ અભિજિતને ઊગેલો જોઈશું. તે કેટલા વાગ્યે ઊગશે એ તો સ્વતંત્ર રીતે જોવું જોઈશે અને તેમાં પણ જે તારીખનો ઉદય લખ્યો હોય તેમાં રોજ લગભગ ચાર ચાર મિનિટનો ફરક પડતો જશે. બધાં નક્ષત્રોને આજના કરતાં આવતી કાલે લગભગ ચાર ચાર મિનિટ વહેલાં ઊગવાની આદત છે અને એ હિસાબે તેઓ ચાર મિનિટ વહેલાં આથમી પણ જાય છે.

જે નક્ષત્રો ઉત્તર ધ્રુવની તદ્દન નજીક હોય છે તેઓ તો ત્રણસો ને સાઠ દિવસ ક્ષિતિજ ઉપર જ રહે છે. એમને માટે ઉદય-અસ્ત છે જ નહીં.