ગુજરાતી નિબંધ-સંપદા/ભરત નાયક/આંબાવાડિયું

From Ekatra Wiki
Revision as of 10:54, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આંબાવાડિયું

ભરત નાયક

પાછલે બારણે વાડામાં કુવેડિયાની ગીચ ઝાડી. ત્યાં રાતાં – જાંબલી – લીંબોઈ પતંગિયાં ઊડાઊડ કરે. જંદાનાં ઝૂમખાં પવનમાં ઝોલાં ખાયા કરે. કેસરી પૂદવાળા ને સૂકા પીપળ પાનની રેષા જેવી પાંખવાળા વાણિયા ઠેકાઠેક કરે, અંદર હરડા ને ઉદરડા ફરે, ઉકરડે નોળિયો ગામના સરપંચની જેમ ડોક ઊંચી કરે. વાડે વાડે હારબંધ મારાણી, ઉપરથી તણખલાં લટકે, એને સુગરી આવી આવીને તાણી જાય. લટકતાં તણખલાંને ગાય ડોક ઊંચી કરી જીભથી સેરવી લે – તાનમાં આવી ડોક ધુણાવે, એવી એની ટોકરી રણકે. એવી જ અમારે ઘરને પાછલે બારણે કૂવાની ગરગડી બોલે – કેવી બોલે? બલિયા કોશ તાણતા હોય ત્યારે ઊંચકાઈ આવેલાં હીંચતાં ડબલાં ચીંચવાય કની, એવું બોલે, વાડામાં કૉ’લું કરે ત્યારે શેરડી પીલાય ને સાગનાં પિલાણિયાં બોલે કની, એવું બોલે. પાડોશી બેનપણી કૂવેથી પાણી ભરી ચોકમાંથી ઘરમાં ને ઘરમાંથી ચોકમાં – ખિસકોલીની જેમ અલપઝલપ ઝબક્યા કરે તે એની કેડમાં ઘડો, એમાંથી છલકાતું પાણી બોલે કની, એવું બોલે. આ બેનપણી ને બેચાર ભિલ્લુ લઈને કુવેડિયાની ઝાડી વચોવચ અડીખમ તોતિંગ આમલી આગળ – રાવટી તાણી બાંધી હોય એવી આમલી આગળ – અમે ઘર ઘર રમીએ. અમારી આ આમલી મરખે કલબલ કલબલ, બપોરે એમાં ડેરાકો, પછી ભંજાતુ થતામાં પાછી જીવતીઃ કાબર ને કાગડા ને બગલા સૌનો માળો પકડી લે, હરડા ને ખિસકોલા એનાં બાકોરાં પકડી લે, ભોજલાં ઉપરના કૂંપારામાં ઠરીઠામ થઈ જાય. ટીહલાણીએ ઝિલાયેલો ગુલાબી તડકો ધીમે ધીમે નંજવાતો જાય, એમાંથી સૂડા પસાર થઈ જાય, રતાશ પર ઓળો પથરાઈ જાય એટલે માથે વાગરાંની પાંખ વીંઝાવા માંડે, રાતની ગોદડીમાં આભલાં ચમકતાં હોય એમ કંસારી ત્રમત્રમી ઊઠે. તડાકા ને ચાંદરણાં ને વીજળી આગિયાના ઝબકારા પી પી માતીને લઠ્ઠ થઈ ગયેલી અમારી આ આમલીની ઝીણી ઝીણી કૂંણી, અડધી ધોળી મંજરીની ખાટીતમ પમરી ભોંય પર પથરાયેલી રહેતી, ત્યાં –

માટી-ઠીકરી-ચકમક-પથરા-તુલસીપાન લઈને, ચપટીક દાળિયા-ગોખ-ટોપરું ચોરીને રાંધાપીસી રમીએ. રમીએ એટલે? છતરી લઈને આવવાનું, ભાત રોપાવી આવેલો છે, ચાલ, જમાડ, એવું બોલવાનું. પછી ખજૂરીના પાંખિયાથી પંખાની હવા ખાવાની, ડોબાં પાણી પીએ એ હવાડીમાં હાથ-પગ ધોઈ પલાંઠી લગાવી ઝાપટવા બેસવાનું – ડખુંચોખા, પછી ઘોંટાઈ જવાનું – એકમેકનાં માથાં ટીંચતાં, ટાંટિયામાં ટાંટિયા ભેરવતા, હાહાઠીઠી કરતા, બકાબકી કરતા.

આમલીના થડ ફરતે કોઈ વાર અમને કોઈની પડતર ઘરવખરી જડી આવે. મંછાફૂઈની ગોબાવાળી પિત્તળની છીંકણીની દાબડી, કાળી એક દાંડીવાળાં ચશ્માં, એમાંથી છૂટો પડી ગયેલો બિલોરી કાચ જડી આવ્યો. વેરવિખેર એ વખરી કને હરડો ડોક નમાવીને કાચ વગરનાં ચશ્માંના ગોળ બાકોરામાંથી નીકળી ગયેલો. કાચ ઉપાડ્યો ત્યારે એની ફરતે લાલ મંકોડાનું ઝુંડ વીંટળાયેલું હતું. અમારી મંછાફૂઈના ટાંટિયા ભાંગી ગયેલા તે ઘસડાતી ચોકમાં આવે. તુલસીક્યારે દેવલા પૂજે, પછી આખો દા’ડો જાતે જ વાંસો ઘવડ ઘવડ કર્યા કરે. અમને જુએ એવી ભડકે. લાંબા હાથે ગાળ ફટકારે. ગાળ તે કેવી ગાળ? મરી ગ્યા, ભોંયમેલા, તાં કાં જંગલમાં ભોહરાઈ ગેયેલાં? ક્યે દાડે ટણકી ગયાં એ મંછાફૂઈ? એનાં ચશ્માંના બિલોરી કાચને તડકામાં આડું ધરી પૂમડું બાળ્યું. એક વાર પોંચાના વાળ અડધા જળી ગયેલા. પૂમડામાં ડીંગલાં, પાંદડાં ગોઠવીને બાળ્યાં. ત્રણ પથરા ગોઠવી ચૂલો પેટાવ્યો, એના તાપે કાંદા બાફ્યા. ને એમ ઉજાણી કરી.

વરસાદના દા’ડા આવે કે ભૂંરાટો થાઉં. એમાં મળ્યો દોસ્તાર, ખાનખૂન. એય તારે અદ્દલ આરસના ગોટા જેવો પઠ્ઠો. એની બેનની આબદા મારું. આંચી એટલે? કૂંડાળાની ગોટી ધારે એને ટોચી પાડે. હાથમાંની ગોટી ગગડાવીને નાંખે એવી આબાદ ગદીમાં. એ મને આમલી નીચે મળે. જ્યારે મળે કોઈનાં ને કોઈનાં કાતરિયાંની વાત કાઢી લાવે. પોતે ત્યાં કાતરિયે એ વખતે હાજર હોય પાછો. ગળે આંગળી મૂકી, તારા સમ તારા સમ કરીને સમ ખાયા કરે. વાતમાં તો – પાઁરીની કે કોઈની વઉની. મોઢું ભરીને બો ફક્કડ બૂબલાંની વાત ખાસ કાઢે. આપણને અંદરથી હેં? હેં? એમ થાય. પેટમાં પરપોટી ફૂટવા માંડે. બાકી હું મારા કાતરિયામાં જાઉં તો ત્યાં નકરાં અંધારાં ને ડેરાકો. બીજું કાંઈ કહેતાં કાંઈ નહીં. બે કાતરિયા વચ્ચે કામઠાંની ભીંત એટલે અડોશપડોશનાં ઘર લગી નજર આરપાર પૂગી જાય. છાપરાંનાં નળિયાંમાંથી તડકાના ટુકડા પડેલા હોય. નીચેના રસોડામાંથી આવેલો ચૂલાનો ધુમાડો ઉપર બાઝેલા બાવામાં ગૂંચળું વળી પડ્યો હોય. મોભે એકાદું વાગરું ટીંગાયેલું હોય તે આપણને ટીકી ટીકીને જોય. ગાર લીંપેલી મોટી કોઠી, અંદરથી ઊંચકાઈ આવેલો ધાનનો ઢગ ને ટોપલાં ને બેડી ને દાતરડાં પડેલાં ચૂપચાપ જોયા કરે. ગોળના ઘડા ને હવેજિયાનાં અથાણાંની સોડમ વીંટળાઈ વળે. પછી એકલો જ છે જો એવું ભાન થાય એટલે દાદરા ઊતરી પડવાના. એક વાર મારા બંને હાથની આંટી મારી એક કરી નાંખેલું કાંડું પકડીને મારા ધીરુકાકાએ આંખના ડોળા ફેરવી ધાક ઘુસાવી દીધી: ઉપર કાતરિયે મોવો આવતો છે, પૂરી દેવા. બીતાં બીતાં પૂછું, મોવો એટલે? તો કહે: ઉપર ગોળ ખાવા આવે. એને ગોળ બો ભાવે. મસમોટા ડોળા હોય, લાંબી પૂછડી હોય – ચાબુકની જેમ ફટકારે, વાઘમામાથી નાલ્લો ને બિલ્લીમાસીથી મોટો, ખબરબબર પડે કે? ઘડામાં મોઢું ઘાલે એટલી વાર – ગોળનો ઘડો આખો સફાચટ! એકવાર દોસ્તાર સાથે ગિલોલ લઈ શિકારે નીકળેલા. કેથ્થે મોવો દેખાયો નહીં. કોઠી ઠેકીને દાંતિયા કાઢતો એક બિલાડો પાછલી પૂંઠે જાય નાઠો – દાદીની વાંકી લાકડી જેવી પૂછડી ફટકારતો. આવી જ વાંકી પૂછડીવાળો હનુમાન ફળિયામાં દડબડ દડબડ ભાગતો જોઈને છાતીનાં પાટિયાં બેસી જતાં. રામલીલાની મંડળી મહિના લગી ગામના મંદિરમાં ડેરા નાંખતી. રાતના ખેલ ચાલે. ત્યાં રામ મોઢે ચૂના જેવો રંગ લગાવતા. કંકુ કાલવીને એનો લેપ ગાલે ને હોઠ પર લગાડતા. સીતા બનતો એ તરગાડો અસ્ત્રાથી દાઢી કરતો. ફળિયાના એક ખૂણે વચમાં કંતાનનો પડદો. માથે ચંદરવો. પડદા આગળ વાજાપેટી વાગે. ખેલમાં આગળ અયોધ્યા, પછી રામ-સીતા-લખમણ પડદા પાછળ જઈ પાછા આગળ આવે એટલે ત્યાં સીધું જંગલ. પેટ્રોમેક્ષના અજવાળાંમાં ફળિયાની રજ ઊડે. એવી રીતે આવે લંકા. મંજીરા ગાજી ઊઠે, ઢોલની થાપ પડે. એમાં પાછળ રાક્ષસો દોડે ફળિયાના બીજા છેડા લગી, ત્યાંથી પાછા પડદા લગી. આગળ ભાગે હનુમાન. એની ગાભાની પૂછડી ડાબે-જમણે ડોલતી પડદા પાછળ ગાયબ થઈ જતી… ઊભી પૂછડીએ બલાડાને ભાગતા જોઈ અમે એકબીજા સામે જોયું: દે તાળી, ગેલમાં આવી ગયા. દાંત કાઢવા લાગ્યા. દોસ્તાર દાંત કાઢે ત્યારે લાગે ચોરાંબલાના ખટમીઠા સવાદ જેવો.

આ દોસ્તાર ઘણી વાર મને જોઈને ગોધાની જેમ છીંકોટા મારે. રેતીના ઢગ પર ઊબડો પડીને આળોટે. આળોટે એટલે? એમ લાગે પાણી બહાર માછલું તરફડે. તંબૂરાના તાર પર આંગળી મારીએ કે તાર કેવો ધ્રૂજ્યા કરે? એટલા વેગથી એનાં ઢગરાં ઉછાળે. થાકે એટલે ઢીલોઢબ થઈ પડ્યો રહે. પછી ઢગ પર બેસી રહે – રહી રહીને માથેથી શિંગડી નચાવતો જાણે ગોધો, હસતો પાછો ચોરાંબલા જેવું. રાતના મારા ઘરે સૂવા આવતો. ઘર વળી કેવું? પહેલો માળો અડધો ચણાયેલો. પાછળનો ઓરડો જૂનો, અકબંધ કાતરિયાવાળો. એમાં અમે ઘોંટાઈ જતા. એક જ ખાટલો, એક રજાઈ, એમાં લપાઈ ઓઢોમોઢો કરી ગોટમોટ થઈ જવાનું. એકમેકને સૂંઘવાનું. જાંઘમાં હાથ પરોવવાના. ઘડીમાં એ ઉપર. ઘડીમાં હું. ઊંચેથી કોઈ જુએ તો લાગે કે રજાઈ ચોપડીમાં ચીતરેલી એવી અમીબા જેવી લાંબી-પહોળી થયા કરે. ખાટલાની કાછી ચીંચવાઈ ઊઠે, એના કકડી પડવાની ફડકમાં વચમાં વચમાં ચોંકીને થીર થઈ જઈએ. રજાઈમાંથી આંખો સરવી કરી બંને સાંભળીએ: આમલીમાં તમરાં બોલે, પકવાસામાં કંસારી બોલે. લાકડાં ને કપચીના ઢગ પર આગિયા ઊડે. મારાણી પાસે દેડકા સામટા ડ્રાંઉં ડ્રાંઉં કરે. પછી ટપ ઓલવાઈ જાય. બહારનાં ઝાપટાંની ઝીણી ભીની ફરફર નળિયાંમાં થઈને અમારી રજાઈ પર ઊતરે. રજાઈ અળગી થાય તો જીભને ટેરવે રમે. અમારા શ્વાસ ધોધમાર ઢેબરિયો વરસાદ. સુખના સિસકારા નીકળે. પછી અંદર ઊંડે જાણે વાદળાં અથડાય. વીજળીના કડાકા થાય. કેડમાં આંચકા જાગે. ચિક્કાર ચીકથી બધું તરબોળ થઈ જાય. પછી ક્યાંય લગી સોપો પડી જતો. શ્વાસ આસ્તે હળવો શમી જતો, પેટમાં પડી રહેતો ગોટપોટ થઈને. પોપચાં અધમણનાં થઈ આંખ પર ઢળી જતાં. આંખમાં અંદર, ઠેઠ તળિયે ઊંઘ – અંધારામાં પડ્યા કરતા વરસાદ જેવી – ઝમવા લાગતી. અમારો ખાટલો કાંઠેથી નીકળી પડેલો તરાપો – પથારી તરતી તરતી ફળિયામાં નીકળી – ફળિયાના નાકે ખોડિબારું. એ ખોડીબારમાં થઈને નીકળતી – ખોડીબારા સામે પારિજાત, જઈને એ પારિજાત નીચે પડી રહેતી. આખી રાત અમારી ઉપર પારિજાત વરસ્યાં કરતાં.

મારો આ દોસ્તાર સાચે કીમિયાગર બની ગયો. મળીએ કે આંખો ચમકી ઊઠે, એમાં આવનારી રાતનાં અજવાળાં પથરાઈ આવે. એમાં એણે ગમતીલો નુસખો સુઝાડ્યો. એક વાર વાડે ગયા, કહલું લઈને. ત્યાં એણે મારા લિંગ પર ટકોરા માર્યા. ટોપલીમાંથી જાણે ભોરિંગ જાગ્યો. પછી એના આંખના અણસારે ભોરિંગની ફણા ઉપર હથેળી ઓઢાડી. પહેલા એને પંપાળી, પછી હથેળી ઝંઝાવાતી બની ટૂટી પડી. ઉપરનીચે સરકી, ચાકમચાક. ચૂડ વધી. તળિયેથી સુખ ખળભળ્યું. ઊછળીને આખા ડિલે ફરી વળ્યું. એની છાલક આંખોથી ઊડી. છાકથી માથું લચી પડ્યું. ઘડીક તો બીક લાગી. એણે દાંત રમાડી, કીકી રણકાવી હંકારી મૂક્યું. કંઈ ની કંઈ ની, કર્યા કર, બીવાનું ની, જોજે ની લેર પડી જહેઃ હામ મળી તે હથેળીએ ફરી હડદોલો માર્યો. ત્યાં કૌતુકનો વારો. રગ સામટી ધણધણી ઊઠી. લમણાંમાં નગારા વાગવા લાગ્યાં. લોહી ફુવારો ઉડાડતું તાળવે ગયું. અડધો બેઠો થઈ ગયો. જોશબંધ ચીકની ધગધગતી દૂંદેડી છૂટી. સામેના પાલા પર, ચાર પર ઝિલાઈ ગઈ. ચીકને તાકી રહ્યો. નેવનાં ટપકતાં મટમેલાં ટીપાં જેવી ચીકાશ તણખલા પરથી દડી પડેલી. કોણ જાણે કેમ રડમસ થઈ ગયો. પેટમાં ખાડો પડી ગયો. રહી રહીને ચીકાશ જોઈ મોઢામાં મરચ આવી ગઈ. શિયાળાના દા’ડા. અમારું ઘર ચણાતું હતું. ત્યારે ઈંટ ને રેતી ભરી ભરીને ખટારો આવતો. એ ખટારો, એક રાતના કોઢારાની અડોઅડ પડ્યો હતો. પડખે રેતીના ઢગમાં ફાનસ અધમૂવું પડ્યું હતું. ગાવડાંને ઘાસ નીરી પાછો વળતો હતો. ખટારામાં બૅન્ડવાળાનું વાજું હોય એવું ભોપું લટકતું હતું. હું ગેલમાં આવી ગયો. ભૂંગળા જેવા મોઢામાંથી ભોંપ ભોંપ નીકળશે, રબ્બરના ફુગ્ગા જેવો દડો દબાવું? લાવ દબાવું, એમ કરીને આપણે તો ભોંપું કરવા હાથ ઉપર કર્યો તો ઠંડીગાર, જાણે ગોકળગાયના પેટ પરની ચીકાશ પર જઈને હાથ પડ્યો. રબરના રાતા એ ભોંપુ પર ચીકનો લેપ હતો. ઊંચા થયેલા મારા પંજાએ આગળની બેઠક પર હળવું હલનચલન અટકી જતું જોયું. થોડી વારે સળવળાટ શમી ગયો. એમાંથી ઊંડી ડાઘિયાએ કરી હોય એવી ઘૂઘવાટી સાંભળી. ગામની મંછી દૂબળી સાથે ખટારો ચલાવે એના પગ એકમેકમાં આંટી ભેરવેલા જોઈ લીધા. આ મંછીને તગારાં માથે અલ્લક તલ્લક ઊંચકી, આવતી-જતી ઘણી વાર મેં જોયેલી જો. હબડી, ઊંચી, વાને ઊજળી, કપાળે રાતો મોટો ચાંદલો રાખતી, કછોટામાં તસતસતી કાયા ને કીકીમાં થોડાં સાપોલિયાં. હોઠથી સહેજ વાંકું હસે એમાં ઓરા બોલાવી છેટા ધકેલી દે એવાં અડપલાં. મારો પંજો સંકોડાઈને ત્યાંથી આઘો જઈ સોડમાં ચિમાઈ ગયો – ફેણ ચઢાવી ઊભો થઈ ગયેલો ભોરિંગ પાછો મદારીની ટોપલીમાં ચિમાઈ જાય એમ. હાથમાં ચોંટી ગયેલા ચીકણા એ તાંતણાથી ત્યારે મગજ ખરડાઈ ગયું હતું.

રાતના વાડા પાછળ, કુમારશાળાના ચોગાનમાં તાપણું કરીને ઊબાડિયું કરતા. ફરતી મેર આંબાની હાર. દા’ડો આખો અહીં આમલી-પીપળી રમીએ. ભોજલાની જેમ હું એક ડાળીથી બીજીએ છટકીને ત્રીજા આંબા પર સરકી જાઉં. લપકતા પગના પંજા ડાળીની કરકરી છાલને સૂંઘે. આસ્તેથી ઊંચકાય. પતંગિયાની બે પાંખની જેમ હાથ અધ્ધર થાય. કાલાંમાંથી ઊડતા રૂના પોલ જેવું શરીર અધ્ધર થાય. ડાળી કકડી પડે. નીચે ખેરવાઈ જાય, ભેગા આપણે પછડાઈ ટાંટિયા ભાંગીએ, માથું નાળિયેરની કાચલીની જેમ ફૂટી એના ફૂરચા ઊડી જાય – એવો ફફડાટ અક્કલમાં અકબંધ હોય પાછો, તો બી એમાંથી છટકીને આંખ પાંદડાંમાં ફરે. એની લીલાશમાં તડકાની ભૂરાશ ઝિલાયેલી હોય એમાં નાક ફરે. આંગળા ડાળીઓમાં ફરે. પાંપણ પર કરોળિયાનાં જાળાં ચીટકી જાય. બગલમાં રાતી કીડીનો ચટકો ચોંટી જાય, ભાન કોને? પગ તો ઠેકતા એકથી બીજા આંબે ફરે. નીચે ભૂખરી ધૂળની ઊડતી ડમરી સાથે ભિલ્લુના દેકારા સંભળાય. નીચે હવાડા પર કાળિયાની ચામડાની મશક કૂવામાંથી બહાર ને બહારથી અંદર – અમારા શ્વાસ ચાલે એમ આવે ને જાય. આવે ને જાય વચમાં અવારનવાર તાપથી શેકાઈને ભંઠોડા જેવી કાળીભઠ્ઠ બની ગયેલી એ કાળિયાની ચામડી પર ચામડાની મશક ઢોળાય. ભેગું એના માથા પર પાણી ધોધની જેમ ઠલવાય – બધું બપોરી તાનમાં ઠેઠ તળિયેથી દાવ આપીને થાકેલા ભિલ્લુની ખાંખણીમાં જઈ ઠરેઃ ઊતર નીચે, ની તો મેલાવું. ડગ્ગર જોયો કે? આંડવો ખંખેરી લાખા, ઊતર… આ ચોગાનમાં પહેલાં તો ચાંદરણામાં પાણીના પાટા દોરીએ, પછી આટાપાટા રમીએ. થાકીએ એટલે પાછલી વારીમાં ઘૂસી વાલોળ માટલીમાં ભરીએ. મોઢામાં ઠાંસીએ કૂવેડિયાનો પાલો. પછી તાપણામાં ઊંધી મૂકવાની માટલી. ઊંધી મૂકેલી માટીના મઢા આગળ ભોંય પર ખોબોક પાપડી રાખવાની. આ ખોબોક પાપડી તે ડાકણ. માટલીની અંદરની પાપડી બફાઈ કે નહીં એની ખાતરી આ ડાકણને જોઈ કરી લેવાની, પડી કે હમજણ? ઉબાડિયું તૈયાર થઈ જાય પછી તૂટી પડવાનું. પાપડીના દાણા મોંમાં ઓરાતા જાય, છોટલાંના ઢગ વળતા જાય. વચમાં વચમાં દોસ્તારોમાં ગામગપાટા ચાલેઃ ભૂત-ડાકણની વાત નીકળે. વાતમાં વાત એવી હો નીકળતીઃ હવાડા પાસે પીપળાની બખોલમાં ભૂત ને ડાકણ રોજ રાતના એકમેક પર ચઢે જો. એમને કરાળિયા જેવી આંખો, પગના પંજા ચામાચીડિયા જેવા. એમના પોલા વાંસામાંથી પવન નીકળે સિસોટી મારતો. ભૂત-ડાકણની ચિકોટી લાગે ત્યારે પીપળાનું થડ બી હચમચી ઊઠે, ડાળ બધી હાલે, પાંદડાં પરના મકોડા ખરીને નીચે કૂવામાં પડે. પછી નાગ-નાગણની વાત ચાલેઃ એ બે સૂતરની આંટીની જેમ વીંટળાઈને, બે બે વાંભ ઊંચા થઈ થઈને ફેણને ફેણ અફાળે એમ ફૂંફાડે. એવી કેલિ કરે કે કાંટિયા ને કાંકરા ફંગોળાઈ જાય, ગાલ્લીખણ દળ ઊડે, જોઈને આપણા તો હાંજા ગગડી જાય. વાત અડધી મૂકી તાપણામાં જ મૂતરીને ભાગવું પડે.

ભાદરવો આવે કે કૂતરા-કૂતરીની ચિકોટી લાગે. મારું ચિત્ત ભાદરવાના એ કૂતરા જેવું. ફળિયાના માળિયે માળિયે જઈ સૂંઘી આવેઃ ક્યાં કોઈ ફાનસ નંજવાય છે? ખાટલાની દોરડી ચીંચવાય છે? પગની અડફટમાં ક્યાંક કોઈ કળશિયો ઢોળાય છે? ગોટી પંપાળતા, માંજો પાતા, નિશાળની પરબડીએ ખોબે ખોબે પાણી પીતા હથેળીની કમાલ જોયા કરું. ડાકણિયે જઈ ઘાસિયામાં પડ્યો રહું. ત્યાં ઘાસનાં મૂળિયાં ને માટી સૂંઘું. આળોટું. પડખેના ખનકામાં માટલું લઈને ખાબકું. માટલું પાણી પર ઊંધું, એ તરે ને પકડી તરતાં શીખું. પાણીમાંથી વનસ્પતિની વાસ આવે. મોઢામાં પાણી ભેગી શેવાળ આવી જાય. ત્યાંથી આંબાવાડીએ જાઉં. વાડીના ઊંડાણમાં, અંધારામાં ભરાઈ માંચડા પરની ઘાસની પથારી પર પડ્યો રહું. તણખલું પીઠને ખૂંચે તે સારું લાગે. ઉપરનાં પાંદડાં ગણું. પાંદડાં પરનાં ચળકતાં કિરણ છૂટાં પાડું. હથેળીમાં ભોરિંગ ઉછેરું. ઉપર ઝાડીમાંથી દેખાય આભલાની ભૂરાશ, એમાં દેખાય સમડી ચકરાવા લેતી. હથેળી રણઝણ રણઝણ રમવા માંડે. ક્યાંક હોલો બોલ્યા કરે. ગોઠામાંથી પવનના હિલાળે ખર્યે જતી કીડી પાંદડાં પર વરસાદનાં કરાંની જેમ ટપક્યા કરે. ધીરે ધીરે હથેળીમાં સરકતા ભોરિંગની ફણા કેવડા જેવી મઘમઘી ઊઠે. એમાં આંબાની ઘેરી લીલાશ ઊતરે, પછી એ ઘુઘવાટા મારે. પછી આંચકા. પછી ઉંદરથી, પાતાળકૂવામાંથી છૂટતો હોય એવો ધોધનો ઉછાળ… ત્યાં અચાનક સુક્કાં પાંદડાંનો ખખડાટ સંભળાય. થાકીને સફાળો બેઠો થઈ જાઉં. સામે જોયા જ કરુંઃ કાનની છતરી ચઢાવી ચમકીને ભાગી જતાં તપખીરિયાં, કૂણાં કૂણાં બે સસલાં – ઘાસ પરથી, શેઢા પરથી, વાડમાંથી નીકળીને સડસડાટ બાવળિયામાં ફલાંગતાં એકદમ નીકળી જતાં આઘે…