ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક

From Ekatra Wiki
Revision as of 10:56, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક

ભારતી રાણે

આઇસલૅન્ડનું એ સ્થાન બે રીતે વિશિષ્ટ હતું. એક તો સામે વહેતી નદીને પેલે પાર વિસ્તરેલા મેદાનમાં વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન પાર્લામેન્ટ ઊભેલી દેખાતી હતી અને બીજું કે સમગ્ર પૃથ્વીને અનેક ભૂખંડોમાં વેરવિખેર કરી દેનાર વિરાટ તિરાડ – ‘ધ ગ્રેટ રિફ્ટ’ને ત્યાંથી સ્પર્શી શકાતું હતું. આઇસલૅન્ડનું આ ગૌરવવંતુ સ્થાન. દસમી સદીના પૂર્વાર્ધમાં એટલે કે, છેક ઈ. સ. ૯૩૦માં અહીં વિશ્વની સર્વપ્રથમ પાર્લામેન્ટ સ્થપાઈ ત્યારથી માંડીને છેક ઈ.સ.૧૭૯૮ સુધી આઇસલૅન્ડની પાર્લામેન્ટ અહીં જ ભરાતી. દેશનાં અનેક ઐતિહાસિક નિર્ણયો અહીં જ લેવાયા. અને હવે ૨૦૦૪ની સાલથી આ સ્થાનને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહરનો અર્થાત્ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે. પાર્લામેન્ટ હવે અહીંથી ૪૦ કિલોમીટર દૂર રેઇકજાવિક શહેરમાં સ્થળાંતરિત થઈ ગઈ છે, પરંતુ આ સ્થાન સદાને માટે આરક્ષિત સ્થાન તરીકે જાળવવું એવો નિર્ણય પ્રજા તથા સરકાર તરફથી લેવાયો છે તેમજ આ વિસ્તારને નૅશનલ પાર્કનો દરજ્જો પણ અપાયો છે. દેશનું આ પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન – થિંગવેલિર નૅશનલ પાર્ક. થિંગનો અર્થ થાય ભેગાં થવું, અને વેલિર એટલે મેદાન. આમ આ સ્થાનના નામનો અર્થ મળવાનું મેદાન અથવા તો મેળાનું મેદાન એવો થાય છે.

અફસોસની વાત એ છે કે, માણસે કાયમ માટે જાળવવા ઇચ્છે આ સ્થાન નિરંતર તૂટી રહ્યું છે. આ સ્થળ મિડ ઍટલાન્ટિક રિજની રિક્ટ વેલી ઉપર ઊભેલું છે. મિડ એટલાન્ટિક રિજની એક તરફ નૉર્થ અમેરિકન ટૅક્ટોનિક પ્લેટ છે, અને બીજી તરફ યુરોએશિયન ટૅક્ટૉનિક પ્લેટ છે. બંને પ્લેટ વચ્ચે એક વિરાટ તિરાડ છે, જે નિરંતર પહોળી થઈ રહી છે. અનેક દેશોમાંથી પસાર થતી આ માઇલો લાંબી તિરાડ દર વરસે એ એક ઇંચ જેટલી પહોળી થાય છે. વરસો પછી એક દિવસ એ તિરાડ તૂટશે, ને ત્યારે ભૂતળ ભેદીને ધસી આવતા મહાસાગરના પ્રલયકારી વહેણમાં એની બંને તરફના ભૂખંડ અલગ અલગ દિશામાં તણાઈ જઈને કાયમ માટે વિખૂટા પડી જશે!

પાર્કના ઊંચા ઑબ્ઝર્વેશન પ્લૅટફૉર્મ ઉપર ઊભી રહીને હું સામે જરાક નીચાણ પર વહેતી ઑક્ષારા નદીને પેલે પારના મેદાનમાં ઊભેલું એ નાનકડું સુંદર મકાન જોઈ રહી છું. બાજુમાં એક ચર્ચ પણ દેખાઈ રહ્યું છે. માહિતીપત્રકમાં લખ્યું છે કે, એ સ્થાન સમગ્ર આઇસલૅન્ડિક પ્રજાનું મુખ્ય તીર્થસ્થાન છે. નદીનો પટ અત્યંત મનમોહક છે. ભૂરા આકાશ તળે નીલાં પાણીની લીલાંછમ ઘાસ સાથેની સજાવટ મનોહર છે. અમે ઊભાં છીએ, તે સ્થાનની સાવ નજીકમાંથી એક વિરાટ તિરાડ પસાર થતી દેખાઈ રહી છે. અમે એ તિરાડથી એટલાં તો નજીક છીએ કે જાણે એને અડીને ઊભાં હોઈએ એવું જ લાગે. તિરાડ દૂર સુધી લંબાતી અને પછી ક્ષિતિજમાં ઓગળી જતી હોય, તેવું લાગે છે. અહીંથી જરાક જ દૂર એ તિરાડ સોંસરવો એક રસ્તો ચાલ્યો જતો દેખાય છે, જેના ઉપર ચાલતાં છેક નીચે નદીકિનારાનાં મેદાનો સુધી પહોંચી શકાય તેમ છે. આખા દિવસની રઝળપાટનો થાક તો છે, વળી સાંજની વેળાએ પવનની શીતલહર વાતાવરણને થીજવવા લાગી છે, પરંતુ એ રરતા ઉપર ચાલવાનું પ્રલોભન રોકી શકાય તેમ નથી. અમે તિરાડ ઉપર લંબાતા રસ્તા ઉપર ચાલવા માંડીએ છીએ. બંને તરફની વિશાળકાય ભેખડો કુદરતના વૈરાટ્યની ઝાંખી કરાવે છે. ધરતીના પડ ઉપર નિરંતર ચાલ્યા કરતી ઘસારાની ને નવસર્જનની પ્રક્રિયાને આટલી નજીકથી નિહાળવાની એક વધારાની તક આજે મળી રહી છે. આ પહેલાં જૉર્ડનના પ્રવાસ દરમિયાન ગ્રેટ રિફ્ટ વૅલીમાં ઊંડાં ઊતરી જઈને મૃત-સમુદ્ર એટલે કે ડેડ-સીની મુલાકાત લીધેલી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કારૂના પ્રદેશમાં ફરતાં અમારી ગાઇડે સમજાવેલું કે, અણિયાળાં ઘાસથી છવાયેલા કારૂના વેરાન પ્રદેશની ભૂગોળ દેશનાં અન્ય સ્થળોથી સાવ જુદી છે. સહસ્રાબ્દીઓ પહેલાં લિટલ કારૂ અને ગ્રેટર કારૂ બંને પૃથ્વી પરનાં અલગ અલગ સ્થાન ઉપર સ્થિત ભૂખંડો હતા. પછી ક્યારેક ધરાતળમાં થતા ફેરફારોને કારણે એ ભૂખંડો પોતાની જીવસૃષ્ટિ સહિત સમુદ્રમાં ખેંચાઈ આવ્યા અને એકબીજા સાથે ભટકાયા. ત્યારથી આ કારૂનો પર્વતીય પ્રદેશ શાહમૃગોનું અભયારણ્ય બન્યો. આજે એ વાત યાદ કરતાં કલ્પના આવે છે કે, હવે આ રિફ્ટ વૅલી ક્યારેક તૂટીને બે ટુકડામાં વહેંચાઈ જશે, ને બંને ટુકડા જ્યારે દૂર દૂર ચાલ્યા જશે ત્યારે ન જાણે ક્યાં જઈ ભટકાશે! આજે નજર સામે ફેલાયેલી આ સુંદરતા, અહીં નિર્ભય વિચરતી સજીવસૃષ્ટિ, બધું જ ત્યારે કેવું વિખૂટું પડી જશે! એમાંથી કેટલું નાશ પામશે? કેટલું કોઈ અલગ જ પ્રકારના પર્યાવરણમાં પોતાની જિજીવિષાને સંકોરશે?

ખીણમાંથી પસાર થતા એ રસ્તે ચાલ્યા જતાં આ વિચાર કેડો મૂકતો નથી. જીવનમાં પણ ક્યારેક કોઈ સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ જાય ને પછી જે દૂરત્વ આવી જાય, કે પછી કોઈ સ્વજનને મૃત્યુની રિફ્ટ દૂર-સુદૂર કોઈ અજ્ઞાત સ્થાન તરફ ખેંચી જાય, અને પછી એ આપણા અને દિવંગત સ્વજનની વચ્ચે ક્યારેય ન મિટાવી શકાય તેવું અંતર પડી જાય, તે ઘટનાઓ સાથે કુદરતની આ વિરાટ ઘટનાને અલગ તારવી શકાતી નથી. આ વિરાટ તિરાડ જાણે કોઈ દૈવવશ તૂટેલો ઋણાનુબંધ હોય તેવું લાગે છે. ખરેખર, જીવન જ્યારે જ્યારે પ્રકૃતિ સમીપે લઈ ગયું છે, ત્યારે ત્યારે પ્રકૃતિ પણ જીવન સમીપે લઈ જતી હોય તેવું અનુભવાય છે. તીવ્રતમ સંવેદનાથી જીવનને સમજી શકવાની અને તેનો વિધેયાત્મક સામનો કરવાની તક પણ પ્રકૃતિ જ આપતી હોય છે.

રસ્તા ઉપર એક વહેળો દેખાય છે. એમાં ધોધની જેમ પાણી પછડાઈ રહ્યાં છે. એની. પાસે એક સાઇનબોર્ડ મૂકેલું છે, જેમાં સ્ત્રીઓનાં નામોની એક લાંબી યાદી છે. આ વળી શાનું લિસ્ટ હશે? વિસ્મયપૂર્વક એ બોર્ડ ઉપર લખેલું લખાણ હું વાંચી રહી છું. વાંચીને કમકમાં આવી જાય છે. એમાં લખેલું છે કે, પુરાણા જમાનામાં પતિ સાથે બેવફાઈ કરનારી અથવા વ્યભિચાર આચરનારી સ્ત્રીઓને સજા રૂપે અહીં લાવીને આ વહેળામાં ડુબાડી દેવામાં આવતી! આ રીતે આજ પર્યત અહીં ડુબાડવામાં આવેલી સ્ત્રીઓનાં નામોની એ યાદી હતી. એ વાત પણ નોંધપાત્ર હતી કે એમાં કોઈ પુરુષનું નામ નહોતું. માણસની સિદ્ધિઓનો ઇતિહાસ જેટલો વિશાળ છે, એટલી જ એની ક્રૂરતાની કથની પણ લાંબી છે. આકાશના તારાઓ જેટલા વિપુલ પ્રમાણમાં માનવતાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો જે રીતે વિશ્વના દરેકે દરેક સ્થળમાં વિખરાયેલાં દેખાય છે, તેટલી જ સંખ્યામાં એની ક્રૂરતાની કહાણીઓ પણ વિશ્વના દરેકે દરેક ખૂણે વિખરાયેલી જોવા મળે છે! એ પાણી પાસે વધારે વાર ઊભા ન રહી શકાયું. આવનારા સમયમાં સામે લંબાતી રિફ્ટ વૅલીમાં દટાઈ જનાર કલંક-કહાણીથી ઊફરાં ચાલી ન શકાયું. વિસ્મયથી માંડેલાં પગલાં વિષાદમાં અવલિપ્ત થઈને પાછાં વળ્યાં ત્યારે સૂરજ વિદાય લઈ ચૂક્યો હતો.