ગુજરાતી નિબંધ-સંપદા/શિરીષ પંચાલ/આ રહ્યું નરક

From Ekatra Wiki
Revision as of 10:44, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આ રહ્યું નરક

શિરીષ પંચાલ

જેમણે ગરુડપુરાણ વાંચ્યું છે તે બધા તેનાં વર્ણનોથી, મરણ પછી જીવની થતી અવદશાથી કંપી ઊઠે છે. નરકનું અતિશયોક્તિભર્યું વર્ણન પુણ્યશાળી – જો મ્યુઝિયમમાં સાચવવા જેટલા પણ વધ્યા હોય તો-જીવોને પણ કમકમાં ઉપજાવે છે. પણ હવે આપણામાંથી કોઈએ નરક માટે મરણની રાહ જોવાની જરૂર નથી. જહાંગીર જેલમનું મૂળ જોઈને બોલી ઊઠ્યો હતો કે દુનિયામાં જે કોઈ જન્નત હોય તો તે અહીં જ છે, અહીં જ છે. આપણી આ દિવ્યરત્ના વસુંધરા પરના કોઈ પણ શહેર માટે કહી શકાય કે દુનિયામાં જો ક્યાંય જહન્નમ હોય તો તે અહીં જ છે. દુનિયાની વાત બાજુ પર રાખીએ અને ભારતની જ વાત કરીએ તે તો ભાગ્યે જ કોઈ શહેર હવે આમાં અપવાદરૂપ હશે. ગરીબી, બેકારી, ભૂખમરો, જુગારખાનાં, વ્યભિચાર, ગુંડાગીરી, સ્ત્રીઓની છેડતી, ચીજવસ્તુઓની અછત, સવારના પહોરથી તેલ, કેરોસીન માટે લાગતી કતારો, જ્યાંત્યાં માણસોના રાફડા, ઘોંઘાટના ઉત્સવો, અરાજકતામાં ફેરવાઈ ગયેલો વાહનવ્યવહાર, બિહામણી-કદરૂપી તોતિંગ ઇમારતો, વૃક્ષો વિનાના માર્ગ, હવામાં કાર્બન મોનૉક્સાઇડ અને રસાયણોની ઉત્કટ દુર્ગંંધ; નાળાંઓમાં વહેતાં લાલ, કેસરી, ભૂરા, લીલાં, જાંબલી વિષ; સંપૂર્ણપણે અદર્શનીય બની ચૂકેલી નદી, રસ્તાની રેલિંગ આગળ કોઈપણ પ્રયોજન વિના ટોળે વળેલા, વાતચીત કરવામાંથી પૂરેપૂરા મોક્ષ મેળવી બેઠેલા, ભારતના નવનિર્માણની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે યુવાનો, અકાળે શરીરનું પ્રદર્શન કરવા નીકળી પડેલી કિશોરીઓ – નરકમાં હવે ખૂટે છે શું? આ કોઈના અભિશાપથી આપણને મળ્યું કે આપણે જ ઊભું કર્યું છે? શું પામવા માટે આ માયાજાળ ઊભી કરી?

આજે શહેરોમાં ગુંડાગીરીનું પ્રમાણ વધી ગયું છે. પહેલાં આવું ન હતું અને હવે આ બધું જોવા મળે છે એ દલીલ સાચી તે નથી. સામૂહિક માધ્યમોના પ્રસારને કારણે પહેલાં સમાચાર બધા લોકો સુધી પહોંચતા ન હતા અને હવે કોઈ વાત છાની રહી શકતી નથી એ હકીકત પણ સ્વીકારવી જોઈએ. આમ છતાં આપણે કબૂલીએ કે સલામતીની લાગણી હવે આપણે ઓછી અનુભવતા થયા છીએ. પોલીસતંત્રની નિષ્ક્રિયતા માટે અનેક ફરિયાદો થાય છે. ફરિયાદો કરવાની, સાંભળવાની–બધાને આદત પડી ગઈ છે. આશ્વાસનો સાંભળવાની — આપવાની પણ આદત પડી ગઈ છે. આપણે એમ જ માની લીધું કે આ બધાંને માટે જો કોઈ જવાબદાર હોય તો તે સરકારી નીતિઓ છે, નેતાઓ છે. દાણચોરીનું દૃષ્ટાન્ત લઈને આપણે વાત કરી શકીએ. ઘણાંબધાં અસામાજિક તત્ત્વો. દાણચોરીને કારણે ફાલ્યાં છે. દાણચોરો સામે પગલાં લેવાતાં નથી, રાજકારણીઓને દાણચોરીની મોટી ઓથ છે–આ બધું સાચું. પણ દાણચોરોને જો સૌથી વધુ પ્રોત્સાહન આપ્યું હોય તો આપણે સૌએ. આપણી સંસ્કૃતિ ભૌતિકતાપરાયણ બની, આપણા જમાનામાં સામૂહિક માધ્યમોમાં આવતી જાહેરખબરોએ ચીજવસ્તુઓ માટે ઘેલછા જગાવી, આ બધી ચીજવસ્તુઓની માલિકી સાથે સંસ્કારને સાંકળ્યા, ટેક્નૉલૉજીની સગવડોએ આ વસ્તુઓનું મોટા પાયા પર ઉત્પાદન કર્યું અને તે પણ સસ્તી કિંમતે. આવાં ઘણાંબધાં કારણે ભેગાં થયાં. કારણો ગમે તે હોય પણ પરિણામ એક જ આવ્યું કે આપણને ‘પરદેશી’ ચીજવસ્તુઓનો મોહ થયો. એટલે માગ અને પુરવઠાના નિયમ પ્રમાણે દાણચોરી ફાલવા માંડી. હવે એક બાજુએ આ પરદેશી વસ્તુઓનો મોહ રાખવો અને બીજી બાજુએ દાણચોરીને પરિણામે ફાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ન હોવી જોઈએ એવી ઝુંબેશ ચલાવવી – આ બંને એકીસાથે શક્ય નથી. એક બાજુએ જાહેર જીવનમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવો અને બીજી બાજુએ ભૌતિક ચીજવસ્તુઓની લાલચને વશ થઈ લાંચરુશવત લેવાની પણ તૈયારી બતાવવી; એક બાજુ શહેરીકરણ વધાર્યે જવું, ફળદ્રુપ ધરતીઓ ઉપર રાસાયણિક ખાતરોનાં જંગી કારખાનાં ઊભાં કરવાં અને બીજી બાજુએ પ્રદૂષણ વધી રહ્યું છે તેની સામે રાડો નાખવી – આ બધું એકસાથે ન બની શકે. હંમેશાં કશીક કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે.

એટલે આપણે વર્તમાન મૂલ્યોને, સંસ્કૃતિને સ્વર્ગ માની લીધું અને એ સ્વર્ગ પામવા માટે કિંમત ચૂકવી. આ સોદો કેટલો મોંઘો હતો એ તો આપણા વારસો શોધી કાઢશે. ઇતિહાસકારો કહે છે કે સંસ્કૃતિ તો શહેરમાં જ પાંગરી શકે. હવે તો ભાગ્યે જ ગામડાં બચ્યાં છે. કદાચ અતિશયોક્તિ લાગશે પણ ક્યારેક એમ લાગે કે નગરસંસ્કૃતિનું આક્રમણ નગર કરતાં ગામડામાં વધુ ઝનૂનપૂર્વક જોવા મળે છે. આડેધડ ઊભાં કરેલાં, વિકસાવેલાં આપણાં આધુનિક શહેરોમાં જે સંસ્કૃતિ જન્મી રહી છે, ઘાટ લઈ રહી છે એ તો હવે કલ્પનાને વિષય નથી રહી, એક વાસ્તવિકતા છે. હાલના તબક્કે એવાં કાઈ ચિહ્ન વરતાતાં નથી કે આપણે ભૌતિક સમૃદ્ધિનો મોહ ઓછો કરીશું, સાદું સંયમી જીવન જીવવા માટે નવી દિશા શોધીશું, ગ્રામીણ કે શહેરી બેકારો માટે રોજગારી પૂરી પાડે તેવા ગ્રામોદ્યોગો વિકસાવીશું, આ બધાં જ દૂષણો આપણી વચ્ચે રહેવાનાં જ છે એવું સ્વીકારી લીધા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણા વારસો કદાચ વધુ ભૂંડી દશાને પામશે. તે વખતે તો મૂલ્યની ચિંતા કરનારા લોકો બહુ ઓછા હશે, તેમને પણ સમાધાન કરી લેવાની ફરજ પડશે, એટલે આજે આપણને જે ભૂંડી દશાની ચિંતા થાય છે તે એ જમાનાના લોકોને સુવર્ણયુગ પણ લાગે.

આ દૂષિત સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા કોણ આવવાનું છે? પ્રતીક્ષા સફળ થશે? પશ્ચિમના કેટલાક વિચારકો ઈશ્વરના પુનરાગમનની વાતો કરી રહ્યા છે. કેટલાક વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વયની વાતો કરી રહ્યા છે. ઈશ્વર આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની? પણ જો એમ ન જ થવાનું હોય તો? નવસર્જન માટે આ દૂષિત સંસ્કૃતિનો વિનાશ થવો એ અનિવાર્ય છે? ચારે બાજુએ નર્યું કાલકૂટ છે, પણ એ પછી અમૃત પ્રાપ્ત થશે? કે પછી બધાએ નીલકંઠ બનીને જ જીવવું પડશે? કોઈ હતાશ થઈને સ્રોત રચી નહીં કાઢે? ‘હે સુજલા, સુફલા કહેવાતી ધરતી માતા! તું હવે અનુર્વરા બની ગઈ છે. એને ઉર્વરા કરવા માટે લાવારસની જરૂર છે, પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવારસ ભલે ધરતી પર રેલાઈ જાય, ભલે બારે મેઘ તૂટી પડે, ચારે બાજુએ જળજળ થઈ જાય. વીજળીઓ થાય, ઝળહળ ઝળહળ થઈ જાય – કદાચ એ પ્રકાશમાંથી નવી સંસ્કૃતિ જન્મશે.’ માનવી આશાવાદી છે, પણ એની આશા-શ્રદ્ધાનેય ટકી રહેવા માટે સોયની અણી. જેટલો પણ આધાર હોવો જોઈએ. એટલો આધાર જ જો નહીં હોય તો! (૨૦-૪-૮૪)