ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. કેલિથી શૂલપાણેશ્વર

From Ekatra Wiki
Revision as of 07:25, 5 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૭
અમૃતલાલ વેગડ

૧. કેલીથી શૂલપાણેશ્વર

સૂરજ સળગી રહ્યો છે અને તડકો લાવાની જેમ રેલાઈ રહ્યો છે. ન તો કોઈ ગામ દેખાય છે, ન કોઈ માણસ. માણસ તો માણસ, કોઈ ચકલુંય ફરકતું નથી. આ નીરવ નિર્જન સંસારમાં લાગે છે કે અમે એકલા છીએ. સાવ એકલા. આ ભેંકાર સૂનકારમાં નર્મદા જ અમારુંં એકમાત્ર અવલંબન છે.

જેમજેમ આગળ વધીએ છીએ, તેમતેમ મનનો ફફડાટ વધતો જાય છે. ખતરો જાણે નજીક ને નજીક આવતો જાય છે. લગભગ બે કલાક બાદ એક ગામ આવ્યું. મનનો થડકારો વધી ગયો. ઝપાટાબંધ નિઃશબ્દ જઈ રહ્યા હતા. જો શબ્દ કર્યો ને કોઈક ભીલે શબ્દવેધી બાણ ચલાવી દીધું તો!

નદીની ચટ્ટાનોમાંથી લપાતા-છુપાતા ચોરપગલે ચાલ્યા જતા હતા. ગામની એક સ્ત્રી પોતાનાં બે બાળકો સાથે નહાવા આવી હતી. એને જોઈને અમે બમણા વેગથી ચાલવા માંડ્યું. માર્ગ બતાવતાં એણે કહ્યું, ‘અહીંથી નહીં, ત્યાંથી.’ એને ગામનું નામ સુધ્ધાં પૂછવાની હિંમત નહોતી. પાછું વળીને નજર નાખવાનીય હામ નહોતી. અમે લગભગ દોડતા ચાલ્યા જતા હતા. હજુ પણ મનમાં આશંકા હતી. જ્યારે બીજું ગામ આવ્યું, ત્યારે જીવમાં જીવ આવ્યો. કોઈકને પૂછ્યું કે પાછળ જે ગામ નીકળી ગયું, એનું નામ શું હતું? એ પીપલચોપાની જ હતું.

હાશ, ઘાત ગઈ! મારા હોઠ પર ફિક્કું સ્મિત ફરકી ગયું. એવું કંઈ ન થયું જેવું અમને કહેવામાં આવ્યું હતું. અમે નાહક ડરી ગયા હતા!

હવે જ્યારે ઊડતા વાદળની જેમ આ ખતરો નીકળી ગયો, ત્યારે મનમાં તરેહતરેહના વિચારો આવવા લાગ્યા. જો કંઈ અવળું થયું હોત તો મારા પુસ્તકનું શું થાત? નર્મદા પર હું જે પુસ્તક લખી રહ્યો છું, જે માટે નર્મદાકાંઠેની ખાક છાની રહ્યો છું, પોતાનો જાન સુધ્ધાં જોખમમાં નાખી ચૂક્યો છું, મારું એ પુસ્તક અધૂરું રહી જાત.

પણ હવે તો ખતરો ટળી ગયો. પુસ્તક કોઈક ને કોઈકે દિવસે પૂરું થઈ જશે. ત્યારે શું થશે?

સૌપ્રથમ તો મને પ્રકાશક નહીં મળે. પ્રકાશક મળશે તો ગ્રાહક નહીં મળે, ને ગ્રાહક મળશે તો વાચક નહીં મળે!

જો કહું કે આ યાત્રા હું સ્વાન્તઃ સુખાય કરી રહ્યો છું, તો એ અર્ધસત્ય થશે. હું ઇચ્છું છું કે જે સુખ મને મળી રહ્યું છે, એ બીજાને પણ મળે. હું સ્વાન્તઃસુખાય પણ ચાલું છું અને બહુજનસુખાય પણ ચાલું છું.

તો ક્યાં છે આ બહુજન?

ટીવીની સામે! ટીવી અને વીડિયો કૅસેટના આ યુગમાં પુસ્તકને ભલા કોણ વાંચશે? ટીવી અને વીડિયોએ લોકોની અભિરુચિને એવી બદલી નાખી છે કે લોકો પાસે એટલી ધીરજ નથી રહી કે કંઈક વાંચે. ટીવી સામે જામી પડો. પુસ્તકને ફેંકી દો. વધુમાં વધુ ‘દિવંગત પુસ્તક’ની સ્મૃતિમાં એકાદ મરશિયો ગાઈ દો ને પછી એને ભૂલી જાવ!

આ છે પુસ્તકનું ભાગ્ય. સારી રીતે જાણું છું. તેમ છતાં આ પુસ્તક માટે જ લોહીપાણી એક કરી રહ્યો છું.

મૂર્ખ!

નર્મદા શિલાઓને ઘસાઈને વહી રહી છે. એવું લાગે છે કે નર્મદા શિલાઓથી ઘસી ઘસીને પોતાનાં અંગ ઊજળાં કરી રહી છે. (નદી નાહી રહી છે!) શૂલપાણ ઝાડીના નિભૃત એકાંતમાં નર્મદા જાણે અવભૃથ સ્નાન કરી રહી છે!

મોટે ભાગે પ્રવાહની નજીક જ ચાલતા. પણ મનમાં થાય કે જો ઉપર ચાલીએ તો ચકરાવો ઓછો થાય. ઉપરથી ચાલીએ તો એવું નાળું આવે કે એમાં ઊતરીને પાછા ચડતાં દમ નીકળી જાય. ત્યારે થાય કે આના કરતાં નીચે જ ઠીક હતું. અને નીચે ચાલીએ તો ઉપરનો માર્ગ બોલાવે.

આ છે જીવન. માણસને એની પાસે જે છે, એનાથી સંતોષ નથી. જે નથી એનું એને ભારે આકર્ષણ. માણસ સર્જાયો છે અડધો સુખી ને અડધો દુઃખી રહેવા માટે. નિર્ભેળ સુખ એના ભાગ્યમાં જ નથી.

નર્મદાથી સહેજ દૂર, એક નાળાના કાંઠે એક ગામ છે ડનેલ. ત્યાં દુકાન છે એટલે ત્યાં ગયા. દુકાનદાર માલ લેવા પહાડની પેલે પાર ગયો હતો. એની સ્ત્રીએ અમને જરૂરી ચીજો આપી અને અમને ત્યાં રહેવાની, એટલે સુધી કે એમના ચૂલામાં રસોઈ કરવાની રજા પણ આપી.

નર્મદાના સામે કાંઠાના ભીલ પણ હટાણું કરવા અહીં આવે છે. થોડા ભીલ ખરીદી માટે આવ્યા તો દુકાનદારની દીકરીઓ એમની જોડે સરસ ગુજરાતીમાં વાતો કરવા લાગી! આ કાંઠે મહારાષ્ટ્ર છે, સામે કાંઠે ગુજરાત. આ છોકરીઓ અહીંની બોલી ઉપરાંત મરાઠી અને ગુજરાતી પણ જાણતી હતી અને જ્યારે મેં એમને કહ્યું કે મારી માતૃભાષા ગુજરાતી છે, ત્યારે માત્ર મને સંભળાવવા ખાતર જ આપસમાં ગુજરાતીમાં વાતો કરવા લાગી! કાલ સુધી તો કોઈની ભાષા સમજાતી નહોતી અને આજે એકાએક આવી સરસ ગુજરાતી! મને લાગ્યું કે કોયલ ટહુકા કરી રહી છે.

સવારે મરઘાની બાંગ સાથે ચાલી નીકળ્યા. એ ને એ દૃશ્ય જોઈને હવે થાકવા લાગ્યા છીએ. ડુંગરા કેમે કરીને ખૂટતા નથી. કેટલાય દિવસોથી ખુલ્લો વિસ્તાર નથી જોયો. નજ૨ દૂર જતી જ નથી. પહાડોને ટકરાઈને પાછી આવી જાય છે. હવે તો આ પાષાણપુરી ખતમ થાય તો સારું.

આજે જ ખતમ થઈ જશે. બપોર સુધીમાં શૂલપાણેશ્વર પહોંચી જશે. ઝાડી ત્યાં ખતમ થઈ જાય છે. બસ, આજની જ વાત છે.

નર્મદાની આંગળી ઝાલીને આગળ વધી રહ્યા છીએ. હવે માર્ગ કંઈક સરળ છે. ક્યાંક સમથળ ભૂમિ દેખાય છે. ઝાડઝાંખર પણ દેખાય છે, પરંતુ પાંદડાં વિનાનાં નાગાં.

હવા એટલી ગરમ થઈ ગઈ છે કે લાગે છે કે નાનોશો તણખો નાખવાથી હવા આગ પકડી લેશે.

ચાલતાં ચાલતાં વિચારતા કે જો અમને પાંખ આવી જાય ને અમે અમારા થેલા સહિત આકાશમાં ઊડી શકીએ તો કેવું સારું! ઉપરથી ધાગા જેવી પાતળી નર્મદાને જોઈને લાગત કે આ પહાડોએ જાણે પોતાના વક્ષ ૫૨ યજ્ઞોપવીત ધારણ કર્યું છે. નદીઓ ધરિત્રીની યજ્ઞોપવીત જ તો છે.

નીચે નર્મદાનાં ઉતાવળાં વેગભર્યાં પાણી વહ્યે જાય છે. એક ઠેકાણે એક લાંબી સાંકડી નાવ પોતાની પીઠ પર માછીમારોને લઈને નદીની ધારાને ચીરતી તીરની જેમ જઈ રહી હતી. કદાચ એ નાવ નહીં પણ તરાપો હતો. એક ગામમાં ઢોલ-ત્રાંસા વાગી રહ્યાં હતાં. ક્યાંક ડુંગરાની ઢળતી પાંખ પર થયેલું વાવેતર દેખાતું તો ક્યાંક એકાદ પંખીનો ટહુકો સંભળાતો. પરંતુ આજે અમારું પૂરું ધ્યાન શૂલપાણેશ્વર પહોંચવામાં હતું.

ઉમરખેડી, ચીમલખેડી અને ધાનખેડી વટાવીને જ્યારે અમે સળગતા બપોરે શૂલપાણેશ્વરના મંદિરે પહોંચ્યા, ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા. અમારા થાક્યા-હાર્યા ચહેરા, હાલકડોલક ચાલ અને લઘરવઘર વેશ એ વાતની ગવાહી આપતાં હતાં કે આજે અમે ખૂબ ચાલ્યા છીએ. પરંતુ એ વાતની ખુશી પણ હતી કે આખરે ઝાડીનો દુર્ગમ અને ખતરનાક પ્રદેશ અમે સહીસલામત પાર કરી લીધો હતો.

મંદિરની બહાર એક મેટાડોર ઊભી હતી. એમાં બેસીને કેટલાંક સ્ત્રીપુરુષો શૂલપાણ ઝાડીના અધિષ્ઠાતા દેવતા ભગવાન શૂલપાણેશ્વરનાં દર્શન કરવા આવ્યાં હતાં. સ્ત્રીઓ રસોઈ બનાવી રહી હતી. બહુ સુગંધ આવી રહી હતી. ભાગ્ય જો સાથ આપશે તો અમને પણ નોતરું મળશે!

હું નહાવા ચાલ્યો ગયો. મોડે સુધી નહાતો રહ્યો ને વિચારતો રહ્યો કે જેટલા ધોધ નર્મદામાં છે, એટલા ભારતની બીજી કોઈ નદીમાં નથી. પરંતુ પ્રપાત – બાહુલ્યા નર્મદામાં આ પૂરી ઝાડીમાં, જ્યાં એંશી માઈલ સુધી ડુંગરા જ ડુંગરા છે અને જ્યાં એકએકથી ચઢિયાતા પ્રપાત હોઈ શકતા હતા, ત્યાં એક પણ પ્રપાત નથી! અહીં નર્મદાં ઢળે છે, દડે છે, સરે છે, લપસે છે, પણ આ નર્મદાનું જ કૌશલ છે કે એ એકે વાર પડતી નથી!

પંદર દિવસ સુધી ન તો અરીસામાં મોં જોયું હતું, ન દાઢી કરી હતી. આજે નહાઈને પહેલી વાર કોઈકના અરીસામાં મોં જોયું તો શ્વાસ અધ્ધર રહી ગયો. આ હું કયાં ડોસાને જોઈ રહ્યો છું! માથાના સફેદ વાળ અને બેસી ગયેલા ગાલને લીધે આમે ઉંમરથી દસ વરસ મોટો જણાઉં છું. અને હવે પંદર દિવસની વધેલી સફેદ દાઢી ઊંટ ને ઉકરડે ચડ્યો!

એક વારની વાત છે. રસ્તામાં એક ગ્રામીણનો સાથ થઈ ગયો હતો. એના વાળ સફેદ થઈ ગયા હતા અને સામેના દાંત પણ પડી ગયા હતા. મને થયું કે આ માણસ મારાથી સાતઆઠ વરસ તો મોટો હશે જ. ત્યાં જ એણે મને પૂછ્યું, ‘આપ કહાં રહતે હૈં, પિતાજી?’

આ ઘટના મારા વિદ્યાર્થીઓને સંભળાવીને મેં પૂછ્યું હતું, ‘કહો જોઈએ, આ ઘટના હાસ્યરસની છે કે કરુણરસની?’ તો એક વિદ્યાર્થિનીએ હળવેથી કહ્યું, ‘વાત્સલ્યરસની!’

આવું છે મારું શરીર. મારા બદસૂરત ચહેરા ને માંસ વગરના ભૂખડીબારસ શરીર પ્રત્યે મને શરૂથી જ વિરક્તિ રહી છે. પણ મારા આ મૂઠી હાડકાંના શરીરે, સત્તાવન વર્ષની વયે, ધોમ ઉનાળામાં, શૂલપાણની દુર્ગમ ઝાડી પાર કરાવી દીધી. આજે લાગ્યું કે મારું આ સુકલકડી શરીર મને દંડ રૂપે નહીં પણ વરદાન રૂપે મળ્યું છે. આજે પહેલી વાર મારા શરીર પર મને વહાલ ઊપજ્યું. મનોમન પ્રાર્થના કરી કે દીનાનાથ, ભવોભવ આ જ ખોળિયું આપજે!

મંદિરના લોકો અમને બહુ કુતૂહલથી જોઈ રહ્યા છે. એમને એ વાતનું કૌતુક છે કે અમે વગર લૂંટાયે ઝાડી કેમ કરીને પાર કરી લીધી. ઝાડીમાંથી વણલૂંટ્યો કોઈ જઈ જ ન શકે. એમની નજરમાં અમે કોઈક પરીકથાના નાયકથી કમ નથી. મંદિરના પૂજારીજીની પાસે તો ગુજરાતીમાં છાપેલાં કાર્ડ છે. એમાં લખ્યું છે કે હું પ્રમાણિત કરું છું કે આ પરકમ્માવાસી ઝાડીમાંથી આવ્યો છે ને લૂંટાઈને આવ્યો છે. આ પ્રમાણપત્રના આધારે એને આગળ ગુજરાતમાં વસ્ત્ર, વાસણ, ધાબળા વગેરે મળી જાય.

ત્યાં જ એક પ્રૌઢ મહિલાએ હાંક દીધી, ‘ચાલો, રસોઈ તૈયાર છે. પરકમ્માવાસી, તમે પણ આવો!’

મેં તરત શ્યામલાલને જગાડ્યો. પછી ભોજન પર તૂટી પડ્યા.

નમતે પહોરે જોયું, ઝાડીના આરંભમાં જે ત્રણ બાવા અમને મળ્યા હતા, એમાં જે દૂબળો-પાતળો હતો, એ માત્ર લંગોટીભેર ચાલ્યો આવે છે. કેવી લંગોટી! કપડાંનો વેંત એકનો ટુકડો, બસ!

પાછલી યાત્રામાં એક બાબાએ કહ્યું હતું કે ઝાડીમાંથી પરકમ્માવાસી એવો નીકળે છે જેવો માતાના ગર્ભમાંથી નીકળે છે. એકદમ નાગો. તે દિવસે વિશ્વાસ નહોતો બેઠો. આજે પ્રત્યક્ષ જોઈ રહ્યો છું.

એણે કહ્યું, ‘અમે તમારાથી એક દિવસ પાછળ નીકળ્યા. બોરખેડી પછી એક ભીલ આવ્યો ને અમને ત્રણેને લૂંટી લીધા.’

‘બીજા બે તો ખૂબ તગડા હતા. કંઈ બોલ્યા નહીં?’

‘એમની તો બોલતી જ બંધ થઈ ગઈ. બધું ચૂપચાપ આપી દીધું. હા, એમાંથી એકે એટલું જરૂર કહ્યું કે અમને શું લૂંટે છે, કાલે જે ગયા એમને લૂંટવા હતા. તો ભીલ કહે ના બાબા, એમની સાથે સિપાઈ હતા. બંદૂકની બહુ બીક લાગે છે. અમે બે’ક ચીજ આપવામાં આનાકાની કરી તો કહે કે તો પછી ધોલધપાટ કરવી પડશે. અમને ખબર હતી કે એના સાથી તીરકામઠાં કે ગોફણ સાથે આસપાસમાં જ હશે અને ભીલો તો ભારે નિશાનબાજ હોય છે. એટલે બધું ચૂપચાપ આપી દીધું.

‘તું એકલો કેમ ?’

‘એ બે મારા પર બહુ રુઆબ ચલાવતા. એક દિવસ બરાબરનું સંભળાવી દીધું ને અલગ થઈ ગયો.’

‘રસ્તામાં કોઈ પરેશાની?’

‘રસ્તામાં તો નહીં, પણ આજે રોઈ પડ્યો.’

‘કેમ?’

‘તરસના લીધે. ધખધખતી પ્યાસના લીધે મોં સુકાઈ ગયું હતું. ગળામાં શોષ પડતો હતો. આંખો સામે તણખા ઝરતા હતા. તરસે ટળવળતો હતો. ‘પાણી! પાણી!’ પોકારતો શ્વાસ છોડીશ કે શું! પહાડોમાં ભૂલો પડી ગયો હતો. બહુ મુશ્કેલીએ નર્મદા મળી ત્યારે નીચે ઊતરીને ધરાઈને પાણી પીધું. ત્યારે જીવમાં જીવ આવ્યો.’

આવા કાળઝાળ ઉનાળામાં ઉઘાડે શરીરે, ઉઘાડા પગે, ભૂખે પેટે, ઝાળ ફેંકતી ચટ્ટાનો પર એકાકી ચાલવું કેટલું કષ્ટપ્રદ હોઈ શકે છે, એની કલ્પના કરીને હું કંપી ઊઠ્યો. કષ્ટ સહન કરવાની આ પરાકાષ્ઠા છે.

પરાક્રમ શબ્દ આજે પૌરુષનો વાચક છે. મૂળે પરિક્રમા અને પરાક્રમ, બંનેની ધાતુ એક છે. ‘ક્રમણ’ એટલે આગળ વધવું, સતત ચાલતા રહેવું.

નર્મદાપરિક્રમામાં જો ખરેખર ક્યાંય પરાક્રમ હોય, તો એ શૂલપાણ ઝાડી પાર કરવામાં છે.

એ જ પ્રૌઢ મહિલાએ આવીને કહ્યું, ‘બાબા, નહાઈ આવો. પછી જમી લો.’

એને નહાઈને આવવામાં વાર થઈ. કારણ હું સમજી ગયો. નહાઈને એ તડકામાં ઊભો રહ્યો હશે. લંગોટ સુકાણો હશે, ત્યારે જ આવી શક્યો હશે. શૂલપાણેશ્વરમાં મહારાષ્ટ્ર સમાપ્ત થઈ જાય છે ને ગુજરાત શરૂ થાય છે. બહુ સુંદર સ્થાન છે આ. ચારેબાજુ પહાડોથી વીંટળાયેલું. રાત અહીં રહેશું, સવારે ઘર માટે નીકળશું.

આખરે શૂલપાણની ઝાડી અમે પાર કરી ચૂક્યા હતા. એ ઝાડી, જ્યાં એંશી માઈલ સુધી નર્મદા ડુંગરાઓના ઘટાટોપથી ઘેરાયેલી છે, જ્યાં તરેહતરેહની શિલાઓ પોતાના લાવલશ્કર સાથે ફેલાયેલી છે, જ્યાંની ભયાનક નિર્જનતા યાત્રીને અકળાવી દે છે, જ્યાં નર્મદાનું યૌવન જાણે કે પાછું આવી ગયું છે અને જ્યાં નર્મદાનાં અંગઅંગમાં સ્વચ્છતા અને શુચિતાનો દિવ્ય સ્પર્શ છે.

[પરિક્રમા નર્મદામૈયાની, ૧૯૯૪]