ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાયમુદ્દીન

Revision as of 07:49, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાયમુદ્દીન [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૭૭૩] : મુસ્લિમ કવિ. હઝરત બદરુદ્દીનના પુત્ર. કડીના વતની. પોતાના ધાર્મિક દર્શનમાં અદ્વૈત વેદાંત, કૃષ્ણભક્તિ અને જીવદયાનો સમાવેશ કરતા એમના પંથને હિન્દુ-મુસ્લિમ બંને કોમના અનુયાયીઓ મળ્યા છે. એ ફારસી, અરબી, ગુજરાતી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા હતા. મુરીદોની શોધમાં નીકળેલા તે એક્લબારા થઈ નંદરબાર તરફ જતા હતા ત્યાં ધોકડા ગામે તેમનું અવસાન થયું. એકલબારાના ઠાકોરને આપેલું વચન પાળવા તેમણે કરેલી સૂચના મુજબ તેમનો મૃતદેહ એકલબરા લઈ જવામાં આવ્યો. ત્યાં તેમની દરગાહ પર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. અદ્વૈતભાવ, પ્રેમલક્ષણા ભક્તિ, આત્મજ્ઞાન વગેરે એમના ધર્મ દર્શનનાં તત્ત્વોને વણી લેતાં એમનાં કલામો-ભજનો (મુ.) ગરબો, ગરબી, બારમાસી, રવેણી, મંગલ આદિ પ્રકારો તેમ જ ઝૂલણા, પ્રભાત, બિલાવલ વગેરે રાગનામો ધરાવે છે. એ બહુધા ઉર્દૂ-હિન્દીમાં છે પણ કેટલીક રચનાઓ-ખાસ કરીને ગરબી, ગરબો વગેરે - ગુજરાતીમાં પણ છે. તેમણે ઉર્દૂમાં ‘નૂરે રોશન’ (૨.ઈ.૧૭૫૫) તથા ‘દિલે રોશન’ નામના ગ્રંથો રચેલા છે. કૃતિ : ૧. નૂરે રોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪ (ભજનો-કલામા સમેત) (+સં.);  ૨. નકાસંગ્રહ; ૩. ભક્તિસાગર, સં, હરગોવનદાસ હરકીસનદાસ, ઈ.૧૯૨૯ (+સં.).[ર.ર.દ.]