ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણદાસ-૪ જીવણરામ

Revision as of 12:48, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જીવણદાસ-૪/જીવણરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. અખાની ગણાવાયેલી સંતપરંપરામાં લાલદાસના શિષ્ય. ‘બ્રહ્મજ્ઞાની’, તરીકે જાણીતા આ કવિ પ્રસંગોપાત્ત પોતાના માટે ‘પ્રેમસખી’ શબ્દ પણ પ્રયોજે છે. મહીતટે આવેલા ખાનપુર (તા. લુણાવાડા)ના વીસા ખડાયતા વણિક. પછીથી તેઓ શિમળિયા (તા. લુણાવાડા)ના નિવાસી થયેલા. ‘જીવન-ગીતા’ (ર.ઈ.૧૭૬૩) અને ‘જીવનરમણ’ (ર.ઈ.૧૭૬૮)ને આધારે કવિનો કવનકાળ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધનો અને એમનો જીવનકાળ પણ એની આસપાસનો નિશ્ચિત થાય છે. એમની ૧૨ પદની ચાતુરીઓના ‘પ્રાચીનકાવ્ય ત્રૈમાસિક’માં જ મળતા, સં. ૧૮૦૩ (ઈ.૧૭૪૭)નો નિર્દેશ કરતા પાઠને અધિકૃત ગણીએ તો કવિના જીવન-કવનકાળને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધથી પૂર્વે લઈ જવો પડે. કવિની કૃતિ ‘અકલરમણ’માં પણ સં. ૧૮૭૨ (ઈ.૧૮૧૬)ના ભાદરવા વદ ૧૪, બુધવાર એમના સિદ્ધિના દિન તરીકે નિર્દેશાયેલ છે પરંતુ આ કૃતિની ઈ.૧૭૮૧ની મળતી હસ્તપ્રત અને અન્ય કૃતિઓના રચનાસમય એ હકીકતને શંકાસ્પદ ઠરાવે છે. આ જીવણદાસ બાલબ્રહ્મચારી હોવાની, તેમણે ચમત્કારિક સિદ્ધિઓ મેળવી હોવાની, તેમને થોભણ નામનો ભાઈ હોવાની વાતો પ્રચલિત છે, પરંતુ તે દંતકથા કોટિની છે. જીવણદાસની ૧૨ કૃતિઓ નોંધાયેલી છે. એમની સર્વ કૃતિઓમાં મુખ્ય વેદાંત-અદ્વૈતનું પ્રતિપાદન કરતી, ૨૨ કડવાંની, દોહરા-ચોપાઈ બંધની ‘જીવન-ગીતા’ (ર.ઈ.૧૭૬૩/સં. ૧૮૧૯, શ્રાવણ વદ ૧૩, મંગળવાર); ૯૨ સાખીઓમાં વેદાંત તથા યોગની પરિભાષામાં તત્ત્વવિચાર રજૂ કરતું, ગુરુશિષ્ય-સંવાદરૂપ ‘જીવનરમણ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, પોષ વદ ૫, શુક્રવાર); ૩૬૩ સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યથી માંડીને શ્રીકૃષ્ણની રાસલીલા પર્યંતના વિષયોને આવરી લેતું ‘અકલરમણ’; પ્રેમલક્ષણાભક્તિથી યુક્ત ૭ કડવાંનું ‘મહીમાહાત્મ્ય’ (મુ.); ‘ભજનના ખ્યાલ’; નિર્ગુણ બ્રહ્મ ‘રહિત પદ’થી સગુણ બ્રહ્મ શ્રીકૃષ્ણ તથા રાધાના સાયુષ્ય સુધીની ભૂમિકાઓ વર્ણવતી ૧૧ પદની ચાતુરીઓ, ‘નવચાતુરી’ એવું શીર્ષક પણ ધરાવતી, ગુરુશિષ્યસંવાદ રૂપે આત્મજ્ઞાનવિષયક વેદાંતના સર્વ સિદ્ધાંતો સમજાવતી ૧૨ પદની બીજી ચાતુરી (ર.ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.); અત્રતત્ર અવળવાણીના પ્રયોગોવાળી ભક્તિશૃંગારપ્રધાન ૪૧ સાખીઓ; કક્કો-બારાખડી (મુ.); રાધાકૃષ્ણની એકાત્મતા-નિર્દેશતી ભક્તિશૃંગારપ્રધાન ‘આનંદલીલા’; ૧૭ કડીનો ‘હરિનો વિવાહ’; ગણપતિ; બ્રહ્મા, વિષ્ણુ, શિવ, જોગમાયા, શબ્દબ્રહ્મ અને છેલ્લે જ્યોતિસ્વરૂપનું વર્ણન કરતું ધોળ તથા અન્ય ધોળ-પદો (કેટલાંક મુ.) છે. જીવણદાસે એમની રચનાઓમાં હિન્દીનો પ્રયોગ પણ કર્યો છે. ‘અકલરમણ’માંની ભાષા હિન્દી-ગુજરાતી મિશ્ર સ્વરૂપની છે. વેદાંતના કૂટ વિષયને પ્રાસાદિક રીતે, સ્વાનુભવની પ્રતીતિ સાથે રજૂ કરવાની આ કવિની ક્ષમતા ધ્યાનાર્હ છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃકાદોહન : ૪, ૮;  ૩. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૦; ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૮ - ‘જીવણદાસકૃત મહીમાહાત્મ્ય’, સં. યોગીન્દ્ર જ. ત્રિપાઠી (+સં.). સંદર્ભ : અસંપરંપરા; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુસાપઅહેવાલ : ૨૧-‘જીવનગીતા એક પરિચય’, યોગીન્દ્ર જ. ત્રિપાઠી;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]