ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિશયોક્તિ

Revision as of 09:19, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અતિશયોક્તિ(Hyperbole): બધા સાહિત્યમાં અત્યંત પ્રચલિત આ અલંકાર છે, જેમાં સહેતુક અતિકથન કરેલું હોય છે; જેને ક્વિનટ્લિયન ‘સત્યની રમણીય વિકૃતિ’ કે પુટ્ટેનહામ ‘પ્રબળ જૂઠ’ કહે છે. આ અતિકથનને શબ્દશ : લેવાનું નથી. તે ઉત્કટ ભાવાવેગને વ્યક્ત કરે છે, કશાકનું મહત્ત્વ કે એની હયાતી ઉપસાવે છે અને ગંભીર કે હાસ્યજનક પ્રભાવ ઊભો કરી આપે છે. ‘તને જોયાને તો કેટલાય ભવ વીતી ગયા’ જેવા રોજિંદા પ્રયોગમાં અતિશયોક્તિ હાજર છે. આ અલંકારસ્વરૂપ ટ્યુડોર અને જકોબીઅન નાટકોમાં સામાન્ય હતું. આની સૌપહેલી નોંધ આઈક્રટીઝ અને એરિસ્ટોટલે લીધી છે. ભારતીય કાવ્યમીમાંસામાં સાદૃશ્યમૂલક, અભેદપ્રધાન અધ્યવસાય આધારિત આ એક મહત્ત્વપૂર્ણ અર્થાલંકારનો ભેદ છે. અહીં ઉપમાનની સાથે ઉપમેયનું અભિન્નત્વ મહત્ત્વનું છે. બીજી રીતે કહીએ તો અહીં ઉપમાન દ્વારા જ ઉપમેયનું જ્ઞાન થાય છે. સામાન્ય રીતે દરેક અલંકારના મૂળમાં વૈચિત્ર્ય રહ્યું છે આથી સંસ્કૃત આલંકારિકોએ ઉક્તિસૌન્દર્યના વ્યાપક અર્થમાં અતિશયોક્તિને અલંકારોનું મૂળ ગણેલી છે; અને વક્રોક્તિની જેમ એનો કથનશૈલીના સૌન્દર્ય સંદર્ભે પણ પ્રયોગ થયો છે. અલંકારશાસ્ત્રમાં આમ, અતિશયોક્તિના અર્થમાં ક્રમિક પરિવર્તન આવ્યું છે અને એનું ક્ષેત્ર ચોક્કસ થતું ગયું છે. આ પ્રસિદ્ધ અલંકારના પુરસ્કર્તા ભામહે પ્રારંભમાં લોકસીમાનું અતિક્રમણ કરનારી ઉક્તિ તરીકે અતિશયોક્તિનું વર્ણન કરેલું. વામને વ્યાખ્યા બદલીને એને ‘સંભાવ્ય ધર્મ અને ઉત્કર્ષની કલ્પના’ તરીકે વર્ણવેલી. અતિશયોક્તિને ચાર પ્રકાર સાથે દૃઢ આધાર આપનાર મમ્મટ છે. એમના મત પ્રમાણે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગરણ, પ્રસ્તુતનું અન્ય પ્રકારે કથન, અર્થયુક્ત શબ્દોના કથન દ્વારા અસંભવ અર્થની કલ્પના અને કારણ કાર્યની પૂર્વાપરતાનો વિપર્યય એ અતિશયોક્તિનાં રૂપો છે. રુય્યકે વિષયી દ્વારા વિષયનું નિગરણ અધ્યવસાન છે અને અધ્યવસાનની પ્રધાનતા તે અતિશયોક્તિ છે એવું શાસ્ત્રીય લક્ષણ બાંધી આપ્યું. અતિશયોક્તિના ભેદોનો પણ ક્રમિક વિકાસ થયો છે. મમ્મટ પછી રુય્યકે પાંચ ભેદ બતાવ્યા છે, તો જયદેવે છ ભેદ બતાવ્યા છે. અપ્પયદીક્ષિતે આઠ ભેદ બતાવ્યા છે : ૧, જ્યાં ઉપમાન દ્વારા ઉપમેયનો બોધ હોય તે રૂપકાતિશયોક્તિ જેમકે, ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં’ ૨, જ્યાં ઉપમાનથી અભેદ હોવા છતાં ઉપમેયમાં ભેદ દર્શાવવામાં આવે તે ભેદકાતિશયોક્તિ જેમકે ‘ન્યારા પેંડા’ ૩, અસંબંધમાં સંબંધની કલ્પના કરવામાં આવી હોય તે સંબંધાતિશયોક્તિ જેમકે, ‘પ્રાસાદનો અગ્રભાગ ચન્દ્રને સ્પર્શી રહ્યો છે.’ ૪, સંબંધમાં અસંબંધનું કથન હોય તો અસંબંધાતિશયોક્તિ જેમકે ‘હે રાજન, આપ જેવા દાની હોય પછી અમે કલ્પતરુનો પણ આદર નથી કરતા’ ૫, જ્યાં કારણ અને કાર્ય ક્રમ વિના કે એકસાથે દર્શાવવામાં આવ્યાં હોય તે અક્રમાતિશયોક્તિ જેમકે ‘મ્યાનમાંથી તલવાર કાઢતાં જ શત્રુનો પ્રાણ કાઢી નાખ્યો’ ૬, કારણના જ્ઞાનમાત્રથી કાર્ય થવું એ ચપલાતિશયોક્તિ અથવા ચંચલાતિશયોક્તિ જેમકે ‘પ્રિયનું પ્રયાણ સાંભળતાં જ વિરહાગ્નિથી નાયિકાનો હાર બળીને ખાખ થઈ ગયો’. ૭, કારણ પૂર્વે જ કાર્યનું વહન તે અત્યંતાતિશયોક્તિ જેમકે ‘પ્રભુએ પહેલાં ઉગાર્યો, ગજે તો પછી હરિનામ પોકાર્યું ૮, જ્યારે અતિશયોક્તિ નિષેધયુક્ત હોય ત્યારે સાપહ્નવાતિશયોક્તિ. જેમકે ‘તમારી વાણીમાં અમૃત છે, મૂર્ખાઓ ચન્દ્રમામાં છે એમ કહે છે! ચં.ટો.