ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આઈન્સ્ટાઈન

Revision as of 07:43, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આઇન્સ્ટાઇન (૧૮૭૯-૧૯૫૫) : વીસમી સદી પર મહત્ત્વનો પ્રભાવ પાડનાર આ જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞનું નામ છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન. ધનિક ઇજનેર પિતાના આ પુત્રે ૧૫ વર્ષની વયે યુક્લિડ, ન્યૂટન અને સ્પિનોઝાને હસ્તગત કરેલા અને પિતાના ઇલેક્ટ્રિકલ ઇજનેરીના વેપારને બદલે વિજ્ઞાનજગતને ખૂંદવાનો નિર્ણય કરેલો. ઉપરાંત ગણિત અને ભૌતિકશાસ્ત્રને એમણે લક્ષ્ય કરેલાં. આઇન્સ્ટાઇનનો પહેલો લેખ સાપેક્ષતા પર પ્રગટ થયો ૧૯૦૫માં. પ્રારંભનો સાપેક્ષતા અંગેનો એમનો મર્યાદિત સિદ્ધાન્ત અને પછીનો સાપેક્ષતા અંગેનો એમનો સામાન્ય સિદ્ધાન્ત વિશ્વ વિશેના ન્યૂટોનિયન ખ્યાલને પરાસ્ત કરે છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાન્તોએ બતાવ્યું કે આ વિશ્વમાં કોઈપણ ગતિ નિરપેક્ષ ન હોઈ શકે. ઉપરાંત આ સિદ્ધાન્તે બતાવ્યું કે વેગ સાથે લંબાઈનું સંકોચન થાય છે; વેગ સાથે જથ્થાની કે દ્રવ્યરાશિની વૃદ્ધિ થાય છે. આઇન્સ્ટાઇનનાં મહત્ત્વનાં પરિણામોમાં એક તો એ કે સમયનો ચોથા પરિમાણ તરીકે સ્વીકાર થયો. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદે ભૌતિકશાસ્ત્રની ત્રણ મહત્ત્વની દિશાઓ ઉઘાડી. સાપેક્ષસિદ્ધાન્ત, સંખ્યાકીય, યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમવાદ. આઇન્સ્ટાઇને નવી રીતે વાત શરૂ કરી. આઇન્સ્ટાઇન પહેલાં ભૌતિક સંપ્રત્યયો ગુણધર્મોની સંજ્ઞામાં વર્ણવવામાં આવતા, તે હવે પરિચાલન(Operations)ની સંજ્ઞાઓમાં વર્ણવવામાં આવ્યા. આ બધામાં સૌથી મહત્ત્વની બાબત એ હતી કે અત્યાર સુધી જે વૈજ્ઞાનિક આગાહીઓમાં પૂર્ણ નિશ્ચિતતાને સ્થાન હતું તેનું સ્થાન સંભાવનાએ લીધું. સાપેક્ષસિદ્ધાન્તે નવી ગાણિતિક ભાષાઓની, દ્વિમૂલ્યને બદલે બહુમૂલ્ય નિર્ણયની અને નવી પરિચાલન વ્યાખ્યાઓની નવી દિશાઓ ઉઘાડી. પરિવર્તન અંગેના કાર્યકારણના સીધાસાદા રૈખિક ખ્યાલને સ્થાને પરિવર્તનનો પ્રક્રિયા તરીકેનો ખ્યાલ દૃઢ કર્યો. આઇન્સ્ટાઇનથી બદલાયેલી હવાએ આધુનિક સાહિત્યવિચાર માટેની એક મહત્ત્વની પૂર્વભૂમિકા રચી આપી હતી, એમાં શંકા નથી. ચં.ટો.