ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉજ્જવલનીલમણિ

From Ekatra Wiki
Revision as of 08:30, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉજ્જ્વલનીલમણિ : રૂપગોસ્વામીનો પંદરમી કે સોળમી સદીનો કાવ્યશાસ્ત્રનો ગ્રન્થ. એમાં બંગાળના વૈષ્ણવવાદનું ભક્તિરસશાસ્ત્ર છે. ૧૫ પ્રકરણના આ બૃહદગ્રન્થમાં નાયકભેદ, નાયક સહાયકભેદ, નાયિકાભેદ, યૂથેશ્વરીભેદ, દૂતીભેદ, સખીભેદ, આલંબન, ઉદ્દીપન, અનુભાવ, સાત્ત્વિકભાવ, વ્યભિચારીભાવ, સ્થાયીભાવ તથા સંયોગ અને વિપ્રલંભશૃંગારનું વિસ્તૃત વિવરણ થયું છે. અહીં મધુરશૃંગારના નિરૂપણમાં મધુરરસને એક સ્વતંત્ર રસના રૂપમાં સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી એને ભક્તિરસરાટ્ની પદવી આપી છે. શૃંગારનો સ્થાયીભાવ પ્રેમરતિ ગણી એના છ વિભાગ કર્યા છે : સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ અને ભાવ. રસસિદ્ધાન્તની પરિભાષામાં કૃષ્ણઆધારિત ભક્તિવિભાવનાને રજૂ કરવાના આ પુરુષાર્થ દરમ્યાન લૌકિક શૃંગારની ભાષા અને વિચારણામાં ધર્મવિષયક અને આધ્યાત્મિક રહસ્યવાદ પ્રવેશ્યો છે. બીજી રીતે કહીએ તો ચૈતન્ય દ્વારા પ્રવર્તિત ભક્તિમાર્ગથી પ્રભાવિત વૈષ્ણવભક્તોએ મધુરરસની સ્થાપના કરી એવા ગૌડીય ભક્તિસિદ્ધાન્તના સંદર્ભમાં અહીં રસમીમાંસા થઈ છે. અલંકારશાસ્ત્રના ગ્રન્થોમાં ‘ઉજ્જ્વલનીલમણિ’ બે બાબતમાં વિશિષ્ટ છે : એક તો ભક્તિરસને સંપૂર્ણ નિરૂપે છે અને બીજું, બધાં ઉદાહરણોને કૃષ્ણ, એના ભક્તો, એમનાં મનોભાવકાર્યો સાથે સાંકળે છે. રૂપગોસ્વામી કર્ણાટકના ભારદ્વાજ ગોત્રીય જે બ્રાહ્મણો બંગાળમાં જઈને વસેલા એમાંના શ્રીમારના પુત્ર અને મુકુન્દના પૌત્ર હતા. એમણે મુસલમાન થઈ ‘દબિર ખાસ’ નામ ધારણ કરેલું પણ પછી ચૈતન્યના સંપર્કથી રૂપગોસ્વામી નામ ધારણ કરી પ્રખ્યાત થયેલા. એમને નામે ‘ભક્તિરસામૃતસિન્ધુ’ અને ‘નાટકચન્દ્રિકા’ નામક બીજા બે કાવ્યશાસ્ત્રીય ગ્રન્થો છે. ઉપરાંત ‘હંસદૂત’, ‘ઉદ્ધવસંદેશ’, ‘વિદગ્ધમાધવ’, ‘લલિતમાધવ’, ‘દાનકેલિકૌમુદી’, ‘ગોવિન્દવિરુદાવલી’, ‘ઉત્કલિકાવલ્લરી’ ‘ગૌરાંગકલ્પતરુ’ વગેરે અન્ય ગ્રન્થો પણ એમણે આપેલા છે. ચં.ટો.