ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી હસ્તપ્રતલેખન

Revision as of 10:52, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગુજરાતી હસ્તપ્રતલેખન: હસ્તપ્રતના લખાણમાં કોઈ વિભાગ કરવામાં આવતો નહીં. સળંગ લખાણ કરવામાં આવતું એમાં વિરામચિહ્નોનો અભાવ હતો. લખાણ ડાબીથી જમણી બાજુ લખવામાં આવતું. પત્રની બન્ને બાજુની અને ઉપરનીચેની ખાલી જગ્યાઓ અનુકમે ‘હાંસિયો’ અને ‘જીબ્ભા’ તરીકે ઓળખાય છે. હાંસિયાના ઉપરના ભાગે ગ્રન્થનું નામ, પત્રાંક, અધ્યયન, સર્ગ, ઉચ્છ્વાસ વગેરે લખવામાં આવતું. ગ્રન્થારંભે લેખક (લહિયો) ॐ नम: एें नम; नमो जिनाय, श्रीगुरुभ्ये:, ॐ नम: सरस्वत्यै, ॐ नम: गणेशाय ઇત્યાદિ, મંગલસૂચક નમસ્કારો કરતા – લખતા. આ પૂર્વે ‘ભલેમીઠું’ [एर्द।।] (પ્રાચીન ઓંકારનું પરિવર્તન પામેલી સાંકેતિક આકૃતિ) ચિહ્ન ઉપરોક્ત નમસ્કાર આરંભ લખવામાં આવતું. ગ્રન્થ-સમાપ્તિમાં शुभं भवतु, कल्याणमस्तु, लेखपाठकयोः शुभं भवतु, ઇત્યાદિ અનેક જાતનાં આશીર્વાદો ઉપરાંત વિવિધ જાતનાં ચિહ્નો લખવામાં આવતાં. ગ્રન્થના અંત ભાગમાં પ્રશસ્તિ-પુષ્પિકામાં ગ્રન્થકર્તાનું નામ, ગુરુપરંપરા, ગચ્છનું નામ તથા રચનાસંવત, વાર, તિથિ, મહિનો અને રચના-સ્થલ વગેરે લખવામાં આવતું આ પછી લેખક (લહિયા)નું નામ, ગામ ગોત્ર, લખ્યાસંવત વગેરે લખવામાં આવતું. પ્રતમાં લખાણ કાળી શાહી વડે અને શ્લોકક્રમાંક, રાગ કે ઢાળ કે દેશી કે મથાળાં વગેરે લાલ શાહી વડે લખવામાં આવતાં. ગ્રન્થની અંદર અક્ષરો ગણીને ઉલ્લિખિત શ્લોકસંખ્યાને ‘ગ્રન્થાગ્રં’ અને ગ્રન્થના અંતમાં આપેલી ગ્રન્થની સંપૂર્ણ શ્લોક સંખ્યાને ‘સર્વાગ્રં’ અથવા ‘સર્વગ્રન્થાગ્રં’ કહેવાય છે. ગ્રન્થના પ્રકારમાં – પત્રના ત્રણ વિભાગ કરી મધ્યમાં મૂળ ગ્રન્થ અને ઉપરનીચે ટીકા/બાલવબોધ વગેરે લખવામાં આવતાં તે ‘ત્રિપાઠ’ અને પત્રમાં મૂળ ગ્રન્થ અને ઉપરનીચે તથા બન્ને બાજુ હાંસિયામાં ટીકા/બાલવબોધ વગેરે લખવામાં આવતાં તે ‘પંચપાઠ’ ગ્રન્થ કહેવાય છે. ક.શે.