ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જરથોસ્તી ધર્મ

From Ekatra Wiki
Revision as of 11:44, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જરથોસ્તી ધર્મ : જરથોસ્તી ધર્મનું મૂળ ઈરાનમાં છે, અને એ ધર્મ ઈરાનની પ્રજામાં પ્રવર્તાવનારા પેગમ્બર અષો જરથુષ્ટ્ર હતા. જરથોસ્તી ધર્મનું સામ્ય પ્રાચીન વેદધર્મ સાથે જોવા મળે છે. અષો જરથુષ્ટ્ર ક્યારે થઈ ગયા તે વિશે વિદ્વાનોમાં મતમતાંતરો છે. તેમ છતાં અવેસ્તા અને વેદની ભાષાના સામ્ય ઉપરથી તે વેદકાળના અંતભાગમાં થઈ ગયા હોય તેવો એક સર્વસામાન્ય મત છે. અષો જરથુષ્ટ્રે કોઈ નવો ધર્મ પ્રવર્તાવ્યો નથી. પરંતુ પ્રાચીનકાળથી ઈરાનમાં જે ધર્મધારા પ્રજામાં પ્રચલિત હતી તેમાં તેમણે પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તન કરીને તેમજ અનિષ્ટ તત્ત્વો ટાળીને એ ધર્મધારાને નવો વળાંક આપ્યો; એ રીતે જરથોસ્તી ધર્મમાં એમને અહુરમઝ્દ કહેવામાં આવે છે. અહુર એટલે સ્વામી. મઝ એટલે મહાન અને દ એટલે જ્ઞાન. અહુરમઝ્દ એટલે જ્ઞાનનો દાતા, મહાન નિયંતા. જરથોસ્તી ધર્મ મુજબ અહુરમઝદે વિશ્વના આરંભથી તેમાં પોતાની બે ગૂઢ શક્તિઓ મૂકી છે. એક, તે સત્ અને વિકાસની શક્તિ. આ શક્તિ ‘સ્પેઈન્તમઇન્યુ’ નામથી ઓળખાય છે. અને બીજી શક્તિ તે પાપ અને વિનાશની છે તે ‘અંગ્રમઈન્યુ’ તરીકે ઓળખાય છે. આ બંને શક્તિઓ વચ્ચે આદિકાળથી સંઘર્ષ ચાલતો આવ્યો છે. મનુષ્યે પોતાના પુરુષાર્થથી અને અહુરમઝ્દમાં શ્રદ્ધા રાખીને ‘અંગ્રમઈન્યુ’ સામે યુદ્ધ કરીને તેનો વિનાશ કરવાનો છે. જરથોસ્તી ધર્મમાં મનુષ્ય માત્રને મનરની, ગવરની અને કનરનીનો એટલેકે મન, વાણી અને કર્મની પવિત્રતા કેળવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જરથોસ્તી ધર્મના શાસ્ત્રગ્રન્થોને ‘અવેસ્તાવઝંદ’ તરીકે ઓળખવામાં આવે છે. એમાં અવેસ્તા અને ઝંદ બંને શબ્દનો અર્થ જ્ઞાન એવો થાય છે. આ શાસ્ત્રગ્રન્થો અવેસ્તા, પહેલવી, પાજંદ અને ફારસી ભાષામાં લખાયેલા છે. અવેસ્તા ભાષા વૈદિક સંસ્કૃતને મળતી આવે છે. ભારતદેશમાં, વિશેષે કરીને ગુજરાતમાં અને મુંબઈ(મહારાષ્ટ્ર)માં વર્ષો પૂર્વે ઈરાનથી આવીને વસેલી પારસી પ્રજા જરથોસ્તી ધર્મ પાળે છે. મ.પા.