ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવજીવન ટ્રસ્ટ

From Ekatra Wiki
Revision as of 04:32, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નવજીવન ટ્રસ્ટ : ‘ગુજરાતી ભાષાના સાધન દ્વારા ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થવા અને એ રીતે હિંદની શુદ્ધ સેવા કરવા ઇચ્છનારા સંસ્કારી અને ગુજરાતી ભાષાપરાયણ સેવકો દ્વારા લોકશિક્ષણનું કાર્ય કરી હિંદ સ્વરાજ પ્રાપ્ત કરવાના શાંતિમય ઉપાયનો પ્રચાર કરવો’ એવા ઉમદા લક્ષ્યની સિદ્ધિ માટે ૧૯૧૯માં ગાંધીજીએ પોતાની રાષ્ટ્રીય પ્રવૃત્તિના પ્રચાર-પ્રસાર માટે ‘નવજીવન’ અને ‘યંગઇન્ડિયા’ તેમજ પછીથી ‘હરિજન’, ‘હરિજન સેવક’ તથા ‘હરિજનબંધુ’ જેવાં સાપ્તાહિકોના પ્રકાશન માટે ‘નવજીવન મુદ્રણાલય’ની સ્થાપના કરેલી. ૧૯૨૭ સુધીમાં પ્રકાશનપ્રવૃત્તિના બહોળા વ્યાપથી ‘નવજીવન સંસ્થા’ તરીકે પ્રચલિત એ મુદ્રણાલય ‘નવજીવન ટ્રસ્ટ’માં રૂપાંતરિત થાય છે. એ ટ્રસ્ટ દ્વારા થનારી વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં અઢારવિધ રચનાત્મક કાર્યક્રમોનો શીર્ષસ્થ સમાવેશ કરીને ગાંધીજી આ સંસ્થાકીય પ્રવૃત્તિને સ્વરાજપ્રાપ્તિ સંદર્ભે રાષ્ટ્રીય સંસ્થાનું સ્વરૂપ અને ગૌરવ બક્ષે છે. ઉપર્યુક્ત સાપ્તાહિકોના તંત્રી માટે કામ કરતા ગાંધીજી, મહાદેવ દેસાઈ, સ્વામી આનંદ, કાકા કાલેલકર જેવા કાર્યકરોની, બ્રિટિશ સરકારના અન્યાયકારી શાસન સંબંધી લેખો લખવાના ગુના અંગે થતી રહેલી ધરપકડ, મુદ્રણાલયનાં મશીનો તેમજ મકાનની જપ્તી તથા નવજીવન કાર્યાલયનાં અમદાવાદ, મુંબઈ, પુના વગેરે શહેરોમાં થતાં રહેલાં સ્થળાંતરોને કારણે પ્રકાશન પ્રવૃત્તિમાં આવતી રહેલી ખોટ પછી પણ નવજીવન પત્રોનું આયુષ્ય અને પ્રતસંખ્યા ઉત્તરોત્તર વધતાં રહેલાં છે – એ વીગત દ્વારા સૂચિત વિચારપત્રોનું વિત્ત અને સંસ્થાકીય કાર્યનિષ્ઠા સૂચવાય છે. ગાંધીજીની અ-ક્ષરસંપત્તિની વારસદાર આ સંસ્થાએ, ‘પુસ્તકોના પ્રકાશન, પ્રચાર અને પ્રસાર દ્વારા પ્રજાઘડતરનો ઉદ્દેશ બર આવે એ માટે માત્ર બે રૂપિયાનું વાર્ષિક લવાજમ લઈને ગ્રાહકોને નવજીવન પ્રકાશનમંદિર તરફથી ગાંધીજી, મહાદેવ દેસાઈ, સ્વામી આનંદ, કાકા કાલેલકર, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા અને મગનભાઈ દેસાઈ તથા ગાંધીવિચારનું દોહન કરનારા લેખકોનાં પુસ્તક સસ્તી કિંમતે ટપાલ દ્વારા ઘેર બેઠાં મળી રહે તેવી ગ્રન્થશ્રેણી યોજના કરેલી જેનો અસંખ્ય લોકોએ લાભ લીધેલો. છેક ૧૯૪૮થી પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ કરતા રહેલા ‘નવજીવન ટ્રસ્ટે’ ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓમાં નાનાં-મોટાં પુસ્તક પ્રકાશિત કર્યાં છે. એ પૈકી ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’, ‘સત્યના પ્રયોગો’, ‘હિન્દ સ્વરાજ’ અને ‘મંગલપ્રભાત’ તથા ‘મહાદેવભાઈની ડાયરી’ અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ વિશિષ્ટ પ્રકાશનો તરીકે ઉલ્લેખનીય છે. આ ઉપરાંત ‘નવજીવન’ દ્વારા ૧૯૨૯માં ‘નવજીવન’ની પૂર્તિ રૂપે ‘શિક્ષણ અને સાહિત્ય’ તથા ૧૯૪૮માં ‘લોકજીવન’ પાક્ષિકનું પણ પ્રકાશન થયું છે. ર.ર.દ.