ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બીટનિકજૂથ

Revision as of 11:13, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



બીટનિકજૂથ : બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૫૦ આસપાસ અમેરિકામાં સાનફ્રાન્સિસ્કો-ન્યૂયોર્કની અંદર ઉદ્ભવેલું અને ખ્યાત બનેલું કેટલાક કવિઓ અને નવલકથાકારોનું જૂથ આ નામે ઓળખાયું છે. જાક કેરુલ (Jack Kerouce), એલન ગિન્સબર્ગ (Allen Ginsberg), ગ્રેગરી કૉર્સો (Gregory Corso), લૉરેન્સ ફર્લિન્ઘેટ્ટી ઇત્યાદિ એના પ્રમુખ સર્જકો અને કળાકારો છે. બીટ સર્જકો આધુનિક અમેરિકન સમાજના ભૌતિકવાદ અને લશ્કરવાદથી ઉબાઈને સાચુકલું સભર જીવન જીવવા પ્રયત્નશીલ છે. ઉત્કટ આવેગવાળું જીવન, ચિત્તની મત્ત સ્થિતિ, કેફી દ્રવ્યોનું સેવન, વિલક્ષણ પોષાક અને સામાજિક માળખામાં બંધ ન બેસે એવો વ્યવહાર બીટ સર્જકોમાં જોવા મળે છે. એમનું સર્જન આમ સરળ હોય છે, પરંતુ બંડખોર મિજાજ, ઇન્દ્રિયરાગિતા અને યૌનઆવેગો પ્રત્યેનું તીવ્ર આકર્ષણ, નવલકથામાં બોલી અને વ્યક્તિભાષાનો વિશેષ ઉપયોગ એ બીટસાહિત્યની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. ગિન્સબર્ગનાં ‘હાઉલ અને અન્ય કાવ્યો’ તથા જાક કેરુસની ‘ઑન ધ રોડ’ નવલકથા બીટસાહિત્યની ધ્યાનાર્હ રચનાઓ છે. બીટલ્સ ને તેમની સંગીતપ્રવૃત્તિ, હિપ્પીઓ બીટપ્રવૃત્તિના પ્રભાવથી જન્મેલાં છે. જ.ગા.