ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવ

Revision as of 11:19, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ભાવ : भू ધાતુ પરથી કરણ અર્થમાં આવેલી આ સંજ્ઞાનો અર્થ ભરતે મનનો વિકાર કર્યો છે. તો અભિનવગુપ્તે ચિત્તવૃત્તિવિશેષ કર્યો છે. વ્યક્તિના ચિત્તમાં જગતની વસ્તુઓ પરત્વે ચિત્તની અસંખ્ય વૃત્તિઓ હોય છે. આ વૃત્તિઓ વિશેષ રૂપમાં પ્રસ્તુત થાય ત્યારે ભાવ કહે છે. ભરતે ભાવને ત્રણ અર્થમાં પ્રયોજ્યો છે : કાવ્યાર્થના વાચક તરીકે, કાવ્યકૌશલ દ્વારા અભિનયોના માધ્યમથી સામાજિક સુધી કાવ્યાર્થને પહોંચાડનાર તરીકે અને રસનિષ્પત્તિને યોગ્ય બનાવનાર ભિન્ન વિશિષ્ટ ચિત્તવૃત્તિ તરીકે. ટૂંકમાં, ભરત ભાવને રસવ્યંજક સામગ્રી ગણે છે. જે રસનું ભાવન કરે છે તે ભાવ. એ રીતે જોઈએ તો રસ એ ભાવની પરિપક્વ અવસ્થા છે. એટલેકે ભાવ અપૂર્ણ રસનો બોધક છે. ભાવ બે પ્રકારના છે : અસ્થાયીભાવ અને સ્થાયીભાવ. અસ્થાયીભાવને વ્યભિચારી કે સંચારી ભાવ કહે છે. જેમ સમુદ્રમાં લહેર ઊપડે અને પડે તેમ વિશાળ સ્થાયીભાવમાં ઊપડી પડીને જે સ્થાયીભાવને પુષ્ટ કરે છે તે અસ્થાયી છે, સંચારી છે. ભરતે ભાવની સંખ્યા ૪૯ ગણાવી છે; જેમાં ૮ સ્થાયી, ૮ સાત્ત્વિક અને ૩૩ વ્યભિચારી કે સંચારીભાવનો સમાવેશ થાય છે. ચં.ટો.