ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રામાયણ

Revision as of 12:20, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામાયણ : ઈ.સ. પૂર્વે ત્રીજી કે પાંચમી સદીમાં સુવ્યવસ્થિત થઈ ચૂકેલું વાલ્મીકિરચિત સંસ્કૃતનું આદિ મહાકાવ્ય, રામાયણ માનવજીવનની સનાતન કથા છે, સનાતન અને અણઉકેલ સમસ્યા છે, ગૂઢ, ઘન અને સંમોહક વ્યથાથી રામ-સીતાના જીવનપટને એ પ્રત્યક્ષ કરે છે. આ મહાકાવ્ય માટે કહેવાયું છે કે ભારતવર્ષ હૃદયથી જે કંઈ ચાહે છે, જે કંઈ ઇચ્છે છે અને જે કંઈ પ્રાર્થે છે તે જ રામાયણ છે. રામાયણમાં સાત કાંડો છે. તેમાંના બાલ અને ઉત્તરકાંડને પ્રક્ષેપ માનવામાં આવે છે. પરંપરાગત રામાયણ ૩૦,૦૫૭ શ્લોકો ધરાવે છે પણ તેના સંશોધિત પાઠમાં ૧૮,૭૭૨ શ્લોકો છે. રામાયણના બાલકાંડ મુજબ તેની શ્લોકસંખ્યા ૨૪,૦૦૦ છે. બાલકાંડમાં દશરથને ત્યાં રામ વગેરે ભાઈઓના જન્મથી માંડીને પરશુરામ-પરાજય સુધીની કથા છે. અયોધ્યાકાંડમાં રામના રાજ્યાભિષેક માટે દશરથનો વિચાર, કૈકયીની બે વરદાનની માગણી, રામવનવાસ, ભરતનું રામની પાદુકાઓ લઈને અયોધ્યા પાછા ફરવું-વગેરેનો સમાવેશ છે. અરણ્યકાંડ વિવિધ રાક્ષસોનો રામે કરેલો વધ, શૂર્પણખાને સજા, સીતાનું અપહરણ, રામનું ઋષ્યમૂક પર્વત પર ગમન વગેરે ઘટનાઓ વર્ણવે છે. કિષ્કિંધાકાંડમાં રામના હનુમાન સાથેના મિલનથી માંડીને હનુમાનના સમુદ્રતરણ અંગેના નિર્ણય સુધીની કથા છે. સુન્દરકાંડમાં હનુમાનનું લંકાગમન, સીતાને રામનો સંદેશ, અન્ય પરાક્રમો, લંકાદહન, રામ સમક્ષ પુનરાગમન જેવી ઘટનાઓ તથા યુદ્ધકાંડમાં સેતુબંધ નિર્માણથી લઈને રામના રાજ્યાભિષેક સુધીની ઘટનાઓ વિસ્તરી છે. ઉત્તરકાંડ લોકાપવાદ સાંભળીને રામે કરેલો સીતાનો ત્યાગ, લવકુશજન્મ, રામ દ્વારા યોજાયેલો અશ્વમેધ યજ્ઞ, સીતાનું ધરતીમાં સમાઈ જવું અને રામનું સ્વર્ગારોહણ વગેરે પ્રસંગો નિરૂપે છે. બે પ્રક્ષિપ્ત કાંડો હોવા છતાં રામાયણનો અસ્ખલિત કથાપ્રવાહ, અનુષ્ટુપ છંદમાંની એની ધીર, ગંભીર ને ભવ્ય કથનરીતિ, સર્ગબદ્ધતા, રસપ્રવણતા ધ્યાન ખેંચે છે. પાત્રોના મનોભાવોની રજૂઆત, અલંકૃત છતાં પ્રાસાદિક શૈલી, વિચારોની સ્પષ્ટ, રમણીય અને ધારદાર અભિવ્યક્તિ, ભાવસૌષ્ઠવ, ઘટનાનો વૈચિત્ર્યપૂર્ણ વિન્યાસ, સંઘર્ષનું આકર્ષક તત્ત્વ, સજીવ અને આદર્શમય પાત્રો, ભારતીય સંસ્કૃતિની આચારસંહિતાની બલિષ્ઠ ધારા, સમાજના આદર્શોને ચરિતાર્થ કરતી વિચારસરણી, પ્રકૃતિનાં હૃદયંગમ વર્ણનો, પ્રકૃતિમાં માનવભાવોનું આલેખન, કાવ્યતત્ત્વની નૈસર્ગિક જાળવણી, સરળ, શિષ્ટ પ્રવાહિતા, શબ્દોમાં વેધકતા, અપાર વૈવિધ્ય, લાગણી અને ચિંતનનાં સ્વાનુભૂત સ્પંદનો – આ સર્વ રામાયણને આર્ષ મહાકાવ્ય રૂપે સ્થાપિત કરે છે. રામાયણની વિશાળ કથામાં રસવૈવિધ્ય હોવા છતાં મુખ્ય રસ કયો – એ વિશે મતભેદ છે. રાવણવધની દિશામાં સમગ્ર કથાનકની ગતિ હોવાથી અહીં વીરરસ મુખ્ય છે એમ કેટલાકની માન્યતા છે. કુન્તકે રામાયણમાં શાંતરસને મુખ્ય ગણ્યો છે જ્યારે આનંદવર્ધન કરુણને અંગી ગણે છે. વાલ્મીકિનો શોક જ શ્લોકત્વ પામ્યો હોવાથી કરુણરસને અંગીરસ ગણવો તે વધુ ઇષ્ટ જણાય છે. સંસ્કૃત તેમજ પરવર્તી અન્ય ભાષાઓમાં રામાયણ આધારિત અસંખ્ય ગ્રન્થો રચાયેલા છે. રામચરિતમાનસ, અધ્યાત્મરામાયણ, આનંદરામાયણ, કૃતિવાસ રામાયણ, તત્ત્વસંગ્રહ રામાયણ, તોરવે રામાયણ, થાઈ રામાયણ વગેરે વિવિધ રામાયણોનાં દૃષ્ટાંતો છે. હ.મા.