ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શિશુપાલવધ

Revision as of 12:15, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિશુપાલવધ : સાતમી સદીના ઉત્તરાર્ધનું, સંસ્કૃત કવિ માઘનું, માઘકાવ્ય તરીકે પ્રસિદ્ધ મહાકાવ્ય. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આ કવિના પિતામહ સુપ્રભદેવ ગુજરાતમાં શ્રીમાલ પાટનગરના રાજા વર્મલાતના મંત્રી હતા. પાઘની એક માત્ર આ રચનાનું કથાનક મહાભારતની સ્વલ્પ ઘટના પર આધારિત છે. કવિએ એમાં નારદ દ્વારા પ્રેરિત શ્રીકૃષ્ણ દ્વારા થતા ચેદિનરેશ શિશુપાલનો વધ નિરૂપ્યો છે. ૨૦ સર્ગમાં વિસ્તરેલા આ કાવ્યમાં નારદનું અવતરણ, યુધિષ્ઠિરનું રાજસૂય યજ્ઞનું કૃષ્ણને નિમંત્રણ, કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રસ્થાન, કૃષ્ણનો રૈવતક પર્વતે સૈન્ય સહિત વિરામ, ત્યાં યદુદંપતીઓના વનવિહાર, જલવિહાર, કૃષ્ણનું ત્યાંથી પ્રયાણ, પાંડવ સાથે કૃષ્ણનો સમાગમ, રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિર દ્વારા કૃષ્ણપૂજાથી ક્રૂદ્ધ શિશુપાલનો સ્થલત્યાગ, કૃષ્ણને શિશુપાલનો શ્લેષગર્ભ સંદેશ, સેનાની તૈયારી અને યુદ્ધ, અંતે કૃષ્ણ દ્વારા શિશુપાલનો વધ વગેરે ઘટકોને કવિએ બહેલાવ્યા છે. ૩થી ૧૩ સર્ગ સુધીનાં વર્ણનોમાં ક્યાંક મુખ્ય અને પ્રાસંગિક વચ્ચેનું સંતુલન પણ જોખમાયું છે. કથાનકની અલ્પતા અને પાત્રોની ન્યૂનતા છતાં માઘના આ કાવ્યમાં ઉપમા, અર્થગૌરવ અને પદલાલિત્ય એમ ત્રણેનું સંયોજન વખણાયું છે. એના શબ્દભંડોળ વિશે કહેવાયું છે કે માઘના નવ સર્ગ વાંચ્યા પછી કોઈ શબ્દ નવો નથી રહેતો. ચં.ટો.