ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંશોધન

From Ekatra Wiki
Revision as of 16:14, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંશોધન : તથ્યમૂલક સત્યની શોધનો ઉપક્રમ આ સંજ્ઞા નિર્દેશે છે. અધ્યયન વિષય સાથે સંકળાયેલાં તથ્યોની, એના આંતરસંબંધોની તપાસ દ્વારા, કાળજીભરી ખોજ કરવી અને એને અંતે વ્યાપક તારણો અને નિર્ણયો સુધી પહોંચવું એ સંશોધનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ચુસ્ત વૈજ્ઞાનિક પદ્ધતિએ ચાલતી હોય છે. સંશોધનનું પ્રયોજન ઉપલબ્ધ સામગ્રીની ઝીણવટભરી અને સર્વગ્રાહી ચકાસણી કરીને નવા જ્ઞાનની ઉપલબ્ધિ કરવી કે જ્ઞાનસંચયમાં વૃદ્ધિ કરવી એ હોય છે. સંશોધનનાં બીજ પરંપરાપ્રાપ્ત તથ્યો પરત્વે અભ્યાસીની ચિકિત્સાદૃષ્ટિમાં અને એણે શાસ્ત્રીય ધોરણે કરેલા સંશયોમાં પડેલાં છે. સ્થિતનો કે સિદ્ધનો રૂઢિપ્રેરિત યથાતથ સ્વીકાર નહીં પણ એની સામે તર્કનિષ્ઠ પ્રશ્નો ઊભા કરવા એ સંશોધનની પહેલી શરત ગણાય. પછી એ પ્રશ્નોની મદદથી પ્રાપ્ત સામગ્રીને ચકાસતા જવું ને સંશુદ્ધ અધિકૃત તથ્યો તારવવાં એ એનું લક્ષ્ય છે. અધ્યયન વિષય અંગેની સર્વ સામગ્રીનો સંચય કરવો, દ્વૈતીયિક સાધનોની તપાસ આગળ ન અટકતાં પ્રથમ અને મૂળ સાધનો સુધી જવાનો આગ્રહ રાખવો, એકજ તથ્યને લગતાં એકાધિક સાધનો મળતાં હોય ત્યારે સંખ્યાબહુલ નહીં પણ અધિકૃત સાધન કે સાધનો તરફ વળવાનું તાર્કિક વલણ કેળવવું, સમગ્રનું આકલન કરવાનાં સૂઝ ને શિસ્તનો વિનિયોગ કરતા રહેવું તેમજ પ્રાપ્ત સામગ્રીની સતત અને તુલનાસાપેક્ષ તપાસ કરતા રહેવું એ સંશોધનની શિસ્તની મુખ્ય આવશ્યકતાઓ છે કોઈપણ ક્ષેત્રનું સંશોધન આવાં વ્યાપક લક્ષણો ધરાવતું હોય છે. છતાં વિજ્ઞાનવિષયક સંશોધન અને સાહિત્યવિષયક સંશોધન વચ્ચે પ્રક્રિયાગત થોડાક તફાવત હોય છે. વૈજ્ઞાનિક સંશોધક સ્થિર, એકરૂપ, અપરિવર્તનશીલ ભૌતિક પદાર્થની તપાસ કરે છે ને એથી કાર્યકારણ પદ્ધતિ એ સાર્વત્રિક અને સમયનિરપેક્ષ સર્વસામાન્ય નિયમો સ્થાપી શકે છે જ્યારે સાહિત્યસંશોધનના વિષયરૂપ મૂળ પદાર્થ સાહિત્ય જીવંત, બહુરૂપ અને સંકુલ હોવાથી એનાં સર્વ પરિમાણોના સમયનિરપેક્ષ અને સાર્વત્રિક નિયમો સ્થાપી આપી શકાતા નથી કેમકે એનાં તથ્યલક્ષી પરિમાણોની તપાસમાં પણ એનાં રસલક્ષી તથા મૂલ્યલક્ષી પરિમાણોની સાથે અનુસન્ધાન રાખતા રહેવું પડે છે. આની સરખામણીએ માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર આદિ સામાજિકવિજ્ઞાનોવિષયક સંશોધનની પ્રક્રિયા સાહિત્યસંશોધનની પ્રક્રિયાની વધુ નિકટ હોય છે. જોકે પ્રક્રિયાઓમાં થોડીક ભિન્નતા હોવા છતાં સાહિત્યસંશોધનમાં પણ અભિગમ, પદ્ધતિ અને શિસ્ત તો અનિવાર્યપણે વૈજ્ઞાનિક હોય. સાહિત્યસંશોધન અને સાહિત્યવિવેચન વચ્ચે પણ પાયાનો સ્પષ્ટ ભેદ છે. સાહિત્યકૃતિ બે રૂપે અસ્તિત્વ ધરાવતી હોય છે : એક તો પદાર્થ કે હકીકત રૂપે, એક ઐતિહાસિક તથ્ય કે ઘટના રૂપે અને બીજું, એક આસ્વાદવિષય રૂપે, સૌન્દર્યબોધક રચના રૂપે. સાહિત્યકૃતિના બહિર્ગત વિશ્વનો અભ્યાસ એ સાહિત્યસંશોધન છે જ્યારે એનાં આસ્વાદન – અર્થઘટન – મૂલ્યાંકન – રૂપરચનાવિચાર આદિ આંતરિક ઘટકોના વિશ્વનો અભ્યાસ એ સાહિત્યવિવેચન. અલબત્ત, આ બંનેનાં કાર્યક્ષેત્રો અને મૂળ અભ્યાસદિશા જુદાં પડતાં હોવા છતાં એ પરસ્પર આધારિત પણ છે. સાહિત્યસંશોધન માટે સાહિત્યનું રસલક્ષી મૂલ્ય પણ એક મહત્ત્વનું સાધન બને છે તો સાહિત્યવિવેચને સંશોધનમૂલક તથ્યોની મદદ લીધા વિના ચાલતું નથી. સાહિત્યના અધ્યયનનાં કેટલાંક ક્ષેત્રો એવાં પણ હોય છે જ્યાં સંશોધન અને વિવેચન વચ્ચે ભેદ રહેતો નથી, વિશેષે કરીને તુલનાકેન્દ્રી અધ્યયનોમાં. સાહિત્યસંશોધનનું કાર્યક્ષેત્ર પ્રાચીન-મધ્યકાલીન કૃતિઓના પાઠનિર્ણયો, કર્તૃત્વનિર્ણયો, સમયનિર્ણયો આદિની સંશુદ્ધિ; લોકસાહિત્યનાં સ્વરૂપ-પ્રકાર-પરિબળ-મૂળસ્રોત આદિનું અધ્યયન; અર્વાચીન સાહિત્યકૃતિઓ-સ્વરૂપ-કર્તાઓના તથ્યલક્ષી અભ્યાસ; સાહિત્યના ઇતિહાસની સમયલક્ષી ને મૂલ્યલક્ષી સમસ્યાઓનાં ચકાસણી અને પુનર્વ્યવસ્થાનાં અધ્યયન; સાહિત્યિકવાદો-વિચારણાઓનાં આદિ સ્રોતો, અભિગમો ને પ્રસાર-પરિવર્તનોની તપાસ; કાવ્યશાસ્ત્ર-શૈલીવિજ્ઞાન-તુલનાત્મક સાહિત્યની મૂળભૂત સમસ્યાઓનો તેમજ એના વિકાસ- વિસ્તારના વિશ્લેષણલક્ષી અભ્યાસ-એમ અનેક દિશામાં વિસ્તરેલું છે. ર.સો.