ચિત્રકૂટના ઘાટ પર/ચિત્રકૂટના ઘાટ પર

From Ekatra Wiki
Revision as of 12:14, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચિત્રકૂટના ઘાટ પર

અલ્હાબાદથી નીકળતાં નીકળતાં સાંજ પડી ગઈ. નગર વીંધી યમુનાના પુલને પસાર કરવાનો હતો. અમારી બસને આગળ ભાગે માપથી જરા ઊંચી ફ્રેમવાળું બોર્ડ હતું – તે ટનલ જેવા બ્રિજમાં પ્રવેશતાં જોરથી ઉપરની લોખંડી ફ્રેમને અથડાયું કે પ્રવાસીઓના જીવ જરા ઊંચા થઈ ગયા. પછી તો બસ ન આગળ ચાલે ન પાછળ. જોતજોતામાં ટ્રાફિક જામ. ટ્રાફિક પોલીસ પણ નિરૂપાય હતી, એની ભલામણથી જ બસે બ્રિજની ટનલમાં પ્રવેશ કરેલો. અમને થયું કે બસને અહીં મૂકીને જ ઊતરી જવું પડશે કે શું? બધા વ્યગ્ર હતા,પણ બસના ચાલક (અને માલિક) શાન્ત ચિત્તે બસને ચલાવવાનો પ્રયત્ન કરતા હતા. ઉપરની લાંબી ફ્રેમને નુકસાન થયું જ હતું,તે ઉતારી કાઢી. તેમ છતાં પુલના ટનલની લગોલગ જ બસનો ઉપરનો ભાગ જરા જરામાં ઉપર અડકી જતાં તેનો ઘરરર અવાજ અસ્વસ્થ કરતો હતો. ધીરે ધીરે કીડીવેગે બસ સરતી રહી અને છેવટે યમુના પુલની ટનલની બહાર નીકળ્યા. તે જાણે માઈલો લાંબી અંધારી ગુફામાંથી બહાર નીકળવાની રાહત જેવું લાગ્યું. યમુના પર જ અંધારું ઊતરી આવ્યું.

એટલે જે યાત્રા-માર્ગ આગળ જતાં જંગલ-ઝાડીમાંથી પસાર થતાં નયનરંજક બની જાત, તે હવે અંધારામાં જ કાપવાનો હતો. એ માર્ગ કોઈ બે ગામનગરને જોડતો સામાન્ય માર્ગ નહોતો – એ હતો રામઅયનનો માર્ગ. ભારદ્વાજ ઋષિને પ્રયાગમાં મળીને પછી આ માર્ગે તેમની સલાહથી રામ ચિત્રકૂટ ભણી ગયા હતા. ઋષિએ કહ્યું હતું કે અહીંથી યમુના પાર કરશો એટલે પેલે પાર શ્યામવટ આવશે, એના આશીર્વાદ લઈ આગળ જશો કે યમુનાકિનારે બોરડીનાં ઝાડ અને વાંસનાં વન આવશે, સ પન્થા ચિત્રકૂટસ્ય… વનવાસનાં વર્ષો ત્યાં કાપવાનાં હતાં.

રામ-અયનનો આ માર્ગ જોવાનો આંખનો રોમાંચ ખોઈ બેઠા. બારી બહાર અંધારામાં જોતાં જોતાં રામ-લક્ષ્મણ-જાનકી અમેય કાળમાં આ રસ્તે ગુજર્યાં હશે, એ છબી – વનવાસી યાત્રિકની છબી ઊપસવા લાગી હતી. વનમાં પદયાત્રા કરતાં રામ-લક્ષ્મણ-સીતાનું તુલસીદાસે અવિસ્મરણીય ચિત્ર દોર્યું છે. વનમાં આગળ રામ ચાલે, તેમની પાછળ સીતા. રામનાં પગલાંમાં પોતાનું પગલું ન પડે એમ સીતા રામનાં બે પગલાં વચ્ચે પગલાં પાડતાં ચાલતાં હતા, અને લક્ષ્મણ – લક્ષ્મણ તો પછી રસ્તાની જરા ડાબી બાજુએ ચાલતો, જેથી બન્નેનાં પગલાં અક્ષુણ્ણ રહે. આગળ રામ, વચ્ચે સીતા, પાછળ લક્ષ્મણ – તો તુલસીને ઉપમા સૂઝે–

ઉભય બીચ સિય સોહતી કૈસે

બ્રહ્મ જીવ બિચ માયા જૈસે.

ચિત્રકૂટ કહો એટલે આમેય રામ-લક્ષ્મણ-જાનકી વિના બીજો કોઈ સંદર્ભ જ મનમાં ન આવે. ચૌદ વર્ષના વનવાસથી રામ-લક્ષ્મણ-જાનકીને બહુ કષ્ટો પડ્યાં હતાં એ પણ મનમાં ન આવે. વાલ્મીકિએ તો આ રામ-અયનની વાત એવી રીતે લખી કે, આ નિર્વાસિત રાજપરિવારના સભ્યોને તો અયોધ્યાના રાજ કરતાં પણ ભારે મોટી મિરાત મળી ગઈ હતી, વનમાં. આરણ્યક કવિએ માર્ગે આવતી તમસા, વેદશ્રુતિ, ગોમતી, ભાગીરથી, યમુના સરખી સરિતાઓ અને એને તીરે વસેલા ઋષિમુનિઓ સાથે એમના સંગ-સહવાસની વાતો સાથે અરણ્યાનિનું બીહડ સૌંદર્ય હૃદ્ય રીતે આલેખ્યું છે. વાલ્મીકિનાં સીતા રામ પણ પ્રકૃતિપ્રિય છે.

જોકે હજી તો અયોધ્યાની બહાર જ નીકળ્યાં હતાં કે સીતાએ પરસેવાના કણો બાઝેલા ચહેરાથી રામને પૂછેલું કે, કેટલું ચાલવાનું છે? વન હજી કેટલુંક દૂર છે? અને ક્યાં જઈને પર્ણકુટિ બનાવીશું? – તુલસીના એક છંદમાં છે. સીતાના આ પ્રશ્નથી રામની આંખમાં આંસુ છલકાઈ ગયાં હતાં.

વનની શોભા જોતાં જોતાં રામસીતા ચિત્રકૂટ ભણી ગયાં હતાં. ત્યારે વસંતઋતુ હતી અને આખે રસ્તે કેસૂડા ખીલ્યા હતા – આ અમે જઈ રહ્યા છીએ ત્યારે હેમંતના જાન્યુઆરીના અત્યંત શીતલ દિવસો છે, અને આ અંધારામાં તો કંઈ દેખાતું નથી. જોયું હોત તોય ઘણુંખરું તો પીત પર્ણોવાળાં કે અપત્ર વૃક્ષો જ જોવા મળ્યાં હોત, જો હોત તો.

ચિત્રકૂટ જોઈને જ રામ તો રાજી થઈ ગયેલા અને ત્યાં પર્ણકુટિ બનાવવા લક્ષ્મણને આદેશ આપ્યો. બાજુમાં જ માલ્યવતી (મંદાકિની) નદી વહેતી હતી. રોજ રોજ ચિત્રકૂટની શોભા જોતા રામ મનોમન પ્રસન્ન હતા. સીતાને પર્વતની શોભા બતાવતાં રામે કહેલું કે, ભલે મારું રાજપાટ ગયું – ભલે મને સગાંવહાલાંનો વિયોગ થયો, પણ આ રમણીય ચિત્રકૂટને જોતાં એનો વિચાર સરખો મનમાં નથી આવતો.

આખે માર્ગે તુલસી અને વાલ્મીકિના રામાયણની આ બધી વાતો મનમાં આવતી રહી, અમારી સાથેના વિદેશી પ્રવાસીઓને એનો બોધ થવો અસંભવ હતો.

અમે ચિત્રકૂટ પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી, પણ અમારા સ્વાગત માટે પ્રવાસન નિગમના યાત્રિકનિવાસ આગળ નિગમના કર્મચારીઓ સંનદ્ધ હતા. ઠંડી ઊતરી આવી હતી. ભોજન તૈયાર હતું. જમ્યા પછી એક મોટા તાપણાના અજવાળામાં આ વિસ્તારના આદિવાસીઓનાં નૃત્ય અને અંગકસરતના પ્રયોગો હતા. રામના સમયમાં પણ કોલકિરાત આદિ આદિવાસી પ્રજા હતી. આ એમના જ વંશજો હશે?

મને જે નિવાસમાં ઓરડો મળેલો તેનું નામ જ હતું – કામદગિરિ (ચિત્રકૂટનું બીજું નામ) વિશ્રામગૃહ. આ વિશ્રામગૃહના મધ્યખંડમાં રામ-લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ હતી. મંદિર જ હશે. એટલે આ ચિત્રકૂટધામમાં રાત્રિ એમની સન્નિધિમાં વિતાવવાની હતી. રાત્રિ વેળાએ આ વિસ્તારનો ખ્યાલ આવતો નહોતો, થોડે દૂર અવશ્ય ચિત્રકૂટ પહાડની છાયારેખા દેખાતી હતી.

વહેલી સવારે જ નીકળી પડવાનું હતું. ભલે ગમે તેટલી ટાઢ હોય, પણ ચિત્રકૂટધામમાં નહાવું તો પડે. ગરમ પાણીની વ્યવસ્થાય હતી અને પછી ગરમ ગરમ ચા. બહાર નીકળ્યા પછી જોયું તો અનેક નાનાંમોટાં મકાનો-મંદિરોની આસપાસના વિસ્તારમાં પહાડીઓ અને વનખંડીઓ હતી. ચિત્રકૂટ પણ હવે સ્પષ્ટ દેખાતો હતો.

કૃષ્ણભક્તોમાં જેમ ગિરિરાજ ગોવર્ધન પુજાય છે, રામભક્તોમાં આ ચિત્રકૂટધામ છે. ગોવર્ધનને ગિરિરાજ કહે છે ખરા, પણ ખરેખર ત્યાં ગિરિ જેવું કંઈ નથી. તેમ છતાં સામાન્ય ઊંચા ટીંબા જેવડા ગિરિરાજનો મહિમા કૃષ્ણભક્તોને નગાધિરાજ હિમાલય કરતાં વધારે છે. એ ‘પહાડ’ થોડો છે, વધારે સાક્ષાત્ દેવતા છે. એની પરકમ્માનો ભારે મહિમા છે. લોકો પગે ચાલતા જ નહીં, આળોટતા, સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરતા કરતા ડગલું ડગલું આગળ વધે છે.

ચિત્રકૂટની પરકમ્માનો પણ એવો મહિમા છે અને એ મહિમાનું કારણ ચિત્રકૂટમાં રામ-લક્ષ્મણ-જાનકીએ વનવાસની શરૂઆતનાં વર્ષો પસાર કર્યા હતાં એને કારણે જેટલો છે, તેથી વધારે કદાચ આ સ્થળે રામ-ભરતના મિલાપને કારણે છે.

રામની પાછળ પાછળ ભરત રામને પાછા લઈ જવા માટે અહીં આવી પહોંચેલો. સાથે હતી સેના, હતી વિધવા માતાઓ, હતા કુલગુરુ અને પ્રજાજનો. ભરત દૂરથી ચિત્રકૂટને ઓળખી ગયેલો. ભરત આવ્યો તે વખતે વાલ્મીકિના રામ તો સીતાને ચિત્રકૂટની શોભા વર્ણવતા હતા.

ચિત્રકૂટમાં રામ-ભરતના મિલનપ્રસંગને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની પરિભાષા કહી શકાય. પરિતાપદગ્ધ ભરત રામને અયોધ્યા પાછા જવા વારંવાર વિનવી રહ્યો છે, અનેક તર્ક એ રજૂ કરે છે, પણ રામનો એક જ ઉત્તર છે : પિતાની આજ્ઞાનું હું પાલન કરીશ જ. કુલગુરુ અને ઋષિમુનિઓની ઉપસ્થિતિમાં રામ જે રીતે ઉત્તર આપે છે તેમાં એમની પ્રજ્ઞા (Wisdom) પ્રસ્ફુટિત થાય છે. રવીન્દ્રનાથે રામાયણને પરિવારનું મહાકાવ્ય કહ્યું છે તેવી પ્રતીતિ પણ ચિત્રકૂટ પ્રસંગમાં જોવા મળે છે. તુલસીના રામે કહી દીધું: ‘હોહિ ન ભુવન ભરત સમ ભાઈ.’

આમેય માનસમાં તુલસીદાસનું આઈડેન્ટિફિકેશન ભરત અને પવનસૂત હનુમાન સાથે સવિશેષ છે. પણ અયોધ્યાકાંડમાં તો હજુ ભરત જ હોયને. પવનસૂતનો પ્રવેશ તો છેક કિષ્કિંધાકાંડમાં થાય છે. જોકે ચિત્રકૂટમાં હજુ એમના જાતિબાંધવો પોતાનો એકાધિકાર સમજે છે.

વાલ્મીકિની સાથે સાથે તુલસીદાસનું નામ જોકે મેં લીધું છે, પણ ખરું કહું તો આ સ્થળે આવ્યા પહેલાં અને પછીય મનમાં જેટલા કવિ વાલ્મીકિ છે એથી થોડા વધારે તુલસીદાસ છે. ચિત્રકૂટ કહેતાં જ જે પંક્તિઓ આપણા સૌની ચેતનામાં અનાયાસ ગુંજતી રહે છે તે છે :

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર

તુલસીદાસ ચંદન ઘસૈ તિલક કરૈ રઘુવીર

વાલ્મીકિ તો લગભગ ચિત્રકૂટવાસી કહેવાય. તો તુલસીદાસ પણ ચિત્રકૂટમાં આવ્યા છે, રહ્યા છે. ચિત્રકૂટનો આ લૅન્ડસ્કેપ કવિ તુલસીની ચેતનામાં રહ્યો છે. રામચરિતની ઘણી ચૌપાઈઓ આ ભૂમિ પર રચાઈ હશે. તુલસીદાસનું ગામ રાજાપુર અહીંથી બહુ દૂર નથી. પછી ભલે તેઓ ગંગાતીરે કાશીમાં જઈને વસ્યા હોય.

ભરતના ગયા પછી રામ અહીં ચિત્રકૂટમાં કેટલું રહ્યા હશે એને વિષે ઘણા મત છે. વાલ્મીકિ કે તુલસી વાંચતાં તો રામ થોડા સમયમાં ત્યાંથી નીકળી દંડકવનમાં જાય છે અને ગોદાવરીતીરે પંચવટીમાં જઈને રહે છે. પણ અહીં ઘણા એવું કહે છે, કે વનવાસનાં ચૌદ વર્ષોમાંથી સાડા અગિયાર વર્ષો તો રામ-લક્ષ્મણ-સીતાએ મંદાકિનીતટે ચિત્રકૂટમાં વિતાવ્યાં હતાં.

ચિત્રકૂટનો વિસ્તાર જોવા જેવા અમે બસમાં બેઠા કે અહીંથી ખાસ નિમંત્રિત કરેલા ગાઈડે ‘લોર્ડ રામા’ ની કથાની શરૂઆત કરી વિદેશીઓને આ ભૂમિની મહત્તા બતાવી, પણ તેઓય તે અહીંની પ્રાકૃતિક શોભાથી પ્રસન્નચિત્ત હતા.

આ વિસ્તારમાં જ અત્રિ ઋષિ અને સતી અનસૂયાનો આશ્રમ બતાવાય છે ગાઢ વનરાજી વચ્ચે, પણ ત્યાં ન જતાં અમે સીધા પહોંચ્યા ગુપ્ત ગોદાવરી જોવા.

ગુપ્ત ગોદાવરી આમ તો ઊંડી ઊંડી ગુફામાં સતત વહેતા ઝરણાના પાણીથી રચાયેલો દીર્ઘાયતન કુંડ છે. પાણી ઊંડાં નથી, ગુફાના કુંડમાંથી બહાર નીકળી એ પાણી બહારના કુંડમાં ઠલવાઈ પછી એકાએક અદૃશ્ય-ગુપ્ત બની જાય છે. થોડાં પગથિયાં ચઢી સૌ પ્રવાસીઓએ ગુફામાં પ્રવેશ કર્યો – પાણીમાં જ ચાલવાનું હતું. બહાર તો સખત ઠંડી હતી, પણ ગુફામાં હૂંફાળું હૂંફાળું લાગવા માંડ્યું. ઇટાલિયન બાર્બરા બોલી ઊઠી: ‘સો વૉર્મ!’ ગુફાની અંદર એક વિશાળ જગ્યા હતી. ગાઈડે કહ્યું : ‘યહાં રામદરબાર લગતા થા. ત્રેતાયુગ મેં ગુફા બની થી.’ વિદેશી યાત્રીઓ માટે રામદરબાર અને ત્રેતાયુગનો સમયબોધ ઝિલાવો મુશ્કેલ હતો, પણ સૌ ગુફાના પાણીમાં ચાલવાનો આનંદ લેતાં હતાં, જાણે કોઈ પ્રાગૈતિહાસિક યુગમાં ચાલી રહ્યાં હોય.

ચિત્રકૂટના નિવાસ દરમિયાન સીતાએ આ કુંડમાં અવશ્ય સ્નાન કર્યું હશે. કાલિદાસે મેઘદૂતમાં જનકતનયાની આવા જળકુંડોમાંની સ્નાનપ્રીતિનો નિર્દેશ મેઘદૂતના પહેલા શ્લોકમાં* જ કર્યો છે. ઈલોરાની ગુફાઓ વચ્ચે એક સ્થળે એક નાનકડો ધોધ પડી સ્વચ્છ પાણીનો કુંડ રચાયો છે. વેળગંગાના એ સ્થળને ‘સીતાજીની નહાણી’ તરીકે ઓળખાવાય છે. કાકાસાહેબે કલ્પના કરી છે કે સીતામાતાએ અહીં પોતાના વાળ છૂટા મૂકી પાણીમાં સાફ કરકરા કર્યા હશે. આ તો વળી ચિત્રકૂટ – લાંબા વનવાસ ગાળાનો નિવાસ અહીં હતો.

ચિત્રકૂટમાં રામાયણના પ્રસંગો સાથે જોડાયેલા અનેક પવિત્ર મનાતાં સ્થળ છે, જેમાં એક છે મંદાકિનીને કાંઠે લાલાશ ધરાવતો સફેદ ખડક. એનું નામ છે સ્ફટિક શિલા. આ શિલા પર રામસીતા વિશ્રામ કરતાં. તુલસીરામાયણમાં આ પ્રસંગનું વર્ણન છે. એક વાર રામસીતા બેઠેલાં હતાં કે ઇન્દ્રપુત્ર જયંતે રામની શક્તિનાં પારખાં કરવા કાગડાનું રૂપ ધરી સીતાના પગને ચાંચ મારી. રામે એને સજા કરવા તીર છોડ્યું. જયંત એ તીરથી બચવા બ્રહ્માંડ ફરી વળ્યો. પણ છેવટે રામના શરણમાં આવવાથી મુક્તિ મળી.

અહીં જે સ્થળથી વધારે પ્રભાવિત થવાયું તે તો પુરાણપ્રસિદ્ધ ચિત્રકૂટ ઘાટથી. બલખાતી મંદાકિનીને બન્ને કિનારે ઘાટ અને અનેક મંદિરો-આશ્રમો બંધાઈ ગયાં છે. રામ જ્યારે અહીં આવ્યા હશે ત્યારે મંદાકિની ચિત્રકૂટની અરણ્યાનિમાં મુક્ત રીતે વહી જતી હશે. બસમાંથી ઊતરી પગે ચાલતાં ચાલતાં જ ઘાટ સુધી જતાં અનેક શ્રદ્ધાવાન યાત્રિકોનાં દળ જોયાં. અહીં વારાણસીના ઘાટ જેવો કોલાહલ કે ગંગાપુત્રોની દખલ નહોતી. હોડીઓ મંદાકિનીમાં હતી, પણ નીરવ વહી જતી હતી યા કાંઠે હારબંધ પડી નદીકાંઠાનું એક દૃશ્ય રચતી હતી.

રસ્તે જતાં તાજાં જામફળ જોઈ મન લલચાઈ ગયું. ચિત્રકૂટમાં રામ-લક્ષ્મણ-જાનકીએ ફળફળાદિથી જ ચલાવ્યું હશે. આપણે તો ભરપેટ અન્ન આરોગવાનું છે – પણ ચિત્રકૂટનું આ ફળ ખાઈ લઉં. આ મોસમ જામફળની છે. ઈલાહાબાદ કે અમરુદ (અલ્હાબાદનાં જામફળ) તો બધે પ્રસિદ્ધ છે, પણ ત્યાં જોગ ખાધેલો નહીં. ચિત્રકૂટના જામફળની એક ચીરી મોઢામાં મૂકી કે એનો અમૃતસ્વાદ જિહ્વાએ થઈ દેહ-મનમાં વ્યાપી ગયો.

મંદાકિનીના જળ સુધી જતા ઘાટ પર અનેક યાત્રીઓ હતા. કેટલાક મંદાકિનીમાં સ્નાન કરતા હતા, કેટલાક સ્નાનની તૈયારી, તો ઘણા સ્નાન પછી કપડાં પહેરી-બદલી રહ્યા હતા. ભારતીય તીર્થસ્થાનોના ઘાટનું આ દર્શન સામાન્ય છે. ઘણે ભાગે તો હું આવાં સ્થળોએ સ્નાન કરવાનું ચૂકતો નથી, પણ અહીં મંદાકિનીનાં જળનો સ્પર્શ માત્ર કીધો. સર્ગેઈ, બાર્બરા, દોનાના ફોટા લેવામાં વ્યસ્ત હતાં. ઘાટ પર અનેક ચીજો વેચાતી હતી – એ પણ એક દૃશ્ય હતું. ઘાટ પર સાધુસંન્યાસીઓ પણ ભેટી જતા હતા.

કોઈએ બતાવ્યું એ સ્થળ, જ્યાં તુલસીદાસ પૂજાઅર્ચન માટે મંદાકિનીતટે ચંદન ઘસતા હતા, એ વખતે રામચરિતની રચના પણ ચાલતી હશે. પોતાના ચરિતનાયકના જીવનની મહત્તર ભૂમિમાં રહી એનું કાવ્ય લખવું એ કેવો ધન્યતાનો અનુભવ હશે કવિ તુલસીને!

તુલસીને અહીં રામ-લક્ષ્મણે દર્શન આપેલું. ઘસેલું ચંદન વાટકીમાં લઈ તુલસીએ સામે નમન કરી ઊભેલા બે ‘કુમારો’ના ભાલ પર તિલક કર્યું પણ તુલસીદાસ તો પોતાની ધૂનમાં હતા. તિલક કોને કરી રહ્યા છે તે પણ ખબર નહીં. ત્યાં આ ઘટનાના સાક્ષી હનુમાન બોલી ઊઠ્યા :

ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર

તુલસીદાસ ચંદન ઘસૈ તિલક કરૈ રઘુવીર…

તુલસીને રામ-લક્ષ્મણે પ્રકટ દર્શન આપ્યું હોય કે નહીં, તુલસીના માનસમાં તો એ સતત પ્રકટ જ હતા ને! એક ભક્તના જ નહીં, એક સર્જકના માનસમાં.

ઘાટ પર ધાર્મિક પુસ્તકોની એક દુકાન હતી. તેમાં ગીતાપ્રેસનાં ભગવાં કથ્થાઈ કાપડનાં પૂઠાંમાં બંધાયેલાં પુસ્તકો ધ્યાન ખેંચતાં હતાં. મને થયું કે, ભલે ઘેર રામચરિતમાનસની નાનામોટા કદની આવૃત્તિઓ હોય પણ ચિત્રકૂટના ઘાટ પરથી તુલસીદાસનું રામચરિતમાનસ તો લેવું જ રહ્યું.

પેરિસમાં નોત્રદામની નિકટ સેનને કાંઠે ચોપડીઓની અનેક બધી નાનીમોટી દુકાનો છે – કલકત્તાની કૉલેજ સ્ટ્રીટમાં હોય છે તેવી. ત્યાં પુસ્તકો જોતાં જોતાં એકદમ હાથમાં આવ્યું: ‘Le Fleurs du Mal’ – ફ્રેંચ કવિ બૉદલેરનું કાવ્યપુસ્તક, જેનું અંગ્રેજી અનુવાદમાં બહુ બહુ પરિશીલન એક કાળે કરેલું. બૉદલેર એ પેરિસની એક ‘ઓળખ’ કહેવાય (જેમ એક ઓળખ છે એફિલ ટાવર) અને એનું પુસ્તક આ સેનને કાંઠેથી યાદ માટે પણ ખરીદવું જોઈએ, ભલે ફ્રેંચમાં હોય. પણ સાથીએ વાર્યો. કહે : ‘ફ્રેંચમાં લઈને શું કરશો? ’ પીળા પૂંઠાનું એ પુસ્તક પાછું મૂકી દીધેલું. પણ એ ન ખરીદવાનો રંજ હજીય ગયો નથી. કવિ બૉદલેર તિલક કરવા જ આવેલા, પણ આપણા ભાલમાં નહીં તે!

પણ ચિત્રકૂટના ઘાટ પરથી રામચરિતમાનસનો ગુટકો લીધો, એમાં ભક્તિભાવ કરતાં કવિ તુલસીને શ્રદ્ધાંજલિ હતી. એમની ચૌપાઈને અર્ધ્ય હતો, અંતિમ બે ગુરુ માત્રા પર દૃઢ પાયે ઊભેલી સોળ માત્રાની એ ચૌપાઈઓએ ચાર ચાર સદીથી અનેકોને રામનાં ‘શીલશક્તિ અને સૌંદર્ય’નો સાક્ષાત્ કરાવ્યો છે.

ચિત્રકૂટે મને રામ સાથે જ નહીં, કવિ વાલ્મીકિ અને કવિ તુલસી સાથે જોડી દીધો.
*
દેશવિદેશના પ્રવાસલેખકોની ઉત્તરપ્રદેશની બે સપ્તાહની ઉ. પ્ર. પ્રવાસન વિભાગ તરફથી આયોજિત આ સફરના ઉપાન્ત્ય દિવસે ઇટલીનાં શ્રીમતી દોનાતા પાસે જઈ બેઠો. અમારો કોચ ઝાંસીથી ગ્વાલિયર વટાવી આગ્રા તરફ જઈ રહ્યો હતો. મેં કહ્યું : થોડી વાતો કરવી છે. તેમણે કહ્યું : જરૂર.

આગ્રા સુધી અમારી વાતચીત ચાલતી રહી.

એક તબક્કે મેં પૂછ્યું – ‘આખા પ્રવાસ દરમિયાન તમને કયું સ્થળ સૌથી વધારે ગમ્યું?’

થોડી વાર અટકી કહે : ‘ચિત્રકૂટ, પછી દેવગઢ અને ઓરછા.’

ન માનતો હોઉં એમ મેં સીધા એમની સામે જોયું. એ કહે : ‘ચિત્રકૂટની એ નદીના ઘાટ પર ચાલતાં મને અંદરથી કંઈક સ્પર્શી ગયું. મારી અંદર કંઈક થઈ ગયું. ’ પછી અટકી કહે : ‘ત્યાં જે રીતે લોકો સ્નાન કરતા હતા, જે ભાવથી બધા જાતજાતના યાત્રિકો ઘાટ પર ચાલતા હતા, જાણે શતાબ્દીઓથી આમ આવું ચાલતું હશે… ચિત્રકૂટ – પરફેક્ટ ઈમેજ ઑફ ઇન્ડિયા… ’

મને વળી યાદ આવ્યું : ચિત્રકૂટ કે…

પણ દોનાતાને ચાલતી બસે આ દોહો સંદર્ભસહિત કેવી રીતે સમજાવું અને કહું કે તમારા જેવા ‘પરદેશી’ને પણ ‘કંઈક થઈ જાય’ એવી જગ્યા ચિત્રકૂટ કેમ છે?

[મે, ૨૦૦૦]