ચૈતર ચમકે ચાંદની/અવિરામ નાયગરા

From Ekatra Wiki
Revision as of 09:51, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અવિરામ નાયગરા

આ ક્યાંથી ગગડાટ? અંબર મહીં ના મેઘખંડેય કો

કે માઝા મૂકી સિંધુરાજ ધસતો આવી ચઢ્યો આ દિસે

કે વિંધ્યાચળને વને ગરજતા સો કેસરી સામટા?

પ્હાડોયે ધડકે ભરાય, ફડકે ફાટી પડે દિગ્ગજો…

ના, આ તો સુરપાણનો નિકટના પ્હાડો થકી ધોધવો

વેગી વારિ પ્રવાહ સાથે ભૂસકો મારી ધસી આવતો…

કવિ પૂજાલાલની ‘સુરપાણનો ધોધ’ કવિતા ભણાવનાર શિક્ષકે આ શાર્દૂલવિક્રીડિતની પંક્તિઓને જાણે કે શ્રાવ્યદૃશ્ય બનાવી દીધી હતી. અમે જાણે કોઈ પ્રચંડ ધોધની ગર્જનાઓ સાંભળી રહ્યા છીએ અને પછી એને ધસી આવતો જોઈ રહ્યા છીએ. વર્ગમાં બેઠાં બેઠાં એવો અનુભવ થયો હતો. વર્ષો વહી ગયાં…

વિશ્વવિખ્યાત નાયગરાધોધની દિશામાં અમારી મોટરગાડી દોડી રહી હતી, ત્યારે જાણે કે ચેતનાના અતલાન્તમાંથી જોર કરીને આ શાર્દૂલવિક્રીડિત ધસી આવ્યો. મને થયું– આ ક્યાંથી? ક્યાં તો સુરપાણનો ઘરેલુ ધોધ અને ક્યાં વિરાટ વન્ય નાયગરા?

પરંતુ ધોધનું કલ્પનાચિત્ર પૂજાલાલની આ પંક્તિઓથી કોણ જાણે એવી રીતે ચિત્ત પર રચાઈ ગયેલું કે એથી અલગ પાડીને આ ધોધ પણ જાણે જોઈ શકાશે નહિ કે શું? શાર્દૂલવિક્રીડિત છંદનો પણ એ પ્રભાવ કે જાણે ધોધ કોઈ સિંહ(શાર્દૂલ)ની જેમ ગર્જના સાથે ફાળ ભરતો ધસી રહ્યો છે.

એક પ્રચંડ કૌતુક મનમાં હતું. પ્રથમ વાર તાજમહાલ જોયાની પૂર્વક્ષણો યાદ આવી ગઈ. તાજમહાલનાં ચિત્રો જોઈ, કાકાસાહેબનો નિબંધ વાંચી તાજની માનસછવિ એવી અંકિત થયેલી કે તાજની નિકટ જતાં સમગ્ર ચેતના તાજોન્મુખ બની ગયેલી. પછી જ્યારે સંગેમરમરની એ આકૃતિ નજર સામે ખૂલી કે થયું, શું આ જોઈ નહોતી?

નાયગરાની તસવીરો જોઈ હતી, પણ કવિતા તો પૂજાલાલની ધોધ વિષે વાંચી હતી. નાયગરાની નિકટ જતાં હતાં તેમ તેમ એ કેવી રીતે ખૂલશે એની ઉત્કટ પ્રતીક્ષાનો ઉદ્વેગ આજુબાજુની દૃશ્યાવલી ભણી પણ અને સહપ્રવાસીઓની હળુહળુ વાતો ભણી પણ વિમનસ્ક કરી દેતો હતો.

આવું થતું હોય છે. સમગ્ર ચેતના જ્યારે આમ કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે સૂચ્યગ્ર બની જતી હોય છે ત્યારે અસ્વસ્થ કરતી વ્યાકુળતા વિસ્મય સાથે ભળેલી હોય છે. એક શનિવારે જ્યારે વેસ્તાલથી નાયગરા જવાનો કાર્યક્રમ ઘડ્યો તે પછી જાણે ચિંતા રહેવા લાગી હતી કે ત્યાં જઈશું ત્યારે હવામાન કેવું હશે? વરસાદ તો નહિ પડે ને? પછી તો ટી.વી.ની વેધર ચેનલ પર શુક્રવારે હવામાનની આગાહી સાંભળી કે રાતે આકાશ ખુલ્લું થશે અને ન્યૂયૉર્ક રાજ્યના બફેલો નગરવિસ્તારમાં દિવસ ‘મોસ્ટલી સની’ રહેશે. એ નાયગરાનો વિસ્તાર.

આ તાજમહાલની જેમ નાયગરાધોધ પણ વિશ્વની એક અજાયબી છે. એક માનવસર્જિત છે, બીજી પ્રકૃતિસર્જિત. નાયગરા મૂળે તો નદીનું નામ છે. લેક એરીમાંથી એ નીકળે છે અને પ૩ કિલોમીટર દોડી એ લેક ઓન્ટારિયોમાં ભળી જાય છે. એ રીતે તો ૧૩૦૦ કિલોમીટર દોડતી ક્યાં આપણી નર્મદા ને ક્યાં આ નાયગરા? નર્મદાનો એક પ્રચંડ ભૂસકો તો જબલપુર પાસે ધુંવાધારનો, બીજો તે સુરપાણનો જો કે અરે, સુરપાણ તો હવે વિલીન થઈ ગયો. પણ નર્મદાને તો ૧૩૦૦ કિલોમીટરમાં પોતાનાં વિવિધ રૂપ બતાવવાનો ભરપૂર અવકાશ મળ્યો છે. કેટલેક સ્થળે સાગર જેવા વારિઓઘ તો અનેક સ્થળે રૅપિડ્ઝ. નાયગરામાં પણ રૅપિડ્ઝ ઘણા, પણ જે કારણે આ નદી વિખ્યાત છે તે તો એની ટૂંકી દોડમાં મારેલો પ્રચંડ ભૂસકો. એ ભૂસકો એ જ નાયગરા ધોધ.

નદી તરીકે નાયગરા અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્ય અને કૅનેડાના ઓન્ટારિયો વચ્ચે પ્રાકૃતિક સરહદ પણ રચે છે. અમેરિકાની સરહદમાં પણ નાયગરાનો એક ભૂસકો છે, કૅનેડાની સરહદમાં બીજો ભૂસકો. એટલે સમ્યક્ રૂપે જોવા કૅનેડામાં જવાનું પ્રવેશપત્ર પણ અમે મેળવી લીધું હતું.

નાયગરા ધોધ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો હશે એની ભૂસ્તરશાસ્ત્રીઓએ – ભૂગોળવિદોએ વૈજ્ઞાનિક કલ્પના કરી છે. એમનું એમ કહેવું છે કે ભૂપૃષ્ઠની રચના વગેરે જોતાં આ ધોધની વય ૧૨૦૦૦ વર્ષની તો ઓછામાં ઓછી છે. એ જ્યારે પ્રથમ અસ્તિત્વમાં આવ્યો હશે ત્યારે એને પહેલો જોનાર કોણ હશે? એ જ પેલો એકાકી ન રમી શકતો વિભુ હશે, જે એનો રચયિતા છે? ન ઉકેલી શકાતાં પરમ વિસ્મયોને માનવમન આવી કોઈક દાર્શનિક કવિતામાં રૂપાંતરિત કરતું હશે શું?

અમારે નાયગરા કૅનેડાની હદમાંથી જોવો હતો એટલે સીમા પર ચાલુ ગાડીએ જ પાસપૉર્ટ બતાવ્યો કે ધસી ગયાં જાણે. ત્યાં એકાએક ગાડીમાંથી નજર પડી. નાયગરા ધોધ… પુલિને ગાડી ધીરી કરી હતી. અમે જોઈ રહ્યાં, સૌ જાણે પોતપોતાની રીતે. મારી કલ્પનામાં આ ધોધ સાથે એક રહસ્યનું તત્ત્વ ભળી ગયેલું. મને થયું એની સાથે આ પ્રથમ પ્રત્યક્ષ દર્શનનો સંવાદ રચાતો નથી શું?

હજુ અમે ગાડીમાં હતાં અને અસંખ્ય પ્રવાસીઓથી ઊભરાતા આ નગરમાં યોગ્ય પાર્કિંગ પહેલાં શોધી લેવાનું હતું. જોઈએ, પછી તો અમે છીએ અને નાયગરા છે. અમે જરા આગળ ગયાં કે અહો, આ જ તો પેલો બીજો નાયગરાનો હૉર્સ-શૂ ધોધ!

હવે તો ગાડી જલદી પાર્ક કરી આ ધોધની નિકટ પહોંચી જવા વ્યગ્ર બની જવાયું. પુલિને અમને ઉતારી દીધાં. કહ્યું, અમે આવીએ છીએ; તમે જાઓ.

બરાબર હૉર્સ-શૂની સામે જઈ ઊભાં રહી ગયાં. સ્તંભિત! જળની આ તે કેવી લીલા? નાયગરા નદીનાં વિપુલ વારિ વેગથી ધસતાં આવે છે અને એક વિશાળ અશ્વનાળના આકારમાં એકદમ પડતું મૂકે છે અને માત્ર શ્વેત ફીણ બની જાય છે. વારિનું માત્ર શ્વેત રૂપ ને ઘેઘૂર ગર્જન. હજારો વિસ્મિત નેત્રોથી એ પિવાઈ રહ્યું છે. છેક નિકટ જઈ પહોંચીએ છીએ. એનાં સીકરોની ફરફર ચહેરા પર છંટાવા દઈએ છીએ.

પછી તો આ નાયગરાનો ધોધ છે અને હું છું. જાણે હું એને પહેલી વાર જોઉં છું. હું નદીને પણ જોઉં છું. નદી ધોધ બની જાય છે, તે જોઉં છું. ધોધ જલસીકરોનું વાદળ બની જાય છે, તે જોઉં છું. જોઉં છું, જોઉં છું, નમું છું પંચ મહાતત્ત્વોમાંના એક આ જળ તત્ત્વને.

દિવસ સુંદર છે. આજે વધારે સુંદર છે. આ સૌ પ્રવાસીઓ પણ સુંદર લાગે છે.

કદાચ આ અનુભવ આ સૌ જોનારાઓનો હશે, એટલે તો કદાચ નાયગરા હનિમૂન સિટી બની ગયું છે. નાયગરાની ઉપસ્થિતિમાં મધુરજનીઓનો અનુભવ મધુરતમ બની જતો હશે.

ઇન્દ્રધનુ રચાઈ ગયું છે. ગોળાકાર ખીણ પર સેતુ જાણે! એ નામનો અહીં એક માનવસર્જિત સેતુ પણ છે – રેઇનબો બ્રિજ. આ. જળપ્રપાત અને આ ઇન્દ્રધનુ – દુઃસહ સુંદર. ભવ્ય અને રમ્યનો કેવો સંયોગ! આ જોઉં છું ત્યાં તો કેટલાં વારિ વહી ગયાં અને બાર હજાર વરસથી દિવસ-રાત આમ વહી રહ્યાં છે…

પછી તો જુદે જુદે સ્થળેથી નાયગરા સાથે ત્રાટક રચ્યાં.

અમેરિકન પ્રપાત ભણી ગયાં. હવે એ પણ બરાબર. પ્રથમ નજરની નિરાશા ક્યાં જતી રહી? એ સીધો પડી રહ્યો છે, છેડે જરા પ્રચંડ ધાર ખંડિત થઈ શોભા વધારે છે.
આ ધોધ કોઈ ઝીલી શકે?

ગંગાધર શિવજી વળી! જરા હસવું આવી ગયું.

આ અદ્ભુતનું દર્શન અભિભૂત કરતું જાય છે. અહીંની આદિમ પ્રજાઓને અમસ્તું જ નહોતું થયું કે આ પ્રચંડ વારિ જ્યાં પડે છે, તે કોઈ દેવતાનું નિવાસસ્થાન હોવું જોઈએ. એટલે તો વસંતઋતુની શરૂઆત થાય કે એ દેવતા માટે એક સુંદર કુમારિકા પસંદ કરવામાં આવતી. એને નવવધૂની જેમ મૃગચર્મ અને ફરનાં સુંદર વસ્ત્રોમાં સજાવી એક નાનકડી હોડીમાં બેસાડવામાં આવતી. અને ધોધને ઉપલાણેથી એ હોડીને વહાવી દેવામાં આવતી!

અશ્વનાળ ધોધમાંથી જે જલસીકરોનું વાદળ રચાય છે એને ‘મેડ ઑફ ધ મિસ્ટ’– ધુમ્મસકુમારિકા – કહેવામાં આવે છે. એવું નામ પેલા આદિવાસીઓએ આપ્યું છે કે સભ્ય અમેરિકનોએ? સંભવ છે પેલી દેવતાને ધરવામાં આવેલી કુમારિકા પછી આ ‘મેડ ઑફ ધ મિસ્ટ’ બની ગઈ હોય લોક-કલ્પનામાં.

પરંતુ અહીં ‘મેડ ઑફ ધ મિસ્ટ’ માત્ર કલ્પના નથી. એ નામની બોટમાં પ્રવાસીઓને બેસાડી સામા પ્રવાહમાં છેક ધોધની નિકટ લઈ જવામાં આવે છે. આવો રોમાંચક અનુભવ કોણ જવા દે? અમે ચાલતાં ચાલતાં આ રાઇડ લેવા ગયાં, તો ત્યાં તો લાંબી લાઇન. અમને થયું ઘણી વાર લાગશે. આરતી – પુલિને તો ઘણી વાર આ સવારી માણેલી. અનિલાબહેન માટે ધોધની બીજી વારની યાત્રા હતી, પણ ‘મેડ ઑફ ધ મિસ્ટ’ કદાચ પ્રથમ વાર. અમારે બહુ ઊભા રહેવું પડ્યું નહિ. ટિકિટો લઈ એક લિફ્ટ દ્વારા નીચે ઊતર્યાં. થોડું ચાલ્યાં. બોટ આવી. બોટમાં પ્રવેશતાં દરેકને એક એક વાદળી જેકેટ આપી દેવામાં આવ્યું. બોટમાં બધાં સરખાં લાગે. બોટ ઊપડી અશ્વનાળ ધોધ ભણી.

અદ્ભુત અનુભવ. જેમ જેમ ધોધની નિકટ જતાં ગયાં તેમ તેમ રોમાંચની માત્રા વધતી ગઈ. બધા પ્રવાસીઓ આનંદની ચિચિયારીઓ પાડી ઊઠતા. નજીક, હજી નજીક – હવે બોટ ખસી શકતી નથી – પણ નાયગરાનાં જલસીકરોએ સૌને ભીંજવી દીધાં છે. બોટમાંથી એ પ્રચંડ ધોધ ભણી નજર શી રીતે કરવી?

એક ચક્કર લઈ બોટ પાછી ફરી, ધીરે ધીરે.

જૅકેટ ઉતારી જેવાં અમે લિફટ ભણી જતાં હતાં કે ‘મેડ ઑફ ધ મિસ્ટ’ના બીજાં પ્રવાસીઓ આવી રહ્યાં હતાં. અનિલાબહેન કહે ‘ત્યાં જુઓ, સ્વામી સચ્ચિદાનંદ છે.’ અમે મળ્યાં. પરસ્પર અભિવાદન કર્યું. સ્વામીજી અરૂઢ સંન્યાસી છે, એટલે આ અનુભવ એ જરૂર લે જ.

નીચલાણે અમે નદીકિનારાના ખડકો ઉપર બેસી પાણીમાં પગ બોળી પ્રપાત જોતાં રહીએ છીએ, સાંજ પડતી આવે છે. અમે વળી પાછાં અશ્વનાળ પ્રપાતની નજીક જઈ બેસીએ છીએ. આવેશ શમી ગયો હતો. પણ અહીં બેસીને આંખ અને કાન દ્વારા – રૂપ અને શબ્દમાં સર્વેન્દ્રિયોથી પ્રપાતને પામીએ છીએ. વળી રચાયાં છે ઈન્દ્રધનુ. અશ્વનાળના બે છેડા વચ્ચે સેતુ રચી રહ્યાં છે.

સાંજે મોડે સુધી તડકો હતો. અમે નાયગરા ગામમાં જવાનો વિચાર કર્યો. આ ગામમાં ઊંચાં ઊંચાં ટાવર્સ છે. સ્કાયલોન ટાવર, યલો બગ વગેરે. પરંતુ જેમ હરકી પૌડી આગળ બિરલા ટાવર વરવું લાગે છે તેમ આ નાયગરા ધોધની નિકટ આ ટાવર્સ વરવાં લાગે છે. પણ એ છે.

અંધારું થતાં ધોધનાં પાણી પર રંગબેરંગી પ્રકાશ ફેંકાવા શરૂ થયા. મને થયું, આ પણ શા માટે? પ્રકૃતિને પ્રકૃત કેમ રહેવા દેવામાં નથી આવતી? આ સમયે પણ અસંખ્ય પ્રવાસીઓ છે. આંકડા છે કે વરસેક-દહાડે અગિયાર કરોડ કરતાંય વધારે પ્રવાસીઓ નાયગરા જોવા આવે છે!

રાત તો પડી છે ને તોય તો અવિરામ પડ્યે જાય છે અજસ્ર જળ સાથે નાયગરા, પડ્યે જાય છે. જ્યારે સૌ પ્રવાસીઓ પોતપોતાનાં સ્થળે પહોંચી જશે અને નિદ્રામાં વિરમી જશે, જ્યારે યુગલો એકબીજાની સોડમાં લપાઈ જશે ત્યારેય નાયગરા તો અવિરામ પડ્યે જશે.

૧-૧૨-૯૦