ચૈતર ચમકે ચાંદની/સ્વપ્નોને સળગવું હોય તો

From Ekatra Wiki
Revision as of 09:30, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્વપ્નોને સળગવું હોય તો

જુલાઈ માસ ચાલે છે. બે કવિઓનું સ્મરણ આ દિવસોમાં ખાલી મનને જાણે ભરે છે. એક કવિ તે કાલિદાસ. જુલાઈ એટલે કે અષાઢ, એટલે કે મેઘદૂતની ઋતુ. અષાઢસ્ય પ્રથમ દિવસે કાલિદાસનું સ્મરણ થાય ને થાય. પછી તો કંઈ નહિ તોયે મહિનોમાસ એ કામરૂપ કવિ મેઘ રૂપે ચિત્તાકાશમાં વિચરણ કર્યા કરે. મેઘદૂતનું પઠન આ જન્મની જ નહિ, જન્માન્તરના પ્રીતિબોધની મધુર વિકલતા જગાવી રહે.

બીજા કવિ તે આપણા સમકાલીન કવિ – કવિ ઉમાશંકર જોશી. જુલાઈની ૨૧મી તારીખ એમનો જન્મદિવસ. વર્ષાને આ કવિએ પણ કંઈ ઓછાં લાડ લડાવ્યાં નથી. એક રીતે તેઓ કાલિદાસના જ વારસદાર ગણાય. કાલિદાસની જેમ જ એમણે પણ ભારતભૂમિને અંતરતમથી ચાહી છે, ગાઈ છે.

અષાઢના પહેલા દિવસે મેઘદૂતનું વાચન એક કર્મકાંડ જેવું મારે માટે બની ગયું છે. ભલે આકાશમાં મેઘ હોય કે ન હોય, એ તિથિ કાલિદાસની જન્મતિથિ હોય એમ ઊજવું છું અને પછી એ ઉત્સવ લંબાયે જાય.

પરંતુ આ વખતે એ ઉત્સવ લંબાયો નહિ. અષાઢી બીજને દિવસે રથયાત્રા પ્રસંગે જે ઘટનાઓ બની, એથી એવું લાગ્યું કે, આ દિવસોમાં મેઘદૂત વાંચવું અપ્રાસંગિક છે, out of tune છે. વારંવાર શું થાય છે આ મારા નગરને?

એટલે મેઘદૂતના સુબદ્ધ મંદાક્રાન્તાને બદલે કવિ ઉમાશંકરની આ એક અછાંદસ પંક્તિ એકાએક મનમાં ઊબડૂબ કરવા લાગી :

સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે

હા, અષાઢી બીજની સંધ્યાના સમાચાર સાંભળી આ પંક્તિનો ભાવ યાદ આવ્યો – ‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.’ સ્વપ્નાં જોવાં માણસજાતિની જૂની ટેવ છે, – સુખી ભવિષ્યનાં સ્વપ્નાં. પોતા માટેના અને પોતે જે વિશ્વમાં રહે છે, તે વિશ્વ માટેનાં સ્વપ્નાં. પણ એ સ્વપ્નાં સાચા પડવાને બદલે સળગી કેમ ઊઠે છે?

કેમ કે માણસજાતિને જેમ સ્વપ્નાં જોવાની ટેવ છે, તેમ એ સ્વપ્નાં સળગી ઊઠે એની ‘સગવડો’ કરવાની પણ મનુષ્યજાતિમાંથી કેટલાકને ટેવ છે. એટલે આપણા કવિને પંક્તિ મળી છે – ‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.’

કવિ કહે છે ‘ભડભડ બળે સ્વપ્નાં’ – ના, જાણે આ નગર ભડભડ બળે છે. તેવે વખતે મેઘદૂત વાંચવા જતાં પેલા રોમન સમ્રાટ નીરોનો સમાનધર્મી બની જાઉં છું. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો.

ધારો કે ‘ફીડલ’ને બાજુમાં મૂકી દેવાય, પણ પછી શું કરી શકાય? એક પ્રકારની નિઃસહાયતા, વિવશતા કે પછી વંધ્ય આક્રોશ?

પછી તો દરિયાપુર-શાહપુરની પોળોમાં મન ભમે છે. કાળુપુર સ્ટેશને ઊતરી દરિયાપુર જઈએ ત્યારે જે દરવાજામાંથી પ્રવેશ કરવાનો તેનું નામ તો છે ‘પ્રેમદરવાજા.’ એ નામની આજે કેવી વિડંબના છે? અમદાવાદનો મારો પ્રથમ પરિચય તે આ પ્રેમદરવાજાનો અને દરિયાપુર-વાડીગામમાં આવેલી નાની મહેતા પોળનો. બીજા એક મિત્ર શાહપુર, લુણસાવાડમાં રહેતા. ત્યાંથી જ પહેલી રથયાત્રા પસાર થતાં જોયેલી. શું થાય છે ત્યાં વારંવાર?

ત્યાં જ શું? આ નગરની બહાર નીકળો તોય બધે જ બધે જાણે આ સ્થિતિ છે. રાજસ્થાન, પંજાબ, કાશ્મીર, બિહાર, અસમ –દેશમાંથીય બહાર નીકળો તો નજીકમાં અફઘાનિસ્તાન, લેબેનોન, ત્યાં દૂર યુગોસ્લાવિયા – દક્ષિણ આફ્રિકા – બધે જ બધે ‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.’

‘વિશ્વશાંતિ’ની ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ એવા શબ્દોથી નાન્દી ગાનાર કવિ ઉમાશંકર, આટલી કઠોર વાસ્તવિકતાની પંક્તિ લખે છે. ‘વિશ્વશાંતિ’ કવિતા રચી ત્યારે તેમની વય ૨૦ની હતી. ૧૯૩૧નું એ વર્ષ હતું. ગાંધીજી કાવ્યનાયક હતા એ કવિતાના. પછી તો એ મુગ્ધ છતાં પ્રાજ્ઞ કવિએ આ જગતને સમગ્રપણે જોયું. સામાન્યજનની મુગ્ધતા તો પ્રૌઢ વય પછી ભાગ્યે જ ટકે છે, પણ કવિ મરણપર્યંત ‘મુગ્ધ’ રહે છે–વિસ્મિત રહે છે, એ મૃત્યુને પણ મુગ્ધતાથી – વિસ્મયથી જુએ તો નવાઈ નહિ. એટલે ‘વિશ્વશાંતિ’ પછી પ૦ વર્ષે જ્યારે ૧૯૮૧માં ‘સપ્તપદી’ લઈને આવે છે, ત્યારે પરિણતપ્રજ્ઞા કવિની મુગ્ધતા સરી ગઈ નથી. એ વારંવાર કહેતા કે ‘હું એક અસાધ્ય આશાવાદી છું.’

I am an incorrigible optimist.

આ અસાધ્ય આશાવાદી કવિએ જ ‘સપ્તપદી’ના એક કાવ્યની શરૂઆત આ રીતે કરી છેઃ ‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.’ શું જગતની કઠોર વાસ્તવિકતાઓથી નિર્ભ્રાન્ત થયેલા કવિ આ પ્રમાણે ઉદ્ગારે છે? શું આ કોઈ નિરાશાવાદી સૂર છે? કદાચ ના.

કવિએ આ પ્રશ્નને સમગ્ર વિશ્વપ્રપંચના ભાગ રૂપે જોયો છે. વિશ્વમાં જો સત્ છે, Good છે તો દુરિત પણ છે, Evil પણ છે. વિશ્વમાં જ નહિ, વ્યક્તિમાં પણ સત્ અને દુરિત છે. સત્‌ની સામે દુરિત સુગઠિત થાય છે. દુરિત તત્ત્વ સત્‌ની તુલનામાં જલદીથી સુગઠિત થાય છે. સત્ અને દુરિતની આ લડાઈ ચાલ્યા કરે છે. (ખ્રિસ્તી પરિભાષામાં ન જોવું હોય તો ગીતામાં ૧૬મા અધ્યાયમાં વર્ણવેલા દૈવી અને આસુરી સંપદાઓના દ્વંદ્વમાં પણ તે વાંચી શકાય.) પાંડવકૌરવની કુરુક્ષેત્રની લડાઈમાં પણ સત્‌દુરિતનું આ દ્વંદ્વ વ્યાપ્ત છે.

અહીં હું કોઈ ફિલોસોફી કરવા નથી બેઠો. એવી ક્ષમતા પણ નથી. પરંતુ કવિ ઉમાશંકરે દુરિત-Evil તત્ત્વની જે રીતે જાગતિક સંદર્ભે કવિતા કરી છે, તેની વાત કરવા માગું છું. જાણે આજના હવામાનનું વાસ્તવ આકાશમાં ઝળૂંબી રહેલો કાલિદાસી મેઘ નહિ, પણ આ દુરિત છે.

કવિ કહે છે કે ‘સ્વપ્નને સળગવું હોય તો બધીય સગવડ છે.’ બજારના કોલાહલના કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો, (પછી) ભડભડ બળે સપનાં. ઘુમાય વાયુ મંડલ અને આંખો ચોળે ભલા લોકો. ઓળા એના પથરાય ઇતિહાસપોથીઓ પર.

કવિ કહે છે કે, અડધી સદીમાં તો માણસજાતિએ બે વિશ્વયુદ્ધો જોયાં (ત્રીજું લગભગ હમણાં લડાઈ ગયું.) એ વિશ્વયુદ્ધના પરિણામે નિર્માનુષીકરણ વકરતું ગયું છે. હિરોશીમાની ખાક લલાટે લગાડનાર આજની અણુસંસ્કૃતિનું કંકાલ-હાસ્ય દસકાઓની ભેખડે પડઘાય છે.

આવી સ્થિતિમાં સજ્જનો અકિંચિત્‌કર-નગણ્ય બની જાય છે. દ્વેષની જ્વાળાઓમાં સુજનતાની સેર કે પ્રેમની સરવાણી સણસણી રહે છે.

અમદાવાદની તાજેતરની ઘટનાઓ પછી શ્રી પ્રકાશ શાહને ત્યાં જે કેટલાક મિત્રો મળ્યા, તે દરેકના મનમાં આ એક પ્રશ્ન હતો કે આવામાં આપણે શું કરી શકીએ? આપણી શાંતિયાત્રા કેટલી પ્રભાવક નીવડવાની? આપણી અપીલ કેટલે સુધી પહોંચવાની? અને છતાં કશુંય કર્યા વિના બેસી પણ કેવી રીતે રહેવાય? દ્વેષની જ્વાળાઓમાં થોડા જળનો છંટકાવ છમ્ થઈને ઊડી જવાનો છે, તેમ છતાં જળ છાંટવું રહ્યું. એ મિત્રોએ શાંતિયાત્રા કાઢી. ક્યાંક કોઈ વર્તમાનપત્રમાં એનો આગોતરો ઉપહાસ પણ થયો.

હા, તો કવિ ઉમાશંકર તો વ્યાપક ભૂમિકા પર ગયા છે. આજની આ અતિ ઉત્પાદનવતી સંસ્કૃતિ છે. જેનો મુદ્રાલેખ ‘સ્વાહા’ છે. શરીરધર્મ મુખ્ય ધર્મ છે.

આવી સ્થિતિમાં ‘અઢી અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો છે. માણસો માણસો વચ્ચેની વાતચીતનો સંબંધ માત્ર હિંસાના સરંજામ દ્વારા થાય છે.

કવિ કહે છે કે દુરિતનો પડછાયો કોઈનોય કેડો મૂકતો નથી.

પરંતુ આ આશાવાદી કવિ માને છે કે આ દુરિત પણ શુભથી મિશ્રિત છે. વળી માનવજીવનની રચનામાં તાણો ગમે તે હોય પણ વાણો દુરિતનો રહેવાનો અને તેથી જ જિંદગી કેવળ જડ પટ નહીં, પણ રંગબેરંગી વસ્ત્ર છે.

દુરિતનું હોવું આપણને સુગઠિત-‘ઇન્ટિગ્રેટ’ કરે છે. આ દુરિત પ્રેમથી ભયભીત છે, એટલે કવિ કહે છે કે માનવો જેવા છે, તેવા સ્વીકારવાના જ નથી. એ સૌને સર્વભાવે ચાહીને અપનાવવાના છે.

એટલે છેવટે તો પ્રેમ એ જ દુરિતને પણ જીતવાનો માર્ગ છે. એ જ માત્ર માર્ગ છે – એ સિવાય બીજો માર્ગ નથી. એ માર્ગે જ થોડાંક સ્વપ્નો સલામત ટકી શકશે. કવિ ઉમાશંકરની આશાવાદી વાણી આ અજંપાના હવામાનમાં શાતા આપે છે, પણ એ તો કવિની વાણી છે. એ કવિએ રળેલું ‘ડહાપણ’–wisdom છે, પણ આપણું મન તો જાણે શંકાકુલ છે.

૨૬-૭-૯૨