છિન્નપત્ર/૪૦

From Ekatra Wiki
Revision as of 10:34, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૦

સુરેશ જોષી

નવું સ્થળ, નવી હવા, નવું આકાશ. કદાચ માલાને હું પણ નવો નવો લાગું છું. જાણે આ પહેલાં એણે મને જોયો નથી. મારે વિશે કુતૂહલથી ઘણું બધું પૂછે છે: ‘આ ભાવશે? આ ગમશે?’ વાત તો નાની નાની છે. આવે પ્રસંગે હું પોતે પણ મને થોડો થોડો ગમવા લાગું છું. બાળપણથી મારા પર વેર લેતો આવ્યો છું. આજે હવે મારા વિશે મને થોડી પ્રીતિ ઉદ્ભવી છે. પાસે જ સમુદ્ર છે. મોડી રાત સુધી માલા સમુદ્રકિનારેથી મને ઊઠવા દેતી નથી. જાણે એ પોતે સમુદ્રનું મોજું જ છે, મને એની છાલકથી ભીંજવે છે. દિવસભર એ મને એકલો મૂકતી નથી. સહેજ લખવા જાઉં છું કે તરત પેન ઝૂંટવી લે છે. મને ધમકાવતી હોય તેમ પૂછે છે: ‘તારી વાર્તામાં તેં કેટલી સ્ત્રીઓને દુ:ખી કરી છે? હવે બહુ થયું.’ હું કહું છું: ‘પુરુષોનું શું?’ એ કહે છે: ‘પુરુષોની મને ચિન્તા નથી. એમના પરાક્રમનું દુ:ખ એક અંગ છે. અરે, એમને મન તો દુ:ખ પોતે પણ એક પરાક્રમ છે.’ હું એને ચિઢવવા કહું છું: ‘પણ દુ:ખનું ગૌરવ તો ભોગવે છે નારી – સીતા, દમયન્તી.’ એ અધીરાઈથી બોલી ઊઠે છે: ‘બસ, બસ, ગૌરવનો ભાર વહી વહીને તો કમર તૂટવા આવી. હવે જરા નાચીએ, કૂદીએ, ઊડીએ.’ મને પણ જરા હળવા થવાનું ગમે છે એટલે કહું છું: ‘ના, તને ઊડવા તો નહિ દઉં.’ એટલે એ મને ભેટી પડે છે ને ખાતરી આપતી હોય તેમ કહે છે: ‘ના, ખોટા ભયથી છળી મરીશ નહીં. તું જ મને ઉડાવી મૂકે તો વાત જુદી.’ હું એના કાન ખેંચું છું. એ ખોટી ખોટી ચીસ પાડે છે. એકાએક એ મને કહે છે: ‘હવે તું અરુણ, રમેશ, અમલને ભૂલી ગયો કે નહીં?’ હું ટૂંકો જવાબ આપું છું: ‘એ બધા સારા માણસ છે. જે તને ચાહવા જેટલી સમજ ધરાવે છે તેને માટે મને માન છે.’ એ એકદમ વિફરી ઊઠીને પૂછે છે:’કોણ મને ચાહે છે? તું સુધ્ધાં મને ચાહી શક્યો છે?’ મને આનો જવાબ આપવાનું મન નથી. હું એના ગાલ પર મારી આંગળીઓને રમાડું છું. એ કહે છે: ‘કેમ, જવાબ નથી આપતો?’ મેં કહ્યું: ‘જવાબ તો મેં આંગળીથી તારા ગાલ પર લખી લીધો.’ એ મારી આંગળી લઈને બે દાંત વચ્ચે દબાવે છે. હું પૂછું છું: ‘માલા, તને કદી ઈર્ષ્યા થઈ નથી? લીલા –’ એ મને બોલતો અટકાવીને કહે છે: ‘લીલાને કે મને તું સમજતો નથી. ઈર્ષ્યા વગર પ્રેમની ઉત્કટતા પુરવાર નહીં થાય એવું ક્યાંક મેં તારી વાર્તામાં વાંચ્યું છે ખરું. પણ એ ખોટું છે, હજાર વાર ખોટું છે.’ હું કહું છું: ‘આજે હું તારી પાસે હાર સ્વીકારવા તૈયાર છું.’ એ તરત બોલે છે: ‘હા, આજે એ બધું તને પરવડે છે કારણ કે અહીં હું એકલી છું. ધાર કે અહીં અરુણ આવે, અમલ આવે –’ હું જાણે એ સાંભળતો જ નથી ને એ મારા ખોળામાં માથું મૂકીને સૂઈ રહે છે. પછી આંખ બંધ કરી દે છે, કહે છે: ‘પુરુષને મન નારી એકાન્તનું ધન છે. એ એને બહાર કાઢતો નથી. નારી છે અસૂર્યમ્પશ્યા.’ હું કહું છું: ‘જોને, અહીં તો સમુદ્ર તારી કાયાને આલિંગે છે, પવન તારું વસ્ત્રાહરણ કરે છે ને સૂર્ય તારા અણુને અણુને ચૂમે છે.’ એ આંખો ખોલીને મારી સામે જોઈને પૂછે છે: ‘ને તું?’ હું ઝૂકીને એના હોઠ ચૂમી લઉં છું. એ સફાળી ઊભી થઈ જાય છે ને કહે છે: ‘ચાલ, ભરતી આવી ગઈ.’