જયદેવ શુક્લની કવિતા

From Ekatra Wiki
Revision as of 09:41, 30 March 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
2 Jaydev Shulka Kavya Title.jpg


જયદેવ શુક્લની કવિતા

સંપાદક: રાજેશ પંડ્યા




પૃથ્વીકાવ્યો


ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફૂટે તો?


ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?


પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?

પૃથ્વીપુષ્પ

જળ ઉપર
બન્ધ આંખે
ફૂલ બની તરતા હોઈએ.
ઝીલતા હોઈએ ઝરમર ઝલમલ આકાશ.
ઊઘડતું જાય કમળવન.
કમળવનમાં આંખો પટપટાવીએ.
સંભળાય
લુમઝુમ
રૂપેરી ઘૂઘરીઓ.
ઘૂઘરીઓની પાંખે ને આંખે
પહોંચીએ
ઊંચે
ને
ઊંડે.
વચ્ચે જળ.
તરાપો કમળપત્રનો.
તરાપા પર
મઘમઘ મોતી.
મોતીમાં
તગતગ આકાશ.
ઝળહળ આકાશ
પાંખો ફફડાવે.
હાલકડોલક અરીસામાંથી
ઊંચકાય
પૃથ્વીપુષ્પ!

ચાંચમાં રણઝણતી પૃથ્વી

દિશાઓના દેહ પર
કેસૂડાં ચીતરતા
આહિર-ભૈરવના કણ્ઠમાં
પાંખો ફફડાવે છે
રક્તિમ સુગન્ધ.
લીમડાની મંજરીઓ
સન્તુરમાંથી
રોમરોમ પર વરસે
ને લેાહી ખીલી ઊઠે
કોમલ-રિષભના ઘેનમાં.
સ્વર્ણિમ સૂર્ય
બાંસુરીના ધૈવતમાં આંદોલિત થઈ
કર્ણિકારની ડાળીએ ભીનું ભીનું
રણકે.
ભીનું અન્ધારું
ઝાકળસૃષ્ટિમાં તરતું તરતું
ગાન્ધારના સ્પર્શે
લાલ ગુલાબ બની
રંગાઈ જાય.
શેતુરનાં ઝુમ્મરો વચ્ચેથી
પસાર થતી
દીપચંદી સવાર
લેાહીમાં
સમ પર ખણકે
રણકે ને રણઝણે...

કેસરિયું દ્વાર ખોલી
પાંખો ફફડાવતો
હંસ
ચાંચમાં રણઝણતી પૃથ્વી લઈ
ઊડે...

વસંત

કેસરિયા થઈ
ફરફરે છે
પવનના છેડા.

કંસારાની ‘ટુક્‌...ટુક્‌’થી
ખણખણે છે પૃથ્વીપાત્ર.

શાલ્મલિની નગ્ન કાયા પર
તગતગે છે
મધ.

સોનેરી બુટ્ટાઓથી
ઝળહળે છે
દક્ષિણ દિશાનું
રેશમી વસ્ત્ર.

લીમડા પરથી
ઝરમરે છે
સોનું.

પીળી પછેડી ખભે નાખી
મલકે છે
ચલમ સંકોરતો
ખેડુ.

હમણાં જ
મુક્ત કણ્ઠે કથા માંડી છે
આમ્રમંજરીએ.

અને
કંકુ વરસાવી
રહ્યું છે
મંદાર.

ગ્રીષ્મ

ફળફળતા
પિત્તળના ધોધને
ચીરતી
ટ્રેન.
બારી-બારણાંની
તિરાડમાંથી
તસુ પણ ન ચસકતી
સતત ડામ દેતી
હવા.
બળબળતાં શરીરોની
ખારી-કડવી
વાસ.
રાખોડી પોતડી
વીંટાળી
ફાટે ડોળે
ડગમગતો
વૃદ્ધ.
તળાવની રૂપેરી ચામડી
બળીને
ધૂળમાં ઢગલો.
ચક્કરચક્કર ફરતો,
ઘુમરડીઓ લઈ
હજારો જીભ ફેલાવતો,
ફૂંફાડતો,
ભડથું કરતો,
ટ્રેનને છાપરેથી
ગબડતો
બારી વચ્ચે...
બારીમાંથી
સૂરજ ફેંકવા
લંબાયેલો હાથ
ભડભડ
ભડભડ...

વૈશાખ

લીમડા પર હસતો લીલો
આંબા પર ઢાળાયેલો વેરાયેલો ખાટો લીલો
ખેતરમાં ઊડતો સૂક્કો તપખિરિયો કાળો
ભેંસના શરીર પરથી રેલાતો ખરબચડો કાળો
ગરમાળાનાં ઝુમ્મરોમાં ખીલખીલાટ સળગતો પીળો
શિરીષની ડાળ પર ઝૂલતો સુવાસિત નાજુક લીલો
રાફડામાંથી ડંખ મારતો ઝેરી કાળો કાળો કાળો
બકુલ પરથી ખરી પડતો મઘમઘતો કથ્થાઈ-બદામી
આંબાને ભીંજવતો કોયલ-કાળો
આકાશને દઝાડતો બાળતો ગુલમહેારી લાલ
બાગમાં બટકી લીલાશ પર ખીલેલા સો સો ચન્દ્રનો વાચાળ સફેદ-રૂપેરી
ખૂલેલો ને ખીલેલો
દઝાડતો ને બાળતો
કાળોકાળોલાલરૂપેરીલીલો
કાબરચીતરા નગરમાં
ઑગળતો
કાળો લીલો લાલ કાળો કથ્થાઈ
ને
રૂપેરી...

ઉનાળામાં ઘર

કાંસાના ધધખતા રસમાં
બૂડતા ઘરનો
બૂડબૂડાટ ને વરાળ ચારેકોર ....
તળિયે
 ઊ
   ત
     ર
      તા
        જતા
ડોલતા ઘરની
અગાશી ટોચે
સક્કરખોરની ઝીણી સિસોટી... સી... સી...
ઘર આખ્ખું
ચમકતા ઘેરા-ભૂરા રંગથી છલોછલ!
સક્કરખોર ઊડ્યું...
ઘર ઊંચકાયું.
પતંગની દોર પર
ડોલતા ફાનસની જેમ
ડોલતું ડોલતું
ઘર
જઈ બેઠું
આછાં-પીળાં ફૂલોભરી
સરગવાની ડાળ પર!

પ્રથમ વર્ષા : નવા ઘરમાંથી

ચપટી
ઝરમર
          ઝર... ઝર...
          ઝ... ર... મ ...ર
વૃક્ષ પર, ઘાસ પર,
વાડના તાર પર,
પીળી માટીના રસ્તા પર,
ધાબા પર.
દરજીડો
ઝરમર લઈ
સીવતો જાય
માળો.
હવા
કાળિયોકોશી બની
હાંફે.
ટપક્‌
ટીપાં ને ઝરમર
ઝીલી
ખૂણે સંતાય
પૃથ્વી.
જાંબુડિયું મોરપિચ્છ આકાશ
ટહુકે,
ચમકે
ટપકે
બોદું અગાશી પર.
કાનમાં
ઘરના પતરાંના છાપરા પર
માથું નમાવી દોડતાં
લવારાં જેવી વર્ષા
બરકે...
છત
ટપકે
ટપક્‌
ફપ્‌...

દરજીડો

‘પપ્પા, દરજીડો કેવો હોય ’
‘ખૂબ નાનકું પંખી.’
‘પણ કેવું?’
‘ચાલ ચીતરીએ : જો,
આ માથું ને પીઠ, આછાં લીલાં.
કપાળ પર લોખણ્ડના કાટ જેવી કથ્થાઈ લાલાશ.
આ ... એની પૂંછડી ઊંચી,
પણ સહેજ માથા તરફ ત્રાંસી.’

આછો ફરફરાટ મારી બન્ને બાજુએ...

‘અને હા, ઊડાઊડ તો બસ તારી જેમ,
જંપીને બેસે જ નહીં.’
‘એની ચાંચ કેવી?’
‘શરીરના પ્રમાણમાં લાંબી, જરીક વાંકી, કાળી.
બોલે ‘ટુવિટ્‌, ટુવિટ્‌.’
‘આ ‘ટુવિટ’ તો સંભળાયું, પણ ચીતરોને.’
બન્ને હાથને પાંખ બનાવી
આગળ નમી
ઓરડામાં
આમતેમ નાને પગલે કૂદું છું.
હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્‌ ...ટુવિટ, ટુવિટ્‌’
‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’

બિલાડી, બચ્ચું, લખોટી અને તું

બિલાડી.
કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ!
બચ્ચું.
ધોળું, જાણે રૂનું રમકડું,
ઊછળે દડાની જેમ.
લખોટી.
કાળી, પાણીદાર,
સરે રેલાની જેમ.

સરકતા રેલા પર
ઊછળતો દડો તરાપ મારે,
નાનકો વાઘ
ચોકી કરે.

બચ્ચું
લખોટી પકડી છોડી દે છે તરત.
‘પપ્પા, આટલા નાના બચ્ચાને
નખ મારવાનું કેવી રીતે આવડી જતું હશે?’
‘તને લોહી તો નથી નીકળ્યું ને?’
પૂછતાં ખૂલી જાય છે આંખો.

ત્રાટકે છે કાળો વાઘ.

અંધારું ધસી પડે છે

બારી પાસેના એકલિયામાં
મારી જોડે આવી સૂતાં
ધૂળવાળાં, બચુકડાં પગલાં.
પારિજાતની સુગન્ધ ભેળાં લોહીમાં ઊછળ્યાં
રાક્ષસ, પરી, રાજકુમાર,
વાંદરો ને મગર,
‘એક હતી બીકણ સસલી...’
‘પછી... પછી શું થયું પપ્પા?’
‘જૂઈ જેવી પાંખોવાળી પરી
જકુને પોતાના હીરાના મહેલમાં લઈ ગઈ...
ત્યાં એની રૂપેરી પાંખો...’
‘મને ઊંઘમાં પણ સંભળાય
એમ મોટ્ટેથી કહેજો હં...
હું ઊડતો... ઊ..ડતો...ક્યાં...’
‘પછી એક વાર ખ્રાં...ખ્રાંં કરતો વાઘ આવ્યો...
કહે ‘ખાઉં...ખાઉં...’
‘ના...ના... મારા પપ્પાને નહિ ખાવા દઉં’ કહેતાં
રડતો રડતો
તું મને વળગી પડે છે...

આંસુ લૂછવા
ઊંચકાયેલા હાથ પર
અંધારું ધસી પડે છે...

બૂટ પરથી ધૂળ રેલાય

ધૂળવાળા કાળા વરસાદી ગમબૂટ.
બૂટમાં છંટાયેલા પાઉડર અને રબરની ભેગી ગન્ધ.
બૂટના ખુલ્લા ભૂંગળામાંથી સંભળાય :
‘પપ્પા, તમે આવો ત્યારે
વરસાદના બૂટ ભૂલતા નહીં...’

બૂટમાં રોપાયેલા પગ
જાણે કમળ-દણ્ડ!
‘બૂટને પણ આપણી જેમ
વરસાદમાં મઝા પડતી હશે?’

કાદવવાળા, ભીના, ધૂળવાળા બૂટનાં પગલાં
આસપાસ ચકરાય
વીંટળાય...

બૂટને તળિયે
સુકાયેલી ધૂળ-માટી
હળવેથી
આંગળી વડે ખોતરું છું...
‘પપ્પા, પપ્પા મને બહુ જ ગીલીગોટા થાય છે,
બસ, મારાથી રડી...’

બૂટ પરથી ધૂળ રેલાય...

પપ્પા, બોલો ને!

‘કોણ? હલો પપ્પા! કેમ છો?’
‘મઝામાં બેટા.’
‘તમારો પત્ર આજે જ મળ્યો.’
‘હં...’
‘પપ્પા, રાજા, દુર્ગા, અનુપ, ડેભાઈ શું કરે છે?’
‘તને ખૂ...બ યાદ કરે છે.’
‘તમે?’
‘...’
‘પપ્પા! પુરુકાકાની બારીમાં મધ પાછું બેઠું છે?
આ વખતે પરેશકાકાના આંબા પર
કેરી આવી છે?’
‘...’
‘તમે સાંભળો છો ને પપ્પા?’
‘હા...હં..સાં...’
‘પંખીઓ માટે પાણીની ઠીબ ભરો છો ને?’
‘બેટા, રોજ રોજ ભરાય છે.
પણ બેટા, તને ચશ્માં ફાવી ગયાં?’
‘તમે નવા નમ્બર કઢાવવાના હતા તે?
ધ્યાન રાખજો...હં....’
‘...’
‘એક વાત તો પૂછવી જ ભૂલી ગયો.
આપણી વાડમાં બુલબુલે
માળો બનાવી
આ વખતે ઈંડાં મૂક્યાં છે?’
‘આ વખતે તો બેટા!
બચ્ચાંને ક્યારે પાંખો આવી
ને ક્યારે
ઊ...ડી...
....’
‘પપ્પા, પપ્પા!
બોલો ને!...’


રસ્તો ઓળંગતી વેળા

તે સાંજે
આપણે વાતો કરતા ચાલતા હતા.
તારા પ્રશ્નનો ઉત્તર
આપવાને બદલે,
રસ્તો ઓળંગતી વેળાએ,
પોચા પોચા ખભા પર
મારી આંગળીઓનો દાબ પડ્યો હતો.
તારો ઉછાળ
જરા સંકોચાયો હતો.
આપણે સામે પહોંચી ગયા હતા.

પછી તો તને ચંપલ ન ગમતાં.
હાફપેન્ટ નાનાં પડતાં.
તું જાતે જીન્સ ખરીદવા માંડ્યો.
તારાં ટેરવાં નીચેનો ઉછળાટ સંભળાવા લાગ્યો.

આજે,
ભૂખરી સાંજે
વળી આપણે રસ્તો ઓળંગીએ છીએ.
એક મોટરબાઇક ફડફડાટ પસાર થઈ જાય છે.
મારા પગ અટકી જાય છે
ને હાથ ઊંચકાય...

અચાનક
પહેલી જ વાર
લોહી છલકતી, કરકરી, સચિન્ત હથેળી
મારા સહેજ ઢીલા ખભા પર
દબાય છે.
બધું ઝાંખું ઝાંખું થઈ જાય છે.

હું સામે પાર પહોંચી જાઉં છું.

મા


ખળખળતી નદીને
આ કાંઠે
તું, હું, આપણે સૌ
રોજ હસતાં, રમતાં, ગોઠડી કરતાં...

તારા હાથમાંની
રાખોડી રંગની લાકડીને
નેવું વર્ષે પણ
તારો ટેકો હતો.

તું અચાનક સામે કાંઠે પહોંચી ગઈ
લાકડી તો મારા હાથમાં જ રહી ગઈ!


ઊભો છું

લાકડી પકડી.

લાકડીના લીસ્સા હાથા પરથી
તારી મ્હેકતી હથેળી
ધીમે ધીમે
મારી હથેળી સાથે
ગુંથાઈ ગઈ.

આજે
ફોરે છે
આખ્ખું ઘર!

હું લાકડીને
જોરથી વળગી પડું છું.


આ લાકડી
હવે ઊભી છે
એકલી.
પથારીની ડાબી બાજુએ
તું બેસતી
તે જગા પરનો આછો દાબ
આજે પણ
એમ જ છે.
ટાઇલ્સ પર
તારાં પગલાં ઘસાવાનો
ને લાકડીનો નજીવો અવાજ જાગ્યો...
એકદમ નજીક
આવી પહોંચી છે
તારા શરીરની ગન્ધ!
તારો રોજનો પ્રશ્ન :
‘ભાઈ, કેટલા વાઈગા?’
હું શું જવાબ આપું?

વ્રેહસૂત્ર

મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
આનન્દથી વરસતો
પ્રતિપળ તરસતો
ટળવળતો
ગાતો, વાતો
ખડખડ હસતો,
ભાગતો, વાગતો, ખાળતો
ચાલી રહ્યો છું...
વૃક્ષો વીથિકાઓ વચ્ચેથી
અન્ધારમાં રણકતા ને ડણકતા જંગલો
ને ગૂઢ-ઘેરા વનમાં
વલવલતો
પસાર થતાં
ઊભો રહી જાઉં છું
ડધાઈને.
તાકી રહું છું.
આરપાર પ્રાણશંકર બની.
અન્ધારાં ફૂંફાડતાં ભરડી નાખે
મને ને મારી સાત પેઢીના પ્રાણને.
વૃક્ષને તાળવે બોલતા ઘુવડમાંથી
વેરાઈ જાઉં.
રાઈ રાઈ થઈ...
ત્યાં
સંકષ્ટ ચતુર્થીના ચન્દ્ર જેવું
આકાશમાં કંઈ ઊગે...
મોદકની ઝંખા જાગે
ટેરવાંમાં હણહણાટ
પલનો, વલવલનો, તલનો
અન્ધાર-જલનો...
ભૂલો પડી
શોધ્યા કરું છું
ભૂંસાતો, ગાતો, વાતો, વરસતો, તરસતો
આ બૃહદારણ્યમાં
દમયંતીને.

પૂર્વ
માથે દીર્ઘ શિખા રાખી
તાપીમાં સ્નાન કરી
ચાર છેડે પીતામ્બર ધારણ કરી
સન્ધ્યાવન્દન સમ્પન્ન કરી
યજુર્વેદ સંહિતાના ઘનપાઠ કરતો
પાઈ પાઈ માટે
જોજન જોજન ચાલતો
હું કોને શોધી રહ્યો હતો?
કોણ છે એ કશ્યપ?
શા માટે છે એ કશ્યપ?
એના પુત્ર, પૌત્રો ને પ્રપૌત્રોની પેઢીઓની પેઢીઓ
કયા અન્ધાર-જલમાં
ભૂલી પડી ગઈ છે...
ભૂલો પડેલો
બૃહદારણ્યક નિઃસીમ આકાશ નીચે
શોધું છું.

એ ઉન્નત અભિરામ ગ્રીવા
એ ચમ્પકવરણો દેહ
પ્રવાલસમ ઓષ્ઠદ્વય
કઠિનમૃદુ પીમળતા એ અમૃતકુમ્ભો...
અચાનક બધું લાક્ષાગૃહની જેમ સળગી ઊઠે છે.
હું કયા ભોંયરામાં થઈ
ક્યાં નીકળું તો
ભેદી શકું છેદી શકું
આ તળ-અતળ...
ભોંયરાનાં છમછમતાં અન્ધારાં
એવાં તો કર્બુર
કે ઓળખી શકાતી નથી
કૃષ્ણા કે તૃષ્ણા...

મારી પ્રમાતાનાં
સ્વપ્નોની ઉપત્યકાઓમાં
કોણ ગબડી રહ્યું છે?
ગર્ભ સમયે
જાંબુવન જોવાના દોહદ
કોણ જગાડે છે
આમ, રાતોની રાતો
સદીઓની સદીઓમાં...?

યાજ્ઞવલ્ક્ય
પાણિનિ
ને
દ્વૈપાયનમાં રેલાતો, ફેલાતો, છોલાતો, ઠોલાતો
ખોલાતો
અટકી જાઉં છું
વિ-સર્ગ આગળ.
અન્ધારાં જલ ઠલવાતાં જાય છે
ચારેકોર
લય પ્ર-લય
કયો?
કયા મન્વન્તરમાં જોયા હતો?
સાંભળ્યો હતો?
સૂંઘ્યો હતો?
ચાખ્યો હતો?
સ્પર્શ્યો હતો?
તે... તો...

કોણ દમયંતી તે કોણ સીતા ને કોણ પારમિતા?
કોણ વનલતા સેન?
કોટાનકોટિ સૂર્યો જ્યાં પ્રકાશે છે
એવા અન્ધારાની પેશીએ પેશી
ચશ્યશીને
કર્ણિકારની દીપશિખાએ લઈ
ઊંડે ને ઊંડે
ઊતરી પડવા મથું છું....
ત્યાં
આ કોના,
કોના શ્વાસની આંચથી
અટકી જાઉં છું?
કોણ છે એ?
કોણ વહી ગયું છે સમુદ્રને મારામાંથી?
કોણ હરી ગયું છે આકાશને મારામાંથી?
કોણ ચૂસી ગયું છે વાયુને...
કડેડાટ કરતી દિશાઓ ભીંસી નાખે છે મને
ને હું....
મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
તરસતો
ટળવળતો
પંચકેશ ને વલ્કલ ધારણ કરી
યજ્ઞવેદીઓમાં
આજ્યની આહુતિઓ અર્પતાં
મસૃણ પીળી-કેસરિયા જ્વાળાઓ જોતો
इदं अग्नेय स्वाहा इदं अग्नये, (मह्यं च)
બોલતો
હાથમાં સ્રૂચિ ધારણ કરતો
ઊભો છું.
યુગોથી.
અગ્નિ.
કયો અગ્નિ?
કોણ અગ્નિ?
કોણ જમદગ્નિ?
કોણ કોને આહુતિ આપે?

મૂળને સૂંઘતો
પ્રસરતો, તરસતો
વરસતો
ટળવળતો,
કયા મનવન્તરમાં
કયા ઋષિને ત્યાં
વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું?

પ્રતીક્ષા

ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.
ઊંધ લૂછી લૂછીને સાફ કરી.
પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.
પંખા પર જામેલી ધૂળ ઉડાડી.
બહાર ‘ચરતી’ પેનોને પેન-સ્ટેણ્ડમાં સજાવી.
ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.
દાઢી માંજી.
સ્ટવની દીવેટ ખેંચી.
ઘડિયાળમાં જોયું.
સામેની બારીના સળિયા ગણ્યા :
એક...બે...ત્રણ...
ફરી જોયું.
શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.
ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.
ચાવી આપી.
ટક્...ટક્...ટક્...
ટક્...

હજી તો...

સેકન્ડ, મિનિટની વાત જવા દઈએ
તોય પૂરા અગિયાર કલાક...
અગિયાર કલાકમાં
બે-ત્રણ વાર બ્લૅક કૉફી
સાથે મેથીના સક્કરપારાનો
વધ્યોઘટ્યો ભૂકો...
ગમતું પુસ્તક ખોલી મથવાનું...
અસ્તવ્યસ્ત ઘર વ્યવસ્થિત કરવાનું...
ક્યારામાં ગોડ કરવાની... ઘાસ...
અવકાશ ઝંઝેડવાનો.
પછી....
પછી જો લોહીમાં બોલતાં તમરાં જરી જંપે તો...
સવારે સોનેરી લીંબોળીની પીમળમાં ફરફરવાનું...
હા, યાદ રાખી દાઢી કરવાની.
‘આ આફટર શેવની સુગન્ધ મને બઉ એટલે બઉ જ ગમે...’

ટેબલ પરથી ધૂળ ઝાપટીએ.
પથારી પર ફૂલોની ચાદર પાથરીએ.
હાથ ધોવા બેઝીન પાસે જઈએ...
આમળાં-અરીઠાંની સુગન્ધ
ને જળશીકરોમાંનું મેઘધનુષ જોઈ
હાથ લંબાવીએ...
હાથ પર બેઠેલી લોખંડી માખી
હાથ અમળાવી નાખે.
આછો ટહુકો લોહીને જગાડે :
‘કૉફી પીએ?’
‘હા...હોં’ સાથે ઊભા થઈએ.
અરીસામાં ઑગળેલા
ધૂળિયા અન્ધકારને લૂછી
ચહેરો જોવા મથીએ.
વાડામાં જઈએ.
ઘાસ ખેંચી કાઢીએ....
એલાર્મની બન્ધ ક્ષણોને
ચાવી આપીએ.
કાંડાઘડિયાળ જોઈએ :
હજી તો...
હજી તો દસ કલાક ને પચાસ મિનિટ...

આગમન

ભાઈસાહેબ ઘરમાં રહેતા જ નહીં હોય ને!
કોણ ધૂળ-કચરો કાઢવાની તસ્દી લે?
ચાનાં ઢગલો કપ-રકાબી
આમતેમ રવડતાં હશે.
કબાટને લૉક કરવાનું તો શીખ્યો જ નથી.
કો’ક દી બધ્ધું...
‘ભાઈ તારી રીક્ષા આમ
ડચકિયાં ખાતી કેમ ચાલે છે?
આના કરતાં તો
હું ચાલતી
વહેલી પહોંચું.’
ટેબલ-પલંગ પર ઊંધાંચત્તાં પુસ્તકોના ઢગલા...
ને સિગરેટની રાખથી
ઊભરાતું હશે ઘર.

કૂંડામાં પાણી...
દૂધ નિયમિત ગરમ કરવાનું,
અથાણું જોઈ તેલ નાખવાનું
યાદ કરાવ્યું
ત્યારે
‘આટઆટલી સૂચનાને બદલે
તું જો જવાનું માંડી વાળે...’
તદ્દન નાનકુડા છોકરા જેવો
થોડા દી’ પણ...

કમરે છેડો વીંટાળી
તાળું ખોલું છું.
પગથિયાં ચઢતાં જ
‘સ્વાગતમ્’નું ચિતરામણ.
ધૂપસળીની સુવાસ
ને ચાંદી જેવું ચોખ્ખું
ઘર...
‘લુ...ચ્ચો...’

કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ


દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો.
એ સ્ટેશન પર.
થોડીક બીક સાથે
હાથ મળતાં
બધું ઝળાંહળાં...

આપણી વ્યક્તિ સાથે
રેસ્તૂરાંમાં જવું
આમ તો સહેલું, પણ...
અઘરું હોય છે
શ્વાસમાં શ્વાસ ઊછળે
આંખમાં આંખ ઓગળે
એટલું નિકટ બેસવું.
ઘણી બધી બેઠેલી આંખો,
હરતી-ફરતી આંખો
સીધું યા ત્રાંસું
કોતરતી હોય છે આપણને.
રૅપ સંગીતના હણહણાટથી
ધ્રૂજી ઊઠે છે દીવાલો.
સ્ટ્રોબેરી આઇસક્રીમનો
મરુન-લાલ ટુકડો
મોંમાં ૨ચે મેઘધનુષ.
મન્દ મલકાટ ચૂમી લેવા
પાસે સરું.
ચમચીમાંથી આઇસક્રીમ
પેન્ટ પર,
બધેબધ રેલાઈ ગયું,
આજની જેમ જ.


મેં કહ્યું : ‘ના...ના...નાઆ...’
તેં કહ્યું : ‘આવડી જશે. પછી તો સરર સર્ કરતી સાઈકલ...’
હાથમાં, આંખમાં પરસેવો.
ધ્રૂજતા હાથે
કાળા હાથા વિનાનુંં
લીસ્સું હેન્ડલ માંડ પકડ્યું...
ને પાછળથી ધક્કો.
તેં ‘બક્ અપ...બક્ અપ’-ના નારા ગજવ્યા.
થોડી હિમ્મત
થોડો સંકોચ ફાટફાટ...
હૃદય આખ્ખું
ઊછળીને
નસોમાં, મસ્તકમાં...
પસાર થતાં વાહનોનો ફટ્ફટાટ્...
લોહીમાં પલીતો ચંપાયો.
સન્તુલન જાળવવા
જોરથી હેન્ડલ ભીંસ્યું...
સાથે અંગૂઠો
ઘંટડી પર પડતાં
ટણણણન્... ટણનન્...
નજર સામે
ફુવારો
આકાશ આંબતો હતો

ભેજલ અન્ધકારમાં

ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ.

નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.

ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...

મલ્હાર ઢોળાયો...

રાત આખી
મારા પર
મલ્હાર ઢોળાયો...
રેલાયો...
સવારે ઊઠીને
અરીસામાં જોયું :
આંખ કાન નાક
કેવળ મોગરા મોગરા ને મોગરા!

પરોઢ

સન્તુરમાંથી ફોરતા
પીલુના કેસરિયા સ્વર જેવો શ્રાવણ
તારા દેહમાં રોપાયો.
ચીતરાયો.
મીંડમાં રેલાતું
લેાહી
કાનના ગુલાબો પર વરસ્યું.
મસૃણ ટેકરીઓ
નાચી ઊઠી
દ્રુત-ત્રિતાલમાં.
રાનેરી ક્ષિતિજની તિરાડમાંથી
ભૈરવી-મઢ્યું પરોઢ
પાંખો ફફડાવતું
ઊડ્યું!

જલસો

મારા મસ્તિષ્કમાં
સન્તુર વસે છે
હું સન્તુરને નમું છું.
મારા શ્વાસમાં
તાનપુરો વસે છે
હું તાનપુરાને નમું છું.
મારા હૃદયમાં
મૃદંગ વસે છે
હું મૃદંગને નમું છું.
મારી નાભિમાં
ષડ્જ વસે છે
હું ષડ્જતે નમું છું.
મારાં ચરણોમાં
થાપ વસે છે
હું થાપને નમું છું.
મારા હાથમાં
બે તુંબડાવાળી સિતાર વસે છે
હું સિતારને નમું છું
ચૂમું છું.
અગાંગ એક સાથે બજી ઊઠે છે!

સ્તનસૂક્ત


હરિણનાં શિંગડાંની
અણી જેવી
ઘાતક
તામ્ર-શ્યામ ડીંટડીઓ
ખૂંપી ગઈ
છાતીમાં
પ્હેલ્લી વાર!

છાતી પર
સદીઓથી
ધબકે છે
એ ક્ષણોનાં
ઘેરાં નિશાન!


મોગરા જેવી
રૂપેરી મધરાતે
ચન્દ્રના આક્રમણથી બચાવવા
વ્યાકુળ હથેળીઓ
તળે
લપાવ્યાં
ભાંભરતાં સ્તનો.

બન્ને હથેળીમાં
આજેય
ફરી રહી છે
લોહિયાળ
શારડી!


તંગ હવાના પડદા પર
કાણાં પાડી
ટગર ટગર નેત્રે
સ્તનો
ઉચ્ચારે છે
વશીકરણ મન્ત્ર!


ખુલ્લી પીઠ પર
તોફાની સ્તનોએ
કોતર્યા
સળગતા
રેશમી ગોળાર્ધ.


તે
જાંબુકાળી સાંજે
છકેલ ડીંટડીઓએ
આખા શરીરે
ત્રોફેલાં
છૂંદણાંમાં
ટહુક્યા કરે છે
કોયલકાળો
પંચમ!


લાડુની બહાર
મરક મરક
ડોકિયું કરતી
લાલ દ્રાક્ષ જેવી...
દેહ આખ્ખો
રસબસ
તસબસ...


ચૈત્રી ચાંદની.
અગાશીમાં
બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
તે તો લૂમખાની
રસદાર
કાળી દ્રાક્ષ!


કાયાનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
કમળો જ!


નાવડીમાં
તરતાં-ડોલતાં
કમળો
સૂંઘતાં સૂંઘતાં જોયું :
ક્ષિતિજે
લાલ લાલ સૂર્ય!

૧૦
આછા પ્રકાશમાં
ને હવામાં
ગોબા પાડતાં
રઘવાયાં સ્તનો
હણહણ્યાં....
દેહ
રણઝણ રણઝણ.

૧૧
ગન્ધકની ટોચ જેવી,
સહેજ પાસાદાર ડીંટડીઓ
હવામાં
તણખા વેરતી
આ તરફ...
તણખો
અડે તે પહેલાં જ
શરીર
ફુરચે ફુરચા...

૧૨
રણઝણતી ટેકરીઓ પર,
સર્વત્ર
શરદપૂનમનો
તોફાની ચાંદો
આખ્ખે આખ્ખો
વરસ્યો...
આકાશ ભરપૂર ખાલી ખાલી...

ગબડાવી દે, ફંગોળી દે...

ગાય માટે કાઢેલું
ભૂંડને ખાતાં જોઈ
ઉગામેલો હાથ
અચાનક
હવામાં સ્થિર.

ભૂંડની રાખોડી, કાળી, ધોળી રૂવાંટી પર
હાથ ફેરવવા
હથેળી વાંકી ડોકે
જરી લંબાય.

ચૂંચી આંખે
લાંબા નાકે
ઉકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?

સતત
લોલકની જેમ
ડોલતી
ક્યારેક ઊછળતી
ટૂંકી પૂંછડી
આટલી વહાલી કેમ લાગતી હશે?

ચરબીથી લથબથ
તસતસતાં આંચળ જોઈ
હોઠ-જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે?

‘સુવ્વરની ઓલાદ’ ગાળથી
સળગી ગયેલાં અંગોમાં
આજે, પેલ્લી વાર
ઢોલ, નગારાં, શંખ બજી રહ્યાં છે...

વરાહ! વરાહ!
હવે ગબડાવી દે,
ફંગોળી દે,
ઘા કરી દે
દૂર
દૂ...ર...
ડુબાડી દે
ફરી ડુબાડી દે
પેલા આદિમ સમુદ્રમાં
આ બોડા, ધુમાડિયા ગોળાને,
આ હિરણ્યાક્ષોને.

એક પીળું ફૂલ

લોક બધું રંગ-સુગંધથી છલકાય.
ભૂખરી-ભૂરી સાંજ ફેલાતી જાય.
આકાશ રંગરંગી ને પછી
ધુમાડાથી છવાય.
લચકાતી ચાલે ચાલતી
શિયાળુ હવાનો રુઆબ
શેરીઓમાં છંટાય.
ફટાકડાના ધડાકાથી
દીવા ઓલવાય.
ધુમાડિયું અંધારું દોડતુંક ઘરમાં ઠલવાય.

દૂર પૂર્વમાંથી
ભીની ફુગાયેલી, સડેલી હવા વીંઝાય.
કપરકાબીના ખણકાર
ને
કાળીચૌદસે તળાતાં વડાંની સોડમ વિનાની
સાંજ ઓલવાતી જાય.

ગણગણતું, હસતું
હૉર્નની કિકિયારીમાં ઊછળતું લોક
ઠલવાતું જાય અહીંતહીં.

તારામંડળ
મધરાતે બારીમાંથી
વાતો કરતું કરતું ઢળી જાય.
સવારે :
કારેલીના વેલા પરનું
એક પીળું ફૂલ
દાઝી ગયું હતું.

માગશરની અમાવાસ્યા

આકાશનાં
લાખ્ખો, કરોડો,
અબ્બજો કાણાં
ચમકતા બરફથી
પુરાઈ ગયાં છે.
કાંટાળા અન્ધકારમાં

અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
આંખ જેવાં
ચમકે છે.
ગોટેગોટ અન્ધકાર
વધુ ને વધુ છવાતો જાય છે.

કાળા કાળા ગઠ્ઠા
આમતેમ અથડાય છે.
શ્વાસ ડચુરાય છે.

જો સૂરજ ઊગે તો...
કદાચ...
સવારે
સૂરજ પણ બરફનું ગચ્ચું બની જાય તો?

કાંટાળા અન્ધકારમાં
દીવા-સળી શોધું છું

વાટ જડતી નથી.

ધુમાડો

હજી ધુમાડો નીકળે છે.

ધુમાડાની આ બાજુ હું.
ધુમાડો મારી સામે.
ધુમાડાની પાછળથી
તાકી રહી છે
મારી આંખો.

બોલાતા શબ્દો
બની જાય છે ધુમાડો.
આ ચોખ્ખોચણાક
દેખાતો માણસ
એકાએક ધુમાડો.

આંખો કોરીકટ્ટ
તાકી રહી છે
ધુમાડાના ગોટેગોટાને.
આરપાર.
મને.
મૃત્યુને.

૨૬ જુલાઈ ૨૦૦૮


બ્લાસ્ટમાં
વધેરાઈ ગયેલાં
ને
ઘવાયેલાં
સ્ક્રીન પર.

જખ્મી બાળકના
લોહિયાળ પગ પર
લીલી, ભૂખરી, કાળી માખીઓ
બણબણે છે.
બણબણતી માખીઓ
ઉડાડવા
મારો ઉદાસ હાથ
ફાંફા મારે છે,
ને ભીંત સાથે
અથડાય છે
ધડામ્‌.

હા ભઈ હા, બધેબધ પડે જ છે...

‘હવે
બહાર જો.
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો.
વચ્ચે વરસાદ.
નાગો વરસાદ!’
‘આ ઋતુમાં પેલ્લી વાર,
પણ એની ક્યાં નવાઈ?’
‘જુઓ તો ખરા.’
‘થોડી ઠંડક થશે...’
‘ના થાય. અન્દરની બાફ જોઈ?
લાવા રેલાતો જાય છે, જાણે.’
‘ક્યાં છે લાવા?
ઘડીમાં વરસાદ,
નાગો વરસાદ
ને વળી લાવા?’
‘વાઉ... આટલા બધા ભોળા?
ક્‌હે છે ભોળા ને ભોઠ...
સાનમાં સમજો.’
‘સાનબાનની વાત
હવે પડતી મેલો.
ઘણું થયું.
ફોડ પાડીને ક્‌હો તો જ...’
‘આ તડકો હવાઈ ગયો
નાગા વરસાદમાં.
ખવાતો જાય છે
આ સોનેરી પ્રકાશ...’
‘વળી પાછું આ...’

‘જુઓ, આ બાજુ જુઓ.
આવો, તમાશા...બજાર યહાં...વહાં...’
‘ક્યાં? કૈસા?’
‘આ સેલનું પાટિયું દેખો.’
‘ક્યાં છે?’
‘જરા ઝીણી આંખે જુઓ :
કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બુલ...
          વાહ...વાહ!’
‘સબ કુછ ઓપનમેં.’
‘શું... ક્યા ચીજ છે!’
‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’
‘બધું હપ્તેથી?’
‘જુઓ, સેન્ટની બોતલ...
તીન બોતલ પર એક ફ્રી...’
‘મારે છ જોઈએ.’
‘ઇ મારે દસ.’
‘બોલો, તમારે...
બસ વાપરો, છાંટો...’
‘છાંટો, બધેબધ છાંટો.’
બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’
‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ
ઘર, શેરી, સડક
શહેરો ને નગરો વટાવતોક ને
દિલ્લી!
ત્યાં તો વળી અચરજ!’
‘શું?’
‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ!
બીજાનાં ગજવાં બોતલ...બોતલ...
દરેકના હાથમાં બોતલ!
સૌ એકબીજા પર કંઈ છાંટે...
છાંટંછાંટ...છાંટંછાંટ...
જાણે ધૂળેટી!’
‘અઇલા, તાં હો નાગો વરહાદ?
બધેબધ એક હાથે?
વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’

‘આ નાગો વરસાદ.’
‘ક્‌હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’
‘હવે એની જરૂર છે જ ક્યાં?
મોબાઇલ ટુ મોબાઇલ ફ્રી’
‘ન્યાલ થઈ ગયા, વાહ!’
‘આહ! વાત કરી કરી પેટ ભરો.’
‘એનું એટલું તો સુખ ને...’
‘પણ સાંભળે કોણ?’

‘જુઓ તો ખરા.’
‘તે પેલો વરસાદ
હજીય પડે છે?’
‘હા ભઈ હા, બધેબધ
પડે જ છે,
પડે જ...’

તાળું

તાળું.
ઉપર તાળું.
વળી તાળા ઉપર તાળું.
આમ તાળાં મારવાથી શું વળે?
શું મળે?
છતાંય ફેલાતું જાય છે
તાળું.
ઘરને તાળં.
કબાટને તાળું.
કબાટમાંના લૉકરને તાળું.
વળી લૉકરમાંના ચોરખાનાને પણ તાળું.
દેશને તાળું કે પ્રદેશને તાળું.
વેશને તાળું કે પ્રવેશને તાળું,
ચાલો, વહેતી નદીને તાળું મારો.
ચાલો, ખીલતી ઋતુને તાળું મારો.
આઠ આનાનું
કે
છસો સાડત્રીસ રૂપિયાનું,
સાદું તાળું
કે
ખંભાતી તાળું
તાજું, ચમકતું, નવું નક્કોર તાળું
આખરે કાટ તો ખાવાનું જ.
કાટ ખાય
વર્ષો પછી ખૂલે યા ન પણ ખૂલે.
પણ, આમ તાળાં મારવાથી શું વળે?
હા, લગરીક કળ વળે.
કળ બળથી ન ખૂલે.
કળ કળથી જ ખૂલે.
હૃદયનું તળ
કળથી, પળથી, ખળખળથી
ખૂલે તો ખૂલે.
ખૂલે તો...
ખ્યાલ ન કળનો કે તળનો.
પળને તાળું
કળતે તાળું.
ખળખળને તાળું.
થાય કે આ બધાને ખાળું ... પણ...
આ એક તાળું.
કાઈ પુરાતત્ત્વવિદ્‌, પધારો
જુઓ : કઈ ઘડીનું
પળનું
તિથિનું
વારનું
વર્ષનું
યુગનું
મન્વન્તરનું
કાણે માર્યું છે તાળું?
કોને માર્યું છે?
તાળું છે મજાનું.
તાળાના કાણામાં અન્ધારું.
કયા વર્ષનું?
જુઓ જોષ.
ન ખપે રોષ.
તાળું છે મજાનું.
ઉપર હાથી ને સિંહનું કોતરકામ
સિંહની કાટખાધી યાળ
હાથીના લોખણ્ડના દાંત.
તાળા પર ‘સત્યમેવ જયતે’.
આવું તો હરિશ્ચન્દ્ર ને ગાંધીજી બોલતા.
તે ચાવી લો.
ક્યાં છે ચાવી?
આ છત્રીસ ચાવીઓનો ઝુડો.
તાળું એક આંખે હસે અવાવરુ.
અવાવરુ આંખમાં ચાવીએ ફરે.
કટડ્‌ કટ્‌
ન ફરે.
ચન્દ્રનું કાટવાળું તાળું ખૂલે તો ખૂલે,
ચાવી પછી ચાવી... ચાવી
કળ જરીકે ના ખસે.
કટ્‌ કટ્‌
કેરોસીન મૂકો
તપાવો
હથોડા મારો
સારો રસ્તો લો
મારો મારો ગમારો
‘તાળું છે જ ક્યાં?’ એવું પૂછો છો?
આ અડીખમ તાળું.
ન હાલે ન ચાલે.
બસ ફાલે.
જુઓ : તાળું.
તાળામાં તાળું.
ને વળી તેમાં તાળું.
તાળું તાળાને તાકે.
અસલી તાળું.
ક્યાં છે?
ક્યાં છે તાળું?
અચાનક તાળાએ જોયું
તાળામાં વસતી દુનિયા પર તાળું.
ઘરવરશરકરપર
તાળું.
બહાર તાળું.
‘ભીતર તાળું.
સાડત્રીસમી ચાવી તો...

કાંટો

અચાનક કાંટો વાગે
ને ચીસ પડાઈ જાય...
લોહી જાગી જાય
ટગર ટગર...
અચાનક ટામેટાનો સૂપ યાદ આવી જાય,
સાથે ચમચી
ને નીચે પડી ગયેલો કાંટો.
‘કાંટો કાંટાથી નીકળે’
એવું મા કહેતી.
આમ કંઈ કાંટો કાઢવો સહેલો નથી.
પતંગિયાનું તરફડવું
લોહીમાં ફરફરવું
કાંટો બાવળનો.
કાંટો ગુલાબનો.
લીલો કાંટો.
લાલ કાંટો તો ફર્યા જ કરે
બસ ફર્યા જ કરે...
લોહી ખળખળતું જાય
ઠોલાતું.
બાકી, કાંટો
વનવગડામાં જ વાગે
એવું કંઈ નથી.
વાગે તો વાગે.
કાંટો નીકળ્યા પછીની
મીઠી ખંજવાળમાં કોયલ ફરફર્યા કરે.
કાંટો તો
સાવ અચાનક જ...
એની ટીસ
અરીસા ખળભળાવી દે.
કાંટો
નમી ન જવો જોઈએ.
બરાબર વચ્ચે જ...
બન્ને પલ્લાં સરખાં થાય
તો જ...
કાંટો વાગે
ને ચીસ પડાઈ જાય અથવા...
એકલા હોઈએ
કાંટો ફરતો રહે
કાંટો કાઢવા કાંટો ન હોય
હોય માત્ર લાલ ચણી બોર.

વાડ

વાડ.
વાડ હોય એટલે...
વાડ હોય.
થોરની,
કાંટાળા તારની
મેંદીની,
ભીંતની
કે વાડ વિનાની વાડ.
વાડ લીલી કે સૂકી,
વાડે કાળિયોકોશી, ને પતરંગો,
વાડે વાડે બંદૂકધારી.
વાડની અંદર ને બહાર
આગળ ને પાછળ
વાડ.
આકાશનેય વાડ
ને દરિયાને પણ.
વાડ હોય એટલે છીંડું હોય.
તો, ખોડીબારું પણ હોય.
વાડ ચણોઠીની આંખે તાક્યા કરે.
વાડ ક્યારેક
ઢગરાં ખુલ્લાં કરે.
‘વસ્ત્ર પર વાડ સુકાણી’ જાણી છે?
વાડે વાડે તત્ત્વબોધ
વધે કે ઘટે?
વાડમાંથી ફૂટે વિવાદ...
વાડ
જો ઉલ્લંઘી ગયા
તો પછી...
હે પ્રબુદ્ધો!
વાડ જ આપણે,
વાડ જ આપણું...
આનન્દો!

પિલ્લું

ગૂંચવાતું
ઊકલતું
ગૂંચવાતું
ખૂલતું
ગૂંચવાઈ ગયું છે
આ પિલ્લું.
ક્યારેક બે આંટા ઊકલે
ને થાય : હા... આ ... શ... હવે તો...
પણ રસ્તો રોકતો
બીજો વળાંક ને ત્રીજો, ચોથો...
ટેરવાં વાંકા વળી
નીચું જોઈ
ગલીકૂંચીઓમાં પહોંચી
કરામતથી આગળ વધવા
આતુર.
મધમાખીની જેમ આંખો ને ટેરવાં
દોરા પર, ગૂંચ પર, વળાંકો પર
સરે, અટકે, લપસે, ચઢે, પડે,
ઊડે, અથડાય.
‘છોડો ને, શું કામ પાછળ પડ્યા છો?’
મને થાય કે છોડું.
પણ પિલ્લું
છૂટતું નથી.
ફક્ત બે-અઢી વેંત છૂટે.
ટોચ પર પહોંચ્યાનો આનન્દ.
ત્યાં જ અટકાવે ગાંઠ.
જબરી છે આ ગૂંચ સાથેની સાંઠગાંઠ.
ગાંઠ.
ઉબડખાબડ ટેકરા જેવી.
રસ્તા વચ્ચોવચ્ચ
‘Stop’ ‘રસ્તો બન્ધ’ લખ્યા વિનાની.
લાલ સિગ્નલ વિનાની.
તોય અટકવું જ પડે.
ગુસ્સા સાથે, અકળામણ સાથે.
આ ગાંઠ છૂટે
અથવા એને કૂદવી કઈ રીતે?
ફરી ચાર વેંત ઊકલે.
ઊકલેલી દોરીનું
નાનું પિલ્લું વાળવું કે લચ્છી?
ટેરવાં
ઉત્સાહમાં
બીજા ટેકરા પરથી
દોડી, ઊતરી
નાના-મોટા રસ્તા ખોળે,
એકની નીચે બીજો, ઉપર ત્રીજો ને પાંચમો
જાણે ફ્લાયઓવરોની લીલા!

અચાનક
દોરી પર લપેટાયેલો
ઉતરાણના દિવસનો
હવે થોડો ધૂળિયો થયેલો,
લાલ તડકો
ટેરવે ટેરવે, હથેળીમાં ને લોહીમાં

‘એ...ઈ...કાઈ.. પો...ચ...’
એક પતંગ સાથે ચાર ચાર પેચ,
વળી ધૂંધવાટ.
કોનો પેચ કોની સાથે?
કોણ ખેંચે? ઢીલ મૂકે? કોને કાપે?
‘બરાબર ખેંચ લે.’
જેમતેમ ખેંચાખેંચ ન કર.
આ તો ધીરજનું કામ છે.’ બાપુજી કહેતા.
‘ધોઈને ગોદડી બનાવવા ચાલશે’ મા કહેતી.

ગૂંચમાં રસ્તો
ને રસ્તામાં જ ગૂંચ.

ભર-દોરે કપાયેલા
પતંગ પાછળ
ઊંચકાયેલું, ખેંચાયેલું ખળખળતું શરીર,
વિલાયેલો ચહેરો
ને કિશોરનો લંબાયેલો હાથ...

પિલ્લામાં બેઠેલું આકાશ
દોરીના લસરકા સાથે
છૂટતું જાય.

આકાશમાં ઊડતાં કબૂતરોનો ફફડાટ.

કબૂતરની કપાયેલી પાંખ જેવી
હથેળી
ગૂંચાળા પિલ્લા પર ચત્તીપાટ.

પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...

‘કા...ઈ...પો...ચ’

આપણી જ એક આંખમાં આંસુ જોઈને...

ન ગમતી વાણી
તાણી તાણીને પહેરી
હાથમાંનું મણ-મણનું ગુલાબ ઊંચકી
ઊંધે માથે ચાલવાનું,
ટાઢાટાપ્પ સૂરજના
બોદાઈ ગયેલા ચળકાટ જેવું
હસવાનું;
ન ગમે છતાંય.
‘સત્યના પ્રયોગો’ ભણાવતી વખતે જ
જંગલ ભડકે...
‘પ્લે બૉય’ના ધસમસતા
ઘુમ્મટોના ફુવારા
પૃષ્ઠે પૃષ્ઠે ઉછળે
મઘમઘે
ને ફીણ-ફીણ થઈ છટકી જઈએ;
ન ગમે છતાંય.
સાલ્લું, તાણી-તૂસીને હસવાનું, ખસવાનું.
ઘડિયાળથી જ બધું માપવાનું;
ન ગમે છતાંય.
તંગ નદીઓ માત્ર જોવાની જ,
ગમે છતાંય.
ધુમ્મસમાં
રણકતું ચીંચીં
શેાધવાનું,
ઓટ ઓઢીને ચાલવાનું;
ગમે કે ન ગમે છતાંય.
ક્ષણ વ્હેરીને ચાલવાનું ગમે તોય
વ્હેરી કે ચાલી ન શકાય.
ન હસી શકાય
આપણો ચહેરો ઓટના અરીસામાં જોઈને.
ન રડી શકાય કે ન હસી શકાય
આપણી જ એક આંખમાં આંસુ જોઈને,
સાલ્લી, આ તે કંઈ...

જાવન-આવન

જતી વખતે
આપણે કેટકેટલું છોડીને જઈએ છીએ!
કેટલું બધું આપણા ભેગું
આવી જતું હોય છે,
જાણબહાર!

તે સાંજે આપણે
કંડક કોફી પીધી હતી,
સાથે મેથીનાં ઢેબરાંનો
સ્વાદ પણ ભૂલ્યો નથી.

બસ એટલું જ

તે ક્ષણે
ન જવાની ઇચ્છા થઈ આવી હતી.

જઈને ફોન કર્યો’તો પહોંચ્યાનો.
મેં ડૂસકું સાંભળ્યું હતું.
ફોન મુકાઈ ગયો હતો.

આ દૂર અને સમીપ છે શું?

ક્યારેક સમીપ હોઈએ,
છતાં ન લાગીએ.
દૂર હોઈએ તે વેળા
કેટલીક નાનીમોટી વાતો
ધ્યાનમાં આવે પણ નહીં.

તું સાથે નથી કે હું?
આ માત્ર જનારનો
કે
રહેનારનો પણ અનુભવ હશે?
જવું અને રહેવું કોનું?
આ જાવન-આવન
કશુંક કશેક લઈ જાય છે
ને કશુંક કશેક મૂકી શકે છે.

આવતી વખતે
બધું તો લઈને આવી શકાતું નથી.
પૂર્વે જોયેલાં - માણેલાં
આકાશગામી વૃક્ષો ક્યાં?
તાજગીભરી ભૂરી હવા, છાયા, હૂંફ ક્યાં?

હોવું તેથી શું?
ન હોવું તેથી શું?
ના, ના, ના તેથી ઘણું બધું...

રાહ જોવી

રાહ જોવી
રાહ જોવી એટલે
રાહ જોવી એટલે શું? – એ કઈ રીતે કહું?
તનથીમનથી, અન્દરથીબ્હારથી,
કશાથી નહીં, છતાં બધ્ધેથી
રાહ જોયા કરવી
અધરાતમધરાત
ઊઠતાંજાગતાં, ન ઊંઘતાં-ન જાગતાં
આખ્ખેઆખ્ખા શરીરને ન્હોરી નાખીએ

રાહ જોતાંજોતાં મનમાંથી ધુમાડા નીકળે,
પણ દેખાય નહીં,
મનેતને કે કોઈને
તારામાં-મારામાં
જીવતી પેઢીઓની
અનેક જૂનીનવી સ્મૃતિઓસ્મૃતિઓસ્મૃતિઓ...
વિસ્મૃતિ તો થાય નહીં.
માણેલી-ન માણેલી, કલ્પેલી ક્ષણોની ભેળસેળ
જગાડી મૂકે, ખુલ્લી આંખે ઊંઘાડી શકે,
દોડાવી મૂકે ઝરૂખે, ઉંબરે, રસ્તે, ગામેગામ...
ખાતાંપીતાં, હરતાંફરતાં
વાંચતાંનાચતાં
પેલી કવિતા-કથામાં
રાહની, રાહ જોવાની વાતો...
‘રાહ જુઓ.
પરિસ્થિતિ સમજો
આવું વર્તન....’
છોડો
મારે ડહાપણ નથી જોઈતું.
છોલાઈ રહ્યો છું,
બળી રહ્યો છું,
જીવતા રહીને.
રાહ જોતાંજોતાં
રાહ મળતો નથી.
‘બી પોઝિટિવ’
પણ કોઈ તો મને કહો,
રાહ જોવી એ પોઝિટિવ વાત નથી?
અન્ય કેવી રીતે સમજી કે નક્કી કરી શકે?
આ કડવાંમીઠાં વેણ
ભલે...
એક વાર સ્નેહભીનું જોવું
માત્ર જોવું.
બસ.
‘મન મોર બની થનગાટ કરે’
બધું સપનામાં, કવિતામાં જોવું ગમે...
કહે છે
પણ સ્વતંત્ર રાહ છે ક્યાં?
આ ભ૨ચોમાસે
બધું ભડભડ શાને?
ભડભડાટ ધડધડાટ શાનો?

આ ખુલ્લી આંખમાં
પ્રતિબિમ્બો
બદલાઈ કેમ જાય છે?
દૃષ્ટિભ્રમ!
મતિભ્રમ?
કોનો?

રાહ જોવી
તારી મારી આપણા સૌની?
બધો બડબડાટ જોઈ-સાંભળી બોલ્યા,
આને મનોરોગ કહેવાય?
રાહ જોવી એટલે મનોરોગ?

રાહ જોવી એટલે જીવવું?
કે
રાહ જોવી એટલે મરવું?
કે
બધ્ધું જીરવવું?

પણ, આમ કેમ બનતું હશે?

ક્યારેક નાનકડી વાતમાં
રાજીના રેડ થઈ જવાય,
તો ક્યારેક સાવ નાની વાતમાં, ન જેવી વાતમાં
દુઃખી દુઃખી થઈ જવાય;
ખાવાનુંય ભાવે નહિ.
કોઈ આવવાનું નથી એ જાણવા છતાં
બીજા કપમાં ચા કાઢીને
રાહ જોતા રહીએ..
તો વળી ક્યારેક
માઠું લાગવા છતાં
બે કપ આપણે જ ગટગટાવી જઈએ.
પણ, આમ કેમ બનતું હશે?
ક્યારેક રાજી થવા જેવી વાતમાંથી જ
અન્દર ચચણાટ શરૂ થઈ જાય;
તો કોઈક ક્ષણે
સાવ એકલા એકલા મલકી પણ પડીએ, હા...
ક્યારેક તો...
આજે; બોલબોલ કરું છું તે પળે જ
મૌન થઈ જવાની ઇચ્છા છે;
બસ.

ગોદારને...

ધડ...ધડ...ધડધડ...
દોસ્ત, તેં મને નાગો કરીને માર્યો હોત તો
વધુ સારુંં થાત...
આ ઉઝરડા અંગાંગે
ને આનન્દ-કિકિયારી કણ્ઠમાં જ થીજી જાય...
આ મૂઢ માર
આ ચગડોળાતો-રગદોળાતો
કશ્શે ના ખપતો...
પ્રેમ કરવો
કે રાજાની જરિયન શાલ જેવો આંબો
જોયા કરવો
ખોયા કરવો
કાવ્યનું નામ : ગોદારને...
વિશ્વાસ...
શ્વાસ...
ધડધડ... ધડ...
તેં તો એક કારમી ચીસ પણ ન પાડવા દીધી
મોઢે ‘આહ’ ને ‘વાહ’ના ડૂચા...
શ્વાસમાં ઓગણપચાસ મરુતો ઠીંગરાઈ જાય
આ દેશમાં ને આ-વેશમાં
વેશ્યાગમન પણ ક્યાં સહેલું છે?
છતાં... છતાં...
વેશ્યાગૃહો પાસેથી પસાર થતાં પૂર્વે
હિમ્મત એકઠી કરવી પડે
સિસોટી ને બૂચકારાથી
હૃદય ધબકાર ચૂકી જાય...
ઉત્તેજના સાતમા પાતાળમાં પહોંચી જાય
કો ફૂટી નીકળતું ઝરણું
લાલ લાલ લેાહીનું છૂટી નીકળતુ હરણું...
વહી જાય
રહી જાય તરડાતું... દબાતું... ઉછળતું... ભીચડાતું મન...
કવિ : જયદેવ શુક્લ
‘live dangerously until the death-’
close up
અમે છાતીપૂર્વક જીવી શકતા નથી
વેશ્યાગમન કરી શકતા નથી
ને છાતીપૂર્વક મરી પણ શકતા નથી...
cut
આ મોટરોના હૉર્નની દિવસો લામ્બી ચિચિયારી છે
કે તું મારા કાનના પડદા પર
કાનસ ઘસે છે?
કે પછી
આમ ટ્રાફ્રિક જામ
મનના પન્થ વામ
ન મળે અમને ધામ
ચાલું છું.... પડું છું ... દોડું છું... બેફામ
dissolve
તન હોય તો સ્તન હોય
સ્તન હોય તા બળાત્કાર હોય
બાકી ન્યસ્તન કે વ્યસ્તન કે હ્યસ્તન હોય તો હોય
અમારે ત્યાં તો
ઉન્નત સ્તનો વિષે
વાતો પણ
cut
શટ્‌... શટ્‌... શટ્‌શટ્‌...
રિવોલ્વરમાંથી છૂટતી ગોળીઓ
જાણે શ્રાવણની ઝરમર
આ ખારાશ, આ પીળાશ, આ તુરાશ, લાલાશ
લોહીને ફોડી-ફાડી
સેકસોફોન ઉપર બાઝ ઉપર ડ્રમ્સ સુપર ઇમ્પોઝ થઈ
બજી ઊઠે... ધ્રૂજી ઊઠે...
ધડાધડ તૂટી પડે...
કિલ્લાઓ... ભોંયરાંઓ... બુરજો...
બુરજો પર
રસ્તામાં જંગલમાં
સર્વત્ર
હજારો જીભવાળાં
લોહીતરસ્યાં પ્રાણીઓ
ચરે...ફરે ને હસે
cut
સ્ત્રી, ઈંડા, માછલી ને યોનિ...
આ ગેરિલાઓ...
હું ગાંડો થઈ જઈશ
દોસ્ત, શ્વાસ લેતાં ડચૂરો બાઝે છે
દશાઓ દિશાઓ ત્વિષાએ કચ્ચરઘાણ
ક્યાં છે રિરંસા?
છે કેવળ હિંસા
હિંસા
cut
પરેજી હોય કે ન હોય
ખૂનરેજી તો થવાની જ
દોસ્ત,
ઠણ્ડે કલેજે
એમિલી બ્રોન્ટીનુ સ્કર્ટ સળગાવી
ભડથું કરી નાખવી
એને માટે... એને માટે છાતી જોઈએ
દોસ્ત, જે કંઈ બળી રહ્યું છે
કાવ્ય રચ્યા તારીખ : ચૌદ, સોળ, બાવીસ જૂન ૧૯૮૦
એની રાખ
રાખમાં જીવતો સમાજ
તું જબ્બર હિમ્મતખાજ છે
તું સાલ્લા, જબ્બર પીડક છે
સેક્સ યા પરવર્ઝન શો ફરક પડે છે?
પત્નીને રેપ થતી જોયા કરવી
ને પછી
પછી બિન્ધાસ્ત રીતે કશ્શું જ ન બન્યું હોય એમ...
હૃદય
કટ્‌સ-જમ્પ કટ્‌સ
ખૂન-બળાત્કાર તો તારા હૃદયનો ધબકાર
અવિરત ચાલ્યા કરે
આ બુર્ઝવા સમાજ ને હું...
dissolve
તું ધ્રુજાવી દે... લોહીને અડધું પડધું બાળી નાખે
પાગલ બનાવી દે
કવિતા વાંચવા દે ચણા ખાવા દે
ભરપેટ હસવા દે...
રડવા
cut
‘How nice!’ ‘Simply superb!’
‘what a shot!’ ‘Very fine technique!’
એવું બધુ સાંભળી ગાંડો થઈ જઈશ
આ ક્ષણે તો
ઊછળતા ભૂરા ભૂરા સમુદ્રો એક સાથે પથ્થરના
હું તે મારી વા—
આ કાવ્ય ફિલ્મ-એપ્રિસિએશન કોર્સ દરમિયાન પૂણેમાં રચાયું
—ચા પણ...
આ માઈલેા લામ્બી હૅનની ચિચિયારી
ક્યારેય બન્ધ નહીં થાય?
આ રોડ...
આ ટ્રાકિ જામ...
આ ટ્રેકિંગ શોટ...
આ વ્યાખ્યાનો
પેલી સળગતી નવી નક્કોર લાલ મોટર
ટેંએંએએં...
તને તારી કલ્પના બહાર લોકો સમજે છે
આ સાલ્લા ડુક્કરો
cut
પ્રત્યેક દૃશ્ય નાઈટમૅરની જેમ
બીવડાવી દે ભીચડાવી દે હલબલાવી નાખે
ચામડી ઊતરડી નાખે
મગજની નસો ખેંચી કાઢે તે ઉપ્પર મીઠું ...
ફાસ્ટ બીટ્‌સ
વાયોલિન-સેકસોફોનની ચીસ ડ્રમ્સ... ટ્રમ્પેટ
તડ તડાતડ તડતડ તડતડ ઝુમ્મ!
ઝુઉઉમ્મ!
આંખકાનનાકમાં
ગાંડા દરિયાનું પાણી ઘૂસી જાય
છટપટાહટ તરફડાહટ
આના કરતાં
આના કરતાં તા મને નાગો કરીને
માર્યો હોત તો...
આ fade outમાં મને વાસ આવે છે
મારી ભીતિની
પરસેવાની થીજેલી રાખની
ઉન્નત સ્તનોની
સડેલા ઈંડાની માછલીની બળવાની કળ ન વળવાની
ડાર્ક ડાર્ક ડાર્ક રેડની
સંસ્કૃતિ... સમ્ભોગ... રાજકારણ... પ્રેમ... ફ્રેમ...
ધડાધડ... ધડ... ધડ...
પાછળ બેસી કિકિયારી કરતા પરદેશીઓ
ને ઠરી ગયેલો હું
સાચું શું?
આ અસહ્ય પીડા... બોજ... અસહ્ય ત્રાસ
છતાં
લોહીમાં નવો નક્કોર સ્વાદ...
રણકો
ને નવા નક્કોર રંગ...
હેટ્‌સ ઑફ, દોસ્ત!*
fade out

  • વિશસ્ત ફ્રેન્ચ ફિલ્મ-દિગ્દર્શક જ્યાં લુફ ગોદારની ‘week-end’ તથા ‘Breathless’ પ્રથમ વાર જોઈ અનુભવેલું સંવેદન

તાલ-કાવ્યો

સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ

તાલ
ચાલ ચાલે છે
ચાલ્યા ક૨ે છે લોહીમાં
નગારાની ઢામ્‌ ધડામ્‌ ઢામ્‌ ઢામ્‌ તડામ્‌
મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા
તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી
રંગાતો રહું
મદમાતો રહું
મદમાતો ફરું....
તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર
લોહીનાં ઝરણાં
વળાંકે વળાંકે
તોરમાં તૉરિલા...
મન્દિર ને સીમ
નૃત્ય તે ગાન
સમ પર
ભીંજોતો રહું
કિટધાતો ફરું...
ક્યારેક ઝપતાલ
ક્યારેક ધ્રુપદ-ધમાર
તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં
સતત સતત બજ્યા કરે છે.
સસલાની જેમ પાંસળીઓમાં
મધુર મધુર કૂદ્યા કરે છે.
પાંસળીઓનાં પાલાણોમાં... ધાગેનતી નકધીં
ધાગેનતી નકધીં
ત્યારે
હું, હું નથી હોતો જાણો છો?

દિવસે,
અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને
રાત્રિએ
ઝપતાલના ઠાઠમાં
મ્હેકતો પસાર થતો
જોયો છે કદી?
ધીંના ધીંધીંના તીંના ધીંધીંના
વર્ષાની
આછી ઝરમરમાં
બન્ધ બાજના તિરકિટના ‘રેલા’
સુણ્યા છે કદી?

તબલાં સાંભળતાં જ
ટેરવે ટેરવે ઘર કરે
રવ કરે
રવ રવે
ધેટ ધેટ તેટ તેટના તોખાર...
શિરાએ શિરાએ બેઠેલી નાગણો
મૃદંગના કિટતક ગદીગન ધા તત્‌ ધા કિટતક ગદીગન ધા તત્‌ ધા
સાંભળતાં જ
રાનેરી લયથી નાચે છે...
ક્યારેક વર્ષો પર્યન્ત
સમ પર અવાતું જ નથી.
ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના
કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે
આવર્તાયા કરે છે...

હું અધ્ધર શ્વાસે
રૂપક તાલના ખાલી પર સમ જેવી
કોઈ ઘટનાની
પ્રતીક્ષા કરું છું.



પતડત તડપત
ચિતવન ચિતવન
ધડકન ધડકન ધા
ધડકન ધડકન ધા
ધડકન ધડકન ધા
શર શર દરશન
દરશન દરપણ
ચલો મન ચલો મન
સ્તન કર સ્તન કર
ચપલ ચલત મન
ચરત ચપલ તન
ચપલ ચપલ ધીંધા.
ચરત છરત મન
ચપલ ચપલ સ્તન
અધીર અધર ધર
ચિતવત ચિતવન
તનત તનત તન-તા
તનત તનત તન-તા
મમત મમત મમ-તા

ઘઘન ગગન ઘન
ઘનન ઘનન ઘન
મનન મનન નન
ગમન ગમન મન
અધિમન અતિમન
મતિમન જતિમન
પતડત તડપત
તડત તડત પત
તડત ઉડત મન
ઉડત ઉડત સ્તન
સ્તન ઘન
સ્તન વન
તવ સ્તન મમ સ્તન
સ્તનતા સ્તનતા
તડપત પતડત
તડપત બરસત
બરસત પતડત
ધીર ધીર ધીરધીર-તા ધીરતા
તીર તીર તીરતીર-તા તીરતા
ધીર ધીર તીરતીર-ધા તીરધા.