ટોળાં અવાજ ઘોઘાટ/૧૦- માત્ર લેાચા અને અથવા આ આમ છે વસ્તુસ્થિતિ અત્યાર લગી તો

From Ekatra Wiki
Revision as of 06:33, 22 March 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦- માત્ર લેાચા અને અથવા આ આમ છે વસ્તુસ્થિતિ અત્યાર લગી તો

સાયકલનો સા સરકે છે સરિયામ બ્રેક વગરના બની પાછળ પાછળ અકસ્માત્ નો અ અથડાઈ પડ્યો છે. ઊંઘણશી ઊં સાથે ભાગ્યવાનનો ભ હથેળી ધરીને બેઠો છે ફૂટપાથના ફ પાસે— મોટરનો મ એકધારો અવાજ કરે છે અકળાઈને. ખટારાનો ખ ખીચોખીચમાં સપડાયો હોવા છતાં ડાબા હાથે પરસેવાના પ ને લૂછતો લૂછતો હૉર્નના હ – ને જગાડ્યા કરે છે લેમ્બ્રેટાના લ – એ વાસ્પાના વ – એ લ્યૂનાના ખોડા લ્ એ અને બીજા બત્રીશ કચતટપએ બૂમરાણ મચાવી મૂકી છે. બાર બારીમાં ડોકાયેલા બાવીશ બ – ની ચુંબાલીશ આંખોમાં વિસ્મયનો વ પલકારા મારે છે. ટ્રાફિકના ટ – ને જામના જ – એ જકડી રાખ્યો છે. પરસેવાનો પ પીગળ્યા કરે છે અને અવાજનો અ — ઊડે છે ઊછળે છે ઊભરે છે ઊંચે નીચે આગળ પાછળ પ્રવેગમાં પ્રસરતો ફેલાતો લંબાતો ઊંચકતો તીવ્રાતો પુષ્ટાતો તુષ્ટાતો હૃષ્ટાતો છીંકોટા મારતો કદાવર ક્રૂર બધું બધોબથ એના પ્રબલ પરિરંભમાં ચૂર. પરિરંભમાં પ માં જકડાયેલા જ – ને જોયા કરું છું એકધારો દૃષ્ટિના દ – થી. બધું ચુસ્ત છે, જકડાયેલું છે, નાગચૂડમાં સપડાયેલું છે, ગૂંગળાયેલું છે. દૃષ્ટિનો દ પણ જકડાઈ ગયો છે એકધારો આમ તાકી તાકીને જાણે કાચ. કાચની પાછળ કાચ એની પાછળ કાચ એની પાછળ કાચ એની પાછળ કાચ. કોણ ભાગી રહ્યું છે સતત કાચ બનીને કાચની પાછળ પાછળ. સતત પ્રત્યેક ક્ષણે કોણ ભાગી રહ્યું છે પાછળ ને પાછળ પાછળ ને પાછળ ? અને અસંખ્ય કાચોને વીંધીને નિષ્કંપ તાકી રહ્યું છે આ તરફ : કોણ ? પરિરંભન પ – માં જકડાયેલા જ – ને ?

કોણ પૂછી રહ્યું છે પોતાને વિશે જ સતત પ્રશ્નો ? સંતાકૂકડીની આવી રમત રમવાની ? અને તે પણ એકલા એકલા ? બેવકૂફીનો ક્યારે આવશે અંત ? એવો પ્રશ્ન પૂછતી વખતે પણ— રમતમાંથી ક્ષણાર્ધ પણ બહાર નહીં આવનારું કોણ છે ?

એવો પ્રશ્ન પૂછીને ઉત્તરને કાચ બનાવી એની પાછળ અદૃશ્ય થઈ અનિમેષ તાકી રહેનાર : કોણ છે ? ‘તું પરિરંભના પ – માં જકડાયેલો જ છે’ એમ વિધાન કરનાર તું તત્ક્ષણ કેમ બની જાય છે કાચ ? આવું જ છે આ સાચ સતત કાચ બનીને સરકતા જવાનું ? અને કાવ્યનો આમ અંત આવી જવાથી કંઈ ખરેખર અંત આવી જતો નથી. અંત અંતર્‌માં છુપાયો છે તો— તો શું ? કંઈ સૂઝતું નથી. માત્ર લોચા. રહેવાનું નથી લખ્યા વિના. પોચા પોચા .

અધૂરું રહ્યું તો ભલે રહ્યું. બગડ્યું તો ભલે બગડ્યું ન જામ્યું તો ભલે ન જામ્યું. કોઈ કશું ન પામ્યું તો ભલે ન પામ્યું આકૃતિ સિદ્ધ ન થઈ અને છતાં આ કૃતિ વિકૃતિ પ્રસિદ્ધ થઈ તો ભલે થઈ. આ આમ છે વસ્તુસ્થિતિ અત્યાર લગી તો... (ઑગસ્ટ : ૧૯૭૬)