તુલસી-ક્યારો/૧૦. લગ્ન : જૂનું ને નવું

From Ekatra Wiki
Revision as of 07:50, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. લગ્ન : જૂનું ને નવું|}} {{Poem2Open}} ભાસ્કરની આવી લગ્નદૃષ્ટિમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦. લગ્ન : જૂનું ને નવું

ભાસ્કરની આવી લગ્નદૃષ્ટિમાંથી જ ઊભો થયો હતો વીરસુત અને કંચનનો લગ્નસંસાર. વીરસુતની પહેલી પત્ની ગામડિયણ હતી, અને લગ્ન પણ હાઈસ્કૂલના ભણતર દરમિયાન થયેલાં. એક તો પત્ની ગામડાના સંસ્કારવાળી, તેમાં પાછું તેણે વીરસુતને લગ્ન પછી વહેલામાં વહેલી તકે બાળક આપ્યું. વીરસુત અમદાવાદ કૉલેજમાં ભણતો. સ્ત્રી અને બાળક પિતાને ઘેર સચવાતાં. રજાઓમાં વીરસુત ઘેર આવતાં ડરતો હતો. બીજું બાળક ... ત્રીજું બાળક માથે પડવાની ફાળ ખાતો એ થોડા દિવસ મુંબઈ, થોડા દિવસ છૂટક છૂટક મિત્રોને ગામ અને થોડા દિવસ પોતાના પિતૃગામ ગાળતો. પિતાને ઘેર જતાં પહેલાં એ હંમેશાં એક શરત કરતો કે પિતાએ સ્ત્રીને બાળક સહિત એના પિયરમાં મોકલી દેવી, નહીં તો નહીં આવી શકાય. પિતા પોતે ભણેલાગણેલા એટલે પુત્રનો ભય સમજી ગયા હતા; સમજીને પુત્રની ઇચ્છાને અનુસરતા. બેશક, વીરસુત પોતાની પત્ની પાસે સાસરે એકાદ આંટો જઈ આવતો. જૂની રૂઢિનાં સાસરિયાં જમાઈ–દીકરીને જુદું શયનગૃહ ન દઈ શકતાં, એ પણ વીરસુત માટે સલામતીની વાત હતી. વીરસુતની આ પહેલી પત્ની એટલે આપણા દેવેન્દ્ર–દેવુ–ની બા. ગામડાનાં હાડલોહી લઈને આવેલી એવી નવયૌવનભરી સ્ત્રી ત્રણ જ વર્ષમાં કેમ મરી ગઈ તેનું એક કારણ દેવુના દાદાજીના મોંમાંથી સહજ સરી પડેલું આપણે સાંભળ્યું છે. વ્રતો-ઉપવાસો પર એ જુવાન પુત્રવધૂ અતિશય ચાલી ગઈ હતી. આટલાં વ્રતો-ઉપવાસો કરીને કંચન સરખી કાયા ઘસતી એ દેરાણી ફક્ત એક ભદ્રાની પાસે જ એક દિવસ માંડ માંડ મોં ખોલી શકી હતી. એણે કહ્યું હતું કે, “જરાક વધુ ખવાઈ જાય છે, જરીક પેટ ભરાઈ જાય છે, કે તરત મને, ભાભીજી, કોણ જાણે શાથી, શરીરે અતિશય લોહી ચડવા લાગે છે; ને પછી તમારા દેર રાત ને દા’ડો એવા યાદ આવ્યા કરે છે કે ક્યાંય કરતાં ક્યાંય ગોઠતું નથી. ઊંઘું છું તો સ્વપ્નાંનો પાર રહેતો નથી. સ્વપ્નાં તો, ભાભીજી, સારાંય હોય અને માઠાંય હોય! તમારા દેર પણ, ભાભીજી, મને મૂઈને પીલપાડા જેવી જોઈ ઝાંખાઝપટ થઈ ગયા’તા. એમણે તો કાંઈ સમજાય નહીં એ રીતે મને કહ્યુંયે હતું કે, હું ભણું છું ત્યાં સુધી તો શરીર કાબૂમાં રાખ! આ તે દા’ડાથી મને મૂઈને વ્રત રહેવાં બહુ જ ગમી ગયાં છે.” આમ ભૂખી રહેવાનું બહાનું ઊભું કરી દેવુની બા વીરસુતને વળતી જ વૅકેશનમાં પોતાના શરીર પરનો કાબૂ બતાવી ચિંતામુક્ત કરી શકેલી. તે પછીની વૅકેશનમાં તો વીરસુતે એનાં વધુ ગળી ગયેલાં ગાત્રો તરફ જોઈ પોતે કૉલેજમાં ‘વિક્રમોર્વશીય’ નાટક ભણતો હતો તેમાંથી પુરૂરવા રાજાની તપસ્વિની પત્નીવાળો શ્લોક પણ સંભળાવ્યો. ચોથી વૅકેશને એ જાણે હૃષ્ટપુષ્ટ ગામડિયણ પત્નીનો દેહ જ ન રહ્યો. ને કૉલેજ-કાળ પૂરો થયાને વાર નહોતી ત્યાં જ દેવુની બાના એ ક્ષીણ શરીરનો કાળ પૂરો થઈ ગયો. દરમિયાન તો વીરસુતની છાત્રાલયની ઓરડીમાં ભાસ્કરભાઈની આવ-જા ચાલુ થઈ ચૂકી હતી. વીરસુતની આંતરવેદનાના જાણભેદુ ભાસ્કરે જ વીરસુતને ભવિષ્યના ‘ફર્ધર કૉમ્પ્લિકેશન્સ’ – નવા ગૂંચવાડા – ન ઉમેરવા માટે બ્રહ્મચર્ય પાળવાની ગાંઠ બંધાવેલી. ભાસ્કરે વીરસુતને ચેતાવી પણ રાખેલો કે, “ભાઈ, તારો ‘કરિયર’, તારી ઉજ્જ્વળ કારકિર્દી, જો ચૂંથી ન નાખવી હોય તો આ જૂના ઢીંગલા-ઢીંગલીનાં લગ્નને તારે કોઈક દિવસ – બને તેમ જલદી – તિલાંજલિ આપવી જ જોશે. હું સમજું છું કે તારે હૃદયને વજ્રનું કરવું પડશે. તારાથી જો બની શકે તો તારી ગ્રામ્ય પત્નીને પણ પોતાના મનફાવતા અન્ય સ્થાને પરણવા તૈયાર કરવી પડશે. અને એ કામ તો પાછું સૌથી વધુ કઠિન છે. જૂના સંસ્કારની સ્ત્રીઓ – તેમાં પણ પાછી વાણિયા-બ્રાહ્મણની પરજીવી-પરાશ્રયી, પોતે ન રળી શકતી પત્નીઓ – એટલી બધી તો ગુલામ લાગણીવાળી બની ગઈ હોય છે કે પતિ નવી સ્ત્રીને લાવશે તેય સહી નહીં શકે, પતિના ઘરનો આશરો પણ છોડી નહીં શકે, નહીં પતિ સામે અદાલતમાં તકરાર કરી જિવાઈ મેળવી શકે અને, છેલ્લામાં છેલ્લું, નહીં પોતાના બાળકથી છૂટી પડી શકે. બીજી બાજુ, એ આપઘાત સાવ સહેલાઈથી કરી શકશે, ને તું એને ફરી પરણવાની વાત કરીશ તો તે વાઘણ બની ઘૂરકશે – પણ ગામડામાં છૂપા સંબંધો રાખતાં નહીં અચકાય.” ભણી ઊતરવા આવેલા વીરસુતને ભાસ્કરનો આ એકેએક શબ્દ સચોટ કલેજે ચોંટેલો. પોતે પત્નીના મદમસ્ત શરીર પર ટકોર કરેલી તે પણ આ છેલ્લી શંકાને લીધે જ. ને એણે પત્ની પાસે જઈ આ તમામ ચોખવટ કરી નાખવા બિસ્તર પણ બાંધી રાખેલું. મનમાં કડીબંધ દલીલો પણ ગોઠવી રાખેલી. સ્ત્રીઓ શા માટે પોતાનો બગડેલો ભવ સુધારી લેવા પુરુષના જેટલી જ સ્વતંત્ર, નવી લગ્ન-પસંદગી કરવી, એ મુદ્દા પર પત્નીને એકાએક આઘાત ન લાગે તેવી સિફતથી સમજાવવા પોતે સુસજ્જ બનેલો. ત્યાં તો એને સ્ત્રીના અવસાનના ખબર મળ્યા. ને તેને તે બાપડીના સદ્ગુણો યાદ આવ્યા. ગામડિયણ છતાં કહ્યું માનનારી હતી એ વાત તેણે સ્નેહી-મંડળમાં પણ વારંવાર કહી. બ્રહ્મચર્ય પાળવાના મુદ્દા પર એણે જે સંસ્કાર બતાવ્યો તે તો ક્રાંતિકારી હતો એમ પણ એણે જેને જેને કહી શકાય તેમને કહ્યું. અને એકદમ ખરખરો પતાવીને વળતી જ ટ્રેનમાં પાછા ચાલ્યા જનાર માણસની માફક એણે ટૂંક સમયમાં જ સ્ત્રીના ગુણોનું સ્મરણ પતાવી દઈ નવા સંસ્કારી લગ્નસંસારની વાટ મોકળી નિહાળી હતી.

“હવે પતી ગયા પછી મને તાર કરીને તેડાવવાની શી જરૂર હતી?” આવો પ્રશ્ન વીરસુતે પોતાની પત્નીના અવસાન બાદ ઘેર પહોંચીને પિતાને કર્યો હતો. “બીજું તો શું – આપણે સૌ સાથે હોઈએ તો દુ:ખ વીસરીએ, તને અણધાર્યો આઘાત ન લાગે, ને આ દેવુ નજર સામે રમતો હોય તો તારા મનને ખાલી ખાલી ન લાગે – તેટલા ખાતર!” માસ્તર સાહેબે માળાનો બેરખો ફેરવતે ફેરવતે સામે રમતા પાંચ–છ વર્ષના દેવુની ઓશિયાળી આકૃતિ બતાવીને જવાબ દીધો હતો. પણ વીરસુત તો દેવુને પોતાના પ્રેમહીન વ્યભિચારરૂપી લગ્નનું પાપ–ફળ માનતો; એટલે પોતે એની સામેય જોયું નહીં. થોડે જ દિવસે અમદાવાદથી ભાસ્કરનો તાર આવ્યો હતો : “ફસાઈ જતાં પહેલાં અહીં ચાલ્યો આવ.” પણ પિતાએ વીરસુતને છોડ્યો નહીં; ‘હું એકલો પડીશ તો મારું દિલ મૂંઝાશે’ – એમ કહીને રોક્યો હતો. પછી બારમો દિવસ થયો ત્યારે પિતાએ વીરસુતને પાસે બેસારી એકાંત વાત કરી : “જો, ભાઈ, વહુ ગઈ તેનું દુ:ખ તનેય હશે, મનેય છે. મારું તો સ્વાર્થનું દુ:ખ છે કેમકે એ મારા ઘરની લાજઆબરૂ સાચવતી હતી, સુલક્ષણી હતી. પણ તારું તો અંત:કરણ જ સૂનકાર થયું હશે એ હું સમજું છું. હવે એ સ્થિતિ કાંઈ કાયમ તો રાખી શકાવાની નથી. વહેલો કે મોડો એનો નિવેડો તો લાવવો જ પડશે.” “એમ કેમ માની લ્યો છો તમે?” વીરસુત વચ્ચે બોલી પડ્યો હતો. “નથી રહી શકાતું એ હું અનુભવે કહું છું. ભાન ભૂલી જવાય છે. કામકાજ સૂઝતાં નથી. પુરુષની એ પામરમાં પામર સ્થિતિ છે. માટે ગયેલાંને યાદ કરવાં ખરાં, પણ એની વળગણ મનમાં રાખી મૂકી પુરુષાર્થને હણી ન નાખવો, બેટા! વહેલું ને મોડું...” “હજી એની ચિતા ઠરી નથી ત્યાં જ તમે એ તજવીજ કરવા લાગ્યા, બાપુ!” વીરસુત આ બોલ્યો ત્યારે એને યાદ જ હતું કે અમદાવાદના છાત્રાલયમાં કેટલીયે કુમારિકાઓ સાથે પોતે તો, પત્ની જીવતી હતી ત્યારથી જ, તજવીજમાં પડ્યો હતો. “મુશ્કેલી એ છે, ભાઈ,” પિતાએ માળા ફેરવતે જ કહ્યું : “કે સારી કન્યાઓનાં માવતર આપણી રાહ જોઈને ક્યાં સુધી ટટળે? ને વિવાહમાં તો સહેજ ટાણું ચૂક્યા પછી હંમેશને માટે પત્તો જ લાગવો મુશ્કેલ પડે છે. રહી જાય તે રહી જાય છે. આપણે સૌ મધ્યમવર્ગના છીએ, ધંધાર્થીઓ છીએ, વ્યવસાય-પરાયણ છીએ; માટે, ભાઈ, જીવનની બાજી જેમ બને તેમ જલદી ગોઠવીને આગળ ચાલવા વગર આરોવારો નથી. બીજું તો પછી ગમે ત્યારે થાય; તું ફક્ત ઠેકાણાં નજરે જોઈ રાખ.” “મારી વાતમાં તમે ચોળાચોળ કરશો નહીં!” એમ કહીને વીરસુતે પોતાને માટે આવતાં બે-પાંચ બહુ સારી કન્યાઓનાં કહેણ તરછોડ્યાં હતાં; ને પોતે અમદાવાદ ચાલ્યો ગયો હતો. ત્યાં એને જે આશ્વાસન જોઈતું હતું તે મળ્યું હતું. ત્યાં એણે હૉસ્ટેલમાંથી નીકળી જઈ એમ. એ.નો અભ્યાસ જુદું મકાન રાખીને જ કરવા માંડ્યો. અભ્યાસમાં સોબત આપવા માટે બે-ચાર યુવતીઓ અવારનવાર આવી જતી. પોતે પણ તેમના છાત્રાલયમાં, અથવા જેઓ ગામમાં જ રહેતાં તેમનાં માતપિતાને ઘેર, જતો-આવતો થયો હતો. કોઈ કુમારી તેને પોતાની ન્યાતનાં સ્ત્રીમંડળોમાં ભાષણ દેવા માટે નોતરી જતી, તો કોઈ વળી મજૂર-લત્તામાં પોતે જે બાળવર્ગ ચલાવતી તેમાં ઇનામ વહેંચાવવા લઈ જતી. તે સહુમાં કંચનનું સુવર્ણ વધુ ઝગારા મારતું. કંચન તો હરિજનવાસમાં બૈરાંને ભણાવવાનો વર્ગ ચલાવતી. કંચનને આ સેવા-જીવનમાં લગાવનાર ભાસ્કરભાઈ હતા. કંચનનાં માબાપ આફ્રિકાના જંગબારમાં રહેતાં અને દીકરીને અહીં રાખી ભણાવતાં. એનું વેવિશાળ તો નાનપણથી જ થયું હતું. પણ એનાં માબાપ નવા વિચારમાં ભળ્યાં : દીકરીને એમણે ભણાવવા માંડી. સાસરિયાંને એ ગમ્યું નહીં; ઉપરાઉપરી કહેવરાવ્યું કે, પરણ્યા પછી ભલે ફાવે તેટલું ભણે – અત્યારે નહીં ભણવા દઈએ. પણ માવતરે હિંમત કરીને કંચનને મૅટ્રિક કરાવી પછી અમદાવાદ ભણવા બેધડક મોકલી દીધી હતી. આને પરિણામે જૂનું સગપણ તૂટ્યું હતું. દરમિયાન માબાપનું ત્યાં જંગબારમાં મૃત્યુ થયું હતું એટલે કંચન સ્વતંત્ર બની હતી. સગપણ તોડાવવામાં ભાસ્કરભાઈનો મોટો પાડ હતો. એણે કંચનની તેજસ્વી બુદ્ધિશક્તિ પારખી લીધી હતી. તે પછી એક વાર બસના સ્ટૅન્ડ પર ઊભાં ઊભાં બેઉ જણને ઠીક ઠીક એકાંત મળી ગયેલ. વાતનો પહેલો તાંતણો ખેંચતાં તો ભાસ્કરને સરસ આવડતું હતું; ને તાંતણો ખેંચ્યા પછી મુસાફરી પણ બેઉએ સાથે કરવા માંડી. પછી તો એ જ બસ-મોટર જ્યાં જ્યાં લઈ ગઈ ત્યાં ત્યાં બેઉ જોડે જ ગયેલ, ને આખી વાત જાણ્યા પછી ભાસ્કરે એનાં માબાપ સાથે તેમ જ સાસરિયાં સાથે પત્રવ્યવહાર માંડી દીધો હતો. છ જ મહિનામાં વેવિશાળ ફોક થયું હતું. પછી કંચનને માટે ભાસ્કરે ત્રણ-ચાર જુવાનો ચકાસ્યા હતા. એક પછી એક એ ત્રણે સાથે કંચન ઘણા ઘાટા સંબંધમાં આવી ગઈ હતી. એક પછી એક એ ત્રણેની સાથે કંચનને વિચ્છેદ પણ ભાસ્કરે જ પડાવ્યો હતો. મનમાં ઠીક ઠીક મેળ મળી ગયા પછી આ ઉપરાઉપરી ત્રણ ઠેકાણેથી કંચનને હૃદય ઉતરડવું પડ્યું હતું, કારણ કે ભાસ્કરે એ પ્રત્યેક સંબંધ તોડવાનાં જોરદાર કારણો આપ્યાં હતાં : “સુમન તને બેવફા છે : એ પેલી મનોરમા પાછળ દોડે છે ... જયંતી તારા ને મારા સંબંધની ઈર્ષ્યા કરે છે, કંચન! એ તો એક ઠેકાણે એટલે સુધી બોલી ગયો છે કે, પરણી લીધા પછી જોઈ લઈશ કે એ કેમ સંબંધ રાખે છે : ઘરમાં પૂરીને મારીશ!” મજમુદાર વિશે પણ કશીક એવી જ વાત કરેલી : “એ છોકરો દારૂડિયો નીવડશે તો હું નવાઈ નહીં પામું, કંચન!” આ ત્રણેક સંબંધો ચૂંથાઈ રહ્યા, ત્યાં વીરસુત પણ વિજ્ઞાનમાં પહેલો વર્ગ મેળવીને અમદાવાદની કૉલેજમાં પ્રોફેસર નિમાઈ ચૂક્યો એટલે ભાસ્કરે કંચનના તોપખાનાને એ દિશામાં નિશાન લેવરાવ્યું. ને નિશાન પડતાં ઝાઝી વાર ન લાગી. લગ્નની સાંજે ભાસ્કર વીરસુતને દૂર દૂર ફરવા તેડી ગયો હતો. કાંકરિયા તળાવની પાળે ફરી ફરી બેઉ એક ઠેકાણે બેઠા હતા. ભાસ્કરે કહ્યું હતું : “તું જાણે છે, વીરસુત, કે મારા જીવનમાં હું કેવો વિનાશ કરીને તારા જીવનનો ફૂલબાગ રોપાવું છું? તું કેમ કરીને જાણી શકીશ! બીજું તો શું, ભાઈ! પણ એને જતન કરીને જાળવજે. કોઈના જ તકદીરમાં આટલું તેજ લખાયું હોય છે. સમજી લેજે કે તારા સંસારમાં એક શક્તિ પ્રવેશ કરે છે.” વીરસુત કશું બોલી શક્યો નહોતો – એણે તો ભાસ્કરના પગ જ પકડી લીધા હતા. જેનાં જેનાં લગ્ન-ચોકઠાં ભાસ્કરે ઘડી દીધાં તે પ્રત્યેક પાસે લગ્નને ટાંકણે ભાસ્કર કાંઈક આ જ ભાવનું બોલેલ. એવું બોલવામાં એ જૂઠો પણ નહોતો. પોતે પર સાથે પરણાવેલી પ્રત્યેક કન્યાને પોતાના માટે જ વારંવાર ઝંખેલી, પોતાની સહચારિણીરૂપે કલ્પેલી; પણ પોતાની ઉંમર પ્રમાણમાં મોટી થઈ ગઈ હતી એ કારણે એણે એ કન્યાઓ સાથે બાંધવા માંડેલો સ્નેહ પ્રણયનું રૂપ પામી શકતો નહોતો. છોકરીઓ એને વડીલ તરીકે સન્માનતી ખરી, પ્રેમી તરીકે કલ્પી ન શકતી, એટલું સમજી લઈ એ બીજા જુવાનોને લાભ અપાવતો. એટલે પોતે પ્રત્યેક જુવાનને જે કહેલું તે જૂઠું નહોતું : પોતાનું જીવન વેરાન બનાવીને જ એ બીજાના સંસારમાં ફૂલબાગ રોપતો હતો.