ન તત્ર સૂર્યો ભાતિ/ધુમ્મસ

From Ekatra Wiki
Revision as of 12:54, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધુમ્મસ

સુરેશ જોષી

બરાબર મારી સામે જ એ બેઠી હતી. મારી નજર એના પર નહોતી. હું મરીન ડ્રાઇવની પાળ સાથે અથડાઈને ચૂરેચૂરો થઈને રસ્તા પર વેરાઈ જતાં મોજાંને જોઈ રહ્યો હતો. આ જોઈ રહેવાનો મને નશો છે. હું જોતો રહી જાઉં છું અને સંસાર મને પાછળ મૂકીને આગળ દોડી જાય છે. એ જ રીતે મને હડસેલો મારીને આગળ દોડી ગઈ હતી ર…ના, એ નામ હું નહિ કહું. એ નામનો તમારે મન અર્થ પણ શો? પણ કોણ જાણે કેમ, આ અથડાઈને ચૂરો થઈ જતાં મોજાં જોઉં છું ત્યારે મને એના શબ્દો યાદ આવે છે. એ એની તોફાની, નિષ્ઠુર ને છતાં સહેજમાં જ આંસુથી છલકાઈ ઊઠતી આંખો મારી સામે માંડીને પૂછતી હતી: ‘હું તમને ખૂબ ગમું છું, નહિ?’

જવાબમાં મેં એને ચીઢવવા કહ્યું હતું: ‘જો હું હા નહીં કહું તો તારા ગર્વની શી દશા થાય?’

એ રોષે ભરાઈને બોલી: ‘સાવ નઠોર છો તમે તો!’

મેં કહ્યું: ‘હા, નઠોર ને ખડક જેવો ઊભો છું તેથી જ તો તું તારા ભરતીના વેગથી ધસી આવે છે ત્યારે એ બધા ઉત્પાત સહી લઉં છું. હું નઠોર નહિ હોઉં તો તારા આ બધા ઉધામાનું શું થાય?’

એનો રોષ કાંઈ હળવો થયો નહીં. એ બોલી: કલ્પના, કલ્પના, કલ્પના …. તમારી કલ્પના જે જુલમ ગુજારે તે સહી લેવા માટે મેં જનમ લીધો નથી.

કલ્પના – હા, ખડક જેવા નઠોરને પણ કલ્પનાનો શાપ આપવા જેટલા ભગવાન ઉદાર હોય છે એની મને ખાતરી ક્યાં નથી થઈ ચૂકી? એથી જ તો અહીં બેઠો બેઠો એ ઊછળતાં મોજાંને જોઈને કાંઈ કેવાય તરંગે ચડી જાઉં છું: કોઈ મોટું સ્ટેશન છે. એના વિશાળ છાપરા નીચે અનેક પ્રકારના અવાજોની ધક્કામુક્કી છે. એને ભેદીને લાઉડ સ્પીકરમાંથી અવાજ આવે છે. આઠ ને પંદરે દિલ્હી જનારી ગાડી બાર નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઊપડશે. એકાએક લોકોની દોડાદોડ વધે છે. એ દોડાદોડનો નકશો હું સહેજ ઉપર ઊભો રહીને જોયા કરું છું. કેટલાં મોજાં ઊછળે છે! કાંઠા વગરના વિશાળ સમુદ્રનો ભયંકર ઘુઘવાટ મને ઘેરી વળે છે. ઘડીભર હું આંખ બીડી દઉં છું; ને મને યાદ આવે છે કે એ મારી સામે જ બેઠી છે. એનું મારા તરફ ધ્યાન જાય તે પહેલાં જ આંખો ખોલી નાખું છું. સમુદ્ર તરફથી નજર વાળી લઈને હું એને જોઉં છું. શરબતની ઉપર તરતા બરફના ટુકડાઓને એ સ્ટ્રોથી નીચે ડુબાડવા મથે છે. સળી વળી જાય છે. એ ધૂંધવાઈને સળી ફેંકી દે છે. ઘડી ભર એની આંખો જાણે કોઈને શોધતી હોય તેમ આજુબાજુ ફરી વળે છે, પછી એ એકાએક બે હાથથી કાન ઢાંકી દે છે, કશીક યાતનાથી, એકાએક ઊપડી આવેલા કશાક દર્દથી, તેનો ચહેરો વિકૃત થઈ જાય છે. કાન આગળથી હાથને ખસેડી લઈને એ ટેબલ પર પડી રહેલા મારા હાથને બાઝી પડે છે ને એના રૂંધાઈ ગયેલા ગળામાંથી અવાજ નીકળતો નથી, છતાં કશુંક બોલવા જાય છે. મને બાઝી પડેલા એના હાથ સાવ ઠંડા છે. એ હાથે ખૂબ પરસેવો વળ્યો છે. એ પરસેવાના સ્પર્શથી હું મૂંઝાઈ જાઉં છું. ‘શું થયું?’ એમ વિવેક ખાતર પણ પૂછી શકતો નથી. એનો મને વળગી પડેલો હાથ તરછોડી નાખવા જેટલી મારામાં હિંમત નથી. આજુબાજુના લોકો અમને આ સ્થિતિમાં ટીકીટીકીને જોઈ રહ્યા છે એનું ભાન થતાં હું આખરે ઊભો થઈ જાઉં છું. મારા ઊભા થવાનો ધક્કો લાગતાં એ જાણે સફાળી ભાનમાં આવે છે ને ઊભી થઈને મારી સાથે ચાલવા માંડે છે. હું ચાલવાનું શરૂ કરી ચૂક્યો હોઉં છું એટલે એકદમ ઊભો રહી જતો નથી. મારા કાનમાં ફરી પડઘા ગાજે છે: દિલ્હી જનારી ગાડી આઠ ને પંદરે બાર નંબરના પ્લેટફોર્મ પરથી ઊપડશે. એ વાક્ય જાણે ફરી ઘુમરાઈ ઘુમરાઈને મારા કાનમાં ગાજ્યા કરે છે. મારી આજુબાજુ કશું જ જાણે નથી. એ અવાજના વિસ્તરતા જતા પડઘાનાં વર્તુળોમાં ગૂંચવાતો વીંટાઈ જતો હું આગળ જઈ રહ્યો છું. ત્યાં એ ફરી વાર એકાએક મને બાઝી પડીને છેક મારા કાન આગળ મોઢું લાવીને બોલી ઊઠે છે: ‘બચાવો, બચાવો.’ એના ભયથી હું પણ ધૂ્રજી ઊઠું છું. છતાં હું એને કશું પૂછી શકતો નથી. એ જ લગભગ અભાન અવસ્થામાં લવતી હોય તેમ કહે છે: ‘ઘોડા, હજાર, દસહજાર ઘોડા મારી સામે ધસ્યા આવે છે, બચાવો, બચાવો.’ એને આધાર આપવા નહીં પણ કદાચ ભયથી આધાર પામવા જ મેં એનો હાથ જોરથી પકડી રાખ્યો. મને થયું ક્યાં ગઈ મારી કલ્પના? સમુદ્રનાં ખારાં મોજાંની છોળમાંથી ઊડતા સીકરો આંખમાં જતાં આંખ ચચરતી હતી. આંખમાંથી પાણી નીકળતું હતું. આંખે એની ઝાંય વળી જવાથી ચારે બાજુ બધું ધૂંધળું દેખાતું હતું. મારી સામે પૂરપાટ દોડ્યે જતી ઘોડાની હારને હું જોતો હતો, એ હારનો અંત જ નો’તો. મોટું વેરાન મેદાન હતું. ક્ષિતિજ આગળ નાનાં નાનાં ટપકાં જેવા દેખાતા ઘોડા દોડ્યે જતા હતા. એમાંના એક ઘોડા પર હું પોતે હતો. સર્યે જતું એક ટપકું. એમાં એકાએક વંટોળિયો ચઢી આવ્યો. આંધી ચઢી આવી. બીજા ઘોડાઓ ક્યાં જતા રહ્યા તે મને કશું સમજાયું નહિ. એના ડાબલા સંભળાતા બંધ થઈ ગયા, ને મેં જોયું તો હું એક ટેકરી પર આવીને ઊભો હતો, નીચે એક ગામડાનો આભાસ વર્તાતો હતો. આજુબાજુ ધોળી રેતીનો વિસ્તાર હતો. એના પર ચાંદની ચમકી રહી હતી. આસપાસમાં એક્કેય વૃક્ષ દેખાતું નહોતું. આથી આ બધા વિસ્તાર વચ્ચે મારો જ એક પડછાયો અટૂલો ઊભો હતો. ત્યાં જ ક્યાંક બાજુમાંથી કોઈક ગુસપુસ વાતો કરતું હોય એવું મને સંભળાયું. ચારેક જણનું એ ઝૂમખું હતું. એ શબ્દો શબ્દો હોવા કરતાં રેતીના નિર્જન વિસ્તારમાંના પવનના સૂસવાટ જેવા વિશેષ લાગતા હતા. હું કુતૂહલથી એમના તરફ વળ્યો. એમાંની એક સ્ત્રીએ મારા તરફ જોયું. એની આંખમાંનો પ્રશ્ન વિષાદનું રૂપ ધારણ કરીને પ્રકટ થઈ રહ્યો હતો. એની સાથેની બીજી ત્રણ વ્યક્તિઓ અદૃશ્ય થઈ ગઈ. પેલી સ્ત્રી મને હાથ ઝાલીને દોરી જવા લાગી. મેં નજર કરી તો ઠેર ઠેર કાળા આકારોનાં ઝૂમખાં દેખાયાં. એ બધાંનો વાત કરવાનો ભેગો અવાજ મારા કાનમાં સૂસવાવા લાગ્યો. ધોળી રેતીના અસીમ વિસ્તારમાં હું ચાલ્યે જ ગયો, ચાલ્યે જ ગયો ને ઘણે વખતે મને સમજાયું કે ટેકરી પરથી જોયેલું પેલું ગામડું સુધ્ધાં ક્યારનું અદૃશ્ય થઈ ચૂક્યું હતું. ત્યાં એક અવાજ સાવ નજીકથી મને સંભળાયો.

‘ઓળખો છો ને?’

મારાથી કહેવાઈ ગયું; ‘હા’ પણ હું જૂઠું તો નહોતો બોલ્યો. એ અવાજ તો મને પરિચિત હતો જ. એનું નામ હોઠે લાવવા જતો હતો ત્યાં જ એ અવાજે મને કહ્યું; ‘હું તો પવનમાં માળો બાંધીને રહેનાર પંખી, રોજ રાતે તમારા મૌનનાં મોતી ચણી જાઉં છું. ખબર પડે છે તમને?’

એના આ શબ્દો પાછળ કશીક વેદના હતી. એને હું ક્યાં નહોતો ઓળખતો? મને યાદ આવ્યું. એક વાર એ ખૂબ ઝગડીને મને પૂછતી હતી:

‘તો તમે શા માટે મારી સાથે સમ્બન્ધનો દાવો કરો છો?’

એ પ્રશ્નનો મેં જવાબ વાળ્યો નહિ.

એણે ફરીથી પૂછ્યું: ‘બોલો ને એવો કશો સમ્બન્ધ છે ખરો?’

મેં એકાક્ષરી જવાબ વાળ્યો: ‘હા.’

એણે ફરી ધૂંધવાઈને પૂછ્યું: ‘શું ધૂળનો સંબંધ?

મેં કહ્યું: ‘ના, આગનો સમ્બન્ધ.’

ઘડી ભર એ સૂનમૂન થઈ ને બેસી રહી. પછી મેં કહ્યું: ‘જો સાંભળ, એક કવિએ કહ્યું છે:

‘I may be silent, but

I’m thinking.

I may not talk but

Don’t mistake me for a wall.’

એ છણકો કરીને બોલી: ‘ઓહો, એમ વાત છે? તો જુઓ. હું તમને શાપ આપું છું. તમે ધુમ્મસ બનીને વિખેરાઈ જશો. દુનિયાભરમાં કોઈ સૂરજ ચાંદો તમને એકઠા કરીને આકાર નહિ આપી શકે.’

આ સાંભળીને મેં જરાય વિચલિત બન્યા વગર કહ્યું: ‘તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ને? આપણો સમ્બન્ધ તો પ્રેમનો નથી, રોષનો છે, વરદાનનો નથી, શાપનો છે. જન્મેજન્મે શાપ આપવા તું મને શોધતી આવશે. તને તો ખબર છે ને, ચન્દ્રમાં પણ જ્વાળામુખી છે?’

આ સાંભળીને એ કશુંક બોલવા ગઈ. એના હોઠ ફરક્યા, એનાં નસકોરાં ફૂલી ઊઠ્યાં, પણ એ કશું બોલી શકી નહીં. પછી એકાએક મારી સામે નજર માંડીને બોલી; ‘ઓળખો છો ને મને?’

કેટલા વખત પહેલાંનો એ પ્રશ્ન મારી ચારે બાજુના સૂના વિસ્તારમાં ગાજી ઊઠ્યો, ને મેં જોયું તો મારી પાસે કોઈ નહોતું. મરીન ડ્રાઇવનો રસ્તો, આકાશમાં વાદળ ઘેરાયાં હતાં. એની છાયા ઝીલીને દરિયાનાં પાણી ભૂખરાં થઈ ગયાં હતાં. મારી સાથે ચાલતી ચાલતી એ કશુંક બોલ્યે જતી હતી. એના પૂરા શબ્દો તો મારે કાને પડતા પણ નહોતા. વચમાં વચમાં એ એકાએક હસી પડતી હતી. એના હસવાના અવાજમાં કશાક ઉન્માદનું સૂચન હતું, એથી હું ગભરાઈ જતો હતો. એના તૂટ્યા-ફૂટ્યા શબ્દો મારી નજર સામે એક જુદી જ સૃષ્ટિ રચી દેતા હતા; નાનું શહેર, અંધારી ગલી, ભેજ, ખાબોચિયાં, મૂર્ચ્છા ખાતી હવા, એક શીતળ લહર, થોડા શબ્દ, એકાદ ભીરુ સ્પર્શ, છંછેડાયેલું લોહી, નાસભાગ, અપવાદ, આરોપ, શંકા, હા અને નાની ભુલભુલામણીથી ભરેલી ગલીકૂંચી, પથ્થરના દેવને રક્તકમળનું નિવેદન, સતત ઝરતાં આંસુની જળધારી, ભેજ, ભેજ, ભેજ; સૂરજ પણ ભેજથી નીતરતો, ઝાંખો. ચાંદો પણ જાણે એના પોતાના જ પ્રેત જેવો, ને આ સૃષ્ટિ વચ્ચે અથડાતોકૂટાતો પવન, સ્પર્શની સીમાઓને લોપી નાખતો ઉચ્છૃંખલ પવન, પીપળાનાં કંપતાં પાંદડાં, ઊડાં કૂવામાં ડોલતી છાયા, ઘરની ટોચ પર ચાંચ ઘસતું બેઠેલું ઘુવડ ને દૂર દૂર પુરપાટ દોડ્યે જતા ધોળા ઘોડા પર ચાલ્યો જતો એક કાળો અસવાર, એના ગાજી ઊઠતા ડાબલા…

વાદળની ઘટા વધારે ઘેરી બની હતી. હવે રસ્તો સાવ નિર્જન બની ગયો હતો, મોજાની છાલક સાથે શરૂ થયેલા વરસાદની ઝરમર પણ ભળી ગઈ હતી. એ ઝરમરના ને ભીની હવાના તાણાવાણાની ગૂંથાતી કશીક જાળ વચ્ચે જાણે હું ફસાતો જતો હતો. કોઈ જાદુગરની આ માયાને જાણે ગમે ત્યારે એક ફૂંક મારવાથી ઉરાડી દઈ શકાશે એવા વિશ્વાસથી હું ચાલ્યો જતો હતો. ત્યાં મારી નજીક આવી જઈને એણે પૂછ્યું:

‘તમને ભય લાગે છે?’

મેં પૂછ્યું: ‘કોનો? તમારો?’

આ સાંભળીને એ હસી પડી. હસવાનું થંભી ગયા પછી વળી જાણે એને યાદ કરીને એ ફરી હસી પડી. હું મૂંઝાયો. ત્યાં એ ફરી સ્વસ્થ થઈને બોલી: ‘ના, મારો નહિ. મારું મીઠું માંસ તો હવા એના નહોર ભરીભરીને આરોગે છે, પવન એના દાંત વગરના હોઠથી એને ચૂસે છે. લો ને, હું તો આ રહી –’ એમ કહીને એ ચાલતી ચાલતી એક ડગલું આગળ વધીને મારા ચાલવાનો રસ્તો રોકી દઈને ઊભી રહી ગઈ. હું પણ ઊભો રહી ગયો. એ એટલી બધી નજીક હતી કે એની ભીની લટ મને રહી રહીને સ્પર્શી જતી હતી. એના સ્પર્શથી હું ધ્રૂજી ઊઠતો હતો. થોડી વાર એ આમ જ ઊભી રહી. પછીથી એ ખસી ગઈ ને સ્વસ્થ અવાજે બોલી: ‘આકાશનો એકેએક તારો તમારી પાસે છેક નીચે ઊતરી આવીને એની મોટી મોટી આંખો ફાડીને જોઈ રહે છે ખરો? પવન તમારા શરીરને આરપાર વીંધી નાખીને તમને વેરાન વિસ્તારમાં ઊડાવી મૂકે છે ખરો? તમારો જ પડછાયો તમારા પગમાં નાગચૂડ ભરાવીને તમને નીચે ને નીચે ઘસડી જાય છે ખરો? મારાં હાડકાં પવનની સરાણે ચઢીને તીક્ષ્ણ બને છે. એમાંથી તણખા ઊડ્યે જાય છે…’ એ બોલ્યે જ ગઈ. એના અવાજનાં ટોળાં વચ્ચે હું ખોવાઈ ગયો. દૂરથી અવાજ સંભળાતો હતો: આઠ ત્રીસે મદ્રાસ મેઇલ પ્લેટફોર્મ નંબર દસ ઉપરથી ઊપડશે. આ જ વાક્યનાં અનંત પુનરાવર્તનોનાં વર્તુળ મને ચારે બાજુથી ઘેરી વળ્યાં. વરસાદ સહેજ વારને માટે થંભી જવા આવ્યો, પણ એકાએક દરિયા પર ને રસ્તા પર ગાઢું ધુમ્મસ ઊતરી આવ્યું. મારી આજુબાજુનું બધું જ દેખાતું બંધ થઈ ગયું. મારાં અંગો પણ મને દેખાતાં બંધ થઈ ગયાં. જાણે શરીર આખું કણકણ થઈને વિખેરાઈ ગયું. આ ધુમ્મસમાં પ્રકાશનાં આંસુ દેખાતાં હતાં, પવનનાં હીબકાં સંભળાતાં હતાં, સૂરજ જેવો સૂરજ ક્યાંક આંધળો બનીને અડબડિયાં ખાતો હતો. મેં જોયું તો મારી બાજુમાં કોઈ જ નહોતું, હું પણ નહોતો. ક્યાંક દૂર પેલા શબ્દો: ‘હું તમને શાપ આપું છું: તમે ધુમ્મસ બનીને કણકણ થઈને વિખરાઈ જશો. દુનિયાનો કોઈ સૂરજ, કોઈ ચાંદો તમને આકાર નહિ આપી શકે.’

ક્ષિતિજ: ઓગસ્ટ, 1964