નિરંજન/૨૩. એને કોણ પરણે?

Revision as of 11:19, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૩. એને કોણ પરણે?

બીજો દિવસ થયો. નિરંજન ટ્યૂશનમાં જવા વધુ નિયમિત બન્યો હતો. એ પહોંચ્યો ત્યારે ગજાનન તો હાજર હતો, પણ સરયુ પા કલાક સુધી ન દેખાઈ. આખરે એ આવી, પણ પોતાની રાજીખુશીથી નથી આવી એ ચોખ્ખું દીસતું હતું. દીવાન એને પંપાળતા લાવતા હતા. સરયુના મોં પર આગલા દિવસની માફક જ રોષભરી ચૈત્ર માસની સંધ્યાના જ્વાલામય રંગો હતા. રોજ રોજ એ-ની એ સ્થિતિ ચાલુ હતી. નિરંજન પણ એને વધુ છેડતો નહોતો; સીધેસીધો પાઠ લેતો તેમ જ દેતો. પોતે જેમ સરયુની સામે જોયા વિના જ કામ લેતો, તેમ સરયુ પણ લગભગ નીચું જોઈને જ જવાબો આપતી. એ જવાબોમાં પણ વાદીને કરંડિયેથી જાગતી ભુજંગિનીનો ખિજવાટ હતો. એક દિવસ થાકીને નિરંજને ગજાનનની ગેરહાજરીમાં ઉદ્ગાર કાઢ્યો: ``આમ તો ક્યાં સુધી ચાલે? સરયુની ગરદન ઊંચી થઈ. એણે નિરંજન સામે આંખો ફાડી કહ્યું: ``ન ચાલે તો શા માટે ચલાવવું પડે છે? ``ત્યારે શું કરું? ``બાપુજીને ના કહી દેવી. ``અહીં આવવાની? ``એ તો જેવી મરજી. હું તો કહું છું – મને ભણાવવાની ના. ``હું અહીં આવતો બંધ થાઉં તો તમે વિશેષ પ્રસન્ન થશો? ``થઉંય તે. ``મેં તમારું શું બગાડ્યું છે? ``બધું જ. ``શી રીતે? ``મારા તરફ કંટાળો બતાવવો છે, તો પછી બાપુજીને શા માટે છેતરી રહ્યા છો? `છેતરી રહ્યા છો' એ શબ્દો નિરંજનના કાન પર ખંજરની માફક ખૂત્યા. એણે પહેલી જ વાર પધોર નેત્રે સરયુનો સામનો કર્યો. સરયુ પણ સન્મુખ દૃષ્ટિ રાખીને બેઠી હતી. બંને સામસામાં તાકી રહ્યાં. મટકું મારવાનું ભુલાઈ ગયું. નિરંજન મુદ્દાની વાત ચૂકી જઈને મનમાં મનમાં હોડ કરવા મંડ્યો કે જોઉં તો ખરો, કોની દૃષ્ટિ પહેલી થાકે છે! કોણ વહેલું મટકું મારે છે! આંખોની એ રસાકસી ચાલતી હતી તે દરમિયાન નિરંજને સરયુને ધારી ધારીને નિહાળી. અચાનક એણે શોધ કરી લીધી કે સરયુ સુંદર છે. મુંબઈમાં બાંધેલો મત એક ખોટો વહેમ બની ઊડી ગયો. સરયુના મુખ પર રમતું રૂપ કરુણ અને નિરાધાર લાગ્યું. સરયુની મથરાવટીની લીલી કિનારી એના રાતા ચહેરાની ચોગમ ટંકાઈ જઈને લીલી આંબાડાળ વચ્ચેથી ડોકાતી કોઈ સાખનો આભાસ આપવા લાગી. સરયુની થાકેલી પાંપણોએ નીચા નમીને વિસામો ખાધો. નિરંજનને થયું કે સરયુ હારી. ``કાં સરયુ, કોઈએ બહારથી સાદ પાડ્યો, ``આજે ફરવા ક્યારે નીકળવું છે? ``આજે મારે નથી આવવું, મામા! સરયુએ જવાબ આપ્યો. સરયુના મામાને જોવા નિરંજન ઊંચો થયો. એણે એક ભયંકર આદમી દીઠો. ઉંમર પાંત્રીસ-ચાલીસની માંડ હશે; પણ ચહેરાને ઘડતાં ઘડતાં બ્રહ્માને કોણ જાણે ગૃહક્લેશ થયો હોય, કે પછી વિશ્વની વેઠ કરી કરી કંટાળો આવ્યો હોય, કે પછી માટી જેવી જોઈએ તેવી મુલાયમ ન બની હોય; એથી કરીને ખિજાઈને બ્રહ્માએ આ ચહેરાને મુક્કીઓ મારી મારી છૂંદી નાખેલો હશે. ``તમારા મામા છે? નિરંજનને નવાઈ લાગી. ``મારાં નવી બાના ભાઈ. નિરંજનને યાદ આવ્યું. જેને દેખીને બહેન રેવાને જીવલેણ તાવ ચડ્યો હતો તે જ આ મામા હોવા જોઈએ. એનાથી બોલાઈ ગયું: ``એણે જ મારી બેનને મારી નાખી! ના, એનું વેર – ``મારા ઉપર જ વાળી રહ્યા છો ને? સરયુએ કહી નાખ્યું. ``એમ કે? મને દેખીને તમને તાવ ચડે છે કે? જીવલેણ તાવ ચડે છે કે? હું તમને પિશાચ લાગું છું કે? એમ હશે તો નહીં આવું. મારે એ વેર નથી વાળવું. કહેતો કહેતો નિરંજન ઊઠ્યો. ચાલ્યા જતાં જતાં એણે એક-બે વાર ચમકીને પાછળ જોયું. એને લાગ્યું કે જાણે સરયુ એને મનાવતીમનાવતી ચાલી આવે છે. `ભૂલ થઈ, ભૂલ થઈ' કહે છે. પણ એવું કશું જ નહોતું. બંગલાની બહાર નીકળીને એણે જોયું તો સરયુ હજુ એ જ અભ્યાસખંડની બારીએ આકાશને જોતીજોતી બેઠેલી છે. દીવાનના બંગલાથી એક રસ્તો ગામ તરફ જતો, ને બીજી સડક સ્ટેશન તરફ જતી. આજે નિરંજનને વહેલું ઘેર જવું ગમ્યું નહીં. એ સ્ટેશનના રસ્તા તરફ વળ્યો. તડકો ગાળવા માટે આંબલીવાવ ઉપર જવા મન થયું. ધુમાડાના લિસોટા પાડતી પાડતી આગગાડી દૂર દૂરની ડુંગરખીણમાં ઊતરી ગઈ હતી. અણદીઠ આગગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એ ઘાટી ધૂમ્રરેખા લાંબી ને લાંબી, ક્ષિતિજમાં કોઈ તોરણ બંધાતું હોય તેવી, નીકળતી ગઈ. પોતે પોતાની જાતને દેખાવા દીધા વિના પાવા બજાવ્યે જતી ટ્રેન, નથી સમજાતું કે શું શું જાદુ કરે છે. અણદીઠને સાંભળવામાં એ જ મજા છે. ડુંગરાઓની ગાળીઓમાં કોઈક અવાજ જ જાણે કે ગાતો ગાતો ઘૂમતો હતો, ઘડીક એ અવાજ ઊંડો ઊતરતો, ઘડીક પછી ઊંચે આવતો. નિરંજન મુંબઈની સેંકડો લોકલગાડીઓનો સમાગમ સેવી આવ્યો હતો છતાં ગ્રામપ્રદેશો પર દિવસભરમાં અકેકી વાર જ રમતી, રૂમઝૂમતી ને ગાણાં ગાતી જતી નાનકડી ટ્રેનોની મોહિની એના મનમાંથી નહોતી મટી. નાના બાલક જેવો બનીને એ સડકના ઊંચા કાંઠા પર ચડી ટ્રેનના ધુમાડાની રેખાને શોધતો હતો. ટપ્પાગાડીઓ ગામને માર્ગે કતારબંધ ચાલી જતી હતી. ટપ્પાવાળાઓ ટોકરીને અભાવે ટપ્પાનાં પાટિયાં પર સોટીઓ લગાવી અથવા તો ફરતાં પૈડાંની દાંડીઓ પર લાકડી રાખી માર્ગ કરતા હતા. ઘોડાના ઘૂઘરાના રણકારા છેટેથી મધુર લાગતા હતા. બધા ટપ્પા અને મોટર-ખટારા ચાલ્યા ગયા પછી એ બધાની ધૂળ-ડમરીઓથી વીંટળાઈને છેલ્લો ટપ્પો ડગુમગુ ડગુમગુ ચાલ્યો જતો હતો. ધૂળના ધુમ્મસ વચ્ચેથી હાંકનારના બોલ સંભળાતા હતા: ``હાલ્ય મારા બાપા! હાલો મારા બેટા! હાલો ભાઈ! આજ ચંદી ઓછી પડી'તી, ખરું કે? કાંઈ ફિકર નહીં, તુંયે દીકરા જેવો દીકરો કે નહીં? જેવા દી અમારા, તેવા દી તારા, ખરું બાવળા? ``ઓસમાનકાકા લાગે છે, નિરંજને ઘણે દૂરથી અવાજ ઓળખ્યો. ઘોડા જોડે દિલની વાતો કરનાર આ એક જ ગાડીવાળો હતો. એવામાં એકાએક કડડડ કરતો અવાજ થયો. ટપ્પો ઊંધો વળી ગયો, ઘોડો પડી ગયો, ને ઓસમાનની બૂમ સંભળાઈ: ``હે અલ્લા! ઓસમાન દબાઈ ગયો હતો, ઓસમાન ઉપર ઘોડો હતો. ઘોડાની પીઠ પર ટપ્પાનો બોજો હતો. નિરંજને દોટ દીધી. `દોડો, દોડો, કોઈ દોડો' એવા ચાસકા પાડ્યા, પણ હજુ ચૈત્રની સાંજનો તાપ સળગતો હતો. ધરતી ટાઢી નહોતી પડી. લૂ અંગારની ફૂંકો લગાવતી હતી. આસપાસ કોઈ માણસ નહોતું. નિરંજન નજીક પહોંચે ત્યાં એણે એક કૌતુક દીઠું. ટપ્પામાંથી છલંગ મારીને નીચે ઊતરનાર એક મનુષ્યે ઘોડાના બંધ છોડી નાખી, ટપ્પાને દૂર ધકેલી નાખ્યો ને ઘોડાને બેઉ હાથનું જોર કરી ઊંચક્યો. ઓસમાનડોસાને ઉઠાવીને ટપ્પાની ગાદીઓ પર સુવાડ્યો. ``અરે, ક્યાંય પાણી હશે? એટલું પૂછતાં એણે નિરંજન તરફ જોયું, ત્યારે બેઉના ચહેરા ઉપર અન્યોઅન્ય કૌતુકનો ઉજાસ પથરાઈ ગયો. ``સુનીલા! તમે અહીં? ``પ્રથમ આ લોટામાં પાણી લઈ આવોને? સુનીલાએ પોતાના ખભા પરની બગલથેલીમાંથી એક લોટો કાઢીને આપ્યો. પાણી ભરીને નિરંજન પાછો આવ્યો ત્યારે એણે સુનીલાની અવદશા દેખી. શરીર અને પોશાક માટીમાં રોળાઈ ગયેલ હતાં; મોં ને માથા ઉપર ધૂળનાં ચિતરામણ થઈ ગયાં હતાં. મનમાં મનમાં નિરંજનથી હસી જવાયું. સુનીલાના હોઠ અને નાક વચ્ચે માટીની બરાબર મૂછો ચીતરાઈ ગઈ હતી. સુનીલા શ્વાસભરી હતી. ઓસમાનડોસાના કપાળ પર પાણીનું પોતું કરવા માટે એણે પોતાની સાડી ફાડી હતી. ઓસમાન લોહીલુહાણ હતો. બુઢ્ઢાને હજુ પૂરા હોશ નહોતા વળ્યા. જમાનાનો ખાધેલ ઓસમાન થોડી વારે કળ ઊતરવાથી આંખો ખોલીને બેઠો થયો. ``બેટી! ફિરસ્તા! સુનીલાને શિરે એણે હાથ મૂક્યો. સુનીલાને આ શબ્દોથી શરમ આવી. નિરંજનની હાજરી એને એ વખતે ન ગમી. ``કેમ ઓસમાનકાકા! નિરંજને પૂછ્યું, ``હવે કેમ છે? ``કોણ ભાઈ? આવ્યા છો? ડોસો પ્રસન્ન થયો. બોલ્યો, ``આનું નામ સંસાર. ઓલી –ઓલી – ગજલું – માયલું – કશુંય– છે? હેં? ડોસો હાંફતે સ્વરે છતાં હસતો હસતો કહેતો હતો. ``શું કહે છે એ? સુનીલાએ નિરંજનને આ સમસ્યાયુક્ત વાણીનો નિગૂઢાર્થ પૂછ્યો. નિરંજન પણ હસવું રોકવા માટે મોં ફેરવી ગયો. સડક પર બીજાં લોકો પણ એકઠાં થઈ ગયાં હતાં. ઓસમાને સુનીલા અને નિરંજનનો ટેકો લઈ, ઊઠી, ઘોડાને ફરી ગાડીએ જોડી, ધીરે ધીરે ગાડી ગામ તરફ લીધી. લેતાં લેતાં ઘોડાના પ્રત્યે બોલતો ગયો: ``તુંને ઠોકર લાગી, બેટા? હમણાં કાંઈક ભૂખ્યો રે' છે, ખરું? ફિકર નહીં. હાલો, આજ તો ઘેર જઈને જેટલા દાણા હોય તેટલા તારા પાવરામાં ભરી દઉં; અલારખાની માને ખબર પણ ન પડવા દઉં. સુનીલાની પાસે બીજો કશો સામાન નહોતો. હતી એક બગલથેલી, ને એક લાકડી. ખભે ચડાવીને એ પણ ટપ્પાની પાછળ ચાલી. નિરંજન કશું પૂછ્યા વગર જ બાજુમાં ચાલ્યો. દીવાનબંગલા તરફ ફંટાતો માર્ગ આવી પહોંચ્યો. સુનીલાએ ઓસમાનને કહ્યું: ``ઊભા રહો ડોસા, લો આ ભાડું. ઓસમાને રૂપિયો જોઈને પાછો આપવા માંડ્યો: ``બેટા! બાઈ, પરચૂરણ નથી મારી પાસે. ``નથી જોઈતું કશું પાછું. સુનીલાએ સખાવતનો ખ્યાલ પણ ડોસાને ન આવે તે રીતે પતાવવા માગ્યું. ``એમ કાંઈ હોય, બાપા? ડોસો તાજુબીથી હસતો રહ્યો ને સુનીલાએ દીવાનબંગલા તરફ ચાલતી પકડી. નિરંજન સુનીલાને કોઈપણ પ્રકારના શિષ્ટાચાર કર્યા વગર ચાલી જતી જોઈ રહ્યો. ને ઓસમાન બૂમો પાડવા લાગ્યો: ``ઓ બેન! ઓ બેટી! મારે આ ન જોવે. પાછું લેતી જા. ``એ ભાઈને આપી દેજો! એવું કંઈક દૂરથી કહેતી સુનીલા લાકડી ને બગલથેલી સહિત વેગે ચડી. ઓસમાને નિરંજનને પૂછ્યું: ``હેં ભાઈ, કોણ છે એ, અનોધા બળવાળી બાઈ! કોઈક જોગણ લાગે છે, જોગણ. તમે ઓળખો છો? ``હા કાકા. સહેજસાજ. ``દીવાનબંગલાને રસ્તે કેમ ગઈ? ``દીવાનસાહેબનાં જ મે'માન હશે. ``માર્યા ત્યારે તો! ઓસમાનને ડર લાગ્યો. ``કાં? ``મારું લાઇસન ખેંચાઈ જાશે. ``હું નહીં ખેંચાવા દઉં, કાકા! ચાલો ઘેર. ``પણ હેં ભાઈ! આવી જોધાર બાઈ? શે'રનું બૈરું આવું બળૂકું? શો એનો સીનો! શો રુઆબ! શી દયા! આવી જવાંમર્દ બાઈયું વરતી-પરણતી તો નહીં જ હોયને? હેં ભાઈ? ને કયા મરદની મગદૂર છે, કે આવીને પરણે? પરણે તો તો પુરુષને ચપટીમાં ચોળી નાખે કે બીજું કંઈ થાય? તાકાત છે પુરુષની, કે આવી ઓરતનું ધણીપણું કરી શકે? તાકાત છે કાંઈ? એવું બોલતો ઓસમાન ચાલ્યો ગયો. નિરંજનને એણે નવો ગુરુમંત્ર આપ્યો. પણ એ કેમ આવી? ઓચિંતી કાં આવી? ખબર નહીં કર્યા હોય? કાલે જાણી શકાશે બધું. `મારે વિશે દીવાનસાહેબને કશી ઘસાતી વાત કહી દેવા તો નહીં આવી હોય?' – એ વિચારે નિરંજનની રાતની ક્ષુધાને ઓલવી નાખી. માનો ઘણો આગ્રહ છતાં એણે બહુ ખાધું નહીં. પિતાએ બે-ત્રણ વાર માને પૂછ્યું: ``આજ ભાઈ ભૂખ્યો કેમ ઊઠ્યો? ``કોને ખબર? મારું રાંધણ ભાવતું નથી એમ તો નહીં હોય? ``અરે, શી વાત કરો છો તમે? શ્રીપતરામ ડોસા પત્નીની પાકકળા ઉપર તો મુગ્ધ અને મગરૂબ હતા, ``તમારી રસોઈ તો માણસો કાંડાં કરડી કરડીને ખાતાં, ભૂલી ગયાં? ``એ જુવાનીના દહાડા તો ગયા. ``પુત્રનીય જુવાની છે, સમજ્યાંને? હજાર વિચારો ઘોળાતા હોય! આખી રાત પિતાએ જોયું કે નિરંજન હંમેશની નિરાંતે ઊંઘતો નથી. પ્રભાતની રાહ જોતાંજોતાં નિરંજને તોબાહ પોકાર્યું, ત્યારે માંડ માંડ ગાડી આવી પહોંચી.