નિરંજન/૬. દીવાનસાહેબ

Revision as of 10:17, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૬. દીવાનસાહેબ

બારણું ઊઘડ્યું. ફરી વાર નિરંજન ચમક્યો: ત્યાં પણ એણે સુનીલાને બેઠેલી જોઈ! વિભ્રમ તો નથી થયો ને? મેવાડના રાણાને ઠેર ઠેર મીરાં દેખાઈ હતી એ ખરું હશે? એ બધું સપાટામાં બની ગયું. સુનીલા ખુરશી પર બેઠી બેઠી એક ભાંગેલી છત્રીના સળિયા સીવતી હતી. તેણે ઊંચે જોઈ કહ્યું: ``કશો જ ખુલાસો કરવા આવવાની જરૂર નહોતી. નિરંજને જવાબ દેવાની ઝડપ કરી; પણ ઉતાવળો બે વાર પાછો ફરે છે. ઝડપ કરવા ન ટેવાયેલી જીભે લોચા વાળ્યા: ``ખુલાસો? – ના–પણ–મારું–મારે તો દેવકીગઢના દીવાનસાહેબનું કામ હતું. હું ઘર ભૂલ્યો છું, ક્ષમા કરશો! ``ઓહો! એમ છે? રહો, રહો, ત્યારે તો તમે ઘર ભૂલ્યા નથી. તમે શોધો છો તે અહીં જ છે. આવાં વાક્યો સાંભળવા નિરંજન ટેવાયો નહોતો. એનું ભેજું સાહિત્યથી ભરેલું હતું. કયા કાવ્યમાં કે નાટકમાં આ માર્મિક પંક્તિઓ આવે છે? – યાદ કરવા લાગ્યો. સુનીલાએ ઊઠીને કહ્યું: ``અહીં બેસો. હું દીવાનસાહેબને ખબર અપાવું છું. પોતે જે રવેશમાં બેઠો, તેની અડોઅડ પહેલી જ એક નાની ઓરડી હતી. નિરંજનની નજર એ ઓરડીમાં રમવા ચાલી. એક લાકડાની પાટ ઉપર શ્વેત-જાંબલી પટાવાળી શેતરંજી બિછાવી હતી. એક ઓશીકું હતું. નિરંજન નજીક ગયો હોત તો જોઈ શકત કે તે ઓશીકા પર અક્ષરો પાડીને ગૂંથણી કરેલી હતી. શબ્દ-ગૂંથણ ગુજરાતી વાક્યનું હતું. વાક્ય વિચિત્ર હતું: `નથી જોતાં સ્વપ્નો.' શિખરિણી વૃત્તનું પ્રથમ ચરણ! પણ ત્યાં સુધી નિરંજનની આંખો ન પહોંચી શકી. ઓરડીમાં એક જ છબી હતી. નાના કબાટમાં ચોપડીઓ હતી. બત્તીનો કાચ-ગોળો ઘેરા આસમાની રંગનો હતો. ખીંટિયાળા પર સ્ત્રીનાં બે જોડ કપડાં વ્યવસ્થિત મૂકેલાં ઝૂલતાં હતાં. ખૂણામાં નાની માટલી હતી. એના બુઝારા (ઢાંકણ) પર એક પ્યાલો ચકચકતો હતો. એટલું જોયું ત્યાં તો સુનીલા પાછી આવી. એણે નિરંજનને અંદર જવા કહ્યું. નિરંજન ઊઠ્યો એટલે વધુ કશું જ બોલ્યા વગર એ પાછી પોતાને સ્થાને બેસીને છત્રીના સળિયા ટાંકવા લાગી ગઈ. એક વાર એની કૌતુકે લોભાયેલી દૃષ્ટિ નિરંજન ગયો તેની પછવાડે પછવાડે દોડી; પણ બીજી જ પળે એનું ધ્યાન પોતાના કામમાં પરોવાયું. દાદર પરના રણસંગ્રામની નવી ખુમારી નિરંજનના હૃદયમાં જાગ્રત હતી. એણે બે હાથ જોડવાને બદલે દીવાનસાહેબની સામે એક જ હાથે નમન કર્યું; ને ``આવો મિસ્તર, બેસો, બેસો, એટલો વિવેક પૂરો થતાં પહેલાં તો એણે શાંતિથી એક ખુરશી રોકી લીધી. દીવાનને વીંટળાઈને બીજા ચાર-પાંચ મહેમાનો બેઠા હતા. દીવાનસાહેબની ઉંમર અડતાળીસ વર્ષથી વધુ નહીં હોય. શરીર લઠ્ઠ તો નહીં પણ ભરાવદાર: પેટ સહેજ બહારપડતું: આંખોનો તરવરાટ ચશ્માંની આરપાર દેખાય: બોડેલી મૂછો: પાયજામો ને કુડતું પહેર્યાં હતાં. નિરંજન બેઠો ત્યારે દીવાનસાહેબે વાક્ય ઉચ્ચાર્યું: ``લીગ ઓફ નેશન્સનું તો ભારી બખડજંતર થઈ ગયું, કેમ નહીં? પાસે બેઠેલા એક ગૃહસ્થ પાસે છાપું હતું. તેણે તરત જવાબ દીધો: ``ખરું કહ્યું આપે. આ જુઓને, અમારા પેપરની સાંજની આવૃત્તિમાં ચોખ્ખો તાર છે ને! એમ કહેતાં એણે પેપર ઉપાડ્યું. બાજુમાં બેઠેલ બીજાએ કહ્યું: ``એ તાર પછી સવાર સુધી બીજો કોઈ તાર ન આવે ત્યારે જ માની શકાય કે તમારો તાર સાચો. ``પણ અમારા જિનીવા ખાતેના ખાસ પ્રતિનિધિ તરફથી – ``ખાસ પ્રતિનિધિને નામે જ તમારાં છાપાંઓ છબરડા વાળે છે. એ જવાબથી પેલા છાપાવાળા સજ્જને મોંના છીત-છીત-કાર કરી, ચહેરો બગાડીને કહ્યું: ``આ તો તમે જ છબરડો વાળ્યો, સાહેબ! ત્રણ મિનિટ સુધી એ બગડેલો ચહેરો સરખો ન થયો. દીવાનસાહેબ હસ્યા ને બોલ્યા: ``હા સાળું, તમારું છાપાવાળાનું કંઈક એવું બખડજંતર તો ખરું જ, હો ભાઈ! નિરંજનને દીવાનસાહેબનો આ પ્રિય શબ્દ `બખડજંતર' બહુ ગમી ગયો. એના હોઠ બખડજંતર શબ્દને હર પ્રયોગે મરક મરક થવા લાગ્યા. એમ પ્રજાસંઘનું ભાવી, રૂઝવેલ્ટની નિષ્ફળતા, શંકરાચાર્યનો અદ્વૈતવાદ અને રૂ-અળશી વગેરેનાં બજાર આદિની આડીઅવળી ગુફતેગો કરીને મુંબઈના સદ્ગૃહસ્થો વિદાય થયા. ઓરડામાં દીવાનસાહેબ અને નિરંજન બે જણ રહ્યા. ``તમે જ શ્રીપતરામ માસ્તરના દીકરા? દીવાનસાહેબે પૂછ્યું. ``જી હા. ``તમે નાના હતા તે જ ને? ``હું મારા પિતાનો એક જ પુત્ર છું. દીવાનસાહેબને ખાતરી થઈ કે પોતાને એક દિવસ `યોર ઓનર' કહી સંબોધનારો જે સુશીલ બાળક, તેની જ આ યુવાન આવૃત્તિ છે. રાજપુરુષો જૂની વાતો નથી ભૂલતા; જૂની વાતોના ડંખો નથી જ ભૂલતા. દીવાનસાહેબે ચીપી ચીપીને કહ્યું: ``તમારામાં તો જબરો ફેરફાર થઈ ગયો! નિરંજન આ ટકોરનો મર્મ સમજી ગયો. એણે જવાબ આપ્યો: ``કુદરતનો જ નિયમ છે. દીવાનસાહેબને `જી' કે `સાહેબ' વગરનાં આવાં બાંડાં વાક્યો સાંભળવાની ટેવ નહોતી. એમને કશીક તોછડાઈ લાગી. એમણે મુકાબલો કરવા માંડ્યો: ``હમણાં જ એક ભાઈ આવી ગયા. તમારી કૉલેજના જ હતાને? પેલા તમારી ક્લબના સેક્રેટરી છે તે. સરસ છોકરો છે. વિવેક સાચવી જાણે છે. બહુ તંગીમાં અભ્યાસ ખેંચે છે બાપડો. આપણા રાજની રૈયત તો નથી, પણ એનું મોસાળ આપણા એક ગામડામાં છે. દરબારશ્રી તરફથી એને અમે મોટી મદદ આપી છે. છોકરો તેજસ્વી ને ચારિત્ર્યવાન લાગ્યો. બ્રિજ, ટેનિસ, ક્રિકેટ વગેરે રમતો પણ રમી જાણે છે. વિનય તો ચૂકતો જ નથી. નિરંજન ફક્ત ફાટી આંખે તાકી રહ્યો. હવે એને સમજ પડી કે સેક્રેટરીને આજે ગરીબીનાં પરિધાન ધારણ કરવાનું શું પ્રયોજન પડ્યું હતું. ``દરબારશ્રી આંહીં આવે છે ત્યારે તમે સલામે જાઓ છો કે નહીં? ``કદી ગયો નથી. ``કેમ ગયા નથી? ``ક્યારે આવે, ક્યારે જાય, તેની ખબર વગર શી રીતે જવું? ``ખબર તો રાખવી જ જોઈએ ને? તમારે ચોપડીઓના કીડા થઈ પડ્યા રહેવું કંઈ પોસાશે? વ્યવહારજ્ઞાન પણ કેળવવું જોઈએ. પેલા ભાઈનું દૃષ્ટાંત નજર આગળ રાખવું જોઈએ. નિરંજન ન સહી શક્યો. નાનું બાળક આંખો મીંચીને એક ઘૂંટડે કડવી દવા ગટગટાવી જાય તેવો જ એક પ્રયત્ન કરીને એણે કહી નાખ્યું: ``હું કોઈ બીજાનાં દૃષ્ટાંતો નજરમાં લેવા નથી માગતો, સાહેબ! મારા જીવનને હું મારી પોતાની રીતે ઘડું છું. ``એ જ બખડજંતર છેને તમારું આજના જુવાનોનું. કહીને સમયવર્તી રાજપુરુષ સહેજ હસ્યા. ને નિરંજનનો અગ્નિ પણ `બખડજંતર' શબ્દના શીતળ છંટકાવથી ઠંડો પડ્યો. ``અરે, સુનીલાબહેન! દીવાનસાહેબે સાદ કર્યો. સુનીલા એ ખંડમાં આવી ઊભી. ફરી એક વાર નિરંજનને ગાલે શેરડા પડ્યા. સુનીલાએ કશી વિકલતા ન બતાવી. ``સરયુબેન ક્યાં ગઈ? બોલાવોને! આવોને બેઉ અહીં. આ મિસ્તર આપણી રૈયત છે. કશો સંકોચ નથી. સરયુને આ શહેરમાં કયાં કયાં સ્થાનો દેખાડવા લઈ જવી તે નક્કી કરીએ. આ મિસ્તર પણ આપણને મદદ કરશે. કેમ ખરુંને, મિસ્તર બખડ... બાકીનો ટુકડો `જંતર' દીવાનસાહેબના ગળામાં જ ચોંટી રહ્યો. કેમ કે નિરંજનના મોં ઉપર એ મજાક માટેનું સ્વાગત ન દેખાયું. ``ખુશીથી. નિરંજન કશાક વિચારતરંગોમાં ઝૂલતોઝૂલતો, પૂરું સમજ્યા વગર જ, હા પાડી બેઠો. ``અને સુનીલાબહેન! દીવાનસાહેબ ઊઠીને અંદરના બારણા સુધી ગયા; સુનીલાને કાનમાં સૂચના કરી: ``સરયુને જરા વાળ-બાળ ઓળાવીને લાવજો. નિરંજન દીવાનસાહેબની આ રસિકતા વિશે અજ્ઞાત જ રહી ગયો. એણે તો દૂરથી આ સૂચનાની છાયા સુનીલાના મોં પરના આછા મલકાટમાં નિહાળી. ``આ સુનીલાબહેન, દીવાન નિરંજનને ઓળખાણ આપવા લાગ્યા, ``મારા એક સ્વર્ગસ્થ મિત્રની દીકરી છે. એ પણ કૉલેજમાં ભણે છે. બ્રિલિયંટ કેરિયર (ભણવામાં તેજ) છે. ``હું જાણું છું. નિરંજનને સુનીલાના `બ્રિલિયંટ' તમાચા ખાધે હજુ બે જ દિવસો વીત્યા હતા. એટલે એ તમાચાની લાલી હજુ તાજી હતી. ``એના બાપ અને હું બેઉ લંગોટિયા મિત્રો. કૉલેજમાં પણ અમે અહીં સાથે જ હતા. એ એમ. એ. પાસ કરી પ્રોફેસર થયા, ને મેં `લો' લઈ દેવકીગઢની ન્યાયાધીશી સ્વીકારી. સુનીલા એક પ્રોફેસરની પુત્રી છે એ વાતની જાણ થયા પછી નિરંજનના હૃદયમાં છૂપા એક આનંદનો ઝરો ફૂટ્યો. ને દીવાનસાહેબે કૉલેજનું છેક એલએલ.બી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે વાતમાં જરીકે નવાઈ પામવા જેવું ન હોવા છતાં, તે વાત તો રોજિંદા બનાવ જેવી હોવા છતાં, કોણ જાણે કેમ પણ નિરંજનને વિસ્મય થયું. વિદ્યાપીઠ-વિદ્યાનું ધાવણ ધાવેલો માનવી એક નાના-શા દેશી રજવાડાના રાજપ્રપંચમાં પડી શકે ખરો? ત્રાસ ન પોકારી ઊઠે? એની કલ્પનામૂર્તિઓનો ને ભાવનામૂર્તિઓનો છૂંદો ન બોલી જાય? કેટલી મોટી ભૂલ! વળતી જ ક્ષણે એને ભાન થયું: પેલો સેક્રેટરી જ શું કોઈ માતબર રજવાડાના ભાવી કારભારીની તાલીમ નથી લઈ રહ્યો? એકાદ લાખ પ્રજાજનોના કિસ્મતની આવતી કાલ શું આ જુવાન સેક્રેટરીનાં જરેલાં કપડાંમાં નથી ડોકાઈ રહી? જરેલાં કપડાં: જૂનો ડગલો: ડગલાનો કોલર: ને કોલરથી ગરદન કેટલી નજીક! – વીજળીના સપાટાને વેગે એક હિંસક વિચાર એના મગજની આરપાર નીકળી ગયો. દીવાન ખીલ્યા: ``મારે માટે એક `સેન્ટિમેન્ટ' થઈ પડ્યો છે હો મિસ્તર, કે મુંબઈ આવું છું ત્યારે હું અહીં જ ઊતરું છું. હોટેલોમાં કે લોજોમાં અથવા કોઈક મોટા મહેલવાસીને ત્યાં ક્યાં વળી બખડજંતર કરવા જાઉં? અહીં ઊતરવાથી તો સુનીલાબહેનની અને એમનાં બાની સંભાળ પણ લેવાય; ને મને સાદાઈ ગમે છે તેથી પણ અહીં રહેવામાં જેટલું ઘર જેવું લાગે તેટલું બીજે ન જ લાગે. નિરંજનને હવે પૂરી સમજણ પડી કે આ તો આખું ઘર જ સુનીલાનું છે. એટલે પછી એ વધુ કાળજી ને કુતૂહલથી મકાનની દીવાલો, ખૂણા, અભરાઈ, કબાટ અને ઘરનાં ઝીણાંમોટાં રાચરચીલાનું નિરીક્ષણ કરવામાં ડૂબ્યો.