પરિભ્રમણ ખંડ 2/ભાઈબીજ

From Ekatra Wiki
Revision as of 13:07, 20 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભાઈબીજ


ભાઈબીજ એટલે કારતક મહિનાની અજવાળી બીજ.

તે દા’ડે ભાઈ બેનને ઘેર જમવા જાય. સગી બેન ન હોય તો કાકા, મામા કે માસીની દીકરી બેનને ઘેર જમે. તેય ન હોય તો પાડોશીની દીકરીને બેન માની લ્યે. ને તે પણ ન મળે તો ગાયને કે નદીને બેન કરે. એય ન હોય તો વનરાઈને બેન કરે. ભાઈબીજને દા’ડે જમનાજીએ પોતાના ભાઈ જમને જમવા તેડ્યા’તા. ભાઈબેને એકબીજાની પૂજા કરી’તી. જમી કરીને જમરાજે કહ્યું’તું કે હે બેન જમના! હું તને શી ભેટ આપું? ત્યારે જમનાજીએ માગ્યું’તું કે હે ભાઈ, હું તારી નાની બેન, આટલું જ માગું છું કે આજનો દિન ભાઈબીજનો દિન કે’વાજો અને આ દા’ડે મારાં નીરમાં નહાનાર માનવીને તારું તેડું ન થજો! અને હે ભાઈ આજ તું મારે ઘેર આવીને જમ્યો, તેમ રાજના બધા કેદીઓને પણ રાજાઓ ભાઈબીજને દા’ડે પોતપોતાની બેનને ઘેર જમવા જવા દેજો! જમરાજાએ તો બેનને ભાઈબીજનું આ વરદાન દીધું છે; ને ત્યારથી ભાઈબીજનું વ્રત ચાલેલું છે.