પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૧

From Ekatra Wiki
Revision as of 04:38, 25 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનું ભાષણ
૨૧મું અધિવેશનઃ કલકત્તા

इदं कविभ्यः पूर्वेम्यो नमोवाकं प्रशास्महे । विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।। અર્વાચીન યુગના કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દીને અવસરે ને તેમના પ્રિય વ્યાવહારિક કાર્યક્ષેત્રની સન્નિધિમાં ભારતના પશ્ચિમ છેડાથી ભાષા બોલનારા પૂર્વાન્તમાં સાહિત્યસંમેલન ભરે ત્યારે મારું પ્રથમ કર્તવ્ય ભારતના એ કવિ કુલાવતંસ અને ગુરુનું ભક્તિ, આદર ને પ્રેમથી સ્મરણ કરવાનું છે. ગુજરાતના અમારા કવિ ઉમાશંકરે તેમને સમુચિત અંજલિ આપી છે.

“ઉષા અમૃતકુંભ મસ્તક ધરી પધારી અહીં,
અહીં છલકી નવ્ય ભારતની કાવ્ય-ગંગોત્તરી.”

“અમારી કઈ વેદના સુખ ક્યાં ન સ્પર્શ્યાં-રસ્યાં
સુરોથી સુષમાથી તેં, કવિ?”

“કવન્દ્ર, તવ શ્રેષ્ઠ કાવ્યકૃતિ તારું ઉત્-જીવન”

“નવીન યુગ વિશ્વમાનવ તણો ઊગ્યો; નાન્દી તેં
અલાપી; અવ મુક્તિકંઠ અવિશંક ગુંજી રહો.”

માનવહૃદયની એકતા માનવહૃદયના દર્શનથી સાધી શકાય છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિએ વિવિધ પરિસ્થિતિઓમાં ધબકતા માનવહૃદયને અને તેને શ્રેય તરફ પ્રેરનાર લોકોત્તર ભાવનાને નિરૂપી કૃત્રિમ રાજકીય દીવાલો તોડી સાંસ્કૃતિક એકતા સ્થાપી છે, અને એવું જ મહાન કાર્ય ટાગોરે આપણા યુગમાં કર્યું છે. એટલું જ નહિ, તેઓ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન વચ્ચે, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે, સંસ્કૃતિ સંસ્કૃતિ વચ્ચે સેતુરૂપ નીવડ્યા છે, એ આપણું સદ્‌ભાગ્ય છે. દેશના પુનરુત્થાનનું, નવીન પ્રબોધનું કાર્ય આ ભૂમિમાં શરૂ થયું, દેશને ખૂણે ખૂણે એ કાર્યની પ્રેરણા ગઈ, વિદેશમાં ભારતનું નામ ઊજળું થયું, અર્વાચીન યુગમાં પ્રથમ તો આ પ્રદેશના પુત્રો દ્વારા. રામમોહનરાય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદનું સ્મરણ આપણને પવિત્ર કરનારું છે. અને એ જ રીતે આ જ ભૂમિના પુત્ર, પરમ યોગી, કવિ ને દ્રષ્ટા શ્રીઅરવિંદનું સ્મરણ આપણા માર્ગને અજવાળશે. શ્રી અરવિંદનો ગુજરાત સાથે સંબંધ, મહાત્મા ગાંધી અને ટાગોરની પરમ સાત્ત્વિક મૈત્રી, અને તે પહેલાં સત્યેન્દ્રનાથ ટાગોર અને કવિ નરસિંહરાવની મૈત્રી આ પ્રસંગે સંભારવા જેવી છે. બંગાળી પાંડિત્ય, બંગાળી સાહિત્ય અને બંગાળી કળાએ, બંગાળી દેશભક્તિ જેમ, ગુજરાતી માનસ અને સાંસ્કૃતિક સર્જન ઉપર ઊંડી અસર કરી છે. મહાત્મા ગાંધીની સર્વદેશીય પ્રવૃત્તિથી જેમ ગુજરાત ભારતમાં ઓતપ્રોત થઈ ગયું તેમ બંગાળી વીરો, ફિલસૂફો, સાહિત્યકારો ને કલાકારોથી બંગાળ ભારતમાં ઓતપ્રોત થઈ ગયું છે. ખરી વાત તો એ છે કે ભારતમાં બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કાશ્મીર ને પંજાબ, મથુરા ને મદુરા, હિમાલય ને કન્યાકુમારી સર્વત્ર પ્રસરેલાં છે, અને એ હકીકત આપણી મોટામાં મોટી આશા છે, ચંચળ સંઘર્ષોની યાતનામાં અચળ સમાધાન છે. આવા પ્રસંગને આજની રાજકીય અજંપાની ઘડીએ જુદી રીતે પણ જોવાની જરૂર છે. અહીં કલકત્તામાં સંમેલન ભરાય છે એ ભાવત્મક એકતા સાધવાના સાધન તરીકે નથી ભરાતી, ભાવાત્મક એકતા છે જ ને તેના આવિર્ભાવ તરીકે યોજાય છે. એ એકતા પુષ્ટ થાય એવું તેનું પરિણામ ખરું. દેશના હિતચિંતકો આપણી અહમહમિકા અને પ્રાદેશિક સ્પર્ધાઓ વિશે ચિંતા સેવે છે તે સકારણ છે. છતાં આપણે સમજીએ છીએ અને સમજવું જોઈએ કે એવી સ્પર્ધાઓ નૈમિત્તિક છે, અને ગ્રામ સુધી પહોંચતા લોકશાસનના, વ્યક્તિમાત્રની મહત્તાના સાર્વત્રિક ને બંધારણીય સ્વીકારનું આનુષંગિક પરિણામ છે. આને અંગે ચિંતા સેવતાં, ઓછી મહત્ત્વની બાબતો ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને પ્રધાન વસ્તુને ગૌણ કરી દેવાય છે. આપણે કઈ ભાષામાં બોલીએ છીએ કે કઈ લિપિમાં લખીએ છીએ તે કરતાં શું બોલીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ તે મહત્ત્વનું છે. સરખા આકારની શીશીઓ ઉપર સરખાં લેબલ લગાડવાથી ઔષધની એકતાનો વિશ્વાસ કેવળ અબુધને જ થાય. દેશમાં સ્ત્રીપુરુષો એક જ પ્રકારનો પહેરવેશ રાખે તેથી એકતા સધાશે એવો ખ્યાલ બાલિશ છે. યુરોપ-અમેરિકામાં એવું ઘણું છે, પણ તેથી ત્યાંની સ્પર્ધા ને યુયુત્સા ઓછી નથી થઈ. સિંધીમાં લિપિની એકતા (બાહ્ય બળોથી લદાયેલી) હતી છતાં ત્યાં હિન્દુ-મુસ્લિમનો મનનો મેળ તૂટી ગયો. આપણી રાજકીય ચળવળોનું ભાષાવાહન અંગ્રેજી હતું, પણ એ વાહન દ્વારાય પરસ્પર વિરુદ્ધ માગણીઓ થતી હતી. આજે પણ રાજપુરુષો બહુધા અંગ્રેજી વાપરે છે અને તેમની પ્રાદેશિક કે કોમી વૃત્તિઓના આવિષ્કારમાં એ જરાકે નડતરરૂપ નથી! વાહનનું અલબત્ત મૂલ્ય છે; પણ વાહન શું વહે છે તેનું મૂલ્ય વધારે છે, એ જ મારા કથનનું સાદું તાત્પર્ય છે. અંગ્રેજીએ આપણી એકતા પ્રગટ કરવામાં સહાયતા કરી, તેને પોષી, તેનાં મુખ્ય કારણ તો આ કે અંગ્રેજી સાહિત્યમાં આપણી સનાતન ભાવનાઓને પોષે એવું સૌંદર્ય, એવો વૈભવ આપણને મળ્યાં; મુખ્યત્વે અંગ્રેજીમાં પશ્ચિમે ભારતને ઓળખ્યો ને એ દ્વારા આપણે તેને પુનઃ ઓળખતા થયા. અંગ્રેજી અને સંસ્કૃતના અર્વાચીન ભારતમાં સાથોસાથ અધ્યયનનું, ઊજમપૂર્વક અધ્યયનનું આ જ રહસ્ય છે. બંને ભાષા દ્વારા આપણે આપણી જાતને જોઈ. અને એ જ વસ્તુ આપણી કોઈ પણ સાંસ્કૃતિક યોજનામાં માર્ગદર્શક થવી જોઈએ. એમર્સન વાંચવાથી આપણે અમેરિકાની વધારે સમીપ જઈએ છીએ. ને વર્ડ્ઝવર્થ, શેલી ને બર્ક વાંચી આપણે ઇંગ્લંડની વધુ નજીક ગયા છીએ. બંગાળી ભણવાથી હું બંગાળની નજીક ઓછો આવું છું; ટાગોરના અનુશીલનથી હું બંગાળની નજીક આવું છું પછી ભલે એ અનુશીલન મેં અંગ્રેજી પુસ્તકો દ્વારા કર્યું હોય. સાધન અને વાહનનું ઓછું મૂલ્ય નથી, પણ તેનું અનુચિત મૂલ્ય ન કરવું ઘટે. આ દૃષ્ટિએ એક પ્રમાણમાં નાની, પણ મોટી બનાવેલ વાત પર પ્રથમ આવું. આપણી ભાષાની વિવિધ લિપિઓ ધીમે ધીમે અમુક બળોને પરિણામે વિકસી છે; તેમાંની ઘણી લિપિઓનું આગવું વ્યક્તિત્વ છે. કેટલીક કાર્યક્ષમ હોવા ઉપરાંત મરોડદાર અને રૂપાળી છે. એમાં ઘણું હાથપ્રતોનું સાહિત્ય સચવાયું છે ને ઘણું અર્વાચીન સમયમાં છપાયું છે. તેની સાથે વિવિધ ભાષા બોલનારાઓની લાગણી જડાઈ ગઈ છે. તેથી એક લિપિનો આગ્રહ રાખનારાઓને વિનંતિ કે દેશની એક લિપિ દેશની વિવિધ લિપિઓને ભૂંસી નાખવાના પ્રયત્ન ન કરે. વળી દેવનાગરીને રાષ્ટ્રલિપિ લેખે સ્થાપવાની હોય તો એમાં દેશનાં વિવિધ ઉચ્ચારણોની યોગ્ય સંજ્ઞાઓ ઉમેરાવી જોઈએ ને તેની શિરોરેખા, જે તદ્દન બિનજરૂરી છે તેનો ત્યાગ કરવો જોઈએ. પ્રાદેશિક દેવનાગરી ભલે એક સ્વરૂપની રહે, પણ રાષ્ટ્રીય દેવનાગરી કાર્યક્ષમ, કરકસરવાળી, બને તેટલી ઉચ્ચારપ્રતિબિંબક ને મરોડદાર હોવી જોઈએ. બાકી, વિવિધ લિપિઓ ભૂંસી નાખવાનું લોકલાગણી જોતાં શક્ય નથી, તો તેનો વધુ પડતો આગ્રહ શા માટે રાખવો? આ દેશનો નાગરિક, સારું ભણેલો નાગરિક દેશની બે-ત્રણ લિપિઓ જાણે, પ્રાદેશિક ઉપરાંત દેવનાગરી ને એકાદ બીજી, તો એમાં બહુ મોટી માગણી નથી. ઉર્દૂ લિપિ તથા એકાદ દ્રવિડ લિપિ આપણો સ્નાતક કે વિદ્વાન જાણે તો લાભ છે. અને એ કંઈ અઘરી વાત નથી. આપણી કેળવણીપદ્ધતિમાં ને વ્યવહારમાં મબલક મિથ્યાચાર છે તે ઓછો કરી આ શિક્ષણનો સમાસ કરી શકીએ. સાર્વત્રિક એકરૂપતા લાવવાની ધગશ એ યંત્રવાદી યુગનો એક રોગ છે. સગવડ જોવી એ અર્થદૃષ્ટિ છે; તત્ત્વદૃષ્ટિ કે સત્ત્વદૃષ્ટિ એ સંપત્તિદૃષ્ટિ છે. સગવડની દૃષ્ટિએ સંપત્તિદૃષ્ટિને અનુકૂળ થવાનું છે; સંપત્તિ દૃષ્ટિએ તેને નિયમમાં રાખવાની છે. દેશની વિવિધ ભાષાઓના અભ્યાસમાં પણ આ સંપત્તિદૃષ્ટિને વિશેષ મહત્ત્વ ઘટે. હિન્દી આપણે જરૂર ભણીએ. સારી રીતે ભણીએ, રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી તેને અભ્યાસક્રમમાં ફરજિયાત રાખીએ, પણ હિન્દી શીખવામાં અગત્યની વાત એ છે કે એ દ્વારા આપણે સૂરદાસ, તુલસી કે પ્રેમચંદ પાસે જઈએ છીએ. એ જ ન્યાયે ભારતીય શિક્ષિત નાગરિક, મરાઠી, બંગાળી, તામિલ યા ઉર્દૂ શીખે. તે તે પ્રદેશમાં વ્યવહારની સગવડ માટે શીખે એ ઠીક છે, પણ તે તે ભાષાસાહિત્યમાંની સંપદા માટે શીખે એ વધુ આવશ્યક છે. ભાવાત્મક એકતાની દૃષ્ટિએ તુલસી રામાયણ ને તામિલ રામાયણ સરખાં મૂલ્યવાન છે. અંગ્રેજી તરફ પણ મારી આ દૃષ્ટિ છે. ઉદ્યોગવિદ્યા, યંત્રવિદ્યા ને વિજ્ઞાન માટે એ અતિ ઉપયોગી સાધન છે. ખરી વાત છે; પણ એ ગૌણ વસ્તુ છે. એના સાહિત્યમાં અસાધારણ સૌંદર્ય છે. માનવહૃદયનું હૃદયંગમ નિરૂપણ છે, મનુષ્યની ઉદાત્ત લાગણીઓ ને ઉદાર ભાવનાઓ છે એ પ્રધાન વસ્તુ છે. એનો શેક્સપિયર, એમાં અવતરેલું બાઇબલ, એના વર્ડ્ઝવર્થ શેલી, કીટ્સ, એના ડિકન્સ ને હાર્ડી, એના બર્ક, કાર્લાઇલ ને રસ્કિન જગમાનવની મહાન સંપદા છે. તેના પરિશીલનથી આપણી દૃષ્ટિનાં ક્ષિતિજો વિસ્તર્યાં છે. આપણી જીવનભાવનાઓ દૃઢ થઈ છે, આપણા હૃદયદોષોનું કંઈક નિવારણ થયું છે. પશ્ચિમના અર્વાચીન સાહિત્યમાં ઇંગ્લંડનું સાહિત્ય શિરમૉડને સ્થાને છે; અને ઐતિહાસિક સંયોગથી આપણને તેનો પરિચય થયો, આપણે લાભ્યા, તો તે પરિચય ચાલુ રહે એ ઇષ્ટ છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે અંગ્રેજી કોઈ કાળે પ્રતિભાસર્જનનું આપણું વાહન બને. એ ઇષ્ટ નથી; વ્યાપક રૂપમાં શક્ય નથી. સાહિત્ય પરંપરાવાળી કેળવાયેલી આપણી માતૃભાષાઓમાં જ આપણો હૃદયરસ ને કલ્પનાવિલાસ સામાન્ય રીતે ને સહજતાથી ઊતરવાનો. પણ એ હૃદયને પ્રેરણા આપવાનું સામર્થ્ય અંગ્રેજી સાહિત્યમાં છે એનો ઇનકાર ન ઘટે. વળી ઐતિહાસિક બળોને પરિણામે ભારતની કેટલીય વિચારસમૃદ્ધિ અંગ્રેજીમાં આપણને સુપ્રાપ્ય છે. રામ મોહનરાય, વિવેકાનંદ, સરોજિની નાયડુ, શ્રીનિવાસ શાસ્ત્રી, ટાગોર, શ્રીઅરવિંદ, ગાંધીજી, રાધાકૃષ્ણન, નહેરુ, રાજાજી વગેરે અનેક વિચારકો, સાહિત્યકારો અને દેશભક્તોએ માતૃભાષા જેમ અંગ્રેજીને વાપરી છે, એટલું જ નહિ, અંગ્રેજી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમણે એ ભાષાનું પરદેશીપણું ઓગાળી નાખ્યું છે એમ કહીએ તો ચાલે. અંગ્રેજીની અતિભક્તિ અને અંગ્રેજીનો અનાદર બંને અંતિમ કોટિઓ ત્યાજ્ય છે, એ આ સાહિત્યકારોના સંમેલનને કહેવાની ભાગ્યે જ જરૂર હોય. સંસ્કૃત માટે વકીલાત કરવી પડે એ આપણું દુર્દૈવ ગણાય. પણ આ ઇહસુખવાદી, અર્થપરાયણ, યંત્રકેન્દ્રી, ગતિપ્રિય યુગમાં સંસ્કૃતને મોઢાની મીઠાશ મળે છે, સાચો આદર મળતો નથી. આપણા કેળવણીતંત્રમાં એનું સ્થિર આસન નથી. શું કરીએ? સંસ્કૃતથી કંઈ ચાકી ફેરવવાનું આવડશે? અંગ્રેજી શબ્દોના બેચાર છાંટાથી આપણો રુઆબ વધે છે ને સંસ્કૃત શ્લોકના ઉદ્‌ગારથી વેદિયામાં ખપાય છે! અને ભણવાનું પણ કેટલું બધું! ગુજરાતી ભણો, હિન્દી ભણો, અંગ્રેજી તો ભણો જ ભણો, અને બીજા વિષયો તો પાર વિનાના; એટલે કોઈકનો તો ભોગ આપવો પડે! એટલે આ સંયુક્ત કુટુંબમાંથી માતામહીને જ ખૂણે બેસાડીને આપણે અર્થત્રેવડ કરી લીધી છે. અને ખૂબી તો એ છે કે આપણી બધી જ ભાષાઓને આ માતામહીએ કશાયે ભેદભાવ વિના ખોળે બેસાડી છે. કશાય આગવા પ્રદેશ વિનાની વિશાળ ભારતની એ જ ભાષા છે. વાલ્મીકિ, કાલિદાસ કે ભવભૂતિ, પાણિનિ કે હેમચન્દ્ર, અભિનવગુપ્ત કે શંકરાચાર્ય; જયદેવ કે જગન્નાથ, સાયણ કે વાચસ્પતિ ક્યાંના છે તે કેટલા જાણે છે? એ જાણવાની જરૂર શી છે? એ ભારતના છે એટલું જ બસ છે. આ પણ એક અદ્‌ભુત ઘટના છે કે કેટલાક મહાન ચિંતકોએ તો પોતાનાં નામ પણ છુપાવી દીધાં છે. એમણે તો કોઈ ઋષિ કે કોઈ વ્યાસના નામમાં પોતાનું વ્યક્તિત્વ ઢાંકી દીધું છે. સંસ્કૃત ભારતની ભાષા છે એમ કહેવા કરતાં જ્યાં સંસ્કૃતની જીવંત પ્રતિષ્ઠા છે એ ભારત દેશ છે એમ કહેવું વધુ વાજબી છે. સંસ્કૃતમાં જે ચિંતનસત્ત્વ છે, ધર્મભાવના છે, પાંડિત્યનો વિસ્તાર છે, સૌન્દર્યનો વિલાસ છે, એમાં જે કુમાશ, સૌરભ ને સામર્થ્ય છે, એ સૌ વડે ભારત ઓળખાય છે. સંસ્કૃતના સીધા પરિચય વિના ભારતના વ્યક્તિત્વને, ભારતના આત્માને ઓળખવો અશક્ય છે. ભાવાત્મક એકતાના પુરસ્કર્તાઓ અને અનુરાગીઓ કેળવણીની હરકોઈ યોજનામાં આ રત્નચિંતામણિને ન ભૂલે. આપણા માધ્યમિક શિક્ષણની પરિપાટી બદલાય, યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જાય તે પહેલાં બે વર્ષ વિદ્યાર્થી ઉચ્ચ માધ્યમિક શાળામાં વધુ ભણે તો સંસ્કૃતને બરાબર સ્થાન આપી શકાય. એ રીતે આપણી ભાવાત્મક એકતા નિઃસંદેહ પુષ્ટ થશે, આપણી ભાષાઓને નવજીવન મળ્યા કરશે, અને કશાય વિશિષ્ટ પ્રયત્ન વિના તે એકબીજાની નિકટ વધુ ને વધુ આવશે. સ્વાતંત્ર્યની ભાવનાનો અંગ્રેજીમાં અને સત્યજિજ્ઞાસાનો સંસ્કૃતમાં જેવો આવિર્ભાવ થયો છે. તેવો બીજી કોઈ ભાષામાં ભાગ્યે થયો હશે. પરંતુ ભારતીય ભાષાઓમાં પણ આવો આવિર્ભાવ થાય, તે સર્વ રીતે કાર્યક્ષમ બને, ઉચ્ચ વિચાર, ઉચ્ચ આદર્શ, ઉચ્ચ સૌન્દર્ય, અને ઉચ્ચ જ્ઞાનનાં તે વાહન બને તે જોવાનું, તેને માટે પુરુષાર્થ કરવાનું કામ આપણું અને રાષ્ટ્રનું રહે છે જ. આપણે આપણી ભાષાને સર્વ વ્યવહારમાં વાપરી ન શકીએ, યોજી ન શકીએ, તેમાં કવિતા, વાર્તા, નાટક લખાય પણ જ્ઞાન-વિજ્ઞાનની, શાસ્ત્રફિલસૂફીની મીમાંસા અને અન્વીક્ષણની સર્વ ચર્ચા સરળતાથી ન કરી શકીએ ત્યાં સુધી – તેનું માહાત્મ્ય ઉચ્ચ સ્વરે ભલે ગાઈએ – તેનું સ્થાન ગૌણ રહે છે. આપણા હૃદયમાં જ તેની પૂરી પ્રતિષ્ઠા થતી નથી. એ ઘરકામની દાસી મટી નામમાં ને વ્યવહારમાં રાશી બનવી જોઈએ. ગુજરાતી યા બંગાળી યા મરાઠી આપણી ભાષાઓ છે જ. કંઈ નહીં તો સાતસો વર્ષથી તેનો તેનો પ્રાદેશિક સમાજ તે વાપરતો ને ખેડતો આવ્યો છે. તેમાં લોકપ્રમોદની નિખાલસ સૌંદર્ય છટાઓ ઊતરી છે; ભક્તોએ આર્દ્રતા ને આર્તતાથી ઈશ્વરની ઉપાસના કરી છે; તેમાં કથાકારોએ પૌરાણિક કથાઓ નવા નવા આકારમાં વહાવી છે ને જનચિત્તને રસભીનું કર્યું છે; વાર્તાકારોએ રંજન કરાવ્યું છે; જ્ઞાનીઓએ નીતિ ને મોક્ષની ચિંતા કરાવી છે. એ જ્ઞાત-અજ્ઞાત કવિઓના સતત પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય જેવામાં અને અન્ય ભારતીય ભાષાઓનાં સાહિત્યમાં ભક્તિપદ, ગરબી, રાસ, આખ્યાન, પદ્યવાર્તા જેવાં સાહિત્યસ્વરૂપો દૃઢ થયાં છે. એ આપણો નજીકના ભૂતકાળનો સાંસ્કૃતિક વારસો છે. લોકજીવનથી અળગા પડી ન જવું હોય, લોકહૃદય સાથે સાહિત્ય દ્વારા ખરું અનુસંધાન અને અભિસંધાન કરવું હોય તો આ વારસાને ટાળી શકાશે નહીં; એનો પૂરો વિનિયોગ કરવો પડશે. ભાષાના વૈયક્તિક સત્ત્વ ને તેની લાક્ષણિકતાઓને આ સાહિત્યરૂપો સાથે જીવંત સંબંધ છે. (એનું એક જ ઉદાહરણ લઈએ : હિન્દી અગર બંગાળીમાં ઉચ્ચારણની તેની ખાસિયતોને લીધે ગુજરાતી ગરબી જેવી રચના થઈ શકશે નહીં એમ મને લાગે છે.) પ્રજાની સમષ્ટિગત સ્મૃતિમાં આ વસ્તુ અને આકારની પરંપરાઓ રહેલી છે, અને તેનો ઉપયોગ કરવામાં સાહિત્યનું કાર્ય સરળ બને છે. આમ આપણી માતૃભાષાઓનો સંબંધ જીવનની સાથે જોડાયેલો છે. તેને ભૂલી શકાય એમ નથી; એનું સ્થાન બીજી કોઈ ભાષા લઈ શકે તેમ નથી; તો સમાજ અને સરકારનું ચોખ્ખું કર્તવ્ય છે કે એની પૂર્ણ પ્રતિષ્ઠા ને ગૌરવ કરવાં. આપણું સર્વ શિક્ષણ, સ્નાતક-અનુસ્નાતક ઉપાધિ સુધીનું, આપણી ભાષા મારફત અપાય તો જ આપણી વાણી સર્વ વ્યવહાર અને સંયોગમાં આપણી સ્વાભાવિક વાણી બની શકે. જ્ઞાન, વિજ્ઞાન ને અન્વીક્ષણની એ વાણી બનશે ત્યારે તેના વિવિધ સામર્થ્યનું પ્રતિબિંબ આપણા ઊર્મિ ને કલ્પનાના સાહિત્ય પર પણ પડશે. શંકરાચાર્યના ગદ્યના સરળ વહન અને પ્રભાવની પાછળ તેમ જ કાલિદાસની અભિરામ ને અભિજાત વાગર્થપ્રતિપત્તિની પાછળ સંસ્કૃત ભાષાની કવિ, ચિંતક ને જ્ઞાનીઓએ કરેલી જીવનના સર્વ વિષયને સ્પર્શતી કેળવણી રહેલી છે. સદ્‌ભાગ્યે આપણાં વર્તમાનપત્રોએ લોકગમ્ય વાણીમાં લોકની જ્ઞાનપિપાસા ઓછીવત્તી સંતોષી ઉચ્ચ કેળવણીનું થોડુંઘણું કામ કર્યું છે. માસિકો-ત્રૈમાસિકોએ વિવેચન, ફિલસૂફી આદિનું વર્તમાનપત્રોએ રાજકારણ-અર્થકારણનું યનિવર્સિટીનું પ્રાથમિક કામ કરેલું છે. એનો એમને યશ છે. વર્તમાનપત્રોની ઘણી મર્યાદાઓ હોવા છતાં, વ્યવહારની ભાષા પાસે કામ કરાવીને તે લોક પાસે પહોંચી ગયાં છે, નહિ તો વિદ્વાનો અને જનસમૂહ, સાહિત્યકારો અને જાનપદ વચ્ચે મોટો અખાત હોય. એનો યશ ગુજરાતમાં અગ્રણી પારસી પત્રકારોને, ઇચ્છારામ સૂર્યરામને, ગાંધીજીને નવજીવનના લેખકમંડળમાં, ચૂનીલાલ વર્ધમાન શાહ, ઝવેરચંદ મેઘાણી આદિને છે. તેમને પગલે ચાલનાર આજે અનેક બાહોશ પત્રકારો છે. પરંતુ હવે વધારે ઉચ્ચ કક્ષાએ બધી જ વિદ્યાઓ માટે, ધોરણો જાળવી, આ કામ યુનિવર્સિટીઓએ કરવાનું છે. પ્રાદેશિક ભાષામાં કામ આપી શકે એવા ઉચ્ચ પંડિતો ઉત્પન્ન કરવા અને તેમના જ્ઞાનને લોકગમ્ય પણ શિષ્ટ ધોરણની શુદ્ધ ભાષામાં ચોકસાઈથી પહોંચતું કરવું એ મહાન કાર્ય આપણી પ્રાદેશિક યુનિવર્સિટીઓનું છે. દેશ સમસ્ત માટે યુનિવર્સિટીમાં અંગ્રેજી કે હિન્દી માધ્યમ રાખાવાથી આ કામ નહીં થાય, થશે તોય એ નબળુંપાતળું જ હશે. સાહિત્યવિકાસ અને સાહિત્યસંપત્તિની દૃષ્ટિએ માતૃભાષા, સંસ્કૃત, હિંદી અને અંગ્રજી આદિનો તેના તેના ચોક્કસ કાર્યનો વિચાર કરી આપણી કેળવણીની પરિપાટીમાં વ્યવસ્થિત સમાવેશ કરવો જોઈએ; અને એના સમાવેશથી અભ્યાસનું ભારણ વધી જતું હોય – જોકે તેવો સંભવ નથી – તો અભ્યાસક્રમમાંની અને શાળાવ્યવહારની થોડી મિથ્યા આળપંપાળ ઓછી કરવી, એ આ સમગ્ર કથનનું તાત્પર્ય છે. ગુજરાતી સાહિત્યરસિકોના સંમેલનને ગુજરાતી સાહિત્યની કેટલીક ધ્યાન ખેંચે એવી બાબતો, કંઈક અંશે સિદ્ધિઓ કહી શકાય એવી બાબતો સંભારવાની જરૂર ભાગ્યે જ હોય. પરંતુ વખતે અહીં અન્ય ભાષાના ને ગુજરાતીથી ઓછા પરિચિત સાહિત્યરસિક શ્રોતાઓ હોય તો તેમનું એ તરફ નમ્રતાથી ધ્યાન દોરવું મુનાસિબ છે. ભારતની લગભગ બધી જ અર્વાચીન ભાષાઓની જેમ ગુજરાતી ભાષાસાહિત્યનો ઉદય બારમા-તેરમા શતકથી થાય છે. ભાષાના પિંજરમાં અને સાહિત્યના પ્રભવમાં તે શિષ્ટ અપભ્રંશનો વારસો લઈને આવે છે. અને શિષ્ટ અપભ્રંશનો વારસો લઈને આવવું એટલે સંસ્કૃત ભાષા-સાહિત્યનો, પ્રાકૃત ભાષા-સાહિત્યનો એને કંઈ નહિ તો સાતસો વર્ષની જૈન વિદ્વત્-પરંપરાનો વારસો લઈને આવવું. આને લીધે ઉદયમાન ગુજરાતી સાહિત્ય કસાયેલું, સંમાર્જિત તે વિદગ્ધ (sophisticated) લાગે છે. ગુજરાતી લોકસાહિત્ય જુઓ ને બારમા-તેરમા શતકનું ગુજરાતી સાહિત્ય જુઓ તો આ ભેદ બરાબર સમજાશે. લોકસાહિત્ય ઝરણાં પેઠે રમતું રમતું તાજગીભર્યું વહે છે; અને વહેતાં વહેતાં પોતાનો વાંકોચૂકો માર્ગ કરી લે છે. શિષ્ટ સાહિત્ય પ્રણાલીમાં વહેતું, ધાર્મિક પરંપરાને સંલગ્ન અને કાવ્યજ્ઞ પંડિતોને હાથે લખાય એવું છે. એમાં વરતાતી સુરુચિ મર્યાદિત વર્તુલની છતાં ઘડાયેલી છે. જૈન વિદ્વત્-પરંપરાનો પ્રભાવ ઓછો થાય છે ને મધ્ય ગુજરાતીનો ઉદય થતાં સાહિત્યસ્વરૂપોમાં થોડી અસ્થિરતા, પ્રયોગશીલતા જણાય છે, છતાં ઉપાશ્રય કે મંદિરમાંથી સાહિત્ય કંઈક મુક્તિ મેળવે છે. આ સમયમાં ગુજરાતી ભાષાસાહિત્યનું સાચું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. વિષયો ધાર્મિક હોવા છતાં નિરૂપણ રસદૃષ્ટિએ થાય છે. કેટલીક વખત વિષયો નામપૂરતા જ ધાર્મિક હોય છે. ધર્મનિરપેક્ષ કહેવાય એવું કલાત્મક કથાસાહિત્ય પણ લખાય છે અને એમાં ભાષાની નાગરતા, પ્રૌઢિ, મધુરતા અને વસ્તુની રસમયતા દેખાય છે. રાજકીય સ્વતંત્રતા જતાં પ્રજા પોતાના સંસ્કારરક્ષણ ઉપર વળી, અને આનંદપ્રમોદ તેમ જ આશ્વાસનના નવા માર્ગ શોધવા લાગી. પરદેશી રાજ્યે રાજકારણની લગામ હાથમાં રાખી પ્રજાને પોતાને માર્ગે જવાની છૂટ આપી, એટલું જ નહિ, પ્રાન્તીય વિધર્મી સત્તાઓ ઓછીવત્તી સ્વતંત્ર થતાં તેમણે પ્રાદેશિક અસ્મિતા પણ પોષી. ભક્તિમાર્ગે અને વિશેષતઃ પુષ્ટિમાર્ગે પ્રણયવ્યવહારમાં અસંયમને આડકતરી રીતે વધાર્યો હશે, પણ તેણે વ્યક્તિની, મુમુક્ષ ભક્તની સમાજ અને રૂઢિથી સ્વતંત્રાને પણ સ્વીકારી ને પોષી, નરસિંહ, મીરાં, દયારામમાં જે પ્રગલ્ભ વ્યક્તિત્વની છટા છે, સમાજ તથા રૂઢિ તરફ નિસ્પૃહતાનો ઉદ્રેક છે, તે અનન્યાશ્રય પ્રબોધતા ભક્તિમાર્ગને આભારી છે. ખૂબી તો એ છે કે એ વ્યક્તિત્વે સાંપ્રદાયિક દાસત્વ પણ ટાળ્યું છે અને તેથી રોમૅન્ટિક કહી શકાય એવી વ્યક્તિત્વની ફોરમ એમની કવિતામાં સંનદ્ધ છે. રાજા, સમાજ કે રૂઢ પરંપરા તરફ રાસાઓ, પ્રબંધો અને આખ્યાનોનું મુખ છે, કવિ વક્તવ્યને આગળ રાખે છે અને પોતે છુપાયેલો રહે છે. જે ભેદ દેખાય તે કવિતા-કસબમાં, કલાસિદ્ધિમાં હોવાથી કૃતિ કોની એ બહુ મહત્ત્વની વાત રહેતી નથી. એમાં વૈરાગ્ય અને સંસારત્યાગની વાત આવે, પાત્ર સાધુ કે સાધ્વી થાય તો તે ય પરિપાટી અનુસાર થાય છે ને સમાજનો તેના પર આશીર્વાદ હોય છે. એટલે સમગ્ર રીતે બધું ધોરણસર, નિયમબદ્ધ હોય છે, અને કાવ્યરચનાના સૌષ્ઠવને પણ તે અનુકૂળ પડે છે. એટલું બધું એમાં સર્વસાધારણ તત્ત્વ આવે છે કે કૃતિના લેખક તરીકે એકને બદલે બીજો ગણીએ તો વિદ્યાકીય સિવાય બીજો બાધ ન આવે. તેરમા-ચૌદમા શતકની કવિતાની આ પંક્તિઓ જૂની ગુજરાતીના સાહિત્યની આવી આવી સિદ્ધિ અને મર્યાદાઓનું સૂચન કરી શકશેઃ-

“ફાગુણ વાગુણિ પન્ન પડંતિ, રાજલદુઃખિ કિ તરુ રોયંતિ;
ગબ્ભિ ગલિવિ હઉં કાઈ ન મૂય, ભણઈ વિહંગલ ધારણિધૂય.”
(‘નેમિનાથ ચતુષ્પદિકા’)

“ભણઈ કોસ સાચઉ કિયઉ નવલઉ રાચઈ લોઉ;
મૂં મિલ્હિવિ સંજમસિરિહિ જઉ રાતઉ મુણિરાઉ.
ઉપસમરસભરપૂરિયઉ રિસિરાઉ ભણેઈ,
ચિંતામણિ પરિહરવિ કવણુ પત્થરુ ગિહ્‌ણેઈ?

પહિલઉ હિવડા કોસ કહઈ જુવ્વણફલુ લીજઈ;
તયણંતરિ સંજમસિરીહ સુહ સુહિણ રમીજઈ.”
“અહ સેયતુરંગતરલતુરઈ રઈરહિ ચડઈ કુમારો,
કન્નિહિ કુંડલ સીસિ મઉડ, ગલિ નવસરહારો,
ચંદણિ ઊગટિ ચંદ-ધવલકાપડિ સિણગારો,
કેવડિયાલઉ ખુંપુ ભરવિ વંકુડઉ અતિફારો.

અહ પૂછઈ રાજલકંતુ, કાંઈ પસુબંધણું દીસઈ?
સારહિ બોલઈ, સામિસાલ, તુહ ગોરવુ હુસ્યઇ.
જીવ મેલ્હાવઈ નેમિકુમરુ સરણાગઈ પાલઈ.
ધિગુ સંસારુ અસારુ ઇસ્યઉં, ઇમ ભણિ, રહુ વાલઈ.”

નરસિંહ પરમ ભક્ત છે. સંસારમાં તેને રસ નથી, જોકે પ્રાણીમાત્ર માટે તેને સમભાવ છે. એ મુમુક્ષુ છે અને ‘શ્યામના ચરણમાં મરણ’ ઇચ્છે છે. પોતાપણું, પોતાનું દાસત્વ, પોતાનો હરિથી વિરહ એ ભૂલી શકતો નથી. તેથી તેનું ગાન એના હૃદયરસનું ગાન છે. રાધા કે ગોપીને નામે એ પોતાની જ ઝંખના રટે છેઃ ‘જેનું મન જે સાથે બંધાણું, પહેલાં હતું ઘર રાતું રે, હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. હરિ સમાગમ શોધવા એણે લાજ મૂકી દીધી છેઃ ‘મનોહર વાઈ રે, આંગણે મોરલી રે, હવે ક્યમ જીવું રે મોરી માય, રજની સંતાપે રે, મા મારી દેહડી રે, હરિ વિના ક્ષણુ ના રહેવાય. જાતાં ને જાણી રે, મરી અમો નવા ગયાં રે, રહ્યાં રહ્યાં ગાતર ગાળવા કાજ, ભાળ રે બતાવો રે, કોઈ ભૂધર તણી રે, કહું છું મેલીને મારી લાજ.” આ વિરહ પાત્રલક્ષી નથી, આત્મલક્ષી છે; અને ભાવની તીવ્રતામાં એનો જોટો ૧૪૦૦ વર્ષ પહેલાંની જૂની ગુજરાતી રચનાઓમાં મળશે નહિ; જે મળશે તે સૌષ્ઠવલક્ષી સાહિત્યમાં પરંપરાનુસારી. મીરાંએ એ જ રીતે સંસાર તરફ ને રૂઢિ તરફ પીઠ ફેરવી દીધી છે અને કશાની પરવા કર્યા વિના તે ઇષ્ટ માર્ગે વળી છે. “સાસરવાસો સજીને” એ બેઠી છે. ઈશ્વરને વર તરીકે પ્રીછનારની અને તેની અનંત કાળથી જાણે વાટ જોતી વિરહિણી સ્ત્રીનું કેવું એ કમનીય ચિત્ર છે! એને કુટુંબ કે લોકનો કશો ભય નથી. એણે “પિયુને મિલન લિયો જોગ રે.” એ પિયા કારણ પીળી થઈ છે, કશુંય દુન્યવી ઔષધ કારગત નહિ નીવડે. “જાઓ રે વૈદ્ય ઘેર આપને રે, મારું નામ ન લેશ; હું રે ઘાયલ હરિ નામની રે, માઈ, કેડો લેઈ ઓષધ ના દેશ રે.” દયારામનો ભાવોદ્રક પણ એક સ્વતંત્ર માનસનો છે, ભલે તેની પ્રેરણા અને તેની ફિલસૂફી પુષ્ટિમાર્ગની હોય. અનન્યાશ્રયનો ઉદ્‌ગાર નિશ્રયી કવિનો ઉદ્‌ગાર છેઃ- “એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો.” “નિશ્ચયના મહેલમાં વસે મારો વ્હાલમો, વસે વ્રજલાડીલો રે, જે રે જાયે તે ઝાંખી પામે જી રે.” સંસારી તરીકે માની અને ભક્ત તરીકે દાન એવા દયારામનું વ્યક્તિત્વ એની કવિતામાં ઊપસી આવે છે. “હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણાસિંધુ! ગ્રહો કર મારો, સાંકડાના સાથી શામળિયા! છો બગડયાના બેલી, શરણ પડ્યો ખળ અમિત કુકર્મી, તદપી ન મૂકો ઠેલી; હરિ! જેવો તેવો દાસ તમારો.” જૈન ગુજરાતી કૃતિઓ અને લોકગીતમાં મૂળ હોવા છતાં અણીશુદ્ધ કલાકૃતિઓ તરીકે પદને નરસિંહ અને મીરાંએ સિદ્ધ કર્યું, ને ગરબીને દયારામે સિદ્ધ કરી. મધ્યકાલીન સાહિત્યની ત્રીજી સિદ્ધિ છે આખ્યાન. તેનાં મૂળ પણ જૈન રાસ અને પ્રબંધમાં છે જે ઠેઠ અપભ્રંશ સુધી જાય છે. પણ તેને સાદ્યંત રસવાહી, લોકગમ્ય ને લોકપ્રિય બનાવનાર ભાલણ, નાકર, વિશ્વનાથ, પ્રેમાનંદ વગેરે હતા. આ બધાં સૈકામાં લોકકેળવણીનું, પ્રજાકીય સંસ્કારનું લગભગ બધું કામ પદ અને આખ્યાન રચનારાઓએ કર્યું છે. રાજકીય દશીવીશીમાં પણ ભૂતકાળ સાથે તેમ જ સમગ્ર દેશ સાથે એકતાનો ભાવ તેમણે દૃઢ કર્યો. ભારત અને તેના ઋષિઓના ને રામકૃષ્ણના યુગ ઉપર પવિત્રતાનું તેમણે સિંચન કર્યા કર્યું. સામાજિક જીવન અને ગૃહજીવન માટે તેમણે અમુક પરિપાટીનો આદર્શ આપ્યો. સીતા ને દમયંતીની પતિભક્તિ, રામની કુટુંબભક્તિ અને પ્રજાપ્રીતિ, પાંડવોનો બંધુભાવ, જસોદાનું વાત્સલ્ય, ગોપીની પ્રેમભક્તિ, તેમણે ગાયાં; વિવિધ ને અવનવી રીતે ગાયાં ને લોકાહૃદયમાં ભાવના તરીકે સ્થાપ્યાં. પ્રજાહૃદય સુકુમાર સંવેદનશીલ બન્યું. વાત્સલ્ય ને હાસ્ય બેઉ નરસિંહમાં છે. મર્મોક્તિ નરસિંહ અને દયારામ બેઉમાં છે. પરંતુ વાત્સલ્યને કવિતામાં કેન્દ્ર તરીકે લાવનાર ભાલણ ને પ્રેમાનંદ છે, અને નિર્મળ હાસ્યનો પ્રવાહ લાવનાર કવિ પ્રેમાનંદ છે. લોકની ઊણપો ને જીવનમાંની વિચિત્રતાઓ ઉપર પ્રેમાનંદની આંખ તરત પડે, પણ વિનોદથી તેનો નિર્વાહ કરી લઈ તે રસસિદ્ધિ અને જનબોધનું કામ કરે છે. વ્યવહાર અને વૃત્તિમાં સંયમ, વિવેક, ઉદારતા, વેદનશીલતા ને ચારુતાની દૃષ્ટિ લાવવામાં આ સમગ્ર સાહિત્યનાં છસો-સાતસો વર્ષમાં જૈન અને અજૈન સાહિત્યકારોએ જ મોટા ભાગનું કામ કર્યું છે. પોતાના દુર્વ્યવહાર, દંભ અને ખામીઓ ઉપર કટાક્ષ કરી જોવાનું મધ્યકાલીન કવિઓએ ઠીક શીખવ્યું છે. એમાં પણ નરસિંહે શરૂઆત કરી છે અને છેક ઓગણીસમી સદીમાં વેદાન્તી અને સ્વામિનારાયણી ભક્તકવિઓએ લોકનાં પાખંડની ઝાટકણી કાઢી છે; ખુદ દંભી ‘જ્ઞાની’ ને ભગતની ઝાટકણી પણ કાઢી છે. આમાં વૈયક્તિક પ્રતિભા અને ઉદ્રેક, જ્ઞાન અને વિલોકન જેટલાં અખામાં જણાય છે તેટલાં બીજા કોઈ કવિમાં નથી. જેમ ભક્તિમાર્ગે સંસારનો વિરોધ કરી મોક્ષ માટે વૈયક્તિક સાધના પ્રબોધી હતી તેમ શાંકર વેદાંતમાં માયાવાદે પણ વૈયક્તિક મુમુક્ષત્વ પ્રેરી જગત-નિરપેક્ષ વ્યક્તિ ઉપર અણધાર્યો ભાર મૂક્યો હતો. એ રીતે વેદાન્તી કવિઓમાં પણ ભાવનો ઉદ્રેક કંઈક આક્રમક અને બળવાખોર સ્વરૂપનો થયો. આમાં વળી વિશિષ્ટતા એ હતી કે મોક્ષની સાધનાને નામે બીજા સંપ્રદાયોમાં, ધર્મસંસ્થાઓમાં માયાએ નવો સંસાર ઊભો કર્યો હતો તેને તેઓ પામી ગયા હતા. અખા જેવો ભક્ત નરસિંહ અને મીરાંની જેમ એક સમર્થ વ્યક્તિ તરીકે સમાજ સામે ઊભો રહેતો દેખાય છે. તેને મન દેહનાં કૃત્યોમાં સર્વ ભૂલા પડ્યા છે. એને પોતાને પરબ્રહ્મની ભાળ લાગી છે, ને તેથી એનો આનંદ માતો નથી. એની આધ્યાત્મિક શોધનો લ્હાવો માણતાં એ તાનમાં આવી જાય છેઃ-

હું ટળ્યો, તું ઠર્યો, કરતાર! કરુણા કરી,
સુખદુઃખ વૃક્ષની મૂળી દાધી;
સુપન સમાઈ ગયું, જ્યમ હતું ત્યમ થયું,
અખો આ લખી સૂતો સુખની ગાદી.”

શાં શાં રૂપ વખાણું, સંતો રે, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયુ છે વહાણું!
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પિયે, માથે છત્ર બિરાજે.

વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું.”
– એ તે કેવું દર્શન હશે, શ્રદ્ધા હશે જે આવી સુખની ગાદીએ એક સામાન્ય સોનીને બેસાડી શકે! એને વસ્તુની પડી છે, વેશની નહિ, “વેલી વસ્તુની એ છે પચીસે” – પચીસે તત્ત્વમાં વસ્તુનો જ વિલાસ છે. “વેલી વિશે ફળફૂલ તે વસ્તુના.” સંસારનું અશ્વત્થ વૃક્ષ ત્યાંથી જ ઉદ્‌ભવે છે, તેનાથી જ ટકે છે ને તેમાં વિલય પામે છે. આ જ્ઞાનશ્રદ્ધાના દ્રવ્ય વડે અખો સંસારનો વેષવ્યવહાર, રંગરીતિ, ચલણવલણ તાવી જુએ છે. એની તીણી દૃષ્ટિ અને તીખી આખાબોલી ચિત્રોત્પાદક વાણી વેધક નીવડી છે ને ગુજરાતી ભાષા અને કવિતાને તેણે સ્નાવિર બનાવી છેઃ-

“ઊંઘ્યા બરલે પંડિત કવિ, જે મનની વૃત્ત્ય રહ્યા અનુભવી;
એક એકનું બોલ્યું નવ મળે, ખટદર્શન જૂજવાં આફળે;
સૌને હું – મારાનો થાપ, અખા ન સમજે આપે આપ.”

“આતમ સમજ્યો તે નર જતિ, શું થયું ધોળાં ભગવાં વતી?
બોડે, તોડે, જોડે વાળ, એ તો સર્વ ઉપલ્યો જંજાળ;
પ્રીછીને સંકોડે વ્યાપ, તો અખા રહે આપે આપ.”

“જ્ઞાનદગ્ધ ને બળ્યા ઓગણા, કથતા વધતા દીધે ઘણા,
વાવ્યા ન ઊગે, અન્ન ન થાય, તેમ બ્રહ્મ કર્મ બેઉથા જાય.”
“હાથે હસ્તીનું હાડ પહેરી, નિત્ય સુહાગણ ન્હાય;
નવેણ ચોકો નિત્ય કરે; પેખો પ્રગટ એ અન્યાય.”

કવિઓએ માર્ગી અને પ્રાકૃત અનેક પદ્યપ્રકારો ખેડ્યા છે; પૌરાણિક કે ઐતિહાસિક ને પ્રત્યક્ષ જીવન બેઉને વિષય કર્યા છે; આત્મલક્ષી ને પરલક્ષી પદો ને ગરબીઓ તથા પરલક્ષી રાસ, પ્રબંધ ને આખ્યાન તેમણે આપ્યાં છે. મિશ્ર કે વિશિષ્ટ ગુજરાતીમાં સાંપ્રદાયિક, ચારણી અને બીજું વિવિધ સાહિત્ય પુષ્કળ પ્રગટ-અપ્રગટ પડ્યું છે. ભાટોએ સાચવેલી ઐતિહાસિક રોમાંચક કથાઓ પણ ગુજરાતી સાહિત્યનું સુંદર અંગ છે. તેથી પણ ચઢી જાય એવું લોકગીતોનું ધન છે. લોકગીતોમાં પ્રજાજીવનના સુખદુઃખના અને અવસર-ઉત્સવના જ ધબકાર નથી, તેમાં કાવ્યની દૃષ્ટિ એ મનોરમ લક્ષ્મી સચવાઈ છે. જીવનની સચ્ચાઈ, ભાષા અને લયની સુકુમાર મધુરતા અને લયની પ્રસંગાનુકૂલ વિવિધતા એ લોકગીતોનાં લક્ષણ છે. આજે પણ પ્રસંગે પ્રસંગે કચ્છથી સુરત સુધી આ ગીતોના પ્રભાવક સૂરો ઊઠે છે. લોકગીતોમાં સામાજિક અને કૌટુંબિક જીવનનું બરાબર પ્રતિબિંબ પડ્યું છે. એ એક પ્રકારનો ઇતિહાસ છે. પરંતુ ઐતિહાસિક ને ભૌગોલિક કહી શકાય એવી સાહિત્યસામગ્રી પણ ગુજરાતી કવિતામાં છે. જૈનોનું રાજકારણમાં વર્ચસ રહ્યું ત્યાં લગી તો રાજાઓ અને શ્રેષ્ઠીઓને વિષય કરી તેમની વિક્રમયાત્રાઓ કે ધર્મયાત્રાઓ કવિઓએ વર્ણવી હતી. જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય પણ છે. કવિતોચિત શૈલીના ગદ્યમાં વર્ણનપ્રચુર કથાઓ ને બોધક વાર્તાઓ છે, તો સરળ ગદ્યમાં જ્ઞાનબોધના વ્યાખ્યાગ્રંથો છે. આ બધા ગ્રંથોની અને પૂર્વોક્ત કવિતાસાહિત્યની અસંખ્ય પ્રતો એવી સરસ જળવાઈ છે અને એટલા જૂના સમયથી ઊતરી આવી છે કે રાજરણની ભાષાઓ અને ગુજરાતીના વિકાસનો કડીબદ્ધ ચોક્કસ ઇતિહાસ તે દ્વારા મળી શકે છે. અંતિમ અપભ્રંશથી અર્વાચીન ગુજરાતીના ઉદય સુધી બધી વિકાસકક્ષાનાં પ્રતિબિંબ ઝીલતી હસ્તપ્રતો ભારતની અર્વાચીન ભાષાઓમાંથી ઓછીમાં જ સચવાઈ હશે. આ સાતસો વર્ષમાં (૧૧૫૦-૧૮૫૦) જે સાહિત્યસ્વરૂપો ઉદ્ભવ્યાં તેમાંના ઘણાં કાલગ્રસ્ત થઈ ગયાં છે. જીવનની પદ્ધતિ અને આકાંક્ષાઓ બદલાઈ જાય એટલે જે મૂળ સંદર્ભમાં સાહિત્યસ્વરૂપો જન્મ્યાં તે રહેતો નથી, અને તેમનો નવો અવતાર નવીન પરિસ્થિતિમાં કંઈક અડવો લાગ્યા વિના રહેતો નથી. પદ્યવાર્તા ને અખ્યાન સાચા સ્વરૂપમાં હવે ભાગ્યે આવે. રેડિયોના પ્રયત્ન છતાં તેનો પુનરુદ્ધાર મુશ્કેલ છે. ગરબી ને ગરબા ચોકમાંથી રંગમંચ પર ગયાં છે ને રંગમંચમાંથી ચોકમાં આવે છે. એને જૂની શ્રદ્ધા સાથે જીવંત સંબંધ નથી. રાધા ને કહાનને નામે પ્રણયનાં ગાન ગરબીમાં વિશેષ છૂટથી ગાઈ શકાય છે; અને એ રીતે એ ટકશે. નવી કવિતા એકંદરે આત્મલક્ષી ને ઊર્મિપ્રધાન છે તેથી મધ્યકાલીન કાવ્યસ્વરૂપોમાંના પદ, ભજન વગેરે ટકી રહેશે. ઈશ્વર પ્રતિ કે ઈશ્વરને નામે અંધ નિયતિ કે પ્રકૃતિ તરફ કવિ વેદના ઠાલવે છે, અથવા પ્રાર્થના કે અભિલાષા પ્રગટ કરે છે. સામાજિક સંદર્ભનું એ સાહિત્યસ્વરૂપને બંધન નથી નડતું, એટલે અર્વાચીન સાહિત્યમાં પદરૂપ ઊર્મિકાવ્ય, ભક્તિકાવ્ય ટક્યું છે ને વિકસ્યું પણ છે. એમાં લોકગીતના લહેકાનો ચમત્કારક વિનિયોગ પણ આવી શક્યો છે. માનવના સર્વસામાન્ય ભાવો અને ભક્તના કંઈક અંશે વિશિષ્ટ ભાવોનું મધ્યકાલીન કવિઓએ સફળ આલેખન કર્યું છે. કલામય અભિવ્યક્તિ માટે તેમણે ભાષા પાસે સરસ કામ લીધું છે, ને એ રીતે ભાષાની છટાઓ તૈયાર થઈ છે. અર્વાચીન લેખક ગદ્ય લખે, પદ્ય લખે, સંસ્કૃત, ફારસી કે અંગ્રેજીમાંથી, બંગાળી હિંદી કે મરાઠીમાંથી ઉછીનું લે, ભાષા પાસે નવું નવું કામ લે, તે આ સાતસો વર્ષના સમગ્ર સાહિત્યે આપેલી ભાષાભૂમિ ઉપર ઊભા રહીને.

(૪)

દુર્ગારામ મહેતાજી નવા જ્ઞાનનો પવન લઈ સૂરત આવે છે. ત્યાંથી ગુજરાતી સાહિત્યનો અર્ચાવીન યુગ શરૂ થાય છે. તેમની અને તેમની પછી આવતા દલપત, નર્મદ આદિ સુધારકોની નિશ્ચયાત્મક શ્રદ્ધા હતી કે લોકને ભણવા દો, નવીન જ્ઞાનનો પ્રકાશ આપો, બુદ્ધિને વિકસવા દો, એટલે ધર્મ અને રૂઢિને નામે જે અનાચાર ને વહેમ ઘૂસી ગયા છે તે આપોઆપ જશે. કેવળ આધ્યાત્મિક દૃષ્ટિએ તો વિશ્વમાં સ્ફુરતા પરમ ચેતનના આવિષ્કાર તરીકે સર્વ મનુષ્યને હિન્દુ ધર્મે સરખા ગણ્યા હતા, પણ વ્યવહારમાં સરખા ગણવાનું ઉદ્‌બોધન ગુજરાતમાં અર્વાચીન યુગમાં પહેલવહેલું દુર્ગારામે કર્યું. અલબત્ત, કંઈક મર્યાદિત રીતે વેદાન્તી કવિઓએ, નરસિંહ જેવા ભક્તોએ, કબીરભક્તોએ અને સ્વામીનારાયણ સંપ્રદાયે આ દિશામાં કાર્ય કર્યું હતું; પણ વિરોધી સામાજિક બળો આગળ એમાં જીવ આવ્યો નહોતો. એવી પ્રવૃત્તિ જોત-જોતામાં ચિમળાઈ જતી. ૧૮૪૪માં દુર્ગારામે માનવધર્મસભા સૂરતમાં સ્થાપી તે ગુજરાતી માનસના વિકાસ-ઇતિહાસમાં મોટું સીમાચિહ્ન છે. એની પાછળ કોઈ ધર્મવાદની પ્રેરણા નહોતી, તેથી તો તેનું મહત્ત્વ વિશેષ છે; જોકે સામાજિક, સરકારી કે સાંપ્રદાયિક ટેકા વગર એની પ્રવૃત્તિ પડી ભાંગી. મુંબઈ અને અમદાવાદની ધર્મનિરપેક્ષ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ શિક્ષણવિષયક કે સાહિત્યિક પ્રવૃત્તિઓ જ બની ગઈ. સૂરત કરતાં અમદાવાદમાં અને અમદાવાદ કરતાં રાજકોટ, ભાવનગર ને જૂનાગઢમાં આવી પ્રવૃત્તિનું દિશામુખ ફેરવી દેવાની વધારે શક્તિ હતી. માનવધર્મસભા પછી ધર્મસભા ને સમાજો આવ્યાં પણ વ્યવહારમાં માનવમાત્રની પ્રતિષ્ઠા કરતો સબળ વિચારપ્રવાહ ગાંધીજી દ્વારા ૧૯૦૨થી જ આવ્યો. દુર્ગારામ મહેતાજીનું સ્વતંત્ર વ્યક્તિત્વ લાંબો વખત ફળદાયી નીવડ્યું નહિ, સરકારી નોકરીમાં ભૂંસાઈ ગયું. નર્મદનું હું એક “કૅરેક્ટર” (character) છું એવું અભિમાન યાવદાયુ ટક્યું. જોકે ઉત્તર નર્મદનું સાહિત્યિક મૂલ્ય ઓછું છે. દેશભક્તિ અને સ્વાતંત્ર્યની પ્રબળ ભાવના એનામાં આપણે જોઈએ છીએ. એ વિષયમાં એનો ઉછાળો માતો નથી. સ્ત્રીની ઉન્નતિ, જ્ઞાનની વૃદ્ધિ, વહેમનો નાશ એ તો સંસારસુધારાની સર્વસામાન્ય કલમો હતી. નર્મદમાં સ્વતંત્રતા અને દેશભક્તિના અંગરૂપ આ પ્રવૃત્તિ હતી. યુદ્ધ તો કોઈ ખેલી શકે તેમ ન હતું, પણ યુયુત્સાની વીરવાણી પણ એના સિવાય એ યુગમાં કોઈની ખાસ સંભળાતી નથી. એની સ્વાતંત્ર્યપ્રિયતા કૌતુગરાગી બની; દેશભક્તિની જેમ છૂટથી તેણે પ્રીતિ ને પ્રકૃતિને માણી અને ગાઈ. નર્મદે રાષ્ટ્રીય સ્વતંત્રતાનું સમણું જોયું હતું, અને કેટલીક બાબતોમાં તે ગાંધીજીનો પુરોગામી હતો, છતાં ભારતીય સંસ્કૃતિ એટલે એને મન આર્ય સંસ્કૃતિ અને ભારતરાષ્ટ્ર એટલે હિન્દુરાષ્ટ્ર હતું. એ પ્રેરણાના પ્રભાવમાં “હિન્દુઓની પડતી” જેવું કાવ્ય તેણે આપ્યું, પણ પાછલી વયમાં કૌતુકરાગી વીર્યનો તેણે નર્મકોશ જેવા વિદ્યાકાર્યમાં વિનિયોગ કર્યો. કૌતુકરાગી સુધારકબુદ્ધિનું એક ફળ “કરણઘેલો”માં મળે છે. નરસિંહરાવ ને કાન્તમાં તે સૌષ્ઠવસંપન્ન કવિતામાં ઊતરે છે. એનું સૌષ્ઠવાપન્ન ઉત્તમ ફળ ઘણે વર્ષે “રાઈનો પર્વત”માં મળે છે. સુધારકનો ઉદ્રેક ત્યાં તદ્દન સ્વસ્થપણે પ્રવર્તે છે. નવાઈની વાત તો એ છે કે આ યુગની સંરક્ષક વૃત્તિ પણ કલ્પનાવિહારી ને કૌતુકરાગી છે. તેને અંગ્રેજી અને સંસ્કૃત કેળવણીની પ્રેરણા મળી છે. વેદાન્તમાં અને ભારતના પ્રાચીન સુવર્ણયુગમાં તે આત્મસિદ્ધિ અને સ્વપ્નસિદ્ધિ જુએ છે. મણિલાલ, કાન્ત અને કલાપીનું વ્યક્તિત્વ મંથનશીલ, પોતાના જીવનના વિષમના ભાનવાળું અને અંદરથી સ્વૈરવિહારી છે. મણિલાલ અણીશુદ્ધ કલાકૃતિ સર્જવા જેટલું માનસિક સ્વાસ્થ્ય મેળવી શકતા નથી. એમની વૃત્તિ વ્યગ્ર અને આકુલ છે. કાન્ત કલાકાર તરીકે સ્વસ્થ છે. કલાપી વ્યક્તિત્વમાં તેટલા કલામાં કૌતુકરાગી જ રહ્યા છે. ‘સ્નેહમુદ્રા’માં તો ગોવર્ધનરામનું વ્યક્તિત્વ પણ કંઈક શૈલી જેવું કલેશમય દેખાય છે, પણ જીવન તરફ તથા વ્યવહારની સંસ્થાઓ તરફ પ્રસન્નતાની દૃષ્ટિ તેમણે સિદ્ધ કરી છે. એ દુઃખ, ક્લેશ, મર્યાદા, બંધન પાપ જુએ છે, પણ એમની કલાકારની ને ચિંતકની દૃષ્ટિ વ્યગ્ર નથી. એમના વ્યાવહારિક જીવનમાં કૌતુકરાગી ફેંટો કે વેળ નથી, તેથી આત્મકેન્દ્ર કૌતુકરાગિતામાં તેઓ નર્મદ કે કલાપીની સમકક્ષ નથી. પરંતુ જેમ સંરક્ષકબુદ્ધિનો સૌષ્ઠવસંપન્ન કલાવિજય “રાઈનો પર્વત”માં છે, તેમ સંરક્ષકબુદ્ધિનો રંગસંપન્ન કલાવિજય “સરસ્વતીચંદ્ર”માં છે. ગોવર્ધનરામ મણિલાલ નથી, રમણભાઈ નર્મદ નથી, પણ કલાકારના તાટસ્થ્ય ને કલ્પનાની સર્જકતાને લીધે એ બેઉ લલિત સાહિત્યમાં નર્મદ મમણિલાલને વટી ગયા છે. સ્ફુરણની અપૂર્વતા, કલાકસબ અને સાચું સાહિત્ય એ ત્રણે પદાર્થોના પરસ્પર સંબંધના પરામર્શ માટે આ યુગે પુષ્કળ સામગ્રી આપી છે, પણ પ્રશિષ્ટ ગણાય એવી અમર કૃતિઓ ઓછી છે. ભાષાકીય, મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક, ધાર્મિક ને સામાજિક દૃષ્ટિએ નર્મદયુગ અને ગોવર્ધનયુગના સાહિત્યનું મહત્ત્વ ઘણું છે; પણ જેનું બધું લખાણ વાંચવું જોઈએ, લલિતસાહિત્ય તરીકે વાંચવું જોઈએ, એવા લેખકો એ પંચોતેર-એંસી વર્ષમાં થોડાક જ છે. સાહિત્યિક વ્યુત્ક્રાન્તિના ભણકાર ન્હાનાલાલ કે મુનશીમાં વાગે છે. ભારેખમ ભાષા વગર પણ રમતી દોડતી સરલ શૈલીમાં મનોરમ ને ઉચ્ચ સાહિત્ય સર્જી શકાય છે એ મનુશીએ બતાવ્યું. મોટી વયનાં પરિપક્વ બુદ્ધિનાં સ્ત્રીપુરુષોના અનુરાગનું તેમણે ઐતિહાસિક કથાઓના સંદર્ભમાં ચિત્ર આપ્યું. ન્હાનાલાલે ચિત્રપ્રચુર શૈલીમાં લોકસાહિત્યનું, સમગ્ર ગુજરાતની ભૂમિનું અને ગૃહસંસારનું માધુર્ય આણ્યું. ન્હાનાલાલના સર્જનમાં ભાષા અને શૈલી કેન્દ્રસ્થાને આવી જાય છે. એમનું ગદ્ય અને પદ્ય બેઉ ઉત્તમ કક્ષાએ મોહક છે, પણ એ ધીરજ માગેઃ કાદંબરી વાંચતા હોઈએ એવી નિરાંતે એ વાંચવું પડે. ગોવર્ધનરામ કરતાં પણ ન્હાનાલાલમાં શબ્દલાવણ્ય વધે છે તેમ તેમ અર્થપ્રવાહની ગતિ ધીમી પડી જાય છે. પણ ન્હાનાલાલ ગુજરાતી સાહિત્યમાં કદાચ સૌથી વિશેષ જાગૃત કલાકાર છે. એ ઊણા પડે છે કલા દ્વારા અપાતા સત્વસંભારમાં. એમની વિચારસમૃદ્ધિ, એમનું અવલોકન અને એમની પાત્ર-ઘટના-સૃષ્ટિ કરતાં એમની કલ્પના લાંબી ફાળ ભરે છે. ન્હાનાલાલ અને મુનશી બેઉના વ્યક્તિત્વમાં રૂઢિભંજક, કંઈક અવનવી રઢવાળાં રોમૅન્ટિક તત્ત્વો છે, જે ન્હાનાલાલમાં વહેલાં અને મુનશીમાં કંઈક મોડાં શમી જાય છે. જેમ નર્મદને, ગોવર્ધનરામને, તેમ મુનશીને મુંબઈના જીવને તેમના કૌતુકરાગી ઉદ્રેકને પોષ્યો. મુનશીના સત્ત્વનો તરવરાટ એમની નવલકથાઓ કરતાં એમની આત્મકથામાં વિશેષ જણાય છે. વાસ્તવિક જીવનની પકડ ન્હાનાલાલ કરતાં એમની વધારે છે જ પણ એમની પ્રતિભાનું લહેરીપણું, તરલપણું, એમના સર્જનને પાતળું રાખે છે; બાકી એમનો જીવ તો સાચા નવલકથાકારનો જ છે, આત્મકથામાં પણ નવલકથાકારનો. આ બેઉના સત્ત્વોદ્રેકમાં પ્રેરણાની અપૂર્વતા નથી; વિલક્ષણ પ્રતિભા છે, સૌંદર્યની સૂઝ છે, ભાષાવૈભવ છે, સબળ સિસૃક્ષા છે. પણ ન્હાનાલાલની પ્રતિભાની પાંખ ભાવનાત્મકનો સાક્ષાત્કાર કરાવતાં અને મુનશીની પ્રત્યક્ષને ભાવનાત્મક સુધી લઈ જવામાં શિથિલ થતી જણાય છે. ન્હાનાલાલ શક્ય ત્યાં સુભગતા જોવામાં ને રચવામાં રાચે છે; મુનશીમાં જીવનની વિચિત્રતા (the comedy of life) જોવાનો એવડો રસ છે કે એમના સમગ્ર સર્જનને સાંકળે એવી તાત્ત્વિક દૃષ્ટિ પરખાતી નથી. ખબરદાર અને બોટાદકરની જાણે અનાયાસ વહેતી પદ્યરચના એની સિદ્ધ સરલતાને કારણે તેમની શક્તિને અન્યાય કરી બેસે છે. એમની પ્રેરણા તેમજ એમનાં સંવેદનો એમની ઉત્તમ કૃતિઓમાં જ જોવાં એ એમને ન્યાયકર અને વાચકને લાભકારક છે.

(૫)

૧૯૦૦થી ૧૯૨૫ સુધીમાં ઉદયમાન તેજસ્વી લેખકોની પ્રેષણા બાહ્ય હવાની કરતાં આંતરિક ને સાહિત્યિક હતી. એમાંના ઘણામાં સ્વદેશાનુરાગ, સંસ્કૃતિપ્રેમ ને કવચિત્ વ્યક્તિસ્વાતંત્ર્યવાદ ઊંડે ઊંડે બળ તરીકે કામ કરતો, પણ મુખ્યત્વે એમના પ્રયોગો પરામર્શક કે કલાનિષ્ઠ હતા. ખુદ ન્હાનાલાલની કલા પણ ભારપૂર્વક સંદેશવાહી પાછળથી થવા માંડે છે. આનંદશંકર, બળવંતરાય, મુનશી, બટુભાઈ ઉમરવાડિયા, ધૂમકેતુ, રમણલાલ કોઈ સિદ્ધાંત કે વાદને ટેકો મળે એવી સ્પષ્ટ-અસ્પષ્ટ પ્રતિજ્ઞાથી લખતા નથી. ગાંધીયુગની અસર જામતાં પહેલાં ગદ્યને ચારુ છતાં સરલ બનાવવામાં આનંદશંકર, મુનશી, રમણલાલ અને ધૂમકેતુનું અર્પણ ઘણું છે. આજે ગદ્યની કંઈક અવદશા છે. કવિતા ગદ્યની લઢણ શોધે છે, ને ગદ્ય પ્રાદેશિક બોલીથી ભરેલા ટૂંકા સંવાદોમાં, કે છાપાંજોગ શૈલી, જે છાપાંમાં યથાસ્થાન ગણાય, તેમાં અટવાઈ ગયું છે. નંદશંકર, ગોવર્ધનરામ, કેશવલાલ, બળવંતરાય, વિશ્વનાથના ઉન્નત સુંદર ગદ્ય જેવું, મોહનલાલ દવે, વાડીલાલ શાહ, ચન્દ્રશંકર પંડ્યા જેવું વાગ્મિતાસંપન્ન અથવા નવલરામ, મણિલાલ, આનંદશંકર, રમણભાઈ, મુનશી, ઉત્તમલાલ, અતિસુખશંકર, કાન્તિલાલ પંડ્યા, વિદ્યાબહેન નીલકંઠ, રમણલાલ, ધૂમકેતુ, જ્યોતીન્દ્ર જેવું ચારુસરલ ગદ્ય અભ્યાસયોગ્ય ને અશંતઃ અનુકરણીય લાગે છે. વિચાર, ભાષા અને લયનું બળવાન સમતોલપણું બલવન્તરાયનું, મુનશીની ગતિની ત્વરા ને ઉછાળો, ધૂમકેતુની ભાષાનું લાવણ્ય ને રમણલાલનું પ્રાસાદિક માધુર્ય એ સૌ ગુજરાતી ગદ્યની સિદ્ધિના પલ્લામાં છે. આનંદશંકર અને બલવંતરાયની વિદ્વત્તા ને વિટારણા માતબર છે. આનંદશંકરની સારગ્રાહી, સમન્વયમુખી, ઉદાર છતાં સત્યનિષ્ઠ તથા સર્વસ્પર્શી દૃષ્ટિ સાચા દેશહિતચિંતક તેમ વિવેચકની છે. મણિલાલ અને આનંદશંકર વિના આપણી ગાંધીજી પહેલાંની વિચારસંપત્તિ પંગુ લાગશે. લલિત ને તરલ, ઉન્નત કે ભવ્ય સર્વ કોટિના ભાવવિચારને સળંગ પણ નિયત લયપ્રવાહમાં ભાવની અંદર ગતિને સહજ ને અનુરૂપ લાગે એવા પદ્યપ્રવાહમાં વહેતો કરવાની સિદ્ધિ બલવન્તરાયની છે. બીજા કોઈ પણ પદ્યપ્રયોગ કરતાં બલવન્ત પ્રવાહી પૃથ્વીએ બ્લૅન્ક વર્સનું કામ આપ્યું છે. કાચાપોચાના હાથમાં આ છંદ શિથિલ પડી જાય છે એ ખરું, પણ એ તો “બ્લૅન્ક વર્સ” માટે પણ સાચું છે. ગંભીર કવિતોચિત વિચારવહન માટે, અને ખાસ તો સૉનેટસ્વરૂપ સારુ પ્રવાહી પૃથ્વી કવિપ્રિય નીવડ્યો છે. પ્રો. ઠાકોરની આગવી કવિપ્રતિભાને સૉનેટ સાહિત્યસ્વરૂપ અને આ છંદ અત્યંત અનુકૂળ નીવડ્યાં છે. ગુજરાતી સૉનેટ એ ગુજરાતી આખ્યાન, ગરબી જેવી સરસ સિદ્ધિ છે. એક રીતે તેનું જુદું મહત્ત્વ છે. આખ્યાન ને ગરબી સામાજિક સંદર્ભની પેદાશ છે અને જિવાડીએ તો પ્રયત્નપૂર્વક જુદી રીતે યોજીને જ. સૉનેટમાં શ્રોતાની ગણતરી વિના કવિ પોતાની સાથે વાત કરી શકે છે. એમાં ઊર્મિની તીવ્રતા ને વિચારની છટા બેઉ લાવવાની ક્ષમતા છે. રમણલાલ અને ધૂમકેતુ બંનેમાં કૌતુકપ્રિયતા ગુણ કરતાં દોષરૂપે દેખા દે છે. તેમ છતાં બેઉની થોડીક કૃતિઓ ચિરંજીવ રહેશે. સંવેદનશીલ ગરીબ વર્ગનું ધૂમકેતુમાં અને સંસ્કારી મધ્યમવર્ગનું રમણલાલમાં કુશળ ને રોચક ચિત્રણ મળે છે. ટૂંકી વાર્તાનું દ્રઢ ગણાય એવું રૂપ ધૂમકેતુ અને રામનારાયણે આપ્યું છે; પરંતુ નવલકથાનું સ્થિર સ્વરૂપ રમણલાલ ને મેઘાણી આપતાં આપતાં ચૂકી ગયા એમ લાગે છે. એનાથી ખરાબ દશા નાટકની છે. કેવળ રંગમંચને લાયક નાટકોની સાહિત્યમાં ગણના કરવી નિરર્થક લાગે છે. પણ રણછોડભાઈથી શિવકુમાર જોશી સુધીના લાંબા સમયપટ ઉપર સાહિત્ય અને રૂપકની ભેગી યોગ્યતાવાળાં નાટકો અલ્પસંખ્ય જણાશે. ત્રિઅંકી નાટક અને એકાંકી બંનેને આજે પ્રજા અને સરકારનું ઘણું પ્રોત્સાહન છે. ગુજરાતી સર્જકશક્તિએ એ દિશામાં પ્રયત્ન નથી કર્યો એમ નહિ. પણ ત્રિઅંકી કે એકાંકીનો સુરેખ આકાર બંધાયો હોય એમ લાગતું નથી. કૌતુકરાગે, રંગરાગે, અવનવું કરવાની રઢે તથા અનુકૃતિની સરલતાએ નવલકથા અને નાટકના લેખકોના માનસનો એવો કબજો લીધો છે કે ઘટના ને તાત્પર્યની પસંદગી બરાબર હોવા છતાં પાત્રનિરૂપણની હથોટી છતાં, આકારસૌષ્ઠવ સિદ્ધ થઈ શકતું નથી.

(૬)

ગાંધીજીની ઝંઝાવાત જેવી ને સર્વતોમુખી શક્તિ ને પ્રવૃત્તિની અસર ગુજરાતી જીવન અને સાહિત્યમાં ખૂબ ઊંડે ને વ્યાપક જણાય તેમાં નવાઈ નથી. ભારતની એકાદ મરાઠી જેવી ભાષાના સાહિત્ય ઉપર તેની અસર નથી જણાતી તે જ નવાઈ છે. ગાંધીજીના ભવ્ય મૃત્યુ પછી એમની અસર રાજકારણમાં, જીવનમાં ને સાહિત્યમાં ઓછી થતી ગઈ છે એ દેખીતું છે. ૧૯૪૭ સુધીમાં પણ તેમાં ભરતી-ઓટ ચાલ્યા કરી છે. એને સમાજવાદી ને સામ્યવાદી વિચારસરણીના પ્રત્યાઘાત લાગ્યા છે. એને લીધે ગુજરાતી લેખકની વાણીમાં ઉત્સાહ, શંકા, નિર્વેદ ને હતાશાનાં મોજાં આવ્યાં છે. વળી સાહિત્યકળાની સામગ્રી અને અર્થપ્રકૃતિ કે તાત્પર્ય ઉપર તેની જેટલી અસર છે તેટલી કલાસ્વરૂપ ઉપર થઈ નથી. ગાંધીજી પોતે લોકપ્રબોધક ને લોકશિક્ષક હતા. એમણે ટૉલ્સ્ટૉય કે રસ્કિનમાંથી જીવનના અસાધારણ પુરુષાર્થની પ્રેરણા મેળવી એમ કહેવું એ કોઈ આકસ્મિક નિમિત્તને હેતુ ગણવા બરાબર છે. એ શક્તિ, એ પ્રેરણા, એ પ્રવૃત્તિદિશા અદમ્ય સત્યનિષ્ઠા અને દેશભક્તિએ આપ્યાં, એમ કંઈક અંશે કહી શકાય. પણ એકંદરે એમની પ્રેરણાનું પૃથક્કરણ અશક્ય છે. નિષ્ઠા, ઉત્સાહ, વિવેક, વિનમ્રતા ને ત્રેવડથી એમનું ગદ્ય ખીલી ઊઠે છે. એમની ‘આત્મકથા’ સર્જનશક્તિનું પણ સુંદર ઉદાહરણ છે, જોકે એ પણ ‘સત્યના પ્રયોગો’ તરીકે બોધક વાઙ્‌મય છે. પ્રવૃત્તિસભર જીવનને આટલા લાઘવ ને હૃદયસ્પર્શિતાથી નિરૂપનાર આત્મકથાઓ જગતમાં થોડી જ હશે. ગાંધીજીના જીવનને અને એમની પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને લખાયેલાં ચરિત્રો, સંસ્મરણો ને ડાયરીઓનું મહત્ત્વ ઘણે અંશે ગાંધીજીના મહાત્મ્યને જ આભારી છે. એમના વર્તુલના પણ એમના વ્યક્તિત્વમાં એકરૂપ ન થઈ જનાર, નિરાળુ વ્યક્તિત્વ પ્રકાશનાર બે સાહિત્યકારની અસર ગુજરાતી સાહિત્ય ઉપર લાંબી રહેશે. સ્વામનારાયણ સંપ્રદાયની અને ગાંધીજીની મશરૂવાળાને પ્રેરણા હતી: ટાગોર અને ગાંધીજીની ઘણે અંશે કાકાસાહેબને પ્રેરણા હતી. દેશોદ્ધારની વિધિમાં બેઉ ગાંધીજી સાથે પૂર્ણપણે હતા. બંનેની ભાષામાં સ્વાભાવિકતા ને સીધાપણું આવ્યું તે પણ ઘણે અંશે ગાંધીજીને આભારી હશે. પણ કાલેલકર સંસ્કારગુરુ ને કવિ છે, સૌન્દર્યના પારખુ છે ને સૌન્દર્યને ઓળખાવી શકે છે. નિસર્ગ કે વિદ્યાની વાત એ મુગ્ધ ભાવે ને અશિક્ષિતપાટવથી જાણે કરે છે. વિદ્વત્તાનો ઊડતો સૌરભ તેમનામાં નૈસર્ગિક લાગે છે. મશરૂવાળા શુદ્ધ વિચારક છે. લાગણીવેડા કે કવિપણામાં તણાવાય નહીં તેને માટે એ સતત જાગરૂક રહે છે. ભાષા તેમના ઇષ્ટ અર્થનું જ પ્રતિબિંબ બને અને કશોય શણગાર ન સજે એની ચીવટથી એમનું ગદ્ય રુક્ષ પણ થાય છે. પણ આપણાં દર્શનોનાં બધાં સ્વીકૃતોને નવેસરથી તપાસી જોઈ, જેટલું બુદ્ધિપ્રમાણિત લાગે તેટલું જ સ્વીકારી, તેના ઉપર વિચારમંડળ તેમણે રચ્યું છે. એ રીતે ગુજરાતી સાહિત્યમાં તેમનું મહત્ત્વ વ્યાખ્યાકારનું કે વિચારોના નવા વિનિયોજકનું નહિ, પણ સ્વતંત્ર ફિલસૂફનું છે. યુરોપ અમેરિકાના અવનવા વિચારોનું આક્રમણ ભારતના લેખક વધાવે છે ત્યારે મશરૂવાળા જેવા ફિલસૂફની વિચારણા ભારતમાં હજી કેમ માર્ગ પામતી નથી એ વિચારવા જેવું છે. ગાંધીજીએ શ્રદ્ધા જન્માવી, પુરુષાર્થ પ્રેર્યો, પુરુષાર્થને ધ્યેય, દિશા ને નિયમન આપ્યાં. એમના ઉપદેશની અને એમની પ્રવૃત્તિની નીચે સીધી કે ઓછી સીધી અસર નીચે રામનારાયણ, મેઘાણી, શ્રીધરાણી, સ્નેહરશ્મિ સુંદરમ્, ઉમાશંકર વગેરે આવ્યા. જીવન માટે દૃષ્ટિ, કર્તવ્ય ને ગતિવેગ તેમને મળ્યાં. એમની કાવ્યપ્રેરણા વેરવિખેર કે લુપ્ત ન થઈ જાય એવું માર્ગદર્શન ગુજરાત વિદ્યાપીઠમાં તેમાંના કેટલાકને મળ્યું. ત્યાં નવા કવિઓ પાસે એકલો ગાંધીમાર્ગ નહોતો; ન્હાનાલાલ, ઠાકોર અને ટાગોરનું સૌન્દર્ય- સર્જન હતું ને કાલેલકર અને રામનારાયણનું પ્રત્યક્ષ શિક્ષણ હતું. મેઘાણીએ લોકગીતની બાનીને યુગાનુરૂપ કરી, પણ એમનો કૌતુકરાગ સૌષ્ઠવસંપન્ન ન થઈ શક્યો. મનસુખલાલ, બેટાઈ અને પતીલમાં પ્રેરણા મુખ્યત્વે વૈયક્તિક કે સાહિત્યિક છે. કેવળ સૌષ્ઠવની દૃષ્ટિએ રામનારાયણ પાઠક ‘કાન્ત’ના અનુયાયી ગણાય, પણ પ્રાણ અને સૌષ્ઠવ, ભાષાવૈભવ અને અભિરુચિવિશેષ બધાં યુગપત્ પ્રવર્તતાં સુંદરમ્‌માં અને ઉમાશંકરમાં જણાય છે. છેલ્લા દસકાની ઉમાશંકરની કવિતા રાજકારણ જેવા સામૂહિક પ્રવૃત્તિપ્રવાહથી લગભગ અલિપ્ત રહી છે, સાહિત્યિક પ્રવાહથી નહિ. એમની પ્રેરણા હવે આંતરિક ગણવી પડે. સુંદરમે શ્રીઅરવિન્દની આધ્યાત્મિક પ્રેરણા સ્વીકારી છે, અને એમના દર્શનના અનુશીલનમાં તેઓ અંબુભાઈ પુરાણી સાથે છે. બંનેએ ગુજરાતી ચિંતનાત્મક ગદ્યની શક્તિ વધારી છે. તેમણે શ્રી અરવિંદની વિચારણા ને કવિતાને ગુજરાતી વાચકને સુલભ કરી આપી છે. પરંતુ સુંદરમ્‌ની વાસ્તવને પકડતી કલ્પનાનો લાભ ગુજરાતી કવિતાએ ગુમાવવો પડ્યો છે. વિષયના સંવિધાન અને તાત્પર્યના વૈવિધ્યમાં ગુજરાતી કવિતાએ એમના દક્ષિણાયનથી ઘણું ખોયું છે એમ લાગે છે. સુંદરમ્ અને પૂજાલાલનો, પ્રેરણાના પ્રભવ અને કલાની સફળતાની દૃષ્ટિએ અભ્યાસ કરવા જેવો છે. આધ્યાત્મિક પ્રેરણાએ તેમનાં કેટલાંક કાવ્યોને ઉચ્ચ કોટિ આપી છે નિઃશંક, પણ છેલ્લાં કેટલાંક વર્ષોનાં તેમનાં કાવ્યોમાં એકવિધતા નથી આવતી એમ નહિ. ઉમાશંકરની કવિતામાં – અને બીજાં લખાણોમાં પણ-આજનાં જગત – માનવની મૂંઝવણનું પ્રતિબિંબ પડે છે, એટલે તેમને યુગના સત્ત્વના ગુજરાતી પ્રતિનિધિ સહેજે ગણી શકાય. છેલ્લાં દસ-પંદર વર્ષમાં નૂતન પ્રયોગલક્ષી કવિતાનો ઉદય થયો તેનાં સુલક્ષણો પણ સમાવી નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, જયંત પાઠક ને ઉશનસ્ સાથે નૂતન કવિતાનું કાંઈક ધોરણ સ્થાપવામાં તેમને સફળતા મળી છે. વળી નૂતન કવિતાની (નૂતન વાર્તા, નવલકથા, ચિત્ર, શિલ્પ આદિની) વકીલાત થતી હોવા છતાં અને નૂતન કવિતાનું પ્રસ્થાન કરાવવા છતાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહ શિષ્ટતાની છાપ પામેલી જૂની ઢબની પણ સુંદર કવિતા આપે છે. એ કવિઓની સાથે ઉશનસ્, પાઠક આદિ બેસે છે. બનવાજોગ છે કે આ સર્વ કવિઓની જૂની ઢબની કવિતા વધુ લાંબો વખત આહ્‌લાદક રહેશે. જૂની કવિતાના વિષયમાં જ પ્રાસંગિકતા, તત્કાલીનતા ઓછી જણાય છે, અને એમાંના સંવેદનને કવિઓએ સ્મૃતિમાં વધુ ઠરવા દીધેલું જણાય છે. નવલકથા, નવલિકા અને નાટકનો પ્રદેશ ઘણો વિશાળ છે. તેમાં નિર્માણ પુષ્કળ થયું છે. અવેતન રંગભૂમિના ઉદય પછી, ચન્દ્રવદન અને ધનસુખલાલના પ્રયોગો પછી, લોકની નાટક-અભિરુચિ વધી છે ને સંસ્કારાઈ પણ છે. રાજ્યના પ્રોત્સાહન અને લોકની વધતી જતી વિલાસવૃત્તિએ પણ નૃત્ય-નાટકની પ્રવૃત્તિને વેગ આપ્યો છે. મોટાં શહેરોમાં હવે અભિનેતા અને અભિનેત્રીની ખોટ સાલતી નથી. પરંતુ ગંભીર નાટક માટે રુચિ પૂરતી કેળવાઈ નથી; અને ભાષાંતર-રૂપાંતરનું કામ સહેલું ને સસ્તું હોઈ નાટકમાં નવનિર્માણને અવકાશ ઓછો જણાય છે. નાટ્યકારની પ્રતિભા, રંગમંચનો અનુભવ અને નટસમુદાયનો સાથ હોય એવા નાટકકારો થોડાક જ છે. પરિણામે તખ્તાલાયકીની સામાન્ય સમજ હોવા છતાં પરિપૂર્ણ કલાઘાટ તરીકે નાટકો ઊતરતાં નથી. એ જ સ્થિતિ વધતે ઓછે અંશે નવલકથા અને નવલિકાની છે. આ સ્વરૂપોની ઇયત્તામાં વર્તમાનપત્રોએ ખૂબ ફાળો આપ્યો છે. વર્તમાનપત્રો સિવાય આટલી બધી અને સુવાચ્ય ગણાય એવી વાર્તાઓ, નવલકથાઓ પ્રગટ થાત નહીં. પણ વર્તમાનપત્રને કારણે લખાય તેમ પ્રસિદ્ધ કરવાની સગવડને લીધે અને પાનાંની સંખ્યા પ્રમાણે પુરસ્કાર હોવાથી – નવલકથામાં સંવિધાનની શિથિલતા ને અકારણ લંબાણ આવે છે. વળી લોકની રુચિને સંતોષવાની લાલચ નથી હોતી એમ નહિ. નવલકથામાં પરિપૂર્ણ કલાઘાટ નથી આવતો તેનું કારણ આ છે. આપણા ઉત્તમ નવલકથાકારો પણ કોઈ ને કોઈ રીતે શિથિલ પડ્યા છે. બાકી, જીવનનો અનુભવ, લોકવાણીનું પ્રભુત્વ, પાત્રો અને વિષમ ઘટનાઓની પકડ, વિચારઃ એ બધું આપણા જૂનાનવા અનેક નવલકથાકારોમાં-ચૂનીલાલ, સોપાન, દર્શક, પન્નાલાલ, પીતાંબર, મડિયા, પેટલીકર આદિ અનેકમાં છે, તેમાંના કેટલાકમાં તો કલાવિધાનની ઉત્તમ શક્તિ છે. તેમની ટૂંકી વાર્તામાં એ જણાઈ આવે છે, પણ નવલકથામાં પૂરતી પ્રગટ થતી નથી. અર્વાચીન નવલકથાઓનું સામાજિક વિવેચન તરીકે ઘણું મૂલ્ય છે એમ સ્વીકારવું જોઈએ.

(૭)

આ વિહંગાવલોકનમાં મેં પ્રેરણા, વૈયક્તિક શક્તિ, નિરૂપણસામગ્રી અને સંવિધાનકૌશલ ઉપર ધ્યાન દોર્યું છે. લોકરુચિની જેમાં તાણ ન હોય, આર્થિક લાભની જેમાં ગણતરી ન હોય, લોકપ્રિયતા જેની સ્વરૂપ તરીકે અણસરખી હોય અને દળમાં ટૂંકી હોય એવી રચનાઓમાં સાહિત્યકાર સૌષ્ઠવનું કૌશલ વિશેષ દાખવે છે. સૉનેટ અને ટૂંકાં ઊર્મિકાવ્યોમાં અને ટૂંકી વાર્તામાં કલાની દૃષ્ટિએ આધુનિક સાહિત્યકાર વિશેષ સફળ થયો છે. મડિયા, પન્નાલાલ, બ્રોકર તેમ જ પીતાંબર પટેલ ને ઈશ્વર પેટલીકરે, કેટલાક તેમની પછીના નવીનોએ પણ ટૂંકી વાર્તામાં અસાધારણ સંવિધાનકૌશલ બતાવ્યું છે. ગુજરાતી ઊર્મિકાવ્યો, ગુજરાતી સૉનેટો અને ગુજરાતી ટૂંકી વાર્તાઓ ભારતની ઉત્તમ વાર્તાઓમાં ગણતરી પામી શકે. એકાંકી વાંચવાનું નહીં પણ ભજવવાનું એટલે એના ઉપર બીજાં બળોએ કામ કર્યું છે. મોટાં નાટકો અને મોટી નવલકથાઓમાં આપણો સાહિત્યકાર પોતાની સામગ્રીની કલાની જ દૃષ્ટિએ અથેતિ ત્રેવડ કરતો નથી. એને સારુ અપવાદરૂપ સાહિત્યિક નમૂના કોઈ કોઈ વાર મળી જાય છે, પણ તે ઊલટું બાકીની આપણી સંપત્ કેવી મધ્મમ છે તેની જાહેરાત કરે છે. નવલકથા, ટૂંકી વાર્તા ને નાટકના લેખનમાં બહેનોએ પણ ગણનાપાત્ર સિદ્ધિ મેળવી છે. તેઓ કદાચ આકારસૌષ્ઠવ માટે વિશેષ કાળજી રાખી શકે. નવલકથાનું તનુસ્વરૂપ (tale જેવું) ઉદ્‌ભવ્યું છે તેમાં સુષ્ઠુ સંકલનાની અપેક્ષા સંતોષાય તેમ છે. નાટકને જોખમ છે ઉપસ્કરના અતિરેકનું, સિનેમાના અનુકરણનું, સસ્તા મનોરંજનનું. કોઈ નવા વાદનું જોખમ તેને ખાસ નથી. એ આવશે તોય તેને સામાજિકોનું શાણપણ પી જશે, પરંતુ નવલકથાને અને ખાસ કરીને કવિતા અને ટૂંકી વાર્તાને પ્રગતિ, વાસ્તવિકતા અને પ્રયોગને નામે બહુ હાણ થશે એવી મને ભીતિ છે. આખી દુનિયાની કલાપ્રવૃત્તિમાં નૂતન પ્રયોગવૃત્તિ દેખા દે છે. કવિતામાં તેમ ચિત્રકલા, શિલ્પ આદિમાં એણે ધ્યાન ખેંચવાનો યા સ્વકીય ‘કિંચિત્’ પ્રગટ કરવાનો નવો વિધિ ઉપજાવ્યો છે, જે સ્વૈરવિહારી છંદ હોવાથી કલાવિધિના નામને પણ ભાગ્યે લાયક હોય. કલા માટે તેણે મૂલે-કુઠાર કર્યો છે, કેમ કે તેમાં સૌન્દર્ય સર્જવાની નેમ નથી, આનંદ આપવાનું પ્રયોજન નથી. કળાને સામાજિક, ધાર્મિક કે નૈતિક સહેતુકતાનું બંધન નથી, એને એના પોતાના ગર્ભમાં રહેલા સત્ત્વનું જ બંધન છે, એટલું તો ભારતીય તેમ જ પાશ્ચાત્ય મીમાંસકોએ સ્વીકાર્યું છે. પણ હવે તો કલાતત્ત્વ અને કલાકાર્યમાં આમૂલ ફેરફાર મંગાતો થયો છે. ભલે એ નવી વિચિત્રતાને કલાનું અભિધાન આપવું હોય તો આપણે પરંપરાથી જેને કલા કે કવિતા કહીએ છીએ તેને બીજું નામ આપવું પડશે. અવાજની અમુક કક્ષા આવે છે ત્યારે તેને ભાષા કહીએ છીએ, અમુક કક્ષાએ તેને ભાષણ કહીએ છીએ. તેમ સૌન્દર્ય સાધનાર અને નિરતિશય આનંદ આપનાર વૈયક્તિક આવિષ્કારનું કાંઈક બીજું નામ પાડવું પડશે. મારે ભારપૂર્વક કહેવું પડશે કે નવી પ્રયોગશીલ કવિતામાં કવિતાના વ્યાપારનું દર્શન થાય છે, કવિતાનું નહિ. એમાં માનસનું અવયવવિજ્ઞાન છે, દ્રવ્યવિજ્ઞાન છે, માનસછેદ છે, જેમાં ભાવક કરતાં માનસશાસ્ત્રી અને ચિત્તવૈદ્યને વધારે રસ પડે. જીવનનું વાસ્તવ, પ્રકૃતિનું વાસ્તવ કે ચિત્તનું વાસ્તવ એ કવિતા નથી. એ વાસ્તવ જે રૂપમાં આપણને પ્રત્યક્ષ થાય, એનું જે કંઈ સંવેદન થાય, તેને કલા રૂપે પ્રગટ કરવા પહેલાં સ્મૃતિમાં ઠરવા દેવું જોઈએ. આવિર્ભાવ માગતું દ્રવ્ય કાગળ ઉપર અક્ષર પાડવા માંડીએ ત્યારે જે આકાર ધરતું થાય એમ ગણવું યથાર્થ નથી. ચિત્તની અંદર તેનું પુદ્‌ગલ બંધાઈ ગયું હોવું જોઈએ; તો જ તે વાહનમાં યથાવત્‌ ઊતરે, અને ઊતર્યું છે કે નહિ તેની ખાતરી પણ થઈ શકે. અનુભવદ્રવ્યનું અવ્યાકૃત રૂપ તેનું ઉપાદાન પણ અંદર જ પસંદ કરી લે છેઃ એ શબ્દમાં વહેશે, સંગીતરૂપ થશે, ચિત્ર કે શિલ્પ થશે તેનો નિશ્ચય પણ અનુવદદ્રવ્યની અવ્યાકૃત સ્થિતિમાં જ થાય છે. પ્રવાહી, હવાઈ, ઝાંખી જેવા તરલ, ક્ષણભંગુર સંવેદનને અંદર કયું તત્ત્વ ઘાટ આપે છે? એના બીજમાં જ એને ઘાટ આપનાર વીર્ય છે. સૌંદર્યનું સર્જન ઇપ્સિત હશે તો એ બીજમાં એ હશે જ. સંવેદનને પુદ્‌ગલનું રૂપ આપનાર કાં તો સૌંદર્ય ગ્રહણ કરનારી લબ્ધિ હશે, પ્રતિભા (Imagination) હશે, જે એ રીતે અનુભવમાત્રનું રૂપાંતર કરી શકે છે; અથવા કોઈ અચળ શ્રદ્ધા હશે જે સર્વ અનુભવને સુવ્યવસ્થિત કરે છે. એનો અર્થ એ કે સૌંદર્ય બીજમાંથી સૌંદર્ય નીપજતું હોય કે કોઈ જીવનશ્રદ્ધા અનુભવને મઠારતી હોય, સ્મૃતિ પરામર્શ અને સેવનથી તેનું પુદ્‌ગલ રચાય છે. ચિત્તની અસ્વસ્થતાનું નિરૂપણ કરવા સારુ પણ કલા માનસિક સ્વાસ્થ્ય માગે છે. (એવી અસ્વસ્થતાનું નિરૂપણ આજ પહેલાં ઘણાં કવિઓએ કર્યું છે.) ઉચિત-અનુચિતનો, આવશ્યક અનાવશ્યકનો વિવેક તો જ શક્ય બને છે. કલાપ્રવૃત્તિ એ પદાર્થને તેના સ્વાભાવિક સંદર્ભમાંથી અળગી કરીને જોવાની પ્રવૃત્તિ છે, જેથી તેનું હાર્દ, તેનું પોતાનું સૌન્દર્ય પ્રત્યક્ષ થાય. ચિત્તમાં પણ અનુભૂતિનું એમ જ કરવાનું છે. સંવેદન તેનું હાર્દ તો જ અર્પી શકે જો તેના આકસ્મિક વળગણોથી તેને છૂટું પાડો. વનસ્થલિના આભોગનું દર્શન કરવું હોય તો વૃક્ષરાજિ સાથે હોય તે યોગ્ય છે, પણ એકલા આમ્રવૃક્ષનું સૌંદર્ય જોવું હોય તો બીજાં વૃક્ષોથી અળગું પાડી, યોગ્ય ભૂમિકામાં ને યોગ્ય પ્રકાશ-છાયાના સંયોજનમાં તેને જોવું પડે. સૌંદર્યલબ્ધિની આંતરિક પ્રવૃત્તિ પણ ચિંતન માગે છે, જેથી પદાર્થનું હાર્દ યદૃચ્છયા પ્રસક્ત વસ્તુઓથી જુદું પડે. કવિના પ્રત્યક્ષ શબ્દવિન્યાસના કર્મપ્રસંગે આ વ્યાપાર અલ્પસ્વલ્પ અંશે ચાલુ રહે ખરો, પણ શબ્દવિન્યાસનું કર્મ કરતાં કરતાં વિવેકસિદ્ધિ, સૌંદર્યસિદ્ધિ કે ચમત્કારસિદ્ધિ થઈ જશે એમ જો મનાતું હોય તો, કલા ને કવિતા કોઈ યંત્રવત્ વ્યાપાર છે, જેમાં કવિની કલ્પના કરતાં તેની કલમે વધારે કરવાનું છે, એમ માનવું પડે. કલાકારને કે કવિને કશું પ્રત્યાયન કરવાનું નથી, આ કૃતિ છે ને તમારો પ્રતિભાવ જે થાય તે ખરો, એમ કહેવું પણ બરાબર નથી. કલાકારનો જે આત્મલક્ષી ઉદ્દેશ છે તે જ તેનો પરલક્ષી ઉદ્દેશ છે. ભાષા, લય, પ્રતીક, અલંકાર જે પોતા માટે છે તે જ ભાવક માટે છે. ભાષા પોતે ઘડેલી, પોતાને જ ઉપયોગમાં લેવાની ‘પારસી’ ન હોય તો, એ ભાવક અને કવિની વચ્ચે સમાન ભૂમિકા પૂરી પાડે છે. કવિ કલાકૃતિ રચે છે પોતાના દિલમાં કલાકૃતિ પુનઃ પ્રગટાવવા માટે અને તે જ રીતે અન્ય ભાવકમાં પ્રગટાવવા માટે. કાવ્ય કે ચિત્ર કે શિલ્પનું પુનઃ પુનઃ સર્જન થાય છે. અવયવ ને અવયવી, અવયવી ને અવયવ, અખંડ-સખંડ, સખંડ-અખંડ એમ સર્જન ને ભાવક વચ્ચે કૃતિવિષયક પરંપરા ચાલ્યા કરે છે. સંસૃતિગત જીવનમાંનો ખંડ કવિની કલ્પનામાં અખંડ એકમ થાય છે, ‘કાવ્ય’ બને છે, તે અવયવોમાં પૃથક્‌કૃત થઈ ભાષામાં અવતરે છે, ને અન્વિતિનું અભિધાન થાય છે. કવિની એ ભાષામય કૃતિ અભિહિત તરીકે સખંડ બનીને અવયવે અવયવે ભાવકમાં પ્રવેશે છે અને ભાવકના ચિત્તમાં ફરીથી અભિહિતનો અન્વિતિ રૂપે સ્ફોટ થાય છે, કિંવા અભિહિત (representation) કાવ્ય રૂપે પુનઃ જન્મે છે. ચિત્તની શક્તિ પદાર્થને સમન્વિત કરે છે. આમ અન્વિતિમાંથી અભિધાન થાય છે, તો અભિધાનમાંથી અખંડ અર્થરૂપ અન્વિતિ કે સ્ફોટ થાય છે. ચિત્રકાર કે શિલ્પકાર કરતાં કવિ ઉપર ઉપાદાનકારણ ભાષાનો વિશેષ અંકુશ છે. ચિત્રની કે શિલ્પની બહાર રંગ, રેખા કે પથ્થરનો કોઈ અર્થ નથી, સિવાય કે થોડાક દાખલાઓમાં લોકસમુદાયે અમુક રેખા કે રંગનો (દા. ત., ક્રૉસ કે સ્વસ્તિકને, મયૂરને કે હંસને યા ભગવા કે શ્યામ રંગને) અમુક અર્થનું પ્રતીક ગણ્યું હોય. પરંતુ કવિનું વાહન, એ ભાષાને ગમે તેટલો ઓપ આપે, તેનો વિવેકથી વિનિયોગ કરે, જૂના અર્થ જાગૃત કરે, લયથી અર્થને સંનદ્ધ કરે છતાં, કવિને ઘણે અંશે સમાજ સાથે બાંધેલો રાખે છે. એ એની મર્યાદા છે. એ મર્યાદા લાગતી નથી કેમ કે ભાષાનું વાહન સમૃદ્ધિશાલી, કલામય ને સૂક્ષ્મ છે. સામાન્ય લોક વ્યવહારમાં શબ્દો વાપરે છે તે કરતાં કવિ પાસે અનેકગણા શબ્દો હોય છે. અને ઉપરાંત, એ લયની છટાઓ યોજી કે સર્જી ભાષાને કવિતાનું વિશિષ્ટ વાહન બનાવે છે, જે પરિચિત છતાં અપરિચિત લાગવાથી વાચકના વિસ્મયને ટકાવી રાખે છે. કલાની દૃષ્ટિએ વાસ્તવ વાસ્તવ તરીકે અર્થહીન છે, એમાં કશી સાર્થકતા (significance) કલાકાર વ્યક્તિ તરીકે જુએ છે, અને તેને આકસ્મિક કે આગંતુક અંશોથી એ એવા તાટસ્થ્ય ને સમતાથી જુદું પાડે છે અને કલાના ઉપાદાનમાં વ્યક્ત કરે છે કે તેનો વૈયક્તિક પ્રભવ કે વૈયક્તિક સંબંધ વિલય પામી તે સર્વજનીન મહત્ત્વ ધારણ કરે છે. સાહિત્યકાર સાર્થકતા જુએ જ નહિ. વૈજ્ઞાનિકની પેઠે બધું સરખા મૂલ્યનું ગણે, અથવા વામબુદ્ધિથી ખોટી કે ગૌણ સાર્થકતા જુએ તો એ કલાકારનો જ માર્ગ કે ધર્મ ચૂક્યો છે એમ ગણવું પડે. “Such a curtailment of the essential is not art, but a trick which exploits mutilation in order ot assert a false claim to reality. Unfortunately, men are not rare who believe that what foreibly startles them allows them to see more than the facts which are balanced and restrained, which they have to woo and win. Very likely, owing to the lack of leisure, such persons are growing in number, and the dark cellars of sex-psychology and drug-stores of moral virulence are burgled to give them the stimulus of aesthetic reality.” “Its expressions are often grimaces, like the cactus of the desert which lacks modesty in its distortions and peace in its thorns, in whose attitude an aggressive discourtesy bristles up, suggesting a forced pride of poverty.” (Tagore) ટાગોર જેવા કવિ ને વિચારક આર્ત ને તાર સ્વરે આવી ચિકિત્સા કરે ત્યારે તેને સત્કારવાની જરૂર આપણે જોઈએ. તેઓ પોતે ઉપદેશક કે ફિલસૂફ હતા એમ એમણે કહ્યું નથી; પોતે કલાકાર વિના કાંઈ નથી એમ જણાવતા; કલાનું કામ ઉપદેશ આપવાનું નથી એમ વારંવાર કહેતા. કલાના ક્ષેત્રમાં જ તેમણે અનેકાનેક પ્રયોગ કર્યા છે. એટલે કોઈ પરંપરાનુસારી નીતિમૂઢ માનસનો આ ઉદ્‌ગાર છે એમ કોઈ નહિ જ માને. કવિ કે વાર્તાકાર સૌન્દર્યની જ શરત પાળશે, સમતા ને તાટસ્થ્યથી પોતાનાં સંવેદનોને અવલોકશે, ઠરવા દેશે, કલ્પનાથી તેનો અખંડ અધિગમ કરશે, કલા-ઉપાદાનનાં બલાબલ જોશે, તો કલાપ્રદેશથી બહારના કોઈ નિયમને અનુસરવાપણું તેને લાગશે જ નહિ.

(૮)

સાહિત્યિક અવસ્થાનું થોડુંક નિદાન જાગતિક પરિસ્થિતિમાં મળે છે. રાજકારણ, અર્થકારણ, સામૂહિક શિસ્ત ને સામૂહિક પ્રવૃત્તિઓ, યંત્રવાદ ને યંત્રનિષ્ઠા, એ સૌના પરિણામે સાહિત્યકાર કંઈક સંકોચાયો છે. યંત્રો અને નગરોના જંગલી ધાંધલમાં એ લાચાર બની ગયો છે. ઉમાશંકર જોશીએ હમણાં એક અંગ્રેજી પ્રવચનમાં જણાવ્યું તેમ સાહિત્ય જીવનના બીજા પરમ અર્થો સાથે તેની યોગ્યતા અનુસાર સ્થાન પામ્યું છે. એ પહેલાં કરતાં ઓછું અલબત્ત છે, પણ તેનો તેમને રંજ નથીઃ વિજ્ઞાન, અભ્યુદયપ્રવૃત્તિ, તર્કનિષ્ઠા, લોકશાસન પોતપોતાનાં સ્થાને આવે ને સાહિત્ય પરિબળ તરીક સહેજ ઓછું સમર્થ થાય તે અનિષ્ટ નથી. પરંતુ સકળ કલાપ્રવૃત્તિ કોઈ સમૂહતંત્રની કે વાદની દાસ બને, તેના ઉપર સીધાં કે આડકતરાં નિયમનો આવે, અને તેમાંથી વસ્તુતઃ કલાકારના સ્વતંત્ર વ્યક્તિપણાનો છેદ જ ઊડી જાય તો પછી સાહિત્ય કે કલા સાહિત્ય કે કલા નહિ, તેનો આભાસ કે પડછાયો જ રહે છે. વિજ્ઞાન અને યંત્ર વ્યક્તિનિષ્ઠ નથી; કલા વ્યક્તિનિષ્ઠ ન હોય તો એમાં ને યંત્રમાં કશો ફરક નથી. આપણું જીવન એટલું બધું યંત્રારૂઢ અને યંત્રનિષ્ઠ બની ગયું છે – અને યંત્ર હંમેશાં પ્રત્યક્ષ ઉપયોગિતા ઉપર નિર્ભર છે – કે કલા પણ યંત્ર જેવી અને યંત્ર જેમ ઉપયોગી થઈ જાય એવો ભ્રમ પેદા થાય છે. તર્કવાદ, વિજ્ઞાન અને યંત્રની ઉપયોગિતા સ્વીકારવા છતાં જો તેને પરિણામે કલાકારની આ લાચારી આવતી હોય તો પ્રશ્ન બહુ ગંભીર બને છે. ઉમાશંકર તો સૂચવે છે કે યંત્ર અને સમૂહવાદ આગળ કલા તેમ વિજ્ઞાન પણ પાછાં હઠી ગયાં છે; અને વિજ્ઞાની પણ કલાકારની જેમ લાચાર બન્યો છે. આ ચૈતસિક અવસ્થાના સંદર્ભમાં સાહિત્ય પરત્વે નવી શ્રદ્ધાના ઉદય માટે વિચાર જરૂરી છે. મનુષ્યને કોઈ પણ પદાર્થના સત્યપણાની વધુમાં વધુ ખાતરી હોય તો તે પોતાના અસ્તિત્વ વિશે છે, કેમ કે તે સ્વયંપ્રકાશિત છે. માનવનો આન્તરવિકાસ અને તેની સંસ્કૃતિનો ઉદ્‌ભવ આ આત્મસાક્ષિત્વમાં રહ્યો છે. આત્માની શરીરવિલય પછીની સ્થિતિ વિશે ગમે તેવી શ્રદ્ધા-અશ્રદ્ધા હોય, તેને આત્મા, સત્ત્વ, જીવ, ચેતસ્ તરીકે ભલે ઓળખવામાં આવતો હોય, તેની સિદ્ધિ, તેનો વિકાસ, તેના દોષોનો પરિહાર એ મનુષ્યનો મોટો પુરુષાર્થ ગણાયો છે. મનુષ્યની બાહ્ય પ્રવૃત્તિમાં ચેતસ્ બાહ્ય પદાર્થમય થઈ જાય છેઃ તે બીજાનો સાક્ષી થાય છે, પોતાનો નહિ. આ એક વિપરીતતા છે! પોતાપણું જ્યાં પ્રગટ થાય એમાં માણસને અતિશય આનંદ આવે છે. કલાની પ્રવૃત્તિ આત્મસાક્ષિત્વ આપી નિરતિશય આનંદ નિપજાવે છે. સાહિત્ય કે કલા અભિવ્યક્તિ દ્વારા આત્મસિદ્ધિ કરાવે છે એમ ગણીએ તો એ સર્વ ‘મૂલ્યો’માં પરમ ‘મૂલ્ય’ છે, પરમ ભદ્ર ને પરમ મંગલ છે. એ રીતે એટલે કે પરમસિદ્ધિના એક “યોગમાર્ગ” તરીકે તેને ન ગણીએ તોપણ સાહિત્ય એ બીજાં સર્વ મૂલ્યોને આવરી લેતું મૂલ્ય છે, તેમનો નિકષ છે. વાહનને મુકામની ખબર નથી, ઔષધને દરદીની જાણ નથી, તેમ વિજ્ઞાન અને યંત્રને પોતાને દિશા કે ધ્યેય છે નહિ. એ દિશા ને ધ્યેય મનુષ્યે આપવાનું રહ્યું. એ માનવધર્મથી, હૃદયધર્મથી આપી શકાય. ધર્મચિંતન, દર્શન કે લલિત સાહિત્ય એ આપી શકે; લલિતસાહિત્ય વિશેષે કરીને આપી શકે, કેમ કે એમાં હૃદયધર્મની વાત સાક્ષાત્કારરૂપે માનવહૃદય પામે છે. તંત્ર, યંત્ર કે વિજ્ઞાનનું વસ્તુગત સ્વરૂપ ગમે તે હોય, તેનું ખરું સત્ય તો તેના માનવીય મૂલ્યમાં રહેલું છે, અને તેનું દર્શન કવિ જ કરી શકે. કવિએ પોતાની ચૈતસિક રસાયનશાળામાં જીવનના બધા જ પદાર્થો ને બધાં જ મૂલ્યો આણવાનાં છે. કલ્પનાની પાંખ એ શું કામ સંકોચાવતો હશે? એની ઊંડળમાં એણે સકલ જગતને અને સકલ જીવનને આણવાનું છે. રવિ સુધી કવિને જવાની વાત મિથ્યા નથી. રવિનું વસ્તુગત સત્ય પ્રકૃતિ પાસે હશે તે હશે, તેના કરતાં પૂષન્ તરીકે, બુદ્ધિના પ્રેરણાદાતા તરીકે તેનું સત્ય વધારે સાચું છે, ને એ જ ઋગ્વેદનો કવિ ગાય છે. સર્વ લક્ષ્ય પદાર્થ પાછળ જે અલક્ષ્ય નિયામક તત્ત્વ છે તેના પ્રકાશમાં કવિ જુએ અને પદાર્થમાત્રનું રહસ્ય પ્રગટ કરે. કવિતાની આ સહજ ક્રિયા (function) છે, તો કવિનો આ સહજ ધર્મ છે કે એના વ્યાપમાં આવતા જીવનખંડને એ પોતાની એટલે કે માનવીય દૃષ્ટિએ જુએ. તેની દૃષ્ટિ જેટલી વિશદ ને સૂક્ષ્મ તેટલી એ સર્વ માનવની પ્રતિનિધિ થવાની. આ પ્રશ્નમાં મને ઓગણીસમી સદીના અનેક કવિઓ ને વિવેચકોની સમજણ વાજબી લાગે છે. “Poetry is the breath and finer spirit of all knowledge; it is the impassioned expression which is in the countenance of all science. xx He is the rock of defence of human nature; an upholder and preserver, carrying everywhere with him relationship and love. xx The poet binds together by passion and knowledge the vast empire of human society; as it is spread over the whole earth, and over all time. xx Poetry is the first and last of all knowledge-it is as immortal as the heart of man.” (Wordsworth) “Poetry is indeed something divine. It is at once the centre and circumference of knowledge; it is that which comprehends all science, and that to which all science must be referred.” (Shelley) “More and more mankind will discover that we have to turn to poetry to interpret life for us, to console us, to sustain us. Without poetry our science will appear incomplete, and most of what now passes with us for religion and philosophy will be replaced by poetry.” (M. Arnold) – આપણે વિરાટ પ્રતિભાની વાટ જોઈએ; આપણી કવિ વિશેની શ્રદ્ધા ઢીલી ન કરીએ. કવિતા એ સર્વક્લેશસમાધાનનું રસાયણ છે, કેમ કે એ આત્માની આંતરતમ સમાહિત સ્થિતિમાંથી પ્રગટ થાય છે.

(૯)

ગોવર્ધનયુગના પંડિતો જેવા ઉચ્ચતમ કક્ષાના પંડિતો ગુજરાતમાં આજે ઓછા હશે, પરંતુ વિદ્યાકીય વાતાવરણ સંતોષજનક છે અને ઊંચી આશા જન્માવે છે. ગાંધીજીની વિદ્યાપીઠે અમદાવાદમાં ઉત્તમ વિદ્વાનો ભેગા કર્યા હતા અને એણે ઉચ્ચ સાંસ્કૃતિક મૂલ્યની વિદ્યાની પ્રણાલી અને શિષ્યોની પરંપરા ઊભી કરી હતી. બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ગ્રંથોનો ત્યાં વ્યવસ્થિત અભ્યાસ થયો અને તેનાં પ્રમાણભૂત પાઠ અને વિવરણ સહિત પ્રકાશનો થયાં. સામાજિક વિદ્યાઓનો પણ નવેસરથી અભ્યાસ થયો. ગુજરાતી જોડણીને સ્થિરતા આપતો જોડણીકોશ બહાર પડ્યો. રાજકીય ઝંઝાવાતમાં વિદ્યાપીઠની શુદ્ધ વિદ્યાકીય પ્રવૃત્તિ મંદ પડી, પણ જે વિદ્વાનો તેણે સિદ્ધ કર્યા તેમણે પોતપોતાનું કામ ચાલુ રાખ્યું. એમની વિદ્યાનો પ્રવાહ ગુજરાતની આજની યુનિવર્સિટીઓમાં ભળી ગયો છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં અલગ યુનિવર્સિટીઓ સ્થપાઈ. એને લીધે વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, વૈદ્યક, યંત્રવિદ્યા વગેરે સારુ અનેક માર્ગ ખુલ્લા થયા. પ્રાદેશિક યુનિવર્સિટીઓનું અત્યંત મહત્ત્વનું એ કામ થયું કે બધી યુનિવર્સિટીઓમાં અને ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી અને તેની સંસ્થાઓમાં સર્વ વિષયોનાં વિવરણ અને ચર્ચા ગુજરાતીમાં થવા લાગ્યાં. ઉચ્ચ કેળવણીની બોધભાષા બાબત કલેશકર ઝઘડામાં ગુજરાત યુનિવર્સિટીએ દૃઢતાથી ગુજરાતીનો જ પુરસ્કાર ચાલુ રાખ્યો. તાત્કાલિક ઘણી મૂંઝવણ થઈ, પણ પરિણામે અધ્યાપકો વિનયનના વિષયોનું જ નહિ- તે કામ પ્રમાણમાં સહેલું હતું – પણ સંપત્તિશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, યંત્રવિદ્યા, વૈદ્યક આદિનું અધ્યાપન ગુજરાતીમાં સરળતાથી કરતા થયા. ગુજરાતીમાં અધ્યાપન કરવાની ફરજ પડવાથી, હું સમજું છું કે તેમનું પોતાના વિષયનું જ્ઞાન પણ વધુ સિદ્ધ થયું હશે. વૈજ્ઞાનિક પરિભાષા ધીમે ધીમે ચોક્કસ રૂપ લેતી જાય છે અને વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઉપયોગી નીવડે એવાં વિશિષ્ટ વિદ્યાઓનાં પુસ્તકો પ્રગટ થવા માંડ્યાં છે. આ દિશામાં કામ વધારે ઝડપથી અને ચોકસાઈથી થવું જોઈએ. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાસાહિત્યમાં, ભાષાવિજ્ઞાન, ફિલસૂફી, ઇતિહાસ, પુરાતત્ત્વ વગેરે વિષયોમાં સંશોધનની અનુકૂળતાઓ વધી છે અને મૂલ્યવાન સંશોધન થયું પણ છે. ફાર્બસ સોસાયટી, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત રિસર્ચ સોસાયટી અને પ્રાચ્યવિદ્યામંદિર આદિ સંસ્થાઓનું કામ વધારે પ્રાણવાન થયું છે. નવી સંશોધન અને ઉચ્ચવિદ્યાની સંસ્થાઓ ઊઘડી છે. ઉચ્ચ વિદ્યાના પ્રદેશો વધ્યા છે, ઉચ્ચ વિદ્યામાં રસ વધ્યો છે, અને અભ્યાસ કરનારની સંખ્યા વધી છે. કેટલાક વિદ્વાનોનું પોતાનું કામ મહત્ત્વનું છે જ, તેમ તેમણે તૈયાર કરેલા વિદ્યાર્થીઓનું પણ કેટલુંક કામ ઊંચી કક્ષાનું છે. સંશોધનક્ષેત્રમાં કેટલીક વિદુષીઓનું અર્પણ વિસ્મય અને આનંદ ઉપજાવે છે. (સર્જન અને પાંડિત્ય બંનેમાં સ્ત્રીઓનું અર્પણ નોંધપાત્ર છે.) આ વિષય પરત્વે ત્રણચાર સૂચનો કરવા જેવાં છે. સંશોધનના વિષયોમાં વિવેકી પસંદગી થવી જોઈએ અને ઉપાધિ માટેના નિબંધોની કક્ષા ઊંચી જવી જોઈએ. ઉચ્ચ વિદ્યાનું કામ કરતા અધ્યાપકોનું અંગ્રેજી અને સંસ્કૃતનું જ્ઞાન ઘણું સારું જોઈએ એ તો ખરું, પણ તે ઉપરાંત એકાદ વધારે યુરોપી ભાષા અને એક-બે ભારતીય ભાષાઓનું તેમને જ્ઞાન હોવું જોઈએ. ભાષાવિજ્ઞાનના ઉત્તમ અધ્યાપકો મળી રહે તે માટે યુનિવર્સિટીમાં પ્રબંધ થવો જોઈએ, અને ભાષાવિજ્ઞાનના અભ્યાસ માટે તેમજ આપણી સર્વ બોલીઓના અન્વેષણ સારુ અદ્યતન વૈજ્ઞાનિક સાધનો સંશોધકોને સુલભ હોવાં જોઈએ. જૂનું સાહિત્ય, જેમાં હીર હોય તે પદ્ધતિસર પ્રગટ થાય એ ઇષ્ટ છે. પણ એવું હીરવાળું સાહિત્ય થોડાક ઓછા શાસ્ત્રીય સ્વરૂપમાં પ્રજાને મળે એ પણ જરૂરનું છે. ગુજરાતી ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રમાં સૌથી અગત્યનું કામ જૂની ગુજરાતીના સ્તરવાર વ્યાકરણનું અને એના શબ્દકોશનું છે. આને સારુ થોડી થોડી પૂર્વતૈયારી થઈ રહી છે. અર્વાચીન મૂલ્યવાન સાહિત્યમાંનું કેટલુંક – કવિતા, વાર્તા, વિવેચન, ભાષા, વ્યાકરણ, છંદ આદિની ચર્ચા ને તત્ત્વચિંતન માસિકોમાં ને ત્રૈમાસિકોમાં, અહેવાલોમાં, ખાસ અંકોમાં, સ્મારકગ્રંથોમાં રહેલું છે. કાં તો તે પુસ્તકઆકારે પ્રગટ નથી અથવા આજે અપ્રાપ્ય છે. આ કામ યુનિવર્સિટીઓ કરે અથવા તેમના સહકારથી સાહિત્યપરિષદ કરે. ગુજરાતી ભાષાના નવા વૈજ્ઞાનિક વ્યાકરણની તેમજ બૃહદ્ જોડણીકોશની જરૂર જેવી ને તેવી છે. એને માટેના અત્યાર સુધીના સર્વ પ્રયત્નો આદરપાત્ર છે, પણ આવું કામ એકલદોકલ વિદ્વાન કરી શકે નહીં. વ્યાકરણ ભાષાના પ્રત્યક્ષ પ્રયોગો ઉપર વધુ ધ્યાન આપીને રચાવું જોઈએ અને તેમાં શિષ્ટ અને ગ્રામલોકના જુદા જુદા વર્ગના વાણીવ્યવહારનો સમાવેશ થવો જોઈએ. વ્યાકરણની કોટિઓ ભાષાની ખાસિયતો ઉપરથી જ નક્કી કરવી જોઈએ. સંસ્કૃત, પ્રાકૃત કે અંગ્રેજી વ્યાકરણનું ચોકઠું બંધબેસતું નીવડ્યું નથી. આપણી પાસે જોડણીકોશ છે, અન પુષ્કળ શબ્દોનો સમાવેશ કરતો ગોમંડળકોશ છે. પણ મોટા કોશમાં શબ્દ અને અર્થ બંનેનો બને તેટલો ઇતિહાસ મળવો જોઈએ. જૂના લેખકોની કૃતિઓ જેમ જેમ સંપાદિત થઈને બહાર પડે છે, અપભ્રંશનો પરિચય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ આને માટે સામગ્રી વધતી જાય છે. વળી જોડણીનું ધોરણ એકંદરે સધાયું છે ખરું, પણ જોડણીનો પ્રશ્ન સદંતર ઊકલી ગયો મને લાગતો નથી. જોડણી બહુ અટપટી ન થઈ જવી જોઈએ અને છાપકામ સારુ બનતી સરળતા રહેવી જોઈએ. છતાં જોડણી શક્ય તેટલી ઉચ્ચારણાનુસાર રાખવી હોય તો અલ્પપ્રયત્ન હકાર, યકાર, વિવૃત ઍ, ઑ, શબ્દાન્ત ઈ વગેરે બાબતો ફરી તપાસવી જોઈએ. આ બંને કામ ભલે કોઈ સંસ્થા કે સંસ્થાઓ સાથે મળી હાથ પર લે, પણ તે એક વ્યક્તિને ન સોંપવું જોઈએ. એને સારુ ખાસ વિદ્વન્મંડળ નિમાવું જોઈએ. એ થાય તે પહેલાં પણ પરિષદ દ્વારા સંવિવાદો યોજી આ સંબંધી વારંવાર ચિકિત્સા થઈ શકે. સંશોધનાત્મક પ્રવૃત્તિનો પ્રત્યક્ષ લાભ તો આ છે કે આપણી વિદ્યાકીય સામગ્રી સમૃદ્ધ થાય છે અને ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓને નિબંધનની તાલીમ મળે છે. સાહિત્યની દૃષ્ટિએ લાભ એ થાય છે કે વ્યાખ્યા, વિવરણ અને વિવેચન માટેનું પ્રશાંત ગદ્ય ખીલતું આવે છે. એ ગદ્ય શિષ્ટ હોય છે, પણ વિશદતા અને સૌષ્ઠવ સિવાયનાં રમણીયતાનાં લક્ષણો તેને બિનજરૂરી છે. એ વાતચીતના ગદ્યથી તેમજ પત્રકારના ગદ્યથી પણ જુદું પડે છે. પત્રકારને કોઈ તાત્કાલિક પ્રશ્ન સમજાવવાનો હોય છે, ને વાચકનું ભાવાત્મક ધ્યાન અમુક મુદ્દા ઉપર સરળતાથી કેન્દ્રિત કરવાનો તેનો આશય હોય છે. તેને કેટલીક વાત વારંવાર કે નવેસરથી કહેવી પડે છે. વાતચીતની ઉત્તમ લઢણ-મિતાક્ષરતા, નર્મ, મર્મ, હૃદયસ્પર્શિતા શિષ્ટ ગદ્યમાં પણ કેટલાક લેખકો લાવી શકે છે. સરળ પ્રાસાદિક ને લયવાહી ગદ્ય લખનાર પણ થોડાક છે. કોઈ કોઈ લેખકો ભાષાની લઢણને અનુસરી નવા શબ્દો ને શબ્દગુચ્છો યોજે છે ને પ્રાદેશિક બોલીને સંસ્કારી, શિષ્ટ ભાષામાં તેને વહેતી કરે છે. આ કામ નવલકથામાં ને વાર્તામાં વિશેષ થાય છે. આમ છતાં ગદ્યમાં, એકંદરે, પ્રૌઢિ ને સૌન્દર્યસિદ્ધિ ઓછી થઈ છે એમ મને લાગે છે. ઘણા ગદ્ય-લેખકો હકીકત-કથનથી આગળ જઈ શકતા નથી. વર્તમાનપત્રોમાં કેટલુંક સરસ કટાક્ષમય લખાણ આવે છે, પણ તેનો વિષય પ્રાસંગિક હોવાથી તેને ધ્યાન ખેંચવાનો લોભ સહેજે હોય છે. આપણો વ્યવહાર મોટે ભાગે કહેવાતા ગદ્યમાં ચાલતો હોવાથી સાહિત્યિક ગદ્ય વિશે કાંઈક ભ્રમ સેવાય છે. લાગણી અને કલ્પનાનો આવિષ્કાર પદ્યમાં જ થઈ શકે ને ગદ્ય તો સમજાવટની ને વિવરણની ભાષા છે એટલે સૌન્દર્યસંપન્નતાનો તેમાં અવકાશ નથી, એ વિચાર અધૂરો ને ઉપલક છે. પદ્ય કશો વિશેષ વર લઈને જન્મ્યું નથી. ભાવ અને કલ્પનાને બળે જો પદ્યમાં રમણીયતા જન્મે ને સિદ્ધ થાય તો તે જ પ્રેરણાથી ગદ્યમાં પણ તે સિદ્ધ થાય. વૈવિધ્ય જેમ પદ્યમાં આવે તેમ ગદ્યમાં પણ આવે. વિધિગતિ એવી થઈ છે કે કવિતાને ગદ્યનો લોભ થાય છે ત્યારે ગદ્યને ગદ્યત્વની પડી નથી. કદાચ બંને આ લોકશાસનના યુગમાં લોકભોગ્ય વાતચીતથી ઊંચે જવા માગતાં નથી! સાચી વાત એ હશે કે કવિતા ગદ્ય કે વાતચીત પાસે આવે છે તે નિર્વિશેષ વાતચીત માટે નહિ પણ તેની ભાવાનુપ્રવિષ્ટ છટા માટે.

(૧૦)

આપણા જીવન ઉપર પ્રબળ અસર કરનારી અર્વાચીન સંસ્થા તે વર્તમાનપત્ર છે. સામાન્ય નાગરિક એ દ્વારા જ સર્વ પ્રશ્નો પર અભિપ્રાય બાંધે છે. શાળા-કૉલેજ કરતાં પણ એ રહેણી-કરણી ને દૃષ્ટિ ઉપર વિશેષ અસર કરે છે. એ ઉપરથી એના ક્ષેત્ર અને જવાબદારીનો ખ્યાલ આવી શકશે. એ વિશે મારે ખાસ કહેવાની જરૂર નથી. પરંતુ વર્તમાનપત્ર જો આધુનિક જીવનની સાંસ્કૃતિક નિશાળ હોય તો તેના ધર્મ પણ કેળવણી-સંસ્થાઓ જેવા જ હોવા જોઈએ. એની નીતિમાં વધારેમાં વધારે ઉદારતા, એના અભિપ્રાયોમાં સહિષ્ણુતા ને સત્યનિષ્ઠા, સૂક્ષ્મ કે આડકતરી રીતે પણ અસત્ય કે અધર્મને માર્ગે પ્રજાને ન લઈ જવાય એ બાબત સાવચેતી, યોગ્ય માર્ગે દોરવાની જાગરૂકતા, ચિકિત્સા ન થાય ત્યાં સુધી અફવાઓનો અનાદર, અપરુચિપોષણનો ને વિતંડાનો તિરસ્કાર, સમાન્ય માનવીને સ્પર્શતા જીવનના બધા પ્રશ્નોમાં રસ, એ પ્રશ્નો વિશે અધિકારી વિશેષજ્ઞોના અભિપ્રાયનો પુરસ્કાર, એ બધું હોવું જોઈએ. શિષ્ટતા ને ચોકસાઈઃ એ બે ન હોય તો વર્તમાનપત્ર ગમે તેટલું ફેલાયેલું હોય તથાપિ ઓછા મૂલ્યનું ગણાય. જાહેરાતો વિના વર્તમાનપત્ર નભે નહિ, એટલે કે મોંઘું થવાથી સામાન્ય માણસને પરવડે નહિ, એ સમજી શકાય એમ છે, જોકે સિદ્ધાંતની દૃષ્ટિએ એ અયુક્ત છે. પણ જાહેરાતોમાં પણ લોકહિતની દૃષ્ટિએ વિવેક અનિવાર્ય હું ગણું છું. પત્રની શુદ્ધ નીતિને જાહેરાતો ઘણી વખત અંદરથી કોરી ખાય છે. સરકારના કે વર્ગહિતના દાસ કે દાસાનુદાસ બન્યાના વર્તમાનપત્રોમાંથી દાખલા મળી શકે તેમ છે. પરંતુ ભાષાસાહિત્ય સાથે એના સીધા સંબંધ પૂરતી જ વર્તમાનપત્ર વિશે હું વાત કરીશ. લગભગ દરેક ભણેલો માણસ આજે કોઈ ને કોઈ છાપું વાંચે છે. એને શુદ્ધ ભાષાનો પરિચય કરાવવો વર્તમાનપત્રનાં હાથમાં છે. એ કઠિન નથી. પણ છેલ્લાં થોડાં વર્ષથી ભાષા અને ભાષાંતર બંને પ્રત્યે ઘણાં વર્તમાનપત્રો ઉદાસીનતા સેવે છે. ખરું જોતાં, જાહેરખબરની ભાષા બાબત પણ પત્રોએ કાળજી રાખવી જોઈએ. સાહિત્યની દૃષ્ટિએ ગુણપક્ષે વર્તમાનપત્ર માટે ઘણું કહી શકાય. દિવાળીઅંકો દ્વારા વિદ્યા અને સાહિત્ય બંનેને તેણે પોષ્યાં છે. વર્તમાનપત્રો લેખકોને સારો પુરસ્કાર આપે છે. એટલે શક્તિશાળી લેખકોની કૃતિઓ – નિબંધો, વિવેચન, ચર્ચા, વાર્તાઓ, નવલકથા આદિ તેમાં આવ્યા કરે છે. કેટલાંક પત્રો બાળકો માટે પણ સુવાચ્ય સાહિત્ય નિયમસર આપે છે. એ સૌમાં સૌથી મૂલ્યવાન વિભાગ સાહિત્યવિવેચનનો મને લાગે છે. માસિકોમાં વિવેચનની ગતિ ધીમી પડી છે, ને તેમાં શાસ્ત્રીય કે પંડિત- ભોગ્ય વિવેચનને વધુ અવકાશ છે. વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમજ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રો સાહિત્યવિભાગ રાખે છે. નવાં નવાં પુસ્તકોની નોંધ એમાં તત્કાળ આવી જાય છે અને સામાન્ય વાચકને પુસ્તકવાચનનું માર્ગદર્શન મળે છે. બધી નવલકથાઓ અને વાર્તાઓનું અવલોકન માસિકોમાં શક્ય નથી, વર્તમાનપત્રોમાં એ એકંદરે શક્ય છે, એટલે આ ક્ષેત્રમાં એનું માર્ગદર્શન અત્યંત ઉપયોગી નીવડે છે. સાંસ્કારિક પ્રવૃત્તિઓ, સંવિવાદો, વ્યાખ્યાનો આદિની પણ વિવેચનાત્મક નોંધો આવે છે. આ અવલોકનકાર્યની પ્રશંસા કરવી જોઈએ. માત્ર એક સૂચના કરવી ઘટે છે. વર્તમાનપત્રમાં જેમ બીજા સમાચારોને ‘ચમકાવવાની’ જરૂર પડે છે તેમ સાહિત્યવિવેચનને ચમકાવવાની જરૂર નથી. લેખકના કે કૃતિના દોષને છાવરવાની જરૂર નથી, તો તેની ધજા ઉરાડવાની પણ જરૂર નથી. અતિપંડિતાઈનો ડૉળ એ ટાળે; સામાન્ચ વાચકનું દૃષ્ટિબિંદુ સામે રાખે એ જરૂરી છે. પણ અધ્યાપકી વિવેચનનો તે અણગમો ન કેળવે. તેજીને ટકોરો બસ છે; તીખાશ, કટુતા, ચચરાટથી વક્રતાની હવા પેદા થાય એ ઇષ્ટ નથી. બીજા વ્યવહારમાં તેમ અહીં પણ સમતા અને દક્ષિણદૃષ્ટિ જ છેવટે તો હિતાવહ છે.

(૧૧)

વર્તમાનપત્રની જેમ રેડિયો પણ શિક્ષણ અને સંસ્કારસિંચનનું અત્યંત બળવાન સાધન બન્યું છે. સ્વાતંત્ર્ય પછી તેનો વિસ્તાર વધ્યો છે, અને આપણા જીવન સાથે તેની તદાકારતા પણ સધાઈ છે. સરકારહસ્તક એ સંસ્થા હોવાને લીધે રાજનીતિના પ્રશ્નો અંગે એનું વલણ સરકારી નીતિનું સમર્થન કરવાનું યા તટસ્થ હોય છે, પણ એનાં અસંખ્ય અને વિવિધ સંભાષણોમાં વક્તાઓને એકંદરે અભિપ્રાયનું સ્વાતંત્ર્ય મળે છે. રેડિયોના બેત્રણ લાભ દેખીતા છે. એમાં વિષય અને અભિપ્રાયની વર્તમાનપત્રમાં શક્ય છે તે કરતાં વધુ વિવિધતા આવે છે, વર્તમાનપત્ર કે માસિકમાં ન લખનારનાં પણ પોતાના વિષયના જાણકારનાં સંભાષણ આવી શકે છે, અને વાર્તાલાપીની પોતાની વાણી સાંભળવા મળે છે. ગંભીર અને લલિત નિબંધ માટે રેડિયો ખૂબ અવકાશ આપે છે. છેલ્લાં ચારપાંચ વર્ષના ઘણા વિવેચનલેખો અને પ્રકીર્ણ લેખો પ્રથમ રેડિયોસંભાષણ તરીકે અપાયા હતા. સિદ્ધ તેમજ શિખાઉ કવિઓનાં કાવ્યો સાંભળવા મળે છે. આકાશવાણીએ પ્રાચીન-અર્વાચીન સાક્ષરોના કાર્યને પુરસ્કૃત કરી, તેમની વર્ષગાંઠ કે શતાબ્દી-અર્ધશતાબ્દી ઊજવી આપણા આંતરસત્ત્વને જાગૃત ને વહેતું રાખ્યું છે. એમ છતાં પૂરતી કાર્યક્ષમતા અને લાભ આપણને મળ્યાં નથી. વાતચીતની કે સંભાષણની કળા બહુ થોડાક જ બતાવી શકે છે. થોડાક જ કવિઓ પોતાનાં કાવ્યો સારી રીતે વાંચી કે ગાઈ શકે છે. વાંચવાની ને પાઠ કરવાની કળા આપણે સિદ્ધ કરી નથી. આકાશવાણીની પોતાની વાણી પણ કેટલીક વાર અશુદ્ધ હોય છે. ખોટા ભાષાંતરની અને વ્યાકરણની – ખાસ કરીને અનુસ્વારના ઉપયોગની અને ઉચ્ચારણની – ખામીઓ ટાળવી જોઈએ. અલ્પપ્રયત્ન ह, અસ્વરિત अ, વિવૃત્ત-અર્ધવિવૃત ए, તત્સમ શબ્દોના સમાસ, र, ल, વગેરેનું ઉચ્ચારણ પ્રાકૃત કે પરભાષી થાય છે. અન્ય ભાષાઓમાંથી ઉછીના લીધેલા કેટલાક શબ્દો ખોટા હોય છે. આપણું સાહિત્ય આકાશવાણીનો પૂરતો લાભ ઉઠાવી શક્યું નથી તેનું એક નિદર્શન એ છે કે આપણું ગદ્ય લખાણ લેખ જેવું કે પ્રકરણ જેવું થઈ જાય છે, નિબંધનું સૌષ્ઠવ કે નિબંધિકાનું લાલિત્ય તેમાં આવતું નથી. માસિકો, ત્રૈમાસિકો, વર્તમાનપત્રનાં કૉલમ અને આ પ્રત્યક્ષ સંભાષણની સગવડ તથા સ્થળકાળની મર્યાદાએ નિબંધનો જે આકાર સિદ્ધ કરી આપવો જોઈએ તે જણાતો નથી. શૈલીસૌન્દર્યસંપન્ન, ગંભીર નિબંધો અને લલિત વિનોદમય નિબંધિકાઓ ગુજરાતીમાં ઓછી છે. કાકાસાહેબ, વિજયરાય, જ્યોતીન્દ્ર દવે અને ચાવડા જેવા નિબંધકારોની સંખ્યા અલ્પ જ ગણાય. આપણાં માસિકો આ ક્ષેત્રમાં આ દૃષ્ટિએ ઘણું કરી શકે. સંગીત, નૃત્ય અને નાટકની આપણી સમજણ છેલ્લાં વીસેક વર્ષથી વધી છે. આપણા પ્રયોગો જૂની રચનાઓને અપનાવતા તેમજ પ્રગતિશીલ રહ્યા છે. ભારતીય તેમજ યુરોપી પરંપરાની ખૂબીઓ આપણે લાવતા રહીએ છીએ. આ ક્ષેત્રની પ્રગતિનો યશ કેટલીક વ્યક્તિઓને, શાળાકૉલેજોને, પ્રાયોગિક રંગભૂમિને, યુનિવર્સિટીઓને અને સરકારને ઘટે છે. સંગીત, નૃત્ય, નાટક આદિના વ્યવસ્થિત શિક્ષણની જોગવાઈઓ થવા લાગી છે. જયશંકર, રસિકભાઈ, ચન્દ્રવદન, ધનસુખલાલ, દીનાબહેન મર્ઝબાન, ઠાકર, પ્રાગજી, રાંદેરિયા, વિષ્ણુકુમાર, ટાંક આદિ અનેક નાટ્યરસિકોએ દિગ્દર્શનમાં સફળતા મેળવી છે, અને રંગભૂમિની શાસ્ત્રીય સમજણ વ્યાપક કરી છે. સરકાર આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કોઈ સ્વતંત્ર તંત્ર દ્વારા આપે તે વધુ યોગ્ય છે. તેને માટે અકાદમીઓ સ્થપાય તો યુનિવર્સિટીઓની જેમ તે સ્વાયત્ત સંસ્થાઓ બને ને રહે, અને સરકાર તેનો આર્થિક નિભાવ કરે. એની ઇનામી યોજનાઓમાં પણ આવી પદ્ધતિ જ ઇષ્ટ છે. આવી પ્રવૃત્તિઓ પોતાની રીતે વધે-વિકસે એમ સરકારે કરવું જોઈએ, નહિ તો, આજે નહિ તો કાલે, સરકારને તેમજ લેખક અને કલાકારને અજુગતાં પ્રલોભનો વળગશે. આર્થિક સંકડામણમાં આવી ગયેલા કલાકારો, લેખકો તથા વિદ્વાનોને સરકારે સહાયતા કરવાનું સ્વીકાર્યું છે તે અભિનંદનીય છે. આમાં પણ લેખકની લાચારીનું વધુ પડતું પ્રદર્શન ન થાય એવી રસમ અજમાવવા જેવી છે. એને માટે પણ અકાદમી દ્વારા કાર્ય થાય તો ઠીક. વધારે ઉચિત તો એ છે કે કલાવિદોને યોગ્ય કામ સોંપી તેમને ઉદાર પુરસ્કાર આપવો. અર્થકેન્દ્રી સમાજવ્યવસ્થામાં આવો વર્ગ આર્થિક હરીફાઈના સંકટમાંથી મુક્ત રહે તે હિતાવહ છે. આવી સંકડામણ સાંસ્કૃતિક કાર્ય કરતી સંસ્થાઓને પણ હોય છે. કેટલાંક સામયિકો કેળવણીની દૃષ્ટિએ વિદ્યાકીય સંસ્થાઓ જેવાં હોય છે. કલાપરિચય, સાહિત્યપરિચય, પ્રવાસવર્ણન, સ્વતંત્ર જીવનવિવેચન અને વાઙ્‌મયચર્ચા, ચાતુરાસંપન્ન કાવ્યવાર્તાઓ, શીલકથાઓ, સ્ત્રીપ્રશ્નચર્ચા, બાલસાહિત્ય વગેરે વડે લોકશિક્ષણનું કાર્ય તેઓ કરે છે. આમને પણ આર્થિક ટેકો મળતો રહે તો અભ્યુદયના કાર્યને જ સરકાર આગળ વધારી રહી છે એમ ગણાશે. લેખકોનાં મિલન, સંવિવાદસભાઓ અને કવિસંમેલનો ગુજરાતમાં જુદે જુદે સ્થળે યોજાય છે; એનો લાભ દેખીતો છે. સાહિત્યકારો ને વિદ્વાનો પરસ્પર પરિચય સાધે છે, પ્રશ્નો વધારે સ્પષ્ટ થાય છે, કેટલાક અભિપ્રાયો તર્કશુદ્ધિથી તરી આવે છે, દૃષ્ટિકોણોની વામતા ઓછી થાય છે, ચર્ચા, વાચન, સૌષ્ઠવ, સૌન્દર્ય આદિનાં ધોરણ બંધાય છે, અને સાહિત્ય અને સાહિત્યવિચારની પરંપરાઓ ઉદ્‌ભવે છે. છેલ્લાં વર્ષોમાં ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ખબરદાર આદિની સ્મૃતિ તાજી રાખવા ગુજરાતે સમારંભો યોજ્યા છે. આ વર્ષમાં કવિવર રવીન્દ્રનાથના શતાબ્દીપર્વે ઉત્કૃષ્ટ રમણીયતા ને માનવતાની વાસંતી હવા જન્માવી છે. સમગ્ર દેશમાં ખૂણે ખૂણે એનો આમોદ પ્રસર્યો છે. એક તેજસ્વી પ્રતિભા સાહિત્યવિષયક અનેક શંકાઓને નિર્મૂળ કરે છે અને ભાવના માટે ઉચ્ચ આદર્શ સ્થાપે છે. આપણા જીવનમાં ને સાહિત્યપ્રયોગોમાં આ સાહિત્યપૂષન્‌નું વરેણ્ય ભર્ગ આપણે પામીએ. આપણા વિદ્વન્‌મણિ આનંદશંકરની પ્રાર્થના ફરી ઉચ્ચારીએ કે “એ વાણી આપણી હો, કે જેનાં અંગેઅંગ તેજે ઘડ્યાં હોય, જે સદા જીવંત હોય, અને જે ‘આત્માની કલા’ – નામ સુકલિત અંશ, અને તે પણ આત્માનો અંશ-હોય.”