પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૫

From Ekatra Wiki
Revision as of 11:20, 28 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રી ભગવતીકુમાર શર્મા
પિસ્તાળીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી ભગવતીકુમાર શર્મા
  • નવલકથા, નિબંધ, નવલિકા, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે જેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે તેવા ભગવતીકુમાર શર્માનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ સુરતમાં થયો. પિતા હરગોવિંદભાઈ નાટ્યરસિક હતા અને માતાને વાંચનનો પુષ્કળ શોખ. બાલ્યાવસ્થાથી જ તેમને માતા-પિતાના ધાર્મિક સંસ્કારો મળેલા. શાળાનું શિક્ષણ સુરતમાં લીધું. ૧૯૫૦માં મૅટ્રિક થયા. તેમની આંખો નબળી હોવાને પરિણામે અને આંખોની તકલીફ વધતાં અભ્યાસ છોડવો પડ્યો. ૧૯૬૯માં ફરી અભ્યાસ શરૂ કર્યો. ૧૯૭૪માં ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થઈને ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની પદવી મેળવી. તેઓ બી.એ. થયા, ત્યારે તેમની ઉંમર ૪૦ વર્ષની હતી.

સુરતથી નીકળતું દૈનિક વર્તમાનપત્ર ‘ગુજરાતમિત્ર’માં ૧૯૫૪થી તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૯૪માં સહાયક તંત્રી તરીકે સેવાનિવૃત્ત થયા છે. ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ. એનો આઘાત એમને લાગેલો. એ આઘાતમાંથી પ્રેરાઈ તેમણે કાવ્યસર્જન કર્યું. એ તેમનું પ્રથમ કાવ્ય. તેમના લેખનનો પ્રારંભ ૧૯૫૦થી થયો. ‘પતનની એક પળ’ (૧૯૫૫) વાર્તા ‘સવિતા’ માસિકમાં પ્રગટ થઈ હતી. ૧૯૫૬માં પહેલી નવલકથા ‘આરતી અને અંગારા’ પ્રગટ થઈ. ભગવતીકુમાર શર્માની નવલકથાઓ પરંપરા સાથે અનુસંધાન સાધતી નવલકથાઓ છે. તેમણે આધુનિકતાનો સ્વીકાર કર્યો છે. તેમની નવલકથાઓમાં સામાજિક તત્ત્વ અને સંસ્કૃતિનું તત્ત્વ વિશેષ જોવા મળે છે. ‘મન નહિ માને’ (૧૯૬૨), ‘પડછાયા સંગ પ્રીત’ (૧૯૬૩), ‘ન કિનારો, ન મઝધાર’ (૧૯૬૫), ‘રિક્‌તા’ (૧૯૬૮), ‘વ્યક્ત-મધ્ય’ (૧૯૭૦), ‘ભીના સમયવનમાં’ (૧૯૭૨), ‘સમયદ્વીપ’ (૧૯૭૪), ‘ઊર્ધ્વમૂલ’ (૧૯૮૧), ‘અસૂર્યલોક’ (૧૯૮૭), ‘નિર્વિકલ્પ’ (૨૦૦૫) – તેમની નવલકથાઓ છે. ભગવતીકુમાર શર્માએ ‘દીપ સે દીપ જલે’ (૧૯૫૮), ‘હૃદયદાન’ (૧૯૬૧), ‘રાતરાણી’ (૧૯૬૩), ‘મહેકે મળી ગઈ’ (૧૯૬૫), ‘છિન્નભિન્ન’ (૧૯૬૭), ‘તમને ફૂલ દીધાનું યાદ’ (૧૯૭૧), ‘કંઈ યાદ નથી’ (૧૯૭૪), ‘વ્યર્થ કક્કો, છળ બારાખડી’ (૧૯૭૯), ‘અડાબીડ’ (૧૯૮૫), ‘અકથ્ય’ (૧૯૮૫), ‘ભગવતીકુમાર શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૭), ‘માંગલ્યકથાઓ’ (૨૦૦૧) વગેરે બાર વાર્તાસંગ્રહો આપ્યા છે. તે સાદી ઘટના અને સરળ ભાષાથી આધુનિક યુગચેતનાએ જન્માવેલી વિચ્છિન્નતા જગાડે તેવી છે. તેમની વાર્તાઓમાં ‘હું’ ટોળાનો ‘હું’ના કરતાં જુદા – આત્મનાશના માર્ગે જાય છે. તેમણે ચિંતનાત્મક અને લલિતનિબંધો આપ્યા છે. ભારતીય સંસ્કૃતિ, જીવનનાં મૂલ્યો, આદર્શો અને ભાવનાઓ તેમના નિબંધમાં દૃષ્ટિગોચર થાય છે. તેમના નિબંધોમાં તેમની ભાષાશૈલી, વિચારનું વૈવિધ્ય, ભાવનું વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. ‘શબ્દાતીત’ (૧૯૮૦), ‘બિસતંતુ’ (૧૯૯૦), ‘પરવાળાંની લિપિ’ (૧૯૯૫), ‘હૃદયસરસાં’ (૧૯૯૫), ‘સ્પંદનપર્વ’ (૧૯૯૫), ‘પ્રેમ જે કશું માગતો નથી’ (૧૯૯૭), ‘માણસ નામે ચંદરવો’ (૧૯૯૮), ‘ફૂલો સાથે બે પાંદડાં’ (૨૦૦૫) – શૈશવનાં સ્મરણો અને આત્મકથાત્મક શૈલીમાં લખાયેલા નિબંધો છે. કવિતાના ક્ષેત્રે પણ ભગવતીકુમાર શર્માનું પ્રદાન નોંધપાત્ર છે. તેમની કવિતામાં પરંપરા અને આધુનિકતાનો સંયોગ જોવા મળે છે. તેમણે રચેલાં કાવ્યોમાં છંદોબદ્ધ રચનાઓ, ગીત-ગઝલ અને ગઝલના સ્વરૂપમાં વિવિધ પ્રયોગો જોવા મળે છે. ‘સંભવ’ (૧૯૭૪), ‘છંદો છે પાંદડાં જેનાં’ (૧૯૮૭), ‘ઝળહળ’ (૧૯૯૫), ‘નખદર્પણ’ (૧૯૯૫), ‘ગઝલની પાલખીમાં નીકળ્યાં’ (૨૦૦૧), ‘અઢી અક્ષરનું ચોમાસું’ (૨૦૦૧), ‘એક કાગળ હરિવરને’ (૨૦૦૩), ‘ઉજાગરો’ (૨૦૦૪) – તેમના કાવ્યગ્રંથો છે. ભગવતીકુમાર શર્માની કવિતાનાં સંપાદનો પણ થયાં છે. નવલકથા, નવલિકા, કવિતા, ઉપરાંત તેમણે તેમની કલમ સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં પણ ચલાવી છે. ‘ગુજરાતી ગઝલ’ (૧૯૯૫), ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ (૧૯૯૮) અને ‘ગઝલનો કરીએ ગુલાલ’ (૨૦૦૫) – તેમના વિવેચનસંગ્રહો છે. ‘અમેરિકા, આવજે!’ (૧૯૯૬) તેમનું પ્રવાસપુસ્તક છે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ (૨૦૦૫) એમની આત્મકથા છે. ‘જડબાતોડ’ (૨૦૦૫), ‘ક્લીન બોલ્ડ’ (૨૦૦૫), ‘સૂપડાં સાફ’ (૨૦૦૫) અને ‘ડાંડિયા ગુલ’ (૨૦૦૫) તેમનાં હાસ્યવ્યંગ્યનાં પુસ્તકો છે. એમના તંત્રીલેખોનો સંગ્રહ ‘અયોધ્યાકાંડ : અગ્નિ અને આલોક’ (૧૯૯૩) નામે પ્રગટ થયો છે. ‘છેલ્લાં પચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ’ (૧૯૮૬) અને ‘એકવીસમી સદીની ગુજરાતી નવલકથા’ – એમણે આપેલાં પ્રવચનોની પુસ્તિકા છે. એમણે કરેલા અનુવાદો ‘સાત યુગોસ્લાવ વાર્તાઓ’ (૧૯૭૮), ‘અષાઢનો એક દિવસ’ (૧૯૭૮) તથા ‘આલોકપર્વ’ (૧૯૯૪( છે. તેમણે નાનુભાઈ નાયકના ગુજરાતી પુસ્તકનો ‘એક અસ્થાપિત રાજનીતિક દલ કા મસૌદા’ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે. લાલબહાદુર શાસ્ત્રીના જીવનપ્રસંગને આલેખતું ‘સરળ શાસ્ત્રીજી’ (૧૯૬૬) નામે જીવનચરિત્રનું પુસ્તક આપ્યું છે. તેમની ‘અસૂર્યલોક’ નવલકથાનો હિંદીમાં તેમજ ‘સમયદ્વીપ’ નવલકથાનો હિન્દી, મરાઠી, અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા છે. ભગવતીકુમાર શર્માએ રંગમંચ માટે નાટકો લખ્યાં છે. તેમણે ગની દહીંવાળાના અભિનંદનગ્રંથનું અન્ય સાથે સંપાદન કર્યું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક અનેક માન-સન્માન પામ્યા છે. કુમારચંદ્રક, ગોવર્ધનરામ ત્રિપાઠી ઍવૉર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક, દર્શક પુરસ્કાર, ઇન્ડિયન નૅશનલ થિયેટર દ્વારા કલાપી પુરસ્કાર, સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુર્જર રત્ન ખિતાબ, બટુભાઈ દીક્ષિત ઍવૉર્ડ, ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર, શેખાદમ અબુવાલા પુરસ્કાર, યજ્ઞેશ શુક્લ સન્માન, નચિકેતા પારિતોષિકનો સમાવેશ થાય છે. તેમણે વિદેશનો પ્રવાસ પણ કર્યો છે. ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પિસ્તાળીસમું અધિવેશન નવસારીમાં ભરાયું હતું, ત્યારે તેના પ્રમુખપદે આપેલું વ્યાખ્યાન…… શબ્દબ્રહ્મથી મનુષ્યબ્રહ્મ સુધી ‘તમારી ઇચ્છાને પ્રબળ ગણતાં નાથ, શીખવો’ છેલ્લા થોડાક મહિનાઓથી આ કાવ્યપંક્તિ મારે માટે સધિયારારૂપ બની છે. આપણા ઇચ્છા અને અનિચ્છા બંને ઈશ્વરની ઇચ્છા-અનિચ્છાને અધીન છે એવી સમજણ મારા મનમાં ઊગી અને દૃઢ થઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પાટણ-અધિવેશન સમયે પરિષદના પ્રમુખ ન બનવાની મારી ઇચ્છાનો ઈશ્વરે સ્વીકાર કર્યો હતો. પરિષદના આ નવસારી-અધિવેશન વખતે પરિષદ-પ્રમુખ બનવાની મારી અનિચ્છા ઈશ્વરને મંજૂર નહિ હોય, એથી આજે આ ક્ષણે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. ‘ઈશ્વરેચ્છા બલિયસી.’ હવે મારા મનમાં કશી અવઢવ નથી. પ્રાપ્ત કર્તવ્ય નિષ્ઠાથી બજાવવાની મારી પ્રકૃતિ છે. પરિષદ-પ્રમુખ રૂપે મને સોંપાનારાં કર્તવ્યોના પાલનમાં મારી આ પ્રકૃતિનો જય થાઓ! હું આ પદનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું. વિનમ્રતા એ મારો સ્થાયી ભાવ છે, પણ આ ઘટનામાં એથીય કંઈક વિશેષ છે, કારણ કે પરિષદ-પ્રમુખ તરીકે મેં કેવા મહાન અને સમર્થ પૂર્વસૂરિઓના પેંગડામાં પગ મૂકવાની ચેષ્ટા કરી છે એ હકીકતથી હું પૂરેપૂરો સભાન છું. જે પદ પર પુણ્યશ્લોક ગોવર્ધનરામ ત્રિપાઠી, વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધી, સાહિત્યસ્વામી કનૈયાલાલ મુનશી અને સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સહિત અનેક વિદ્વાનો બિરાજી ચૂક્યા છે એ પદ મને પ્રાપ્ત થયું એને હું માતા સરસ્વતી તથા સર્વ સમર્થ પૂર્વસૂરિઓના મને મળેલા આશીર્વાદ સમજું છું. એ પદનો સ્વીકાર કરતાં મારા નિર્બળ સ્કંધો પર મોટી જવાબદારી આવી છે એ હું સમજું છું. મને શ્રદ્ધા છે કે આપ સર્વના સ્નેહાશીર્વાદથી હું એ જવાબદારીનું યથાશક્તિમતિ વહન કરવામાં પાર ઊતરી શકીશ. આમેય વ્યાપક સદ્‌ભાવનાની પ્રાપ્તિ એ મારા અત્યાર સુધીના અક્ષરજીવનની સંપદા છે. દક્ષિણ ગુજરાતની નમણી ગ્રંથનગરી નવસારીમાં મને પરિષદ-પ્રમુખનો કાર્યભાર સંભાળવાનો અવસર સાંપડ્યો છે તેમાંયે હું વિધિનો કશોક શુભ સંકેત જોઉં છું. કેમ કે, નવસારીમાં છેક ૧૯૫૫થી હું આવતો-જતો રહ્યો છું. ૧૯૫૧માં સુરતના સાક્ષર અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ નવસારીમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું અધિવેશન યોજાયું હતું ત્યારે પણ અઢાર વર્ષની વયે મારા હૃદયમાં સાહિત્યપ્રીતિ તો પાંગરી ચૂકી હતી, પણ સંકોચશીલ સ્વભાવને કારણે એ અધિવેશનમાં હાજરી આપવાની મારી હિંમત થઈ નહોતી. મેં એ અધિવેશનના વિસ્તૃત હેવાલો ‘ગુજરાતમિત્ર’માં વાંચીને જ સંતોષ માન્યો હતો. ત્યારે મને કે કોઈનેય એવી કલ્પનાયે ક્યાં હતી કે એ જ નવસારીમાં, અઠ્ઠાવન વર્ષના અંતરાલ પછી મળનારા પરિષદ-અધિવેશનમાં પ્રમુખપદ પ્રાપ્ત કરવાનું સદ્‌ભાગ્ય મને મળશે! સુરત અને નવસારીને ‘ટ્‌વિન સિટી’ બનાવવાની રાજ્ય સરકારની યોજના જ્યારે સાકાર થવાની હશે ત્યારે થશે, પણ સંસ્કાર અને અસ્મિતાસામ્યની દૃષ્ટિએ સુરત અને નવસારી ચિરકાળથી નગરીયુગ્મ છે, અને આજના આ ઉપક્રમથી બંને નગરના એ બિરુદ પણ કળશ ચઢ્યો છે એમ હું સમજું છું. મારી સ્મરણમંજૂષા નવસારીનાં સ્મૃતિચિત્રોથી સભર છે. પચાસના દાયકાના પ્રથમ ચરણથી કવિ ઉશનસે કેટલાક સમય માટે આ નગરીને પોતાની કર્મભૂમિ બનાવી હતી. એમણે સ્થાપેલા ‘સ્વાધ્યાય મંડળ’ના ઉપક્રમે ૧૯૫૫ની આસપાસ એકવીસ વર્ષના છોકરડા તરીકે હું કાવ્ય-પાઠ કરવા અહીં મારા કવિમિત્ર સ્વર્ગીય મનહરલાલ ચોકસી સાથે આવ્યો ત્યારથી નવસારી સાથે સ્થપાયેલા મારા ભાવાનુબંધની આ ચરમ સીમાચિહ્નરૂપ પરિણતિ છે. ૧૯૫૭ના અરસામાં અહીંના સ્થાનિક ગઝલકાર અને સયાજી વૈભવ લાઇબ્રેરીના ગ્રંથપાલ સદ્‌ગત રણછોડલાલ વ્યાસના પુરુષાર્થથી અહીં લુન્સીકૂઈના વિશાળ મેદાન પર ગુજરાત કક્ષાનો એક ભવ્ય તરહી મુશાયરો યોજાયો હતો ત્યારે ગઝલસમ્રાટ શયદા સહિતના અનેક ગઝલમહારથીઓ સમક્ષ મને પણ એ મુશાયરામાં ભાગ લેવાની તક મળી હતી એનું સ્મરણ મારા મનમાં હજીયે તાજું છે. અકાળ અવસાન પામેલા આશાસ્પદ યુવાન લેખક સ્વ. ગીતાશંકર ત્રિવેદીની મૈત્રી પણ મને આ ભૂમિમાં મળી હતી. નવસારીના વરિષ્ઠ ગઝલકાર સૈયદ ‘રાઝ’ની અને મારી ગઝલયાત્રા એકસાથે આરંભાઈ હતી. દાદાભાઈ નવરોજી અને ટાટાઓની આ નગરી સાથેનાં તે પછીનાં મારાં વર્ષો મુખ્યત્વે ‘બાનો ભીખુ’ના સ્વનામધન્ય સર્જક સ્વર્ગીય ચંદ્રકાંત પંડ્યા અને સમગ્ર પંડ્યા પરિવારના સંદર્ભમાં વીતતાં રહ્યાં અને હવે પંડ્યાપુત્ર સતીશ અને તેમના સાથીઓ મહાદેવ દેસાઈ, જયપ્રકાશ મહેતા, મહેશ કોઠારી વગેરેએ સંસ્કાર-મધપૂડાના સશક્ત વારસદાર તથા અગ્રયાયી બન્યા છે, એ મારે માટે આનંદવર્ધક સ્થિતિ છે. હવે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સંદર્ભે થોડીક વાત કરું. પરિષદના પ્રણેતાઓ પૈકીના એક અગ્રણી સંસ્કૃતિચિંતક રણજિતરામ વાવાભાઈ મહેતા સુરતના હતા એ વાતનું મને ગૌરવ હોય જ. મને રણજિતરામ ચંદ્રક મળ્યો ત્યારે રણજિતરામના સુરતસ્થિત આપ્તજનોએ મને પોતાને ઘેર બોલાવી આશીર્વાદ આપ્યા હતા. એક સો વર્ષનું આયુષ્ય વટાવી ચૂકેલી આ ‘પરિષદ’ સાથેનો મારો સંબંધ ૧૯૫૭થી પ્રારંભાયો હતો, જ્યારે મેં અમદાવાદમાં આયોજિત ‘પરિષદ’-અધિવેશનમાં હાજરી આપી હતી. મારે ટકોર કરવી જોઈએ કે અમદાવાદમાં તે પછી પરિષદનું અધિવેશન યોજાયું નથી. ૧૯૭૬ના પોરબંદર-અધિવેશનમાં ‘પરિષદ’ના ત્યારના સૂત્રધાર સ્વ. પીતામ્બર એટલે મને અને સન્મિત્ર રઘુવીર ચૌધરીને પરિષદમાં વિશેષ સક્રિય બનવા કહ્યું હતું. રઘુવીરભાઈ તથા હું એકસાથે પરિષદ-મંત્રી બન્યા હતા. પણ પદ પર ટકી-ચીટકી રહેવાનું મારું જરાય વલણ નહિ, એટલે ચાર વર્ષ પછી ૧૯૮૦માં વડોદરા-અધિવેશનમાં મેં એ પદ સ્વેચ્છાએ છોડ્યું હતું. સ્વ. ઉમાશંકર જોષીએ મારા આ વલણને બિરદાવ્યું હતું. પરિષદના મંત્રીપદે અમે નિયુક્ત થયા ત્યારે એ ‘સરનામા વગરની સંસ્થા’ હતી. અમદાવાદની એચ.કે. આર્ટ્‌સ કૉલેજના એક ખંડમાંનું એક કબાટ એ જ તેનું કાર્યાલય હતું. પણ સંતોષ લેવો હોય તો લઈ શકાય કે આજે જે આલીશાન પરિષદભવન સાબરમતી નદીના કિનારે ઊભું છે તેનું શિલારોપણ પણ રઘુવીરભાઈ અને મારા મંત્રીકાળ દરમિયાન મહારાષ્ટ્રનાં અગ્રગણ્ય લેખિકા દુર્ગાતાઈ ભાગવતના વરદ હસ્તે થયું હતું. પરંતુ ‘શકટનો ભાર’ની પંક્તિનું પાત્ર બનવાની મારી મુદ્દલ વૃત્તિ નથી. ૧૯૯૨માં પરિષદના કલકત્તાના બીજા અધિવેશનમાં ‘આસ્વાદ બેઠક’નું અધ્યક્ષપદ સંભાળવાની પણ મને તક મળી હતી તે સાંભરે છે. પરિષદ તેની સુદીર્ઘ આયુષ્યમાત્રામાં અનેક ઉતાર-ચઢાવભરી અને વંકવોળામણી કેડી પરથી પસાર થતી રહી છે. કેટલાંક વર્ષોથી તેનાં આરોહણનું પાસું નમતું રહ્યું છે. એનો પ્રવૃત્તિવિસ્તાર અને પ્રવૃત્તિસાતત્ય વધ્યાં છે. ૧૯૫૫ના નડિયાદ-અધિવેશનમાં ઉમાશંકર અને તેમના મિત્રોએ ‘પરિષદ’માંના એકાધિકારવાદનો અંત આણી તેને લોકતાંત્રિક માળખું આપ્યું. એ તેના સુદીર્ઘ ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ વળાંક હતો. તેનું લોકતાંત્રિક માળખું જળવાઈ રહ્યું છે એટલું જ નહિ અનુભવો પર આધારિત સંવૈધાનિક તથા પ્રણાલિકાવિષયક સુધારાઓની પ્રક્રિયા પણ એણે અપનાવી છે. ‘પરિષદ’નાં વિગતવાર અંદાજપત્રો પણ રજૂ થતાં રહ્યાં છે. પરંતુ રાજકીય સંસ્થાઓની જેમ સાહિત્યની સંસ્થાઓમાં પણ તેની આંતરિક લોકશાહીના જતન માટે શાશ્વત સાવધાની – eternal vigilance અનિવાર્ય છે. આવી સંસ્થાના સર્વ સ્તરનાં અંગભૂતોનો આ ધ્યાનમંત્ર બનવો જોઈએ. સંસ્થાને સુદીર્ઘ કાળપર્યંત નિરપેક્ષ સેવાઓ આપનારાઓ પ્રત્યે સંસ્થાનો કૃતજ્ઞભાવ અખંડ રહેવો જોઈએ. એ સાથે સંસ્થામાં જૂથબંધી અને પદો માટેની ખેંચતાણ કદાપિ ન હોવી જોઈએ. કારણ કે સાહિત્યક્ષેત્રને હું ધર્મક્ષેત્ર ગણું છું અને ‘ધર્મક્ષેત્રે કૃતં પાપમ્…’ની ઉક્તિ સુવિદિત છે જ. ‘પરિષદ’ હવે માત્ર એક લોકતાંત્રિક જ નહિ સાહિત્યસંદર્ભે લોકસમર્પિત સંસ્થા પણ છે. આથી એના સમગ્ર સંચાલન અને વ્યવસ્થાપનમાં સંપૂર્ણ પારદર્શિતા અપેક્ષિત હોય જ. વારંવાર ઉલ્લેખાતો આંકડો ટાંકીને કહું તો સાડા પાંચ કરોડ ગુજરાતીઓની આ એક સૌથી મોટી અને અદ્વિતીય સાહિત્યસંસ્થા છે. પોતાના આ દરજ્જાને ચરિતાર્થ કરવા માટે પરિષદે પોતાના મૂળભૂત હેતુઓ પરત્વે સતત સજાગ અને સમર્પિત રહેવાનું છે, તેની સકળ પ્રવૃત્તિઓનું ધ્યાનબિંદુ પણ આ જ હોવું ઘટે. મારી દૃષ્ટિએ પ્રત્યેક સાહિત્યસંસ્થાનો મુખ્ય હેતુ, જે તે ભાષાભાષી પ્રજાએ તેનું સર્જન અને વિકસન કર્યું હોય તે પ્રજાની ભાષાકીય અસ્મિતા તથા સાહિત્યરુચિને નિત્ય વર્ધમાન રાખવાનો હોવો જોઈએ. આપણે સૌએ એ દિશામાંના આપણા ધર્મને પૂરેપૂરા પ્રતિબદ્ધ રહેવાનું છે. પરિષદના હાલ આશરે સાડા ત્રણ હજાર આજીવન સદસ્યો છે. પ્રથમ દૃષ્ટિએ આ આંકડો કદાચ પ્રભાવક લાગે, પણ સાડા પાંચ કરોડના આંકડાના સંદર્ભમાં એ વામણો ઠરે. આજીવન સદસ્યોની આ સંખ્યાને પરિષદની સકળ પ્રવૃત્તિઓમાંના પ્રજાના સાચકલા રસની એકમાત્ર પારાશીશી ન ગણીએ. ભાષાસાહિત્યમાં પ્રજાકીય રસ અને રુચિની સક્રિય સંડોવણી માટે ‘પરિષદે’ કર્યું છે તેના કરતાં હજી ઘણું વધારે કરવાનું બાકી રહે છે તેવી મારી પ્રતીતિ છે. ગુજરાતી પ્રજાની સાહિત્યપ્રીતિમાં સંમાર્જન, ઊંડાણ અને વ્યાપકતાને ઘણો અવકાશ છે. જો આપણે અત્યાર સુધીમાં આપણા ઉપરોક્ત હેતુને મહદ્ અંશે સિદ્ધ કર્યો હોય તો ગુજરાતી ભાષાના અસ્તિત્વની આવતી કાલ વિશેની હાલ આપણને જે ઊંડી ચિંતા થાય છે તે ન થવી જોઈએ, પણ વાસ્તવિકતા ઘણી વિષમ છે. ભાષામાત્રનો છેદ ઉડાડી દે તેવાં પરિબળો આજે વિશ્વસ્તરે સક્રિય જ નહિ, આક્રમક પણ બન્યાં છે. ભાષા અને લિપિ વિશેનાં આપણાં પરંપરાગત સાધનો પર આ વીજાણુ ઉપકરણોનું વર્ચસ્વ સ્થપાતું જાય છે. લેખન અને મુદ્રણની સુદીર્ઘ કાળથી પ્રચલિત રીતિઓ હવે આ નવાં ઉપકરણોને અધીન બની રહી છે. પુસ્તકો જતે દહાડે અપ્રસ્તુત જેવાં બની રહે તેવો સંભવ વરતાય છે. માણસની વાચનક્ષમતા પર દૃશ્યશ્રાવ્ય માધ્યમો વર્ચસ્વશાળી બનતાં જાય છે. કવિતા હવે પુસ્તકો અને સામયિકો ઉપરાંત ડોટકોમની સંપત્તિ બની છે. એ જ રીતે વાર્તા-નવલકથાની સીડીઓ ઉપલબ્ધ બની છે. લિખિત અને મુદ્રિત શબ્દ કરતાં દૃશ્ય અને શ્રાવ્ય શબ્દનો મહિમા વધ્યો છે. કલમની ઉપયોગિતા હજી સાવ ઘટી નથી, પણ કમ્પ્યૂટર અને ટેપરેકૉર્ડરનો ઉપયોગ લેખનમાં વધ્યો છે. ભવિષ્યમાં, સાહિત્યસર્જકોએ જ નહિ, સાહિત્યસંસ્થાઓએ પણ આ નવી ઉપકરણ-ઉપલબ્ધતાઓનો ભાષાસાહિત્યના પ્રસાર અર્થે સવિવેક, સમુચિત વિનિયોગ કરવાની તત્પરતા દાખવવી પડશે. અલબત્ત, આ ઉપકરણો હજી કેટલેક અંશે પાર્શ્વભૂમાં સક્રિય છે અને મંચની મધ્યમાં તો પુસ્તક અને મુદ્રિત માધ્યમ છે, આવતા ખાસ્સા સમય સુધી આ સ્થિતિ રહેશે એવી મને શ્રદ્ધા છે, કેમ કે નવાં ઉપકરણો ગમે તેટલાં પ્રલોભક હોય તોપણ પુસ્તકોને કાલજયી બનવાનું વરદાન મળેલું છે. આથી, આપણો આરાધનવિષય તો હાલ ગ્રંથપ્રીતિના વિસ્તરણ અને પરિમાર્જનનો હોવો ઘટે. અહીં મારે ગ્રંથનગરી નવસારીનો સવિશેષ અને કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરવો જોઈએ. વિદ્યાર્થીઓમાં વાચન-અભિરુચિ વિકસાવવા અને વિસ્તારવા માટે નવસારીએ ગુજરાતભરમાં અપૂર્વ અને નેત્રદીપક માર્ગદર્શન કર્યું છે તે માટે હું અહીંની પ્રવૃત્તિના કર્ણધારોને હાર્દિક ધન્યવાદ આપું છું. વળી, આ પ્રવૃત્તિ ઉપાડવાની પ્રેરણા તેઓને મારી એક નવલકથા ‘અસૂર્યલોક’માંથી સાંપડી તે જાણીને હું કૃતકૃત્ય થયો છું. જેણે આ પ્રવૃત્તિને મંચ પૂરો પાડ્યો છે તે ‘સયાજી વૈભવ પુસ્તકાલય’નું એક સમયનું જીર્ણશીર્ણ સ્વરૂપ પણ મેં જોયું છે. એમાંથી આટલો પ્રવૃત્તિવિસ્તાર એ એક અનન્ય અને ઐતિહાસિક ઘટના છે. ટી.વી. કલ્ચરથી ત્રસ્ત અને મસ્ત બનેલી યુવા ગુર્જરશક્તિને પુનઃ વાચનમહિમાથી મંડિત કરવાની પ્રેરણા નવસારીના ઉપક્રમે પૂરી પાડી છે. મારી અને આપ સર્વની આજની અને આવતી કાલની તીવ્ર ચિંતા ગુજરાતી ભાષાની આવતી કાલ વિશે જ હોવી ઘટે અને છે. અંગ્રેજી માધ્યમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના વ્યામોહના અતિરેકરૂપ મગરજડબાંમાં ગુજરાતી ભાષા અને શિક્ષણના ગજરાજનો પગ સપડાયો છે. આ ગજેન્દ્રમોક્ષ કોઈ ગરુડવાહનઆરૂઢ દેવ નહિ, પણ આપણે જ આપણા નિષ્ઠાભર્યા પુરુષાર્થ તથા ભાષાભક્તિથી કરી શકીએ. એ માટેનો વિશાળ અને સર્વગ્રાહી મંચ પૂરો પાડવાનો ધર્મ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ જેવી સંસ્થાએ બજાવવાનો છે. જેમાં દિલચોરી, ભેદભાવ કે સંકીર્ણતાને સ્થાન ન હોઈ શકે. મારા પુરોગામી પરિષદ-પ્રમુખ પૂજ્ય શ્રી નારાયણભાઈ દેસાઈએ, ‘પરિષદ’ના ઉપક્રમે સાહિત્યયાત્રાઓનું આયોજન કરીને એ દિશામાં પહેલ અને પ્રેરણા પૂરાં પાડ્યાં છે. એ પ્રવૃત્તિ ચાલુ રહેવી અને વિસ્તરવી જોઈએ. એમાં નવા નવા પ્રકલ્પો ઉમેરી શકાય. રમતગમત ક્ષેત્રે ‘કૅચ ધેમ યંગ’નું સૂત્ર પ્રચલિત છે, આપણે તેને અનુસરીને બાળકોમાં પહેલેથી જ માતૃભાષાભક્તિના સંસ્કારોનું માતાના અમૃતતુલ્ય દૂધની જેમ સિંચન કરવું જોઈએ. તેનાં નિઃશંક રૂડાં પરિણામો આવશે. અન્યથા માતૃભાષા સંદર્ભે આપણે સ્વભૂમિમાં જ પરાયા જેવા બની જઈએ એવો ભય લગીરેય અવાસ્તવિક નથી. મુંબઈમાં આશરે પાંત્રીસ લાખ ગુજરાતીઓ વસે છે. ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસમાં મુંબઈના ગુજરાતીઓનું યોગદાન મોટું રહ્યું છે. પરંતુ એ જ મહાનગરમાં ગુજરાતી માધ્યમની શિક્ષણસંસ્થાઓ બંધ થતી જાય છે. મુંબઈના ગુજરાતીઓને ઘરની બહાર ગુજરાતી બોલવા-વાંચવા-લખવાની હવે ઝાઝી તક મળતી નથી. ઘણાં ગુજરાતી બાળકો તો ઘરમાં પણ અંગ્રેજી કે હિંદી બોલે છે. કલકત્તામાં તો ગુજરાતી માધ્યમ બંધ જ થઈ ગયું છે. મુંબઈ-કલકત્તાનાં ગુજરાતીઓની ગુજરાતી ભાષાભક્તિ હજીય ઉત્કટ છે એટલે ત્યાં ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં ચાલે છે. પરંતુ પ્રશ્ન ત્યાંના ગુજરાતીઓની નવી પેઢી વિશે રહેવાનો છે. મુંબઈ જેવી સ્થિતિ ગુજરાતનાં મોટાં શહેરોમાં પણ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે. અહીં અંગ્રેજી માધ્યમના શિક્ષણનું આકર્ષણ વધતું જ જાય છે. આજનું ગુજરાતી બાળક શાળામાં મહદ્ અંશે અંગ્રેજી અને હિન્દી સાંભળે-બોલે છે. જ્ઞાનના સ્રોત તરીકે અનેક ભાષાઓથી બાળક પરિચિત અને પારંગત બને તો તેમાં કશું ખોટું નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી ભાષાની ઉપયોગિતાનો વ્યાપક સ્વીકાર થયેલો છે, પરંતુ શિક્ષણનું માધ્યમ તો બાળકની માતૃભાષા જ હોઈ શકે એ સિદ્ધાંતનો સાર્વત્રિક સ્તરે સ્વીકાર થયેલો છે. અહીં મને એક હકીકત સાંભરે છે. ભારતના ભાગલા પડ્યા પછી લાખો ગુજરાતી મુસ્લિમો પાકિસ્તાનમાં જઈને વસ્યા હતા, આજે પણ ત્યાં ગુજરાતી પાકિસ્તાનીઓની મોટી વસ્તી છે. આજે પણ ત્યાં ગુજરાતી કવિ-લેખકો સક્રિય છે. ગુજરાતી અખબારો પણ ત્યાં પ્રગટ થાય છે. કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાનના એક ગુજરાતી સામયિકના તંત્રીએ અભિયાન ચલાવ્યું હતું. તેનું સૂત્ર હતું : ‘ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો અને ગુજરાતીમાં લખો.’ એ અભિયાનનું શું પરિણામ આવ્યું તેની મને જાણ નથી. ત્યાં ગુજરાતી ભાષા છેક મરી પરવારી નથી. ચિંતાપ્રેરક સચ્ચાઈ તો એ છે કે હવે કદાચ ગુજરાતમાં જ ‘ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો અને ગુજરાતીમાં લખો.’ એવું અભિયાન આપણા જેવા ગુજરાતી ભાષાના ચાહકોએ ઉપાડવું તો નહિ પડે ને એવી આશંકા જાગવા લાગી છે. પ્રશ્ન તો એ છે કે ગુજરાતમાં આવી સ્થિતિ ઉત્પન્ન કેમ થઈ? મને બે ઉત્તરો સૂઝે છે : (૧) મૂળથી જ આપણી સરેરાશ પ્રજામાં સ્વભાષાભક્તિની માત્રા ઓછી અને મંદ. હેમચંદ્રાચાર્ય અને નરસિંહ મહેતાથી આજ લગી અનેક સાહિત્યસ્વામીઓનું અઢળક સત્ત્વશીલ સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં એનો જે કંઈક રંગ પ્રજાને ચઢ્યો હતો તે પણ જાણે હવે ઘટતો જતો લાગે છે. વર્ષો પહેલાં અમારા સુરતમાં ચૈત્ર મહિનામાં ઘેર-ઘેર સ્ત્રીઓ મહાકવિ પ્રેમાનંદના આખ્યાન ‘ઓખાહરણ’નું ગાન કરતી હતી. સુરતમાં સ્ત્રીના સીમંત પ્રસંગે પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનું વૃંદગાન કરાવવાનો રિવાજ હતો. લગ્નપ્રસંગે વહેલી સવારે દિવસો સુધી બહેનો નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાઈને વાતાવરણને માંગલ્યનો પુટ ચઢાવતી હતી. સુરતની શેરીઓમાં મોડી રાતે નરસિંહ-દયારામની ગરબીઓ મેં સાંભળી હતી તેના પડઘા હજીય મારા હૃદયમાં ગુંજે છે. ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ગઝલગીતા’નું ગાન મારી માના નિત્ય પૂજાપાઠમાં સામેલ હતું. ફારસી છંદોનો પરિચય મને કિંચિત્ તેમાંથી સાંપડ્યો હતો. સુરતના સલાબતપુરા આદિ શ્રમિક વિસ્તારોમાં શ્રાવણ અને અધિક માસમાં મોડી રાત સુધી ગુજરાતી આખ્યાનકાવ્યોને આધારે કથાવાર્તા થતી. માણભટ્ટની કલા હમણાં સુધી જીવિત હતી. બાળક ઘોડિયામાંથી ગુજરાતી હાલરડાં સાંભળીને મોટું થતું. સુરતની નાગર બહેનોના ગરબાઓ એક કાળે ઘણા વિખ્યાત હતા. આપણી સમૃદ્ધ ભજનવાણીનો પ્રભાવ હજી સુધી સૌરાષ્ટ્રમાં અખંડ રહ્યો છે, પણ દયારામનાં પદો હવે બહુ સાંભળવા મળતાં નથી. મારા જેવા સંગીતકળાના ભાવક માટે દુઃખની વાત એ છે કે આપણી બહેનોની સંગીતરુચિ પર હવે ફિલ્મસંગીતનું પ્રબળ આક્રમણ થયું છે. હજી થોડાંક વર્ષો પહેલાં મારા એક પાડોશી સૌરાષ્ટ્રી પરિવારમાં લગ્ન-સીમંત આદિ પ્રસંગોએ બહેનો ગીતો-આરતીની રમઝટ જમાવતી હતી. હવે ત્યાં આવા પ્રસંગોએ નિતાન્ત મૌન પ્રવર્તે છે અથવા કૅસેટ-સીડીનો આશરો લેવાય છે. શહેરીકરણની ગતિ વધતી જાય છે અને યાંત્રિકીકરણ અને વ્યવસાયીકરણનો દૌર પુરબહારમાં ચાલે છે. વૈશ્વિકીકરણની પણ આડઅસરો અનુભવાય છે. આમાં પ્રજાકીય અસ્મિતાનું મૂળ સત્ત્વ જોખમમાં છે. મુદ્રણકળા અને તજ્જન્ય સુવિધાઓ આજે ચરમ સીમાએ પહોંચી છે. એના દેખીતા લાભો છે જ. પ્રગટ થતાં પુસ્તકોની સંખ્યા અઢળક વધી છે, પણ પ્રશ્ન એ પૂછવો પડે કે પ્રજાની વાચનરુચિ વધી છે ખરી? અથવા વાંચવાં જ પડે એવાં પુસ્તકોની સંખ્યા વધી છે ખરી? પ્રકાશકોના આંકડાઓ અનુસાર નવલકથા એક સમયે ગુજરાતમાં સૌથી વધારે વંચાતું સાહિત્યસ્વરૂપ હતું. હવે નવલકથાઓ પણ એટલી વંચાતી નથી. તથાકથિત ‘લોકપ્રિય’ નવલકથાઓ પણ આજે એટલી લોકપ્રિય રહી નથી. એનું સ્થાન કેટલેક અંશે રેઢિયાળ ટી.વી. ધારાવાહિકોએ લીધું છે. સાહિત્યિક ધારાવાહિકો તો હવે જાણે વિસરાઈ ગઈ છે. ઇડિયટ બૉક્સે આપણી રહીસહી વાચનરુચિ પર આક્રમણ કર્યું છે. આ સ્થિતિ વધતે-ઓછે અંશે બધા ભાષાભાષી પ્રદેશોમાં પ્રવર્તે છે. પણ મૂળથી જ મંદપ્રાણસાહિત્યરુચિ ધરાવતી ગુજરાતી પ્રજા પર એની વધારે અસર વરતાય છે. પ્રશ્ન એ છે કે આપણે પ્રવાહમાં તણાઈ જનારી પ્રજા તો નથી ને? એક સમયે આપણા કેટલાક વિદ્વાનો ફારસીમાં સંધ્યા કરતા. આજે પાશ્ચાત્ય પ્રભાવ અત્યંત ઘેરો બન્યો છે. આમાં આપણે ક્યાં? કૂપમંડૂકતામાંથી આપણે બહાર નીકળ્યા તે તો ઘણું ઇષ્ટ થયું. પરંતુ મૂળવિચ્છેદની વેદના તો અસહ્ય બનવી જોઈએ. નિત્યનૂતનતા એ કોઈ પણ પ્રજાનો ગુણવિશેષ ગણાવો જોઈએ. તે સાથે પ્રવાહપતિત સ્થિતિમાં ખૂંપી રહેવું એ માનસિકતા સ્વીકાર્ય ન ઠરે. ‘पुराणमित्येव न साधुसर्वम्’ એ કાલિદાસીય ઉક્તિ જો આપણું પ્રેરણાબિંદુ હોય તો આભાસી નૂતનતાના વિકૃત અંશોને પણ આપણે વેળાસર સમજી લેવા જોઈએ. મેં ઉપર ગુજરાતી પ્રજાની મંદપ્રાણ ભાષાસાહિત્યરુચિની વાત કરી, તેથી ઊલટું બંગાળી અને મરાઠીભાષી પ્રજાની ધબકતી સાહિત્યરુચિનાં ઉદાહરણો જોવા-જાણવા મળતાં રહે છે. દુર્ગાપૂજાના અવસરે મારે કલકત્તા જવાનું થયું હતું. બંગાળી પત્ર-પત્રિકાઓ જે સાહિત્યિક પૂજા વિશેષાંકો પ્રગટ કરે છે તેની પ્રથમ પ્રત મેળવવા માટે કાર્યાલયની બહાર ફૂટપાથ પર બંગાળી વાચનરસિકો આખી રાત કતાર લગાવીને ઊભા રહે છે અને વિશેષાંકોની શીઘ્ર નવી આવૃત્તિઓ પ્રગટ કરવી પડે છે. જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા મરાઠી કવિ ‘કુસુમાગ્રજ’ની સ્મશાનયાત્રામાં લાખો પ્રશંસકો ઊમટી પડ્યા હતા એવા અખબારી હેવાલો આપણે સૌએ વાંચ્યા છે. એક મરાઠીભાષી કન્યાના આરંગેત્રમ્ પ્રસંગે મારે આ જ નવસારી આવવાનું થયું હતું એ નિમિત્તે એ મહારાષ્ટ્રીય પરિવારનાં ઘણાં સગાંસંબંધીઓ નાસિક-પુણે વગેરે સ્થળોએથી નવસારી આવ્યાં હતાં. હું એક સાહિત્યકાર છું તેવી તેઓને જાણ થતાં ‘આમચે ઘર સાહિત્યિક આલે’ એમ કહી હર્ષનાદો સહિત એ મરાઠીભાષી આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોએ મારા પર ઉમળકાની જે વર્ષા કરી હતી તે મારે માટે અવિસ્મરણીય છે. તેઓનો આ ઉમળકો ઔપચારિક કે વ્યક્તિલક્ષી નહીં પણ સાહિત્યપદાર્થ સંદર્ભે હતો એ હું પામી શક્યો. કેટલાંક વર્ષો પહેલાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું અધિવેશન કલકત્તામાં યોજાયું હતું. તેના પ્રમુખ આપણા કવિવર શ્રી રાજેન્દ્ર શાહ હતા. કલકત્તાના સાહિત્યપ્રેમી ગુજરાતીઓએ રાજેન્દ્રભાઈ અને અગ્રણી બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાયને ઘોડાની બગીમાં કલકત્તાના રાજમાર્ગો પર ફેરવી બંનેનો આદર કર્યો હતો. એ પછી બંગાળી કવિમહાશયે અદ્‌ભુત ઉદ્‌ગારો કાઢ્યા હતા : ‘કલકત્તાની જે સડકો પર રાજકીય જુલૂસો નીકળે છે ત્યાં આજે શબ્દની સમ્રાટ જેવી સવારી નીકળી છે.’ એમના આ ઉદ્‌ગારોથી પ્રગટેલો રોમાંચ આજે પણ હું અનુભવું છું. શબ્દની ઉચ્ચ પ્રતિષ્ઠાનો એ ઉદ્‌ગાર હતો. સાંભળ્યું છે કે આપણા કવિ હરીન્દ્ર દવે ક્વચિત્ કોઈક કારણસર મુંબઈમાં મહારાષ્ટ્રના સચિવાલયમાં જતા તો તેઓ કવિ છે એમ જાણતાંવેંત ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ એમનો ભારે આદર કરતા. ગુજરાતમાં હજી આવી ઉત્કટ ભાષાસાહિત્યપ્રીતિ વિરલ ગણાય એવી સ્થિતિ છે. હું ભાષાવાદ-પ્રાંતવાદમાં માનતો નથી પણ સ્વભાષા પ્રત્યેના સક્રિય ગૌરવની લાગણીનો હું આપ સૌની જેમ જ પક્ષકાર અને પુરસ્કર્તા છું. આવો, આપણા ગુજરાતી બાંધવોમાં ભાષાભક્તિ વધે તે માટે અભિયાન શરૂ કરીએ અને તેને આગળ વધારી સિદ્ધિના બિંદુએ પહોંચાડીએ. માનનીય શ્રી નારાયણભાઈ દેસાઈએ એ દિશામાં કરેલી સુભગ પહેલનું સમર્થન અને વિસ્તરણ કરવું એ આપણા સર્વનો સંસ્કારધર્મ છે. એમ પણ સાંભળ્યું છે કે ‘મરાઠી સાહિત્યપરિષદ’નાં અધિવેશનોમાં હજારોના હજારો માણસો ઊમટી પડે છે. તેઓ પોતાનું ભોજન સાથે બાંધી લાવે છે. આપણી ભાષાનાં સાહિત્ય સંમેલનોમાં ભાવતાં ભોજનોની સુવિધા છતાં સાહિત્યરસિક શ્રોતાઓની હાજરી પાંખી રહે છે. અહીં શું આપણે માત્ર આપણી પ્રજાની મંદપ્રાણભાષાસાહિત્યરુચિને જ દોષિત ગણીશું? જેઓની સાહિત્ય સાથે પ્રથમ અને પરમ નિસબત છે તે ગુજરાતી સાહિત્યકારોની આમાં કોઈ જવાબદારી ખરી કે કેમ? – એ પ્રશ્ન પૂછવો પડે તેમ છે. ટી.વી. કલ્ચરના આક્રમણ પર દોષનો આખો ટોપલો ઓઢાડીને જ આપણે બેસી રહીશું? શું આપણો સાહિત્યકાર લોકવિમુખ રહેવામાં જ વશેકાઈ સમજે છે? એના સાહિત્યમાં શું લોકસમસ્તના હૃદયધબકારની ન્યૂનતા રહી જાય છે? શા માટે? એવું તો નથી બન્યું ને કે આપણા સાહિત્યમાં આત્મલક્ષિતાનો અતિરેક થયો હોય? આત્મલક્ષિતાનો એ અતિરેક આપણા સાહિત્યકારની આત્મરતિને શું વધારનારો નીવડ્યો છે? આપણા સાહિત્યકારનો પ્રત્યક્ષ લોકાનુભવ કેવો અને કેટલો? સાહિત્યમાં યથોચિત રીતે શ્લોકનો મહિમા થયેલો છે. શ્લોક તો ગદ્યમાં પણ સંભવે જ. મહાકવિ વાલ્મીકિ અંગત શોકાનુભૂતિમાંથી શ્લોકસર્જન સુધી વિસ્તર્યાં. આજે હજારો વર્ષોથી એ શોકાનુભૂતિ અને શ્લોકસર્જન લોકાનુભવ પણ બની રહ્યાં છે. શોક, શ્લોક અને લોકનો આ આંતરસંબંધ અત્યંત મહિમાપૂર્ણ છે. શ્લોક લોક સુધી પહોંચે અને પછી લોકસમસ્તમાં વ્યાપી રહે તેમાં સર્વની ધન્યતા છે. શોક, શ્લોક અને લોક એ ત્રણમાંથી લોકનો લગભગ છેદ ઉડાડીને આપણે કશું સિદ્ધ ન કરી શકીએ. આપણા સાહિત્યકારનો શ્લોક લોક સુધી કેટલા પ્રમાણમાં પહોંચ્યો છે? શોકે શ્લોકત્વ પછી લોકત્વ પણ સિદ્ધ કરવાનું છે. જ્યાં જ્યાં એવું બન્યું છે ત્યાં ત્યાં શ્લોક ચિરંજીવ બન્યો છે. સ્વ. મેઘાણીનાં ગીતો કલકત્તામાં એક રાતે ગુજરાતી આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષોને હોંશે હોંશે ગાતાં મેં સાંભળ્યાં હતાં. કલાપી, બાલાશંકર અને મણિલાલ દ્વિવેદીની ગઝલપંક્તિઓ આજે પણ લોકજીભે રૂઢિપ્રયોગ બનીને પ્રયોજાય છે. પન્નાલાલ પટેલની નવલકથાઓનાં પાત્રોનાં મુખે ઉચ્ચારાયેલા શબ્દોનો ટહુકો આજે પણ આપણે સાંભળી શકીએ છીએ. કીર્તિદેવ-મુંજાલના સંવાદો આજે પણ આપણા કાનમાં પડઘાય છે. સરસ્વતીચંદ્રનાં કેટલાંક વાક્યો આજે પણ કહેવતરૂપ બન્યાં છે. બીજાં પણ ઉદાહરણો આપી શકાય. આવા સાહિત્યિક ચમત્કારો વ્યાપક કેમ નથી બનતા? સાહિત્ય અને સાહિત્યકારની લોકપ્રિયતા એ કાંઈ છુપાવવા જેવી વાત નથી. અલબત્ત, લોકપ્રિય થવા માટે સાહિત્ય અને સાહિત્યકારે કેવા તરીકાઓ અજમાવ્યા છે તેનું આકલન મહત્ત્વનું છે. લોકપ્રિય કૃતિ સાહિત્યગુણથી રિક્ત જ હોય એવી ગ્રંથિમાંથી આપણે મુક્ત થઈ જઈએ. ૧૯૫૫ પછી ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા, અદ્યતનતા અને વૈશ્વિકતાને મિષે જે અભિનિવેશયુક્ત આંદોલન જાગ્યું તેના કેટલાય સાહિત્યિક ઉપકારોનો સત્કાર કરવો જ જોઈએ. પણ તે પછી એવી હવા ફેલાઈ કે સાહિત્ય અને સાહિત્યકારની લોકવિમુખતા એ જ જાણે તેનું પરમોચ્ચ આભૂષણ છે! દુર્બોધતા એ જ સાહિત્યની ઉચ્ચ ગુણવત્તાનો એકમાત્ર માનદંડ છે એવી માન્યતાનો વ્યવસ્થિત રીતે પુરસ્કાર અને પ્રચાર કરવામાં આવ્યો. થોડાક અપવાદોને બાદ કરતાં વિશ્વસાહિત્યની મહાન રચનાઓ આ મતનું સમર્થન કરતી નથી. સાહિત્યની વધારે પડતી આત્મલક્ષિતા એની સાર્થકતાને અળપાવી શકે છે. જગતની કેટલીક મહાન નવલકથાઓ સમસામયિકતામાંથી સર્જાઈ છે. ‘વૉર ઍન્ડ પીસ’ અને ‘ફેરવેલ ટુ આર્મ્સ’ જેવાં કેટલાંક ઉદાહરણો ચીંધી શકાય. પન્નાલાલની ‘માનવીની ભવાઈ’ પણ મૂલતઃ છપ્પનિયા દુકાળની દારુણ વિભીષિકાને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે. ‘સરસ્વતીચંદ્ર’માં નવજાગરણકાળની ભૂમિકા રહેલી છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના ત્રીજા ખંડમાં બીજા વિશ્વયુદ્ધનો ઘટનાસ્પર્શ છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરે બાહિરે’માં રાષ્ટ્રીય જાગૃતિ અને સ્ત્રીના કાર્યક્ષેત્રની નવી વ્યાખ્યા થવા પામી છે. ‘ગોરા’ તો રાષ્ટ્રીય નવજાગરણ અને ધર્મવિશોધનની પ્રક્રિયાના કલાત્મક આલેખનથી ‘ભારતના મહાભારત’ તરીકે ઓળખાવાઈ. જાનપદી નવલકથાનું નામાભિધાન પામેલ નવલકથા શ્રેણી લગભગ દરેક ભારતીય ભાષામાં રચાવા પામી જેના કેન્દ્રમાં તો જનપદવિશેષ જ છે. ભારતના વિભાજનની ઘોર કરુણાંતિકાની પાર્શ્વભૂ પર ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોએ કેટલી હૃદયવેધક વાર્તાઓ લખી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા જેવી મર્માન્તક ઘટના પણ આપણી ભાષામાં કેટલીક કવિતાઓના અપવાદ સિવાય પ્રતિબિંબિત થયેલી જણાતી નથી. જોકે સ્વ. જયંત ગાડીતે લખવા ધારેલી અને અધૂરી રહેલી ‘સત્ય’ શીર્ષકની નવલકથામાં એનો સંકેત જોવા મળે. મુનશીની ‘સ્વપ્નદ્રષ્ટા’, રમણલાલ દેસાઈની અનેક નવલકથાઓ વગેરેમાં સમસામયિક ઘટનાઓના પડછાયા છે જ. આપણું આધુનિક સાહિત્ય સમસામયિકતાને વર્જ્ય તો ગણાતું નથી ને? જો તેવું હોય તો તે આપણા સર્જકની અનુભવમર્યાદાનો, સજ્જતાનો કે સંવેદનશીલતાનો પ્રશ્ન છે કે ત્રણેયનો? સમસામયિકતાને કેન્દ્રમાં રાખી લખાયેલી સાહિત્યકૃતિ જ ઉત્તમ એવા મંતવ્ય પર એક ક્ષણ માટેય ન આવી શકાય. તે સાથે સાહિત્યને સમસામયિકતાની છોછ ન હોવી ઘટે. આપણા સાહિત્યમાં એક તબક્કે સમસામયિક તો શું, કોઈ પણ પ્રકારની ઘટનાના તિરોધાનના આગ્રહનું મોજું આવ્યું હતું. આ અતિરેકનું પછી ભ્રમનિરસન પણ થયું. ઘટના સ્થૂળ હોય કે સૂક્ષ્મ, પ્રત્યક્ષ હોય કે મનઃસંચલનમાં વિહરતી હોય, ચેતનાપ્રવાહને અનુષંગે નિરૂપાતી હોય એવા અનેક વિકલ્પ સ્વીકારવા જોઈએ. પરંતુ એમાંથી સુરુચિસંપન્ન ભાવકને વાર્તારસનિષ્પત્તિનો અનુભવ થાય છે કે કેમ એ પ્રશ્ન મહત્ત્વનો છે. ધૂમકેતુ જયંત ખત્રી, જયંતિ દલાલ, સુંદરમ્, સુરેશ જોષી અને લક્ષ્મીકાંત ભટ્ટ સહિતના આપણા કેટલાય વાર્તાકારોની કેટલીક વાર્તાઓ સૂક્ષ્મ વાર્તારસનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો સમી છે જ. સુરેશ જોષીની ‘વૈશાખ સુદ અગિયારસ’ કોઈ પણ કાળે એક રસસિદ્ધ વાર્તા છે. ભાવકને રોટલા અને ટપટપ બંને સાથે નિસબત છે, પણ અંતિમ નિસબત રોટલાની છે. એ રોટલો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોવો જોઈએ. આપણે ત્યાં આકારનિર્મિતિ અને અંતસ્તત્ત્વની ભૂમિકા સંદર્ભે અકારણ બૌદ્ધિક ગજગ્રાહ ઊભો કરાયો હતો. વસ્તુતઃ ઉભયના સંપૂર્ણ સાયુજ્ય અને સામંજસ્યથી ઉત્તમ સાહિત્યકૃતિ સિદ્ધ થઈ શકે. બેમાંથી એકના આગ્રહનો અતિરેક કૃતિને વણસાવી શકે. બધીય આકારનિર્મિતિનું અંતિમ લક્ષ્ય તો કૃતિના અંતસ્તત્ત્વને શ્રેષ્ઠ રીતે ઉજાગર કરવાનું હોય. અંતસ્તત્ત્વનો પૂર્ણ મહિમા કર્યા પછીયે કહેવું જોઈએ કે તે બોલકું, તાલમેલિયું ને ઉઘાડું ન હોય! આકારનિર્મિતિ ભૌમિતિક આકૃતિ બનીને ન રહી જવી જોઈએ. ગુજરાતી પ્રજા તત્ત્વતઃ કોઈ પણ ક્ષેત્રે અંતિમવાદી નથી. એટલે ઉપરોક્ત સાહિત્યલક્ષી અસમતુલાનો તબક્કો ચિરસ્થાયી ન બન્યો. છતાં સાહિત્ય વિશેની પરિષ્કૃત રુચિનેય જે હાણ થવાની હતી તે તો થઈ જ. તો સામાન્ય વાચકની શી વાત કરવી? છેવટે તો સાહિત્યમાં જીવન જ સર્વોપરી અને સર્વતોભદ્ર બનવું જોઈએ. જીવનનાં કોટ્યાવધિ પરિમાણોના આવિષ્કારોનો એટલી જ સાહિત્યરીતિઓ હોઈ શકે. સાહિત્ય આદિ કળાઓ જીવનને અનુષંગે અને જીવનના અંશરૂપ અસ્તિત્વ ધરાવે છે. જીવન સાથેનો સંપૂર્ણ તંતુવિચ્છેદ સાહિત્ય આદિ કળાઓ માટે હિતકર નથી અને તે લગભગ શક્ય પણ નથી. એવો તંતુવિચ્છેદ થાય તો એવા સાહિત્યની લોકાભિમુખતા પર ઘણી વિપરીત અસર પડે. લોક અને જીવનની બાદબાકી કરીને કોઈ પણ ભાષાસાહિત્ય અક્ષુણ્ણ બનવાની આશા ન રાખી શકે. આજે જ્યારે આપણે ગુજરાતી ભાષાનું ભાવિ ભયમાં મુકાવા વિશે ચિંતા કરીએ છીએ ત્યારે આપણી જાતને એવો પ્રશ્ન પણ પૂછવો જોઈએ કે આપણી ભાષામાંથી પ્રગટતા સાહિત્યનો લોક અને જીવન સાથેનો ભાવસંબંધ ક્ષીણ તો નથી થયો ને? ભાષા સાહિત્યમાંથી, સાહિત્ય ભાષામાંથી અને એ બંને જીવનમાંથી પરિપોષ પામે છે. આ ત્રિવેણી અખંડધાર રહેવી જોઈએ. ગંગાસતીની ભજનવાણી પૂરેપૂરી જીવનાભિમુખ હોવાની સાથે લોકસમસ્તને પ્રસન્નતા અને આત્મબોધ આપનારી પણ છે. સાહિત્ય નિઃશંક શબ્દની કળા, શબ્દનો વ્યાપાર છે, પરંતુ રસાનુભૂતિ અને અર્થભાવબોધ ન કરાવી શકતા શબ્દો માત્ર શબ્દકોશની સમૃદ્ધિ બની રહે છે. લોકચિત્તકોશની સમૃદ્ધિ નહિ. મહાકવિ કાલિદાસે પણ ‘વાગર્થૌ ઇવ સંપૃક્તૌ’ની જિકર કરી છે. સાહિત્યકૃતિ અર્થભારથી લદાઈ ન જાય કે પ્રત્યક્ષ ઉપદેશ કે પ્રચાર કરનારી ન હોય એની પૂરેપૂરી ખેવના કર્યા પછી પણ સાહિત્યકૃતિની પ્રત્યાયનક્ષમતાને આંચ ન આવવા દેવી ઘટે. મહાત્મા ગાંધીએ ‘સાહિત્ય પરિષદ’ના પ્રમુખપદેથી ‘કોશિયો પણ સમજી શકે,’ એવા ભાષાસાહિત્યનો અનુરોધ કર્યો હતો. એ પછી સાબરમતી અને તાપીમાંથી ઘણાં પાણી વહી ગયાં છે, છતાં એ અનુરોધની પ્રસ્તુતતા આજેય અળપાઈ નથી. સાહિત્યે પોતાની કક્ષાને નીચી ઉતાર્યા વિના પણ લોકો સાથેની આત્મીયતાના પોતાના સેતુને તૂટવા દેવો ન જોઈએ. ભાષા અને સાહિત્ય પરસ્પરના પૂરક ઘટકો છે. એકના યોગક્ષેમની અસર બીજાના યોગક્ષેમ પર પડે જ. ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતાનો વિચાર આ સંદર્ભમાં થવો ઘટે. ભાષાની પ્રાણપ્રદ જીવનાભિમુખતા સાથે સાહિત્યના ધબકારના સ્વાસ્થ્યનો પ્રાણપ્રદ સંબંધ છે. એ જ રીતે સાહિત્યની લોકારાધનપ્રવૃત્તિ સાથે ભાષાની ચિરંજીવિતાનો મુદ્દો સંકળાયેલો છે. સાહિત્યને કેવળ ‘પાંચ-સાત શૂરાના જયકાર’ જેવી સીમિત-કુંઠિત પ્રવૃત્તિ ન બનવા દઈ શકાય. સાહિત્ય અધિવેશનો રાજકીય જમાવડાઓની જેમ શક્તિપ્રદર્શનો કે ભાડૂતી માણસો ભેગા કરવાનો તમાશો ન જ બની શકે. પણ પ્રજાની સાચકલી સાહિત્યચેતનાની અભિવ્યક્તિનો એ અવસર હોવો જ જોઈએ. ભાષાસાહિત્ય પરત્વે મંદપ્રાણતા અત્યાર સુધી તો નભી ગઈ પણ હવે તે લંબાય તો તે ઘાતક નીવડી શકે તેમ છે. આ આશંકાને નિર્મૂળ કરવા માટે આપણા સાહિત્યકારોમાં નરસિંહ મહેતાનો સમર્પણભાવ, પ્રેમાનંદની પ્રતિબદ્ધતા, અખાનું નિર્મમ તાટસ્થ્ય, કવિ નર્મદનો જોસ્સો, ગોવર્ધનરામની ગહેરાઈ, ગાંધીજીની જનાભિમુખ પ્રતિબદ્ધતા, રણજિતરામની પ્રેરકતા, મુનશીની તેજસ્વિતા અને અસ્મિતાભાવ, મેઘાણીની લોકનિષ્ઠા ર.વ. દેસાઈની સમસામયિકતા, ઉમાશંકરની ધારદાર સંવેદનશીલતા, દર્શકની જનપદથી વિશ્વ સુધી વિસ્તરેલી સંવિત્તિ, રાજેન્દ્ર શાહનું કવિવૈરાટ્ય, સુરેશ જોષીનો વૈશ્વિક જ્ઞાનમંડિત અભિનિવેશ, રઘુવીર ચૌધરીનો કળા અને જીવનનિષ્ઠા પરત્વેનો સમતોલ અભિગમ, રમેશ પારેખનું લોકકવિતા–આધારિત લયલાવણ્ય, આદિલ મન્સૂરી અને સમકાલીનોએ સાધેલું ગઝલોત્થાન, રાજેન્દ્ર શુક્લની ગઝલમય મંત્રવાણી ઇત્યાદિને સ્વઊંડળમાં સમાવી સાંપ્રત અને ભાવિ ગુજરાતી સાહિત્યકારોએ તેમાં પોતાનું સ્વત્વ ને સત્ત્વ ઉમેરતાં રહેવું પડશે. તે જ રીતે, માત્ર ‘સાહિત્ય પરિષદ’ અને બીજી સાહિત્યસંસ્થાઓએ જ નહિ, સમાજ અને શિક્ષણને વરેલી સંસ્થાઓએ પણ ભાષાપ્રીતિનાં જળનું પોતાના મૂળમાં સિંચન કરવું પડશે. વસ્તુતઃ આ માત્ર સાહિત્યકારો, સાહિત્યરસિકો અને સાહિત્યસંસ્થાઓનું જ નહિ પણ પ્રજાસમસ્તનું કાર્ય છે, બલકે સહુની સહિયારી જવાબદારી છે. આમાં શાસક વર્ગ અળગો ન રહી શકે. એ સાચું કે જીવનસંઘર્ષ આજે સર્વ સ્તરે સંકુલ બન્યો છે. તીવ્ર સ્પર્ધાત્મકતાનો આ યુગ છે. વૈશ્વિકીકરણના આ જમાનામાં બીજી પ્રજાઓથી પાછળ રહી જવાનું ગુજરાતી પ્રજાને તો ન જ પરવડે. વૈશ્વિકીકરણનાં સારાં-માઠાં બંને પ્રકારનાં પરિણામો પ્રત્યક્ષ થવા લાગ્યાં છે. વૈશ્વિકીકરણની હરોળમાં રહેવા માટે પણ શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાને ગુજરાતવટો આપવાની આવશ્યકતા નથી. ગુજરાતીને શિક્ષણના માધ્યમપદે અવિચલિત રાખ્યા પછી પણ અન્ય ભાષાઓમાં પ્રાવીણ્ય મેળવવાનું અશક્ય નથી જ. આજે વિજ્ઞાન અને ટૅક્‌નૉલૉજીની બોલબાલા પ્રવર્તે છે. એને અધીન થવું અને રહેવું ઘણી રીતે ઇષ્ટ છે. ટૅક્‌નૉક્રેટ્‌સ, પ્રોફેશનલ્સ, પ્રબંધકો, હિસાબ-કિતાબનવેશો, આઈ.ટી. પંડિતો ઇત્યાદિની માગ અને જરૂરત બંને છે અને એ વધતી જશે, પણ એનો અર્થ એ નથી કે સમાજને આજે કે ભવિષ્યે કવિઓ, સાહિત્યકારો, દાર્શનિકો, ઇતિહાસવિદો, વિચારકો, કલાકારો વગેરેની કશી જરૂરત નથી કે નહિ જ પડે. રોટી મનુષ્યની એક પાયાની આવશ્યકતા હોવા છતાં એક અમેરિકન ઉક્તિ પણ સાચી છે : ‘મૅન ડઝ નૉટ લિવ બાય બ્રેડ અલોન.’ પેટની ભૂખ ઠારવા માટે ભોજન કર્યા પછી પણ ભજન બાકી રહે જ છે. એનો સીધો સંબંધ મનુષ્યની સૂક્ષ્મ ભાવસંપત્તિ સાથે છે. એનું આરાધન કર્યા વિનાનો માનવી પુનઃ પાછે પગે પ્રાગૈતિહાસિક યુગમાં ધકેલાઈ જાય. આપણે માત્ર યંત્રમાનવની જ નહિ, પણ હાડ-માંસ-રુધિર ઉપરાંત પળેપળ પ્રત્યક્ષ એવી સંવેદનશીલતા અને સંવિત્તિથી ધબકતા માનવહૃદયની ગરજ છે, હોવી જોઈએ. એ વિના આ પૃથ્વીની સકળ હયાતી જ અર્થશૂન્ય બની જાય. આપણો લેખક કલમથી લખે કે કમ્પ્યૂટરથી, એ ડિક્ટેટ કરાવે કે ટેપ કરાવે, પણ એનો સંબંધ તો મનુષ્યચેતના સાથે હોવો અને ટકવો જોઈશે. શબ્દના ઉપાસકો શબ્દબ્રહ્મના સાધકો સિદ્ધ થાય તો ઇષ્ટ અને ઉત્તમ ઉપલબ્ધિ ગણાય. શબ્દબ્રહ્મની પ્રાપ્તિ એ શબ્દના પ્રત્યેક બંદાનો અતિ દુષ્કર એવો આદર્શ રહ્યો છે. પણ તે કક્ષાએ પહોંચવા માટે પ્રયત્નો તો કરવા જ પડે, એવી તપશ્ચર્યા કરનારા બંદાઓ આપણી અને અન્ય ભાષાઓને ક્યારેક ક્યારેક મળતા રહ્યા છે, અને મળશે. આવા બંદાઓ એ કંઈ સસ્તામાં ન મળી આવે. તે માટે તો સમસ્ત પ્રજાની સાહિત્યિક ચેતના ધબકતી રહેવી જોઈએ. બંગાળી પ્રજાની સાહિત્યપ્રીતિની ચરમ કક્ષાની ક્ષણે જ કોક રવીન્દ્રનાથ જન્મે છે. ફોસ્ટરે નિર્દેશ કરેલો કે જો તમારે મહાન કવિઓ જોઈતા હોય તો ભાવકોએ પોતે પણ મહાન થવું રહ્યું. સમસ્ત મરાઠી પ્રજાની ઉત્કટ સંગીતાભિરુચિ એક લતા મંગેશકર કે એક ભીમસેન જોશીના સ્વરૂપે પ્રગટ થાય છે. કવિ ઇકબાલનો સુપ્રસિદ્ધ શેર છે :

‘હઝારોં સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી હૈ;
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા.’

ગુજરાતી પ્રજાની અહિંસાપરાયણતા મહાત્મા ગાંધીની અહિંસા-સાધના રૂપે અને એ જ પ્રજાની કર્મઠ વ્યવહારદક્ષતા સરદાર વલ્લભભાઈ પટેલમાં મૂર્તિમંત થઈ. હવે ગુજરાતી ભાષાસાહિત્યના ઉપવનમાં એવો કોઈ ‘દીદાવર’ દ્રષ્ટા પ્રગટ થાય અને નરગિસ નામના પુષ્પની હજારો વર્ષની નિસ્તેજતાનો અંત આણે. આ માટે ગુજરાતી ભાષા અને સાહિત્યે પ્રથમ તો પોતાનાં વ્યાપ અને ઊંડાણને વિસ્તારવાની આવશ્યકતા છે. બીજા શબ્દોમાં કહીએ તો તે સર્વાશ્લેષી બનવાં જોઈએ. ભાષા અને સાહિત્યનો વ્યાપાર ગણ્યા-ગાંઠ્યા વર્ગો અને વર્ણોની ઇજારાશાહી બની જાય તો એ એક મોટી વિપત્તિ જ ગણાય. પન્નાલાલ તેમની નવલકથામાં ‘ગાંયજા’નું પાત્ર લાવ્યા એથી કવિ નાનાલાલને પ્રક્ષોભ થયો, પણ વસ્તુતઃ એ ગુજરાતી સાહિત્યનો એક સીમાચિહ્નરૂપ વળાંક હતો. ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યનું પ્રબળ અને પ્રાણપ્રદ આગમન તેની ચરમ સીમા છે, છતાં ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિ પ્રજાના અલ્પ વર્ગો અને વર્ણો સુધી સીમિત અને તેથી કુંઠિત બનેલી અનુભવાય છે. આપણે આજે નવસારીમાં મળ્યા છીએ ત્યારે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસમાં પારસી પ્રજાએ કરેલા બેનમૂન યોગદાનનું વિસ્મરણ કરીએ તો આપણે નગુણા જ ઠરીએ. ગુજરાતી ભાષાને પ્રથમ અખબાર, છાપખાનું, ટાઇપ ફાઉન્ડ્રી અને પંચાંગ સર્વ પ્રથમ આપનાર ફરદુનજી મર્ઝબાન સુરતના પારસી સજ્જન હતા. ગુજરાતી ભાષાનું પહેલું મુદ્રિત પુસ્તક પણ પારસી અને અંગ્રેજ પ્રજાના સહિયારા પ્રયત્નોનું ફળ હતું. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં પારસીઓએ પ્રારંભિક તબક્કે કરેલા પ્રદાનને પણ વીસરી ન શકાય. આજે દુનિયાભરમાં સુરતનું એક જ પારસી નાટ્યજૂથ સક્રિય છે. કેટલાં બધાં પારસી લેખક-લેખિકાઓ એક કાળે પારસી વર્તમાનપત્રોમાં ગુજરાતી ધારાવાહિક નવલકથાઓ લખતાં હતાં! થોડાક પારસી પત્રકારો ગુજરાતી ભાષામાં હાસ્યસામયિકો પણ પ્રગટ કરતા હતા. હવે જેમ પારસીઓની વસ્તી ઘટી છે તેમ પારસીઓનું ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જન પણ ઘટ્યું છે. સંજાણા જેવા પ્રહરી વિવેચકની આજે પણ આપણી ભાષામાં ખોટ વર્તાય છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – એ ગુજરાતનો મહિમા ગાતી ચિરસ્મરણીય કાવ્યપંક્તિ પણ પારસી કવિ ખબરદારે રચી હતી. આજે શતાબ્દીને આરે પહોંચેલા ડૉ. રતન માર્શલ જેવા જૂજ અપવાદરૂપ પારસી સાહિત્યકારો આપણી વચ્ચે વિદ્યમાન અને સક્રિય છે. આ પરિસ્થિતિ સર્જાઈ તેનાંયે ઐતિહાસિક, સામાજિક, આર્થિક, કારણો હોઈ શકે. પરંતુ ગુજરાતી ભાષાસાહિત્યની ઊંડણ સંકોચાઈ તે પણ તેનું એક મહત્ત્વનું કારણ છે એમ મને લાગે છે. એવી જ સ્થિતિ મુસલમાન કોમના ગુજરાતી ભાષાસાહિત્યમાંના પ્રદાન પરત્વે પ્રવર્તે છે. ગઝલ જેવા વિશિષ્ટ કાવ્યપ્રકારને ગુજરાતી ભાષામાં દૃઢમૂલ, વ્યાપક અને લોકપ્રિય બનાવવામાં મુસલમાન ગઝલકારોનો ફાળો અતિ મહત્ત્વનો રહ્યો છે. સદ્‌ભાગ્યે આજે પણ ગુજરાતી ગઝલનાં સર્જન અને શાસ્ત્રચર્યામાં મુસ્લિમ ગઝલકારોનું પ્રદાન મહત્ત્વનું છે. વરિષ્ઠ નવલકથાકાર મોહમ્મદ માંકડની અદ્યાપિપર્યંતની સક્રિયતા ગૌરવપ્રદ છે. સુરતનાં ગુજરાતીનાં એક ઉત્તમ અધ્યાપિકા ડૉ. શરીફા વીજળીવાળાએ અભ્યાસી અને વિદગ્ધ વિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં હરણફાળ ભરી છે. ગુજરાતી શોધપત્રકારિતાના જનકનું સ્થાન ‘ડાંડિયા’કાર કવિ નર્મદને મળ્યું છે. ગુજરાતી ભાષાના સાહિત્યપત્રકારત્વના એક પિતામહ ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી હતા તે કેમ ભુલાય? બચુભાઈ રાવત અને ચાંપશીભાઈ ઉદેશીનો પ્રેરણાસ્રોત આ ‘વીસમી સદી’નું સામયિક હતું. સુરતના મુસ્લિમ પત્રકાર ‘મુનાદી’એ ઉર્દૂ કવિ ઇકબાલના કાવ્યગ્રંથ ‘પયામે મશરિક’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. પહેલો ગુજરાતી મુશાયરો સુરત નજીકના રાંદેરમાં મુસ્લિમ શાયરોની પહેલથી યોજાયો હતો. ગુજરાતની આવી એક મહત્ત્વની કોમ ગુજરાતી ભાષાસાહિત્યની પ્રવૃત્તિઓથી એકંદરે વેગળી જતી જણાય એ આપણી મોટી સાંસ્કૃતિક હાણ છે. એવું જ ખ્રિસ્તી કોમ પરત્વે. ગુજરાતી મુદ્રણકળા વિકસાવવામાં એક કાળે ખ્રિસ્તી મિશનરીઓનો મોટો ફાળો હતો. સુરતનું મિશન પ્રેસ તેના શુદ્ધ મુદ્રણ માટે પ્રતિષ્ઠિત હતું. આજે જોસેફ અને યોસેફ એ બે મૅકવાન, કવિ ફિલિપ ક્લાર્ક ઇત્યાદિ થોડાક અપવાદો સિવાય ગુજરાતી ભાષાસાહિત્યના ક્ષેત્રે આ સુશિક્ષિત કોમનું પ્રદાન કેમ સંકાચાયેલું લાગતું હશે? અહીં આ કે તે કોમનો સવાલ નથી પરંતુ ભાષાસાહિત્ય જેવા મહત્ત્વના ક્ષેત્રે પ્રજાના બધા વર્ગોના સહભાગિત્વનો છે. યાદ રહે કે ભાષા અને સાહિત્ય પ્રજાઓ વચ્ચેના ભાવાત્મક ઐક્ય – ઇમોશનલ ઇન્ટિગ્રેશન–નું એક પ્રાણપ્રદ ઉપકરણ છે. ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના ઉદયકાળમાં વરતાયેલી વ્યાપકતા અને સર્વાશ્લેષતાના શુભ સંકેતો તે પછી આજ સુધીમાં પાંખા પડતા ગયા અને આજે ચિત્ર મહદ્ અંશે સીમાબદ્ધ તથા એકાંગી બન્યું છે. ‘ઉપવનમાં બધાં રંગસુગંધનાં પુષ્પોનું સહઅસ્તિત્વ રહે’ એ ચીની માંધાતા માઓત્સે તુંગની પ્રસિદ્ધ ઉક્તિ ભાષાસાહિત્ય સંદર્ભે પણ સર્વથા પ્રસ્તુત છે. સાહિત્યને પોતાની ક્ષિતિજોને સાંકડી બનાવવાનું પાલવી શકે નહિ. જેમ અધ્યાત્મમાં તેમ સાહિત્યમાં પણ ચેતોવિસ્તાર દ્વારા ભૂમાની અનુભૂતિ ઉપકારક જ નીવડે. આવાં વિકાસ અને વિસ્તરણથી પ્રત્યેક ભાષાના સાહિત્યને અનર્ગળ લાભ જ થઈ શકે. મેં સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં કામ કર્યું છે. ગદ્ય અને પદ્ય ઉભય મારા કલમવિહારના ઇલાકાઓ રહ્યા છે. તદુપરાંત પત્રકારત્વની પણ પ્રાયઃ બધી શાખામાં મેં કામ કર્યું છે. સાહિત્ય અને પત્રકારત્વના બે અશ્વો પર સાથે સવારી કરતાં મારે એક જિંદગીમાં બે કે તેથી વધુ જિંદગી જીવવા જેટલો કલમશ્રમ કરવો પડ્યો છે. વળી બંનેનું માધ્યમ એક જ. આથી જે તે ક્ષેત્રમાંની શબ્દની વિશેષતાને અકબંધ રાખવા માટે પણ મારે સવિશેષ સભાનતા કેળવવી પડી છે. પણ તેનો મને અત્યધિક આનંદ છે. સાહિત્યે મારી સંવેદનાઓની અભિવ્યક્તિ કરી છે તો પત્રકારત્વે મને ગદ્યલેખનનાં પ્રશિક્ષણ અને અનુશાસન આપ્યાં છે. આ સર્વનો મને વિશેષ આનંદ છે. સાહિત્યે મને વારંવાર અંતર્યાત્રા કરાવી છે તો પત્રકારત્વે મને વૈશ્વિક ચેતનાની સમ્મુખ ખડો કર્યો છે. શબ્દાર્પિત ભાવસ્થિતિ એ મારા જીવનની પરમોચ્ચ નિસબત રહેલી છે. સાહિત્ય અને બીજી કળાઓના વ્યાસંગથી જુદું અને બહાર મારું કોઈ અસ્તિત્વ હોય એમ મને કદી લાગ્યું જ નથી. ગદ્ય અને પદ્યના, સાહિત્યના અને પત્રકારત્વના, લિખિત અને ઉચ્ચરિત એમ સર્વ પ્રકારના શબ્દ તથા તેનો સુયોગ્ય વિનિયોગ એ મારા નિતાન્ત રસ અને આનંદનો વિષય છે. એ ક્ષેત્રે હું કંઈક કામ કરી શક્યો તેથી હું સાર્થકતા અનુભવું છું. પહેલાં પદ્યની વાત કરું. મેં મુખ્યત્વે ગઝલ, ગીત અને સૉનેટ જેવા ઊર્મિકાવ્યના પ્રકારોમાં કંઈક કામ કર્યું છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મ અને ઉછેરને કારણે સંસ્કૃત વૃત્તોનાં સંસ્કાર સ્વાભાવિક રીતે જ પ્રગાઢ હતા. કાવ્યલેખનની શરૂઆત મેં તેવા જ કોઈ માળખામાં કરેલી. પછી હું ગઝલ ભણી વળ્યો. તેમાં મુખ્ય નિમિત્ત બે : (૧) મારું ઊર્મિપ્રચુર સંવેદન-વિશ્વ, અને (૨) ‘ગઝલના મક્કા અથવા કાશી તરીકેની સુરતની ખ્યાતિ. ગુજરાતી ગઝલના કેટલાક તબક્કાઓ અને વિવર્તોનો હું પ્રથમ કેવળ સાક્ષી અને પછી સક્રિય સાક્ષી રહ્યો છું. મારા ઘરની નજીકનાં ત્રણ સભાગૃહોમાં થતાં કવિસંમેલનો – મુશાયરાઓએ મારી ગઝલરુચિનું સંવર્ધન કર્યું. ગુજરાતી ગઝલને મેં સુદૃઢ અને ઉપકારક પરંપરામાંથી સુભગ પ્રયોગશીલતા અને આધુનિકતામાં સફળતાપૂર્વક સમુત્ક્રાંત થતી જોઈ અને અનુભવી છે. મેં ગઝલસર્જનક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતી ગઝલ લોકપ્રિય અને વિવેચકોથી ઉપેક્ષિત હતી. એ સંક્રાન્તિકાળ હતો. દાયકાઓની મથામણો પછી ગુજરાતી ગઝલનું કાવ્યલક્ષી પરિમાર્જન પણ થયું અને તેને સમજવા-આસ્વાદવાની વિદ્વાનોની ક્ષમતાનો વિકાસ પણ થયો. આ વિવિધ પ્રક્રિયાઓને કારણે હવે ગુજરાતી ગઝલ (૧) શુદ્ધ કવિતાની વધુ નિકટ સરી છે (૨) વિશ્વકવિતાની આધુનિક ચેતના સાથે તેનો તંતુ કિંચિત્ જોડાયો છે (૩) લોકોમાં તે વધુ પ્રિય બની છે (૪) ગુજરાતી કાવ્યસાહિત્યની મુખ્ય ધારામાં તેણે સાધિકાર પોતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મૂર્ધન્ય ગુજરાતી ગઝલકારો ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે સમુચિત રીતે પોંખાયા છે. ગુજરાતી ગઝલસંગ્રહે ‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી’નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના આ અધિવેશનમાં પ્રમુખપદનો કાર્યભાર એક એવી વ્યક્તિએ સંભાળ્યો છે જેણે સાહિત્યનાં અન્ય સ્વરૂપો અને પ્રકારો ઉપરાંત કવિતામાં મુખ્યત્વે ગઝલને અનુલક્ષીને કંઈક કામ કર્યું છે. ‘સાહિત્ય પરિષદ’ના ઇતિહાસમાં સંભવતઃ આમ પ્રથમ વાર બન્યું છે. તેમાં હું વ્યક્તિ કરતાં ગુજરાતી ગઝલને મળેલી પરિષદીય માન્યતા વધારે અનુભવું છું. અલબત્ત, કોઈ પણ સાહિત્યસ્વરૂપ કે પ્રકાર આવી માન્યતાનો મોહતાજ ન હોય. હવે ગુજરાતી ગઝલને વિદ્વાનો અને ભાવકોનાં હૃદયમાં જે માનભર્યું સ્થાન મળ્યું છે તે એક ધન્યકર્તા ઘટના છે, કિન્તુ આ સ્થિતિનો અતિરેક સાંપ્રત અને ભાવિ ગુજરાતી ગઝલકારોની કસોટી કરનારો બની શકે. અતિ અને ઇન્સ્ટંટ લોકપ્રિયતા એ કોઈ પણ કલાપ્રકાર માટે નાનુંસૂનું ભયસ્થાન નથી. પચાસના દાયકા સુધી ત્વરિત પ્રશંસામૂલક અને સભારંજક ગઝલો તથા તેની રજૂઆત કરનારા ગઝલકારો વિવેચકોની ટીકાનું નિમિત્ત બન્યાં હતાં. આજે માધ્યમો અને ઉપકરણોના બાહુલ્યનો સમયખંડ પ્રવર્તે છે. તેમાં જેમ સાચી અને સારી ગઝલના પ્રસારનો માર્ગ પ્રશસ્ત થયો છે તેમ નબળા અને ખોટા સિક્કાઓ ચલણમાં પ્રવેશી જવાની આશંકા પણ રહે છે. મને એક ઉર્દૂ ગઝલનો મત્લા સ્મરણે ચઢે છે :

‘ગઝલ કી કબ્ર પે આંસૂ ચઢા કે આયા હૂં,
મુશાયરે મેં લતીફે સુના કે આયા હૂં’

સિદ્ધહસ્ત ઉર્દૂ કવિની આ મનોવેદનામાં સામેલ થવું જ પડે. દુહા, સોરઠા, છપ્પા, ભજનોનાં ધ્રુવપદો ઇત્યાદિની જેમ ભાવકનાં હૃદય પર સમસંવેદનનો સીધો ટકોરો મારવાની ગઝલના શેરની ક્ષમતા અદ્‌ભુત છે. તેને વેડફીએ નહિ, તેનું સંવર્ધન કરીએ. ગઝલને લીલા દુકાળની સ્થિતિમાંથી બહાર કાઢીને ફલપ્રદ પર્જન્યધારામાં પલટાવીએ. આટલી સર્જનઊર્જા ગુજરાતી સાહિત્યમાં થોડાક અપવાદો સિવાય અન્ય સ્વરૂપો અને પ્રકારો સંદર્ભે આજે સંતોષપ્રદ માત્રામાં અનુભવાય છે ખરી? ધોધમાર લખાય તો અને તે જ સાહિત્ય સાર્થક તેવી બાલભોગ્ય ભ્રમણાનો આપણે ભોગ નથી જ બન્યા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ઝૂઝવાની આપણી પ્રવૃત્તિ ફળદાયી નીવડી તે પછી તદંતર્ગત ઉત્સાહ અને જોસ્સાનાં પૂર પ્રજાકીય સ્તરે શમ્યાં અને આપણે વધારે વાસ્તવિક તથા પ્રત્યક્ષ પ્રશ્નોની મુખોમુખ આવીને ઊભા. દાયકાઓની મથામણો પછી પ્રજાને થોડીક ભૌતિક ઉપલબ્ધિઓ – સુવિધાઓ મળી, પરંતુ પ્રજાકીય સ્વત્વ, ઉન્મેષ અને ઊર્જામાં જાણે ઓટ આવી હોય તેવું અનુભવાય છે. આની અસર સાહિત્યકળાના ક્ષેત્રે પણ પડે જ. ગુજરાતી સાહિત્ય તેનાથી શી રીતે અલિપ્ત રહી શકે? મારી એવી ચિંતાયુક્ત લાગણી છે કે આપણું સાહિત્ય સાંપ્રતકાળે ગતિ-પ્રગતિ કરતાં સ્થિતિમાં વધારે જકડાયેલું છે. આ તબક્કો અસ્થાયી જ નીવડશે એવી મારી શ્રદ્ધા છે. કોઈ પણ ભાષાના સાહિત્યમાં આવા તડકા-છાંયડાઓ આવતા જ રહે છે, પરંતુ દાયકે, બે દાયકે, ત્રણ દાયકે કોક એવો પ્રાણવાન સર્જક પ્રગટે છે જે સમગ્ર વાયુમંડળને ઝળાંઝળાં કરી મૂકે છે. ગોવર્ધનરામે ગુજરાતી નવલકથાને, ધૂમકેતુએ આપણી વાર્તાને, ઉમાશંકર-સુંદરમે આપણી કવિતાને, કાકા કાલેલકર – સુરેશ જોષીએ આપણા નિબંધને, સ્વામી આનંદે આપણા ગદ્યસામર્થ્યને, રમેશ પારેખે આપણી ગીતસમૃદ્ધિને, આદિલ આદિએ નવી ગુજરાતી ગઝલને જે ચાલના આપી તે મારા આ કથનની સાક્ષી પૂરશે. આમાં બીજાં ઉદાહરણો પણ આપી શકાય. સમગ્ર વાયુમંડળને ઝળહળાવી મૂકે એવા કોઈ પ્રાણવાન સર્જકની ફરીથી પ્રતીક્ષા કરવાનો આ સમય હોય એમ લાગે છે. આ પ્રતીક્ષા ફળશે એવી મારી શ્રદ્ધા છે. આવો સર્જક પ્રગટ થાય એ માટેનું વાયુમંડળ સર્જવું એ તેની પહેલી શરત છે. આ અધિવેશન જેવા ને બીજા ઉપક્રમો એમાં પ્રેરણારૂપ બની શકે. આજે લખનારાઓની સંખ્યા વધી છે. પ્રકાશનોની સંખ્યા તો તેનાથીયે વધારે છે. સી.ડી., ડી.વી.ડી., વેબસાઇટ ઇત્યાદિ ઉપકરણોની જટાજાળ વિસ્તરી રહી છે. કોઈ સામયિકમાં આજે પ્રગટ થતું કાવ્ય ડોટ.કોમની સુવિધા દ્વારા ઘડીભરમાં વિશ્વને ખૂણે ખૂણે પહોંચી શકે છે. તેવું જ વાર્તા અને નિબંધો વિશે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આટલા પ્રસારને પાત્ર એવી કૃતિઓ કેટલી? અખબારો ઑક્ટોપસની જેમ સર્વગ્રાહી બન્યાં છે, પણ તેમાં સાહિત્યક્ષેત્રની ગતિવિધિઓને સ્થાન કેટલું? સ્વ. કૃષ્ણવીર દીક્ષિત જેવા પુસ્તક પરિચાયકની ખોટ આજે પણ વરતાઈ રહી છે. મોટાં શહેરોમાં જ નહિ, નાનાં નગરો અને કસબાઓમાં પણ વિવિધ સાહિત્યપ્રવૃત્તિઓ તો ચાલે છે, છતાં તેનાથી ભાગ્યે જ કોઈને પૂરો સંતોષ થાય. ગયા વર્ષના ડિસેમ્બરમાં સુરત નજીક કીમમાં સાહિત્યપરિષદનું જ્ઞાનસત્ર યોજાયું હતું. તેની ઉદ્‌ઘાટન-બેઠકના અતિથિવિશેષપદેથી મેં એક વાક્ય ઉચ્ચાર્યું હતું : ‘…છતાં કશુંક ખૂટે છે.’ આજે અહીં ‘સાહિત્ય પરિષદ’ના અધિવેશનના પ્રમુખપદેથી પણ મારે એ જ શબ્દોનું પુનરાવર્તન કરવાનું રહે છે : ‘…છતાં કશુંક ખૂટે છે’ આ ફરિયાદ, આક્રોશ કે ઉપાલંભ નથી, પણ આત્મચિંતનયુક્ત વેદના છે. ‘…છતાં કશુંક ખૂટે છે’ની ચિંતા આપણને સૌ કોઈને લાગુ પડે તેમ છે. લખનારાઓમાં, એવી સંસ્થાઓની શિરમોર સમાન ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની પ્રવૃત્તિઓમાં, પ્રકાશકોમાં, ભાષાસાહિત્યના ભાવકોમાં, વર્તમાનપત્રો અને સામયિકોમાં, આધુનિક ઉપકરણોનાં નિયંત્રકોમાં, શિક્ષણસંસ્થાઓમાં, શિક્ષકો – અધ્યાપકોમાં, શાસન-તંત્રમાં, ગુજરાતી ભાષા સાહિત્યમાં – એમ સર્વ સંદર્ભે કેટલુંક વિધાયક કામ થયું હોવા છતાં કશુંક ખૂટે છે! અને જે ‘કશુંક ખૂટે છે’ તે આપણા સાહિત્યને આંશિક સ્થગિતતા ભણી દોરી રહેલું તત્ત્વ હોય એવું તો નથી બન્યું ને? સદ્‌ભાગ્ય એટલું છે કે કીમમાંના મારા આ ઉદ્‌ગારોના સર્વત્ર સંમતિસૂચક પડઘા પડ્યા છે. પણ આ તો કેવળ પ્રાથમિક નિદાન થયું. અહીંથી આપણે સઘન ડાયોગ્નોસિસ, સર્વાંગી ઇન્વેસ્ટિગેશન, સ્કૅનિંગ ઇત્યાદિનો તબક્કો વટાવ્યા પછી સ્પષ્ટ ઉપચારો અને શુશ્રૂષા સુધી જવું પડશે. તે માટે સાહિત્યસંસ્કાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વિવિધ સ્તરના સંસ્થાગત અને વ્યક્તિગત સર્વ સંબંધિતોએ સજાગ અને સક્રિય થવું પડશે. સર્જકના સર્જનમાં નિષ્ઠા, સચ્ચાઈ અને લોકહૃદયના ધબકારને પ્રીછવાની શક્તિ હોય, સાહિત્યસંસ્થાઓ ઈમાનદાર અને સર્વસ્પર્શી બને, શિક્ષણસંસ્થાઓ ભાષાસાહિત્યના શિક્ષણમાં બેપરવા ન બને, પ્રકાશકો ઉત્તમ પુસ્તકો છાપવા પરત્વે ઉત્સાહ દાખવે, પુસ્તકાલય સંચાલકો તેવાં પુસ્તકો વાચકો સુધી પહોંચે તેનાં સેતુરૂપ બને, શાસનતંત્ર બધી જ ભાષાસાહિત્યપ્રવૃત્તિઓને નિઃસ્વાર્થ સમર્થન આપે, પ્રજા વ્યાપકતા અને ઊંડાણથી ભાષાસાહિત્યને અભિમુખ બને, અખબારો ને સામયિકો સાહિત્યધર્મ બજાવે, આધુનિક ઉપકરણો ભાષાસાહિત્યના પ્રસારમાં ઉત્સાહી ઉપરાંત દૃષ્ટિવંત બને; આ અને આવા બીજા અનેક ઉપાયો દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યમાં સાચકલો પ્રાણ સંચારિત કરી શકાય. સાહિત્યસંસ્થાઓ છેવટે તો પ્રજાકીય સંપત્તિ છે. એવી સંસ્થાઓમાં પૂર્ણપણે લોકાભિમુખતા, લોકતાંત્રિક પરિપાટી, નાણાકીય પારદર્શિતા, જૂથબંધી ને વાડાબંધીનો ઉચ્છેદ, પ્રવૃત્તિ પ્રત્યેની નિષ્ઠા ઇત્યાદિ આચારસંહિતાનું પાલન તંતોતંત થવું જોઈએ. ‘પરિષદ’ લોકતંત્રનિષ્ઠ સાહિત્યસંસ્થા છે તે રાજીપાનો વિષય છે, પણ તે સાથે તેમાં ઉપર નિર્દિષ્ટ અને બીજી કેટલીક આચારસંહિતાનું વધારે પાલન થવું જોઈએ. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ પણ અસ્તિત્વ ધરાવે છે તે આનંદ અને આવકારનો વિષય છે. ભૂતકાળમાં અને અત્યારે પણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના પક્ષે કેટલુંક સારું કામ નોંધાયું છે. અનેક વિવર્તો પછી ‘અકાદમી’નું લોકતાંત્રિક માળખું સ્વીકારાયું હતું. પરંતુ છેલ્લાં થોડાંક વરસોથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તેની પ્રકાશન અને પારિતોષિક વિતરણની થોડીક પ્રવૃત્તિઓને બાદ કરતાં લગભગ સ્થગિત અવસ્થામાં છે. અકાદમીએ ‘વલી ગુજરાતી ગઝલસંસ્થા’ની સ્થાપના કરી છે તે પણ સમયોચિત પગલું છે. ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ પૂરક ભૂમિકા ભજવવાની અકાદમીમાં ક્ષમતા છે. આથી રાજ્યપ્રશાસન તેને લોકતાંત્રિક બુનિયાદ પર પુનઃ સક્રિય કરે અને સાહિત્યરસિકો તે માટેની માગને વાચા આપે તે ગુજરાતી ભાષાસાહિત્યના દૂરગામી હિતની વાત છે. પ્રકાશકોનો વ્યવસાય જ પુસ્તકપ્રકાશનનો છે. પણ પ્રગટ કરવા જેવું કોઈ પુસ્તક પ્રકાશિત થયા વિના ન રહી જાય તેની પૂરી કાળજી પ્રકાશકો રાખતા હશે ખરા? રાજ્ય સરકાર ગ્રંથાલયપ્રવૃત્તિને પ્રોત્સાહન આપે તે સારી વાત છે. પણ તેની આર્થિક સહાયથી ખરીદાતાં પુસ્તકોમાં ખરીદવાં જ પડે એવાં પુસ્તકો ખરીદાયા વિના રહી જતાં હોય તેવું તો નથી બન્યું ને? ખરીદાયેલાં પુસ્તકો ખરીદાઈને અધિકારી અને રસિક વાચકો સુધી પહોંચતાં હશે ખરાં? ગ્રંથાલયો અને ગ્રંથપાલોનો તેઓના વાચકો સાથેનો નિત્ય સંવાદ પ્રમાણી શકાય તેટલો સ્પષ્ટ રહ્યો છે ખરો? આ બધા પ્રશ્નો સત્વરે ચિંતન અને આચરણ માગે છે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પ્રત્યેની સારી પ્રીતિ અને શ્રદ્ધાને અશેષ રાખીનેય હું થોડીક પેટછૂટી વાત કરવા ઇચ્છું છું. (૧) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ હજી વધારે સક્રિય, પ્રાણવાન અને સર્વાશ્લેષી બને તે હેતુથી ‘પરિષદે’ અને આપણે સહુએ પુનઃ સમર્પિત થવાની તત્પરતા દાખવવી પડશે. ‘પરિષદ’નાં અધિવેશનો અને જ્ઞાનસત્રોનું વર્તમાન સ્વરૂપ કેટલાંક વર્ષો પહેલાં ઘણાં મંથન અને વિચારવિમર્શ પછી ઘડાયેલું છે. કાળક્રમે તેમાં જો હવે ચીલાચાલુપણું પ્રવેશી ગયું હોય તો અધિવેશનો અને જ્ઞાનસત્રોના સ્વરૂપની પુનર્વિચારણા કરતાં ‘પરિષદે’ ન ખંચકાવું જોઈએ. મને અહીં એક સૂચન કરવાનો લોભ થાય છે. પહેલાં અધિવેશનમાં સાહિત્યલક્ષી વિષયો ઉપરાંત બીજા કેટલાક વિષયોના પણ અલગ વિભાગ રખાતા હતા. એ પરંપરા દૂર થઈ એ તો સારું જ થયું, પરંતુ હું એક પત્રકાર છું તેથી જ નહિ પણ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ભગિનીઓ જેવો સંબંધ હોવાથી હું અધિવેશનોમાં પત્રકારત્વનો અલગ વિભાગ રાખવાનું સૂચન કરું છું. મારે સર્વ સાહિત્યકારો અને સાહિત્યરસિકોને એક હાર્દિક અપીલ કરવાની છે. ‘પરિષદ’ના વર્તમાન તંત્રથી પ્રામાણિક મતભેદ અને અસંતોષ ધરાવનારાઓનો એક નાનકડો પણ ચોક્કસ વર્ગ છે. કોઈ પણ તંત્રને સુધારવાનો શ્રેષ્ઠ લોકતાંત્રિક માર્ગ એ તંત્રમાં લોકતાંત્રિક ઢબે સ્થાન મેળવવાનું છે. માત્ર બહાર રહીને વિરોધ કરવાથી થોડોક કોલાહલ પેદા કર્યા સિવાય બીજું કશું સિદ્ધ ન થઈ શકે. આથી આવા સર્વ મિત્રો અને વડીલોને મારી વિનંતી છે કે તેઓ ‘પરિષદ’ને પોતાની ગણી તેમાં પ્રવેશે અને સક્રિય બને. (૨) ગુજરાતમાં, ગુજરાત બહાર અને વિદેશોમાં ગુજરાતી સાહિત્યની કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. સાહિત્ય પરિષદે આ સંસ્થાઓ માટે અમ્બ્રેલા ઑર્ગેનિઝેશનની ભૂમિકા ભજવવી જોઈએ. આ સંસ્થાઓની સ્વાયત્તતાને જરાયે જોખમાવ્યા વિના પણ ‘પરિષદ’ તેઓને સહૃદયતાપૂર્ણ છત્રછાયા પૂરી પાડવાની કામગીરી બજાવી શકે તો તે સહુ માટે હિતકારક બને. ‘પરિષદ’ કેટલેક અંશે એ કામ કરે જ છે, પણ તે ‘બિગ બ્રધર’ કે ‘બિગ સિસ્ટર’નો ભાવ કેળવ્યા વિના પણ આ સંસ્થાઓને પોતાની વિશાળ પાંખોની ઉષ્મા પૂરી પાડી શકે. (૩) ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સમસ્ત ગુજરાત અને ગુજરાતીઓની સર્વોચ્ચ સાહિત્ય સંસ્થા છે અને તેણે તેનું પોતાનું એ ચરિત્ર હર ક્ષણ સિદ્ધ કરવું જોઈએ અને તેની પ્રજાને પ્રતીતિ પણ થવી જોઈએ. ‘પરિષદ’ના અક્ષરાંકન પ્રતીકમાંથી ‘અમદાવાદ’ શબ્દ દૂર કરાયો તેને હું ‘પરિષદ’ના સર્વગ્રાહી વિસ્તરણનો એક શુભ સંકેત માનું છું. (૪) અમદાવાદ એ ‘પરિષદ’નું પિયર અને વડું મથક છે. અમદાવાદે ‘પરિષદ’ને ઘણું આપ્યું છે, છતાં છેવટે તે એક વ્યવસ્થા છે. ‘પરિષદ’ અમદાવાદ કેન્દ્રી સાહિત્યસંસ્થા છે તેવી સાચી કે ખોટી છાપ કેટલેક અંશે ગુજરાતના અને બહારના સાહિત્યકારો તથા સાહિત્યરસિકોમાં પ્રવર્તે છે. ગુજરાતી સાહિત્યમાં અમદાવાદના મહત્ત્વને અને અર્પણને સ્વીકાર્યા પછી પણ આવી છાપ ‘સાહિત્ય પરિષદ’ના સર્વાશ્લેષી ચરિત્ર માટે ઇષ્ટ કે ઉપકારક ન લેખાય. ‘પરિષદ’ અને સાહિત્યકારો – સાહિત્યરસિકો વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર ન હોવું ઘટે. (૫) પરિષદનું મુખપત્ર ‘પરબ’ કેટલાંક સ્વરૂપાન્તરોમાંથી પસાર થયું છે. કેટલાક સમર્થ સાહિત્યકારોની સંપાદનદૃષ્ટિનો તેને આ અગાઉ લાભ મળ્યો છે. તે સર્વના પરિણામે ‘પરબ’ આજે તેના ચોક્કસ આકારે પહોંચ્યું છે. તેના વર્તમાન સ્વરૂપમાં પણ હજી કેટલાક ફેરફાર-સુધારાવધારાને અવકાશ છે. આવું તો કોઈ પણ સામયિક પરત્વે બનતું રહે, બનવું જ જોઈએ. બીબાંઢાળ બની જવાનું તેને ન પાલવે. પ્રશ્વ એ છે કે સાહિત્યકારો અને સાહિત્યરસિકોમાં ‘પરબ’ માટે એકંદરે સંતોષ કરવા અસંતોષની માત્રા વધારે હોય એવું તો નથી ને? પહેલી વાત તો એ કે ‘પરબ’ને પૂર્ણ સમયના, ઊંડી સાહિત્યસૂઝ અને પત્રકારીય દૃષ્ટિ ધરાવતા તંત્રી કે સંપાદક મળવા જોઈએ. તેને સક્ષમ સહાયકો પણ હોય જ. સંપાદન, પ્રબંધન અને લેખકો-વાચકો સાથેનો સંવાદ – આ ત્રણેય ક્ષેત્રે ‘પરબ’ ગુણાત્મક પરિવર્તનોની પ્રતીક્ષા કરે છે. ‘પરબ’નું લેખકવૃંદ સીમિત હોય તેમ કદાપિ ન બનવું જોઈએ. નવી કલમોને સ્થાન જ નહિ, તેની માવજત પણ થવી જોઈએ. ભૂતકાળમાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવત, ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઈ ઉદેશી, ‘ચાંદની’ના સંપાદક અશોક હર્ષ વગેરે તેઓના લેખકો – કોન્ટ્રિબ્યુટર્સ સાથે સતત સંવાદમાં રહેતા હતા. તેનાં ચોક્કસ ઇષ્ટ પરિણામો આવતાં હતાં. એ તંત્રી-સંપાદકો કેટલીય નવી કલમોનું ઘડતર કરી શક્યા હતા. વર્તમાન કાળમાં ‘નવનીત-સમર્પણ’ના સંપાદક દીપક દોશી અને ‘ઉદ્દેશ’ના તંત્રી પ્રબોધ જોશીએ એ પરંપરાનું જતન કર્યું છે. તેઓનાં સામયિકોને તેથી લાભ જ થયો છે. આ તત્ત્વ ‘પરબ’ના સંપાદનની પ્રક્રિયામાં ખૂટે છે એવી મારી લાગણી છે. ‘પરબ’ પોતાના આગવા લેખકમંચ અને વાચકમંચ ઊભા ન કરી શકે શું? (૬) હવે કેટલુંક ‘સાહિત્ય પરિષદ’ની પુસ્તક-પ્રકાશનપ્રવૃત્તિ વિશે. પુસ્તકપ્રકાશનનું ધ્યેય ‘પરિષદે’ સ્વીકારેલું જ છે. ધંધાદારી પ્રકાશકો જેનું પ્રકાશન કરવાનું સાહસ ન કરી શકે તેવાં ઉત્તમ અને વિરલ પુસ્તકો પ્રકાશિત કરવાનું ‘પરિષદ’ અને ‘અકાદમી’ જેવી સાહિત્યસંસ્થાઓનું કર્તવ્ય છે. ‘પરિષદે’ ઘણાં પ્રકાશનો કર્યાં છે. ‘પરિષદ’ની સ્થાપનાની શતાબ્દીને પ્રસંગે એકસો જેટલાં પુસ્તકો પ્રકાશિત કરવાનું ધ્યેય તેણે સ્વીકાર્યું હતું. તદંતર્ગત કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. એ ધ્યેય પૂરું કર્યા પછી પણ પુસ્તકપ્રકાશનની તેની પ્રવૃત્તિ વધારે વેગ અને દૃષ્ટિસંપન્ન રીતે ચાલુ રહેવી, આગળ વધવી જોઈએ. પ્રકાશિત પુસ્તકોનાં વિતરણની વધારે સારી વ્યવસ્થાને અવકાશ છે જ. આમાં એક-બે સમર્પિત અને અનુભવી પ્રકાશકોનું માર્ગદર્શન મેળવી શકાય. ‘પરિષદ’નું પોતાનું પુસ્તકાલય-વાચનાલય છે. તેના વ્યવસ્થાપનમાં શક્ય એટલી પરિપૂર્ણતા આણી વધુ ને વધુ વાચકોને તે ભણી આકર્ષી શકાય. વાર્ષિક પુસ્તકમેળો અર્ધવાર્ષિક કેમ ન બનાવી શકાય? ‘પરિષદ’ પાસે આજે એ સર્વ માટેની માળખાકીય સુવિધાઓ છે એટલે આ શક્ય બનવું જોઈએ. ‘પરિષદ’ તેનાં વર્તમાન ભવનોની ઉત્તમ જાળવણી કરે તે અનિવાર્ય છે પણ નવાં ભવનોનાં નિર્માણ પાછળ બિનજરૂરી ખર્ચ ન કરે અને પોતાની પાસેનું ભંડોળ સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓમાં જ ખર્ચે તે આવશ્યક છે. ‘પરિષદ’ નિતાન્ત સાહિત્યલક્ષી સંસ્થા છે પણ તેનો વહીવટ ઉત્તમ અને પારદર્શી હોવો જ જોઈએ. તો જ તેની સાહિત્યપ્રવૃત્તિઓ પણ દીપી નીકળે. આ માટે વધુ ને વધુ સમર્પિત સાહિત્યકારો અને સાહિત્યરસિકોની શ્રેણીઓ તેણે રચવી પડશે. સાહિત્યકારોની સ્થાનિક કક્ષાની જૂથબંધી ‘પરિષદ’ને ન અભડાવે તે જોવું અનિવાર્ય છે. તે માટે પરિષદ-કાર્યકરોએ પણ કેટલીક આમન્યા પાળવી પડશે. (૭) મને બરાબર યાદ છે કે સ્વ. પીતામ્બર પટેલના કાર્યકાળ દરમિયાન ‘પરિષદ’ દ્વારા વિદ્યાર્થીઓની સાહિત્યરુચિને ખીલવવા અને પોષવાના હેતુથી ‘આસ્વાદ’ વગેરે શીર્ષકો હેઠળ ગુજરાતી ભાષાસાહિત્યને લગતી પરીક્ષાઓ યોજાતી હતી અને તેમાં બહુસંખ્ય વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા. આ પ્રવૃત્તિ ગુજરાતવ્યાપી બની હતી. સંભવતઃ ‘પરિષદ’ પાસે માળખાકીય સુવિધાઓ અને અન્ય નેટવર્ક ઓછાં હોવાને કારણે આ પરીક્ષાપ્રવૃત્તિ બંધ કરી દેવાઈ હતી. આજે સંજોગો બદલાયા છે. ‘પરિષદ’ પાસે માળખું છે, કાર્યકરો પણ છે. સ્વયંસેવી સંસ્થાઓનો તેને સહકાર મળી શકે તેમ છે. ભંડોળ ન હોય અથવા ઓછું હોય તો તે મેળવી શકાય. ‘પરિષદ’ ગુજરાતમાં વધારે જાણીતી સંસ્થા બની છે. બીજી તરફ વિદ્યાર્થીકક્ષાએ ભાષાસાહિત્યની રુચિની ખિલવણી થાય તે કેટલાક દાયકાઓ પૂર્વે હતું તેના કરતાં આજે અનેકગણું આવશ્યક અને તાકીદનું બન્યું છે. આ બધું જોતાં આસ્વાદ આદિ પરીક્ષાઓનું આયોજન ‘પરિષદે’ પુનઃ હાથ ધરવું ઘટે. આનાથી બે લાભ થશે : (૧) વિદ્યાર્થી સ્તરે સાહિત્ય-અભિરુચિ વિકસાવવાનું કામ શક્ય બનશે અને (૨) વિદ્યાર્થીઓના વિશાળ સમુદાયને ‘પરિષદ’ સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે સાંકળી શકાશે. આ પરીક્ષાપ્રવૃત્તિમાં રાજ્યભરની સ્વૈચ્છિક-સામાજિક-સાહિત્ય-શિક્ષણસંસ્થાઓને સાંકળી, પ્રવૃત્તિનું વિકેન્દ્રીકરણ કરી ‘પરિષદ’ પરીક્ષાનો પોતાનો કાર્યભાર પણ ઘટાડી શકે. ‘પરિષદ’ એક કામ કરે, પ્રશ્નપત્રો તૈયાર કરાવે. એ પછીનું સમગ્ર સંચાલન પરીક્ષાકેન્દ્રોને સોંપી દે. પાંચ વર્ષમાં આ પ્રવૃત્તિનાં સુફળ આવ્યા વિના નહિ રહે. પ્રજા તો તૈયાર છે. ‘યોજકસ્તત્ર દુર્લભાઃ’. કીમના જ્ઞાનસત્રમાં આપણે જોયું હતું : વિદ્યાર્થી ભાઈ-બહેનોની અનેક ટુકડીઓ ત્યાં ઊમટી પડી હતી. આ જ આપણો પાયો અથવા લક્ષિત સમૂહ છે. એને સુદૃઢ અને વ્યાપક બનાવીશું તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ વિશેની આપણી ચિંતા ઘટશે. (૮) માનનીય શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘પરિષદ’ પાસે શરૂ કરાવેલી સાહિત્યયાત્રાની પ્રવૃત્તિનું હું પૂરેપૂરું સમર્થન કરું છું. વાસ્તવમાં આપણે ગ્રામજનો કે બીજા લોકો સમક્ષ સાહિત્યની વિદ્વત્‌ભોગ્ય વ્યાખ્યાનશ્રેણીઓ ગોઠવવાની નથી, પણ સાહિત્યપદાર્થમાં લોકોને પાયાનો રસ પડે તેવા ઉપક્રમોનું આયોજન કરવાની આવશ્યકતા છે. મનુષ્યનો વાર્તારસ ઘણો પ્રાચીન છે. ગુજરાતી ભાષાની સારી વાર્તાઓનું કથન કરી શકે તેવા વાર્તાકથકોનાં જૂથો આપણે તૈયાર કરવાં પડશે. કવિઓ દ્વારા કવિતાનું થતું પઠન અને ગાન તથા સુગમસંગીત-કલાકારોની રજૂઆત શ્રોતાઓમાં લોકપ્રિય છે જ. આમાં ગઝલ ઉપરાંત આપણી સમૃદ્ધ ગીતપરંપરાથી માંડીને અન્ય કાવ્યપ્રકારોની પ્રસ્તુતિ કરી શકે તેવા કવિઓ અને ગાયક કલાકારોની ટુકડીઓની પણ આપણને જરૂરત પડશે. ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યકારોના જીવનકવનનો રસાળ પરિચય કરાવી શકતા કુશળ વાર્તાલાપકારો પણ ઉપકારક કામ કરી શકે. આપણા સમૃદ્ધ સાહિત્યવારસાનો પરિચય કરાવતી પુસ્તિકાઓ વિદ્યાર્થીભોગ્ય શૈલીમાં લખાવી તેને શાળાઓમાં વિતરિત કરવાની વ્યવસ્થા ગોઠવી શકાય. રાજ્ય સરકારની સહાયથી આપણા સકળ ગ્રંથાલય-આંદોલનને નવપલ્લવિત કરવાની આવશ્યકતા તો છે જ. આ બધાં કાર્યો મિશનરીના સમર્પણભાવથી હાથ ધરાવાં અને પાર પડવાં જોઈશે. ભાષાસાહિત્યે સામે ચાલીને લોકો સુધી પહોંચવું એ આજનો તકાજો છે. ‘પરિષદ’ને કારકિર્દીવાંચ્છુઓની નહિ પણ સમર્પિતોની સંસ્થા બનાવવાની હવે તીવ્ર આવશ્યકતા છે. કેટલાક અપવાદરૂપ ઉત્તમ અધ્યાપકોને બાદ કરતાં ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકોનો અનુભવાતો વિદ્યાપ્રમાદ ચિંતાનો વિષય છે. જો ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકો આપણા ભાષાસાહિત્યમાં, તેના પ્રસારમાં, તેને લોકોની નિકટ લઈ જવામાં વધુ સક્રિયતા દાખવે તો આપણી કેટલીક ચિંતાઓ દૂર થાય. સાહિત્ય અને પત્રકારત્વના સંબંધો વિશે પણ મારે કંઈક કહેવું છે. હું મારી વીસ વર્ષની વયથી અદ્યાપિપર્યંત વ્યવસાયી પત્રકાર રહ્યો છું. પત્રકારત્વના ક્ષેત્રે મેં પ્રવેશ કર્યો ત્યારે ગુજરાતી પત્રકારિતા પર સાહિત્યનો જે સઘન સંસ્પર્શ અનુભવાતો હતો તે ક્રમશઃ ઘટતો ગયો હોવાનો મારો દુઃખદ અને ચિંતાપ્રેરક અનુભવ છે. સાઠ-સિત્તેરના દાયકા સુધી ઘણાં ગુજરાતી વર્તમાનપત્રોમાં નિયમિત સાપ્તાહિક સાહિત્ય વિભાગો પ્રગટ થતા હતા. તેના સંપાદન સાથે ગુજરાતી ભાષાના ઘણા મૂર્ધન્ય સાહિત્યકારોનાં નામો સંકળાયેલાં રહેતાં હતાં. સાપ્તાહિકોનું ત્યારે ઝાઝું ચલણ નહોતું, પણ જે સાપ્તાહિકો પ્રગટ થતાં હતાં તેમાં પણ ગુજરાતી સાહિત્ય વિશે કંઈક ને કંઈક આવતું. કેટલાય સફળ પત્રકારો સાહિત્યસેવી પણ હતા જ. આપણાં કેટલાં બધાં સાહિત્યિક સામયિકોએ જે તે સમયના સાહિત્યના પ્રવાહને ચાલના અને નવી દિશા આપવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આજે સ્થિતિ ‘તે હિ નો દિવસા ગતાઃ’ જેવી છે. ત્રણ-ચાર અપવાદો સિવાય ગુજરાતી અખબારોને સાહિત્યની ગતિવિધિ વિશે લગભગ કશો જ સંબંધ રહ્યો નથી. સંખ્યાબંધ સાહિત્યકારો આ અખબારોમાં કટારો લખે છે. પરંતુ અખબારોના સંચાલકો પર તેઓ સાહિત્ય સંદર્ભે પ્રભાવ પાડી શકતા નથી. સાહિત્યસેવી પત્રકારોની સંખ્યા પણ ઘટી છે. તેઓનો અંગત સાહિત્યરસ તેઓની પત્રકારચર્યામાં બહુ પ્રતિબિંબિત થતો નથી. ગુજરાતી ભાષામાં ક્યાં અને કેવાં પુસ્તકો પ્રગટ થાય છે તેની માત્ર માહિતી પહોંચાડવાનુંય કામ આ અખબારોએ જાણે કે ત્યજી દીધું છે. અખબારો એટલાં બધાં લોકપ્રિયતાલક્ષી અને ફેલાવાકેન્દ્રી બન્યાં છે કે તેઓની લોકપ્રિયતાની પરિભાષામાં સાહિત્યને પ્રાયઃ કશું સ્થાન હવે રહ્યું નથી. આ વલણ બદલાવું જોઈએ. કટારલેખક સાહિત્યકારોનો પ્રભાવ અખબારોના સંચાલકો સુધી પહોંચે તેમ પ્રાર્થવું રહ્યું. થોડાંક વર્ષ પહેલાં લલિત નિબંધ જેવા સાહિત્યપ્રકારને વિકસાવવા-પ્રસારવામાં અખબારોની સાપ્તાહિક પૂર્તિઓનું નોંધપાત્ર પ્રદાન હતું. કવિતા-આસ્વાદની કટાર હવે એક-બે અખબારો સિવાય ભાગ્યે જ ક્યાંય પ્રસિદ્ધ થાય છે. ધારાવાહિક નવલકથાઓ હજી અખબારોનાં પૃષ્ઠો પર ટકી રહી છે. પણ, તેનાંય વળતાં પાણી હોય એમ લાગે છે. અને એવી ધારાવાહિકોનો એકમાત્ર માપદંડ તો લોકપ્રિયતા જ છે. કોઈ ઉત્તમ સાહિત્યિક ધારાવાહિક નવલકથા અખબારમાં પ્રસિદ્ધ થઈ હોય તે હવે જાણે કે દૂરના અતીતની ઘટના બની છે. આત્મશ્લાઘાનો દોષ વ્હોરીનેય હું કહીશ કે કેટલાંક વર્ષો પહેલાં મેં મારા સંપાદન હેઠળના અખબારની સોમવારીય આવૃત્તિમાં એક સંપૂર્ણ પદ્યાત્મક નવલકથા ક્રમશઃ પ્રગટ કરી હતી. લગભગ આવી જ સ્થિતિ લોકપ્રિય સ્તરનાં આજનાં ગુજરાતી સાપ્તાહિકો પરત્વે પણ પ્રવર્તે છે. જવલ્લે જ તેમાં સાહિત્યિક ગતિવિધિ વિશે લખાયેલું જોવા મળે છે. સાપ્તાહિકો એવી સમજણ કેળવે તે ઇષ્ટ લેખાશે કે ગુજરાતી કવિતા અને નિબંધ જેવા સાહિત્ય-પ્રકારો હવે વીજાણુ-ઉપકરણો પર પણ લોકપ્રિય બની ચૂક્યા છે. ભાષા અને સાહિત્ય વિશાળ જનસમુદાય સુધી પહોંચો તો તે અખબારો અને સાપ્તાહિકો માટે પણ વ્યાવસાયિક દૃષ્ટિએ લાભપ્રદ સ્થિતિ બની રહે, કારણ કે વધેલી વાચકસંખ્યાનો લાભ તેઓને પણ મળવાનો છે. વાચકોને સાહિત્યમાં રસ જ નથી તેવા ગૃહીત અને ગ્રંથિમાંથી અખબારો અને લોકપ્રિય સાપ્તાહિકો મુક્ત થાય તે શુભ દિનની પ્રતીક્ષા કરીએ. ‘ટહુકો’ના કાવ્યટહુકા કેટલાંક શિક્ષિત ગુજરાતી કુટુંબોમાં રસપૂર્વક સંભળાતા હોય તો તેવી પ્રવૃત્તિથી અખબારો કે સાપ્તાહિકો શા માટે અલિપ્ત રહે? ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનો ઇતિહાસ સુદીર્ઘ અને સમૃદ્ધ છે. કવિ નર્મદનું સામયિક ‘ડાંડિયો’ આમ તો સમાજસુધારાલક્ષી ને ક્યારેક સનસનાટીપૂર્ણ આવતું પણ એમાંય ક્યારેક કવિતાના આસ્વાદો પ્રગટ થતા હતા. ‘બુદ્ધિપ્રકાશ’ કવિ દલપતરામની ઘણી સાહિત્યિક ગતિવિધિઓનું મુખપત્ર બની રહ્યું હતું અને તે આજે પણ પ્રકાશિત થાય છે. સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યસંસ્થાઓ અને કેટલાક એકલવીર મરજીવાઓનું ક્રીડાંગણ બનતું રહ્યું છે. આવા મરજીવાઓમાંનાં કેટલાંક નામ અચૂક સાંભરે. હાજી મહમદ અલારખિયા શિવજી, બચુભાઈ રાવત, રવિશંકર રાવળ, ઉમાશંકર જોશી, ચાંપશી ઉદેશી, જયંતિ દલાલ, વિજયરાય વૈદ્ય, ચુનીલાલ મડિયા, રસિક ઝવેરી, મંજુ ઝવેરી, સુરેશ જોષી, રતિલાલ ‘અનિલ’, મહેન્દ્ર મેઘાણી, રમણલાલ જોશી, પ્રબોધ જોશી, સુરેશ દલાલ, ભરત નાયક, યશવંત દોશી, રમણ સોની વગેરે નામો આદરપૂર્વક લેવાં પડે તેમ છે. બે-એક પ્રકાશનગૃહોનાં સામયિકો પણ કિંચિત સાહિત્યકેન્દ્રી સામગ્રી આપે છે. વચમાં લિટર મૅગેઝિન્સનો પણ તબક્કો આવી ગયો. ‘રે મઠ’ના કૃતિને કેમ ભૂલી શકાય? બીજી તરફ ભારતીય વિદ્યાભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ઇત્યાદિ સંસ્થાઓનું પણ સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. આજે પણ સાહિત્યસંસ્થાઓ કે ટ્રસ્ટનાં સાહિત્યિક સામયિકોની ભૂમિકા મહત્ત્વની બનેલી છે. આ સંજોગોમાં સાહિત્યિક સંસ્થાઓની જવાબદારી વધે છે. તેઓએ તેઓનાં પ્રકાશનો સત્ત્વસમૃદ્ધ અને વાચનરસિક બનાવવા માટે વધારે શ્રમ તથા દૃષ્ટિ દાખવવાં પડશે. ખેદજનક વાસ્તવિકતા એ છે કે શુદ્ધ સાહિત્યિક સામયિકો તો ઠીક, શિષ્ટ સર્વભોગ્ય સાહિત્યરંગી વાચનસામગ્રી પીરસતાં સામયિકોના ફેલાવાની સંખ્યા પણ પાંચના આંકડે ક્યારેક જ પહોંચે છે. ટી.વી. કલ્ચર અને અખબારી પૂર્તિઓના ધસારાએ લોકપ્રિય સાપ્તાહિકોના પ્રસારને પણ જ્યારે કુંઠિત કરી દીધો હોય ત્યારે સાહિત્યિક અને શિષ્ટ સામયિકોના વિશેષ ફેલાવાની અપેક્ષા રાખી શકાય નહિ. પરંતુ પ્રશ્ન એ થાય કે જ્યારે શિક્ષણ ઓછું હતું ત્યારેય આવાં સામયિકોની સ્થિતિ બહુ સારી નહોતી. ને હવે શિક્ષણના પ્રસાર પછી પણ જો સ્થિતિ તેવી જ રહી હોય તો તે આપણા શિક્ષિત વર્ગ માટે શોભનીય ગણાય ખરું? વિવિધ વેબસાઇટોની કામગીરી આવાં શિષ્ટ અને સાહિત્યિક સામયિકો માટે પૂરક રૂપ બનશે કે હાનિકારક તેનો વિચાર કરવાનો સમય હવે નજીક છે. આપણી થોડીક સર્જનાત્મક કૃતિઓ વીજાણુ માધ્યમ દ્વારા વિદેશોમાં પહોંચે છે તે સારી વાત છે. પણ સાહિત્યિક સામયિકોનો તાજેતાજો અંક હાથમાં આવતાં મુદ્રિત માધ્યમનો જે રોમાંચકારી સંસ્પર્શ અનુભવાય તેની વાત હજી સુધી તો નોખી જ છે. વિશેષતઃ ગીત અને ગઝલ જેવા ગેય કાવ્યપ્રકારોના પ્રસારમાં હું જેને કાવ્યસંગીત કહેવાનું વધારે પસંદ કરું છું તે સુગમ સંગીતના પ્રદાનને પણ અવગણી ન શકાય. આ માધ્યમ દ્વારા આપણી ઘણી ઉત્તમ ગેય રચનાઓ સ્વરબદ્ધ થઈ અને પ્રસાર પામી છે. સુરતના કલામર્મજ્ઞ સ્વ. કંચનલાલ મામાવાળાનું આ ક્ષેત્રે પ્રારંભિક તબક્કે મૂલ્યવાન પ્રદાન હતું. ‘જય જય ગરવી ગુજરાત’નું જે ગાન અતિપ્રચલિત છે તેનું સ્વરાંકન તેમનું હતું. તે સાથે આપણી કેટલીય અન્ય ઉત્તમ ગેય કૃતિઓ સ્વરબદ્ધ થયા વિના જ રહી છે. કાવ્યસંગીત અથવા સુગમસંગીતમાં કાવ્ય અને સંગીત વચ્ચે મણિ-કાંચનયોગ સધાયેલો હોય તે આદર્શ સ્થિતિ છે. ક્યારેક તેવું બનતું નથી. દુર્ભાગ્યે આપણા સુગમ સંગીત ઉપર બહુધા મધ્યમ અને તેનાથી ઊતરતી કક્ષાની કૃતિઓનું વર્ચસ્વ રહેતું આવ્યું છે. કાવ્યગુણસંપન્ન અને સુગેય એવી કોઈ કાવ્યરચના સ્વરબદ્ધ થયા વિના ન રહેવી જોઈએ. ગુજરાતનાં આકાશવાણી કેન્દ્રોએ આ દિશામાં થોડુંક પણ પાયાનું કામ કરેલું છે. પરંતુ હવે તેની ભૂમિકા ઘણે અંશે નેપથ્યમાં સરકી રહી છે અને આલ્બમોની આજકાલ બોલબાલા છે. આવાં આલ્બમોનો પ્રસાર આમ તો આવકારપાત્ર લેખાય, પણ તેમાં સમાવિષ્ટ થયેલી કૃતિઓમાં કાવ્ય દુય્યમ અને ક્યારેક અપ્રસ્તુત એવું સંગીત અગ્રસ્થાને રહે છે તે આપણી કાવ્યસ્વરરુચિને અનુકૂળ બનતું નથી. દુય્યમ કક્ષાના કવિઓ પોતાના ધનબળ અને સંપર્કજાળ દ્વારા આલ્બમ ઉપર વર્ચસ્વ જમાવતા લાગે છે. જેમ સુગમ સંગીતનાં આલ્બમો પરત્વે તેમ કેટલાક પીઢ અને નવલોહિયા સાહિત્યકારોની પણ આ સ્થિતિ છે. તેઓ પોતાના શુદ્ધ, સંનિષ્ઠ સાહિત્યતપ કરતાં પોતાની ‘માર્કેટિંગ’ અને મૅનેજમેન્ટની કુશળતાઓના આધારે મોખરે આવવાના પ્રયત્નોમાં દિવસ-રાત રમમાણ રહે છે. પહેલાં તપસ્વી ઋષિ-મુનિઓ પરસ્પરને મળતા ત્યારે ‘તપ કેટલું વધ્યું?’ એ પ્રકારની પૃચ્છા કરતા. સાહિત્યકારો માટે પણ આ જ સ્થિતિ પરમ ઇષ્ટ લેખાય. પરંતુ થોડાક આદરણીય અપવાદો સિવાય એ પરિસ્થિતિ પલટાઈ છે. સાહિત્યકારો – કવિઓ પુસ્તકો, પરિસંવાદો, પ્રવચનો, વિદેશપ્રવાસો, પુરસ્કારો, કવિ સંમેલનો, આલ્બમો, બ્લૉગ વગેરેની સંખ્યા વધારવાની પળોજણમાં વિશેષ પ્રવૃત્ત રહેતા હોય એવી છાપ પ્રવર્તે છે. આ સ્થિતિ ટકી રહે ને આગળ વધે તો બોદા સિક્કાઓના બોદા ખડખડાટનો આપણો અનુભવ દુઃખદ રીતે વધી પડે. સાચા અને બોદા સિક્કાઓ, તપ અને માર્કેટિંગ-મૅનેજમેન્ટ વચ્ચેનો ભેદ પારખી જવાની શક્તિ પ્રજામાં વધવી જોઈએ. તપઃપૂત અને સચ્ચાઈસભર સાહિત્યસર્જકોનું સામર્થ્ય પ્રજાને પ્રતીત થાય તો ઇષ્ટ પરિણામ આવે, બાકી પ્રચારનાં કૃતક તેજ અને ઘોંઘાટથી ભરમાઈ જવાનું ભયસ્થાન મોટું છે. પ્રજા જો ભાષા અને તેમાં રચાતા સાહિત્યની કક્ષા વિશે ઉદાસીન રહેશે, પ્રસારમાધ્યમો સાહિત્ય પ્રત્યે વિરક્તિ સેવશે, સાહિત્યસંસ્થાઓ પ્રમાદ અને વાડાબંધીમાં રાચશે તેમજ આપણા સાહિત્યકારો સાચી સર્જકતાને પ્રતિબદ્ધ રહેવાને બદલે પદ-પૈસો-પ્રતિષ્ઠા દ્વારા બધું ‘મૅનેજ’ કરી લેવાની વૃત્તિના કળણમાં ખૂંપશે તો આપણા ભાષાસાહિત્ય પરત્વે આજે આપણે જેટલી ચિંતા સેવીએ છીએ તેના કરતાં ઘેરી ચિંતાનો બોજ આપણા પર પડશે. પ્રજા, ભાષા સાહિત્ય અને સાહિત્યકારો વચ્ચેનું આજે અનુભવાતું અંતર ક્રમશઃ ઘટીને નિઃશેષ થાય તેવી સ્થિતિ ઇષ્ટ છે. મારી મુખ્ય ચિંતા પ્રજામાંથી આપણો ભવ્ય કલાસંસ્કાર-સાહિત્યવારસો લુપ્ત થતો જાય છે અને ઉપકરણો પરનું અવલંબન વધ્યું છે તેની છે. દાયકાઓ પહેલાં સુરતની એક સાંકડી અંધારી શેરીમાં રાત્રિના સમયે આદિ કવિ નરસિંહ મહેતાની રચના ‘ક્યાં જાવું રે? વેરણ રાત મળી’ના કાલિંગડામાં નિબદ્ધ સ્વરો ગરબા રૂપે સાંભળ્યા હતા તેની સ્મૃતિ મારા અંતરના ઊંડેરા સ્તર પર શિલાલેખ જેવી અંકિત છે. આવા અનુભવો તે પછી વિરલ બનતા ગયા છે. યંત્રયુગીન અગ્નિકુંડમાંથી આપણે આવાં કેટલાંક સુકોમળ સુરભિત પુષ્પોને ઉગારી લેવાં જ પડશે. મારી એવી દુઃખદ છાપ છે કે ગુજરાતી પ્રજા એકંદરે પ્રવાહમાં તણાઈ જનારી છે. તે સિવાય નવરાત્રીના રાસ-ગરબામાં ડિસ્કો શી રીતે આવી શકે? આપણે આધુનિકતાના આકાશમાં વિહાર અવશ્ય કરીએ પણ એ સાથે આપણા ચરણને આપણી ભૂમિમાં સાબૂત રાખીએ જ. તેને માટેનાં ઉત્તમ સાધનો ભાષાસાહિત્યકલા અને સંસ્કૃતિના નિર્ભેળ સ્વરૂપ સિવાય બીજાં શાં હોઈ શકે? તે સાથે હું દૃઢપણે માનું છું કે ભાષાસાહિત્યકળાસંસ્કૃતિ આદિ છેવટે તો માત્ર વિશિષ્ટ છતાં સાધનો જ છે. એ સાધનો દ્વારા જે સાધ્યને સિદ્ધ કરવાનું છે તે છે ઉત્તમ માનવ્ય. જો ભાષાસાહિત્યસંસ્કૃતિ આ ઉત્તમ માનવદ્રવ્યની સર્જકતાથી અલિપ્ત રહી જાય તો તે સર્વ જટાજાળની સાર્થકતા શી અને કેટલી? આજની આપણી મુખ્ય વૈશ્વિક ચિંતા માનવસત્ત્વ ક્ષીણ થતું જાય છે તે વિશેની છે, તેનો ઉગારો અને ઉદ્ધાર ભાષાકળાસાહિત્યસંસ્કૃતિ સિવાય બીજું કોણ કરશે? પ્રલયમાં ડૂબેલી પૃથ્વીને પુનઃ બહાર લાવવા માટે વરાહ અવતાર થયાની કથા છે. ભાષાસાહિત્ય કલાસંસ્કૃતિએ તેવો વરાહ અવતાર સિદ્ધ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં આપણે, વિશેષતઃ સાહિત્યકારો આપણી પૃથ્વીને રસાતાળ ન જવા દઈ શકીએ. મૂલ્યહ્રાસના આ સમયખંડમાં મૂલ્યોત્કર્ષ સાહિત્યકારો નહિ તો બીજું કોણ કરી શકશે? તે તેઓએ પોતાના સાહિત્ય ઉપરાંત જીવનવ્યવહારથી પણ ચરિતાર્થ કરી બતાવવાનું છે. આજે આપણી એક ગંભીર ચિંતા માનવીની સર્વકાલીન સર્વોપરીતા ને યંત્રસંસ્કૃતિના પ્રભાવને કારણે આવી રહેલી આંચની છે. બંગાળી કવિ ભક્ત ચંડીદાસે મનુષ્યની સર્વોપરીતાનો જય ગાયો અને ગજાવ્યો હતો. આજે એ જ જય ઝાંખો અને પાંખો પડ્યો હોય એવો ભાસ થાય છે. વૈશ્વિક સમસ્યા જ માનવ્યના પરમોત્કર્ષની છે. ચિંતકો વારંવાર એવી ચિંતા વ્યક્ત કરે છે કે આજે આપણો માણસ બગડ્યો અને પદચ્યુત થયો છે, જે ઘણીક સમસ્યાનું મુખ્ય કારણ છે. આજની યંત્રસંસ્કૃતિએ તો માનવ્ય ઉપરના આ સંકટને ઘેરું બનાવ્યું છે. પ્રાચીન અને મધ્યકાલીન કવિઓ અને પ્રજા સમક્ષ જુદા જ પ્રકારના પડકારો હતા. પ્રજા બહુધા અશિક્ષિત હતી. વિદ્યાપ્રસારનાં સાધનો પાંખાં અને નજીવાં હતાં. જનસંપર્ક અતિ મર્યાદિત હતો. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસે આ બધી બાહ્ય સમસ્યાનું તો કિંચિત નિરાકરણ કર્યું. પણ વધારે મોટા, ગંભીર અને સૂક્ષ્મ પડકારોએ આજે મનુષ્યજાતિને ભરડો લીધો છે. યંત્રસંસ્કૃતિનું માનવ્ય પરનું આધિપત્ય એ આજની અને આવતી કાલની કદાચ સૌથી મોટી સમસ્યા છે. પ્રૌદ્યોગિકી, વિજ્ઞાન આદિની ઉપયોગિતા અને ઉપકારતાનો સ્વીકાર કર્યા પછી પણ એ પ્રશ્ન તો રહે જ છે કે ખરો મહિમા કોનો? મનુષ્યનો કે તેણે જ વિકસાવેલાં આ બધાં ઉપકરણોનો? ચિત્રકારની પીંછી, કવિનો શબ્દ, વાદ્યકારની સ્વરલહરી – આ સર્વની મહત્તા ગૌણ બની છે અને એ વિદ્યાઓ પણ હવે કમ્પ્યૂટર આદિ યાંત્રિક ઉપકરણો દ્વારા વ્યક્ત થતી જોવા મળે છે. સિતારનો સાચો સૂર અને કી-બોર્ડમાંથી પ્રગટ થતો સૂર – આ બંને વચ્ચેના તર-તમનો ભેદ પારખી શકવા જેટલી સૂક્ષ્મ ગ્રહણશક્તિ હજી સુધી તો મનુષ્યમાં બચી છે અને તે ઉત્તમ સ્થિતિ છે. પરંતુ ભવિષ્યે કી-બોર્ડ જ સર્વવ્યાપી બને અને વાદકની ભાવનામંડિત અંગુલિનો સ્પર્શ વિખરાઈ જાય તેવો સમય આવશે ત્યારે આપણી રુચિનું શું થશે? આ મુદ્દો બીજી ઘણી બાબતોને સ્પર્શે તેવો છે. આજે કલાપ્રવૃત્તિનાં પરિમાણો બહુ પોલિશ્ડ અને ફિનિશ્ડ લાગે છે પણ તેમાં મૌલિક સ્વાભાવિકતા અળપાતી જાય છે તેનું શું? વરસો પૂર્વે મેં એક શેર લખ્યો હતો જેની મુશાયરામાં ઉમાશંકરભાઈએ પણ નોંધ લીધી હતી. આ રહ્યો એ શેર?

‘આઈ ફીડ માય વર્ડ્‌ઝ ટુ ધી કમ્પ્યૂટરાઇઝ્ડ વર્લ્ડ’;
ઊર્મિનો ડેશડોટમાં આકાર ઊતરે.
આજે આ પંક્તિ વધારે વાસ્તવિક પુરવાર થતી જણાય છે. કલા-નિર્મિતિમાં કૌશલને અવશ્ય સ્થાન છે. પણ કેવળ કૌશલ એ કલાસર્જન નથી. વાણીની કલાને કદાચ એ વિશેષ સ્પર્શે છે. કેમ કે શબ્દ કવિની સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભૂતિની અભિવ્યક્તિનો વાહક બનવા તાકે છે અને કાવ્યચૈતન્યના અવતરણની કોઈક પરમ ક્ષણ એ સિદ્ધ થાય છે. થોડા દિવસ પહેલાં જ મેં મારી એક જૂની ગઝલમાં એક શેર ઉમેર્યો તે અહીં ટાંકવાનું પ્રસ્તુત બને તેમ છે. આ રહ્યો એ શેર :
‘સીતાને છાંયડાનું સમર્પણ કર્યું’તું મેં;
રાવણના દેશનું હું ચિરંતન અશોક છું.’

ગઝલમર્મજ્ઞો સમજી શકશે કે અહીં કાવ્યપ્રપંચ ‘અશોક’ કાફિયાના અનુષંગે થયો છે, પણ મારે પૂરી સચ્ચાઈથી કહેવું છે કે જ્યારે મને આ શેરનો ભાવ સ્ફુર્યો ત્યારે મેં શબ્દશઃ કાવ્યના માંગલ્યનો અનુભવ કર્યો હતો. આવી સૂક્ષ્મતમ નિર્મિતિ અને સિદ્ધિ પૂરેપૂરી યંત્રાધીનતાનું પરિણામ બની શકે ખરી? શબ્દબ્રહ્મ સુધી પહોંચવું એ સાહિત્યની કલાનો પરમોચ્ચ આદર્શ છે અને એ છેક વેદ-ઉપનિષદકાળથી જોવાયો – સ્થપાયો – સ્વીકારાયો અને ક્વચિત્ ચરિતાર્થ થતો આવ્યો છે. વેદોના કેટલાય મંત્રો અને ઉપનિષદનાં કેટલાંય સૂત્રો તેની સાખ પૂરે છે. ત્યાર વિના મનુષ્યના આત્માની જ્યોતિને પરમ દ્યુતિમય લેખાવવાની દૃષ્ટિ ઉપનિષદકારે દાખવી હશે? તે પછીના આજ સુધીના અનેક સમર્થ સાહિત્યસ્રષ્ટાઓ અને સાહિત્યદ્રષ્ટાઓએ એ આદર્શને ચરિતાર્થ કરી બતાવ્યો છે. બીજી રીતે કહીએ તો તેઓ વાણીની કળાને મંત્રશક્તિ સુધી લઈ ગયા છે. ઉમાશંકર જોષીએ શ્રી અરવિંદની કવિતાને મંત્રકવિતાનું પદ આપ્યું હતું તે અહીં સાંભરે છે. આજે સંઘર્ષ યંત્ર અને મંત્ર વચ્ચેનો છે. આપણા કવિવર રાજેન્દ્ર શાહના ‘શ્રાવણી મધ્યાહ્ને’ કાવ્યને એક દુરારાધ્ય વિવેચકે કેવા શબ્દોમાં પ્રશસ્યું, બિરદાવ્યું હતું તે યાદ કરી લેજો. મંત્રદ્રષ્ટાઓ અને મંત્રસ્રષ્ટાઓ સ્થળકાળનિરપેક્ષ જ હોવાના. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ કે ભવભૂતિની કાવ્યોપાસના શબ્દબ્રહ્મની કક્ષાએ પહોંચે છે તે સત્યને કોણ નકારશે? સુપ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શુક્લનો આ મત્લો સ્મરણે ચઢે છે?

‘કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે.
મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?’

કવિએ આ પંક્તિઓમાં પૂછેલા પ્રશ્નો મૂલગામી છે. આ પ્રશ્નોમાં મનુષ્ય જાતિની અનાદિ અનંત જિજ્ઞાસા, આત્મશોધન વૃત્તિ પડઘાતી લાગે છે. આમ, વિશ્વભરના શીર્ષસ્થ સર્જકોએ તેઓની સમર્થ અને ચિરંજીવ સાહિત્યકૃતિઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે, શબ્દોપાસનાને શબ્દબ્રહ્મની ઉપાસના સુધી લઈ જવી એ કેવળ અશક્ય આદર્શ નથી, પરંતુ મૂર્તિમંત થઈ શકતું. બલ્કે સમયે સમયે મૂર્તિમંત થતું રહેલું પરમ અભિષ્ટ ધ્યેય છે. એ ધ્યેય જ્યારે કોક વિરલતમ ક્ષણે અને પરમ મંગલમુહૂર્તમાં સિદ્ધ થાય છે ત્યારે એ ક્ષણ ઈશ્વરના સાક્ષાત્કારની અનુભૂતિથી લગીરેય ઊણી કે ઊતરતી હોતી નથી. આ ઈશ્વરીય સાક્ષાત્કાર કરાવી શકે તેવાં અનેકાનેક સર્જનો આ બ્રહ્માંડમાં મોજૂદ છે. આદિ કવિ નરસિંહ મહેતા જ્યારે એમ ગાઈ ઊઠે કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો! તે જ હું, તે જ હું શબ્દ બોલે’ ત્યારે કવિની ઈશ્વરાનુભૂતિ બ્રહ્માંડવ્યાપી બનતી અનુભવાય છે. અહીં ‘ગગન’ એ અનુભૂતિનું ઉપાદન કેન્દ્ર છે. મારા જેવો અકવિ પણ ક્વચિત્ લખે છે :

‘હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર!’

આ પંક્તિઓમાં મારી જલાનુભૂતિ અને એ દ્વારા થયેલી ઈશાનુભૂતિ વચ્ચેના અભેદનો નિતાન્ત આનંદ કમમાં કમ મેં તો સાચકલાઈથી અનુભવ્યો જ છે. કવિની અનુભૂતિને શબ્દના માધ્યમ દ્વારા ઈશ્વરાનુભૂતિની કિંચિત્ સમીપ લઈ જઈ શકતી અભિવ્યક્તિની ઉપકારકતા વિવાદાતીત હોય. અહીં શબ્દનું પૂર્ણ સામર્થ્ય પ્રગટ થાય છે. શબ્દબ્રહ્મની પ્રાપ્તિ પરમ તત્ત્વની અલપઝલપ પ્રાપ્તિથી અલગ કે ભિન્ન હોય તો તે હું જાણતો નથી અને છતાં શબ્દ પણ બ્રહ્મપ્રાપ્તિની ઉપાસના માટેનાં બીજાં ઘણાં માધ્યમો પૈકીનું એક છે અને એ માધ્યમ કેવળ મનુષ્યને વશવર્તીને રહેનારાં છે. મારી દૃષ્ટિએ મનુષ્યત્વ અને બ્રાહ્મી સ્થિતિ અલગ નથી, અભિન્ન છે. આગળ ચાલીને હું એમ કહીશ કે મનુષ્ય જ બ્રહ્મત્વની પ્રાપ્તિની સંભાવનાઓનો એક મહાપુંજ છે. આ મહાપુંજના અલ્પ તેજકિરણને આત્મસાત્ કરવાનું ગજું પણ કેવળ મનુષ્યનું છે. શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્મત્વની બહુ સરળ અને સચોટ વ્યાખ્યાઓ આપેલી છે. તેને મનુષ્યમાં રહેલા બ્રહ્મતત્ત્વને સમજવાની ચાવીઓ પણ કહી શકાય. ભાગવતમાં કહેવાયું છે : ‘आर्जवंब्रह्म उच्यते सारल्यं ब्रह्म उच्यते निर्दोषं ब्रह्म उच्यते’ આમ સમજી શકાય કે ભાવાર્દ્ર, સરળ અને નિર્દોષ મનુષ્ય પોતે જ બ્રહ્મનો પર્યાય છે. બલ્કે એવા મનુષ્યની ચેતનામાં આવિર્ભૂત થવા માટે બ્રહ્મ પોતે પણ ઉત્સુક રહે છે જ્યાં બ્રહ્મ પોતે સાકાર થઈને કૃતકૃત્યતા અનુભવે છે. સંવેદનજડ, આંટીઘૂંટીવાળા અને દોષપૂર્ણ મનુષ્યનો બ્રહ્મતત્ત્વ પડછાયો સુધ્ધાં લેતું નથી. આથી આ પ્રકારના સંવેદનપટુ, નિશ્છલ, નિષ્પાપ મનુષ્યત્વની સાધના એ જ બ્રહ્મતત્ત્વની ઉપાસના અને એ જ તેની ઉપલબ્ધિ. એટલે આપણી એવી અપેક્ષા રહે કે શબ્દ અથવા અન્ય માધ્યમ દ્વારા બ્રહ્મની ઉપાસના કરવા મથતો મનુષ્ય સંવેદનશીલ, સહજ અને નિષ્કપટ હોય. જો આમ હશે તો એ જે માધ્યમ દ્વારા બ્રહ્મને આરાધે છે એ માધ્યમ પણ સ્વયમેવ સ્વયંભૂપણે એવા જ ગુણોથી અલંકૃત બને. કવિઓ સત્ત્વસમૃદ્ધ શબ્દ સંવેદનપૂત ન હોય તે હું અને આપણે કલ્પી જ કેમ શકીએ? ચિત્રકારનાં રંગરેખા સંકુલ ભલે હોય પણ તેમાં અંતર્નિહિત સારલ્યનીયે આસ્વાદકને અપેક્ષા રહે. અલબત્ત, આજે આપણે અત્યંત સંકુલતાસભર વિશ્વચેતનાની છાયા બલકે ઓથાર હેઠળ વસીએ અને શ્વસીએ છીએ. કોઈ પણ કળા તેની સમકાલીન વિશ્વચેતનાને અતિક્રમીને સામાન્યપણે વિકસી ન શકે. પરંતુ યાદ રાખવું રહ્યું કે સમકાલીનતામાંથી સર્વકાલીનતા ભણી આગળ વધવું તેમાં કલાની વશેકાઈ પણ રહેલી છે જ. અને સર્વકાલીનતા માનવ-સંવેદનાનાં મૂળભૂત તથા સ્થાયી ગુણલક્ષણોને સિદ્ધ કર્યા વિના હસ્તગત થઈ શકતી નથી. આમ, શબ્દ સહિતનાં માધ્યમોએ બ્રહ્મપ્રાપ્તિના શિખર સુધી પહોંચવા માટેય મનુષ્યત્વની સંકુલ પણ શાશ્વત કેડીઓ પર થઈને જ આગળ અને ઊંચે વધવું પડે છે. અને એ રીતે સિદ્ધ થતું બ્રહ્મત્વ મનુષ્યના ઉચ્ચતમ શિખરથી ભિન્ન હોઈ જ ન શકે. આથી હું ભારપૂર્વક કહેવા ઇચ્છું છું કે શબ્દે બ્રહ્મત્વ પામવાના બિંદુએ અટકી જવાનું નથી. શબ્દબ્રહ્મ એ તો મુકામ કિંવા પડાવ છે. ‘સિતારોં સે આગે જહાઁ ઔર ભી હૈ’ – એવી કવિશ્રદ્ધાને આધારે કહીએ તો શબ્દે શબ્દબ્રહ્મ બનીને અટકી ન જતાં, તેણે માનવબ્રહ્મના એવરેસ્ટ અને તેથીયે ઊંચે શૂન્યશિખર પર પહોંચવા માટે એક અતિકઠિન અને જન્મ-જન્માંતર સુધી ચાલી શકે તેવી યાત્રામાં વિનમ્રતાથી, ભાવપૂત રીતે અને સરળ હૃદયે સામેલ થવાનું છે. પ્રથમ દૃષ્ટિએ આ વાત હવાઈ, અસંભવિત અને કપોળકલ્પિત લાગે તેવી છે. પરંતુ આપણા અનેક કવિમનીષીઓએ તેઓનાં કાલજયી સર્જનો ઉપરાંત પોતાના મુઠ્ઠીઊંચેરા માનવ્ય દ્વારા આ ચરિતાર્થ કરી બતાવેલું છે. આપણે માટે એ ધ્રુવતારક શી મહાન વિરાસત છે. મનુષ્યની મનુષ્યતાને અખિલાઈમાં જોવા-સ્વીકારવામાં પણ શબ્દના સાચા બંદાની બ્રાહ્મી સ્થિતિ જ પ્રગટ થાય છે. એ ગમે તેવા દીન-હીન-પતિત મનુષ્યને સંવેદનશૂન્ય નજરે જોઈ જ ન શકે અને જુએ તો એનું શબ્દબંદાપણું એટલું ઊણું. આથી મનુષ્યત્વની પ્રતિષ્ઠા કરવી, એ પ્રતિષ્ઠાના જતન-સંવર્ધન માટે સતત મથવું એ શબ્દના સાચા બંદાનું પ્રથમ અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. ફરીથી બંગ કવિનો આધાર લઈને કહું તો મનુષ્યના મનુષ્ય તરીકેના હોવાપણાની સર્વોપરીતાનો સ્વીકાર અને પુરસ્કાર એ શબ્દબ્રહ્મનું સાધ્ય છે, હોવું ઘટે. અને એ સાધ્યની સિદ્ધિમાં સહભાગી બનીને શબ્દબ્રહ્મે ધન્યતા અનુભવવાની રહે છે. કેમ કે મનુષ્યત્વનું તંતોતંત રખોપું અને એ દ્વારા મનુષ્યત્વને પણ બ્રાહ્મી અવસ્થા સુધી પહોંચાડવું એ જ શબ્દબ્રહ્મની ચરમ સિદ્ધિ છે. કેવળ શબ્દબ્રહ્મની સાધના ગમે ત્યારે જડત્વ અને સંકુલતામાં પરિણમી શકે, પરંતુ શબ્દબ્રહ્મ પછી મનુષ્યબ્રહ્મનું બહુ ઊંચેરું સોપાન ચઢવાના પ્રયત્નોમાં અને એ પ્રયત્નોની કિંચિત્ અલપઝલપ પ્રાપ્તિમાં જ શબ્દબ્રહ્મના અસ્તિત્વની સાર્થકતા રહેલી છે. કેમ કે એ જ એનો હેતુ, બલ્કે એનું ઇષ્ટ અને પરમ અભીષ્ટ – Supreme good છે, શબ્દસાધનાના પગથિયેથી શબ્દબ્રહ્મના મુકામ સુધી પહોંચવું, ત્યાંથી માનવબ્રહ્મના સર્વોચ્ચ શિખરે આરોહણ કરવા માટે મથવું એ જ આપણા જેવા શબ્દના સર્વ વિનમ્ર, સંવેદનસમૃદ્ધ, નિશ્છલ બંદાઓનું પ્રથમ અને પરમ કર્તવ્ય છે અને બની રહો એવી ભદ્ર ભાવના સાથે સર્વને પુનઃ ભાવસભર સાદર પ્રણામ કરીને હું વિરમું છું. શિવાસ્તે પંથાનઃ।