પરિષદ-પ્રમુખનાં ભાષણો/૮.

From Ekatra Wiki
Revision as of 09:04, 31 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વ. રા.બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠનું ભાષણ

આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ: મુંબઈ
એપ્રિલ: ૧૯૨૬

સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ
ઈ.સ. ૧૮૬૮–૧૯૨૮

પોતાની અનેકવિધ સેવાઓથી ગુજરાતને સમૃદ્ધ બનાવનાર મહાજનોમાંના એક તરીકે ગુજરાત રમણભાઈને ઓળખે છે. એમના પિતાના પરદેશગમને ગુજરાતમાં જે ખળભળાટ મચાવ્યો હતો તે આજે પણ ઇતિહાસનાં પાનાંમાં ઉપલબ્ધ છે. આ પ્રમાણે સમાજસુધારો રમણભાઈને વારસામાં મળ્યો હતો. અને એ વારસાને પોતાના અનેક લેખોમાં એમણે મૂર્ત સ્વરૂપ આપ્યું છે. સાહિત્યના ક્ષેત્રમાં પણ રમણભાઈની સેવામાં ઘણું વૈવિધ્ય છે. એમણે વિવેચનના સિદ્ધાન્તોની સરસ અને સ્વતંત્ર ચર્ચાઓ કરી છે અને નવલરામ પછીના ગુજરાતના વિવેચકોમાં એમનું સ્થાન અચૂક છે. એમનાં લખેલાં વિવેચનોમાં પણ એમની રસદૃષ્ટિની સૂક્ષ્મતા આપણી નજરે પડે છે. કાવ્યના સર્જનમાં પણ એમને સફળતા વરી છે એમ કહેવામાં ખોટું નથી. અને એમના કાળના કવિતાના પ્રવર્તમાન ધોરણે તપાસતાં એમનાં થોડાંક કાવ્યો જરૂર સરસ સાબિત થાય એવાં છે. પણ રમણભાઈએ ગુજરાતમાં જે નહોતું તે પણ ગુજરાતને આપ્યું, અને તે ‘ભંદ્રભદ્ર’ હાસ્યરસ કે કટાક્ષની અથવા બંનેના સંયુકત મિશ્રણવાળી સળંગ નવલકથા પહેલી ગુજરાતને રમણભાઈએ આપી. ગુજરાતમાં પ્રવર્તતા અનેક અનિષ્ટ તત્ત્વો ઉપહાસનું લક્ષ્ય બનાવી, ભદ્રંભદ્ર જેવું એક પાત્ર સર્જાવી એમણે નવી દિશા ગુજરાત સમક્ષ રજૂ કરી. આ ઉપરાંત હાસ્યરસના સાહિત્યસર્જનના ક્ષેત્રમાં એમણે બીજાં અનેક લખાણો પણ ગુજરાતને ચરણે ધર્યાં છે. આજે ‘વસન્ત’ના એકત્રિત અંકો વાંચવા બેસનાર અભ્યાસીની આંખે રમણભાઈનાં અનેક લખાણો ચડે છે. એ ઉપરાંત એમણે થોડાંક વર્ષો સુધી ‘વસન્ત’ માસિકનું સંપાદન પણ કુશળતાથી કર્યું હતું અને શ્રી. આનંદશંકર ધ્રુવને સાથ આપ્યો હતો એ વાત પણ ભૂલવા જેવી નથી જ. પરિષદ સાથેનો સર રમણભાઈનો સંબન્ધ પણ બહુ ગાઢ હતો. પરિષદની પ્રવૃત્તિઓમાં એમને ઊંડો રસ હતો. અમદાવાદ શહેરની સાહિત્ય પ્રવૃત્તિઓમાં પણ એ સૂત્રવત્ પરોવાયેલા હતા. આવા રમણભાઈને મુંબઈમાં મળેલી આઠમી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સોંપવામાં આવે છે.

* * *

સાહિત્યરસિક સન્નારીઓ અને સજ્જનો! ગુજરાતી સાહિત્ય પરિષદની આ બેઠકના પ્રમુખપદે મારી પસંદગી કરવામાં આવી તેથી હું કૃતજ્ઞ છું. આ સાહિત્ય પરિષદનો જન્મ થયાને એકવીસ વર્ષ થયાં છે, અને કાયદાએ મનુષ્યની જાત માટે ઠરાવેલી અવધિ પ્રમાણે આ પરિષદની પુખ્ત તથા લાયક ઉમ્મર થઈ છે. આ પ્રસંગે પરિષદની બાલ્યાવસ્થાના અનુભવ તરફ અવલોકન કરવાનું પ્રાપ્ત થાય છે. સાહિત્ય પરિષદ ભરવાની યોજના પ્રથમ ઉપસ્થિત કરનાર સ્વ. રણજીતરામ વાવાભાઈ મહેતા આજે આ લોકમાં દુર્ભાગ્યે હયાત નથી. એમના અકાળ અવસાનથી ગુજરાતને ભારે ખોટ પડી છે. યુરોપમાં મળતી ‘ઓરિયેંટલ કૉંગ્રેસ’ને ધોરણે મળનારી સંસ્થા ગુજરાતમાં પણ થાય એ તેમની ઉત્કટ ઇચ્છા હતી. ગુજરાતી ભાષાના વિદ્વાનોની વિદ્વત્તાનો નિષ્કર્ષ એકત્ર કરી તે સુલભ અને ફળદાયક કરવાનો આ ઉદ્દેશ જેમ મોટી અકાંક્ષાઓથી ભરેલો છે તેમ તેમાં સાહસ પણ રહેલું છે. મહત્ત્વની અકાંક્ષાથી જેમ ઊર્ધ્વ ગતિની વૃત્તિ થાય છે, તેમ આ કાર્યમાં જોખમ રહેલું છે કે આનુષંગિક ફળરૂપે એવા સંજોગો ઉત્પન્ન થાય કે વિમાર્ગની દિશામાં ઘસડી જનારાં બળની પ્રવૃત્તિ થાય. સાહિત્ય પરિષદને વિમાર્ગે તાણી જનારાં બળ આ રીતે પ્રવર્તિત થયાં છે. સાહિત્ય પરિષદના જન્મથી થએલા ઉમંગને લીધે કેટલાકને એવી ઇચ્છા થઈ કે જે જે સાર્વજનિક પ્રવૃત્તિઓ વિશેષ આગળ કરવા જેવી જણાતી હોય તેનો સાહિત્ય પરિષદના પ્રયોજન સાથે સંબંધ હોય કે ન હોય તો પણ તે સૌનો સાહિત્ય પરિષદમાં સમાવેશ કરવો. આ રીતે નિશાળોનો અભ્યાસક્રમ સાહિત્ય પરિષદના કાર્યક્રમમાં દાખલ કરવાનો કેટલાકે આગ્રહ કર્યો છે. વક્તૃત્વકળાનું ઉત્તેજન સાહિત્ય પરિષદે માથે લેવું જોઈએ એમ કેટલાકને અભિલાષા થઈ છે. હિંદુસ્તાનના ભાષા પ્રમાણે પ્રાંતવિભાગ પાડવાની યોજના સાહિત્ય પરિષદે હાથમાં લેવી જોઈએ એમ કેટલાક તરફથી સૂચના થઈ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એક છે એ ચર્ચા સાહિત્ય પરિષદે કરવા જેવી છે એમ કેટલાકને લાગ્યું છે. પુનર્જન્મનો પ્રશ્ન સાહિત્ય પરિષદે ઉપાડી લેવો જોઈએ એમ એક તરફથી સૂચના થઈ છે. સાહિત્ય પરિષદનું વિશેષ કાર્ય પૃથક રીતે હાથમાં લેવાના હેતુની આ સર્વ પ્રયાસોમાં વિસ્મૃતિ થાય છે. જે કાર્યો સારાં લાગે તે સર્વ એક સંસ્થામાં જોડ્યાથી સર્વ કથળે છે એ આવા પ્રયત્નમાં ધ્યાનમાં રહેતું નથી. પરિષદના કાર્યમાં ક્ષતિ કરનાર બીજો અવરોધ એ ઉત્પન્ન થયો છે કે સાહિત્ય પરિષદનું લક્ષ્ય વિદ્વત્તા ઉપર છે. કેટલેક સ્થળે એવી માન્યતા થઈ છે કે સારા માણસને અમુક માનની પદવી આપવાનું માથે લેવું એ પરિષદનું કાર્ય હોવું જોઈએ. તે માટે, અમુક વિદ્વત્તાભર્યું કાર્ય અમુક મનુષ્યે નથી કર્યું છતાં તે સમર્થ છે, અથવા ઇંતેજાર છે તે લક્ષમાં લઈ પરિષદે તેને ધન્યવાદ આપવો અથવા પદવી આપવી એવી કેટલાકને તીવ્ર ઇચ્છા થઈ છે. એક ગૂંચવડો ‘સાક્ષર’ શબ્દથી થયો છે. પરિષદે એ શબ્દનો પ્રચાર નથી કર્યો. પરિષદ સ્થપાયા પહેલાં એ શબ્દ ગુજરાતમાં વપરાવા લાગ્યો છે. પરંતુ પરિષદની સ્થાપના થયા પછી સામાન્ય વ્યવહારની ભાષામાં એ શબ્દ વિશેષ મહત્ત્વ પામ્યો છે. ઘણા લેખકોને એવી ઇચ્છા થઈ છે કે ‘અમે ‘સાક્ષર’ છીએ એવું ઘોષણ પરિષદ તરફથી થવું જોઈએ.’ જેઓ વિદ્વાન લેખકો નથી એવા ઘણાને આવી ઇચ્છા થવા લાગી છે; અને, ‘સાક્ષર’ કયા માણસને કહેવા એ બાબતમાં સાહિત્ય પરિષદે કાંઈ પ્રયાસ નથી કર્યા. સાહિત્ય પરિષદે અમુક મનુષ્યોને સાક્ષર કહ્યા, એવું બન્યું નથી. તે છતાં જેમને એમ લાગે છે કે અમને ‘સાક્ષર’ પદવી નથી અપાતી એ માટે પરિષદ જવાબદાર છે તેઓ પરિષદ અમુક પક્ષની છે, પરિષદમાં વાડા છે, એવો પુકાર કરે છે. સામાન્ય વાચકો અમુક લેખકોને ‘સાક્ષર’ કહે કે ન કહે તે એ વાચકોની ખુશીની વાત છે. જેમને વાચકો તરફથી પોતાની એ પદવીને અંગીકાર કરાવવો હોય તેઓ વાચકોની રુચિ સંપાદન કરે; પણ એ સંબંધમાં સાહિત્ય પરિષદને માથે શી રીતે જવાબદારી આવે? પરિષદ તરફથી કોઈ લેખકોના લાભમાં કે વિરુદ્ધ કાંઈ વિવેચન કરવામાં આવતું નથી. પરિષદમાં સામેલ થવાની સૌને છૂટ આપવામાં આવે છે; પરિષદમાં સામેલ થવાથી કોઈને ના કહેવામાં આવતી નથી. પરિષદમાં સામેલ થનાર પુરુષોએ પરિષદ બહાર અમુક વિચાર દર્શાવ્યા હોય તે ઉપરથી પરિષદને માથે જવાબદારી ઠરાવી શકાય નહિ. આમ છતાં પરિષદ અમુક પક્ષનો જ સ્વીકાર કરે છે એમ શા ઉપરથી કહી શકાય? પરિષદના પ્રમુખપદનો પ્રશ્ન એ પરિષદના કાર્યમાં વ્યગ્રતા વડે ક્ષતિ કરનારું વળી બાજું કારણ બને છે. પરિષદની બેઠકનો સમય પાસે આવે છે ત્યારે વર્તમાનપત્રો વાંચનારા અને ચર્ચાપત્રો લખનારા જે શખસોને ગુજરાતી ભાષાના અને ગુજરાતી સાહિત્યના પ્રશ્નોમાં ઝાઝો રસ પડતો નથી અને પરિષદ તમાશા તથા ધાંધલ રૂપે જ આકર્ષક લાગે છે તેમને પરિષદના પ્રમુખની પસંદગીનો પ્રશ્ન ઘણા અસ્વસ્થ કરે છે; હિંદની મહાસભાના પ્રમુખપદાના પ્રશ્ન કરતાં પરિષદના પ્રમુખપદાના પ્રશ્નથી તેમને વિશેષ બેચેની થાય છે; પરિષદમાં કરવાનું કાર્ય તેમને પ્રધાન જણાય છે. ભાષા અને સાહિત્યના પ્રશ્નોમાં જેમની રુચિ મંદ રહે છે તેમને આવા ઉપરઉપરના પ્રશ્નોમાં ઘણી તીવ્રતા રહે છે, અને દુર્ભાગ્યે આ વાદવિવાદમાં કટુતા તથા દુરાગ્રહ દાખલ થયા છે, અને તેથી આડકતરી રીતે પરિષદની પ્રગતિને હાનિ થાય છે. સમસ્ત ભારતવર્ષના સાર્વજનિક જીવનમાં પાયમાલી ફેલાવી રહેલો કોમી ભેદનો સવાલ પણ આ ચર્ચામાં દાખલ કરતાં કેટલાક ભાઈઓને સંકોચ થતો નથી. તો પછી, બીજી અપ્રસ્તુત વાતોની શી ગણતરી? અમુક ગૃહસ્થ સાહિત્યના અમુક કામ માટે અમુક રકમ આપવા તૈયાર છે માટે તેને પરિષદના પ્રમુખપદે પસંદ કરવા જોઈએ એ દલીલ પણ આવે પ્રસંગે થઈ છે. આ સંબંધે અહીં એટલું જ કહીશું કે જેને પોતાના લેખની ઉત્તમતાનો સ્વીકાર કરાવવો હોય તેને માટે એ જ માર્ગ છે કે તેણે ઉત્તમ લેખ લખવા; બીજું બધું પોતાની મેળે થઈ રહેશે. પરંતુ શીશીમાં પાણી ભરી તેના ઉપર ‘શરબત’ની ચિઠ્ઠી ચોઢવાનો આગ્રહ કરવો કે લોક એ રીતે પાણીને શરબત ગણી પી જાય અને શીશીમાંના પાણીની પ્રશંસા કરે, એ વ્યર્થ છે. ચિઠ્ઠીઓ ચોઢી માણસોને વિદ્વાન બનાવવાની પરિષદમાં શક્તિ નથી. ભાષા અને સાહિત્યનો ઉત્કર્ષ એ સાહિત્ય પરિષદનું લક્ષ્ય છે. ભાષા અને સાહિત્યમાં પ્રવૃત્તિ કર્યાથી અને તે કાર્યમાં શિષ્ટતા સંપાદન કર્યાથી ઉત્કર્ષ થાય છે. બીજાં ધોરણો આ વિષયમાં નિરર્થક છે. એ વસ્તુસ્થિતિનો અનાદર કર્યાથી ઉપર કહ્યાં તેવાં પરિણામ થાય છે. શિષ્ટતા ઉપર આગ્રહ કરવાની આવશ્યકતા છે. શિષ્ટતાની સંપત્તિ માટે લેખમાં જે અંશો જરૂરના છે તેની ગણના કંઈક આમ થઈ શકેઃ (૧) બહુશ્રુતપણાના સંસ્કાર, ઉત્તમ લેખોનાં વાંચન, અભ્યાસ તથા વિવેચનની વિદ્વત્તાના સંસ્કાર કેળવ્યા વિના લેખ લખવા જતાં એ લેખ ગ્રામ્યતા, અજ્ઞાન અને અપરિપક્વતાવાળા તથા કઠોર લાગે છે. (૨) વાણી અને વિચારની શુદ્ધતા, સામર્થ્ય અને ઉદાત્તતા. વિચારના તત્ત્વમાં અને તેના ઉચ્ચારણમાં નિર્મળતા ન હોય ત્યાં જુગુપ્સા ઉત્પન્ન થાય છે. જેમાં ઉદાત્તતા ન હોય, વાંચનારા કે સાંભળનારાના ચિત્તને ગ્રહણ કરવાની અને ઉચ્ચ માર્ગે દોરવાની તથા ઉચ્ચતાનું દર્શન કરવાની શક્તિ ન હોય તે મોળું, નિર્વીય થઈ પડે છે. (૩) અપૂર્વતા અને કલ્પનામયતા, લેખકનો કોઈ ખાસ સંદેશો છે, તેના વક્તવ્યમાં અથવા ઉક્તિપ્રકારમાં કાંઈ નવીનતા છે, તેના ચિત્તે કાંઈ ઉડ્ડયન કર્યું છે, અર્થને પ્રકાશિત કરવા કાંઈ કલ્પનાનો આશ્રય કર્યો છે, એમ ન લાગે ત્યાં સુધી આકર્ષકતા નથી આવતી. (૪) વિષયનિરૂપણ ગંભીરતાવાળું અને સમતોલપણાવાળું હોવું જોઈએ. વિષયના નિરૂપણમાં ઉછાંછળાપણું, તોછડાપણું, બાલિશતા, પક્ષપાતીપણું, વિવેકહીનતા અથવા અવિચારી અત્યુક્તિ જણાય ત્યારે તેનું સામર્થ્ય ન્યૂન થાય છે, લેખક ઉપર માનવૃત્તિ થતી નથી. અને તેનું લખાણ આદરને પાત્ર થતું નથી, તથા નિરૂપણ અસર કરી શકતું નથી. (૫) લેખનશૈલીમાં ઓજસ, પ્રસાદ તથા માધુર્ય હોવાં જોઈએ. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં લેખનના આ ગુણો આવશ્યક કહ્યા છે. ઓજસથી શૈલીમાં વીર્ય, ચિત્તનો વિસ્તાર કરનારી દીપ્તિ તથા સ્ફૂર્તિ આવે છે અને તે વિના મંદતા વ્યાપે છે. પ્રસાદથી અર્થની સ્પષ્ટતા થાય છે, ભાષામાં નીતર્યા પાણી જેવી સ્વચ્છતા અને વિશદત્વ આવે છે. તે ન હોય તો લેખન ડહોળાઈ ગએલું લાગે છે. એકને બદલે અનેક અર્થનો ભાસ થવાથી ગૂંચવાડો થાય છે, અને અર્થરહિતતાની શંકા નડે છે. માધુર્યથી ભાષામાં મીઠાશ આવે છે, નિરૂપણ રમણીય લાગે છે, તેની રુચિકરતાથી મનોરંજકતા વ્યાપે છે, તથા નિરૂપણ આકર્ષક થાય છે; આ રીતે આ ગુણો લેખનમાં આવશ્યક છે. છઠ્ઠી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના અધ્યક્ષપદેથી વ્યાખ્યાન કરતાં સાહિત્યની વ્યાખ્યા કરતાં મેં સ્ટોપ્ફર્ડ બ્રૂકનાં આ વચનો ઉતાર્યાં હતાંઃ ‘The History of English literature is the story of what great English men and women throught and felt and then wrote down in good prose and beautiful poetry in the English language.’ ‘મહાન ઇંગ્રેજી પુરુષોએ અને સ્ત્રીઓએ કેવા વિચારો બાંધેલાં અને તેમને કેવી લાગણીઓ થએલી, અને તે સર્વ ઇંગ્રેજી ભાષામાં સારા ગદ્યમાં અને સુંદર કવિતામાં ઉતારીને કેવી રીતે લખેલાં, એ વૃત્તાંતથી ઇંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ બનેલો છે.’ આ વચનોને આધારે મેં કહેલું કે, “શિષ્ટતાવાળા લેખોનો ભંડાર તે સાહિત્ય” છે. આ વ્યાખ્યા વિરુદ્ધ ટીકા કરવામાં આવેલી કે એ વ્યાખ્યા ઘણી સાંકડી અને સંકુચિત છે. એ ટીકાનો આશય એવો સમજાય છે કે સાહિત્યની વ્યાખ્યા એવી હોવી જોઈએ કે અશિષ્ટતાવાળા લેખકની પણ સાહિત્યમાં સહેલથી ગણના થાય. પરંતુ આ રીતે અશિષ્ટતાનો અંગીકાર કરવાથી સાહિત્યની ઉચ્ચતા નષ્ટ થાય છે. આ સંબંધમાં મરાઠી ભાષામાં ત્રણ શબ્દો વપરાય છેઃ વાઙ્મય, સારસ્વત અને સાહિત્ય. ભાષામાં જે કંઈ લખાયું હોય અથવા બોલાયું હોય તે શબ્દમાં જ્યાં પ્રકટ થયું હોય તે વાઙ્મય. વાઙ્મયના વિશાળ પ્રદેશમાં સારસ્વતનો સમાવેશ થાય. જે વાઙ્મયમાં ઉદાર, લલિત. અભિજાત તથા નાગર ગદ્યપદ્યપ્રબંધ હોય તે સારસ્વત. સારસ્વતમાં સાહિત્યનો સમાવેશ થાય. જે પ્રબંધરચના વિચારસૌંદર્યવાળી હોય તેની સાહિત્યમાં ગણના થાય. રા.રા. વાસુદેવ ગોવિદં આપ્ટે નીચે પ્રમાણેની બે વ્યાખ્યાઓ આ સંબંધમાં ધ્યાનમાં લે છેઃ “Literature consists of all the books, and they are not so many, where moral truth and human passions are touched with a certain largeness, sanity and attraction of from.” – Lord Morley.
“જે લેખમાં નીતિનાં સત્ય તત્ત્વ અને મનુષ્યના મનોભાવનું નિરૂપણ કંઈક ઉદાત્તતાથી અને ડહાપણથી આકર્ષક સ્વરૂપથી કર્યું હોય તે સર્વ પુસ્તકોથી સાહિત્ય બને છે. અને એવાં પુસ્તકો ઘણાં નથી હોતાં.’ – લોર્ડ મોલી.
“Literature is a vital record of what men have thought and felt about those aspects of it which have the most immediate and enduring interest for all of us” – Hudson.
“માનવી જીવિતના નિકટ તથા નિત્ય સંબંધમાં આવેલી બાબતો વિષે માણસોએ જે કંઈ અનુભવ્યું છે, જે કઈ વિચાર્યું છે, અને તેમને જે કંઈ લાગ્યું છે તે સર્વની માર્મિક નોંધ તે સાહિત્ય.” – હડ્સન.
‘એન્સાઇક્લોપીડિયા બિટાનિકા’ (૧૧મી આવૃત્તિમાં પ્રો. જેમ્સ કેલી સાહિત્યની આ પ્રમાણે વ્યાખ્યા કરે છેઃ

“Literature may stand for the best expression of the best thought reduced to writing.”

‘સાહિત્યનો અર્થ ઉત્તમ વિચારો ઉત્તમ ભાષામાં ઉતારેલા હોય તે લેખ છે.’

“साहित्यसंगीतकलाविहीनः” (ભર્તૃહરિ)
“साहित्यपाथोनिधिमन्थनोत्थं कर्णामृतं रक्षत भो कवीन्द्राः” (બિલ્હણ)

એ ઉક્તિઓ ઉપરથી રા.રા. વાસુદેવ ગોવિંદ આપટે અનુમાન કરે છે કે પૂર્વે “સાહિત્ય” શબ્દનો અર્થ “કાવ્ય” થતો. પણ સાંપ્રત કાળમાં તે શબ્દની વ્યાપ્તિ વધી છે એમ તેઓ સ્વીકારે છે. सहितस्य भावः साहित्यम् એ વ્યુત્પત્તિ સૂચવી તેઓ કહે છે કે અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય. हितेन सह सहितं तस्य भावः साहित्यम् એવી પણ વ્યુત્પત્તિ કેટલાક કરે છે. તેમને મતે હિતકારક ઉક્તિઓનો સંગ્રહ તે સાહિત્ય છે. આમાંની પહેલી વ્યુત્પત્તિ રા.રા. વાસુદેવ ગોવિંદ આપટે વધારે પસંદ કરે છે. પરંતુ સાહિત્યથી હાલ શું વિવક્ષિત થાય તે નક્કી કરવામાં વ્યુત્પત્તિ આપણને ઝાઝી મદદ કરી શકે તેમ નથી. ઉપર જે વ્યુત્પત્તિઓ ઉતારી તે સંબંધમાં એટલું કહીશું કે “સાહિત્ય” શબ્દ વડે જે સમુદાય કહેવો ધારેલો છે તે લેખકોના વિચાર કે ઉક્તિઓનો સમુદાય નહિ, પણ લેખમાં ગુણસંપત્તિ આણનાર કલામય સામગ્રીઓનો સમુદાય છે. અલબત્ત ઉત્તમ લેખમાં એ સામગ્રીઓનું બાહુલ્ય હોય તેથી સમુદાયનો ભાવ ચિત્ત આગળ હંમેશ વિદ્યમાન રહે છે. વળી, અમુક પંક્તિના કે અમુક વિષયના લેખ સમષ્ટિ રૂપે વિચારમાં લેવાની ટેવને લીધે “સાહિત્ય” શબ્દમાં લેખોનો અને લેખકોનો સમુદાય વિવક્ષિત રહે છે. “સાહિત્ય”ની ઉપર ઉતારેલી સર્વ વ્યાખ્યાઓમાં એ વાત સ્પષ્ટ રીતે કહેલી છે કે વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં “સાહિત્ય” શબ્દ ઉત્પન્ન થાય. આ રીતે “શિષ્ટતાવાળા લેખોનો ભંડાર તે સાહિત્ય” એ ઉપર કહેલી વ્યાખ્યા વિદ્વાનોને માન્ય છે. અને શિષ્ટતા હોય તે વિના સાહિત્યપદ ઉપપન્ન થાય નહિ, એમ ફલિત થાય છે. આપણો મુખ્ય ઉદ્દેશ સાહિત્યના ઉત્કર્ષ માટે કરવાના પ્રયાસનો છે. “સાહિત્ય” શબ્દની વ્યાખ્યાનું એ માટે જ મહત્ત્વ છે. ભા।ષાનો ઉત્કર્ષ સાહિત્યના ઉત્કર્ષ સાથે સંકળાયેલો છે. બંનેના વિચાર તથા બંનેનો પ્રયાસ એકબીજાને અવલંબીને થાય છે. ઉત્તમ લેખ લખવામાં રોકાયેલું મન પોતાના એ પ્રયાસની સાથે જ ઉત્તમ ભાષા લખવાના પ્રયાસમાં રોકાય છે. જેમ ઊંચા પ્રકારની ભાષા લખવાની શક્તિ વિના ઊંચા પ્રકારના લેખ લખી શકાતા નથી, ભાષા ઉપરના કાબૂ વિના લેખક ઉપર – વિચારપ્રકાશ ઉપર – કાબૂ આવતો નથી, તેમ ઊંચા પ્રકારના લેખ લખવાની સાથે ઊંચા પ્રકારની ભાષા આપોઆપ લખાય છે, લેખની શક્તિ અને ભાષાની શક્તિ સાથેસાથે પ્રવર્તે છે; કારણ કે વિચારની ઉત્કટતા અથવા લાગણીની તીવ્રતા બહુશ્રુતપણાના સંસ્કાર સાથે મળી ઉદ્ગારમાર્ગ ખોળે છે ત્યારે એ સંસ્કાર વિચારના પ્રકાશનનાં બીબાં રજૂ કરે છે અને બીબાંમાં છપાઈછપાઈને ઉદ્ગાર બહાર પડે છે, અને તે બીબાંમાં શિષ્ટ લેખકોની જે વાણી અંતર્ભૂત રહેલી હોય છે, તે એવે પ્રસંગે પોતાનું બળ બહાર પાડે છે. શિષ્ટ લેખકોની જે વાણી ચિત્તને પ્રેરવામાં સહાયભૂત હોય છે તે વાણી પોતાનું મિષ્ટ સ્વરૂપસ્ફુરણ પામી મૂર્તરૂપ ગ્રહણ કરતા વિચારોમાં ભેળે છે. બહુશ્રુતપણાના સંસ્કારથી રહિત હોય તેઓ વિચારની ઉત્કટતા અથવા લાગણીની તીવ્રતાને વશ થઈ લેખ લખવાના પ્રયાસ કરે ત્યારે વગરકેળવાએલા વિચારમાં રહેલી સંસ્કૃત વાણીની અશક્તિ તેમના પ્રયાસને નિષ્ફળ કરે છે, અથવા તેમના ઉદ્ગાર અજ્ઞાન તથા ગ્રામ્યતાભરેલા, અપરિપક્વ તથા કઠોરરૂપે અર્થાત્ અશિષ્ટ સ્વરૂપે બહાર પડે છે. આ માટે, સાહિત્યના દ્વારમાં બહુશ્રુતપણાના સંસ્કાર ઊમરા ઉપર રહેલા છે. અસંસ્કૃત વિચારોનો ઢગલો વાણીમય થાય તો પણ તેવા વિચારોની સંસ્કૃત વાણી સાહિત્યમાં સ્થાન પામતી નથી. લૉર્ડ મોર્લી પ્રથમ સાહિત્યમાં કેળવાયા પછી રાજકીય વિષયમાં તેમની પ્રવૃત્તિ થઈ ત્યારે તેમના સાહિત્યસંસ્કારોએ તેમના રાજકીય વિચારોના આલેખનને સાહિત્યોચિત રૂપ આપ્યું, માત્ર વિચારોના કે લખાણોના બાહુલ્યથી એ રૂપ સિદ્ધ થયું ન હતું. મિ. લૉઈડ જ્યૉર્જનાં ભાષણોનું બાહુલ્ય હોવા છતાં તેમાં સાહિત્યોચિતતા આવી નહિ; કારણ કે વિચારના ઉદ્ગારનું બાહુલ્ય છતાં સાહિત્યના સંસ્કાર તેમાં છપાયા ન હતા. ગુજરાતી સાહિત્યમાં એ સાવચેતી રાખવાની છે કે ધાર્મિક અથવા રાજકીય વિચારોના લખાણના ઢગલામાં બાહુલ્ય હોય છતાં તે બાહુલ્ય જાતે જ એ લખાણને સાહિત્યમાં ઊંચું સ્થાન આપવવા સમર્થ નથી. તે વિચારો પ્રગટ કરનારા અનુયાયીઓના ઉત્સાહથી એવા લખાણમાં સાહિત્યોચિત ઉચ્ચતા પ્રાપ્ત થતી નથી. સાહિત્યમાં બહુશ્રુતપણાના સંસ્કારથી આરંભ થાય છે અને શિષ્ટતાથી ઉચ્ચ રૂપ બંધાય છે. એવી શિષ્ટતા વગરની વાણીને સાહિત્યમાં ઊંચું સ્થાન આપવાની માગણી સાહિત્યનો અપકર્ષ કરે છે. આ માટે એ આગ્રહ કરવાની જરૂર છે કે ગુજરાતી લેખકો બહુશ્રુત હોવા જોઈએ. કોઈ પણ મરાઠી સુપુસ્તક ઊઘાડીને વાંચીશું તો લેખકની વિદ્વત્તા પ્રથમ આપણા ચિત્તનું આકર્ષણ કરે છે. વર્તમાન ગુજરાતી સાહિત્યમાં વિદ્વત્તા હાલ આદર્શરૂપે ગણાતી નથી એ શોચનીય છે. વર્તમાનપત્રોમાં વપરાતી શૈલી અને ભાષા તે સાહિત્ય માટે આદર્શભૂત થઈ શકે નહિ. મરાઠી વર્તમાનપત્રોમાં વિદ્વત્તાના સંસ્કાર સ્થળેસ્થળે દૃષ્ટિગોચર થાય છે તે સ્થિતિ પણ ગુજરાતીમાં નથી. સાહિત્ય પરિષદમાં વિદ્વત્તાભર્યા લેખ રજૂ થતા નથી તેથી રસિકતા અને વિદ્વત્તાનો શોખ જાગૃત થવો જોઈએ. પણ વિવેચકોની વિવેચનપદ્ધતિ તે સર્વને રદ કરે છે. વર્તમાનપત્રોની પદ્ધતિએ થતું વિવેચન નિબંધોના વિષય તથા તેમાંની ચર્ચાની અવગણના કરે છે અને સાહિત્ય પરિષદની વ્યવસ્થાને જ પ્રધાનતા આપે છે. કોઈ નિબંધના લેખક વિષે આ વિવેચનમાં ચર્ચા કરવામાં આવે છે તો તેણે દર્શાવેલા વિચારોના સ્વરૂપ વિષે નહિ, પણ તેની બોલવાની રીત, તેના દીદાર અને તેની નાતજાત વિષે ચર્ચા કરવામાં આવે છે. આ રીતે વિદ્વત્તાનું વાતાવરણ ઊભું કરવામાં કાંઈ સહાયતા થતી નથી, અને વિદ્વત્તાનો વિષય ગૌણતા પામે છે. સમસ્ત સાહિત્ય પરિષદના શ્રોતાઓમાં વિદ્વત્તામાં રસ લેનારા બહુ થોડા હોય છે, અને બહારની વાતોમાં તથા સમારંભની ગોઠવણમાં રસ લેનારા ઘણા હોય છે. તેથી સુસંસ્કાર અને શિષ્ટતા એક ખૂણામાં પડી જાય છે, અને તમાશગીરોની પ્રિય થઈ પડે એવી ધાંધલ આગળ પડે છે. વિદ્વાનોની વિદ્વત્તાનો નિષ્કર્ષ આ રીતે ફળવંત થતો નથી, અને ભાષા તથા સાહિત્યના ઉત્કર્ષ ઉપર ધ્યાન ઝાઝું ખેંચાતું નથી. એ ખરું છે કે વિદ્વાનોના પ્રયાસ બહુધા સમષ્ટિથી થઈ શકે નહિ. પણ દરેક વિદ્વાન પોતપોતાને ઇષ્ટ માર્ગે પ્રયાસ કરે તેથી સાહિત્યમાં પ્રગતિ થાય. વ્યાકરણ, કોશ, વગેરે કેટલાક વિષય એવા છે કે જેમાં સહવ્યાપાર થઈ શકે. પરંતુ નિસર્ગશક્તિથી રચવાના મૌલિક ગ્રંથો તો દરેક ગ્રંથકાર જાતે રચે; અને એવા ગ્રંથો ઘણા રચાય અને ઉત્તમ પંક્તિના રચાય ત્યારે સાહિત્યમાં પ્રગતિ થાય. એવા ગ્રંથો રચાવા માટે કંઈ યોજના થઈ શકે નહિ. વિદ્વાનોની સ્વયંભૂ વૃત્તિ ઉપર જ આધાર રહે. વિદ્વત્તાનું વાતાવરણ પરિષદ ઉત્પન્ન કરી શકે અને અમુક વિષયો તરફ લક્ષ ખેંચી શકે, તથા સાહિત્યનું વલણ કેવું બંધાય છે તે વિચારમાં લઈ સૂચનાઓ કરી શકે, એવી કેટલીક સૂચનાઓ આ પ્રસંગે અસ્થાને નહિ થાય. પ્રાચીન સમયમાં કાવ્યસાહિત્ય અગ્રેસર પદવી ધરાવતું. આનું કારણ એ છે કે મનુષ્યજાતમાં પ્રથમ લાગણી થાય છે, પછી વિચાર થાય છે; અને હાલ પણ કાવ્યસાહિત્યની પદવી ઘણી મોટી છે. તે તરફ પ્રથમ લક્ષ લઈ જઈશું. કાવ્યના સ્વરૂપ વિષે અનેક પ્રકારે વિવેચન થયું છે અને તે વિષે વિવેચન આ સંબંધમાં પ્રસ્તુત નથી. માત્ર કાવ્યસાહિત્યના કેટલાક અંશ આ પ્રસંગે ધ્યાનમાં લેવા યોગ્ય છે. પ્રથમ કવિતા સભામાં વાંચી સંભળાવવામાં આવતી તે સ્થિતિ હવે રહી નથી, એટલું જ નહિ, પણ કવિતા મોટેથી વાંચવાનો અથવા વાંચી સંભળાવવાનો અભ્યાસ બહુ ઓછો થઈ ગયો છે; અને દરેક વાંચનાર પોતાની મેળે ઘાંટા પાડ્યા વિના કાવ્ય વાંચી લે એ પદ્ધતિ સામાન્ય થઈ ગઈ છે. આને લીધે કવિતામાં તાલનું મહત્ત્વ ઘણું ઓછું થઈ ગયું છે, અને માત્રામેળ છંદો કે જેમાં તાલનું મહત્ત્વ વિશેષ હોય તેમાં માત્રાને આધારે કવિતા રચાય અને તાલની અવગણના થાય એમ બનવા લાગ્યું છે. ઊર્મિ અનુસાર આંદોલનવાળી વાણીમાં રચના થાય તેવી કવિતાના ગુંજનમાં તાલ અવશ્ય આવવાનો; અને આંદોલન સુવ્યવસ્થિત હશે ત્યાં તાલનો નિયમ યથાર્થ રીતે સચવાવાનો. પરંતુ તાલ સંબંધી જે શિથિલતા ઉદ્ભવ પામી છે તે સમૂળગી કાઢી નાખી શકાય તેમ નથી. અક્ષરમેળવૃત્તની લઘુગુરુમાપવાળી તથા યતિના વિભાગવાળી રચનાની અશિથિલતા, જેવી ગુંજનની સુકરતા માટે આવશ્યક છે તેવી તાલની વ્યવસ્થા આવશ્યક નથી; અને પદ્યરચના મોટેથી બોલવાની ન હોય ત્યાં – તાલની અવ્યવસ્થા નભી જાય તેમ હોય તેવે ઠેકાણે – તાલની ખામી ઉપર ધ્યાન ઓછું ખેંચાય એ સ્વાભાવિક છે. પણ જ્યાં માત્રમેળ છંદમાં તાલની ગોઠવણ ઉપર ચરણના બંધારણનો આધાર હોય ત્યાં તાલનો અનાદર નભી શકે તેમ નથી. વળી જ્યાં ચરણનો અમુક અક્ષર લઘુ કે ગુરુ આવે એ નિયમ સાચવ્યાથી તાલ જળવાતો હોય તેવે ઠેકાણે મોટેથી બોલ્યા વિના છંદ રચનાર તાલ કરતાં લઘુગુરુ અક્ષરના નિયમ ઉપર વધારે ધ્યાન દે એવો સંભવ છે. ઉદાહરણઃ હરિગીત છંદમાં દરેક ચરણમાં અઠ્ઠાવીસ માત્રા આવે, છેવટે ગુરુ અક્ષર આવે, અને ‘ત્રીજી ઉપર પછી ચતુર પર એમ આઠે તાલ છે.’ તથા તાલમાં જગણ ન આવેઃ એ કાંઇક સંકુલ નિયમને બદલે ‘ગાગાલગા, ગાગાલગા’ ‘ગાગાલગા ગાગાલગા’ એ માપનો નિયમ સચવાય અને દરેક ‘ગાગાલગા’માં પાંચમી માત્રાએ લઘુ અક્ષર આવે એ નિયમ પળાય તો તાલનો નિયમ આપોઆપ સચવાય, અને જેટલામી માત્ર ઉપર તાલ હોય તે માત્રા અને તે પછીની માત્રા મળીને ગુરુ અક્ષર થવો જોઈએ એ નિયમ આપોઆપ સચવાય, અને તાલ ન તૂટતાં ‘લાગે કવિતા લંગડી’ એ જોખમ ન રહે. પહેલાં જ્યારે પદ્યરચના મોટેથી બોલીને સાંભળાવવાની પ્રથા હતી ત્યારે તાલના નિયમવાળી માત્રામેળછંદની રચનામાં પદ્ય વિશેષ જોડાતાં, અને હવે જ્યારે પદ્યરચના મનમાં વાંચી જવાની પ્રથા વિશેષ છે ત્યારે અક્ષરમેળવૃત્તની રચનાવાળાં પદ્ય વધારે જોડાય છે તેનું આ એક કારણ છે. અક્ષરમેળવૃત્તમાં લઘુગુરુઅક્ષરની મર્યાદા સાચવ્યાથી પદ્ય જોડાય છે અને તાલ આપોઆપ આવી રહે છે એથી રચનારને સુકરતા લાગે છે. આ સંબંધમાં એ લક્ષમાં લેવાનું છે કે માત્રામેળરચના મૂળ અક્ષરમેળરચના ઉપરથી ઉદ્ભવેલી હોવાથી અને એક ગુરુ અક્ષરની બે લઘુ અક્ષરથી દર્શાવવાની શક્યતા અથવા બે લઘુ માત્રાને બદલે એક ગુરુ અક્ષર મૂકવાની શક્યતા ઉપયોગમાં લેવાયાથી મત્રામેળરચનાને અક્ષરમેળ કરવાની ગોઠવણ આ રીતે ઉપયોગમાં આવી શકે છે. માટે તેમ થવા દઈ તાલને આપોઆપ જળવાવા દઈ કવિતાને તાલ વિનાની લંગડી થતી અટકાવવી એ સલાહભરેલું છે. આ રીતે દોહરાને ‘ગાગાગાગા ગાલગા, ગાગાગાગા ગાલ’ એવું વિકલ્પે અક્ષરમેળરૂપ આપી શકાય કે જ્યાં એક ગુરુ અક્ષરને બદલે તે જ ઠેકાણે બે લઘુ અક્ષર આવે, અને અગિયારમી માત્રાને ઠેકાણે લઘુ અક્ષર આવે એવો નિયમ રહેઃ એવી ગોઠવણ કર્યાથી તાલ અક્ષરમેળરચનામાં સહેલાઈથી સચવાવાનો અને પદ્યરચનાને સુકરતા થવાનો સંભવ છે. અલબત્ત, માત્રામેળ કે અક્ષરમેળ બન્ને પ્રકારના બંધારણ વિના પદ્યરચના થાય એ ઇષ્ટ નથી. કવિતામાં રહેલા અંતઃક્ષોભ સાથે જે આંદોલન જોડાયેલું છે તે રદ થઈ શકે તેમ નથી, અને તે રદ કરવું ઇષ્ટ નથી. તે માટે તેમજ સુંદરતા માટે આંદોલનવાળી વાણી આવશ્યક છે; અને આંદોલન પિંગળમાં દર્શાવેલા છંદો તથા વૃત્તોમાં અથવા નવા યોજેલા છંદોમાં કે વૃત્તોમાં શક્ય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. એ આંદોલનો માટે રચનાપ્રકારના નિયમો સ્પષ્ટ હોવા જોઈએ. નિયમોનો અભાવ હોય ત્યાં સુવ્યવસ્થાનો અનાદર કરવાની વૃત્તિ થાય છે, અને પરિણામે અંતઃક્ષોભના આંદોલન વગરની વાણી કવિતામાં નભશે એમ માન્યતા થાય છે, અને એ રીતે વિરસ વાક્યો, ટુચકા, પ્રાસ્તાવિક વચનો, શિખામણની વાતો, વગેરે કવિત્વહીન ઉક્તિઓ કાવ્યપ્રદેશમાં દાખલ થવાનો દાવો કરે છે. આજથી ત્રીસ ચાળીસ વર્ષ ઉપર ગુજરાતી કવિતા રચનાર ઘણાખરા શિક્ષકવર્ગના હતા, અને તે વેળાએ સર્વમાન્ય ગણાતું કેઃ

‘પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કોય;
વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય.’

આ કારણથી સર્વ લેખકો પિંગળનો અભ્યાસ કરતા અને પિંગળનું અનુસરણ કરતા. હવે પિંગળનું અજ્ઞાન પ્રસર્યું છે, અને તેની મર્યાદાના નિયમનો ભંગ કરવામાં વિશેષતા છે એમ મનાવા લાગ્યું છે. માટે નિયમસર રચના વડે કવિતાના આંદોલન તથા સુંદરતા સચવાય છે એ ધ્યાનમાં રાખી નિયમનો આગ્રહ કરવો આવશ્યક છે. તેનો અપકર્ષ થયો છે; અને વિરસતા હોય ત્યાં તે છતાં પિંગળનો અનાદર કર્યાથી ખૂબી આવી છે એમ મનાય છે. આને પરિણામે કાવ્યસાહિત્યમાં શિથિલતા વ્યાપી છે. મથાળે જે છંદનું નામ લખ્યું હોય તે છંદનું માપ રચનાનાં ચરણોમાં મળે નહિ; અને અનેક છંદોના કકડા ઢંગધડા વિના એકઠા કરેલા જોવામાં આવે, માપમાં લઘુ અક્ષર જોઈએ ત્યાં ગુરુ જોવામાં આવે, ગુરુ અક્ષરને ઉતાવળે વાંચી લઘુ માનવાનો હોય અને ઉદ્દિષ્ટ કરેલા છંદને બદલે તે છંદની ચાલ ગણવાની હોય, એ વગેરે અનિયમિતતા અનેક પ્રકારે જોવામાં આવે છે. પિંગળના અનાદર સાથે વ્યાકરણનો અનાદર પણ પ્રવર્તમાન થવા લાગ્યો છે તથા અલંકાર ઔચિત્યવાળા તથા રુચિકર હોવા જોઈએ એ વાત ઉપર પણ દુર્લક્ષ થવા લાગ્યું છે. એક પ્રકારની શિથિલતા જોડે અનેક પ્રકારની શિથિલતા નિભાવી લેવાની વૃત્તિ થાય છે. ગુજરાતી કાવ્યસાહિત્યના સામર્થ્યમાં આથી ક્ષતિ થાય છે. એ સામર્થ્ય જ્યારે યથાર્થ રીતે જળવાશે ત્યારે કાવ્યસાહિત્ય આગળ વધવાનું શક્ય થશે. હાલ પિંગળમાં જે અક્ષરમેળ અને માત્રામેળ છંદો તથા વૃત્તો કહ્યાં છે તેટલાં જ શક્ય છે અને ઉચિત છે એમ કોઈ કહેતું નથી. કવિઓ વખતોવખત વિષય અને વૃત્તિના પ્રવાહની અનુકૂળતા માટે નવા છંદો અને વૃત્તો યોજે છે એ સુવિદિત છે. હરિગીતમાંથી વિષમ હરિગીત અને ખંડ હરિગીત થયાં છે. મેઘદૂતના ભાષાંતર માટે મેઘ છંદ યોજાયો છે. ગુજરાતીમાં વીરરસ માટે યોગ્ય છંદ કે વૃત્ત નથી, એમ ઘણાને લાગ્યું છે. તે રસના કાવ્ય માટે રોળાવૃત્ત અથવા લાવણીનો ઉપયોગ ફતેહમંદ થતો નથી એમ માલૂમ પડ્યું છે. કવિ નર્મદાશંકરે આ માટે વીરવૃત્ત યોજેલું પણ તે પ્રચલિત થયું નથી. હાલના છંદ અને વૃત્તનો ઇતિહાસ જડે તો તે પણ કવિઓની રચનાની અનુકૂળતા માટે, અથવા કવિઓની કલ્પનાનું પૂર ઝીલી લેવા માટે યોજાએલા અને બીજા છંદોમાંથી નીકળેલા માલૂમ પડશે. પણ એ સર્વમાં અમુક રીતે નિયમ છે. આંદોલનનાં મોજાંને તે અમુક રીતે અનુસરે છે, અને તાલની ગતિને અમુક રીતે સાચવે છે. અર્થાત્ આંદોલનની સુવ્યવસ્થા વિનાનાં છંદ કે વૃત્ત હોઈ શકતાં નથી. આ સર્વમાં વક્તવ્ય એ છે કે આંદોલનની સુવ્યવસ્થાને સાચવવાનું પ્રાપ્ત થયું છે. બીજું કોઈ સાધન એ સુવ્યવસ્થા માટે જડતું હોય તો તેનો સ્વીકાર કરવાનો વાંધો નથી. પરંતુ મનોભાવના જે આંદોલનને લીધે તેની લલિત ગતિના ઊંડા મૂળમાં છંદ તથા વૃત્ત અંતર્ભૂત રહ્યાં છે તે આંદોલન છંદ અથવા વૃત્ત વિનાના ગદ્યમાં મૂર્તિમંત કરી શકાય તેમ નથી, સામાન્ય અનુભવ લક્ષમાંથી કાઢી નાખવો ન જોઈએ. છંદ તથા વૃત્તના અભાવથી જે ન્યૂનતા રહે છે તે છંદના તથા વૃત્તના નિયમના ભૃંગમાં પણ રહેલી છે. આંદોલનની ગતિને તાલ જાણે કે બાંધી રાખી ઉચ્ચારણની અમુક કાલમર્યાદામાં સાચવે છે, અને કાવ્ય મોટેથી બોલવાનું ન હોય ત્યારે પણ તાલની કાલમર્યાદા એની એ હોય છે. એ મર્યાદા આપોઆપ જળવાય તે માટે ઉપર વ્યવસ્થા સૂચવી છે. તેનો હેતુ એ નથી કે કાલનો અનાદર થાય, પણ તાલ વિષેની કર્ણપરીક્ષા જ્યાં મંદ હોય ત્યાં પણ તાલને નિયમ સચવાય એ હેતુ છે. નિયમો પાળ્યાથી કવિત્વ આવે છે એમ કહેવાનો હેતુ નથી. કવિત્વ તો સ્વાભાવિક શક્તિથી આવે છે. પરંતુ તેનો મૂર્તિમંત આવિર્ભાવ દૂષિત ન થાય તે માટે નિયમો પાળવાની જરૂર છે. અનુભવીઓના લાંબા અનુભવને પરિણામે નિયમો ઘડાય છે; તે માટે અલંકારશાસ્ત્રમાં નિયમોને મહત્ત્વ આપ્યું છે. અલંકારશાસ્ત્રીઓ કહે છે તેમ રસવિષયમાં બારીક બાબતોમાં सचेतस एव प्रमाणम् ‘સહૃદય જનોની પરીક્ષા એ જ પ્રમાણ છે.’ કાવ્યના બાહ્ય સ્વરૂપમાં દોષ ન આવે એ માટે સહૃદય જનોએ સૂચવેલા ઉપાય આ રીતે લક્ષમાં રાખવા આવશ્યક છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટ કાવ્યના ઉદ્ભવ માટે આવશ્યક વસ્તુઓ ગણાવે છે કેઃ

शक्तिर्निपुणता लोकशास्त्रकाव्याद्यवेक्षणात् ।
काव्यज्ञशिक्षयाभ्यास इति हेतुस्तदुद्भवे ।।

“કવિત્વબીજરૂપ શક્તિ, સ્થાવરજંગમ લોક, શાસ્ત્ર, કાવ્ય વગેરેના વિમર્શનથી આવતી નિપુણતા, કાવ્ય કરવાની અને સમજવાની શક્તિવાળાના ઉપદેશથી થયેલો અભ્યાસઃ એ સર્વ કાવ્યના ઉદ્ભવમાં કારણરૂપ છે.” (‘શાસ્ત્ર’માં નીચેનાં વિષયોનાં લક્ષણ દર્શાવનાર ગ્રંથોનો સમાવેશ થાય એમ મમ્મટ કહે છેઃ છંદ, વ્યાકરણ, નામકોષ, કલા, ધર્માર્થ – કામમોક્ષ, હાથી, ઘોડા, ખડગ, ઇત્યાદિ.) એ અંશો કાવ્યના કારણરૂપ એટલા માટે છે કે કવિત્વશક્તિ હોય ત્યાં પણ એ શક્તિના સ્ફુલિંગને પ્રદીપ્ત કરનાર તથા તેના તિરોધાનને અટકાવનાર અભ્યાસ અને નિપુણતા આવશ્યક છે, અને જ્ઞાનના ભંડાર વિના તથા નિયમો વડે સિદ્ધ થતી સુવ્યવસ્થાની દરકાર વિના કુશળ કૃતિ થતી નથી. આ ધોરણો એકલા કાવ્યને જ નહિ, પણ સકળ સાહિત્યને લાગુ પડે છે. માત્ર “કાવ્ય” પદનો વિસ્તાર કરી તેને ઠેકાણે “ઉત્તમ લેખ” એ સમજવાનું છે, અને ‘કવિત્વબીજરૂપ શક્તિ’ એ ઠેકાણે ‘લેખનશક્તિ’એ પદ સમજવાનું છે. કાવ્યસાહિત્યની શુદ્ધતા તથા તેના સામર્થ્ય માટે જે ચર્ચા કરવામાં આવી તે સામાન્ય સાહિત્યને પણ લાગુ પડશે. અભ્યાસ અગર બહુશ્રુતપણું સર્વ લેખ માટે પ્રથમ આવશ્યક છે તેમ બીજા પ્રકારના સાહિત્યમાં વિચારશક્તિ, વિચાર પ્રદર્શિત કરવાની શક્તિ, અને વિચારપ્રદર્શનમાં કલ્પનાની શક્તિ પ્રથમ આવશ્યક છે. કાવ્યેતર સાહિત્ય પ્રથમ નવલકથાને મુકીશું. નવલકથા કવિતા પેઠે કલ્પનાપ્રધાન છે. વાર્તાઓ પ્રથમ કાવ્યમાં કહેવાતી એ મૂળમાંથી નવલકથા નીકળી છે; અને મૂળના પ્રરોહનાં કેટલાંક લક્ષણ નવલકથાના અંગમાં હજી રહ્યાં છે. ગુજરાતી ભાષામાં વાર્તા રચનાર જૂના કવિ શામળભટની રચના કાવ્યમાં હતી. પ્રેમાનંદનાં આખ્યાનની શૈલી કોઈએ ગ્રહણ કરી હોય તો તે કવિ દલપતરામે (‘વેનચરિત્ર’માં) ગ્રહણ કરી છે તથા તેમાં સામર્થ્ય દાખવ્યું છે. એ માર્ગે હાસ્યરસની તેમજ વીરરસની રચના થઈ શકે તેમ છે. નવલકથાનું સાહિત્ય ગુજરાતી ભાષામાં હાલના યુગમાં નવું થયેલું છે. ગયા સૈકાના ઉત્તરાર્ધથી એ સાહિત્યનો આરંભ થયો છે. પ્રેમાનંદનાં “આખ્યાન” અને શામળભટ્ટની “વાર્તા”ની વસ્તુ અને આ નવલકથાસાહિત્યમાં ઉતાર્યા નથી. હાલની ગુજરાતી નવલકથા અંગ્રેજી સાહિત્યમાંની “રોમૅન્સ” અને “નૉવેલ”ના નમૂનાના મિશ્રણથી ઉત્પન્ન થઈ છે. “રોમૅન્સ”માંના અમાનુષતાના કે અલૌકિક ચમત્કારના અંશ ગુજરાતી નવલકથામાં આવ્યા નથી, પણ ઐતિહાસિક કથાની રીત અદ્ભુત વૃત્તાંત દર્શાવવાનો “રોમૅન્સ”નો પ્રકાર ગુજરાતી નવલકથામાં દાખલ થયો છે. વર્તમાન સમયના સાંસારિક લોકજીવનનું ચિત્ર અને ચાલતી જાહેર સવાલોની ચર્ચા એ “નૉવેલ”ના અંશ પણ ગુજરાતી નવલકથામાં લેવામાં આવ્યા છે. કેટલીક વિશિષ્ટ કૃતિઓ સિવાય નવલકથાસાહિત્યમાં ઐતિહાસિક અંશ ઓછો થયો છે, અને સાંસારિક અંશ વધ્યો છે. નવલકથાસાહિત્યનો વિકાસ શક્ય છે અને આવશ્યક છે, પણ એ કાર્ય કરનારા લેખકોનું બાહુલ્ય ગુજરાતી ભાષામાં નથી. ઐતિહાસિક કથાની રીત માટે ઇતિહાસનો બહોળો અભ્યાસ આવશ્યક છે, અને સાંસારિક લોકજીવનના ચિત્ર માટે કલ્પનાશીલતાની આવશ્યકતા છે, તથા સાંસારિક જીવનમાંથી નવલકથામાં દાખલ કરી કાયમ રાખવાના અંશો ચૂંટી કાઢવામાં નિપુણતા તથા તે ઉપર તત્ત્વાન્વેષણની દૃષ્ટિ નાખવાની શક્તિ આવશ્યક છે. એ સર્વમાં અદ્ભુતતા તથા કુશળ વસ્તુસંકલના અને ભાવનામયતા આવશ્યક છે. સાંસારિક લોકજીવનના ચિત્રમાં વર્તમાન પ્રશ્નો સૂચવવાનો તથા તેનું પૃથક્કરણ કરવાનો પ્રયાસ આવવો જોઈએ, અને એ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ આવવો જોઈએ. અદ્ભુતતા માટે તો કહેવું જોઈએ કે ગુજરાતી પ્રજાના જીવનમાં અદ્ભુતતા ઝાઝી રહી નથી; અને હિંદુસ્તાનના સામાન્ય જીવનમાં પણ તે રહી નથી. મેં એક પ્રસંગે કહ્યાં હતાં તે વચનો અહીં ઉતારી કહીશું કે ‘હિંદુસ્તાનમાંથી જંગલો કપાઈ ગયાં છે. પ્રાંતો વચ્ચેનાં યુદ્ધ બંધ થઈ ગયાં છે, પગ રસ્તાની લાંબી મુસાફરીઓ અને વણજારાની પોઠો નાબૂદ થઈ ગઈ છે, તેથી અદ્ભુત વાર્તાઓના પ્રસંગ રહ્યા નથી, તેમજ સાહસ ખાતર અજાણ્યા સમુદ્રોની સફર કરવાને પ્રજાને ટેવ બંધાઈ નથી, અને એ રીતે જીવનવ્યવહારમાં અદ્ભુતતાના અંશ આણી શકાય તેમ નથી.” એક બીજું કારણ કહેવા જેવું એ છે કે પ્રજામાં સમૃદ્ધિ રહી નથી તેથી મોજશોખ, સુખોપભોગ કે જાહોજલાલીને લીધે અદ્ભુત પ્રસંગો ઉત્પન્ન થવાનો અવકાશ નથી. “પણ પ્રજાનું જીવન પ્રબળ ભાવનાઓથી ધબકારા મારી રહ્યું છે. રેલ્વેથી, ટપાલથી, અને વર્તમાનપત્રોથી આખા હિંદુસ્તાનમાં એક નગર પેઠે સંકલ્પોની આપ લે થાય છે. પ્રેમના અને ચારિત્ર્યપ્રભાવના અનેક અવસર ઉત્પન્ન થાય છે ત્યાં નવલકથાની અસાધારણ મોહકતા દર્શાવવા માટે જોઈએ તેટલા પ્રસંગ મળે તેમ છે, અને સિદ્ધાંતો ચર્ચવા માટે જોઈએ તેટલી સામગ્રી મળે તેમ છે.” પરંતુ નવલકથા લખવાના શોખવાળા લેખકોની શક્તિનો વ્યય માસિકોમાં અલ્પ પ્રમાણની અને ટૂંકી વસ્તુની નવલકથા લખવામાં થઈ જાય છે. વિસ્તારી કથા લખવા જેટલો પ્રયાસ કરવાની તથા કલ્પનાપ્રભાવ દોડાવવાની શક્તિવાળો નવલકથાલેખક વર્ગ હજી બંધાયો નથી. “આપણા લેખકોની વૃત્તિ મીમાંસા તરફ જલદી વળી જાય છે, પરંતુ સંસારની અસારતાના અતિશય ચિંતનમાંથી ઘડીભર છૂટા થઈને પણ પંડિતોએ આ કાર્ય હાથમાં લેવા જેવું છે; અને એ હાથમાં લેતાં સંસારની માયા બહુ સારી રીતે દર્શાવી શકાશે એમ તેમને માલૂમ પડશે.” નાની નાની કથાઓ કરતાં વિસ્તારી નવલકથા રચવામાં પરિશ્રમ વધારે કરવો પડે તથા અભ્યાસ વધારે કરવો પડે એ ખરું, પરંતુ પરિશ્રમ તથા અભ્યાસ વિના બીજા વિષય પેઠે સાહિત્યમાં પણ સિદ્ધિ થઈ શકે તેમ નથી. પ્રજા જે જીવન જીવે છે તેનું દર્શન નવલકથા વડે જ પ્રજા સમક્ષ આબેહૂબ ઊભું થઈ શકે તેમ છે અને એ રીતે પ્રજાને પોતાની દૃષ્ટિ અંતર તરફ વાળતાં શીખવાય તેમ છે; આવા પ્રયાસથી બીજો અવાંતર લાભ એ થાય છે કે હાલની નવલકથાના સાહિત્યમાં જે નીરસતા અને અયોગ્યતા છે તે શિષ્ટ નવલકથાલેખક વર્ગના ઉદ્ભવથી આપોઆપ લુપ્ત થઈ જશે. નવલકથાલેખન એ મનોરંજનક વિષય છે, અને સુશિક્ષિત સ્ત્રીપુરુષોમાં ઘણા તે હાથમાં લઈ શકે તેમ છે. તે કાર્ય માટે પ્રજામાં રુચિ અને ઉત્સાહ ઉત્પન્ન કરવાં તે તો આ પરિષદ સરખી પ્રવૃત્તિથી થઈ શકે તેમ છે. લેખક વર્ગમાંથી જે મોટો ભાગ માસિકો માટે કાવ્યો લખવામાં તથા ટૂંકી વાર્તાઓ લખવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરે છે તે લોકજીવનનું ચિત્ર આપી તેમાંથી મર્મ દર્શાવવાનું આ કાર્ય માથે લે તો સાહિત્યની તેમજ પ્રજાની ઘણી સેવા થાય. નાટકમાં કાવ્ય અને નવલકથા બંનેનો સમાવેશ થાય છે. વિવિધ રસની નિષ્પત્તિના નાટકમાં પ્રસંગ આવી શકે છે તેમ જ કળાની આવશ્યકતા તથા શક્યતા નાટકમાં સ્થળે સ્થળે ઉપસ્થિત થાય છે. કવિતામાં અને નવલકથામાં આવતાં મનોરંજક વર્ણન સંક્ષિપ્ત રસમય સારરૂપે નાટકમાં દાખલ થઈ શકે છે. હૃદયગ્રાહી વસ્તુસંકલનાનો નાટકમાં અવકાશ છે. સર્વત્ર કુશળ કળાવિધાન વિના લેખકને સિદ્ધિ મળતી નથી તે કારણથી અથવા વિસ્તારી રચના શ્રમસાધ્ય હોવાના કારણથી હાલ નાટકરચના તરફ ઘણા થોડા લેખકોનું લક્ષ જાય છે. પચાર વર્ષ ઉપર ગુજરાતી ભાષામાં નાટકો લખાવા માંડ્યાં; પણ હાલ તે પ્રવાહ અટકી ગયો છે. રંગભૂમિ ઉપર નાટકો ભજવવાનો પ્રયોગ ઘણો વધ્યો છે તે છતાં શિષ્ટ નાટકોનું સાહિત્ય બહુ જૂજ હોવાથી રંગભૂમિ માટે ખાસ ઉપયોગી થાય એવાં નાટકો લખનારાનો વર્ગ ઉત્પન્ન થયો છે. આ વર્ગને હાથે ઉત્તમ રચના થાય એ શક્ય નથી. રંગભૂમિ ઉપરની પડદા તથા રોશનીની ગોઠવણો, કસરતો, ધડાકા, તથા બીજી યુક્તિઓને અનુકૂળ થાય એવી રચના રચવા તરફ તેમની વૃત્તિ હોય છે. ઉત્તમ લેખકોનાં નાટકોની રચના રંગભૂમિને અનુકૂલ કરવામાં આવે એમ થવાને બદલે ઉત્તમ લેખકો રંગભૂમિની ઉપર કહેલી યુક્તિઓને અનુકૂળ રચનાઓ કરે એમ ઘણીવાર બને છે. સંગીતને રંગભૂમિ ઉપર વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, તથા સર્વ પાત્રો સર્વ પ્રસંગે સંગીતમાં જ ઉચ્ચારણ કરે, અને નાટક તે સંગીતવિદ્યાનો ખેલ (‘ઓપેરા’) હોય એવી માન્યતા થાય છે. આને પરિણામે નાટકની કાવ્યમયતા ગૌણ થઈ જાય છે, અને રંગભૂમિ ઉપર કવિતા તથા અભિનય કરતાં પડદા, દેખાવ, કસરતો, એ વગેરે યુક્તિઓ તથા સંગીત પ્રધાનપણું પામે છે. આ રીતે નાટક તે કવિતા છે એ વાતનું વિસ્મરણ થાય છે, અને અભિનયદ્વારા કવિતા દર્શાવવાને બદલે ચાળા તથા યુક્તિઓ દ્વારા એ કાર્ય થઈ શકે એમ માનવામાં આવે છે. નાટકકારની રસિક કળાને આવે સ્થાને પોષણ મળવાનું શક્ય હોતું નથી. આનો એ જ ઉપાય છે કે શિષ્ટ લેખકો તરફથી નાટકો લખાય અને રંગભૂમિ ઉપર તે ભજવવાની ગોઠવણ શોખ ખાતર ભજવનાર (‘ઍમૅચ્યોર’) વર્ગ તરફથી થાય. આમ થાય તો જ નાટકસાહિત્ય અને રંગભૂમિનો ઉત્કર્ષ થાય. ઉત્તમ પ્રકારનાં નાટકો રચાય અને પડદા, રોશની વગેરે કૃત્રિમ સામગ્રીના બાહુલ્ય વિના તે ભજવાય તથા જ્યાં મનોભાવનો સંગીતમય આવિર્ભાવ યથાયોગ્ય હોય અથવા સંગીતનો ખાસ પ્રસંગ હોય ત્યાં જ નાટકમાં સંગીતનો પ્રયોગ થાયઃ આવી અનુકૂળતા આવી મળે તો નાટકસાહિત્ય તથા રંગભૂમિની ઉન્નતિ થાય અને સંગીતનું ગૌરવ સચવાય. રંગભૂમિ અને નાટકસાહિત્યની ગતિ સમકાલીન હોય છે, અને રંગભૂમિ રસિકતાને અનુકૂળ હોય તે વિના નાટકસાહિત્ય પરિપૂર્ણ સામર્થ્યથી ઉદ્ભૂત થતું નથી. નાટક માટે જે વિશેષ પ્રતિભા આવશ્યક છે તે પ્રયત્ન કરી ઉપજાવી શકાતી નથી, પણ તેના આવિર્ભાવને જે કૃત્રિમ સામગ્રીઓનો અંતરાય નડે છે તે દૂર કરવાથી જ્યાં હોય ત્યાં તેનો વિકાસ થાય એ શક્ય છે. આ માટેની અભિલાષા પ્રગટ કરતાં એ આશા દર્શાવીશું કે અનેક દેશોના સમર્થ નાટકકારોની કૃતિઓનો ઊંડો અભ્યાસ ગુજરાતના વાચકવર્ગમાં ફેલાશે અને જનસ્વભાવપરીક્ષા તથા કલ્પનાના ઉડ્ડયન વડે પાત્રાલેખનની તથા વસ્તુસંકલનાની કળા વિકાસ પામશે. વ્યવહારના અને વાતચીતના સામાન્ય પ્રસંગો ઊંડા હૃદયાન્વેષણ વિના લઘુભાર કથામાં દાખલ કરવાનો હાલના યુરોપના નાટકસાહિત્યનો ધ્વનિ ગુજરાતીમાં આણવાનો કેટલોક પ્રયાસ થાય છે. પરંતુ, સર્વાનુભવરસિક કવિતાની ગહનતા યથાર્થ રીતે દર્શાવનારું સાહિત્ય થાય તે પછી એવા લઘુભાર સાહિત્યનો અવકાશ આવે. હાલ તો પાત્રોના સ્વભાવનાં સૂક્ષ્મ પૃથક્કરણ તથા અન્વેષણ કરનારાં નાટકોના સાહિત્યની આવશ્યકતા છે. અમુક જાતનાં મનુષ્યસ્વભાવ વિધવિધ પ્રસંગો આવતાં કેવાં પરિવર્તન પામે છે, જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા રસની નિષ્પત્તિ વેળા જુદા જુદા મનુષ્યો કેવી વૃત્તિમાં આવે છે, કેવાં વચન ઉચ્ચારે છે અને કેવાં આચરણ આચરે છે, એ સૂક્ષ્મ પરીક્ષા કરવાની અને પ્રકટ કરવાની શક્તિ ખીલે નહિ ત્યાં સુધી નાટકસાહિત્ય સામર્થ્યહીન રહે છે, અને એવા સામર્થ્યનો ઉલ્લાસ થતાં પહેલાં નાટકકારો એ શક્તિ અજમાવવાનો પ્રયાસ છોડી લઈ લઘુભાર રચનામાં પ્રવૃત્ત થાય તો નાટક સાહિત્યનો ઉદય શક્ય નથી. નિબંધનું સાહિત્ય રચવાનો આરંભ કવિ નર્મદાશંકરે કરેલો. તે પછી નિબંધનું સાહિત્ય કંઈક આગળ વધ્યું છે. પરંતુ જેવી સુદૃઢ, સુઘટિત તથા મધુર શૈલીવાળું ગદ્ય સામર્થ્યવાન થાય તેમ છે તેવું ગદ્ય ગુજરાતી ભાષામાં હજી બંધાયું નથી. પ્રૌઢ, સુંદર ગદ્યશૈલી માટે ઇતિહાસ બહોળા સાહિત્યની આવશ્યકતા છે. એમ જણાય છે કે ઇતિહાસ લખવાનો શોખ ગુજરાતી લેખકોમાં હજી જામ્યો નથી. ઐતિહાસિક વૃત્તિ ઉત્પન્ન થાય એવું ઇતિહાસવાંચન ગુજરાતી પ્રજામાં ફેલાવો પામ્યું નથી. ઇતિહાસના સાહિત્યમાં જીવનચરિત્રનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષામાં થોડા ઇતિહાસ લખાયા છે અને ઘણાં થોડાં જીવનચરિત્ર લખાયાં છે. ઇતિહાસ તરફની આ બેદરકારી શોચનીય છે. ઇતિહાસ તથા જીવનચરિત્ર સારુ કરવાની શોધખોળ તથા સામગ્રીસંગ્રહ માટે બહુ ઓછા પ્રયાસ થાય છે. એ શોધખોળ માટે વિશાળ ક્ષેત્ર છે. પરંતુ કોઈ પ્રકારના આલસ્યથી આપણે અનૈતિહાસિકતામાં બંધાઈ રહીએ છીએ. જે પ્રજાત્વની ભાવના દેશમાં સ્ફુરાયમાન થઈ રહી છે તે પણ ઐતિહાસિક વૃત્તિને ઉત્તેજિત કરતી નથી. બીજાઓના લખેલા ઇતિહાસોના ભાષાંતરવડે આપણે ચલાવી લઈએ અને તેમાંથી ઇતિહાસની સામગ્રી વીણી કાઢી સંતોષ માનીએ, એ આપણી આકાંક્ષાનું અલ્પ પ્રમાણ દર્શાવે છે. માત્ર નિશાળોમાં શીખવવાના શાળોપયોગી અને બાળોપયોગી ઇતિહાસ રચાય તેનું કંઈ બહુ મહત્ત્વ નથી. આપણા દેશનાં અને આપણી પ્રજાનાં ઇતિહાસ તથા જીવનચરિત્ર આપણે હાથે આપણી ભાષામાં લખવાં જોઈએ. આપણા ઇતિહાસનાં સાધનો આપણે શ્રમ કરી સાધ્ય કરવાં જોઈએ. આપણા પ્રજાજીવનની જૂના કાળની હકીકત આપણે યથાર્થ રીતે ચીતરવી જોઈએ એટલું જ નહિ, પણ ઇતિહાસ અને જીવનચરિત્રના ક્ષેત્રમાં આપણે આગળ પગલાં ભરી બીજા દેશોના ઇતિહાસ રચવા તરફ પ્રવૃત્તિ કરવી જોઈએ. આપણાં દેશનાં મહાન સ્ત્રીપુરુષોની જીવનકથામાં રહેલું પ્રજાત્વ આપણે પ્રદર્શિત કરીશું નહિ તો એ કાર્ય બીજું કોણ કરશે? હિંદુસ્તાનની પ્રજામાં ઐતિહાસિક વૃત્તિ મંદ છે એમ કહેવામાં આવ્યું છે તેનો રદિયો ઘણા પ્રાંતોએ ઇતિહાસના ગ્રંથો રચી આપ્યો છે, પણ ગુજરાતમાં એવા પ્રયત્ન થવાનાં ચિહ્ન જણાતાં નથી. ઇતિહાસરચનામાં માત્ર તવારીખ આપવાનું નથી હોતું, પણ રાજકીય ક્રાંતિ સમાજજીવનની ઘટના તથા ભાષાનો ક્રમ મૂળમાંથી દર્શાવવાનાં હોય છે, અને તેમાંથી ફલિત થતું તત્ત્વજ્ઞાન સૂચવવાનું હોય છે. મેકૉલે કહે છે તેમ ઇતિહાસમાં કવિતા આવે છે તેમ જ ફીલસુફી આવે છે, વિશિષ્ટતાવાળા તથા દૂર પહોંચતા પરિણામવાળા બનાવોનાં વર્ણનમાં રસિકતા ઉદ્ભૂત કરવાનો પ્રસંગ હોય છે અને બનાવોના અને તેમનાં કારણો તથા પરિણામના વર્ણનમાં તત્ત્વમીમાંસાનો પ્રસંગ આવે છે. જનસમાજમાં પ્રવર્તેલા રિવાજ, પ્રજાનું સાહિત્ય, દેશમાં ફેલાયેલા ધર્મ, દેશની કારીગરી, ઉદ્યોગ, વેપાર, એ સર્વનું ચિત્ર કાઢવામાં કલ્પનાવ્યાપારની સહાયતાથી વીખરાયેલા દૃષ્ટિબિંદુઓને એકત્રિત કરી શકાય છે. આ સર્વ કાર્ય ગંભીરતાથી કરવાનું માથે લેનારા ઇતિહાસલેખકો ઉદ્ભૂત થાય ત્યારે ઉચ્ચ પ્રકારનું ગદ્ય ભાષામાં લખાય અને ઉત્તમ શૈલીનો ભંડાર ભરાય. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, એ વગેરે વિષયોનું સાહિત્ય ગુજરાતી ભાષામાં છે જ નહિ. એ ખોટ ચાર પાંચ ભાષાંતરોથી પુરાય તેમ નથી. એ શાસ્ત્રના અભ્યાસમાં નિપુણ પંડિતો તરફથી નવા મૌલિક (‘ઓરિજીનલ’) ગ્રંથો એ વિષયના રચાય ત્યારે એ સંબંધી સાહિત્ય થવા માંડે અને એ વિષયના વિચાર તરફ લક્ષ જતાં નવા વિચાર પ્રદર્શિત કરવાની વૃત્તિ થવા માંડે. જાહેરજીવનના પ્રસંગોમાં આ વિષયોની છૂટક ઉપલકિયા ચર્ચા કરવા આપણે તત્પર રહીએ છીએ, પરંતુ આ વિષયોનો શાસ્ત્રીય અભ્યાસ કરવાનો શ્રમ લેવાની ઇચ્છા આપણામાં વિદ્યમાન નથી. એ વિષયોના નાના નિબંધ હજી લખાવા માંડ્યા નથી તો વિસ્તારી પરીક્ષાવાળા ગ્રંથો શ્રમસાધ્ય ગ્રંથો – લખાવાની હાલ શી રીતે આશા રાખી શકીએ! આપણે આ પ્રવૃત્તિથી સર્વથા વિમુક્ત છીએ એટલું કબૂલ કરી આ વિષયોના અભ્યાસપૂર્ણ શિષ્ટ ગ્રંથો લખાશે એવી આશા રાખવામાં જ હાલ તો સંતોષ માની શકાશે. ઇતિહાસ, જીવનચરિત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અને રાજનીતિશાસ્ત્ર, સરખા વિષયો ઉપર પ્રૌઢ ગ્રંથો લખાય; માત્ર તવારીખના ઇતિહાસ સંબંધી નહિ, પણ લોકજીવનનો ઇતિહાસ, ભાષાનો ઇતિહાસ, સાહિત્યનો ઇતિહાસ, ધર્મનો ઇતિહાસ એ વગેરે ઇતિહાસના ગ્રંથો લખાય – તે વિના ગુજરાતી ભાષાનું ગદ્ય સમર્થ, વેગવાન અને વિવિધ વિષયોને પહોંચી વળનારું થવાનું નથી. આધ્યાત્મિક વિષયો સંબંધી, નીતિમીમાંસા સંબંધી, અને તત્ત્વચિંતન સંબંધી મૌલિક ગ્રંથોની પણ અપેક્ષા છે. માત્ર એ વિષયમાં જોખમ એ રહેલું છે કે એવા વિષયોમાં પ્રવેશ કરતાં આપણે આપણી સામાન્ય નિર્વેદવૃત્તિમાં પડી જઈએ, અને “સંસાર માયા છે”, “નસીબ બળવાન છે”, એવાં નિર્જીવ વાક્યોની શુષ્ક પુનરુક્તિમાં ખેંચાઈ જઈ એ તો આ વિષયોમાં કાંઈ મીમાંસા થાય નહિ અને નવું સાહિત્ય રચાય નહિ. આપણે હિમ્મતથી એ ભયની સામે થઈ શકીએ, અને જીવન જીવવાનું છે તો તે સફળતાથી જીવી શકીએ, અને જેટલા ગર્ત આવે તેટલાની પાર જઈ શકીએ, એવી સબળ દૃઢતા ધારણ કરી શકીએ ત્યાં સુધી આપણે ઉત્કર્ષને માર્ગે ક્રમણ કરી શકીએ એમ નથી. એ લક્ષમાં રાખીશું તો નિરાશાવાદમાં ડૂબી જતા બચીશું. જ્ઞાનના જે વિષયો છે તે સર્વમાં પ્રગતિ કરનારા સાહિત્યની આવશ્યકતા છે. વિજ્ઞાન, ગણિત, વ્યાકરણ એ વિષયના ગ્રંથો માત્ર બાળોપયોગી કે શાળોપયોગી નહિ તેમ જ ભાષાંતરમય નહિ પણ મૌલિક કૃતિના અને વિસ્તારવાળા લખાવાની જરૂર છે. એવું સાહિત્ય હજી થવા માંડ્યું નથી, પરંતુ, તે થવા માંડશે ત્યારે આપણામાં જાગૃતિ આવી છે એવી ખાતરી થશે. પંડિતો આ સંબંધી વિચાર કરવા માંડશે ત્યાર પછી તેમના વિચારનું સાહિત્ય લખાશે. ગુજરાતી ભાષાનો વિસ્તારી કોશ રચવાની પરમ આવશ્યકતા સર્વમાન્ય છે, છતાં એ કામ હજી અધૂરું છે. નર્મદાશંકરે એકલે હાથે એ વિષયમાં ભારે પ્રયાસ કરેલો તે પછી એટલા આગ્રહથી બીજા કોઈએ એ કામ ઘણા વખત સુધી ઉપાડી લીધું નહિ એ ખેદજનક છે. રા.રા. લલ્લુભાઈ ગોકળદાસ પટેલે અને રા.રા. જીવનલાલ અમરશીએ એ ધોરણે ગુજરાતી કોશ બહાર પાડેલા છે અને ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીનો મહાન પ્રયાસ હજી ચાલુ છે. અધૂરી સામગ્રીના કોશથી હવે ચાલે તેમ નથી. અનેક વિદ્વાનો તરફથી જાતજાતના કોશ રચાશે ત્યારે આ મોટું કાર્ય આગળ વધશે. ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોના અને જુદા જુદા ધંધાના ખાસ શબ્દોવાળો વ્યુત્પત્તિ સાથેનો તથા શબ્દોના ઉપયોગનાં ઉદાહરણ દર્શાવનારા ઉતારા સાથેનો સચિત્ર કોશ રચાય, અને સંસ્કૃત, ફારસી, બંગાળી, હિંદી, મરાઠી વગેરે ભાષાઓમાંના સમાનાર્થ શબ્દો તેમાં દર્શાવવામાં આવેઃ એ કાર્ય હવે થોડા સમયમાં સિદ્ધ થશે એમ કહીએ તો આપણે અત્યાશાન્વિત ગણાઈશું નહિ. હિંદુસ્તાનના બીજા પ્રાંતોની ભાષા તથા તેના સાહિત્ય વિષેનો પરિચય મેળવ્યા વિના વ્યક્તિની કેળવણી અધૂરી રહે છે. એ ભાવ ઉત્પન્ન થશે ત્યારે બીજા પ્રાંતોની ભાષાની તથા તેના સાહિત્યની ગુજરાતી ભાષા ઉપર કેવી અસર થઈ શકે તેમ છે એ સાક્ષાત્કાર થશે. ગુજરાતી ભાષામાં પુસ્તકો લખાવા માંડ્યાં તે પહેલાં હિંદુસ્તાનના બીજા પ્રાંતોની પેઠે ગુજરાતમાં પણ વિદ્વાનો વ્રજ ભાષામાં પુસ્તકો લખતા એ પ્રથા હવે જતી રહી છે. પણ વ્રજભાષાથી ગુજરાતી ભાષા ઉપર તથા ગુજરાતી સાહિત્ય ઉપર પડેલા સંસ્કાર હજી કાયમ છે. એ લક્ષમાં લેતાં વ્રજભાષાનો અને તે પછી થયેલી હિંદી ભાષાનો પરિચય ગુજરાતી ભાષાનું બંધારણ સમજવા માટે તથા ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સમજવા માટે કેવો આવશ્યક છે તેનો સાક્ષાત્કાર ત્યારે થશે. આથી કાંઈક ઓછે દરજ્જે મરાઠી ભાષા ગુજરાતી ભાષા સાથે સંપર્કમાં આવી છે. ગુજરાતમાં પેશ્વાનું રાજ્ય રહ્યું તે દરમ્યાન ઘણા મરાઠી શબ્દો સાધારણ વ્યવહારમાં અને ખાસ કરી રાજ્યતંત્રના વ્યવહારમાં પ્રચલિત થયા, અને વડોદરામાં ગાયકવાડનું રાજ્ય સ્થપાયા પછી મરાઠી ભાષાનો ને મરાઠી સાહિત્યનો સંસર્ગ ગુજરાતના લોકોને વિશેષ થયો. હિંદી અને મરાઠીનો પરિચય હાલના જમાનામાં ગુજરાતમાં પ્રવર્તમાન નથી. હવે બંગાળી સાહિત્યનો પરિચય ગુજરાતના વાચકોને વિશેષ થવા લાગ્યો છે. એ ભાષાઓનો પરિચય આ સ્થિતિને લીધે ઉપયોગી છે. તેમ જ સમસ્ત ભારતવર્ષમાં વસતા લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય દરેક પ્રાંતનાં સુજ્ઞ જનોએ સારી રીતે જાણવું જોઈએ. તે વિના ભારતવર્ષના જીવનથી તેઓ ઘણા વાકેફગાર રહે, અને સમસ્ત દેશનું જીવન જીવી શકે નહિ. એ કારણથી પણ એ જરૂરનું છે કે હિંદુસ્તાનમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં તથા તેમાંના સાહિત્યમાં ગુજરાતના વિદ્વાનો નિપુણ હોવા જોઈએ. ગદ્યસાહિત્યમાં કયા કયા વિવિધ વિષયો ગુજરાતી ભાષામાં ખીલવવા જોઈએ તે વિષે ઉપર કેટલીક સૂચનાઓ કરી છે. પરંતુ, પદ્યસાહિત્ય માટે એવી સૂચના કરી નથી; આનું કારણ સુગમ છે. પદ્યસાહિત્યમાં મુખ્ય ભાગ તે કવિતા છે, અને કવિતામાં લાગણી અને ભાવના આવિર્ભાવના લેખ લખાય છે. એક વેળા પદ્યમાં ઇતિહાસ, ભૂગોળ, વગેરે રચવામાં આવતાં, પણ તે સમય હવે ગયો છે. સ્મૃતિને મદદ કરવા માટે પણ એવા વિષયો હવે પદ્યમાં રચાતા નથી.

“ઈરાન, હિંદુસ્તાન ને, સિયામ, અર્બસ્તાનઃ
બ્રહ્મ, ચીન, જાપાન ને રુશિયા, તુર્કસ્તાન.”
“કહું મરાઠારાય, શિવાજી ને સંભાજી;
વળતા રાજારામ, પછીથી થયો શિવાજી.”
“એ. બી. સી. ડી. ઈ. એફ. જી. એચ. આઇ. જે. જાણ;
કે. એલ. ને એમ. પછી એન. ઓ. પી. ક્યુ. આણ.
આર. એસ. ટી. યુ. વી. ને, ડબલ્યુ. વળતી એક્ષ;
વાઇ. ઝેડ. મૂળાક્ષરો અંગ્રેજી આ પેખ.”

એવી રચના હવે પદ્યમાં થતી નથી. તેમ જ જ્ઞાન, ઉપદેશ અને તત્ત્વચિંતનનાં પદ્ય બહુધા રચાતાં નથી. કવિતાનો પ્રધાન હેતુ તે આનંદ છે, અને પ્રત્યક્ષ રીતે શિક્ષક પેઠે કે ભાષણકર્તા પેઠે બોધ આપવો તે કવિતાનું કામ નથી એ બહુધા સર્વત્ર સ્વીકાર થયો છે.

બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઊભા નવ રહીએ;
હૂંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએ જીરે.

એવાં ઉપદેશનાં પદો હવે બહુધા રચાતાં નથી. તત્ત્વચિંતન અમૂર્તરૂપે હજી પદ્યમાં લખાય છે, પરંતુ કવિતામાં લાગણી અને ભાવનું પ્રાધાન્ય હોવું જોઈએ એ ભાવના સર્વમાન્ય થાય છે એમ જણાય છે. લાગણી અને ભાવ એ કવિની સ્વયંભૂ ઊર્મિનો વિષય છે. તેથી કવિતામાં શું લખાવું જોઈએ તેનું વિવેચન થઈ શકે તેમ નથી. કયા વિષયો કવિત્વને યોગ્ય નથી એટલો જ નિર્દેશ થઈ શકે એમ છે. આ સંબંધમાં અહીં એટલું જ કહીશું કે વીરરસ કવિતામાં દાખલ કરવા જે પ્રયાસ નર્મદાશંકરે કરેલા તે તેમના પછી ભીમરાવ ભોળાનાથ તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવ સિવાય બીજા કોઈએ કર્યા નથી. તેથી ગુજરાતી કાવ્યસાહિત્યમાં વીરરસની અપેક્ષા છે, અને તે રસ પણ ખીલવવો જોઈએ, એટલું કહેવું અપ્રાસંગિક નથી. વીરરસ સાથે દેશ ભક્તિનાં કાવ્યો પણ નર્મદાશંકરે અને ભીમરાવ ભોળાનાથે તથા હરિલાલ હર્ષદરાય ધ્રુવે લખેલાં તે પણ કવિવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરીશું કે એ વિષેની વિસ્મૃતિ ન થાય. સાહિત્યમાં જેવો સમાવેશ થઈ શકે એવા અનેક વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મુકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે તેમ–

हेम्नः संलक्ष्यते ह्यग्नौ विशुद्धिः श्यामिकापि वा ।

સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.

દોષૈકદર્શન એ વિવેચનનું કાર્ય નથી; પરંતુ કૃતિમાંના ગુણ અને દોષ જુદા પાડવા કૃતિમં કયા ગુણ છે અને કયા દોષ છે તેને ખોળી કાઢી રજૂ કરવા, કૃતિની ખૂબીઓ તેમજ ખામીઓ દર્શાવવી, અને કૃતિનું સમસ્ત સ્વરૂપ લક્ષમાં લઈ તેની તુલના કરવી, એ વિવેચનનું કાર્ય છે. આવા વિવેચનસાહિત્યની ગુજરાતી ભાષામાં ખોટ છે. તેનું કારણ કે વાચકોના તેમજ લેખકોના લક્ષમાં વિવેચનનું મહત્ત્વ ઊતર્યું નથી. ગ્રંથોની યથાયોગ્ય તુલના થાય તે લેખકોને લાભપ્રદ છે. તેમ જ વાચકોને લાભપ્રદ છે. એવી તુલના વિના સાહિત્યમાં સુસ્થતા આવતી નથી, પોતાની કૃતિની કિંમત લેખકોને સમજાતી નથી, તેમ જ લેખકોની કૃતિઓની કિંમત શી રીતે આંકવી તેનું માર્ગદર્શન વાચકોને મળતું નથી. આ કાર્ય કરવાનું માથે લેનાર વિવેચકની જવાબદારી ભારે છે. બે પ્રશંસાનાં વચન અને બે દોષદર્શનનાં વચન કહ્યાથી એ કાર્ય સિદ્ધ થતું નથી. વિવેચક પોતે બહુશ્રુત હોવા જોઈએ. અને પોતાના અભ્યાસનો લાભ વાચકોને મળે એવી રીતે તેણે પ્રવૃત્તિ કરવી જોઈએ. વિવેચનસાહિત્યના સુપ્રખ્યાત વર્તમાન ઇતિહાસલેખક તથા સાહિત્યપરીક્ષાના ધોરણે પ્રવીણ લેખક મિ. જ્યોર્જ સેઇન્ટ્સ્બરી વિવેચકની યોગ્યતા માટે આ પ્રમાણે માર્ગ દર્શાવે છે.

“સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચક વાંચવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. વિવેચક જો કોઈ સમયનું સાહિત્ય વાંચવાનું મૂકી દે, ગમે એટલા નાના પણ વાસ્તવિક મહત્ત્વના કોઈ લેખકની કૃતિઓ વાંચવાનું મૂકી દે તો તે વિવેચક પોતાનું દૃષ્ટિબિંદુ સુસ્થતામાંથી ખસેડી દે એ જોખમ રહે છે. બીજા સાહિત્યની ગણના કરવાનું વિવેચક ધ્યાનમાં ન રાખે તો તો તેની સ્થિતિ એવા જ જોખમમાં આવેલી થાય. વળી વિવેચકે નિરંતર પુસ્તકો, લેખકો અને સાહિત્યની સરખામણી કરવી જોઈએ કે એ સર્વમાં શો તફાવત છે તે તે જોઈ શકે. પણ કોઈમાં બીજાના અંશ નથી માટે તેની તરફ અરુચિ થાય એ હેતુથી એ કાર્ય તેણે કરવું ન જોઈએ, અને વળી કોઈ પુસ્તક જોયા સિવાય તેમાં શું આપવું જોઈએ એનો ખ્યાલ તેણે બનતાં સુધી મનમાં બાંધવો ન જોઈએ. અર્થાત્ જે પટ ઉપર તે છબી પાડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવો જોઈએ, અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ, પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ પણ રેખા, છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”
(‘હિસ્ટરી ઑફ ક્રીટીસીઝમ’)

ગ્રંથની પરીક્ષા સંબંધમાં “નિયમો” અને “સિદ્ધાંતો” એવો ભેદ કરવામાં આવે છે. “નિયમો” વસ્તુ, છંદ, ભાષા અને શૈલી જેવી ઓછા મહત્ત્વની બાબતો વિષે હોય છે અને “સિદ્ધાંતો” મુદ્દાની બાબતો વિષે હોય છે. એટલે સમસ્ત કૃતિથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે, તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા સિદ્ધાંતો વિષેની છે. વિવેચનમાં “નિયમ” ગૌણ છે અને “સિદ્ધાંતો” મુખ્ય છે તથા વિચારમાં લેવા યોગ્ય છે, એમ કેટલાકનું કહેવું છે. નિયમોથી ગુણદોષનું દર્શન થાય છે, પણ જમાના બદલાતાં તેનું મહત્ત્વ બદલાય છે. પરંતુ સિદ્ધાંતો મનુષ્યના મનને લગતા હોવાથી સર્વકાળમાં એના એ રહે છે, એમ કેટલાકનું માનવું છે. નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે. પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે, અને જમાને જમાને રુચિઓ બદલાય, પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ, એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદાહરણાર્થે, કોઈ શબ્દ કે વિચારની પુનરુક્તિ ન થવી જોઈએ એવો નિયમ છે. પરંતુ કેટલેક પ્રસંગે શબ્દ તથા વિચારની પુનરુક્તિનો સંભવ રહે છે, અને તે પુનરુક્તિ વિના ન્યૂનતા જણાય છે. આવા પ્રસંગમાં નિર્ણાયક વાત એ છે કે બીજા શબ્દ કે વિચારની ખામીને લીધે અથવા વિનાપ્રયોજન પુનરુક્તિ થવી ન જોઈએ એટલે અંશે એ નિયમ માન્ય રાખવા જોગ છે. રસિકતાનાં ધોરણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણા કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ; અને અનુસરણથી કૃતિમાં સત્ત્વ આવતું નથી એ મોટી વાત ભૂલી ન જવી જોઈએ, સત્ત્વ તો લેખકના મનમાં રહેલી ભાવના વડે સિદ્ધ થાય છે. પણ ભાવનાનો પ્રકાર ઉત્તમ હોય ત્યાં નિયમોમાં કહેલી રીતિથી વિરોધી માર્ગ ગ્રહણ થતો નથી તથા નિયમોમાં પરિહાર્ય કહેલા દોષ દૂર રહે છે એ મનોવ્યાપાર ભૂલી જવો ન જોઈએ. વળી ગ્રંથમાં જોવાની મુખ્ય વસ્તુ તે તેનું વક્તવ્ય છે. એ વક્તવ્ય પ્રદર્શિત કરવાની રીત તે એટલી બધી પ્રધાન નથી. પરંતુ વક્તવ્ય પ્રદર્શિત કરવાની રીતે એ લેખકની કળાનું પરિણામ છે; અને લેખકની કળા અરુચિકર હોય તો વાંચનાર ઉપર અસર થઈ શકતી નથી. આ રીતનો બહોળો અર્થ લેતાં પ્લેટોએ એ ધોરણ ગ્રહણ કરેલું કે વસ્તુનું પ્રતિપાદન નીતિમય હોય તે સિવાય તેમાં ઉત્તમતા હોઈ શકે નહિ, તથા જ્યાં રીતિમાં ન્યૂનતા હોય ત્યાં વિચારમાં અને સલ્લક્ષણમાં ન્યૂનતા હોવી જોઈએ. વિવેચનના સ્વરૂપ અને હેતુ વિષે એમ કાંઈક દિગ્દર્શન કર્યા પછી ગુજરાતી સાહિત્યમાં વિવેચનસંપત્તિ કેટલી છે તે વિચારમાં લઈશું. નવલરામે વિવેચનસાહિત્ય ઉત્પન્ન કરવા માંડ્યું ત્યાર પછી તે બંધાયું. પરંતુ હાલ વિવેચનસાહિત્ય બહુધા દેખા દેતું નથી. એક વેળા એવો સમય હતો કે માસિક અને ત્રૈમાસિક પત્રો વિવેચનકાર્ય એ પોતાની ફરજ ગણતાં; અને એ રીતે કેટલુંક વિવેચનકાર્ય થયું છે. પરંતુ એ માર્ગનું પણ ઝાઝું અનુસરણ હવે થતું નથી. આનું કારણ ખોળતાં કદાચ એ કલ્પના થશે કે ગુજરાતના લેખકોને વિવેચનની બહુ કદર નથી. પરંતુ આ વિચાર એક પક્ષે જ ખરો છે. પ્રશંસામય વિવેચનની ઘણી કદર થાય છે તે પુસ્તકો માટે અભિપ્રાય (અર્થાત્ પ્રશંસામય અભિપ્રાય) માટે ઘણી માગણીઓ થાય છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રશંસામય વિવેચન માટે સાધારણ રીતે ઉત્સુકતા પ્રવર્તમાન છે. પણ અપ્રશંસામય વિવેચન તરફ અણગમો સાધારણ છે; અને માત્ર લેખકો આ નિર્બળતાને વશ છે એમ નથી, પણ વાચકવર્ગમાં જે લેખક તરફ રુચિ ઉત્પન્ન થઈ હોય તેનાં હદપાર વખાણ વાચકોને પસંદ પડે છે, અને તેના દોષ અથવા ન્યૂનતા દર્શાવનાર ટીકા તરફ વાચકવર્ગને બેદરકારી હોય છે. વાચકવર્ગની નિર્મર્યાદ પ્રશંસાની અસર લેખકો ઉપર પણ થાય છે અને માત્ર પોતાની પ્રશંસા હોય એવાં વિવેચનની તેઓ આશા રાખે છે, અને લેખકની કૃતિમાં રહેલ દોષ દર્શાવ્યા હોય એવું વિવેચન લેખકનું અપમાન કરે છે એમ વાચકવર્ગ માને છે, અને તેને લીધે લેખકવર્ગ પણ એવી માન્યતાની ભૂલમાં પડે છે. આનું એક પરિણામ એ થયું છે કે અમુક વર્ગ, કોમ, કે જાતિ લેખનકળામાં પછાત હોય તો વિવેચકોએ તેમના લેખમાંના દોષ દર્શાવવા નહિ પણ ગુણ જ દર્શાવવા એ એવા લેખકોને ઉત્તેજન આપવાનો માર્ગ છે એમ કહેવામાં આવે છે. એવા લેખકોને સુસ્થ માર્ગે મૂકવા સારુ તેમની કૃતિની યથાર્થ પરીક્ષા કરવી જોઈએ; અને એ જ તેમને ઉત્તેજન આપવાનો ખરો માર્ગ છે એ મોટી વાત ઘણી વેળા ધ્યાનમાં આવતી નથી. લેખકની કૃતિમાંના દોષ દર્શાવવા તેનો અર્થ એ નથી કે લેખક દુષ્ટ છે અથવા મૂર્ખ છે એમ કહેવું, પણ જ્યાં ગુણ હોય ત્યાં તે પ્રકટ કરવા નહિ એ જેમ વિવેચનના કાર્યમાં અયોગ્ય છે, તેમ દોષને રૂપે પ્રકટ કરવા નહિ, દોષ ઉપર ધ્યાન ખેંચવું નહિ એ પણ અયોગ્ય છે; અને લેખકોના દોષનું દર્શન સહન કરવાની વાચકવર્ગમાં તેમ જ લેખકવર્ગમાં શક્તિ આવશે નહિ ત્યાં સુધી વિવેચનસાહિત્ય સુદૃઢતાથી બંધાશે નહિ. જેમ દોષદર્શન હદપાર જવું જોઈએ નહિ તેમ ગુણદર્શન પણ હદપાર જવું જોઈએ નહિ. ગુણ હોય ત્યાં તેના કથન ઉપરાંત વિવેચક પોતાનું સમતોલપણું ખોઈ બેસે અને લેખકની અત્યુક્તિભરેલી પ્રશંસા કરે તેથી પણ મર્યાદાના અવધિનો ભંગ થાય છે અને વિવેચકની કિંમત નષ્ટ થાય છે. હાલ આપણા સાહિત્યમાં લેખકોમાં ગુણદોષની પરીક્ષા આ રીતે સમતોલપણા વગરની થાય છે. એથી યથાર્થ વિવેચનસાહિત્યની પ્રજામાં કિંમત નથી. યથાર્થ વિવેચન વિના કૃતિ કસોટીમાં ઊતરી શકતી નથી. અને સુવર્ણને અગ્નિમાં નાખી કરવાની ગ્રંથકારની પરીક્ષા, જે કાળિદાસે આવશ્યક કહી છે, તેનો અમલ થતો નથી. ત્રૈમાસિક અને માસિક પત્રોની વિવેચન સંબંધે જે ખાસ ફરજો છે તે અદા કરવાને તેઓ ચૂકશે નહિ, અને ગુણદોષનું કથન નિષ્પક્ષપાત રીતે તથા કુશળતાથી તેઓ કરશે, અને અતિપ્રશંસાના અથવા દોષૈકદૃષ્ટિના ભ્રમમાં ન પડતાં તેઓ વિવેકથી તથા ડહાપણથી ગ્રંથપરીક્ષા કરશે અને એ રીતે વિવેચનસાહિત્ય બાંધવામાં સહાયભૂત થશે એવી આશા રાખીશું. માસિક પત્રો અને ત્રિમાસિક પત્રો વિષે કરેલા ઉલ્લેખથી પત્રોના વિકાસ વિષે સૂચન કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સદ્ગત હાજી મહમદ અલ્લારખિયાએ ઉચ્ચ પ્રકારનું સચિત્ર માસિક કાઢી જે માર્ગ ખુલ્લો કર્યો તે માર્ગનું અનુસરણ હજી સુધી ચાલુ છે એ આનંદજનક છે. માસિકોમાં અને ત્રૈમાસિકોમાં વાર્તા તથા વિવેચન ઉપરાંત સામાન્ય જ્ઞાનના લેખનો સમાવેશ થવો જોઈએ અને એ રીતે તેમની ઉપયોગિતા અનેક પ્રકારની થવી જોઈએ એટલું કહીશું તો બસ છે. ગુજરાતી ભાષા બોલનાર વિવિધ કોમો ગુજરાતી સાહિત્યની ઉન્નતિના કાર્યમાં સામેલ થવા ઇંતેજાર છે એ સંતોષજનક છે. જૈન, પારસી, મુસલમાન, સર્વ કોમો સાહિત્યસેવામાં પોતાનું સાહિત્ય રજૂ કરે છે, અને એ સર્વના સંમિલનથી ગુજરાતના વિસ્તાર તથા મહત્ત્વનું દર્શન થાય છે. આ બાબતમાં એક સાવચેતી ધ્યાનમાં લેવાની જરૂર છે; અને તે એ છે કે જુદી જુદી કોમો વચ્ચેનો ભેદ આગળ કરવો ન જોઈએ, પણ સર્વ એક ભાષા બોલનાર છે એ કારણથી ઊપજતું ઐક્ય આગળ કરવું જોઈએ. આ માટે જ્યાં ધર્મનો ભેદ છે ત્યાં જુદી જુદી કોમના ધર્મનું સાહિત્ય બાજુ ઉપર રાખી જે સાહિત્યમાં બધી કોમોનો રસ પડે તેમ હોય તેને પ્રધાનપણું આપવું જોઈએ. દરેક કોમોના લેખકોએ પોતાની કોમના સાહિત્યમાં ગુજરાતી વાચકને રુચિ ઉત્પન્ન કરનારા અંશો કયા કયા છે તે ઉપર ખાસ ધ્યાન ખેંચવું જોઈએ. જે કોમના લેખકોની સાહિત્યસેવા સામાન્ય ગુજરાતી વાચકવર્ગની દૃષ્ટિ આગળ રજૂ કરવા જેવી હોય તે લેખકોની કૃતિઓ પર ધ્યાન ખેંચવું અને તેના ગુણદોષ આગળ પાડવા એ તે કોમના લેખકોની ફરજ છે. એ કાર્યમાં ધર્મની વિશેષતા ઉપર ભાર મૂકવો ન જોઈએ, પણ કૃતિની વિશેષતા આગળ કરવી જોઈએ. જૈન તથા મુસલમાન ગુજરાતી લેખકોએ પ્રવર્તમાન ગુજરાતી ભાષા કાયમ રાખી લેખનપ્રવૃત્તિ કરી છે. હાલની ગુજરાતી ભાષાના આરંભકાળથી જૈન લેખકો ગુજરાતી સાહિત્યની સેવામાં હાજર થયા છે, અને ગુજરાતી ભાષા તે પોતાની ભાષા છે એમ માની લઈ પ્રવૃત્ત થયા છે. તેમની એ સેવા માટે ગુજરાત ઋણી છે. એ સેવા તેઓ ચાલુ રાખશે એમ ગુજરાતી પ્રજા આશા રાખે છે. મુસલમાન લેખકોએ પણ ગુજરાતી ભાષાનું મૂળ સ્વરૂપ સ્વીકારેલું છે, અને ગુજરાતી ભાષા છે તેવી જ ઉપયોગમાં લેવા પ્રવૃત્તિ કરી છે. મિ. કરીમઅલી રહીમઅલી નાનજિયાણીનાં પુસ્તકો તથા “હઝરતઅલી (અ. સ.)નાં બોધવચનો” એ નામનું પુસ્તક નવસારીનિવાસી પીરજાદા સૈયદ સદરૂદ્દીન હાલમશા દરગાવાળા તરફથી થોડા વખત ઉપર પ્રકટ થયું છે તે મુસલમાન લેખકોની શુદ્ધ ગુજરાતી ભાષાના નમૂના રૂપ છે. પારસી કોમે ગુજરાતના ઉદ્યોગની તથા સમૃદ્ધિની ભારે સેવા કરી છે અને તેમની તરફથી સાહિત્યની ભારે સેવા થઈ શકે તેમ છે, તો તેમને વીનતી કરવી ઉચિત છે કે પ્રવર્તમાન ગુજરાતી ભાષાનો લેખનપ્રવૃત્તિમાં સ્વીકાર કરી તેમનું સાહિત્ય સમસ્ત ગુજરાતી પ્રજાને ઉપયોગી થાય એવો ઉદ્યોગ તેમણે આદરવો જોઈએ. એ કાર્ય તેમનાથી થઈ શકે તેમ છે, અને મિ. મલબારી, મિ. તાલેયારખા, મિ. ખબરદાર, વગેરે વિશિષ્ટ પારસી લેખકોએ ઉત્તમ ગુજરાતી શૈલીમાં લેખ લખ્યા છે. પારસી લેખકો ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ લખાણ કરવા સમર્થ છે. ગુજરાતી ભાષાનું સામર્થ્ય તેઓ વધારી શકે તેમ છે, તો આ વીનતી અસ્થાને નથી. આ સંબંધે કવિ નર્મદાશંકરનાં વચન લક્ષમાં લેવા યોગ્ય છેઃ

તેની તેની છે ગુજરાત,
પછી હોય ગમે તે જાત.

પૂર્વજ જેના જે વળી આજે જન્મથકી ગુજરાતી વદ્યા
કોઈ રીતથી તો પણ ને વળી આર્યધર્મને રાખી રહ્યા

તેની તેની છે ગુજરાત,
પછી હોય ગમે તે જાત,
તેની તેની છે ગુજરાત.

વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા,
પરધર્મી પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા.

“કોની કોની છે ગુજરાત?
પછી હોય ગમે તે જાત
તેની તેની છે ગુજરાત.”

અંતમાં આપણા સર્વની ભાષા તથા સાહિત્યના ઉત્કર્ષ માટેની અભિલાષા ઈશ્વરકૃપાથી પરિપૂર્ણ થાય એમ આશા દર્શાવી યાચના કરીશું કે विन्देम देवतां वाचममृतामात्मनः कलाम् ।।

* * *