પશ્યન્તી/કાફકાના જગતમાં

From Ekatra Wiki
Revision as of 04:59, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાફકાના જગતમાં| સુરેશ જોષી}} {{Poem2Open}} 3જી જૂન 1924 – મારી નજર સામે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાફકાના જગતમાં

સુરેશ જોષી

3જી જૂન 1924 – મારી નજર સામે આ તારીખ ઝબકી જાય છે. એ છે કાફકાની મૃત્યુતિથિ. ઘણાંબધાં સ્મરણો જાગી ઊઠે છે. હજી આજે પણ મને લાગે છે કે કાફકાનું મૃત્યુ એ, મારો નર્યો અંગત એવો કશોક, શોક છે. કોઈને આ માત્ર લાગણીવેડા લાગશે. પણ લાગણીવેડાથી મુક્ત હોવાનો મારો દાવો નથી. યાદ આવે છે બીજા વિશ્વયુદ્ધના પ્રારમ્ભના દિવસો, મારા કોલેજના અભ્યાસકાળના એ દિવસો દરમિયાન ધોબીતળાવ આગળની એડવર્ડ ટોકીઝની પાસેની ફૂટપાથ પર સૌ પ્રથમ ફ્રાન્ઝ કાફકા સાથે મારું મિલન થયું. ‘ધ ગ્રેટ વોલ ઓવ્ ચાઇના’ નામનું નાનકડું પુસ્તક મેં એના વિલક્ષણ નામથી આકર્ષાઈને એક જૂની ચોપડી વેચનારા પાસેથી ચાર આનામાં ખરીદ્યું. ત્યાર પછી ભાગ્યે જ એવો એકાદ દિવસ ગયો હશે જ્યારે કાફકાનું મને વિસ્મરણ થયું હોય. એ પુસ્તક વાંચતાં એક અદ્ભુત પ્રકારનો રોમાંચ થયો. જે જગતમાં જવા જેવું નહોતું તે જગતનું બારણું ખૂલી ગયું. એક સાથે દુસ્સાહસ, ભય, ખેદ – એવી મિશ્રિત લાગણીનો અનુભવ થયો.

એમાં સૂત્રાત્મક વાક્યોનો સંચય પણ હતો. પણ એ સૂત્રો મનને શાતા આપનારાં નહોતાં. એ વાંચ્યા પછી ખૂબ વિક્ષુબ્ધ થઈ જવાતું. વિચાર કોઈ નવી નિષિદ્ધ કેડીએ વિહરવા નીકળી પડતા. માહિમના સમુદ્રકાંઠે આ સૂત્રો વિશે વિચારતો હું એકાકી બેસી રહેતો. કાફકામાં બહુજન વચ્ચે એકાએક નિર્જનતાભર્યું એકાંત સર્જી આપવાની શક્તિ રહી છે. ત્યારે ગાંધીએ રચેલી આચારસંહિતા, વિવેકાનન્દે નજર સામે આંકી આપેલું લક્ષ્ય – આ બધાંથી અકાળે ગમ્ભીર થઈને ચિન્તકની મુદ્રા સાથે જીવતા હતા. ત્યાં કાફકાએ એક ચોંકાવનારું વાક્ય કહ્યું, ‘ગન્તવ્ય સ્થાન તો છે, પણ ત્યાં પહોંચવાનો રસ્તો નથી; આપણે જેને રસ્તો કહીએ છીએ તે તો આપણી દ્વિધામાત્ર છે.’ અત્યાર સુધી તો શામળની વાર્તાના પાત્રની જેમ જીવતા હતા. રાજકુમાર સ્વપ્નમાં જોયેલી રાજકુમારીને પામવા ઘોડો પૂરપાટ દોડાવી મૂકે તેવી દશા હતી. લક્ષ્ય મનને વિહ્વળ કરી મૂકતું હતું. વળી માર્ગમાં અંતરાયો આવે તથા ઝાડ પર બેઠેલું પંખીનું જોડું સુધ્ધાં માનવવાણીમાં બોલીને મદદ કરશે એવી મોહક શ્રદ્ધા હતી. કાફકાનું આ વાક્ય વાંચતાં માનવનિયતિના સત્યની ઝાંખી પ્રથમ વાર થઈ.

નજર સામે કાફકાની છબિ તરવરી ઊઠે છે. આપણું ધ્યાન એની આંખો પર જ કેન્દ્રિત થાય છે. એનું આખું વ્યક્તિત્વ એની આંખોમાં કેન્દ્રિત થયેલું લાગે છે. એ આંખો જાણે આપણી આગળ બધું છતું કરી દે છે ને પછીથી જે પ્રગટ થયું છે તેને અભિવ્યક્ત કરવા શબ્દો શોધીએ છીએ તો જંદિગી આખી એમાં ચાલી જશે એવી લાગણીથી ભયભીત થઈ જઈએ છીએ. આથી જ તો કાફકા પરત્વે એક પ્રકારની વિલક્ષણ લાગણી મને થયા કરે છે. કહે છે કે એ બહુ ભાવપૂર્વક કવિતાવાર્તા વાંચી સંભળાવવાની શક્તિ ધરાવતો. આમ એ વાંચતો હોય ત્યારે પાસે બેસવું ગમે, ત્યારે સુખદ નિકટતાનો અનુભવ થાય; પણ વાંચવાનું બંધ થયા પછી કાફકા ફરી અત્યન્ત દૂરવર્તી અને દુર્ગમ્ય લાગવા માંડે.

પિતાનું વ્યક્તિત્વ ભારે પ્રતાપી, એનાથી કચડાઈ ગયાની ફરિયાદ કાફકા વારે વારે કરે છે. પિતાને ઉદ્દેશીને લખેલો લાંબો પત્ર પોતે તો કદી પિતાને આપી શક્યો નહિ. પોતે ઊણો છે, શક્તિ ઓછી છે એવી લાગણી એને હંમેશાં રહ્યા કરતી. પ્રબળ અને ન્યૂન વચ્ચેના અણસરખા એવા દ્વન્દ્વમાં એ ફસાયો. એક બાજુથી પ્રેમ, યૌનવૃત્તિનું આકર્ષણ. ફેલિસ નામની કન્યા સાથે જ બે વાર વિવાહ કર્યા અને તોડ્યા. મિલેના નામની પરિણીતા જોડે પત્રવ્યવહારથી પ્રેમસમ્બન્ધ. છેલ્લે છેલ્લે આસન્ન મૃત્યુની છાયામાં ડોરા ડાયમંડ જોડેનો સમ્બન્ધ. પણ બીજે છેડે જગતને ઓળખવું, પોતાની ચેતનામાં કાલવવું, પ્રગટ કરવું – આને માટે પણ પ્રબળ એષણા. જીવનનું કાર્ય જેને માટે સીધી રેખાએ નિદિર્ષ્ટ થઈ ચૂક્યું હોય તેવો એ બડભાગી નહોતો. એની ડાયરીમાં એણે નોંધ્યું છે, ‘હું તો એકાદ શબ્દમાં અહીંતહીં રહી લેનારો આદમી છું. એ શબ્દમાં રહેલા સ્વરમાં હું મારું નિરર્થક મસ્તક ઘડીભરને માટે ખોઈ નાખું છું.’ પણ સાહિત્યસર્જન એ એને માટે કશી ભાગેડુ વૃત્તિનું પરિણામ નહોતું. એ તો જીવસટોસટનો ખેલ હતો.

1912ના વર્ષના પ્રારમ્ભમાં એ પોતાની ડાયરીમાં નોંધે છે : ‘મારી બધી શક્તિઓને લેખન માટે કેન્દ્રિત થયેલી પારખવાનું સહેલું છે. જ્યારે મને સમજાયું કે લેખનને સ્વીકારવું એ જ મારા અસ્તિત્વને માટેની સૌથી વિશેષ ફળદાયી પ્રવૃત્તિ છે ત્યારે મારામાંનું બધું જ એ દિશા તરફ ધસી ગયું. પછી યૌનવૃત્તિને સંતોષવાનું સુખ, ખાનપાનનું સુખ, તત્ત્વચિંતનનું સુખ અને સૌથી વિશેષ તો સંગીતનું સુખ – આ બધું જ ઠાલું બની ગયું. આ બધી બાજુએથી હું હ્રસ્વ બની ગયો. આમ બને તે અનિવાર્ય હતું, કારણ કે મારી સમગ્ર શક્તિ એટલી તો ઓછી હતી કે એ બધીને એકઠી કરીને વાપરું તોય સાહિત્યનું કામ તો અર્ધુંપર્ધું જ થઈ શકે. આ લક્ષ્ય મેં સ્વતન્ત્રપણે કે સભાનપણે નક્કી કર્યું નહોતું, એ લક્ષ્યે જ સ્વાભાવિકપણે મને શોધી લીધો હતો. હવે એમાં વ્યાવસાયિક કામકાજને પૂરેપૂરું ફગાવી દેવું પડશે, અને મારા જીવનનો સાચો આરમ્ભ કરવો પડશે. મારું કામ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આખરે મારા મોઢા પર સાચી રીતે વર્ષોના વીત્યાની રેખા અંકાશે.’

ફેલિસે એક વાર પત્રમાં લખેલું, ‘હું જોઈ શકું છું કે તમારો ઝોક સાહિત્ય તરફનો છે.’ તરત જ બીજા પત્રમાં એની આ વાત કાફકાએ સુધારતાં લખ્યું, ‘મને કાંઈ સાહિત્યનો શોખ છે એવું નથી, હું સોએ સો ટકા સાહિત્યમય જ છું. હું એ સિવાય બીજું કશું છું નહિ, હોઈ શકું પણ નહિ.’ મિલેનાને પણ એણે લખ્યું હતું, ‘હું એકી સાથે તારા અવાજો અને મારા આન્તરિક વિશ્વના ભયંકર અવાજોને સાંભળી શકું નહિ.’ ફેલિસને તો એ વારેવારે લખ્યા જ કરે છે કે સાહિત્ય જ એના જીવનની એકમાત્ર વસ્તુ છે. સાહિત્યસર્જન માટે એકાકી હોવું એ સાવ અનિવાર્ય છે. જો ફેલિસ એને પરણે તો એ પોતાના કામ જોડે શૃંખલાથી બંધાયેલા એક સાધુને પરણે છે એમ જ માનવાનું રહેશે.

પણ આ લખવું તો નરી સુખદ ઘટના નથી. લગ્નજીવન વિશે ધીમે ધીમે એને ઘૃણા થતી ગયેલી. પરિણીત યુગલના જીવનમાં બધું બની આવે છે, એમાં એમનું કર્તૃત્વ હોતું નથી. આમ ‘doing’ નહિ પણ ‘happening’ જ હોય તો એ જીવનનો શો અર્થ એવો એને પ્રશ્ન થતો. શિશુના જન્મ સાથેના સંસ્કારો પણ કાફકા આ પ્રમાણે વર્ણવે છે : ‘ઘરે દરરોજ જોઉં છું તે જોડાજોડ પથારી, વપરાયેલી ચોળાયેલી ચાદરો, રાત્રે પહેરવાનાં કપડાં – જે પથારી પાસે ગડી કરીને વ્યવસ્થિત મૂક્યાં હોય – આ બધું જોઈને મને ઉબકા આવે. મને એવું લાગે કે જાણે હું નિશ્ચિતપણે હજી જન્મ્યો નથી; પેલા વાસી ઓરડામાંના વાસી જીવનમાંથી રોજ હજી જન્મ્યે જ જાઉં છું; ફરી ફરી મારે જન્મ્યાનું સમર્થન મેળવ્યા કરવું પડે છે. હું જાણે આ પ્રમાદ સાથે અવિચ્છિન્નભાવે એકરૂપ થઈને ભળી ગયો છું. મારે છોડવું હોય તો આ બધું મારા પગને આગળ વધવા દેતું નથી. ગર્ભમાં હોય છે તેવો હજી હું જાણે ઘાટઘૂટ વગરનો માંસનો પિણ્ડ જ છું.

શરીર કાફકાનું સૌથી મોટું દુશ્મન હતું. શરીરને એ ભુલાઈ ગયેલી પારકી ભૂમિ જ ગણતો હતો. એ ભૂમિ એક ગાઢ અરણ્ય જેવી! દુર્ભેદ્ય અને એમાં આવતી ક્ષયની લુખ્ખી ઊધરસ તે કોઈ પશુની ત્રાડ જેવી. આ પશુની ત્રાડને કારણે એને અનિદ્રાની સ્થિતિમાં લાંબો સમય ગાળવો પડ્યો. આવી જ એક અનિદ્રાભરી રાતે, લમણાં ફાટી રહ્યાં હતાં ત્યારે, એને એકાએક એક વાત સ્પષ્ટ સમજાઈ જાય છે જે સ્વસ્થતાભર્યા દિવસોમાં સમજાઈ નહોતી : એને લાગે છે કે એ એક અત્યન્ત ક્ષીણ, હજી જાણે અસ્તિત્વમાં જ નહિ આવી હોય એવી ભૂમિ પરથી ચાલી રહ્યો છે. આ ભૂમિ તે પડછાયાઓથી ભરેલી ગર્તા પરનું પાતળું આવરણ માત્ર છે. સાહિત્ય જીવવામાં મદદરૂપ થાય છે, પણ એ આવા પ્રકારના જીવનને નિરર્થક લંબાવવામાં જ મદદ કરે છે એવું નહિ કહેવાય? પણ એનો અર્થ એ નથી કે સાહિત્યની રચના નહિ થતી હોય તે વેળાનું જીવન આનાથી સારું હોય છે. એથી ઊલટું ત્યારે તો સ્થિતિ વધારે ખરાબ હોય છે; એ અસહ્ય જ હોય છે, ઉન્માદ સિવાય એમાંથી ઊગરવાનો બીજો ઉપાય નથી. સર્જન એ એક ઉત્તમ વરદાન છે, પણ શા માટે? આ અનિદ્રાભરી રાતે એ સ્પષ્ટપણે જોઈ શકે છે, ‘આ તો સેતાનની સેવા કરવાથી મળતું પારિતોષિક છે. અન્ધકારનાં બળો તરફનું અવતરણ, સામાન્ય રીતે અંકુશમાં રાખેલાં બળોને છુટ્ટો દોર આપવો, સન્દિગ્ધ સમ્પર્કો – આવું બધું જે નેપથ્યમાં બનતું રહે છે તેનો તો અણસાર સરખો, દિવસના સૂર્યના પ્રકાશમાં વાર્તા લખવા બેસીએ છીએ ત્યારે, આવતો નથી. કદાચ આથી જુદા પ્રકારનું સર્જન પણ થતું હશે, પણ મને એની ખબર નથી.’

આવા એક ભયંકર અસહ્ય જગતને મસ્તકમાં લઈને કાફકા જીવ્યો. એનો પ્રશ્ન આ હતો : ‘હું એમાંથી શી રીતે મુક્ત થાઉં અને એ જગતને પણ અવિકલ રાખીને મારામાંથી શી રીતે મુક્ત કરું? એને મારામાંથી મુક્ત કરતાં હું શતધા છિન્નભિન્ન થઈ જાઉં તો ભલે, એને મગજમાં ઢબૂરી રાખવાનું તો ન જ બને. હું એટલા માટે જ જન્મ્યો છું તે મારે મન સાવ સ્પષ્ટ છે.’

એના મૃતદેહને પ્રાગ લાવવામાં આવ્યો ત્યારે કહે છે કે નમતા પહોરે ચાર વાગે શહેરના ઘંટાઘરની બધી ઘડિયાળોના કાંટા ચાર પર થમ્ભાવી દેવામાં આવ્યા હતા.

4-6-79