પશ્યન્તી/મિલોઝની કવિતા : 2

From Ekatra Wiki
Revision as of 05:31, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મિલોઝની કવિતા : 2| સુરેશ જોષી}} {{Poem2Open}} કાફકાની જેમ ઝેસ્લાવ મિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મિલોઝની કવિતા : 2

સુરેશ જોષી

કાફકાની જેમ ઝેસ્લાવ મિલોઝ પણ ‘મેટામોર્ફોસિસ’ની વાત એમના એક સુદીર્ઘ કાવ્યમાં કરે છે. વાત છે ‘બોબો’ના રૂપાન્તરની. બોબો હતો ભારે નટખટ અને તોફાની છોકરો. એ થઈ ગયો માખી. માખીઓની રીતરસમ પ્રમાણે ખાંડના ખડક પર નાહીને એ ચોખ્ખો થયો અને માખણના ચોસલા પર એણે નીચેથી ઉપર ચઢવા માંડ્યું. પછી બારીમાં થઈને બહાર બાગમાં એ ઊડી ગયો. બાગ તો પ્રકાશથી ઝળાંઝળાં. ત્યાં પાંદડાંની નાની નાની હોડીઓ પવનમાં તર્યા કરે. એ પાંદડાં પર ઝિલાયેલાં પાણીનાં ટીપામાં ઇન્દ્રધનુષ. એના ભારથી પાંદડું ઢળી ઢળી જાય. વૃક્ષોના થડની બખોલમાં પ્રકાશનાં ખાબોચિયાં, એની આજુબાજુ શેવાળનાં ઉદ્યાનો. ફૂલોમાંથી રેણુ ખરે. આ સવારની ચાથી તે રાતના ખાણાથી વધારે આગળ ચાલ્યું નહીં, પણ પછીથી જ્યારે એણે અકબંધ ગડીવાળું પાટલૂન અને સરખી કાપેલી મૂછ પહેર્યાં અને શરાબનો પ્યાલો હાથમાં લીધો ત્યારે એને લાગ્યું કે એ બધાંને છેતરી રહ્યો છે, કારણ કે એક માખીને તે રાષ્ટ્રની અને રાષ્ટ્રની ઉત્પાદનક્ષમતાની ચર્ચા કરવાની હોય! એની સામે બેઠેલી નારી જ્વાળામુખીના શિખર જેવી હતી, એના મુખ પર ખીણની રેખાઓ હતી, એમાં ઠરેલ લાવા હતો અને એ ધરતીની હલચલથી પાઇનનાં વાંકાચૂંકાં થડ ત્રાંસાં થઈ જતાં હતાં. કવિ કહે છે, મને તો આ માખી થઈ ગયેલો બોબો ગમ્યો. એ કોઈ આદર્શ પદાર્થની શોધમાં નહોતો. એને કોઈને કહેતા સાંભળ્યો, ‘માત્ર જેનું અસ્તિત્વ નથી તે પદાર્થ જ સમ્પૂર્ણ અને શુદ્ધ હોઈ શકે.’ આ સાંભળીને એને ગાલે શરમના શેરડા પડ્યા અને એણે મોઢું ફેરવી લીધું. એ એના દરેક ખિસ્સામાં પેન્સિલ અને કાગળોની થોકડી સાથે રાખે. એની જિન્દગીમાં, આકસ્મિક એવા, થોડા રોટીના ટુકડાઓ પણ હોય. વર્ષો પછી વર્ષો સુધી એ જાડા થડવાળા ઝાડની પ્રદક્ષિણા કર્યા કરે, આંખ આગળ હાથની છાજલી કરીને કશુંક ગણગણ્યા કરે. એક રેખા માત્રથી ઝાડ દોરતા લોકોની એને ભારે અદેખાઈ આવે. પણ રૂપકોનો ઉપયોગ કરવાનું એને અભદ્ર લાગે. એ કહે કે પ્રતીકો તો છો રહ્યાં અભિમાનીઓ પાસે, અમુક હેતુ માટે ઝૂઝવામાં પરોવાયેલા પાસે. એ જોવા માત્રથી પદાર્થનું નામ આંચકી લેવા મથે. ઘરડો થયા પછી તમાકુના ડાઘવાળી એની દાઢીને એ પસાર્યા કરીને બબડે, ‘એ લોકો જે રીતે જીતે છે તે રીતે જીતતા કરતાં મને તો આમ હારવાનું ગમે.’ પછી બે પગ વચ્ચેથી પાછળ નજર કરવા જતાં એ એકાએક પડી ગયો અને છતાં પેલું દુષ્પ્રાપ્ય વૃક્ષ તો એવું ને એવું ઊભું જ રહ્યું!

આમ કવિતા આગળ ચાલે છે. કાફકાએ માનવીને વંદો થઈ ગયેલો બતાવેલો. મિલોઝ કહે છે કે સરમુખત્યારશાહીમાં ને કહેવાતી આમ પ્રજાજનની લોકશાહીમાં સર્જક માખી થઈ ગયો છે. એમની કવિતા વિશે કેટલીક ગેરસમજો દૂર કરતાં એમણે કેટલુંક કહ્યું છે તે ધ્યાનમાં રાખવા જેવું છે. વધારે પડતી આત્મલક્ષીપણામાં રાચતી કવિતા એમને રુચતી નથી. એઓ કવિતા વડે જ પોતાની જાતતપાસ કર્યા કરે છે, પોતાનું માપ કાઢ્યા કરે છે. કવિતા વડે જ એઓ પોતાને માટેની મર્યાદા નક્કી કરે છે, જો એને ઉલ્લંઘી જવાય તો શૈલીની કૃતકતા કળાકારની જૂઠી પ્રવૃત્તિની ચાડી ખાય. એઓ કહે છે કે એમણે એ લક્ષ્મણરેખા ઓળંગી ન જવાય તેની કાળજી રાખી છે. યુદ્ધમાં ગાળેલાં વર્ષોએ એમને શીખવ્યું છે કે માનવીએ કેવળ પોતાનાં હતાશા અને હારને વર્ણવવા માટે કલમ હાથમાં લેવી ન જોઈએ. એ તો સાવ સોંઘી વસ્તુ છે. એવું કરીને અભિમાન લેવાનું સાવ સહેલું છે. બોમ્બમારાથી ઈંટ અને રોડાંનો ઢગલો બની ગયેલું નગર માનવીના હૃદયમાં પણ કશું ભોંયભેગું થઈ ગયું છે તેને સૂચવે છે. સાચી વેરાનભૂમિ કલ્પનાની વેરાનભૂમિ કરતાં વધારે ભયંકર હોય છે. જે આતંક અને વિભીષિકા વચ્ચે જીવ્યો નથી તેને એમાં સહભાગી થનાર કેટલી ઉત્કટતાથી પોતાની સામે પણ ફરિયાદ કરે, પોતાની ઉદાસીનતા અને પોતાના અહંકાર સામે કેવો તો કકળી ઊઠે તે નહિ સમજાય. વિનાશ અને યાતના આપણને જે સમાજમાં વસીએ છીએ તેને વિશેની સમજ આપનારા શિક્ષાગુરુઓ છે.

બધા જ વાસ્તવિકતાની વાતો કરતા હોય છે, પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે હું જે વાસ્તવિકતાને જોઉં છું તેને વર્ણવતો નથી, પણ એને વિશેની જે સમજ મારામાં આરોપવામાં આવી હોય છે તેને જ પ્રગટ કરું છું. આવું સાહિત્ય વાસ્તવિકતાની એ પ્રકારની સમજ ઊભી કરવા મથતા શાસકોને જ ખપમાં આવે તે દેખીતું છે. આ વાસ્તવિકતા એ કશું સ્થગિત ધ્રુવ તત્ત્વ નથી, એ ગતિશીલ છે, દરેક ઘટનામાં જે લુપ્ત થાય છે ને જેનો નવેસરથી આવિર્ભાવ થાય છે તે બંને એકબીજાંની સાથે જ વસતાં હોય છે તે આપણે ભૂલવું ન જોઈએ. આ સન્દર્ભમાં નવાંજૂનાં વચ્ચેના સંઘર્ષને સમ્યક્ દૃષ્ટિએ જોવો જોઈએ, તો જ સર્જક વિવેક ચૂકી નહિ જાય. દરેક ઘટનામાં જે ‘નવીન’ છે તેને પુરસ્કારવું અને જે મુમુર્ષુ છે તેને અવગણવું એવું વલણ સાહિત્યમાં નાહક એક પ્રકારના વર્ગવિગ્રહને નોતરી લાવે છે. આ જ વલણ જો આગળ વધે તો સાહિત્ય માત્ર ઉપદેશાત્મક બની રહે. સરમુખત્યારશાહીને આવા જ સાહિત્યની જરૂર હોય છે તે તો હવે આપણાથી અજાણ્યું રહ્યું નથી. સમાજમાં વગ ધરાવનાર વર્ગ, એ વર્ગ વડે નિયન્ત્રિત પ્રતિષ્ઠાનો, સાહિત્ય પ્રત્યે આવું જ વલણ ધરાવતાં હોય છે. સાહિત્યનું નામ લઈને જ એઓ સાહિત્યના મૂળમાં કુઠારાઘાત કરતા હોય છે. એમની ‘નીતિ’ અને આમની ‘મુત્સદ્દીગીરી’ જેને સાચું ઠરાવે તે જ સાચું એવી છાપ પ્રવર્તવા માંડે છે. લેખકોને માન્યતા અર્પવાનો ધંધો જોરમાં ચાલે છે અને એને પરિણામે સર્જનમાં હીર રહેતું નથી. દેહાતદણ્ડની સજા ફરમાવ્યા વિના જ ઘણા સર્જકો સર્જક તરીકે અપમૃત્યુ પામે છે.

આ લોકો સમાજને બે ભાગમાં વહેંચી નાખે છે : અધિકૃત વિચારસરણીને વશ વર્તનારા અને એમની વિરુદ્ધના. આ બેની વચ્ચે ઝોલાં ખાનારાને મોડાવહેલા આ કે તે છાવણીનો આશ્રય લેવો જ પડે છે. આમ પૂર્વનિર્ણીત મૂલ્યોનાં ચોકઠાંમાં સાહિત્યને પુરાઈ જવું પડે છે. આ પરિસ્થિતિ સાચા સર્જનને વિઘાતક છે. અમુક પ્રકારનાં સાહિત્યને આથિર્ક સહાયથી સસ્તે દરે પ્રજા માટે સુલભ બનાવવામાં આવે છે ને વગ ધરાવનારા વર્ગને અભિમાની નહીં એવા સર્જકો સાથે પ્રજાનો વિચ્છેદ કરાવવામાં આવે છે. પછી આ સર્જકોને અદના આદમીની કશી પડી નથી એવું આળ ચઢાવવામાં આવે છે. જેમનામાં ખમીર હોય તે આત્મવિલોપન વહોરી લઈને પણ આ બધાં સામે ટકી રહી શકે નહિ તો સૌથી અધમ પ્રકારની તત્સમવૃત્તિ (કન્ફોમિર્ઝમ)નો ભોગ સર્જકો બનતા દેખાય છે. આવી આબોહવા સર્જનના વિકાસ માટે ઉપકારક નીવડે ખરી? આ વિશે શંકા સેવવાને કારણો છે. સર્જનકર્મ સ્વતન્ત્રતાની આબોહવામાં વિકસે છે. એનાં પ્રતિરોધક બળોનો એણે સામનો કરવાનો રહે છે. વાસ્તવમાં દરેક સાચો સર્જક એકાકી જ હોય છે. આ કે તે જૂથના આત્મપ્રશંસાના કોલાહલ વચ્ચે કોઈ સર્જન ન કરી શકે. એ પોતાના એકાન્તમાં ઉત્તમ કોટિનું સર્જન કરે, પછી પાછો એ પોતાના પ્રશંસકો અને નકલ કરનારાઓથી ઘેરાઈ જાય છે ત્યારે પણ એની આગવી વ્યક્તિમત્તા અને સ્વતન્ત્રતા જાળવવાનું એટલું જ કપરું થઈ પડે છે. સર્જકે તો અન્તરના આદેશને જ અનુસરવાનું છે. ઇતિહાસનાં મોજાંની છોળની શિખર પર સિંહાસન માંડીને પ્રતિષ્ઠિત થવાની બાલિશતા એને નહિ પરવડે, ખાસ કરીને આજે જ્યારે ઇતિહાસ પણ સરમુખત્યારોની ડુગડુગી પ્રમાણે નાચતી વેશ્યા બની ગયો હોય ત્યારે.

આવી પાયાની આત્મશ્રદ્ધા વિના કોઈ સર્જક અડગ નહિ રહી શકે. જો એ આત્મશ્રદ્ધા નહિ હોય તો ભવિષ્ય તરફ મીટ માંડીને એ અનાગતનું દાસત્વ કરશે, પણ વર્તમાનને આંખ ખોલીને જોશે નહિ. માનવીને આપણે શીતળા, ટાઇફસ, સિફિલિસ સામે રક્ષણ આપી શક્યા છીએ, પણ માનવી સામે રક્ષણ આપી શક્યા નથી. મહાનગરોમાં માનવને દળી નાખે એવી ઘનિષ્ઠતાને કારણે જે રોગ ઊભા થાય છે તેનું નિદાન હજી થતું નથી. એ રોગ આપણને આપણામાંથી ખેંચીને બહાર કાઢ્યા કરતો હોય છે. માનવીને માનવીનો ભય રહેતો હોય ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈ કલ્યાણરાજ્યની સ્થાપના થઈ શકે નહીં.

સિદ્ધાન્ત અને વ્યવહાર વચ્ચે હંમેશાં ઘણું અન્તર રહે છે. આ જગત અનેક વિસંવાદોથી ભરેલું છે. એ વિસંવાદોને આ કે તે વિચારવ્યવસ્થાથી દૂર કર્યાનો દાવો જમાને જમાને કરવામાં આવે છે, પણ એવા દાવા પરિસ્થિતિને વધારે વિસંગત બનાવે છે. અધિકૃત વાસ્તવિકતા અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેનો સંઘર્ષ તો ચાલ્યા જ કરશે. આવા ધૂંધળા હવામાનમાં સ્થિર દૃષ્ટિએ જોનારા કવિની જરૂર છે. એનું કામ ખોટી હૈયાધારણ આપવાનું નથી. એ તો આ જમાનાની બધી સિન્થેટિક બનાવટ જેવી જ પુરવાર થાય એવું બને.

આદમ જ્યારે ઇડનના ઉદ્યાનમાં રહેતો હતો ત્યારે વાઘ અને સંહિ વાયુ ભક્ષીને રહેતા હતા. એમના નહોર અને દાંત માત્ર અલંકરણો જ હતાં. હવે અધ:પતન પછી માનવીને પણ નહોર ફૂટ્યા છે. પૃથ્વીનો અન્ત આવશે તે દિવસ કાંઈ અસાધારણ નહિ હોય, એ કદાચ આજના દિવસ જેવો જ હશે. પ્રલય વિશેની રોમાંચક કલ્પના આપણને છેતરી જશે. વીજળીના કડાકાય નહીં થાય. તે દિવસેય મધમાખી ફૂલ પર બેઠી હશે. માત્ર ક્યાંક ધોળા વાળવાળો ફિરસ્તા જેવો જૈફ આદમી કોથળામાં બટાકા ભરતો બોલ્યા કરતો હશે : પૃથ્વીનો અન્ત આ સિવાય બીજો હોઈ નહિ શકે આ સિવાય બીજો હોઈ નહિ શકે.’ પણ એની વાતને સાંભળશે કોણ?

મિલોઝ એમની એક કવિતામાં કહે છે : પહેલાંના વખતમાં લોકો મૃત આપ્ત જનોને ભૂમિમાં દાટ્યા પછી એના પર અનાજના દાણા નાખતા. હવે હું મૃત જનોની કબર પર આ મારી કવિતાની પોથી મૂકું છું, જે વાંચીને એઓ ફરી આ પૃથ્વી પર આવવાનું માંડી વાળે.

27-10-80