પશ્યન્તી/સોલ્ઝેનિત્શિન અને રશિયા : 4

From Ekatra Wiki
Revision as of 06:28, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સોલ્ઝેનિત્શિન અને રશિયા : 4| સુરેશ જોષી}} {{Poem2Open}} સોલ્ઝેનિત્શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોલ્ઝેનિત્શિન અને રશિયા : 4

સુરેશ જોષી

સોલ્ઝેનિત્શિને એક વખત કહ્યું હતું ‘કોઈ દેશમાં મહાન સર્જકનું હોવું તે સમાન્તર બીજું રાજ્ય હોવા બરાબર છે.’ એક સરકાર તો એનું તન્ત્ર ચલાવતી જ હોય છે. પણ આવો મહાન લેખક પણ પ્રજા પર પોતાનું રાજ ચલાવતો હોય છે. સોલ્ઝેનિત્શિન આ વિધાનને અક્ષરશ: સાચું લેખે છે. એમાંથી તારવેલી કેટલીક ઉપપત્તિઓ ‘ધ ઓક એન્ડ ધ કાફ’માં જોવા મળે છે. એની કીર્તિ જેમ જેમ પ્રસરતી ગઈ તેમ તેમ રાજ્યસત્તા એની જોડે સમાધાનની મસલત ચલાવશે એવી અપેક્ષાની માત્રા વધતી ગઈ. પણ એવું કશું બને એવાં ચિહ્ન દેખાયાં નહિ ત્યારે એણે નિરાશ થઈને કહ્યું ‘એ લોકોની તોછડાઈ અને નિરાશાવાદને કારણે પરિસ્થિતિને સુધારી લેવાની બધી જ તક એઓ ગુમાવી બેઠા.’ ઓગણીસસો તોતેરમાં એમણે રાજકીય નેતાઓને ખુલ્લો પત્ર લખ્યો અને એમની ‘કચરા જેવી વિચારસરણી’ છોડી દેવાની સલાહ આપી. આ સમ્બન્ધમાં નિર્ણય લેવા રાજ્યસત્તાને એણે પચ્ચીસ દિવસની મહેલત આપી. થોડા મહિના પછી કેદમાં પકડાયા બાદ પણ સત્તાધીશોની સાથે મુલાકાત ગોઠવાય એવી એને આશા હતી. આવી મુલાકાત દરમિયાન એની જિન્દગીમાં સૌથી મહત્ત્વની મંત્રણા થશે એવું એને લાગતું હતું.

પોતે પણ ‘શેડો ગવર્ન્મેન્ટ’ ચલાવી રહ્યો છે એવી એમની માન્યતાને કારણે ઓગણીસસો સાઠની આસપાસ કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ બની. જુદી-જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓ આગળ મુત્સદ્દીની જેમ જુદે જુદે રૂપે એઓ રજૂ થતા રહ્યા. ઉદારમતવાદીઓને એઓ સ્તાલિનવિરોધી પણ પક્ષને વફાદાર લાગતા હતા. પ્રવદામાં એમની મોટી છબિ પણ છપાઈ હતી. એક દફનવિધિમાં કાર્યક્રમમાં સાચા ખ્રિસ્તીને છાજે એ રીતે એમણે ક્રોસની મુદ્રા પણ કરી હતી. પણ આકરી નીતિ ધરાવનારા અધિકારીઓ સાથેના એમના વર્તાવમાં એઓ પણ આકરા બની જતા. એક અભિનેતાની જેમ એમની અદા બદલાતી રહેતી.

‘ધ ઓક એન્ડ ધ કાફ’નો ચર્ચાસ્પદ અંશ તો એલેક્ઝાંડર ત્વાર્દોવ્સ્કી અંગેનો છે. એમનું વ્યક્તિત્વ એ કૃતિના તાણાવાણામાં વણાઈ ગયું છે. સોલ્ઝેનિત્શિનની અને ત્વાર્દોવ્સ્કીની મુલાકાત થઈ ત્યારે સરકારી વર્તુળોમાં તે સારી વગ ધરાવતા હતા. સ્તાલિન વિરોધી મુખપત્ર ‘નોવીમીર’ના એઓ તન્ત્રી હતા. કવિ તરીકે પણ એઓ ખૂબ લોકપ્રિય થયા હતા. સામ્યવાદી પક્ષની કેન્દ્રીય સમિતિના એઓ સભ્ય હતા. અલબત્ત, મત આપવાનો એમને અધિકાર નહોતો. આ બંને વચ્ચેની વિક્ષોભપૂર્ણ મૈત્રી ત્વાર્દોવ્સ્કીના મૃત્યુ સુધી ટકી રહી. એમનું મૃત્યુ કેન્સરના રોગથી થયું. આ મૈત્રી રશિયન સાહિત્ય અને રાજકારણમાં ખૂબ ગવાયેલ છે. ત્વાર્દોવ્સ્કીને સોલ્ઝેનિત્શિન પ્રત્યે એક તન્ત્રીને મહાન લેખક પ્રત્યે ભાવ હોય છે તેવો સ્નેહપૂર્વક આદરનો ભાવ હતો. એમના પ્રયત્નને કારણે જ ‘વન ડે’ પ્રસિદ્ધ કરવાનું શક્ય બન્યું. એમ કરીને એણે પોતાના મુખપત્ર ‘નોવીમીર’ને પણ જોખમમાં મૂક્યું. એને પરિણામે આખરે એમને તન્ત્રીપદ ખોવું પડ્યું.

રશિયન આલોચકો પૈકીના જેમને આ બંનેનો પરિચય હતો તેઓ એમ માને છે કે, ‘ધ ઓક એન્ડ ધ કાફ’માં ત્વાર્દોવ્સ્કી મદ્યપાન કરીને નશામાં ચકચૂર થઈ જતા તેનું વર્ણન એમાં ખૂબ બહેલાવીને કરવામાં આવ્યું છે. ત્વાર્દોવ્સ્કીમાં રાજકીય ક્ષેત્રને જરૂરી હિમ્મત નહોતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ‘એઓ મારી સાથે હંમેશાં નિખાલસતાથી વર્તતા પણ મને એમની સાથે નિખાલસપણે વર્તવાનો અધિકાર કોઈ મળ્યો નહોતો.’ એવી એમણે ફરિયાદ કરી છે. આ સ્મરણો એક જ બાજુની વાત કરતાં લાગે છે. પણ ત્વાર્દોવ્સ્કીનો પક્ષ રજૂ કરતું પુસ્તક ‘નોવીમીર’ના ઉપતન્ત્રી વ્લાદિમિર બાકશીને પ્રસિદ્ધ કર્યું જ છે. એઓ પણ સોલ્ઝેનિત્શિનની આ કૃતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

આમ છતાં ત્વાર્દોવ્સ્કીનું રેખાચિત્ર સોલ્ઝેનિત્શિને અત્યન્ત પ્રભાવક રીતે આલેખ્યું એ એમની મોટી સાહિત્યિક સિદ્ધિ છે. ત્વાર્દોવ્સ્કીનું વ્યક્તિત્વ બે ભાગમાં ખણ્ડિત થઈ ગયું હતું. એમના વ્યક્તિત્વનો એક અંશ તે એમને વિશેની સરકારી દસ્તાવેજી નોંધમાં પુરાઈ ગયો હતો, બીજો એના અન્તરાત્માને વફાદાર હતો. એક અંશ એના ‘પાર્ટીકાર્ડ’ની ચિન્તા કરતો હતો તો બીજો અંશ સર્જક તરીકેની નિષ્ઠા જાળવવાની ચિન્તા કરતો હતો. એક અંશ મદ્યપાનની મહેફિલ માણતો હતો. તો બીજા અંશમાં રાજકારણમાં ભારે સ્વસ્થતા જાળવીને વર્તતો હતો. સોલ્ઝેનિત્શિને તો ક્યારનીય ગાંઠ વાળી દીધી હતી : આપણને ત્વાર્દોવ્સ્કી જોડે ઘરોબો સ્થાપવાનું કદાચ વિશેષ ફાવે.

આ બંનેની મૈત્રીમાં જે વિક્ષેપકારક હતું તે મદ્યપાન કે સાહિત્યિક વિચારણામાં રહેલા મતભેદ નહિ, પણ મૂળભૂત રાજકારણની બાબતમાં રહેલો મતભેદ જ એને માટે જવાબદાર હતો. સોવિયેત રાજ્યપદ્ધતિમાં જ ઉદારમતવાદી દૃષ્ટિબિન્દુનો પ્રવેશ થાય અને લોકશાહીનો આદર થાય એવું ત્વાર્દોત્સ્કી ઇચ્છતા હતા. એમ કરવા જતાં, ‘નોવીમીર’ના તન્ત્રીમંડળમાં પણ ભંગાણ પડ્યું. એમનો આશય ઉત્તમ છતાં સમાજની સમસ્યા જોડે સમ્બન્ધ ધરાવતી કૃતિઓ પ્રગટ કરીને રાજકીય વાતાવરણ લોકશાહીને અનુકૂળ રીતે કેળવવાનો હતો. પણ સોલ્ઝેનિત્શિનને તો સોવિયેત હોવાનું જ લજ્જાસ્પદ લાગતું હતું. આકરી સેન્સરશીપ છતાં ‘નોવીમીર’નો સંઘર્ષ ચાલુ રહ્યો હતો. સોલ્ઝેનિત્શિનને કહેવાતા ઉદારમતવાદી સુધારક વલણ પ્રત્યે તિરસ્કારની લાગણી હતી. એમની દૃષ્ટિએ સમાધાનો સ્વીકાર્યા કરવાના કારણે ‘નોવીમીર’ ખંધું થઈ ગયું હતું.

ઓગણીસો સાઠમાં પરિસ્થિતિએ વળાંક લીધો. ‘નોવીમીર’ને કચડી નાખવામાં આવ્યું. સોલ્ઝેનિત્શિનની કૃતિઓ પણ ચોરીછૂપીથી વંચાવા લાગી. પછી સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યવાન કશું ઝાઝું રશિયામાં પ્રસિદ્ધ થતું નહોતું. પણ આ દરમિયાન નવ જેટલા લેખકોની ઊંચી કક્ષાની સાહિત્યિક કૃતિઓ પ્રગટ થઈ હતી તે ભૂલવાનું નથી. એનો ઉલ્લેખ જ્યોફ્રે હોસ્કિન્ગે એમના પુસ્તક ‘બીયોન્ડ સોસીયાલીસ્ટ રિયાલિઝમ’માં કર્યો છે. આ નવે લેખકોને ‘નોવીમીરે’ જ પુરસ્કાર્યા હતા. એમણે સોલ્ઝેનિત્શિન ઉપરાંત વાસીલી બેબોવ, વેલેન્તિન, રાસ્પુટિનમ, વ્લાઇમીર તેન્દ્રિયાકોવ, વ્લાદિમીર, મેક્સીમોવ, બ્લાદીમિર, વોઇનોવીર, જ્યોર્જ વ્લાદિમોવ, વાસિલી, શુકિશન અને યુરી ટિદોનોવની કૃતિઓની પણ ચર્ચા કરી. આ પૈકીના ઘણા તો પશ્ચિમમાં જાણીતા પણ નથી કે એમનો પરિચય થવો જોઈએ. સરકાર જે ‘સોસીયાલિસ્ટ રિયાલિઝમ’ કહે છે તેની મર્યાદામાં રહીને આ લેખકોએ સોવિયેત સમાજનું વાસ્તવવાદી ચિત્ર આલેખવાનો પ્રયત્ન કર્યો છે એવું નથી. આ બધા લેખકોએ નવલકથા દ્વારા સોવિયેત સમાજના ઇતિહાસમાં સત્યને આવિષ્કૃત કરવાનો પ્રયત્ન કર્યો છે અને માનવીના નૈતિક તેમ ચૈતસિક જીવન પર પ્રકાશ પાડ્યો છે. આથી ત્વાર્દોવ્સ્કીનો પ્રયત્ન નિષ્ફળ ગયો નથી એમ આપણને લાગે છે.

સોલ્ઝેનિત્શિન પોતાને સોવિયેત લેખક તરીકે ઓળખાવવા તૈયાર નથી. રશિયન સાહિત્ય અને સોવિયેત સાહિત્ય વચ્ચે અન્તર છે. રશિયન ક્રાન્તિ પછીના વર્ષે જ જન્મેલા સોલ્ઝેનિત્શિને એમના દેશની પરિસ્થિતિનું આલેખન કરવાનું ચાલુ રાખ્યું છે. રશિયાના મહાન સર્જકો પૈકીના એઓ એક છે એટલું તો નિ:શંક.

1-1-82