પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ – મણિલાલ હ. પટેલ

From Ekatra Wiki
Revision as of 09:14, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ

– મણિલાલ હ. પટેલ

કવિતાનું મૂળ અને કુળ, કાવ્યતરુની કૂંપળ અને કળીમાં ચમકતું બલકે વિલસતું દેખાય, ત્યારે કવિતાસિદ્ધિ એની ચરમકક્ષાએ પહોંચે છે. સહૃદયોને આવી કવિતાની અપેક્ષા રહે છે. ઉમાશંકરની કાવ્યપંક્તિ – ગર્ભમાં રહેલા શિશુની આંખો તમે માતાના ચહેરામાં ચમકતી જોઈ છે?! – આ સન્દર્ભે, – આધારરૂપે – સાંભરી આવે છે. કવિતા અનેક રીતે-ભાતે વૃક્ષ-લીલાછમ વૃક્ષ જેવી હોય છે. કવિતા મૂળના સત્યને ઉજાગર કરે છે, જેમ વૃક્ષ મૂળ વડે માટીના મૂળ સત્યને પ્રગટાવે છે. કવિતા બીજાને પૂછી પૂછીને થતી નથી. એ પણ તરુવરની જેમ સહજ છે અને ‘નિજલીલા’ દાખવતી ચાલે છે. માટી વિના મૂળ અને મૂળ વિના કૂંપળ તથા કળી હોતાં નથી. સૃષ્ટિની આ સહજલીલાને – એનાં અનેક રૂપો તથા પરિમાણોમાં ઝીલી અને પ્રગટાવે તે કલાપદાર્થ, કવિતાપદાર્થ છે. વૃક્ષો દ્વારા માટીનાં ગંધ રસ રંગ સ્વાદ જેવાં રૂપો પ્રગટી આવે છે તેમ કવિતામાં સૃષ્ટિનું દ્રવ્ય અને માનવ્ય એનાં અનેક રૂપો લઈને પ્રગટે છે. આ અવતારકર્મ પ્રતિભા તથા વ્યુત્પત્તિ વિના શક્ય નથી. કવિની આ શક્તિઓ જ કવિતાનું સામર્થ્ય છે. અનુ-આધુનિક કવિતા પોતાની ભોંયમાંથી પ્રગટી છે તથા પોતાની ભોંય પર ઊભી છે. તરુવરોની જેમ એમાં ય વૈવિધ્યનો પાર નથી, વળી વૃક્ષોની જેમ કવિતાને ય ઋતુઓ આવે છે – જીવનઋતુઓના કેટકેટલા ચહેરા કવિતા પ્રત્યક્ષ કરી આપે છે. ૧૯૮૦ – ૮૫થી સક્રિય અનુ-આધુનિક કવિતા પોતાની આગવી ઓળખ લઈને પોતાનાં મૂળ-કૂળને પ્રગટાવે છે. ઓછું પણ રણકાદાર અને અણિયાળું બોલતી આ કવિતાને પ્રગટાવતી કેટલીક સમર્થ કલમોના કવિકર્મને વિશે થવી જોઈએ એવી, એટલી અને એ રીતિમાં, પુરોગામીઓએ વાત કરી નથી. આમેય આપણા આધુનિકોની આત્મરતિ અને પરસ્પર પ્રશંસાપ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી રહી છે... હજીય કેટલાક તો એ જ કૅફમાં છે. ખેર! જોકે નવી કવિતાએ પોતાની હયાતી દૃઢમૂલ કરી લીધી છે. અનુ-આધુનિક કવિતાએ પોતાની પૂર્વ કાવ્યપરંપરાઓને પ્રીછી અને પ્રમાણી છે. નજીકની અને દૂરસૂદૂરની પણ, પરંપરાઓમાંથી ખોબો પાણી પીધું છે. પુરાણકથાઓ, લોક/દંતકથાઓને સાંપ્રત સાથે સંયોજીને, વર્તમાન જીવનની – પોતાના યુગની – વેદના-સંવેદનાને; આ કવિતા બરાબર વર્ણવે છે. આમાંથી પણ કેટલાંક નૂતન પરિમાણો પ્રગટી આવ્યાં છે. છંદોલય, પરંપરિત, લોકલય, મુક્તલય, લયમુક્તિ તથા અછાંદસને પ્રયોજીને પોતાની યુગચેતનાજન્ય સંવેદનાની બળકટ અને બહુપરિમાણી અભિવ્યક્તિ સાધી છે... જરૂર પડી ત્યાં નવી ભાષા ઘડી છે. નૂતન શબ્દવિન્યાસો રચતી વખતે પ્રત્યાયન-ક્ષમતાનો ખ્યાલ પણ રાખ્યો છે. તત્સમ અને તળ-નો શબ્દ પણ લેખે લગાડ્યો છે. એ જ રીતે મધ્યકાલીન પદ્યસ્વરૂપોનો નવી રીતે-ભાતે નોખો વિ-નિયોગ પણ રચ્યો છે. પદ-ભજન-પદ્યવાર્તા-આખ્યાનની પ્રકૃતિ પ્રમાણી એને વર્તમાન વર્ણવવા નવી કરીને પોતાની સંવેદનાને વધુ સ્પર્શ્ય તથા વ્યાપક બનાવી છે. આધુનિકતાની ઉપલબ્ધિઓની સાથે એની કૃતકતાને પણ ઓળખી. ઉપલબ્ધિઓનો આદર કર્યો તથા પોતાની સાથે જોડી, આગળ વધારી, પરંપરા રચવામાં કદમ મિલાવ્યા. ભાષાકર્મ-શબ્દકર્મ તથા કાવ્યપિંડ-રચનાપુદ્‌ગલની વાત તો પાઠફેરે રા વિ પાઠક, ઉમાશંકર, સુંદરમ્‌ની કાવ્યવિવેચનામાંય આવી હતી. અનુ-આધુનિક કવિતાએ પણ શબ્દ અને રૂપની જિકર ચાલુ રાખી છે, આધુનિકોએ હાંસિયામાં ધકેલી દીધેલી સમાજકેન્દ્રી અને વર્ગવર્ણજન્ય સંવેદનાઓને અનુ-આધુુનિક કવિતા મુખ્યધારાની લગોલગ લાવી મૂકે છે. કવિતાની સામગ્રી ઘણેઅંશે બદલાઈ છે. વિષય, સંવેદના તથા વિચારની ભોંય પણ બદલાયેલી પમાય છેઃ

  • ગામડાં હવે શહેર પહેરીને મ્હાલે છે. અસલ અસ્તાચળે છે.
  • શહેરોમાં યંત્રો સાથે માણસ પણ યંત્રવત્‌ અને લાગણીશૂન્ય થઈને વર્તે છે.
  • શિક્ષિત સ્ત્રીઓનેઆર્થિક સ્વાતંત્ર્યતા મળતાં કુટુમ્બજીવનના તથા સમાનતાના ખ્યાલો બદલાયા છે.
  • શિક્ષણથી સભાન થયેલો દલિતવર્ગ સંઘર્ષ સાથે હવે વિદ્રોહ કરે છે. નોકરી તથા પદોન્નતિ સાથે એમની સમસ્યાઓ બદલાઈ છે. નિરાંતનો પડાવ હજી દૂર છે.
  • મૂલ્યહ્રાસ અને ‘નિયોરીચક્લાસ’ સાથે મળતાં જીવનનાં દરેક ક્ષેત્રોમાં સભ્યતા/ સંસ્કાર/ નીતિનિષ્ઠાની મૂળગામી પરંપરા છિન્નભિન્ન થતાં બર્બરતા તથા અરાજકતા વધી છે. મૂલ્યહીન રાજકારણે સ્થિતિઓ વકરાવી છે.
  • ખેતી, પ્રકૃતિ તથા પર્યાવરણ પર યંત્રોના આક્રમણોએ પૃથ્વીનો ચહેરો વિ-રૂપ કરી દીધો છે.
  • વિદેશમાં કે દેશમાં વસતો માણસ પોતાનાં મૂળકૂળની ઓળખ શોધવા-સાચવવા માટે ફાંફાં મારે છે. વર્તમાને ઝૂંટવી લીધેલી અસલ ઓળખ પાછી મળે તો જીવવું કૈંક સહ્ય બને, એમાં કળાઓ મદદ કરી શકશે એવી આશા વધુ તીવ્ર બની છે.
  • તત્ત્વ-સત્ત્વ તથા ફિલસૂફી અને દર્શન સાથે સંકળાયેલું આપણું પરંપરાપ્રાપ્ત અધ્યાત્મ અને આધ્યાત્મિક જીવન વંઠેલા વર્તમાનના સકંજામાં છે. આપણો કવિ પેલા તત્ત્વવિચારને પુનઃ પુનઃ પ્રયોજી જુવે છે –ને એમ વર્તમાનને વિશદ ચિત્ર બતાવવા કાવ્યદર્પણ ધરે છે.
  • મનોરંજન અને માધ્યમોનાં નકરાં બજારકેન્દ્રી વલણોએ સ્ત્રી-પુરુષ સમ્બન્ધો તથા લગ્નસંસ્થા (કુટુમ્બ-સમાજ)ને આઘાતજનક મોડ પર લાવી મૂક્યાં છે.
  • સત્તા/ સરકારોએ જમીન-જળ અને જંગલો પર આક્રમણ/ અતિક્રમણ કર્યું છે. વિકાસને નામે સમાજ તથા પ્રકૃતિ સંતુલનને વણસાડી દીધું છે. આથી વનવાસીઓની વિષમ સમસ્યાઓ બોલવા માંડી છે.

અનુ-આધુનિક કવિ આવા વિષયો અને તદ્‌જન્ય વેદના સંવેદનાની કવિતા પોતાની નોખી રીતે-ભાતે કરતો રહ્યો છે. એવું કહેવાની આજે તો જરા પણ જરૂર નથી કે આજની આપણી અનુ-આધુનિક કવિતા આધુનિકતાનો પડાવ છોડીને પોતાની જુદી જુદી કેડીઓ રચતી આગળ વધતી ને વધતી જાય છે. કવિતામાં જ્યારે વિષય-સંવેદના બદલાય ત્યારે, એને કહેવાની રીતિ પણ બદલાય છે. રજૂઆત બદલવા માટે ભાષા અને રૂપ પણ બદલાતાં આવે છે. જેમકે મધ્યકાલીન પદ્યવાર્તા – આખ્યાન તથા પદ – ભજનનાં સ્વરૂપોનો, આ ગાળાની કવિતાએ પોતાની સંવેદનાને પ્રભાવક રીતે રજૂ કરવા સારુ, નોખી ભાતે વિનિયોગ કર્યો છે. પદનો-ભજનનો, ગીતને નોખું પાડવા તથા અધ્યાત્મવિચારને નવી ભૂમિકાએ સંક્રમિત કરવા, અનુઆધુનિક કવિઓએ જાુદી ભાતે વિનિયોગ કર્યો છે. પુરોગામીઓની રચનાઓના સન્દર્ભો લઈને પોતાની સંવેદનાને વ્યાપક રીતે રજૂ કરવાનાં વલણો પણ પ્રગટ્યાં છે. હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર તથા સંજુ વાળામાં આનાં દૃષ્ટાંતો મળે છે. પુરાકથાઓ લઈને દીર્ઘરચનાઓ દ્વારા વર્તમાનની વિભિષિકાઓને ઓળખાવવાના સબળ પ્રયાસો પણ થયા છે. તળ બોલી, તળના લોકલય, છંદ, કાકૂ, મુક્તછંદ તથા અછાંદસ રીતિ અને તત્સમ પદાવલિ પ્રયોજીને સંવેદનાને પ્રભાવક અભિવ્યક્તિ આપવામાં અનુ-આધુનિકો વધુ સફળ થયા છે. ટેકનિક બોજ કે કૃતક બની ન જાય એનું ધ્યાન રાખીને, પ્રતીક-કલ્પનોનો મર્યાદિત પ્રયોગ કરીને, આ કવિઓએ કવિતાને પ્રત્યાયનક્ષમ બનાવી છે. સમકાલીન જીવનની અંતરંગ ચેતના – (જેમાં નગર, ગામ, નારી, દલિત, અરણ્યવાસીની ચેતના પણ આવે તેમ) – ને ઝીલતી, અનુ-આધુનિક કવિતાનાં આ બધાં વલણો-લક્ષણો, સદૃષ્ટાંત સમજાવી શકાય એવી વિવિધતા-વિલક્ષણતા અને વિષય સમૃદ્ધિ તથા કાવ્યસિદ્ધિ આ કવિઓમાં છે. ગાંધીયુગથી વિપરીત અનુગાંધીયુગમાં કવિતા બાબતે જેવું બનેલું તેવું અહીં આધુનિક યુગથી હઠીને અનુ-આધુનિક યુગની કવિતામાં પણ બન્યું છે. સામાજિક ભાષા-ભાવના તથા આશાઅપેક્ષાઓથી છેડો ફાડી લઈને અનુગાંધીયુગની કવિતા - (ગાંધીજીને બદલે ટાગોરને માર્ગે) – સૌન્દર્યવાદની દિશામાં વધુને વધુ ‘કવિતાકેન્દ્રી કવિતા’ બનવાની મથામણોમાં લીન બને છે. આનાં સારાં પરિણામોને ઉમાશંકરે તો તરત વધાવેલાં. મર્યાદા ચીંધીને ય કાવ્યગુણ માટે ઉમળકો દાખવીને કવિતાને એનાં નવતર વલણો બાબતે બિરદાવેલી. અનુ-આધુનિકોની કવિતાના નસીબમાં ‘એવા ઉમાશંકર’ આજદિન સુધી ન આવ્યા તે ન જ આવ્યા. જોકે કવિતા પોતાના બળે મુખ્યધારા બની રહી છે. એક આખી નવી કવિ પેઢી પ્રગટ થઈ છે. અનુગાંધીયુગની કવિતાને એક સામટા ઘણા સમર્થ અને મહત્ત્વના કવિ-અવાજો સાંપડેલા. રાજેન્દ્ર શાહ – નિરંજન ભગત; પ્રહ્‌લાદ પારેખ –પ્રિયકાન્ત મણિયાર; મકરન્દ દવે – બાલમુકુન્દ દવે; ઉશનસ્‌ – જયંત પાઠક; હરીન્દ્ર દવે – સુરેશ દલાલ, નલિન રાવલ – હસમુખ પાઠક; હરીશ્ચન્દ્ર ભટ્ટ; વેણીભાઈ પુરોહિતઃ આ કવિઓ ઉપરાંત આ જ સમયગાળામાં મરીઝ-ઘાયલ-ગની-બેફામ-શૂન્ય જેવા સમર્થ ગઝલ-ઉપાસકો પણ મળ્યા હતા. આ યુગની કવિતા-સભાનતા તથા કવિતા-સમૃદ્ધિ સાહિત્યના ઇતિહાસમાં દૃષ્ટાંતરૂપ છે. આ કવિતા લાંબો કાળ સુધી પોતાનો પ્રભાવ પાડતી રહી છે, આજે ય એ કવિતાનો આનંદ અકબંધ છે. અભ્યાસીઓ એને વિશે હજી અવનવું નિતારતા રહે છે. અનુ-આધુનિક યુગને પણ, પોતપોતાની-નોખી-રીતેભાતે કવિતા કરનારા મહત્ત્વના તથા ધ્યાનપાત્ર કવિઓ સાંપડ્યા છે. આવા કવિ અવાજોમાં હરીશ મીનાશ્રુ, (સ્વ. નીતિન મહેતા), જયદેવ શુક્લ, મનોહર ત્રિવેદી, યજ્ઞેશ દવે, મણિલાલ હ. પટેલ – કાનજી પટેલ, દલપત પઢિયાર, નીરવ પટેલ, બાબુ સુથાર, ભરત નાયક – કમલ વોરા, વિનોદ જોશી, સંજુ વાળા, ઉદયન ઠક્કર, રાજેશ પંડ્યા, મનીષા જોષી, ઇત્યાદિ ઉપરાંત જયેન્દ્ર શેખડીવાળા, યોગેશ જોષી, હર્ષદ ત્રિવેદી, રાજેન્દ્ર પટેલ, અદમ ટંકારવી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, રમણીક સોમેશ્વર, રમણીક અગ્રાવત, સરુપ ધ્રુવ, મંગળ રાઠોડ, મુકુલ ચોક્સી તથા કિસન સોસા, પવનકુમાર જૈન વગેરે નામો ઉમેરી શકાય. ઉપરોક્ત કવિઓની – ખાસ તો એમાંથી સોળસત્તર કવિઓની કવિતાનો પરિચય, એમની પ્રતિનિધિ રચનાઓને આધારે, મેળવીએ. આ કવિઓનું કવિકર્મ તથા એમની કવિતાના કાવ્યવિશેષો વિશે સદૃષ્ટાંત વાત કરીશું.

૦૦૦

અનુ-આધુનિકોમાં હરીશ મીનાશ્રુનો કવિ-અવાજ પ્રબળ અને પ્રમુખ પણ રહ્યો છે. વિવિધ કાવ્યસ્વરૂપોમાં સહજ રીતે પ્રવર્તતો આ કવિ, કવિતાપદાર્થને કવિતામાં પ્રતીતિપૂર્વક રમતો મૂકવાનું ધ્યેય રાખે છે. સંવેદનાઓના કોઈ અડાબીડ વનમાંથી આવતી એમની કવિતા કાવ્યભાષાની નવતર મુદ્રાઓ રચીને કાવ્યની વિવિધ છટાઓથી ભાવકને ન્યાલ કરી દે છે. આધુનિક અને અનુ-આધુનિક કવિતા વચ્ચે સેતુ-રૂપ બનતી હરીશ મીનાશ્રુની કવિતા અનેક વિશેષો ધરાવે છે. યંત્રજન્ય ભૌતિકતાવાદી વલણોનો ભોગ બનેલા સમકાલીન માનવજીવનની સંવેદનાને આધુનિકકાળની અછાંદસ અને મુક્તલયની દીર્ઘ કવિતા વર્ણવતી હતી. હરીશ મીનાશ્રુની કવિપ્રતિભા આટલી વાતે પરોવાઈ રહે એવી નથી. એમણે તો અસ્તિત્વની ખરેખરી સમસ્યાઓને ભારતીય દર્શનશાસ્ત્રોની ભૂમિકાએ ચકાસીને રજૂ કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. એમનાં દીર્ઘકાવ્યો ઉપરાંત ‘દામ્પત્ય’ અને ‘પ્રેયસી’ જેવી રચનાઓમાં પણ અર્થસંકુલ પ્રદેશો મળે છે. ‘માયા’ અને ‘કવિતા’ આ કવિને મન સરખાં છે – સંમૂઢ અને વિવશ કરનારાં! હરીશ મીનાશ્રુ ભાષાસભાન કવિ છે; માધ્યમ અને સંવેદનાને એ સરખું મહત્ત્વ આપે છે. એમની કવિતામાં ભાષા સાથે અર્થપૂર્ણ વ્યવહાર થયો છે. એમણે અનેક નવતર અધ્યાસો જોડીને ભાષાસંયોજનાને ખાસ્સી વિદગ્ધ તથા સંકુલ બનાવી છે. આવી કવિતા જેમ ‘સ્વ-તંત્ર’ રચે છે એમ એણે એનો પોતાનો વાચક (સ્વ-વાચક) પણ શોધી લેવાનો રહે છે. અર્થપૂર્ણ કવિતાએે એથી ડગવાનું કે ડરવાનું હોય નહીં. હરીશ મીનાશ્રુએ ઘણી વાર શબ્દમાં પ્રક્ષેપણ(એકાદ વર્ણનું) કરીને કે શબ્દવિભાજન તથા વર્ણપ્રક્ષેપણ સામટું કરીને સંદર્ભબહુલતા રચી આપવાનું, ભાષાકર્મ દાખવ્યું છે. દા.ત. અકાદમયંતી, રેગન પાવડર! માત્રામેળ, અક્ષરમેળ અને પરંપરિત છંદો, લયના અંતરાઓ તથા બોલચાલના ગદ્યના કાકુઓ અને અછાંદસને એકસરખી હથોટીથી પ્રયોજતો આ કવિ પોતાના ભાવસંવેદનને તથા તર્ક-વિચાર-ચિંતનને નવી ભાષા ઘડીને રજૂ કરે છે. એમની સૂફી-સંતો તરફની આત્મીયતા ખરેખર તો અહીં કાવ્યોપકારક બને છે. કેમકે એ આધ્યાત્મિક પરિસરમાંથી કવિ કલ્પનો અને કાવ્યપદાવલી બંને ઘડે છે.

વસ્તુમાંથી વૃક્ષ ઊપસ્યું વક્ષસ્થળે જઈ ઝૂલ્યું
ખરવું તે કાયમ છે એવું તથ્ય સર્વદા ભૂલ્યું

ઘટાદાર પીડા ને પૂરા પાંચ પાંદડે આંસુ
લોપ કરી આકાર નિજનો
ડાબી બાજુ અલોપ જે છે તે ફેરવશે પાસું

તો તત્સમ પદાવલિ માટે જુઓ આ પંક્તિઓ (એમાં સંકુલ સંકેતો પણ જોશો) :

વ્રણ અને ચુંબનથી
રળિયાત હતું મારું રુધિર
તે દિવસની વાત છેઃ

કસ્તૂરીવધૂ! તારી અપેક્ષાનું આધિપત્ય –
એક પ્રબળ ઘ્રાણસત્ય
ઝરી ચૂક્યું હતું મારાં અસ્થિની શિલાઓ પર.

બીજું એક દૃષ્ટાંત પણ ‘ભાષારચના’ સંદર્ભે પ્રસ્તુત છેઃ

કલ્પ અલ્પ છે પૃચ્છા કરવા, સત્વર મને કહે તું
હે જીવનના રાહી રાહુ, મૃત્યુંજય નચિકેતુ
હોરમોન્સનાં હલ્લેસાં તી હંકારે તા જાંઈ
નરનારાયણ કીટ તરુવર કાબરચિતળાં થાંઈ
ને અમારાં ચિરપ્રવાસી ખાહડાં
ક્રોમોઝમ્સની કલાવતી નદીમાં છિન્ન એક્સ ને વાઈ
તરતાં ટળવળતાં જાંઈ
તો ગૂંસાઈજી
આંઈ અમારું ગાડું પડ્યું છે ઘાંચમાં
ને ચન્દ્રનાં રજકણ ન આવે ચાંચમાં.

અહીં સાંપ્રત જીવન અને જન્માન્તરો વચ્ચેનો તનાવ વર્ણવાયો છે. માનવજાત જે ‘બાત’ બનાવવા માગે છે તે એટલી જલદી ક્યાં બને છે? –ને આ કવિ તો માનવજાતની નિયતિની માથે બેઠેલા એના ‘સાહિબ’ને; એની ‘સત્તા’ને જાણે છે; એટલે સ્તો એ સાંપ્રતને પ્રમાણતો જીવનની અને પ્રવૃત્તિની વિડંબના કરે છે. વ્યંગ કરે છે, પીડા પામે છે ને તો ય નિઃસહાયતાને જાણતો હોવાથી હસે છે.

હરીશ મીનાશ્રુની કવિતાને અનેક દૃષ્ટાંતો વડે ચકાસતાં તરત સમજાય છે કે કવિ લાગણીની ભાષામાં રાચતા નથી, બલકે અહીં તો અસ્તિત્વમૂલક સમસ્યાઓ કવિતાના કેન્દ્રમાં રહે છે. હા, દુનિયાદારીની વાતો તથા રૂઢિ-રસમોને કવિ ભાવસંવેદનારૂપે સંવેદે છે ખરા, પણ એ એના એવા રોજિંદા કે સદાના મોહમાં કે રાગમાં લપેટાતા નથી. એમને તો માનવનિયતિ અને જીવનની વિચિત્રતાઓને સાથે મૂકીને માપી જોવી છે આ જિન્દગીને. જો કે આ કવિને મન તો ‘આમ કવિતા કરવી’ એય ‘માયાની આળપંપાળ’ જ છે. એટલે એ યુગો અને અવતારોની જીવનયાતનાઓ કે એવાં વૈફલ્યો કહેતાં નિરર્થકતાઓ વચ્ચે ‘એકમાત્ર કવિતાની છત્રી’-થી ઊગરવાનો આરો પામતો નથી. બલકે એની નિઃસહાયતા વધારે સંકુલ થતી અનુભવે છે. દીર્ઘ કવિતા એના સ્વભાવ મુજબ જીવનની ‘હોવાપણાની પીડાની’ અને એવી અનેક વિસંગતિઓ કે વૈચિત્ર્યોની અભિવ્યક્તિ કરવાની મોકળાશ કરી આપે છે. જો કે એમાં કવિની સંવેદનાનું કેન્દ્રબળ મહત્ત્વનો આધાર છે. હરીશ મીનાશ્રુની ઘણી બધી દીર્ઘ રચનાઓ સાંપ્રતસંદર્ભે વિશિષ્ટ સંવેદનાને તથા વ્યાવહારિક વૈચારિક આંટીઘૂંટીઓને કે એના એવા બળકટ સંક્ષોભોને વ્યક્ત કરે છે. અહીં એ પ્રમુખ સમકાલીનોથી જુદા પડીને ઊપસે છે. વર્તમાન જીવનની વિભીષિકાઓ સાથે આ કવિ આદિમ અને પૌરાણિક સંદર્ભોને લઈને અસ્તિત્વમૂલક સમસ્યાઓને પૂરા બળથી કવિતામાં ઉભારી આપે છે. જીવનને નામે વૈતથ્યોને વહાલ કરતો માણસ વાચા અને વ્યવહારો અને વંશવેલાના વૈભવોમાં નિરર્થક મહાલતો રહે છે – ને છેવટે તો એનું કશું દળદર ફીટતું નથી, કવિતાથી ય નહીં અને અન્યથીય નહીં. રત્નાકરભ્રૃણપ્રબંધ એમની મહત્ત્વની દીર્ઘ રચના છે; ગુજરાતી દીર્ઘ કવિતામાં હરીશ મીનાશ્રુને નોખા કવિ તરીકે ઉપસાવી આપવામાં ઘણી મહત્ત્વની નીવડેલી આ રચના માનવનિયતિની સાથે સાંપ્રત જીવનની અલ્પતા કે અસહાયતાને પણ ચીંધે છે. દા.ત. ‘મુવીંગ ઑન માય...’ તથા ‘નાચિકેત સૂત્ર’

કવિશ્રી હરીશ મીનાશ્રુએ પોતાની અધ્યાત્મ-જીવનલક્ષી આગવી અનુભૂતિઓ ગીત, ગઝલ, પરંપરિત તથા અછાંદસમાં ઢાળી છે. ‘પ્રેયસી’ અને ‘જલ્પનની કલ્પનને દેશે, બત્તબનૈયા’-માં યંત્રચેતના-પ્રભાવિત વર્તમાન જીવનસંદર્ભોમાં જીવતા બૌદ્ધિકની સંવેદનાઓ આલેખાઈ છે. એમાં અધ્યાત્મસંદર્ભોને વણી લઈને માનવનિયતિનો અને જીવનમૂલ્યોને નામે ચાલતી લીલાઓનો તિર્યક પરિચય પણ થાય છે. ગીત/ ગઝલમાં પણ કવિનો અવાજ જુદો છે – એમાં પણ એમણે અધ્યાત્મની ભૂમિકાએ જે મંથન અને દર્દ અનુભવ્યાં છે; તથા જીવનચર્યાની નિરર્થકતાને પામીને નિર્ભ્રાન્તિની દિશામાં વળ્યા છે – એ ભાવસૃષ્ટિનું નવતર ભાષામાં સહજ છતાં સૂક્ષ્મ અને અર્થસમૃદ્ધ આલેખન એમણે કર્યું છે. એમણે પ્રમુખકવિની જેમ ભાષાને ઘડી છે અને કવિતાને ગતાનુગતિકતામાંથી ઉગારીને વીસમી સદીના અંતે ગુજરાતી કવિતાનું ઊજળું ચિત્ર આપ્યું છે. થોડાંક દૃષ્ટાંતો આ સંદર્ભે પ્રમાણીએઃ-

કાયા તે આવડીક કાચલી કથીર
એમાં સિંહણનાં દવધોળ્યાં દૂધડાં
કેવાં થાનોલે એમ ચપટીક બાઝ્‌યાં
ને અધમણ દાઝ્‌યાં અબૂધડાં


અમે અમથાં અધીરાં અધૂરિયાં હો
બત્રીસે કોઠે હરિ ભડકા ઊઠેને
ઘૂંટ જીરવ્યા તો કેસરકપૂરિયાં હો...

આવી રહસ્યગર્ભ ભાવસૃષ્ટિને વર્ણવતાં ગીતો હરીશમાં ઘણાં છે ને એમાં લોકજીવન તથા સંતવાણીની સમૃદ્ધિ-સભર સૃષ્ટિ છે. સૂફીઓની ગઝલને હરીશ મીનાશ્રુ આપણી તત્ત્વચિંતનની પરંપરાના અજવાળામાં ને નિજી રીતેભાતે પ્રયોજે છે – દા.ત.,

તું કહે છે, કબર છે : કબીરાનું ઘર છે
પરણ જેને પરણ્યું, સ્વયં પાનખર છે
પલીતો છે કરમાં, પ્રજળતો પ્રહર છે
અને અસ્થિપિંજર તો ચંદન અગર છે
વિહગ ભસ્મપુંજેથી પ્રગટ્યું મુખર છે
ફરી વનમાં એનો વિકટ અગ્નિસ્વર છે

‘પદપ્રાંજલિ’ની અનેક રચનાઓ અહીં ટાંકી શકાય એમ છે.

‘ગૃહિણી’ ગુચ્છનાં કાવ્યોમાં તથા ‘પંખીપદારથ’ અને ‘ચીતરવા વિશે’ જૂથનાં કાવ્યોમાં ગદ્યનાં વિવિધ સ્તરો તથા વિશેષણોની કાર્યસાધકતાનો અનુભવ ભાવકને ન્યાલ કરી દે છે. આપણા સમયની સમસ્યાઓ તથા ‘માનવ્ય’ માટેની મથામણો પણ હરીશ મીનાશ્રુની કવિતામાં આવે છે. દાત, ‘ગૃહસ્થ-સંહિતા’ જૂથમાં ‘છાપાવાળો છોકરો’ રચના તપાસો! આ સમર્થ કવિએ આવી અનેક ઉત્તમ રચનાઓ દ્વારા અનુઆધુનિક ગુજરાતી કવિતાને આગળ વધારવા સાથે નવી ઊંચાઈઓ આપવાના સફળ પ્રયત્નો કર્યા છે.

૦૦૦

જયદેવ શુક્લ ઓછું પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનારા કવિઓમાં પણ આગળની પંક્તિમાં આવે છે. કવિતા નિજી સંવેદન અને એને અનુરૂપ સહજ ભાષાસંયોજના વડે સિદ્ધ થાય છે, એમાં એક શબ્દ, અરે વર્ણ પણ વધારાનો ન હોય... કે આગળપાછળ ન થઈ શકે... કવિતાની આવી ચુસ્ત પરંતુ પ્રસન્નકર ઈમારત રચનાર કવિ તરીકે આપણે જયદેવ શુક્લને ઓળખાવી શકીએ. ‘પ્રાથમ્ય’નાં કાવ્યો એનાં ઉદાહરણો છે. ‘તામ્રવર્ણી હવાના અંગાંગે’, ‘ભેજલ અંધકારમાં-’ અને ‘વૈશાખ’ ‘તાલકાવ્યો’ જેવી અનેક રચનાઓ અહીં ટાંકી અને વિશ્લેષી શકાય. પ્રકૃતિ તથા આસપાસનો પરિસર આ કવિતામાં કલ્પનો બનીને વધારે સહજતાનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે. ચારે બાજુએ અરાજકતા છે, હતાશા છે, કૈંક વિષાદ ઘૂંટાતો જાય છે. આકાશના તારાઓ જેવી ચળકતી શક્યતાઓને પણ ઠંડાંગાર-બર્ફીલાં શાસકવલણોએ થીજાવી-બૂઝાવી દીધી છે. આ શારી નાખતી વ્યથાવેદનાને કવિ જયદેવ શુક્લ પૂર્ણ કાવ્યત્વથી રજૂ કરે છે, જોઈએઃ- માગસરની અમાવસ્યા

‘આકાશના/ લાખ્ખો કરોડો/ અબ્બજો કાણાં/ ચમકતા બરફથી/ પૂરાઈ ગયાં છે/ કાંટાળા અંધકારમાં/ એ/ અસંખ્ય વિકરાળ પ્રાણીઓની/ આંખો જેવાં/ ચમકે છે/ ગોટેગોટા અંધકાર છવાતો જાય છે/ કાળા કાળા ગડ્ઢા/ આમતેમ અથડાય છે/ શ્વાચ ડચૂરાય છે જો સૂરજ ઊગે તો.../ કદાચ.../ સવારે સૂરજ પણ/ બરફનું ગચ્ચું બની જાય તો?!/ કાંટાળા અંધકારમાં/ દીવા... સળી/ શોધું છું/ વાટ જડતી નથી...’

બહુસ્તરીય અભિવ્યક્તિ કરતી આ રચનામાં કવિની વ્યથાવેદના કાંટાની જેમ આપણને ભોંકાય છે ને અંતની અસહાયતા વિહ્વળ કરી મૂકે છે. જયદેવ શુક્લની કવિતા બીજા પણ અનેક ઉન્મેષો પ્રગટાવે છે બ્રાહ્મણસંસ્કાર, સંગીત તથા ચિત્ર સાથેનો લગાવ આપણા આ કવિની કવિતાને વિશેષ પરિમાણો આપે છે. કવિતાને શુદ્ધ કવિતા/ નરી અને નકરી કવિતાની દિશામાં લઈ જવાનું તપ જયદેવના બીજા કાવ્યસંચય – ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’–માં પણ પમાય છે. ‘જનાન્તિક’ ગુચ્છની રચનાઓ, પ્રેયસી તથા મા વિશેના કાવ્યો, પૃથ્વી વિશેના ત્રણ લઘુકાવ્યો અને ‘સ્તનકાવ્યો’ જયદેવની ઉત્તમ કવિતાના નમૂના છે. એમાં સંવેદન, સહજ આવતાં કલ્પનો-પ્રતીકો, તત્સમ પદાવલિ-નું સંવાદિતાભર્યું સંયોજન આ કવિતાને આસ્વાદ્ય અને દૃષ્ટાંતરૂપ બનાવે છે. કાવ્યકળાનાં નોંધવા સરખાં ઉદાહરણોરૂપે જયદેવની કવિતા અગ્રેસર હોવાની પ્રતીતિ થાય છે. જયદેવની કાવ્યરુચિ ચિત્ર-સંગીત-શિલ્પ-ફિલ્મ જેવી કળાઓના સતત ચાલતા આવતા અભ્યાસ અને આસ્વાદથી વધારે સંમાર્જિત અને કલા-આગ્રહી બનેલી છે. કલાના માનદંડો આ કવિ પોતાની કવિતાને પણ લાગુ પાડી જુવે છે. જયદેવ શબ્દ-વિન્યાસનું નાવિન્ય, પ્રયોગ માટે નહિ પણ સંવેદન તથા એની કાવ્યત્વપૂર્ણ અભિવ્યક્તિ માટે લાવે છે. ‘કાંટો’ અને ‘તાળું’ જેવાં કાવ્યોમાં લોકજીવન સન્દર્ભો તથા એવા લોકભાષાના પ્રયોગો અને કાકૂઓ મળે છે. બાકી મહદંશે જયદેવની ભાષા-સંરચના તત્સમ છે અને ચિત્રાત્મકતા/ દૃશ્યાત્મકતા એનો ખાસ વિશેષ છે. સંગીત અને ચિત્રશૈલીનો વિનિયોગ કરતી રચનાઓ આ રહીઃ- જલસો

મારા મસ્તિષ્કમાં/ સન્તુર વસે છે/ હું સન્તુરને નમું છું./ મારા શ્વાસમાં/ તાનપુરો વસે છે/ હું તાનપુરાને નમું છું/ મારા હૃદયમાં મૃદંગ વસે છે/ હું મૃદંગને નમું છું./ મારી નાભિમાં/ ષડ્‌જ વસે છે/ હું ષડ્‌જને નમું છું./ મારાં ચરણોમાં/ થાપ વસે છે/ હું થાપને નમું છું./ મારા હાથમાં/ બે તુંબડાવાળી સિતાર વસે છે/ હું સિતારને નમું છું/ ચૂમું છું/ અંગાંગ એક સાથે બજી ઊઠે છે!

તામ્રવર્ણી હવાના અંગાંગે

નગ્ન/ બદામડીના હાથમાં/ તરતું/ સૂર્યનું કિરમજી-લાલ પર્ણ/ હમણાં જ/ ખરી પડશે./ કલરવતું ઊડી જશે/ ઘઉંના ખેતરમાં/ રણકતી સોનાની સળીઓ/ વચ્ચે લપાઈને બેઠેલું/ તડકાનું પંખી./શાલ્મલિની રક્તિમ કાયા પર/ ચીતરાય/ કાગડાની ઊડાઊડ./આકાશમાં તરતો/ તૂટેલી પાંખવાળો હંસ/ અચાનક આવી બેઠો/મારા સ્કંધ પર./ ઝાકળની ગન્ધ/ હથેળીમાં સાચવી/ આંખો પટપટાવે લીલું ઘાસ.
આજે/ તામ્રવર્ણી હવાના અંગાંગે/ કૂંપળો રણઝણે!

‘જલસો’-માં શરીરનાં અંગો સાથે સંગીતના સંકેતો તથા વાદ્યોનું સાદૃશ્ય રચી રતિભાવને વ્યક્ત કર્યો છે. બીજી રચનામાં પ્રકૃતિ-વસંત પરિસરને ઇન્દ્રિયસંવેદ્ય નૂતન કલ્પનોમાં મઢીને રજૂ કરવામાં કવિની સિદ્ધિ પણ પમાયા વિના રહેતી નથી. ક્યાંક પુનરાવર્તન પામતાં કલ્પનો, ક્રિયારૂપો જેવી મર્યાદા કરતાં ઉત્તમ અ-પૂર્વ કલ્પનો પણ મળી જાય છે. દા.ત.

‘સક્કરખોર ઊડ્યું.../ ઘર ઊંચકાયું/ પતંગની દોર પર/ ડોલતા ફાનસની જેમ/ ડોલતું ડોલતું/ ઘર/ જઈ બેઠું/ સરગવાની ડાળ પર!’

– જયદેવની કવિતા નિજી અને કાવ્યત્વના વિશેષોથી વિ-શિષ્ટ બની છે.

૦૦૦

યજ્ઞેશ દવેની કવિતામાં સાંપ્રત નગરચેતના અને નાગરી મનોરુગ્ણતાનું વિવિધ છટાઓમાં આલેખન થતું રહ્યું છે. વસ્તુજગત અને ઇતિહાસ પરંપરાને સાંકળી લેતાં એમનાં ‘જળની આંખે’-નાં દીર્ઘકાવ્યો અનુ-આધુનિકતાની ભોંય રચવામાં અગ્રેસર હતાં. પછી તો વર્તમાન જીવનની અનેક વિભીષિકાઓ આ કવિએ અછાંદસમાં, તળબોલી-લયમાં પુરાકથાનાં રૂપો લઈને વર્ણવી છે. ‘આદિમાતા’ બહુ પરિમાણી મહત્ત્વાકાંક્ષી રચના છે – જે આદિમાતાથી વર્તમાન સુધીની જીવનચેતના-(જેના કેન્દ્રમાં સ્ત્રીચેતના છે) ને ઊંડળમાં લે છે. ‘હેલો...’ની જેમ ગરીબ મજૂર વના જેતા સાથેની વાતચીતની કવિતા કે વ્યસન-બંધાણની કવિતા યજ્ઞેશ દવેની કવિતાનો વ્યાપ અને સ્થિત્યંતરો પણ બતાવે છે. આપણી કહેવાતી લોકશાહી અને એવો જ આપણો દાંભિકતા ભરેલો સમાજવાદ ગરીબોની વલે કરે છે... આ કવિ એવાં અમાનુષી વલણો વિશે આક્રમકતાથી લખે છે.

યંત્રયુગે ભૌતિક સગવડો ને કહેવાતી સમૃદ્ધિ આપ્યાં ખરાં, પણ અસલ જીવન, શાંતિ અને પ્રેમભાવ છીનવી લીધાં છે. જે વરવું શહેરીકરણ થયું છે તેનો ચહેરો કેવોક છે? એનો વિડંબનાપૂર્વક પરિચય આપે છે કવિશ્રી યજ્ઞેશ દવે! ‘મારી શેરી’ કાવ્યના થોડાક અંશો જુઓઃ

જ્યાં બાળક ભાષાની પહેલાં ગાળ શીખે છે,
જ્યાં દિવસે અંધારી નવેળીમાં પ્રૌઢ સ્ત્રીઓ
નજર ચૂકાવી/ પેશાબ કરવા જાય છે ઝટપટ
જ્યાં ચાર વર્ષની છોકરી હાજત જતી વખતે –
આબરુ ઢાંકે છે ટૂંકા ફ્રોકથી
જ્યાં આછા કણસાટથી બબડતું શરીર
ઊંઘ ઘેરાયેલી આંખે
આવતી કાલના સૂર્યની રાહ જુએ છે – વરસોવરસથી!

વાસ્તવની આવી તીક્ષ્ણ અભિવ્યક્તિ આધુનિકો પાસે ભાગ્યે જ ન હતી! વાસ્તવવાદી બન્યા વગર વાસ્તવનાં વરવાં રૂપોને નકરી ચિત્રાત્મકતાથી રજૂ કરતાં આ કવિ વ્યંગનો આશ્રય લઈને વર્તમાન રાજકારણની સેતાનિયતને તીખા કોરડાથી જાણે કે ફટકારે છેઃ

નળિયાં પર પહોળા પગ કરી બેઠેલો તડકો/ ને/ નવેળીની ગંદી ગટરમાં પોતાનું મોં જોતો સૂર્ય/ મસ્જિદના બે સફેદ મિનારા આકાશની છાતીને -તાકે છે શૂળની જેમ...


આ શેરીનો એક છેડો ખૂલે શિકાગોના સબર્બમાં ને બીજો છેડો ખૂલે કલકત્તાની બસ્તીમાં/ સામ્યવાદનું હળ શેરીસોંસરું ચાલે ખચ્ચ-ખચકાતું ખચકાતું...

સમાજવાદનો પોપટ કાઢ્યા કરે ઢમ ઢમ ઢંઢેરામાં/ શેરીનો કૂતરો જો મત પત્રક પર સિક્કો મારી શકતો હોત! તો! તેને પણ કાપડનો તાકો મળ્યો હોત – તે પણ પાંચ મીટર પૂરો, હૉ!’

કવિતા અને કમીટમેન્ટ બંનેનું રસાર્દ્ર પ્રત્યાયન કરતો આ કવિ પણ અનોખો છે.

૦૦૦

વિનોદ જોશી માટે કહી શકાય કે તેઓ સિદ્ધહસ્ત કવિ છે અને કવિ તરીકે ગુજરાત બ્હાર પણ ખાસ્સા પ્રસિદ્ધ છે. સંસ્કૃતવૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટ, પ્રલંબ પદ્યવાર્તા વડે પોતાનું કવિત્વ સરાણે ચઢાવીને સફળ કવિ તરીકે જાણીતા કવિ વિનોદ જોશીએ લોકભાવો-લોકલયો-લોકભાષાને એકસાથે સંયોજીને લાલિત્યપૂર્ણ ગીતકાવ્યો આપ્યાં છે. વિનોદ જોશીનું ચિત્ત ‘ગીતકાવ્ય’ સિદ્ધ કરવા માટે વધુ સંનદ્ધ છે. એમની ગીત કવિતાની કેટલીક લાક્ષણિકતાઓ તારવીએઃ- ‘ઝાલર વાગે જૂઠડી’નાં ગીતો નાયિકાકેન્દ્રી છે આ નાયિકા કન્યાકાળમાં પ્રવેશતી કિશોરી છે. કાં તો એ કુંવારકા છે, નવોઢા છે. વિરહિણી કે પ્રોષિતભર્તૃકા છે. ગોપજીવનની આ યૌવનાના પ્રણયભાવોની અનેકવિધ છબીઓ એમનાં ગીતોમાં ઝીલાય છે. પ્રેમના વિવિધ ભાવસંવેદનાનું અહીં સદ્યોેગમ્ય ચિત્રણ થયું છે. વિનોદ જોશીમાં પ્રણયકેન્દ્રી ગીતો વધારે મળે છે. એમાંય નાયિકાના મુખમાં મુકાયેલાં ગીતો વધુ છે – એટલે કોક અપવાદ સિવાય મોટેભાગે ગીતની મુગ્ધા નાયિકા પોતાના પ્રેમસંવેદનની વાત માંડે છે. ‘ઝાલર વાગે –’ કે ‘પ્રોષિત-ભર્તૃકા’ આવાં જ દૃષ્ટાંતો છે. કલ્પનો અને પ્રતીકોનો પ્રયોગ ગીતમાં મૂર્તતા માટે કે સંવેદનાને સઘન તથા સ્પર્શ્ય બનાવવામાં થાય છે. સંયોગ આદિના સંકેતો રચવા વિનોદમાં કુંજડી, ચણોઠડી, શેરડીનો સાંઠો જેવાં પ્રતીકોનો વિનિયોગ થયેલો છે. કલ્પનોમાં નવતાંને તાજપ સાથેની વિનોદની નિજી મુદ્રા ઊપસી આવી છે. દાત ઝાંખી બળે રે, શગદીવડી/ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર / ઝાલર વાગે જૂઠડી...

  • ઊંબરમાં સાથિયા ને ટોડલિયે મોર/ આંગણામાં રોપાતી કેળ.
  • છાતીમાં સૂનમૂન પાળ્યાં પારેવડાં.
  • આઘી શેરી ને આઘી ઓસરી રે / આઘે આઘે બુઝારે બેઠો મોર.
  • અટકળનાં ઝળઝળિયા ઝીલી ભર્યા નજરના કૂપા રે.
  • ઘરવખરીમાં પડતર પીછું અને પવન કદરૂપા રે
  • સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં
  • સપનાનું સાંબેલું લઈને ઉજાગરાને ખાંડું
  • ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી
  • મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો...

ઉક્ત કલ્પનોની યાદી જોતાં બે વસ્તુ તરત સામે આવે છે. એક તો સોરઠી ગોપજીવન – ગ્રામજીવનનો પરિવેશ. ને બીજું કે એ પરિવેશને સચોટ વ્યક્ત કરતાં તળપદા કે લોકબોલીના ખાસ સંદર્ભમાં બોલાતા-વપરાતા શબ્દો. વિનોદનાં ગીતોની નાયિકા કોક સોરઠી ગામડામાં વસે છે વળી એની સંવેદનાને વ્યક્ત કરવા ‘મોર’ અને ‘પારેવડાં’ જેવાં શબ્દો પ્રતીકરૂપે ઘણીવાર આવ્યા છે. મોર તો માણિગરનું પ્રતીક છે ને પારેવડાં નાયિકાના સ્તનદ્વયને સૂચવે છે એથી રાગાવેગના સંકેતો મળતા રહે છે. ઇન્દ્રિયસંતર્પકતા આ ગીતોનો ગુણ વિશેષ છે. ઇન્દ્રિયરાગી કલ્પનોથી આ વાતની પ્રતીતિ થાય છે પ્રસ્તુત વડે જે અભિપ્રેત છે તેનો સંકેત આપતાં કલ્પનો પ્રતીકો ગૂંથવામાં આ કવિ માહેર છે. વળી કાવ્યના મુખ્ય ભાવતંતુ સાથે એ સંવાદપૂર્ણ બનીને આવે છે. ગ્રામ પરિવેશની સાથે નાયિકાના વયાનુસંધાને આ ગીતોમાં વિવાહ-લગ્ન-સંવનન-વિરહ-સંયોગને સૂચવતાં કલ્પનો કે એવા શબ્દસંકેતો પણ ધ્યાન ખેંચે છે. દાત મીંઢળ, નાડાછડી, માંડવો, કરેણ, આંગણ, કેળ, તોરણ, પાંપણ, કેસરિયા, પરદેશી, કૂવાકાંઠો, વહુવારુ, ગોરાંદે, સૈયર, સાસુ, પાનેતર, મોતી ટાંક્યાં, આસોપાલવ, આંબલો, અત્તરની શીશી, શ્રીફળ, વેલડું, મૈયર, રામણદીવો, મશરુનાં ચીર, જોબન, કેડ્ય પાતળી, હસીને ખણે ચૂંટિયું, પેડુએ પાતળી, પરણ્યો ઊભો વાંસ, સેંથી, નાવલો, કોલ, હૈયાડાબલી, સોહાગનાં સિંદૂર, ઝાંઝર, દામણી, અંજળ, વહાલમજી, કંકોતરી, લવિંગડીનું પાન, મોજલ્લડી, સોપારીનો કટ્ટકો, અલ્લડ, સાથિયા, ઝરૂખડા, ઉજાગરા, શેરી, ઓસરી, નીંદરનો ચોર, માથાબોળ, ટહુકા, તોફાન, શણગાર, તંબોળી પાન, અણસાર, રૂમઝૂમ થાતી, આંસુ, લાપસી, કુલેર... કૈં કેટલાય શબ્દો મુગ્ધા-નવોઢા-વિરહી યૌવનાના મનોભાવોને વ્યક્ત કરી રહે છે. વિનોદ જોશીએ પ્રેમની વિવિધ ગતિસ્થિતિઓ કે ભાવોને આલેખતાં ગીતો રચવા પૂરતી પોતાની ગીતકવિતા મર્યાદિત કરી દીધેલી છે. ને એમાં ઉપર નોંધ્યા તેવા શબ્દો કે શબ્દસમૂહો વારંવાર પ્રયોજાય છે. ને કવિ પણ આ મર્યાદાથી સભાન છે. ગીતના બહિરંગ પરિત્વે વિનોદ જોશીમાં ખાસ્સી સભાનતા છે. આથી એ નજીકના પુરોગામીઓ કે સમકાલીનોથી જુદા પડી આવે છે. લયની બાબતમાં વિનોદ એકાદ માત્રાની પણ ભાગ્યે જ છૂટ લે છે. કાવ્ય કરતી વેળા એ સહજ રીતે જ શબ્દના નાદધ્વનિને ભાવસંવેદનના સંદર્ભે ચકાસી લેતા લાગે છે. રાગીયતા અને લય, વર્ણયોજના અને પ્રાસાનુપ્રાસ તરફ પણ કવિ પૂરા સભાન રહે છે. આથી જ્યાં ભાવને અનુરૂપ નૂતન કલ્પનો મળે છે ત્યાં ગીતરચના નીખરી આવે છે. ભાવનિરૂપણ અને શબ્દસંયોજનાઃ બેઉનું સામંજસ્ય રચવા તરફની કાળજી પણ આ ગીતકવિમાં દેખાઈ આવે છે. ગીતોમાં લય-વૈવિધ્ય ઘણું છે. મુખડા અને અંતરાઓની રચનામાં એ વૈવિધ્ય આણે છે. ક્યાંક એક, બે કે ત્રણ પંક્તિના મુખડો આવે... એમાં ધ્રુવપંક્તિ રૂપે મુખડો અંતરા પછી પુનરાવૃત્તિ પામે ત્યારે એક કે અડધી પંક્તિનો જ પ્રયોગ કરવામાં આવ્યાનાં દૃષ્ટાંતો છે. પંક્તિ યુગ્મના પ્રાસથી ચાલતી ગીતરચના પણ મળે છે. ઝીંગોરા હપ્પા/ પટેલ પટલાણીમાં મુખડા પછી ત્રણ ત્રણ દોહરા/ સોરઠા પ્રયોજીને રૂપવૈવિધ્ય સાધવામાં આવેલું છે. ક્યાંક અંતરા બબ્બે કે ચચ્ચાર પંક્તિનાય લેવાયા છે. દીર્ઘલયની સામે કવિએ ટૂંકા લયની પંક્તિઓ લીધી છે. પ્રાસયોજના સહજ અને સાર્થ હોય એ પણ જોવાયું છે. લયની આવી ભાતો સિદ્ધ કરવામાં લોકગીતોના લયનો લાભ લેવામાં આવ્યો છે. વિનોદ જોશીનાં ગીતોમાં રતિનું, સંયોગ-શૃંગારનું આલેખન વધારે છે. ઊર્મિગીત સ્વાભાવિક જ રંગદર્શિતાવાળું હોય. વિનોદ જોશીમાં એવી રંગદર્શિતા રતિ-આલેખન વેળાએ આક્રમક બનતી લાગવા છતાં એ સંયમની સીમા લોપતી નથી. સ્વસ્થ રીતે કવિ રતિરાગનું નિરૂપણ કરે છે, એમનાં બે ગીતોના અંશો જોઈએ તો જણાશે કે આપણે આગળ જે કાવ્ય-વિશેષો ગણાવ્યા તે બધા અહીં હાજર છે.

પ્રોષિતભર્તૃકા

આછાં આછાં રે તળાવ,/ એની ઘાટી રે કાંઈ પાળ,
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ...

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ

વાટું અરડૂસી બે વાર / ચાટું ઓસડ બીજાં બાર
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા!) મુંને થઈ બેઠો વળગાડ...

ઝાલર વાગે જૂઠડી

ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે/જોતાં આણી પા જોતાં ઓલી કોર
ઝાલર વાગે જૂઠડી.
ઝાંખી બળે રે શગ દીવડી/ ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર
ઝાલર વાગે જૂઠડી.
આવી આવીને ઊડ્યા કાગડા/ પડ્યાં સૂનાં મોભારા સૂના મ્હોલ
ઝાલર વાગે જૂઠડી.

‘શિખંડી’ દીર્ઘ (ખંડ) કાવ્ય ઉપરાંત સર્જનક્ષણને – એ તોફાનને – રતિ આવેશ શા વાવાઝોડાને – વર્ણવતાં, પૃથ્વી છંદમાં તથા તત્સમશૈલીમાં રચાયેલાં વિનોદ જોશીનાં સૉનેટો પણ ધ્યાનપાત્ર છે. દોહરો-સોરઠો તથા ગઝલનો પ્રયોગ પણ આ કવિ સફળ રીતે કરી બતાવે છે.

૦૦૦

દલપત પઢિયારની કવિતા અછાંદસ અને ગીતનાં રૂપો પસંદ કરે છે. ‘ભોંય બદલો’નું અછાંદસ અને ‘સામે કાંઠે તેડાં’-ની ગીત કવિતા, બે સાવ ભિન્ન જીવનસંદર્ભોને વર્ણવે છે. જોઈએઃ- આ કવિ સભાન છે કે પોતાનો અવાજ તો ચોખ્ખો અને નક્કર હતો – નદીને આ કાંઠેથી બૂમ પાડતો હતો ને સામી ભેખડોમાં એના પડઘા પડીને કવિ પાસે એ અવાજ પાછો વળતો હતો. ક્યાં ગયો એ અવાજ? ગામ છૂટતાં એ ‘તાકાત’ પણ ગઈ? કે પછી ‘સભ્યતાનો કૃતક પાસ’ બેઠો છે?! કવિ પૂછે છે – ‘આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?’ – ‘આંતરી’ પડવી એ રૂઢિપ્રયોગનો અહીં કવિએ વિલક્ષણ ઉપયોગ કર્યો છે. તળ બોલી કેવી તો મદદે આવે છે! કવિ યાદ કરે છે આખો ગ્રામીણ પરિવેશ, થાપાવાળી ભીંતો, રેતની ઓકળિયો – બધું જ કવિ હવે ભૂલી રહ્યો છે... ને હવે એ એના વશમાં નથી! રક્તમાં એક જુદો જ ફાંટો આગળ વધી રહ્યાની વેદના પીડે છે. અરે, જે સરકારી મુસદ્દાઓ અર્થહીન છે – બનતાં પહેલાં જ વસૂકી ગયેલા છે – એને માટે કવિએ પોતાના શબ્દો વેડફવા પડે છે!! કેવા કરુણ વિપર્યાસ છે... કવિનો શબ્દ ક્યાં મરી રહ્યો છે! – ને શબ્દનું મૃત્યુ તે કવિનું જ મૃત્યુ છે. વળી શબ્દો તો કેવા? રાવજી પટેલના મલકનો (કાનવાડી ગામ, જિલ્લો આણંદ, તા. આંકલાવઃ દલપતનું વતન છે – મહીસાગર કાંઠે જ...) કવિ તદ્દન નવી વાત કરે છે – ‘જીંડવામાંથી તડકાસોતી ફૂટીને/ ભોંય ઉપર પડતી દીવેલી જેવા મારા શબ્દો – ‘કેવા નકરા, નવા’ને અર્થઘન શબ્દને કવિ આવા કલ્પનથી રજૂ કરે છે. ને આવા શબ્દોનાં ‘નાકાં કોઈકે તોડી નાખ્યાં છે!’ – નાકું તૂટી જાય તો પછી બીજ ઊગતું નથી... શબ્દનું પણ એવું જ! રાવજીથી નોખા પડીને આ કવિ નિજી તાકાતથી ગ્રામજીવનના અસલને વર્ણવે છે – બીજા એક કાવ્યમાં છૂટી ગયેલા ગામમાં પાછો ગયેલો કાવ્યનાયક જે સંવેદના અનુભવે છે તે કવિ આલેખે છે. પોતાની નદી મહીમાતા. એની ભેખડો પણ હવે તૂટીને વહી ગઈ છે... આ અનુભવ કવિના શબ્દોમાં આમ મૂકાયો છેઃ

આખા પટ ઉપર/ છીપલીઓ બાળકની કોરી, ઉત્સુક આંખો જેવી/ પથરાયેલી હતી! / જળની ઓકળીઓ જેવી રેતીની ઝૂલ / વાળીને ઉપાડી લેવાનું મન થયું. / માનો પાલવ આંખે. મોઢે અને આખે ડીલે વીંટ્યાના દિવસો યાદ આવી ગયા. / કરકરિયા પથ્થરની ઢગલી જેવું / હું ભેગું થવા મથ્યો. / મેં ઉઘાડા પગે ચાલવા માંડ્યું / અને રેતી ‘નદી લઈને ઊતરી પડી અંદર!

જે ગયું તે તો ગયું જ, પણ એની પીડાભરી કે પ્રસન્નકર યાદો ઝટ છૂટતી નથી; ખૂટતીય નથી. આ કવિ તો ગામડું છોડીને હવે શહેરમાં (પહેલાં અમદાવાદ, હવે ગાંધીનગરમાં) સ્થાયી થયો છે. પણ ઘર-ગામ-ખેતર-વાડ-ચણોઠી-ઝાડવાં અહીં પણ પીછો કરે છે. કવિ કૂંડામાં ચણોઠી વાવી બેઠો છે ને એ તો હવે ખૂબ ફાલી છે એની સીંગો અને નવી ડૂંખોય તે લીલી સાપણો જેવી બારી ઉપર હલ્યા કરે છે. આ સીંગો વ્હેંચીને કવિદંપતિ પ્રસન્ન હતું. પણ ઘર મોટું કરવાની લ્હાયમાં કવિના હાથે વૃક્ષ – સરગવો કાપવાનો અપરાધ થઈ ગયો છે. એ વૃક્ષ ફસડાઈ પડ્યાની ક્ષણોનો વલવલાટ હજી કવિને જંપવા દેતો નથી. કવિ કહે છે કે ઘરનો ડ્રોઈંગ રૂમ બરાબર ગોઠવાઈ ગયો છે. પણ કવિને પજવે છે પેલી નાનકડી ક્યારીઓ – જે ડ્રોઈંગ રૂમ બનતાં પહેલાં નાનકડા ખેતરરૂપે હતી. જેમાં તુવેર-પાપડી-ભીંડા-ગુવારની હારો થતી હતી. આ કાવ્યો તો પ્રતીકાત્મક છે. આપણે યંત્રસંસ્કૃતિ અને ભૌતિકવાદની દોડમાં સમૂળગાં ખેતરો જ વધેરી બેઠા છીએ. માણસો વૃક્ષોનેય ઉચ્છેદી રહ્યા છે ને ‘ગ્રીનસીટી’-ને નામે દેખાડો તથા દંભ આચરે છે એની સણસણતી કવિતા કવિ આપે છેઃ અહીં ઊગેલા માણસો રહેતા નથીઃ/ આવેલા માણસો રહે છે!/ મૂળ ઉઘાડાં થઈ જાય ત્યાં સુધીની/ માટી કાઢી લીધી છે એમણે! વૃક્ષોને લાગે છે (માણસોને ભલે ના લાગે) કે ‘એમનામાં રોજ કોઈ/ સિમેન્ટ પૂરી રહ્યું છે!/ વર્ષોવર્ષ ‘વનમહોત્સવ’ ઊજવતાં સરકારી તંત્રો અને ખૂટલ માણસોની મજાક કરતાં કવિ લખે છેઃ

જુઓ જુઓ/ લીલાં ઝાડનો દેવતા પાડનારા આ લોકો/ વરસાદની ઝાડીમાં ના’તાં વૃક્ષોનાં / પૉસ્ટરો લઈને નીકળ્યા છે / તેઓ થોડા નારા કરશે / માટી વિનાના ખાડાઓમાં થોડાં ઝાડ રોપશે / ઝારી વડે ઉપર ઉપરથી પાણી રેડશે / પછી ઘરે જઈ / આખું વન અંગૂઠે ઠેલી દેશે!

આ વ્યંગોક્તિને કશા ટિપ્પણની જરૂર છે ખરી? દલપત પઢિયારમાંના કવિને આવા લોકોની વચ્ચે રહેવાનું આવેલું છે. ને કવિ હોય તે ક્યાં સુધી ચૂપ રહેવાનો હતો ભલા! નગર અને જનપદ બંનેને કવિતામાં આમ સાથલગાં (સહોપસ્થિતિએ) મૂકીને કવિ બાકીની બધી વાતો વ્યંજિત કરી દે છે. સરળ લાગતી ઉક્તિઓ કાવ્યાત્મક ગર્ભોક્તિઓ બની રહે છે એમાં અછાંદસના કવિની સિદ્ધિ છે. દલપત પઢિયારનો બીજો મુકામ તે ગીતકવિતા છે. જોકે ગીતકવિતા એમની પહેલી નિસબત અને અંતરની આરત છે એમ કહેવું વધુ ઉચિત લાગે છે. દલપત પઢિયાર અચ્છા ભજનિક છે – લોકસાહિત્ય પરંપરામાં આવતા સંતસંપ્રદાયના સાહિત્યના તેઓ મર્મી છે. તળ ગામડેથી આવે છે – એમની વાણીમાં માટીની મહેક છે અને તળજીવનના રંગો છે. હોદ્દે સંયુક્ત માહિતી નિયામક રહેલા આ માણસનું ખરું સ્થાન તો એમની ભજનવાણીમાં આસ્થા રાખતાં એમનાં ભક્તોમાં રહેલું છે. ભક્તો માટે એ રવિભાણ સંપ્રદાયની પરંપરાપ્રાપ્ત પીઠના ‘ગાદીપતિ’ છે. પણ નિર્દંભ અને નિર્દોષ એવા આ કવિવ્યક્તિત્વને માનવપ્રેમમાં જ પારાવાર શ્રદ્ધા છે. મધ્યકાલીન સંત પંરપરાની પદ/ ભજન રીતિની કાવ્ય-સૃષ્ટિને દલપત પઢિયાર આપણા ઊર્મિગીતમાં ઢાળે છે. અધ્યાત્મ, તત્ત્વવિચાર, સંતવાણી તથા આત્મવિમર્શને આ કવિ ગીતકવિતામાં અવતારે છે. એમાં ય લોકલય તથા લોકભાષાનો વિનિયોગ કરવાથી ગીતો સહજ હલકવાળાં અને ભાવાભિવ્યક્તિ બાબતે રણકાદાર બન્યાં છે. પાટ, દીવો, વાયક-જેવાં લોકતત્ત્વોનો પ્રયોગ પણ ઉપકારક બન્યો છે.

  • અમને કોની રે સગાયું આજ સાંભરે
  • ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો
  • કિયા તમારા દેશ દલુભા કિયાં તમારાં કૂળ?
  • કોઈ રે ઉતારો મારો અંચળો
  • સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ ગ્યાં’તાં જમુનાજીને તીર, ઝીલણ ઝીલવાને...
  • મેં તો ઉંબર પર દીવડો મેલ્યો...
  • કોઈ અંધારાને કાપો, અમને ઝળહળ દીવડા આપો...

– આવાં અનેક ગીતો આખેઆખાં નોંધીને એના કાવ્યગુણો સમેત દર્શાવી-વર્ણવી શકાય એમ છે. ગુજરાતી કવિતામાં આવાં સંતવાણી કક્ષાના ગીતો દલપત પઢિયારનો નિજી વિશેષ છે. સ્વકંઠે ઊંડી આરત સાથે પોતીકી પ્રતીતિને ગાતો આ કવિ માર્મિકતા અને અર્થપૂર્ણતાનો સોબતી છે.

૦૦૦

[કવિશ્રી મણિલાલ હ. પટેલની કવિતા વિશે શ્રી રાજેન્દ્ર પટેલે (‘અવગત’ પૃ ૮૫ થી ૯૭) લખેલા લેખનો અંશ, લેખકના સૌજન્ય-સ્વીકાર સાથે, પુસ્તક અને લેખની જરૂરિયાત મુજબ ઔચિત્ય જાળવવા અહીં મૂક્યો છે, જે મણિલાલની કવિતાના વિશેષો દર્શાવે છે.]

મણિલાલ હ. પટેલ એવા એક કવિ છે, જે પેલી ઝાંખી થતી સંસ્કૃતિ અને વેરાન પ્રકૃતિની આસપાસ વ્યક્તિચેતનાને મૂકી અત્યારની સમય સંવેદનાને વધુ પ્રસ્તુત બનાવે છે. આ કવિ ઘણું બધું જુએ છે. વ્યાપક ને ઝીણું જુએ છે. આપણી આસપાસ જે જગત છે તે, જુદી રીતે જુએ છે. શેલી કે બાયરન કહેતા તેમ, ‘ધ વર્ડ ઈઝ ટૂ મચ વિથ અસ.’ જગતનું અપાર સૌંદર્ય આપણી આસપાસ વિલસે છે. આ કવિ તે જુએ છે અને અત્યારના સમયની વેદનાને અભિવ્યક્ત કરે છે. કવિ, આ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વ્યક્તિવિચ્છેદની વેદનાની અભિવ્યક્તિ દ્વારા પુનઃસંવાદ વાંછે છે. એક કાવ્યમાં એ કહે છે.

બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હઠ છોડી દે,
વસતિ વચ્ચે વિસ્તરતું રણ, ગામ જવાની હઠ છોડી દે

બા કહેતાં જનેતા તો ખરી જ, પણ સાથે-સાથે જગતજનેતા પણ ખરી. બાળપણ કહેતાં શૈશવ તો ખરું જ, પણ પ્રાકૃતિક અવસ્થા પણ ખરી, કારણ કે, બીજી જ પંક્તિમાં કહે છે, ‘વસતિ વચ્ચે વિસ્તરતું રણ’ – ભર્યાભર્યા જીવન વચ્ચે રણ તો જ વિસ્તરે, જ્યારે આપણે પર્યાવરણની ક્રૂર દશા કરી હોય, માનવીય સંવેદનાને કૃતક બનાવી હોય. સંવેદનહીનતા અને પ્રકૃતિવિચ્છેદનાં કારણો આપણને મૂળ વિચ્છેદનો અનુભવ કરાવે છે. મણિલાલ પટેલની આ નિજી મુદ્રા છે. સરળ બાનીમાંં, બદલાતા સમયમાં ભોગ બનતી આપણી અણમોલ સૃષ્ટિ અને અમૂલ્ય જીવનને વિમુખ થતું દર્શાવે છે. કવિ કૃષિસંસ્કૃતિ અને ગ્રામચેતનાની વચ્ચે આજના મનુષ્યને મૂકે છે, ત્યારે કેવી હૃદયદ્રાવક વાત બને છે, એની સહજ અભિવ્યક્તિ કરે છે. કેવળ પર્યાવરણની ખેવના નહીં, પણ એની પાછળ મનુષ્યચેતનાને સતત જાગતી રાખવાનો પ્રયાસ કવિ કરતા રહે છે.
પાછો આવી ગયો છું,/ મારાં સીમવગડામાં,/ બહુ ઊંડા ચાસ પડી ગયા છે મારામાં, તે –/ ખેતરો પૂછે છે કે, કોતરો ક્યાંથી લાવ્યો? હેં?/ ભલા માણસ!/ બહુ દૂર નીકળી ગયો હતો?/ ઊષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!!

આ કવિનું માનવું છે ‘આસું છે માટે જીવન છે. વળી માટીથી કોઈ મોટી મા નથી ને વૃક્ષથી કોઈ મોટો દેવ નથી.’ આપણી અંદર મસમોટાં કોતરો કોતરાઈ ચૂક્યાં છે. એવું તો પેલી પ્રકૃતિ જ ચીંધે છે. પોતાની કવિતામાં આ બદલાતાં જીવન તરફ પ્રકૃતિના માધ્યમથી સહજ ધ્યાન દોરવું એ આ કવિની વિશેષતા છે. રિલ્કેએ એક કાવ્ય રચવા માટે કવિએ શું શું કરવું જોઈએ, એટલે કવિએ કેટકેટલા અનુભવજગતમાંથી પસાર થવું જોઈએ, એની વાત કરી છે. ‘કાવ્ય લોકો કલ્પે છે, એમ કેવળ લાગણીની અભિવ્યક્તિ નથી. એ નક્કર અનુભવ હોય છે. એક કવિતા માટે કવિએ ઘણાં બધાં નગરો, માણસોને, વસ્તુઓને જોવાં પડે. પ્રાણીજગત વિશે જાણવું પડે. પક્ષી કેવી રીતે ઊડે છે, એ જાણવું પડે, સવારે ઊગતું ફૂલ, કેવી છટા દાખવે છે. એ જોવું પડે. વિચારોના અજાણ્યા પ્રદેશમાં પાછા પ્રવેશવું પડે. અણાધાર્યા સાહસો કરવાં પડે અને રૂઢ થઈ ગયેલાં દર્શનનો વિચ્છેદ સર્જવો પડે. શૈશવની ધૂંધળી ક્ષણોમાં પાછું ફરવું પડે. પ્રેમની પ્રગાઢ રાત્રીઓનો અનુભવ કરવો પડે. સ્ત્રીની પ્રસૂતિની પીડાની વેદના અનુભવવી જોઈએ, બાળક સાથે સ્ત્રીને સૂતી, જાગતી, એકાકાર થતી જોવી પડે.’ મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં આપણને પ્રકૃતિનું દર્શન, શૈશવનું વિશદ ચિત્ર, પશુ-પંખી, વન, વનસ્પતિ, ફૂલ-ઝાડની સૃષ્ટિ જોવા મળે છે. એમની રચનાઓમાં ‘ભૂંસાતાં ગ્રામ-ચિત્રો’ ઊતરી આવ્યાં છે. વતન-ઝુરાપો, ઘર-ઝુરાપો, અતીતરાગ અન્વયે એ પુનઃ પુનઃ પેલી ભૂંસાતી મનુષ્ય-ચેતનાને પ્રદીપ્ત કરે છે.

એક ત્રીજી મહત્ત્વની વાત આ કવિની એ છે કે, ઘણાં કાવ્યોમાં આખેઆખો મલક, કાવ્ય-નાયક તરીકે વ્યક્ત થાય છે, એ કહે છે ‘મલકે મને આપ્યું, તો મલકને હું શું આપું?’ એમણે શબ્દ પ્રત્યે નિસબત અને નિષ્ઠા આપી. એક કાવ્યમાં એ કહે છે.

માણસ નહીં હું મલક છું. થાય અનુભવ એવો
ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો.

વૃક્ષને વ્હાલ કરતો આ કવિ એટલે જ કહે છે કેઃ-

કૂંપળ પત્રો ડાળી થડ ને મૂળ માટીમાં ભળવું
મારે સાચું વૃક્ષ બનીને દુઃખ એનું સાંભળવું.

બર્નાર્ડ રસેલે મનુષ્યજાતિના ત્રણ મૂળ પ્રશ્નો તરફ ધ્યાન આપ્યું છે. ત્રણ પ્રશ્નો આપણાં અસ્તિત્વના પ્રાણપ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં બધા જ પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. ૧. મેન વિથ ધ નેચર (મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના પ્રશ્નો), ૨. મેન વિથ ધ ફેલો મેન (મનુષ્ય મનુષ્ય સાથેના પ્રશ્નો), ૩. મેન વિધ હિમસેલ્ફ (જાત સાથેના પ્રશ્નો) – આ ત્રણેય પ્રશ્નો જુદી જુદી રીતે મણિલાલ પટેલની કાવ્યસૃષ્ટિમાં અભિવ્યક્ત થાય છે. એ કાવ્યનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં માધ્યમથી કાવ્યતત્ત્વને પકડવા મથે છે અને તેથી આ મૂળ પ્રશ્નો પત્યે ભાવકનું ધ્યાન જાય છે. વિચ્છેદની વેદનાની અભિવ્યક્તિનો પ્રત્યેક શબ્દ નવતર ભાવચેતનાની આશા જન્માવે છે. એ માટે કવિ સૉનેટ, ગીત, ગઝલ, ચોપાઈ, દોહરા કે અછાંદસ સ્વરૂપો દ્વારા બદલાતી સૃષ્ટિને metaphor ચિત્રો; ભાવચિત્રો અને કલ્પન-પ્રતીકો યોજીને અનોખી રીતે દર્શાવે છે.

૦૦૦

મનોહર ત્રિવેદી ગ્રામચેતનાની ગીત કવિતાનો પ્રમુખ અને બળૂકો અવાજ લઈને આવ્યા છે. કોઈ સીમવગડાનો ખેડૂત કે નિત્યનો ફરંદો માણસ જે રીતેભાતે વગડાને-ખેતરવાડીને જાણે એ રીતે મનોહરને આ વગડાઉ પરિવેશ આત્મસાત્‌ થયેલો છે. વળી ગામડાંની નસેનસનો તથા યુવાહૈયાંની પ્રેમસંવેદનાનો પણ એ માહેર છે. એ બોલી-લય-પરિસર લઈને મનોહર ગીત, સૉનેટ, છાંદસ-અછાંદસ અને ગઝલ સરખી હથોટીથી સર્જી આપે છે. આ સૌમાં એમનો કાવ્યવિશેષ ગીતોમાં તો શિરમોેડ સમાન છે. જોઈએઃ

ધોમધખ્યા બપ્પોર

નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક
આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું
ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું
કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી
આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું
એકલવાયું વાદળું એવું લાગતું જાણે
કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું

છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક

જેણે ગામ-સીમ-વગડાની અને જીવતરની ય ઝાઝી બધી બપ્પોર વેઠી-જાણી-માણી હોય એની કલમે જ આવું ગીત ઊતરે-અવતરે! દૂરનું મંદિર માએ કેડ્યમાં તેડેલું છોકરું લાગે – કેટલું સહજ છે! ને બપોરના તડકાની ધારાઓ કાબરી ગાયના પ્રાહવાની તડકાળ શેડ્યુ – સાથે બરાબરની juxta pose(સંનિધિ) કરી આપે છે. ને ગજબ છે આ કે આકાશમાં એકલું વાદળું જાણે ઉનાળાના પડતર ખેતર શેઢા પાસે ખેડૂતે હળથી ઉખડેલા ઢેફા જેવું લાગે છે! વાયરો ઝાંડવાંને ઝંઝેડી નાખે – જાણે વાઘસિંહની ત્રાડ પછીની ફાળમાં ને ફાળમાં છાંયડા ય ધ્રૂજી જાય છે... અતિ સૂક્ષ્મ ચિત્રો છે આ બધાં... ને આમ સીમમાં આંખની સામે પણ છે. પણ કવિની કલમ એને નકશીકર્મથી નવતા બક્ષે છે.

બ્રાહ્મણ પરિવારમાં ઉછેર અને આજીવન ઉત્તમ શિક્ષક રહ્યા એટલે શ્લોકગાન-લય-તાલનું તથા શબ્દશક્તિનું ભાન-જ્ઞાન હોય એ સ્વાભાવિક છે; વળી એ લયસંગીત તથા જીવનચર્યા અને સંસ્કારનાં વિધિવિધાનો પણ મનોહરની ગીત કવિતામાં મદદરૂપ થાય છે. દાત

‘ચાસેચાસે પ્રભુ પધાર્યાઃ નમી પાનની ગ્રીવા

આઠે પ્હોર રહે ઝળહળતું/ તનનું આ મંદિર
નસ નસ માંહી રહે ટપકતાં/ ગળતી જેવાં નીર

શ્વાસેશ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા...

તડકાએ રચેલો સૌન્દર્યલોક તથા આકરા તડકાનાં વિવિધ રૂપો મનોહરે છ ગીતોમાં ગૂંથી લીધાં છે. ઓણના જેવા વાયરા અને ઓણ જેવી બપ્પોર –

નીરખ્યા ક્યાં વૈશાખના આવા તોછડા કદી તૉર?


મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર


અકળામણથી લોથપોથ સૌ રસ્તા-ચોક-મકાન
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન

અહીં સરળતા સાથે રસાળતા તો છે જ પણ એ સાથે આ શબ્દસંયોજનથી ભાવલોક અને દૃશ્યલોકનું જે સામંજસ્ય રચાય છે તે ધ્યાનાર્હ છે.

આ બધા છતાં મનોહરનાં ગીતકાવ્યોમાં ગ્રામીણ યુવતીની પ્રેમસંવેદનાઓ અને સીમવગડાની પ્રાકૃતિક લીલાઓ એકબીજાને ઉજાગર અને ઊજળાં કરે છે. તે પ્રકારની અભિવ્યક્તિઓ વધારે કવિત્વ દાખવે છે ને એ સ્તો મનોહરની નિજી મુદ્રા બની રહે છે. જરા બીજી રંગત ભેળવીને મનોહર ગીત કવિતા રચે છે; એટલે એમાં ઓરડો-ઓસરી-પડસાળ આવે છે; ફળિયું-પાદર-નદી-નેળિયું-સાદ આવે છે; વાડ-ઝાડ-છાંયો-પંખીગાન ને સીમખેતરનું ધ્યાન આવે છે.

થોડીક પંક્તિઓ ટાંકીએ; ને રંગદર્શી છટાઓને માણીએઃ-

ખડકી ખુલ્લી રાખ/ પંખીને ચણ નાખે છે તો બ્હાર નજર પણ નાખ
તારું ઘર ને તારું આંગણ તારાં શેરી ચોક
એવો તો શો વાંક સખી, કે અમોજ કેવળ કો’ક?
ચિઠ્ઠીમાં ગળપણ મૂક્યું છે છાને ખૂણે ચાખ/ ખડકી ખુલ્લી રાખ!


ચૂંટી ભરતી પડખામાં ને ધીમે રહીને પૂછેઃ
આવાં મૂંગાં થૈ જાવાનું કારણ કહેને, શું છે?


જરી શરમને રાખ સાચવી પ્રીતમ કરશે મૂલ, સખીરી
મેંદી લઈને હથેળીઓમાં નમણાં મૂકે ફૂલ, સખીરી
મેંદીનાં નમણાં ફૂલો જેવું જ આ પ્રેમાનુભૂતિનું નાજુક ગીત છેઃ-
મને નિરાંતે ચીડવવાનું મળ્યું મધુરું કામ
પાંખડીઓની વચ્ચે મૂક્યું વ્હાલમજીનું નામ
ગયા જનમનાં વેર વાળતી આમ કરી વ્યાકુલ, સખીરી
ઘડી કુંવારું શમણું લાગે, ઘડીક આંખની ભૂલ, સખીરી


પિયુ મિલનની પળનું એક આ લોકારણ્યનું ભાવદૃશ્ય તો માણીએઃ-
હાથનાં કંકણ ટહુક્યાં / ઝુમ્મર કાનનાં ઝીણું ઝૂલે
પગનાં ઝાંઝર વાતે વળગ્યાં/ હોઠ પછી શેં ખૂલે?
મન તેં કોરુંકટ્ટ ભીંજાવ્યું હેતની છાલક મારી
ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચનઃ રાતને તેં શણગારી
સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી...


નમણી નારીના દેહલાવણ્યને કવિ બે પંક્તિમાં રજૂ કરી દે છેઃ-
નજરું તૂટી જાય જોઈને કેડ્યનો નમણો લાંક હો
જ્યાં તું થાતી પસાર પંથને ફૂટે નવા વળાંક હો...


પાંદડાંએ વરસાદી ટીપાં ઝીલ્યાં છે એમ ઝીલી લઉં હુંય તારા ગીતને-
વાયરાએ ઉઘાડી ઓઢણીઃ ઉઘાડ જરી ઓછું બોલ્યાની તારી રીતને–
ઝાઝું શું સમજાવું મીતને...

આ ભાવાલેખનમાં નવતા-તાજપ ને રસાળતાનો નોખો મેળાપ છે. મનોહર ત્રિવેદીનાં ગીતકાવ્યોમાં ઝીણું નકશીકામ કરેલાં કલ્પનો પણ ઘણાં મળે છે. તડકો-બપ્પોર ને સીમવગડાનો બધો જ અસબાબ મનોહરને હાથવગો ને હૈયાવગો છે જાણે! દાત

‘ભાઈ એટલે આંબા ડાળે લચી પડેલી સાખ’
‘ટીપે ટીપે પાંદડાં ચૂવે સૂરના મીઠા કૂપ...’
‘હળ ખેડૂની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય
ભોંયના કૂણાં દેહને એની ત્રોફતી તીણી સોય.’
‘તરણાંના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી
અહો, પોષની તડકી!’
‘થોર વીંધતો ગયો પવન તે પાછો નહીં વળવાનો’
‘વેહ છાંયની નદી ને ઉપર ચાંદરણાંની નૌકા
દૂર દૂરની ખેપ કરીને આવ્યા પંખી ટૌકા’
‘કુંજડીની હાર જાણે નભમાં લ્હેરાય–
તારા ઊડે છે એમ કોરા વાળ
ગુંજી ઊઠી તે તારા હાથની આ બંગડી
કે પંખીના કલરવની ડાળ’
‘ગોધણની ખરીએથી ઊકલે વાટ/ હવે નિરાંતે કલબલતી કૈં વાત’
‘વૈશાખી તાપમાંય પરબોએ ઢાળ્યાં છે છાંયડાંનાં આસન-બાજોઠ’
‘નજરું શાથી ધૂળમાં ઢળી? દાંતથી ચાવે નખ!
ઊડવું ભૂલી ખડની સળી, એવડાં તે શાં દખ?
સ્હેજ હસે તો મ્હેકશે તારા હોઠની નાજુક જૂઈ/ બોલને, વાલામૂઈ?’
‘કોણ પ્રેમથી આમ મળે છે?
ધૂળવછોયા પગને જાણે બચપણસોતું ગામ મળે છે’
‘કલવર ઊઠે-શમેઃ ઝાડ તો તીરે ઊભાં યથા-
સ્મરણો તારાં ઉમેરાઈને વહેવા લાગે કથા’

આવી અનેક અભિવ્યક્તિઓમાં ભાવ-ભાષાની સંવાદિતાને વળી લયના મરોડ સાંપડે છે. મનોહરની આવી ગીત રચનાઓ આપણી હૈયાડાબલીમાં હાંફતાં કૉલને જગાડે છે ને એથી આપણી આંખોમાં નમી (ભાવાર્દ્રતા) પ્રગટે છે. ગીતોની આ જ તો નોંધપાત્ર સિદ્ધિ છે. આ કવિતા ભાવકને બરોબર સંડોવે છે.’

૦૦૦

કમલ વોરા ‘અરવ’ તથા ‘અનેકએક’ સંચયો દ્વારા કવિતાનું તથા કવિતામાં પ્રગટતાં સંવેદનો અને વિચારનું નિસ્યંદિત રૂપ રજૂ કરવા તાકે છે. ભીંત, પગ, પતંગિયાં – એમ અનેક વિષયો લઈને ગુચ્છોમાં રચના કરતો આ આપણો ઓછા-બોલો કવિ જે બોલે છે તે છેક ઊંડેથી બોલે છે. પરિચિત વસ્તુ – જગતનાં અપરિચિત રૂપો રજૂ કરતી કમલની કવિતામાં ભાષા પણ જાણે નહિવત્‌ અને અ-રવ પગલે પ્રવર્તતી દેખાશે. ભાવજગતનું ને વસ્તુજગતનું સાયુજ્ય રચવા ચાહતો આ કવિ ‘Abstraction’-નો વારેવારે આશ્રય લે છે. વસ્તુઓમાં નિહિત સૂક્ષ્મ સ્તરો કે એ દિશાના ઝીણા જીવનસંદર્ભોને તાકતો આ કવિ પ્રચ્છન્ન રીતે જાણે કે તત્ત્વદર્શનનો આસ્વાદ્ય અનુભવ કરાવે છે. ‘પગ’ કાવ્યની સંકુલતા આસ્વાદ્ય છેઃ સશક્ત/ ભરાવદાર કાળા/ કોઈ કોઈ રેશમી સુંવાળા/ રતુંબડા કદલિ સ્નિગ્ધગંધા/ ખંધા/ હમણાં કોઈ બોલી ઊઠશે/ એવા તત્પર/ ચૂપ/ ચાપ ચાલે જોડાજોડ/ દોડાદોડ/ ઘોડા/ ઘરડા ખૂંસટ ખાટ/ ખખડધજ ખૂંટા/ પગ/ હાથીપગા/ ભારેપગા/ માટીપગા/ પગ/ મૂકાય લુછાય પૂજાય/ ચંપાય મંડાય ઢંકાય લંબાય/ વળી જાય કરી જાય પડી જાય / અડાય રખાય દબાય મરાય ઘસાય/ જકડાય ઢસડાય ફસડાય કચડાય/ આવે ઊભા રહી જાય/ છોલાય ધોવાય/ તૂટે દુઃખે ભાંગે ભાગે/ હલે ટકે ઠરે લંગડાય ખોડંગાય/ પગે/ કીડી ચડે પાણી ઊતરે/ લગાવ જવાય થવાય/ પગમાંથી પગમાંથી પગ/ નીકળી નીકળતા જાય/ પ્હોળા થાય પ્હોળો થાય/ ડાબો થાય/ જમણો થાય/ હાંફે થાકે/ પાકે/ ડંખ પડે/ ખરજવું થાય/ લકવો થાય/ વાળ ઝૂમખા બણબણે/ પડી જવાય ગબડી પડાય/ ઊડતી ધૂળમાં વિખરાય/ પછડાતાં પાણીમાં ભળી જાય/ માથે જવાય/ અંગૂઠે/ અગ્નિ ચંપાય. કમલની બોર વિશેની રચનાઓ થોડી વધુ ગર્ભિત રહીને પણ આકરા વ્યંગ કરવામાં સફળ રહી છે. ‘બજારમાં’ રચનામાં બોર લઈને બેઠેલો માણસ કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે છે – હા, અને કવિ પણ છે અને કલાકાર પણ છે. વૈશ્વીકરણ અને બજારીકરણના સન્દર્ભે આ રચના ઠંડી તાકાતથી ભાવકોને શારી નાખે છે. ‘તોલ તાજગીમાં ગોલમાલથી/ બજાર ઊભરાય છે.’ અહીં પ્રામાણિકતાનું કામ નથી. પણ કવિ અનેક ઘોંઘાટો વચ્ચે – ‘હુંય મારાં બોર લઈ આવ્યો છું ને/ ચાખી ચાખી / એકેક બોર અલગ કરતો જતો/ બેઠો છું બજારમાં/ ચૂપચાપ’ – કહે તો પરિસ્થિતિને મૂક રહી પડકારે છે. ‘વૃદ્ધશતક’-માં કમલનો જુદો ચહેરો ને વિ-શિષ્ટ અવાજ પરખાઈ આવે છે. જીવનની બધી ગલી કૂંચીઓ અને ભાવ-અભાવોની વાતો વૃદ્ધોની ભૂમિકાએથી રજૂ થઈ છે. મિતભાષી કવિ અહીં ખાસ્સું ખોંખારીને બોલે છે. ભાષા અહીં માધ્યમ રહીને ય ઉત્તમ રૂપો પ્રગટાવે છે. આવી કવિતા અને આવો કવિ ભાષાનું સદ્‌ભાગ્ય ગણાય.

૦૦૦

ભરત નાયક ‘અવતરણ’ અને ‘પગરણ’ સંચયોમાં દૃશ્યો અને વસ્તુ રહસ્યોની કવિતા લઈને આવ્યા હતા. હવે એમનો ‘વિચરણ’ સંચય આવવામાં છે. છબિકળાનો ખૂબ શોખ કવિની કવિતામાં પણ વિવિધ એંગલ, વિસ્તાર, કેન્દ્ર, દૃશ્યોની રચના સન્દર્ભે દેખાઈ આવે છે. એમનાં ‘ડુંગળી’ કાવ્યોમાં તથા ‘ટાપુ’ જેથી રચનામાં પ્રચ્છન્નને તાગવાની મથામણ જ કવિતા બની છે. એમની અછાંદસ-ઉપાસનામાં ભાષામાં આંતર્‌લયોને પામવાની જિદ્દ પકડી શકાય છે. વનવગડો, પ્રકૃતિનાં રૂપો એમ ઘર-ગામ-નગર-ગલીની દૃશ્યાવલિઓ રચવામાં ભરત નાયકની મથામણો હજી અડધે રસ્તે ઊભેલી પામી શકાય છે. કલ્પન-પ્રતીકોની શોધ કરવામાં નહિ થાકતા આ કવિને એવાં પાસાદાર કલ્પન મળી જાય છે ત્યારે કવિતા રણકી ઊઠે છે. રાત્રિ અને વનનાં આવાં વિલક્ષણ રૂપો આપણને તરત યાદ આવે છે. ભરત નાયકમાંનો કવિ કશીક આદિમ વાતને, કશાક મૂળને તથા એવા રહસ્યને પામવા મથે છે. દરેક વખતે એ બધું હાથ લાગતું નથી. કવિ છેંકભૂંસ કરતો રહે છે ને ક્યારેક કવિતાને કાંઠે હોડી નાંગરીને ભાવકને તેમાં બેસવા બોલાવે છે. ભરત નાયકની કવિતા ઘરમાં ઊંડાણે જઈને પુરાણી વસ્તુઓમાં સ્પર્શ-ગંધ-સ્વાદ શોધે છે તો વળી દૂર વન-જંગલ-પહાડોમાં જઈને ત્યાંની નીરવ-નિભૃત સૃષ્ટિનાં રહસ્યો પામવા પણ મથે છે. ‘પ્રાણોગણ’ કવિતામાં ડાઘિયો, ભૂંડ, હરણ, નોળિયો, કાચિંડો, પાટલાઘો, કૂકડો, આગિયો, ગીધ, અને ઘૂવડ વિશેનાં વિલક્ષણ નિરીક્ષણો છે. આ કવિની ઘ્રાણેન્દ્રિય સતેજ અને ઘેલી પણ છે. એ સોડમ-ની કવિતા કરે છે. ચોમાસુ, ઉનાળો, મુંબાઈની કવિતામાં પણ ભૌતિક જગતનાં રૂપોનું ચિત્રણ થયું છે. સ્વાભાવોક્તિ, સજીવારોપણ, રૂપકથી લઈને આ કવિ કલ્પન/ પ્રતીક સુધી વિહરે છે. દા.ત. ‘રાત’નું રૂપ જુવોઃ સઘળું જંપી જવામાં છે/ સમડીને હથેળી પર તેડી લેતો પવન/ વડની બખોલમાં પાછો ફર્યો છે/ ગેડી સાથે અથડાયેલો દડો ગબડી ખૂણામાં પડ્યો છે/... વળગણી પર કપડાંની જગાએ માખીઓ ઠરીઠામ થઈ ગઈ છે/ ચંપાતા પગલે રાત ઘરના પોલાણમાં પથરાય છે. એક તરફ ‘જાતરા’ જેવી લાંબી કવિતામાં ઘર-સંસાર-નગર-વનો-નક્ષત્રો-ઋતુઓને ઊંડળમાં લેવાની મથામણ છે તો બીજી બાજુ લઘુકાવ્યોની ચિત્રાત્મકતા પણ પ્રભાવક બને છે. નવાં ક્રિયારૂપો ઘડતો આ કવિ મેડમ ક્યૂરી, જેમ્સ વૉટ અને ન્યૂટન જેવા વિજ્ઞાનીઓ વિશેની કવિતા સાંપ્રત જીવનમાં એ સૌને વ્યાપ્તરૂપે બતાવે છે. ભરત નાયક રોજ નોખી કવિતા કરવા મથનારા કવિ છે.

૦૦૦

કાનજી પટેલની કવિચેતના મુખ્યત્વે તળની જનચેતના સાથે, આરણ્યકોની અસલ ભૂતલ ચેતના સાથે જોડાયેલી છે, જે કવિતામાં જીવ અને જીવનચેતનાને સોંસરી તાકે છે. અહીં માટી માતા છે ને પથ્થર દેવ છે તો ડુંગર પૂર્વજ છે – પાણી પ્રાણ અને તેજતિમિર જીવ-જીવનની ગતિ છે. મતિ છે આ કવિની પણ એમાં સમ્‌મતિ છે. ધરતી, પ્રકૃતિ સાથે આકાશને સંબોધે છે. મૂળના લોકોની અને એ અસલ કાળની રસમ બની ગયેલી રીતિઓની વાતો આ કવિતાનો મૂળાધાર છે. પૃથ્વી અને પૂર્વજ વતી કવિ વીતેલી કથાનાં કથન કરે છે ને વર્તમાનની વ્યથાવેદનાની વાત માંડે છે. વનવાસીના વનવગડા પડાવી લેવાની રાજ્યની પેરવીઓથી વ્યથિત તળનો મલક અને માણસ વ્યગ્ર થયાં છે – એની કવિતા ગુજરાતીમાં કાનજી દ્વારા પહેલવારકી થઈ રહી છે. જમીન-જંગલ ને જળ ઉપર આધુનિક સંસ્કૃતિનું વરવું ને વિકૃત આક્રમણ થયું છે... પ્રકૃતિ વેરાન અને ધરતી વિધવા શી ભાસે છે. ત્યારે અસલનો, તળનો, પ્રકૃતિનો પોકાર ઊઠ્યો છે એ બાપોકાર-ની આ કવિતા છે. મૂળ વાત છે વનવાસીની પોતાની અસલ સંસ્કૃતિ અને નિજી પરંપરાઓની. વિકાસને નામે પૃથ્વીની લાજ લૂંટનારી આ દુઃશાશનીય રાજનીતિએ કાળો કેર વર્તાવ્યો છે. આદિવાસીઓનું જીવન પ્રકૃતિમય છે. જળ-જંગલ-જમીન પર આક્રમણ કરનારી, લોકશાહીને નામે સંવર્ધિત થતી જતી અને અસલને ભરખી જવા બેઠેલી આજની યંત્રસંસ્કૃતિએ જીવન સાથે વિચારધારાઓને પણ પ્રદૂષિત કરી છે. કાનજીની કવિતા આ વિપથગામી વલણો સામે અવાજ ઉઠાવે છે... એમાં આદિમજનોનો અવસાદ છે. વનવાસીઓની પરંપરા અને વર્તમાન પીડાઓને કવિ એમની જ ભાષારીતિ અને એમના સન્દર્ભોમાં આલેખે છે... આદિજન-પરંપરાની દંતકથાઓ, લોકવાયકાઓ તથા એમનાં વિધિવિધાનોને વણી લેતી કાનજીની રચનાઓને પંચતત્ત્વોના સંદર્ભમાં પણ ઉકેલી જોવી પડે એમ છે. સંસ્કૃતિ-વિકાસના ક્રમને કવિ આ રીતે મૂકે છેઃ પગંદડી ડુંગર મેલી/ ખેતર ઝાલ્યાં/ ખેતર છોડી/ ગામ જમાવ્યાં/ ગામ વિખેરી/ શેહર માંડ્યાંં/ કેડી દંડી વાટ/ મારગ જળ મારગ-આકાશ મારગ/ મારગ પર મારગ/ હા/બધો મારગ - મન મારગ/ પગદંડી નીકળી/ તોફાની પવન થઈ જગ આખે – ફરી વળી. કાનજી સમય/યુગ સૂચક શબ્દો મૂકીને કથ્યને ચીંધી છૂટે છે – એટલે પછી ભાવકે સન્દર્ભો મેળવીને મથવું પડે છે. અહીં અર્થ વિલંબિત થઈને મળે છે. જીવનનો આદિમ ઉલ્લાસ કવિ એ પ્રકૃતિપદાર્થ અને ક્રિયારૂપોથી રજૂ કર્યો છે. જોઈએઃ- મૂંગા ભેગો મૂંગો લાખેણાં વરસોનો થાપ્યો ડુંગરો/ ચોમાસે મોળે વાદળ ફર્યાં/ પૂરણ પાણી પીધાં/ ને મ્હાણાય બોલવા લાગ્યા/ ઝાડ ઊડવા લાગ્યાં/ ઝરણાં ભેગા નાગ સરક્યા મેદાને/ પંખી અલકમલક ઊડી ગયાં/ વાટ વાઘડાંથી ભરાઈ ગઈ/ લોઢિયા તળેટી હળલાકડે ભરાઈ/ તળાઈ થઈ/ જીવડાંને ખાવા જીવડાં મળ્યાં/ તો કોઈને દાણા/ સૂવાના મ્હાણા જડ્યા/ ખીણોમાં ગીત મંડાયાં/ ટોચ રણકી ઊઠી/ મલક અલ્લાટા કરે/ પવન ઠર્યો કે/ વાદળ ઊભાં/ મૂંગા ડુંગરે... કાનજીના ‘જનપદ’ સંચયમાં સરરિયલનો પ્રવેશ ઘણીવાર પ્રત્યાયનને અવરોધતો હતો. તળજીવનના ભીલીસન્દર્ભો ‘ડુંગરદેવ’માં પણ દુર્બોધ બનતા હતા. ‘ધરતીનાં વચન’-માં આરણ્કોની સમસ્યાઓ / પીડાઓ પ્રત્યાયનક્ષમ બનીને પ્રગટી છે. આ વાત કવિની કવિતાનું વિકસન સૂચવે છે.

૦૦૦

બાબુ સુથારની કવિતામાં બેત્રણ ધારાઓ ક્યારેક નોખી નોખી તો ક્યારેક એકબીજીમાં ગૂંથાઈને વહે છે. ‘ગુરુજાપ અને માંલ્લુ’-માં લોકતત્ત્વોનો તળ ભૂમિકાએથી વિનિયોગ રચાયો છે. ‘સાપફેરા’ – વગેરેમાં ગામડાંનો પરિસર યંત્રચેતના – નગરચેતના સંદર્ભે નિરૂપણ પામે છે. ‘ઘરઝુરાપો’-માં ડાયાસ્પોરિક સંવેદના પ્રભાવકતાથી પ્રગટી છે. એમનાં ઈયળ તથા ડોશી (મા) ગુચ્છનાં કાવ્યો પણ ધ્યાનપાત્ર છે. આ કવિ વ્યતીતને વિવિધ રીતિઓમાં, પરંપરાગત વિધિનિષેધોના વ્યાપક સંદર્ભોમાં, એ સમયોની ભાષાભાતોમાં મૂકવામાં સફળ રહ્યા છે. વળી આ રચનાઓ રચાઈ છે અમેરિકાની ભૂમિ પરથી, એનો રચનાકાર અનેક સમયસંદર્ભોની વચ્ચે ઊભેલો છે. વતનનો વ્યતીત અને પારકા દેશનો સાંપ્રત-કવિ થોડાક લસરકાઓમાં આપણી સામે juxtapose(સામસામે ને સાથે) કરી આપે છે. આમ, કવિનું કાવ્યવિશ્વ સંકુલ બન્યું છે. ‘ઘરઝુરાપો’ની કવિતા સુંવાળી છતાં બાવળની શૂળ સમી અણિયાળી છે. કવિની સંવેદના પ્રત્યાયનક્ષમ સંરચનામાં ઝિલાઈ છે. બધું સંક્રમિત થાય એવું છે છતાં કવિએ એમાં સંદિગ્ધતાઓ તથા સંકુલ સન્દર્ભો સહજપણે આવવા દીધાં છે. ઘરઝુરાપોની એક રચના ફિલાડેલ્ફિયા નગરની વર્તમાન ક્ષણોના આલેખનથી પ્રારંભાઈને કવિના ગુજરાત સ્થિત વતનગામ ભરોડીના વ્યતીતમાં જઈને વિરમે છે. બરફ પડી રહ્યો છે/ વીજળીના અજવાળા સાથે ચાંદીની પતરીએ/ ઘસાઈ રહી છે/ દિવસે અંગૂઠાના નખ જેવડું લાગતું આ શહેર/ રાતે જોજનો સુધી પથરાઈ ગયું છે/ વૃક્ષોની અંદર અને વૃક્ષોની બહાર/સૂનકાર જાળાં ગૂંથી રહ્યો છે... વીજળી દીવાઓના અજવાળામાં, બરફની વરસતી પત્તીઓને પતરી જેવી અને ઘસાતી (કર્કશ) કહીને નગરની રુક્ષતા ચીંધી દેવાઈ છે. માઈલોના માઈલો પથરાઈ ગયેલાં નગરોની નિજી ઓળખ નથી રહી... વૃક્ષોમાં ય સૂનકાર સન્નાટો ‘જાળાં’ ગૂંથે છે – હા, બધું જ અહીં શિકારીની મુદ્રામાં છે... ત્યારે પોતાના ગામની રાતોને કવિ યાદ કરે છે... મને યાદ આવે છે મારા ગામની એ રાતો જ્યારે હું સૂતો હતો ઓસરીમાં ઘઉંના મોલની આંગળી ઝાલીને. અહીં ઘઉંના ખેતરો અને ઘરની ઓસરી સાવ નજીક દર્શાવીને કવિએ પ્રકૃતિ અને કૃષિજીવનનું સહજનૈકટ્ય બતાવ્યું છે. એ પછી ગ્રામજીવન પણ કેટકેટલા લૌકિક સંદર્ભોથી અને દંતકથાઓ, રીતિરિવાજો-માન્યતાઓથી ખચિત હતું એ વર્ણવાતું આવે છે – પ્રત્યેક રચનામાં! વિક્રમરાજાની કથાઓ, રાતે રમવા આવતું શિયાળ, પારસમણિવાળો નાગ, બોડી ભેંસ, આંબલીમાં રહેતી વંતરી-ચૂડેલો, પીપળાનો જંત કે ભૈરવ – બધાં જ શિશુવયનાં ભયાનક અને અદ્‌ભુતની સૃષ્ટિ બની રહ્યાં હોય છે, ને કિશોરકાળ સુધીમાં તો કપોળ કલ્પનાઓ (ફેન્ટસી)નો તો પાર નથી રહેતો. મને ક્યારેક થતું/ ગામની કીડીઓ/ જો હાથી બનીને ફળિયામાં નીકળી પડે તો કેવું?/ પેલો સાત પૂંછડીવાળો ઉંદર/ હાથમાં મેરૈયું લઈને તેલ પુરાવવા નીકળે તો/ આજે દિવાળી કહેવાય કે નહીં? આવી માયાવી લીલાઓની વાતો ય ગઈ! એની સામે આ યંત્રયુગમાં, કબરોમાં દાટેલાં માનવોનાં હાડકાં અને જીવતાંઓની સ્મૃતિઓ પણ બચ્યાં નથી... આધુનિકોએ શહેરને ‘ગૂમડું’ કહેલું. મારો સમકાલીન અને અનુઆધુનિક કવિ બાબુ સુથાર (‘બાસુ’) શહેરને ‘પૂમડું’ કહે છે પણ ચાંદીમાં બોળેલા રૂનું પૂમડું! પેલું અત્તર મ્હેકાવતું એ તો નહિ જ! બરફવર્ષામાં ડૂબેલું શહેર કેવું હોય?’ – આખું શહેર જાણે કે/ ચાંદીમાં બોળેલું રૂનું પૂમડું./ હમણાં સવાર થશે,/ દૂધિયા કાચની પેલેપાર/ એક સૂરજ ઊગશે./પછી આ શહેર બધાંના ખભા પર/ અને/ બધાં આ શહેરના ખભા પર/ બાબરિયા ભૂતની જેમ ચડી બેસીને/ નીકળી પડશે... પ્રાકૃતિક જીવનને કુંઠિત કરતી, વિપરીતતાઓ તો અનુ-આધુનિક જીવનમાં પણ છે... બલકે પ્રકૃતિ ઉપર યંત્ર સંસ્કૃતિના આક્રમણનાં વધુ વિકરાળ પરિણામો સામે આવીને ઊભાં છે ત્યારે વ્યતીતના ખોળામાં ઢબૂરાઈ જવાની કવિની અને જનમાત્રની ઈચ્છા સહજ છે – માનવસહજ છે. કવિ આપણને વરસાદના રમણીય દિવસો અને સ્પૃહણીય સ્મૃતિઓમાં લઈ જાય છે. તમે ધૂળિયા ફળિયામાં પહેલા વરસાદી છાંટાની ભાત જોઈ છે? કદીય? મકાઈ ચાળવાના ચાળણાની ભાત જ જોઈ લ્યો જાણે! વરસાદના પહેલા છાંટાથી જ/ ધૂળ ચાળણી જેવી/ થઈ ગઈ છે. પથ્થરોને અળાઈઓ ફૂટી નીકળી છે... વરસાદે ભીના થયેલા કર્કરા પથ્થર પર હાથ ફેરવતાં થયેલો આ સ્પર્શ વિલક્ષણ છે... કોઈના વાંસામાં જાણે અળાઈઓ ફૂટી છે ને તમે એને પસવારો છો! પુરોગામીઓએ ઘણું વાપરી-વેડફી નાખ્યું હોય એ પછી પણ નવતર લાવે ને તાજપથી ભરી દે તેનું નામ કવિપ્રતિભા! બાસુ કહે છેઃ હમણાં મેઘો ખાંગો થશે/ નળિયે નળિયે નદીઓ છલકાશે/ નેવેનેવે રેંલ્લા દોડશે/ ફળિયે ફળિયે સાત સાત તરીલે બળદ/ પાણી તાણશે./ ઘેર ઘેર મોભ ડીલ ભરીને નાશે/ ભીંત પર/ વૃક્ષનાં થડ પર/ પાળિયે પાળિયે/ પાણીના રેલા/ ઈશ્વરના પૂર્વજોના/ હસ્તાક્ષર બનીને ઊઘડશે.../ પછી મેઘો થોભશે/ આકાશ ઊઘડશે/ બાની હથેળી જેવું... આજે ન થવાનું થશે/ આજે પહેલા વરસાદની સોડમ/ અને/ હું/ બેઠાં છીએ/ એકબીજામાં/ આરપાર. કવિની સાથે આપણા મનમાં ય ગામનું નામ પડતાં જ ભીતરે ચમત્કારો જાગે છે. અક્ષરો મેરૈયું બનીને અને ચાંદો કપાળમાં તાપોલિયું(ગૂમડું) બનીને ઝલમલી ઊઠે છે – કાગળમાં અજવાળાનો મોલ ઝળહળે છે – તે જ આ કવિતા! ને પછી તો પ્રાણવંતા પૂર્વજો પણ જાગીને બેઠા થાય છે – ગાય છે... ને પ્રકૃતિ પણ પોતાના અસલ પાઠમાં આવી જાય છે...! દાસી જીવણ, ગંગાસતી ને કૂબેરિયો ભગત ગાતા-વાતા સંભળાય છે.... લોકટૂચકાઓ સામે આવે છે – માતાને પારે ચઢાવાતી ગાગરો, મેઘધનુષ્યનાં બચ્ચાં જાણે કાચિંડાઓનાં બચ્ચાં, બોડી ભેંસને શિંગડે તારામંડળ ઝુલે, વાવમાં પધરાવેલાં દીકરોને વહુ બ્હાર આવે... કાનો માતર જાણે ભવાઈની ભૂંગળ થઈ વાગવા માંડે... વાડામાં ના’વાના પથરા પાસે કવિએ જાતે રોપેલા ડમરા કવિને આજે યાદ કરતા હશે – નહિ તો આવું ન થાય! ‘ફિલા’માં પણ કવિ એ જ વતન-ગામ-ફળિયામાં ઘડીવાર ગરક થઈ જાય છેઃ Novalis કહે છે તે સાચું છેઃ ‘Philosophy is property homesickness; it is the urge to be home everywhere.’ આ કાવ્યોમાં સિમેન્ટનો રસ્તો ઘડીક ગાડાવાટ તથા બાલ્ટીમોર એવન્યૂ ગામનું ફળિયું બની જાય છે – ને સમૃદ્ધ વ્યતીત વ્યાપી વળે છે. કાવ્યનાયકનો ઘરઝુરાપો અનેક આયામોમાં ડાયાસ્પૉરિક અભિવ્યક્તિ કરે છે. વ્યતીત અને એ કાળનું વાસ્તવ આ કાવ્યોમાં ‘અતિવાસ્તવવાદી’ રીતે અભિવ્યક્તિ પામતું કળાશે... કાવ્યોમાં સંકુલતા તથા વૈવિધ્ય આવ્યાં છે. અહીં કશું સપાટ રીતે કહી દેવાયું નથી. એમાં સૂક્ષ્મતા પણ ફૅન્ટસી વડે વધુ પ્રભાવક બની છે. દાત બોડી ભેંસની મૃત કાયાને માણસો ચીરે છે એ દૃશ્યોમાં ઉક્ત વલણો તરત પરખાશે. આ કવિ વિશે છેલ્લી વાતઃ ઘરઝુરાપા ચોઘડિયું હવે પૂરું થયું./ માતાજીનો રથ નીકળે/ એમ ગામ નીકળેલું/ મારી નાડીઓમાં./ એને હમણાં જ/ વળાવીને પાછો આવ્યો છું/ મારી હયાતીના ઝાંપે. પણ કાવ્યનાયક ખોટો પડે છે. ઘરઝુરાપા ચોઘડિયું એમ પૂરું થઈ જતું નથી. ઉલટું એ તો સંવત બનીને વ્યાપી વળે છે આ વર્તમાનમાં પણ! ઘરઝુરાપા ચોઘડિયું ઘરઝુરાપા સંવત બની ગયું./ શૈશવમાં જેની અર્થે હું મામાનું ઘર કેટલે રમેલો એ દેશકાળ/ એકાએક મારા દેહની ભાગોળે/ હોળીનો ઢોલ થઈ વાગવા માંડ્યા.... કાવ્યનાયક પોતાના પસાયતા(ખેતર)માં મકાઈનો છોડ બનીને ઊગી જાય છે... પછી તો એ સીમ-વગડો-ધરતી-આકાશ-બળદ-રેંલ્લા-ઘર-ફળિયાં-ચકલી-કાકાકૌઆ-જામફળો-વિક્રમરાજાની ઉજેણી નગરી-કથાવારતાઓ-વણઝારો-વાવ-ભક્ત-બોડાણો-મહીસાગર-તોરણ ચઢતી ગાયો-ઃ આખું જગત કાવ્યનાયકને ઘેરી વળે છે... આમ, ડાયાસ્પૉરા, વ્યતીતરાગ તથા તળગ્રામચેતનાનું નોખું નિરૂપણ બાબુ સુથારની કવિતાને મહત્ત્વની બનાવે છે.

૦૦૦

૧૯૭૫ની આસપાસથી શરૂ થયેલી ગુજરાતી દલિત કવિતાની પ્રથમ ભોંય ભાગનાર તથા વિલક્ષણ અને પ્રતિબદ્ધ કવિતા દ્વારા ધ્યાન ખેંચનાર નીરવ પટેલ આજે પણ એવો જ આક્રમક છતાં સંયત અને દલિતોની ભીતરી પીડાઓને વાચા આપનાર – કવિતાની શરતે કવિતા રચનાર – નોખો અને એકમાત્ર બળૂકો અવાજ છે. નીરવને મન કવિતા આનંદ માટે નહિ પણ જીવતરની પીડાઓને પરખીને પરખાવવા માટે લખાય છે. નીરવ પટેલનો ‘બહિષ્કૃત ફૂલો’ (૨૦૦૬) કાવ્યગ્રંથ ગુજરાતી દલિત કવિતાનું એકમાત્ર ઉત્તુંગ શિખર છે. એ પછી બિનદલિત કવિ પ્રવીણ ગઢવીના હાથે રચાયેલી દલિત કવિતા માગ મૂકાવે છે. નીરવની કવિતામાં, દલિત નારીના જાતીય શોષણથી બાળક જન્મે છે એ પછી એ દલિત દંપતીની જે બળબળતી પીડા છે – એનું ભાવકને શારી નાખતું આલેખન છે. જુવોઃ દલિત દંપતીને ઠાલો દિલાસો ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,/ રાજા રાંમની જેમ./ એટલે વારે વારે ના મેળવી જો મગલાના ચહેરાને/ તારા કે તારા વડવાઓના ચાડા હાથે./ ને બચારી બાયડીને મારીને અધમૂઈ ના કર./ ઊકા! મર્યા ઢોરના આંચળ યે મેઠા લાગે.../ રે’વા દે, બાયડીને બચારાં બચ બચ ધાવશે છોરાં./ ને અડે કાંઈ અભડાઈ જવાય, ઊકા?/ બાપડી બાયડીને આડી વાટે આંતરે/ તે કાંઈ એનો વાંક-ગનો?/ ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય.../ ઊકા! સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?/ જો ને આ ધરતી –/ સૂરજના પહેલા ખોળાની પોરી!/ કેવી ખાબડખૂબડ,/ કેવી કાબરચીતરી,/ કેવી અંધારી ને અધકચરી!/ ઊકા! એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં/ ઝાઝો ફેર નથી એ વાત હાચી;... /

ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે/ રાજા રાંમની જેમ./ કાં તો તાકીને મારવું પડશે તીર/ કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર/ ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર. કવિનો સંકેત તો છે વિદ્રોહ કરવા તરફનો. કાં તો વેઠો ને મરી જાવ અથવા તાકીને મારો તીર. હા, પુરુષથી જે નથી ખમાતું-વેઠાતું એ હવે સ્ત્રીએ વેઠી લેવાનું છે. એણે તો બેઉ બાજુની પીડાઓ વેઠવાની આવે છે. જે દોષી છે-શોષક છે એને તો ઠપકો ય નથી દેવાતો! એટલે કવિ વ્યંગથી નારીની શક્તિને સંકોરે છે ને પ્રતિકાર માટે પ્રેરે છે; – કાન દઈને સાંભળોઃ મેઠી! મન તો તારે મોટું જ રાખવું પડશે;/ સતી શીતાની જેમ./ એટલે વાડે ને વગડે/ કે ઝાડે ને ઝાંખરે/ છેડો તાણીને લોહીના ઊકાળા જેવો વલોપાત ના કર. એ તો બાપડો વખાનો માર્યો/ બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા/ કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય./ તને કૂખમાં શૂળની જેમ કળતા./ એ કણબીના કણાને ધવરાવતાં જોઈ/ ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય/ ને વખતે ધોલધપાટે ય કરી બેસે.../ નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?/ પણ કણબીની વાડી/ કે કાળુભાનો કૂવો/ કે કોળીનો કૂબો –/ ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઊછરે/ તે બધુંય ગળી જવું પડેઃ/ રાતી નજર/ને કાળી દાનત ય./ પણ મેઠી!/ ઢેડ ઢેફા જેવો ધૂળિયો તો ય ધણી એ ધણી/ ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી/ ઊભો રાખે એવો એ તો.../ એના આદમીની આમન્યા તો નંદવાઈ ને?

નીરવની કવિતામાં સંયમ છે, માનવતાનું સન્માન છે. આક્રમકતા છે ત્યાં સ્વસ્થ અવાજ અને વાસ્તવનું કઠોરરૂપ વર્ણવાય છે. ‘પટેલલાડુ’ તથા ‘મુંબાઈ વિદ્યાપીઠના કુલપતિને–’ કાવ્યો એના નમૂના છે. આ બધી રચનાઓ સમાજનું શોષણખોર માનસ તથા માળખું સૂચવવા સાથે પીડા-વિડંબના-નિઃસહાયતાનો સંકેત કરે છે. આ ભૂમિકાએથી કવિ વિદ્રોહ માટે ઘણાં કાવ્યોમાં આહ્‌વાન કરે છે. એમની ‘હું નં ડોશી’ તથા ‘મારો શામળિયો!’ ‘મા, મેં ભલા કે મેરા ભાઈ’ – જેવી રચનાઓ પણ ભાવકને વિહ્‌વળ કરી દે છે. નીરવનો હેતુ પણ કવિતા દ્વારા પીડાને પરખાવવી અને માનવતા/ સહૃદયતા જગાવવી – એવો છે. આ કવિ સમભાવથી આગળ સમાનાનુભૂતિ દ્વારા સમતામૂલક સમાજ રચવા કવિતાને શસ્ત્ર તરીકે પ્રયોજે છે.

૦૦૦

સંજુ વાળા ઉત્તર અનુ-આધુનિક કવિ પેઢીના મહત્ત્વના કવિ છે. ગીત, ગઝલમાં ‘ટોળાંવાદી રચનાઓ’થી હઠીને સંજુ પોતાની મુદ્રા, પોતાનો અવાજ પ્રગટાવી શક્યા છે. એમણે અછાંદસમાં પણ પોતાની અભિવ્યક્તિને ચકાસી જોઈ છે. મુખ્યત્વે ગીત અને ગઝલમાં સંજુનો કવિતાવિશેષ ઊઘડ્યો છે. જોઈએઃ મૂળ રે વિનાનું કાયા ઝાડવું/ એને પડતાં ન લાગે વાર જી રે.

આવા ભજન-રચયિતા પૂર્વજનો જાણતલ ગીતો લખે ત્યારે એ નોખાં ના ઊતરે તો જ નવાઈ! માણસને ઝાડ સાથે સરખાવનાર મર્મી અંદરની ઓળખ ધરાવતો હોય છે. વૃક્ષને જાણવું, એની ઋતુ-ઋતુની લીલાને જાણવી, એના મર્મોને ઓળખવા અને જીવતર સન્દર્ભે એ મર્મોને પ્ર-માણવા એ એટલું સરળ નથી... સંતો એ જાણતા હતા ને જીવન સારુ જોગવતા હતા. ‘ઝાડના સાંનિધ્યમાં શીખવું’ – એ તો ભારતીય જ્ઞાન પરંપરાના મૂળમાં છે. એક વૃક્ષ જેટલું ને જેવું શીખવે છે એવું ને એટલું તો કોક પંડિત પણ ભાગ્યે જ શીખવી શકે! કવિ સંજુ વાળા પણ વારેવારે વૃક્ષના સંદર્ભો પ્રયોજે છે ને એ રીતે પોતાની ચિંતનશીલ સંવેદનાને કાવ્યમય બનાવીને ઉજાગર કરે છે. નિજત્વ અહીંથી મુદ્રા ધારે છે ને નવતા તથા તાજપ અનાયાસ પ્રગટી આવતાં પમાય છેઃ

થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે.

હઠાગ્રહી ‘હોવું’ શું છે – એની ગતિ શી છે – એ એક પંક્તિમાં નિર્દેશીને કવિ બીજી પંક્તિમાં એકસામટાં ચાર ચાર ક્રિયાપદો ગોઠવીને માયારૂપને-જીવનના લીલારૂપને વર્ણવે છે, ને જેને ઓળખી લીધું છે એનાથી હવે અળગા થવા ઝંખે છે. વૃક્ષ લીલા રચનાર અલખને એ વીનવે છે કે હવે અડધાપડધા નહિ ઉથાપો... સામટા જ ઉથાપો ને જન્માન્તરોમાંથી ય ઉન્મૂલિત કરી દ્યો. તમારે અમને થાપવા જ હોય તો છેક તળિયાની(મૂળ સત્ત્વ-તત્ત્વની) થાપણ રૂપે સ્થાપી દેજો... ઊંચી દીવાલો બહુ બહુ રોકીને રંજાડતી ઊભી છે! આ રંજાડ બાહ્યાભ્યંતર છે –

ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ
એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ,
અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે.

ભાવાર્થ સંકુલ આવી અભિવ્યક્તિ સંજુ વાળાને, નજીકના પુરોગામી ગીત કવિઓથી જુદા પાડે છે અને સમકાલીનોમાં નોખા દેખાડે છે. અંત્યાનુપ્રાસોની અર્થપૂર્ણતા પર ભાવકોની નજર જવી જોઈએ. જીવતરના તાપ-તપારા અને માયાને નામે આંટીઘૂંટીઓની માર્મિક અભિવ્યક્તિ સંજુ વાળાને સહજ છે. જુઓઃ

હોય જો કપાસ એને ખાંતે ખાંતે કાંતીએ
ને કમખો વણીને કાંઈ પહેરીએ,
માથાબૂડ આપદાનાં ઝળૂંબ્યાં રે ઝાડ
ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો/ ભેળી ઊડી હાલી બેઉ આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે...’

હોવાપણાની ડાળી તો છાતીમાં જ વધતી રહે ને પીડતી પણ રહે છે. ઋતુઓ – વ્યથાપીડાની – તો એને ય આવે છે.

સુખ તો ખ્યાલ છે, પોતપોતાની વિભાવના હોય છે સુખની! પણ દુઃખ/પીડા/ વેદના તો હોવાપણાની સાથે અકાટ્ય રૂપે મળેલાં જ છે. સંજુ વાળાની ગીત રચનાઓમાં પણ આવો જ Tone(સૂર) વણાયેલો છે... ને મારો પક્ષપાત એ માટે પણ છે. ઉપરાંત ગીતની સ્વરૂપગત જરૂરિયાતોનો પણ એમનો ઘણો ખ્યાલ રાખેલો છે. લોકભાવો/લોકજીવનની ભાવ પરંપરાઓ; લોકભાષાનો સમીચીન વિનિયોગ અને લોકલય/ઢાળોની માવજત પણ આ ગીતકાવ્યોમાં જમા પક્ષે છે. સંજુમાં ગળચટાપણું નથી તથા કૈંક અગેયતા તરફનું વલણ પણ આવકાર્ય છે.

લયને લયના કેફ સંદર્ભે નહિ પ્રયોજતાં લયને ભાવાર્થનું રસાયન રચવા માટે યોજવાની નેમ ઉપકારક બની છે. વળી કવિનું આ વલણ એમને રમેશ પારેખ વગેરેની લય યોજનાઓથી પણ અળગા રાખે છે ને નિજી દિશામાં દોરે છે. મુખડા-અંતરાની સંરચનાઓનું વૈવિધ્ય પણ સંજુ વાળાની પોતાની દિશાની ગીત-આરાધના જ સૂચવે છે. પ્રણયની બાબતમાં નાયક નાયિકાની આરત કે એષણા પમાય છે પણ ત્યાં ય છેવટે વાત તો તત્ત્વ-સત્ત્વ તરફનો ઝુકાવ ધારે છે. વિનોદ જોશીમાં કાવ્યપૂર્ણ રંગદર્શી છટાઓ ઘણી છે. સંજુ વાળા એ દિશામાં પણ જવાનું ટાળે છે. અનેક પુરોગામીઓમાં ગળચટા ભાવોનું ભીનું ભીનું વર્ણન આવે છે. સંજુ વાળા એવી સંવેદનાઓને ઉચિત રીતે જ તડકે નાખે છે. કુટુંબમાં જે ભજન પરંપરા હતી એનો વારસો એમને સંયમિત રાખીને સંકેતાત્મક રચનાઓ કરવા તરફ વાળવામાં સફળ થયો છે એમ પમાશે. અહીં ક્યારેક તો સરળતા અને પ્રવાહિતાની આકર્ષક ઉપસ્થિતિ મળે છે ને એમાં ય વળી સંકેતો ભળતાં પ્રગટતી ભાવસંકુલતા ભાવકને ન્યાલ કરી દે છે. જુઓઃ

હજુ પવનમાં ભેજ વહે છે, હજુ ઢાળ છે લીલા,
હજુ ઋતુઓ વળાંક લઈને છેડે કંઠ સુરીલા,
હજુ કોઈ માળામાં પ્રગટે પહેલવહેલું ચીં... ચીં...
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી
હજુ પ્રભાતે સ્વર ઊઘડતા તુલસી ક્યારો સીંચી

અહીં સરળતા પણ સહજ આસ્વાદ્ય કવિતા બને છે.

પરંપરાનું જતન એ ગીત અને ભજન(પદ) બેઉનો સ્વ-ભાવ છે. સમગ્ર પ્રકૃતિ સાથે જોડાઈને પ્રગટતી કુટુંબજીવનની ભાવનાઓનાં આવાં સહજ સરળ છતાં કાવ્યત્વસભર ગીતો હવે તો વિરલ થતાં જાય છે. લોકભાવ, લોકભાષા (બોલચાલ) અને લોકલય ત્રણેનો સુમેળ પ્રેમગીતમાં રચી આપવાનું કપરું કામ પણ અહીં સુપેરે પાર પાડ્યું પમાશે.

૦૦૦

રાજેશ પંડ્યા પણ ઉત્તર અનુ-આધુનિક પેઢીના ધ્યાનપાત્ર કવિ છે. રાજેશે ગીતો પણ લખ્યાં છે. પણ ‘પૃથ્વીને આ છેડે’-નાં અછાંદસ કાવ્યો એમની ઓળખ બની રહ્યાં. સાંપ્રત જીવનનો ખાલીપો, એમાં રહેલી છિન્નતા, એકલતા કવિ પ્રાકૃતિક સન્દર્ભો લઈને વર્ણવે છે. રાજેશની આ કવિતામાં આધુનિકતાનો દાબ હતો. એમાં ગોઠવેલું અર્થવિલંબન પકડાઈ જતું હતું. હવે આ કવિ નવી કવિતા-નવી ઓળખ લઈને આવ્યો છે. હમણાંથી એમની રચનાઓમાં પ્રત્યક્ષ જીવનનું પ્રતિબદ્ધ આલેખન કાવ્ય બનીને પ્રગટી રહ્યું છે. ‘વૃક્ષો’ વગેરે સંદર્ભોવાળી રચનાઓ વધુ ધ્યાનપાત્ર બની છે.

રાજેશ પંડ્યાની કવિતામાં આ દાયકાની સાંપ્રત પરિસ્થિતિઓ ઝિલાઈ છે. એમણે વર્તમાનના જખમોને વિષાદ તથા કરુણાથી વર્ણવવા તાક્યું છે. ‘નિર્જન’ રચનામાં એ પમાય છે. એમની ઘણી અછાંદસ રચનાઓમાં સમકાલીન જીવન સંદર્ભો પ્રત્યાયનક્ષમ રીતે અભિવ્યક્તિ પામ્યા છે. અહીં એમની ‘નિર્જન’ રચનાના થોડા અંશો જોઈશુંઃ

કોઈ આવતું જતું નથી
રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું.
રાંધણિયામાં રાંધ્યાં ધન રખડી પડ્યાં છે.
ગોટેગોટા ધુમાડો ઊંચે ને ઊંચે
ચઢતો જાય છે કશી રોકટોક વગર
વાદળ બંધાતાં જાય છે વિખેરાતાં જાય છે.
પાણિયારે ચળકતી હેલ
ઓચિંતી છલકાઈ હેબતાઈ દે
તાંબાકૂંડીમાં ઉચાટ ફદફદ્યા કરે
શેરી સોંસરી ધૂળ ઊડ્યા કરે
ઘોડાના ડાબલા હજીય કાનમાં પડઘાય
ખરી તળે ચગદાઈ કેટલીય
છાતીએ લોહીના ટશિયા ફૂટી નીકળી
ઝમી ઝમી કાળામૅશ ગંઠાઈ ગયા છે.
મંદિરની ધજા ભાંગી પડી
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ...


પણ મૂકો ત્યાં ગોખરું
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં
જ્યાં જુઓ ત્યાં ધરોડીના કૂડાં
રસકસને ધાવી આડેધડ ફેલાતાં જાય
ગળિયા બળદને ઇતડિયોં હજાર
ઊપડે નહીં પગ
રણકે નહીં ઘૂઘરા
ફરે નહીં પૈડું અરધો આંટો પણ
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય

આ છેડાથી પેલા છેડા સુધી

‘સુવર્ણ મૃગ’ જેવી લયબદ્ધ દીર્ઘરચના એમની કવિતાનું નવું સ્થિત્યંતર સૂચવે છે. એ નિસબત તથા ઉત્સાહથી અને નોખું લખનારા કવિ વર્તાયા છે. રાજેશ મીથ લઈને વર્તમાનના અર્થસંદર્ભોમાં એને પ્રયોજે છે. આથી એની સંકુલતા વધુ આસ્વાદ્ય બને છે. ‘ધરતીકંપ’, વૃક્ષો તથા ન્યૂન થતી આવતી માણસાઈ અને સંકુચિત થતાં જીવનમૂલ્યો વચ્ચે માંડ જીવતા માણસની કવિતા આ કવિનું આકર્ષક સ્થિત્યંતર બને છે.

૦૦૦

મનીષા જોષી ‘કંસારા બજાર’ કાવ્યમાં વાસણ અને સ્ત્રીની સ્થિતિને સાથોસાથ મૂકીને નારીજીવનની નિયતિને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપે છે.

હું ચૂપચાપ પસાર થતી હોઉં છું/ આ બજારમાં ચિરકાલીન અવાજો વચ્ચેથી/ ત્યારે/ સતત એમ લાગ્યા કરે છે કે/ હું અને આ અવાજ /ક્યારેય મરતાં નથી.
ટિપાતાં વાસણોના અવાજો, એ દૃશ્યો-સ્મૃતિઓ બધું નારી-અસ્તિત્વ સાથે એકાકાર વર્તાય છે. તો ‘ગોઝારી વાવ’નું રૂપક પણ નારીજીવનની સ્થિતિઓ ચીંધે છે. પુરુષઝંખા અને તિરસ્કારની ચિનગારી સ્ત્રીને અજંપ અને હિંસક પણ કરતાં રહે છે. સ્ત્રીનું આક્રમક પ્રતિક્રમણ અહીં પહેલીવાર દઝાડતી આગ બનીને પ્રગટે છે. આ ભૂમિકાએથી જોતાં સમજાશે કે – સ્ત્રી સર્જક તરીકે મનીષા જોષીની કવિતા વધારે બળવાન સંકેતો ધરાવે છે. ‘કંદરા’ અને ‘કંસારા બજાર’ સંચયોની એમની કવિતા ૧૯૮૫ પછીના નારીસંવેદનના આલેખન સંદર્ભે ટટ્ટાર ઊભી રહી છે. આ કવયિત્રી ‘પ્રદક્ષિણા’ કાવ્યમાં આપણા સામાજિક કલ્ચરમાં નારીની જે દશા-અવદશા છે તેની વાત કરે છે... વાંચોઃ

જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરુડ, માછલું...
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિન્દૂર આપે છે.
હું મૂંગી અવાક્‌ થઈ જાઉં છું.
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ
ધસી આવતા લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું,
મંદિરના લીસા આરસપહાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝુકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથ્થરો નીચે છૂંદાઈ જાઉં છું
હું પણ એક પથ્થર બની જાઉં છું, નવા જન્મમાં –
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે
હવનની કુંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો!
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

અહીં મંદિર દીવાલો, વાહનો બધાં ય પ્રતીક બનીને અર્થ સંકુલતા રચે છે. આ મંદિર માત્ર કાયાનું નથી એ સમાજ, સંસ્કૃતિ અને જીવતરનું ય પ્રતીક છે. સંસ્કૃતિએ રચેલા પ્રપંચોએ નારીને કેવી તો ઘેરી રાખેલી છે! એ છૂટી શકતી જ નથી. જોકે મનીષા જોષીની કાવ્યનાયિકા પુરુષને પરખી ગઈ છે. એ એને પડકારે છે, વશ કરે છે, ધૂત્કારે છે, ટટળતો ને ટળવળતો, સડતો-સળગતો ને સબડતો રાખી શકે છે. ‘ગોઝારી વાવ’ કાવ્ય આનું ઉદાહરણ છે. તો વળી ‘સહશયન’માં પશુપુરુષની ઓળખ સાથે નારીની અલ્લડતાને વર્ણવી છે. નર-નારીની પરસ્પર પૂરકતા વફાદાર બાજ પક્ષી જેવી છે. જીવનનો માળો રક્ષવા એની જરૂર પડે છેઃ સહશયન

કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે ને સો નવાં જન્મે.
શયનખંડની છાતીમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને.
શયનખંડની દીવાલો પર શરીર ઘસતો હોય છે ત્યારે
તું અદ્દલ લુચ્ચા શિયાળ જેવો લાગે છે.
ભૂખ્યું રીંછ જેમ, સમુદ્રનાં ઉછળતાં મોજાં સાથે ઊછળતી
માછલીને પાણી વચ્ચેથી અધ્ધર ઝીલીને ખાઈ જાય
એમ તું મને ચૂમે છે
ક્યારેક તારા શરીર પર શાહૂડી જેવા કાંટા ઊગે છે–
તો ક્યારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે
અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને.
શયનખંડમાં પથરાયેલી આપણા ભીના અવાજોની
આર્દ્રતા પર તું રાત બનીને છવાઈ જાય છેે
અને શયનખંડ પર એક બાજ પક્ષી
પાંખો ફફડાવતું બેસી રહે છે.
પણ આજે બ્રહ્માંડનું અંધારું ચોમેર ફરી વળ્યું છે
તું અને રાત હવે ઓળખાતાં નથી
બાજ પણ અટવાઈ ગયો છે ક્યાંક,
નથી આવી શકતો પોતાના માળા તરફ.
એ વફાદાર પક્ષી જો નહિ આવે તો
કોણ કરશે રખેવાળી
આપણા શયનખંડની?

આ કાવ્યમાં માંસલ આલેખન છે – સર્જકની એ ‘બોલ્ડનેસ’ કાવ્યનો દૃઢબંધ બને છે. સ્ત્રીની કાયાગત વિલક્ષણતા હવે એની આગવી ઓળખ છે – એ એના વડે સ્તો પુરુષોથી નોખી છે – ને સવાઈ પણ! આવા ‘ગાયનેક-ક્રિટિસિઝમ’નો સંદર્ભ લઈને મનીષાની કવિતાને મૂલવી શકાશે. ‘કંદમૂળ’ સંચયમાં પૂર્વેનો પુરુષ પ્રત્યેનો નકારાત્મક કે તિરસ્કૃત ભાવ હવે ઠરીને, પરિપક્વતા ધારીને સ્વસ્થ અનુભવ કરાવે છે. સ્ત્રી-પુરુષનું દ્વૈત અને એમનું સાયુજ્ય જુદી જુદી ભૂમિકાએથી આલેખતાં કવયિત્રી લેખે મનીષા જોષીનો અવાજ ખાસ્સો નોખો પડે છે.

૦૦૦

ઉદયન ઠક્કરની કવિતા નર્મ-મર્મ તથા વ્યંજના દ્વારા સાંપ્રત જીવનની છબીને તિર્યકતાથી રજૂ કરવા ચાહે છે. મહાનગરમાં વસતો માણસ એની રોજિંદી ટેવો સાથે અહીં રમૂજ, વ્યંગ દ્વારા જેવો છે તેવો પ્રત્યક્ષ થાય છે. એની નાની નાની આશા એષણાઓ, અભાવોની પીડાઓ, થોડીક મૂર્ખામીઓ સાથે ભીતરની સચ્ચાઈઓ દર્શાવતી આ કવિતા સામાન્ય માણસને સમભાવ અને કરુણાથી પણ વર્ણવે છે. આ માટે ઉદયન ગઝલ, અછાંદસ, પરંપરિત લય કે ગદ્યની તરાહોને પ્રયોજીને રૂપવૈવિધ્ય પણ સાધે છે. બોલચાલની ભાષામાં, હિસાબો અને પ્રશ્નોત્તરની ‘ચાર્ટર્ડ એકાઉન્ટટી’ રીતિમાં પણ સંવેદનોને વ્યક્ત કરવામાં ઉદયન માહેર છે. જરાક વધુ તિર્યક લખવું, જે છે તેની સામે જરાક એંગલ બદલીને દર્પણ ધરવું, પીડાને ગાવા કરતાં હસી નાખવી – ઉદયનને એમ કરવામાં મજા આવે છે. રાવજીમાં જોવા મળેલી વ્યંગોક્તિ કરવાની રીતિઓ પાછી નિજી ભાતે ઉદયનમાં જોવા મળે છે. ઉદયન ઠક્કરની પાત્રોક્તિઓ કે પાત્ર/ ચરિત્રને વર્ણવતી કાવ્યરચનાઓ વર્તમાન જીવનનું કરુણ તથા કરુણાર્દ્ર ચિત્ર રજૂ કરે છે. એ પછી મોચી હોય કે મસ્જિદ બંદરનો મરઘો કહેતા મણિલાલ હોય, મથુરદાસ (કે એ રૂપમાં પિતાજી) હોય ઉદયન એ પાત્રોમાં આપણને આપણું ય થોડું રૂપ દેખાડે છે. આ અર્થમાં ઉદયન વિલક્ષણ છે. એ ઘડી ઘડીમાં પ્રયોગશીલ અભિવ્યક્તિ કરતો રહે છે. કવિતામાં જ ઉદયન કથાકથન કરે છે. બહુ ભારેખમ, કઠોર તથા કડવી વખ વાસ્તવિકતાઓને બહુ હળવાશથી ઉદયન કવિતામાં મૂકી આપે છે. ત્યારે ભાવકને પેલી છૂપી વેદનાનો અંગારો ચંપાય છે. ધાર્મિક/ રાજકીય દંભાચારોને સબોડતો કવિ પ્રેમીઓની સૃષ્ટિનું વ્યંગ્ય નિરૂપણ કરવા માટે પણ હળવી તરકીબો રચે છે, નખરાંને વર્ણવે છે. ‘ગરૂડપુરાણ’ ઉદયનની દીર્ઘ અર્થપૂર્ણ અને વિલક્ષણ તરેહની રચના છે.

૦૦૦

જયેન્દ્ર શેખડીવાળાના દીર્ઘલયનાં તથા ફૅન્ટસીપ્રધાન ગીતો તથા તિલ્લી કાવ્યો ખાસ્સાં ધ્યાનપાત્ર છે. ગઝલમાં પણ ભીતરી ભોંયની અગોચર ભાવસૃષ્ટિને પ્રગટાવવાની મથામણ નોંધપાત્ર છે. ‘કલ્કિ’ની કવિતાનાં ગીતોમાં પણ પ્રયોગશીલતા છે. દીર્ઘલય તથા ભાવોર્મિનું ઉચિત કલ્પનો દ્વારા રચાતું કાવ્યરૂપ ધ્યાનપાત્ર છે. આ કવિમાં વારેવારે મા વિશેના, જનમ, નાભિનાળ વિશેના સરરિયલ સન્દર્ભો આવે છે. આ બ્રહ્માંડનું રહસ્ય આ કવિને તળે ઉપર કરે છે. એની ગઝલોમાં પણ રહસ્યલોક અને માયાવી સૃષ્ટિને તાકતાં કલ્પનો આવે છે. તોડફોડ કરીને અસ્તિત્વની છીપમાંથી મોતી શોધવા મથતો કવિ અશ્રુમોતી પામે છે. એ જ તો ખરી મૂડી છે. આ કવિના બીજા બે સંચયો – કર્દમપલ્લી/ ક્વિંદંતી, એટલા ધ્યાનપાત્ર નથી બન્યા. કવિતા સાતત્યપૂર્વકનો અનુનય માગે છે. સંવેદનપટુ અને સન્નધ ચિત્ત માગે છે. જયેન્દ્ર પાસે એ છે. પણ લઈ આવે ત્યારે વાત.

૦૦૦

‘અનુ-આધુનિક’ યુગના કેટલાંક મહત્ત્વના કવિઓની કવિતા વિશે આપણે વાત કરી. આપણે જોયું કે આ પ્રત્યેક કવિએ પોતાની મુદ્રા, પોતાનો અવાજ સફળતાપૂર્વક પ્રગટાવ્યો છે. આ કવિઓ આધુનિકતાની મર્યાદાઓને સભાનપણે ચાતરવા અને પોતાની કેડી રચવા મથતા રહ્યા છે. આપણે એ સૌની કવિતામાં જોયું કે એમાં કશેય પરસ્પરનો પડઘો પણ નથી. સૌ પોતાની કવિતામાં સ્થિત્યંતર રચવા માટે તથા વિવિધ રૂપ-સ્વરૂપ ને પોતાની રીતિએ અપનાવવા ઉત્સુક રહ્યા છે. આ કવિતામાં વિષય, સંવેદનનું તથા સ્વરૂપનું ખાસ્સું વૈવિધ્ય છે. પોતાના સમયની વ્યથાઓ, પીડાઓ, સમસ્યાઓ તથા વિપથગામી રસમોને કવિતામાં વણી લીધી છે. આ કવિઓમાં કાવ્યનિષ્ઠા અને સામાજિક નિસબત બરાબર પરખાય છે. અહીં પૂર્વે જે હાંસિયામાં હતાં તે મુખ્યધારામાં આવ્યાં છે. કવિતા કવિત્વ સાથે પરોક્ષ રીતિએ સામાજિક દાયિત્વને નીભાવે છે. પોતાની મૂળ પરંપરાઓમાં જવું ને એ સમયને સાંપ્રત સન્દર્ભે નવેસર પ્રયોજી જોવાની વાત પણ અહીં ધ્યાનપાત્ર છે, ભાષારચના, છંદોલય, કવિકર્મની સભાનતા સાથે મૂળનું જતન તથા સંવર્ધન કરવામાં સફળ રહેલી આ કવિતા આપણી પોતાની ભૂમિકાએ અનુ-આધુનિક છે.