પ્રથમ પુરુષ એકવચન/નૈષ્કર્મ્ય

From Ekatra Wiki
Revision as of 05:14, 7 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નૈષ્કર્મ્ય| સુરેશ જોષી}} {{Poem2Open}} ફરી અકાળ વર્ષાનું વાતાવરણ છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નૈષ્કર્મ્ય

સુરેશ જોષી

ફરી અકાળ વર્ષાનું વાતાવરણ છવાઈ ગયું છે. ભીનોભીનો અન્ધકાર ઘરમાં વિસ્તરતો જાય છે. હજી સાંજ તો ઢળી નથી. છાપરાં પરથી લયબદ્ધ નેવાં ટપકે છે, પણ એની સાથે મારા હૃદયના લયનો મેળ ખાતો નથી. શરીરમાંની ઉષ્માને શોધી લેતી ઠંડી વાય છે. ઘરમાં તાપણું કરવાનું મન થાય છે. છોડિયાં નાખતાં જઈએ ને નવી નવી અગ્નિશિખા પ્રગટતી જાય. ઘરમાંના બધા માણસો તાપણા પાસે ખેંચાઈ આવે ને વર્તુળાકારે બેસી જાય. આદિ માનવો એવી જ રીતે બેસતા હશે. અગ્નિશિખાના દોલાયમાન પ્રકાશમાં બધાંના મુખ પર કશીક અલૌકિક આભા છવાઈ જાય.

આમેય મેં તો શરીરના હઠાગ્રહને કારણે વાંચવા લખવાનું ઘણા દિવસથી છોડી દીધું છે. પણ આવી આબોહવામાં તો તાપણી પાસે બેસીને ઇધરતીધરની ગપસપ લડાવવા સિવાય બીજું કશું કરવાનું રુચતું નથી. કાફકાએ પણ એની ડાયરીમાં આવી મનોદશા વિશે ફરિયાદ કરી છે : ‘સમય કેવો વહી જાય છે! બીજા દસ દિવસ વીતી ગયા, મારાથી કશું થઈ શક્યું નથી. કાંઈ કરવા બેસું છું ને જામતું જ નથી. એકાદ પાનું કદીક સફળતાપૂર્વક લખી શકાય, હું લખવાનું ચાલુ રાખું, પણ બીજે દિવસે મારાથી કશું થાય જ નહિ.’

આ આબોહવામાં ગીતાની કર્મની ગહન ગતિ વિશેની વાત સાંભળવાનું મન થતું નથી. કર્મ વડે ચિત્તની સંશુદ્ધિ, કર્મ વડે મોક્ષ કે કર્મના પ્રપંચથી બન્ધન – આમાંનું કશું જ અત્યારે તો ગળે ઊતરતું નથી. અત્યારે તો નૈષ્કર્મ્ય જ હસ્તામલકવત્ લાગે છે. છતાં મન રહીરહીને ગોદો માર્યા કરે છે : ‘આ રહી ગયું, પેલું તો ક્યારે થશે?’ મનમાં થોડી ચિન્તા થાય છે, વિષાદ પણ એમાં ભળે છે. પણ અત્યારે કશો ભાર વેઠવાની દાનત નથી.

કોઈ પૂછે છે – કદાચ કેવળ કુતૂહલથી, ‘તો તમારું લખવાનું હજી ચાલે જ છે?’ પ્રશ્નમાં જ એવી અપેક્ષા છે કે હવે તો એ વાજબી રીતે બંધ થઈ જ જવું જોઈતું હતું! મારે તો લખવાનો ભાર માથે લઈને ફરવું નથી. લખ્યાની વળી તે શી વાત કરવાની હોય! આમ તો મન યદૃચ્છા પ્રમાણે ભટકતું રહે, લખવાને નિમિત્તે એ સરખું ગોઠવાય. પણ હું કોઈ પાસ્કલ જેવો નથી. ઈશ્વરનો આવિર્ભાવ થાય તે પહેલાં એણે બધું વિચારી વિચારીને સાફસૂથરું કરવાનો પ્રયત્ન કરેલો. કદાચ રોમેન્ટિક અભિનિવેશની અતિ માત્રાને કારણે અરાજકતામાં જ મને કોઈ વાર કૌવત દેખાવા લાગે છે. વિક્ષુબ્ધ થયા વિના હૃદયને ચેન પડતું નથી. ઘડી ભરની શાન્તિ મળે છે તેને જડતા લેખીને ગભરાઈ ઊઠું છું. થોડીક ન સહેવાય એવી વિહ્વળતા જ જીવનની નિશાની લાગવા માંડે છે.

આથી ઘણી વાર ફિલસૂફીને ખૂંટે મનને બાંધવા મથું છું. કવિતાની પંક્તિઓ તો મને ક્યાંની ક્યાં ઉડાવી લઈ જાય છે. કલ્પનાવિહાર કર્યાનો મને અફસોસ થતો નથી કે એની નામોશી પણ લાગતી નથી. બુદ્ધિને જોરે ઉદ્ધતાઈ કેળવીને મારા જ અવાજની કઠોરતાને ચાખ્યા કરવાનો મને શોખ નથી. ઉપરની કઠોરતા નીચે નમ્રતાનું ઝરણું વહી રહ્યું છે તે પણ જાણું છું. છતાં સહિષ્ણુતા ઝાઝી કેળવી શકાઈ નથી. મારો અહંકાર મને એમ સમજાવે છે કે લોકો આ સહિષ્ણુતાને ગુણ નહિ ગણે, એને મારી લાચારી જ ગણશે.

મને વારે વારે લાગ્યા કરે છે કે શરીરના મારી સામેના લાંબા સમયથી ચાલ્યા આવતા કાવતરાને કારણે જ આ બધું બની રહ્યું છે. કોઈ વાર શરીર ભયની માત્રાને ઓચિંતી જ વધારી દે છે. ભયથી અસુખ જ થાય છે એવું હું માનતો નથી. ભયથી અસ્તિત્વનું તીવ્ર ભાન થાય છે એ પણ અનુભવે સમજ્યો છું. ભયને કારણે મૂગા ન થઈ જવાય એ માટે જ જે વાત ચાલતી હોય તેમાં રસ લેવાનો ડોળ કરીને કંઈક ને કંઈક બોલ્યે જાઉં છું. ધૈર્ય રાખવામાં હંમેશાં સુખ જ છે એવું પણ નથી એમ કાફકાએ કહ્યું જ છે ને! કદાચ ધૈર્યને નામે, ધૈર્યની ઉશ્કેરણીથી જ આપણે આપણા ગજા બહારનું કશુંક કરવા તત્પર બની જઈએ છીએ. નિર્ભીકપણું જે સ્વસ્થતા અને નિશ્ચિતતા લાવે એ પામ્યાનો મારો દાવો નથી, પણ એ પામવા જેવો ગુણ છે એવું હું જરૂર માનું છું. કશું જાતની ઉપરવટ જઈને, ખેંચાઈ-તણાઈને, શા માટે કરવું? એ સ્વધર્મથી વિરુદ્ધનું આચરણ નથી? પણ મારી બુદ્ધિ મને સમજાવે છે કે પ્રમાદ સ્વધર્મ હોય તો પણ તે ત્યાજ્ય જ છે. મને લાગે છે કે ખેંચાઈ-તણાઈને કશુંક કરવાથી ચિત્તક્લેશ થતો હોય તો એ કરવાનો કશો અર્થ નથી. કશુંક કરવા માટે પ્રવૃત્ત થવું અને કરવા માટેની અનુકૂળ તકની રાહ જોવી – આ બંને મનોવૃત્તિમાં ભેદ છે તે હું સમજું છું. કશુંક સફળપણે કરી ચૂક્યા પછી જ મને સમજાય છે કે મેં એક સારી તક ઝડપી લીધી હતી!

આ ઋતુમાં કયે સ્થાને હોવું તે સુખપ્રદ પડે તે હું જાણું છું. પણ હવે મારાથી એ બની શકતું નથી. મુશળધાર વૃષ્ટિ થતી હોય ત્યારેય ભીંજાઈને તરબોળ થઈને શું સમુદ્રકિનારે કલાકોના કલાક નથી ફર્યા? ત્યારે મન કવિતાની રાહ જોતું નહોતું, ત્યારે સોએ સો ટકા જીવી લેવાની દાનત હતી. અનુકૂળ-પ્રતિકૂળનાં ખાનાં જ ત્યારે તો પાડવાં નહોતાં. હવે તો શરીર તરત જ આદેશ કરી દે છે આ નહિ બની શકે.

આમ છતાં મનથી તો હું ચાર દીવાલો વચ્ચે બેસનારો આદમી નથી. ખણ્ડેરો પરના સમયના થરને સ્પર્શી સ્પર્શીને ઓળખવા, વૃક્ષની ત્વચાના પોતને પારખવું, પવનની ઉદ્ધતાઈનો તોર માણવો, નિર્જન એકાન્તમાં દૂર દૂર ચાલ્યે જ જવું, વૃક્ષોની વીથિકામાં થઈને અહેતુક આગળ વધ્યે જ જવું – આ બધું હજી ગમે છે. ઘરમાં પગ સંકેલીને, અર્ધા નિર્બળ રોગીની જેમ, બેઠો હોઉં છું, ત્યારે એ પગ ક્યાંના ક્યાં ઘૂમતા હોય છે! મને મારી બહાર ચાલ્યા જવાનું જાણે ફાવી ગયું છે.

હિસાબકિતાબ રાખનાર મન જોડે જંદિગીમાં મારો મેળ કદી ખાધો નથી. કોઈ સદ્ભાવપૂર્વક મને કહે છે : ‘તમે ધાર્યું હોત તો ઘણું કરી શક્યા હોત.’ એથી મને કશો અનુશોચ થતો નથી. નોંધણી કારકુન આગળ કેટલું કર્યું તેનો આંકડો નોંધાવવાનું મેં ક્યારનુંય છોડી દીધું છે. શરીર દુશ્ચિન્તા ઊભી કર્યે જ જાય છે. પણ મન પર કશો ભાર નથી. એમ નહિ કહું કે મરણનો ભય નથી. એ ભયમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. જીવનમાં વધારે ને વધારે ઓતપ્રોત થતા જવું આથી અનાસક્તિ મને કદી કોઠે પડી ગઈ નથી. કશું ન કર્યાની ક્ષણોનાં ઊંડાણમાં ડૂબકી મારી જવાનું પણ ગમે છે. હજી શું શું ગમે છે એની જો યાદી કરવા જાઉં તો એ લાંબી થાય એમ છે. અનુભવનું સારતત્ત્વ પામ્યો નથી કે પ્રતીતિઓની દૃઢતા વિશે હું એટલો બધો વિશ્વસ્ત નથી કે જગતને કશુંક આપી જવાનો લોભ જાગે. પૂરતી ગમ્ભીરતા મારામાં નથી. થોડુંક ઉછાંછળાપણું બચ્યું છે. એથી જ કદાચ મને જીવવું ગમે છે.

ઉત્સવના દિવસો

ઉત્સવના દિવસો આવ્યા. મારે આનન્દપ્રેરક ઉત્સાહપ્રેરક કશુંક લખવું જોઈએ. પણ આકાશ વાદળથી ઘેરાયેલું છે. પ્રકૃતિ તો આપણાં સુખદુ:ખ પરત્વે બેખબર રહે છે. એટલે પ્રકૃતિના બદલાતા રંગો પ્રમાણે મનના રંગો બદલવાની જરૂર નથી. પણ કાશીપુરા આગળનો રેલવે અકસ્માત, શરીર પર એક પણ વસ્ત્ર વિનાનાં કચરો ફેંદતાં નાનાં બાળકો, ખાંડ માટે લાંબી હારમાં ઊભેલાં માણસો, પરીક્ષામાં ઉઘાડે છોગે થતી ચોરીઓ, મુત્સદ્દીઓની મસલતો, સરદાર વલ્લભભાઈને હાર ચઢાવવાનું નાટક – આ બધું મનને મૂઝવી મારે છે એમ કહું તો એ અલ્પોક્તિ જ થઈ.

એમ તો પાસેના મેદાનમાં જ ક્રીડાનો ઉલ્લાસ છે. ત્યાંથી તુમુલ હર્ષધ્વનિના મોજાંઓ આવીઆવીને મારી બારીએ અથડાય છે. પાસેના આંબા પર તામ્રવર્ણી પાંદડાં મલિન સૂર્યપ્રકાશમાં પણ ચળકી રહ્યાં છે. હું મનને પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરું છું તો એ આયાસથી જ વધારે ક્લેશ થાય છે. હું તો દિવાળી અંકોનો લેખક કવિ હતો નહિ, એટલે મારું મન એ ઉદ્યમ માટે ઉત્સુક નથી. લોકોને હળવામળવાનું ગમે, પણ તે ઉત્સવના કૃત્રિમ ઉલ્લાસના વાતાવરણમાં નહિ. ભૂપેન ખખ્ખર આવી ચઢે તો ગપસપ લડાવીએ, વાતો બનાવીએ – અર્ધી ગંભીર, અર્ધી હળવી. આખી દુનિયાની ચિન્તા કરીએ, થોડી જાતતપાસ, થોડી ભવિષ્યની યોજનાઓ… પછી એ ઢગલો ડિટેક્ટિવ નવલકથાઓ મૂકી જાય ને હું છપ્પન ભોગ આરોગવા બેસું. એ સિગારેટનો કાગળ લઈને તમાકુ ભરીને સિગારેટ બનાવતો જાય ને એની લાક્ષણિક શૈલીમાં એકાદ વ્યક્તિનું રેખાચિત્ર આંકતો જાય. હું એને વારેવારે લખવાનું કહું છું. પણ રે મઠના મિત્રોના સહચારમાં રહ્યો છતાં એ પ્રગલ્ભ બન્યો નથી. કંઈ શરમાળ ને નમ્ર જ રહ્યો છે. હેલ્મેટ પહેરશે તો એ કેવો લાગશે તેની કલ્પના તાદૃશ કરીને અમે બંને ખૂબ હસીએ છીએ.

હવે તો જાણે થોડીક વધુ કરુણ ઘટનાઓના સાક્ષી બનવાને માટે જ જીવવાનું હોય એવું લાગે છે. વાંચું છું ત્યારે કોઈ કવિએ આ કરુણના મર્મને એટલી તો સમર્થ રીતે પકડ્યો હોય છે કે એની પંક્તિઓ મારા હ્યદયમાં વજ્રલેપ બનીને અંકાઈ જાય છે. નેલિસાક્સની કેટલીક કવિતાઓ વારે વારે મનમાં સ્ફુર્યા કરે છે. પણ આ દરમિયાન જ ‘અંગ્રેજી હટાવો’ માટેનું આન્દોલન જોરશોરમાં ચાલે છે. આપણને ગુલામીની એવી ટેવ પડી છે કે પહેલાં ચાહી ન હતી તેટલી આજે એટલી અંગ્રેજી ભાષાને ચાહીએ છીએ. ઘણાં લોકોમાં તો એવું સ્પષ્ટ વલણ હોય છે કે અંગ્રેજી જાણનારા તે જ દ્વિજોત્તમ, બાકીના ક્ષુદ્ર લોકો, ભારતવાસી એમનો રાજકારભાર ચલાવે અંગ્રેજીમાં. હું અંગ્રેજીનો ચાહક છું, પણ તે મારા પૂર્વના શાસકોની એ ભાષા હતી તે માટે નહીં. ભદ્ર લોકોનો વ્યવહાર એ ભાષામાં ચાલે છે. ને માટે ભદ્ર વર્ગના ગણાવવું છે તે માટે નહિ. મને અંગ્રેજી વિશ્વસાહિત્યની બારી ખોલી આપે છે. છેક દક્ષિણ અમેરિકાનો પાબ્લો નેરુદા હોય કે સેનેગાલનો કોઈ કવિ હોય, મેક્સિકોના ઓક્તાવિયો પાઝ હોય કે ફ્રાન્સનો બોદ્લેર હોય – હું એ સૌની કૃતિઓને માણી શકું છું. અમાનુષીપણાના ફેલાતા જતા અન્ધકારમાં હું એ બધી કવિતાઓના દીવડા પ્રગટાવીને દિવાળી ઊજવું છું.

લખી લખીને, વાંચી વાંચીને મેં કેટલો કચરો એકઠો કર્યો છે તેનું ભાન સાફસૂફીના આ દિવસોમાં થાય છે. એકાદ લેખ એવો જડી આવે છે કે જેને પુસ્તકમાં સમાવિષ્ટ કરી શકાયો ન હતો. કારણ કે ત્યારે એ જડ્યો ન હતો. હવે એને રાખી મૂકવાનો કશો અર્થ જોતો નથી. જવાબ વાળ્યા વિનાના ઘણા પત્રો મળી આવે છે. હું દોષબુદ્ધિ અનુભવું છું. આવી નાની નાની વાતોથી મન ભારે થતું જાય છે. ઉત્સવના આનન્દને માટે એને અનુકૂળ કરી શકાતો નથી.

મોડી રાતે આકાશમાં પાંખી ચાંદની જોઉં છું. કોઈક વાર પાછલી રાતે મેદાનમાં લટાર મારી આવવાનું મન થાય છે. ને તો લોહીના દબાણમાં ઉછાળ આવે તો? પાછલી રાતની ઠંડી અને ઝાકળથી દમ વિફરે તો? આ શરીરે મને કાયર બનાવી દીધો છે. સભાસંમેલનોમાંથી મેં વિદાય લેવા માંડી છે. જે ઘરે આવે એને હોંશથી મળું. થોડી પ્રવૃત્તિ તો મેં અનિવાર્ય બનાવી જ રાખી છે. એ નહીં રહે તો વિષાદની માત્રા વધી જાય, એ પરિસ્થિતિમાંથી બીજું કોઈ મને ઉગારી શકે એમ નહીં.

બહાર પતંગિયાંનું જોડું ઊડે છે. એમના ભાગ્યમાં તો આજનો મ્લાન સૂર્ય જ છે. આવતી કાલે તો એ કદાચ હશે જ નહીં. પણ એમની જીવનલીલા પર અનાગતનો પડછાયો પડતો નથી. જ્યારે અનાગતની આશંકા આપણો અડધો આનન્દ લૂંટી લે છે. દિવસે હું ઘડિયાળ તરફ જોતો નથી, પણ રાતે કાંડાઘડિયાળના ચમકતા કાંટાને જોઈ લઉં છું. મારી નિદ્રામાં અનિદ્રાના ઘણા તન્તુઓ વણાતા રહે છે.

હવે સેક્રીનવાળી મીઠાઈ અને સેળભેળવાળા તેલમાં તળેલી વાનગીઓ ચાખવાનું મન થતું નથી. અર્ધી મિનિટ આવીને ‘સાલમુબારક’ કહીને ચાલ્યા જતા આગન્તુકો સાથે બે ક્ષણ હસવા જેટલું હાસ્ય એકઠું કરું છું. હવે તો ઉત્સર્જન વિસર્જનના વિધિઓ જ વધવાના તેમ છતાં નવીનતાના આગમનને આવકારવાની ઉમંગભરી ભાષા ભૂલી તો ન જ જવી જોઈએ.

આમ તો ફ્રાન્ઝ કાફકાનો એક પરિચ્છેદ વાંચીને એને મનમાં મમળાવતો બેઠો રહું તોય દિવસ વીતી જાય છે. સૅમ્યુઅલ બૅકૅટ વાંચીને આંખો બંધ કરીને બેસી રહેવાનું ગમે છે. તેમ છતાં આંખ સામેની સૃષ્ટિમાંથી મન ઊઠી ગયું છે એવું નથી. શિરીષ પર એક ટુકટુકિયો માળો બાંધવાની પેરવીમાં છે. બિલાડી શિકાર પકડવાને પેંતરા ભરે છે. છેક નાનાં હમણાં જ ચાલતા શીખેલા, શિશુઓથી માંડીને તે છલાંગ મારીને ઝાડ પર ચઢી જતા કિશોરોને જોઉં છું. ને હું સોનગઢના એ ધાણકા વસ્તીગૃહની ભૂગોળમાં અટવાઈ જાઉં છું.

ચારસો-પાંચસો પાનાંની લાંબી નવલકથા લઈને એમાં ગળાડૂબ ડૂબી જવાનું મન થાય છે. સંગીત પણ ગમે, પણ ચારે બાજુના ઘોંઘાટમાં એનો મહિમા ખીલે નહીં. પણ દિવસો પસાર થતા જાય છે. આ દરમિયાન થોડાં વાદળ હટ્યાં છે ને આછો તડકો પડ્યો છે. લેલાંઓ ઉત્તેજિત થઈ ગયાં છે ને દરજીડો પણ ટહુકવા માંડ્યો છે. આ દિવસ પણ છેક કાઢી નાખવા જેવો તો નથી જ. ઘણાં વર્ષોથી ક્યાંક દબાઈ ગયેલી, અદૃશ્ય થઈ ગયેલી, કેટલીક ચોપડીઓએ ફરીથી દેખા દીધી છે. ભુલાયેલા સ્વજનને ફરી મળ્યા જેટલો મને આનન્દ થાય છે. આવા અકલ્પિત આશ્ચર્યોની તો ખોટ પડવાની જ નથી. માત્ર એટલું જ કે આસક્તિપૂર્વક એની પ્રતીક્ષા કરવાની નહીં.