પ્રથમ પુરુષ એકવચન/શરદનું આગમન

From Ekatra Wiki
Revision as of 11:20, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શરદનું આગમન| સુરેશ જોષી}} {{Poem2Open}} શરદના આગમનનાં લક્ષણો દેખાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શરદનું આગમન

સુરેશ જોષી

શરદના આગમનનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે. અત્યારે તો મોડી રાતથી તે છેક મળસ્કા સુધી ચાંદની પથરાયેલી હોય છે. વહેલી સવારે ધુમ્મસમાં લપેટીને મને કોઈ લઈ જાય છે. પછી સવાર અને ભાદ્રપદનો આકરો સૂરજ. મારા તો અનારોગ્યના દિવસો શરૂ થયાની એંધાણી મળી ચૂકી છે. હૃદય ફફડે છે.

હૃદય મારી અંદર જ છે. પણ એ કેવું હશે એનો મને ખ્યાલ નથી. એનાં ચિત્રો જોયાં છે. પણ મને એવાં જુદાં જુદાં ચિત્રો જુદે જુદે સમયે દેખાય છે. કોઈક વાર એ દરમાં ભરાયેલા સસલા જેવું લાગે છે, તો કોઈક વાર રાખોડી રંગના નાના કુરકુરિયા જેવું ટૂંટિયું વાળીને પડી રહ્યું હોય એવું લાગે છે. કોઈક વાર બાળકોને રમવાનો દડો કોઈક અંધારિયા ખૂણામાં પડી રહ્યો હોય એવું એ પડી રહેલું લાગે છે, તો કોઈક વાર ફૂટ્યા વગરનો બોમ્બ જાણે ન હોય એવું લાગે છે.

આવી ચાંદની રાતે જ ઝાકળભીના ઘાસમાં ખુલ્લે પગે ચાલવાનું મન થાય છે, પણ વાસ્તવમાં તો બારી ખુલ્લી રાખીને થોડી વાર બેસી રહું છું. પછી ઠંડક વધતી જાય છે. શ્વાસનો લય બદલાય છે. એકાએક કોઈ છૂપા શત્રુની જેમ એક દાંત એની ગેરીલા લડાયક વૃત્તિથી મને હેરાન કરવા માંડે છે. બહારની સુન્દરતાનો આખો સંકેત બદલાઈ જાય છે. હું જાણે કોઈ યાતનાભર્યા કારાગારમાં ફસાયો હોઉં એવું લાગે છે.

વેદનાના ધગધગતા સળિયા ચંપાતા હોય ત્યારે કોઈ યોગીની અદાથી હું પેલી જર્મન ગાયિકા જુદી જુદી દસ-બાર ભાષામાં ગીત ગાતી હતી તેને યાદ કરું છું. પાતળું સળેકડા જેવું શરીર, છતાં હિબ્રુ કે સ્પૅનિશ ગીત ગાતી ત્યારે જાણે બંધ દાંત વચ્ચેથી ભારે આવેશપૂર્વક સૂર નીકળતા સંભળાય. એવી જ કશાક સૂરની પ્રચણ્ડ થપાટ મારા દાંતને લાગે છે ને એ ઝનૂની સૂર પ્રગટ થયા વિના જ શમી જાય છે.

સંગીતની સ્મૃતિ ઊલટાની મને વધુ પજવે છે. એમાંથી છટકીને હું રાતવેળાએ જંપી ગયેલો. શહેરની છબિ મન સામે ઉપસાવું છું. સૌ પોતપોતાની આગવી વ્યક્તિમત્તાને સંકેલી લઈને એને આંશિક નીચે મૂકીને સૂઈ ગયાં છે. યોગીઓના આત્મા દેહના ખોળિયાને અહીં પડ્યું રહેવા દઈ અગમ અગોચર ભણી ચાલી નીકળ્યા હશે. પરપીડન અને આત્મપીડન વચ્ચે ઝોલાં ખાતાં માનવ આખરે ભગવાનના ખોળામાં માથું મૂકીને સૂતાં હશે. પણ એમણે એમની ટેવનું માળખું તો હાથવગું જ રાખ્યું હશે. આખા દિવસ દરમિયાન છાપામાં ઠલવાયેલા શબ્દો, સરકારી ધારાધોરણ અને વટહુકમોમાંના શબ્દો, જાહેર સભાઓમાંના ઘોંઘાટિયા શબ્દો, કથાકારનાં પ્રવચનોમાંના તિલક કરેલા ચન્દનથી સુગન્ધિત શબ્દો, મુત્સદ્દીગીરીઓના ધૂર્ત શબ્દો – આ બધા જ મૂગાંમૂગાં ટોળું વળીને ચાલી જતા દેખાય છે.

મારું કવિતાલોભી મન આશ્વાસન શોધવા કવિતા પાસે જાય છે. પણ મારી સ્મૃતિ અળવીતરાં કરે છે. એને એક હિબ્રૂ કવિની જ કવિતા એકદમ યાદ આવી જાય છે : ‘હું પડછંદ છું ને સ્થૂળકાય છું. મારી ચરબીના દરેક કિલો સાથે વિષાદના એક કિલોનું વજન ભળી ગયું છે. આમ તો હું પહેલાં બોલતાં તોતડાતો હતો, પણ જ્યારથી જૂઠું બોલતાં શીખી ગયો છું ત્યારથી મારી વાણીનો પ્રવાહ અસ્ખલિત વહ્યો જાય છે. માત્ર મોઢું ભારે વજનદાર – ઉચ્ચારવા મુશ્કેલ એવા શબ્દો જેવું – લાગે છે. કેટલીક વાર મારી આંખોમાં હજુ દૂરદૂરથી ફૂટતી તોપોના ભડકા દેખાય છે. કદાચ મારામાં ઊંડે ઊંડે કશુંક યુદ્ધ ચાલી રહ્યું હશે – કોઈ પુરાણું યુદ્ધ. હું બીજાને કશું નહીં ભૂલવાનું કહું છું, પણ મારી જાતને તો હું ખુદ પોતાને પણ ભૂલી જવાનું સમજાવી રહ્યો છું. આખરે હું પોતે પણ ભુલાઈ જઈશ.’

ધીમે ધીમે રાત્રિ નિ:શબ્દ બનતી જાય છે. એવી ક્ષણે જ આખો દિવસ ધૂર્ત મૌન સેવનારા ઈશ્વરનો ઘોંઘાટ ઉગ્ર બનતો લાગે છે. એના મન્દિરના પાયામાં દુ:ખી આર્ત જીવોની યાતના છે, એને કરવામાં આવતી બધી પ્રાર્થનાઓ લાચારીથી ભરેલી છે. પૂરા આત્મવિલોપનથી ઓછું કશું એને ખપતું નથી. જેમ જેમ રાત્રિ પ્રભાત તરફ ઢળતી જાય છે તેમ તેમ નવી યાતનાઓના અંકુર ફૂટતા જાય છે. આખોય દિવસ એ અંકુરની વિકાસલીલા જોવા સિવાય કશું કરવાનું રહેતું નથી. આ બધાંને આજે પાછો આ લીલાના સર્જક ઈશ્વરનો આપણે આભાર માનવાનો રહે.

ચાંદની રાતમાં કણસતા અવાજવાળી ભૂતાવળ ચાલી જતી જોવાની પણ એક વય હતી. હવે એવી કશી કાલ્પનિક ભૂતાવળની મદદ લીધા વિના (કારણ કે હવે તો દેહમાં જ ભૂતાવળના પડછંદા ગાજે છે) જ એનો અનુભવ થઈ શકે છે. કોઈ એમ કહેશે કે તમારો દાંત દુ:ખે તેમાં સંસાર દુ:ખમય છે એમ કહેવાનો શો અર્થ? ના, એવું તો છેક નથી. અત્યન્ત સુખની ક્ષણોમાં પણ આપણને એવું નથી થતું? કાલિદાસનો પેલો શ્લોક યાદ કરી જુઓ, ‘રમ્યાણિ વીક્ષ્યં મધુરાણિ નિ:શમ્ય શબ્દાન્–’ આપણે સૌથી સુન્દર દૃશ્ય જોતા હોઈએ કે સૌથી મધુર શબ્દ સાંભળતા હોઈએ ત્યારે જ કશાક અકથ્ય વિષાદથી આપણું મન છવાઈ જાય છે. રિલ્કેએ પણ આ જ વાતનો પડઘો પાડ્યો છે. એનું કારણ કદાચ એ જ છે કે સુખ ક્ષણિક છે. ‘આ સુખ છે’ એમ કહીને ઓળખીએ તે પહેલાં તો આ અદૃશ્ય થઈ જાય છે. રોજ-બ-રોજની ઘટમાળ ચાલતી હોય છે ત્યારે તો જડતાને જ સુખ માનીને આપણે જીવી કાઢીએ છીએ, પણ કશાકની ઉત્કટ અનુભૂતિ થાય ત્યારે જ વિષાદના અનુભવની ભૂમિકા રચાય છે.

પુસ્તક વાંચતાં વાંચતાં અધૂરું મૂકીને વચ્ચે પાનું યાદ રાખવા નિશાની મૂકી, ચોપડી બંધ કરી. પેલી અધૂરી મૂકેલી કવિતાની પંક્તિ કંઈ ત્યાં જ થોડી અટકી ગઈ? એ તો આગળ વધીને બહાર ચાંદનીમાં વિસ્તરી ગઈ. ત્યાં શબ્દમાંથી નિ:શબ્દતામાં એનો મોક્ષ થયો. પછી પાછો ભવિષ્યમાં કોઈ કવિ આવશે ત્યારે એ નિ:શબ્દતામાંથી એને આંચકી લઈને ફરી બન્ધનમાં પૂરશે. કોઈ વાર ઓસરી જતી સર્જકતાથી ભયભીત થઈ જાઉં છું ત્યારે મનને આ આશ્વાસન આપું છું. હવે શબ્દપર્વ પૂરું થયું, હવે મોક્ષપર્વ શરૂ થયું. તેમ છતાં શબ્દમાંથી નિ:શબ્દમાં જવાની પ્રક્રિયા પોતે જ સર્જકતાને નથી પડકારતી? વાલેરી કે રિલ્કે આવો પડકાર ઝીલી લે છે. ‘ધ રેસ્ટ ઇઝ સાયલેન્સ’ કહીને શૅઇકસ્પિયર પણ છટકી જતો નથી. ત્યાર પછી પણ એલ્સિનોરના કિલ્લાની દીવાલ સાથે પછડાતા સમુદ્રના પડછંદા આપણે નથી સાંભળતા?

આખરે દુ:ખશામક ટીકડી ફંફોસીને શોધી કાઢું છું. ધીમે ધીમે વેદનાનો કઠણ ગાંગડો ઓગળતો જાય છે, ઊંઘ આડે બાંધેલી પાળ તૂટી પડે છે, ઊંઘને તળિયે બેસી જાઉં છું. તોય ઊંઘના એ ઊંડાણમાં પણ ક્યાંક આ યાતના સંતાતી ફરતી હશે એવી ભીતિ મનમાંથી પૂરી જતી નથી.

સવારે દૈયડ અને બુલબુલ મીઠા ટહુકા કરે છે, કદાચ એ તો એમની બુભુક્ષાનો જ અવાજ હશે, પણ એ સન્દર્ભની બહાર રહીને એને સાંભળું છું ત્યારે મને કેવળ મધુરતાનો આસ્વાદ થાય છે. તેથી જ તો ઘણી વાર એવું લાગે છે કે આપણો પરિમિત સન્દર્ભ, સંકુચિત પરિપ્રેક્ષ્ય જ બધી કુરૂપતા અને અરુચિકરતાનું કારણ છે. ભવભૂતિની ખુમારીથી આપણે પણ કહી દેવું જોઈએ : કાલો અયં નિરવધિ વિપુલાચ પૃથ્વી!

શરદ આવી. ગાડીમાંથી જતાં રેલવેના પાટાની બંને બાજુએ શરદનું મહિમ્નસ્તોત્ર ગાતાં કમળોને જોયાં. નદીનાં નીર હજી રતુમડાં, માટીવર્ણાં ને ડહોળાં છે. હજી આકાશની નીલિમા એમાંથી પ્રતિબિમ્બિત થતી નથી. પછી તો જાણે પૃથ્વી બે આકાશની વચ્ચે રહીને શોભી ઊઠશે. મુંબઈનું એક સુખ મુંબઈ છોડ્યાની સાથે મારે છોડવું પડ્યું છે. એ છે સમુદ્રનું સુખ. સમુદ્રને સાંભળવાનો મને નશો ચઢે છે. એની સુવિસ્તૃત ચંચળતા સ્તબ્ધ બનીને જોયા કરું છું. ચારે બાજુ ભલે ને અસંખ્ય માનવીઓ હોય, હું સમુદ્રકાંઠે બેઠો હોઉં છું ત્યારે મને નર્યું એકાન્ત જ લાગે છે. અહીં કોઈક વાર રાતે જાગી જતાં મેદાનમાંના ધુમ્મસને જોતાં મને સમુદ્રની ભ્રાન્તિ થાય છે.

આસોના ઉજમાળા દિવસો આવશે ત્યારે મારો કાવતરાંખોર દેહ દ્રોહી બનીને મને દગો દેશે. એની આ કપટલીલા હું જોયા કરું છું. હજી સુધી તો દુ:ખમાંથી કશું તારવી કાઢવાનો લોભ થયો નથી. દુ:ખ એ દુ:ખ છે, એમાં કશં આશ્વાસન શોધવાની પણ વૃત્તિ થઈ નથી. મારા દુ:ખથી સહેજ અળગા સરી જઈને હું બીજાના સુખનો સાક્ષી બની શકું છું.

26-9-75