બિપિન પટેલની વાર્તાઓ/૮. રિવ્યૂ

From Ekatra Wiki
Revision as of 05:58, 24 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. રિવ્યૂ

હૉલ ઘણો વિશાળ હતો. રાજ્યના બધા તાલુકાના ટી.ડી.ઓ.ને રિવ્યૂ માટે બોલાવેલા. રાઉન્ડ ટેબલની આસપાસ સિત્તેર, એંસી ખુરશીઓ સમાય ને તાલુકા એકસો ત્યાંસી. બધાને સમાવવા સારી એવી નાની ખુરશીઓ ગોઠવેલી. તેથી એમાં બેઠેલા બધા બાળ-બટુકો જેવા લગતા હતા. બેઠકોનું અ, બ, ક, ડ, ઈ વર્ગમાં વિભાજન કર્યું હતું. દરેક વિભાગનો નિર્દેશ કરતાં મોટાં બૉર્ડ હૉલમાં પ્રવેશતાં જ દેખાય. એક વર્ગના તમામ જમણી બાજુ મોં રાખી બેઠેલા. એની પાછળ ઊભેલો ફોલ્ડર અને દીવાલને અઢેલીને બેઠેલાનું પણ એમ જ. તો વળી, બીજા વર્ગના ડાબી તરફ ઢળેલાં મોંએ, ત્રીજા આકાશ ભણી મોં રાખીને તો ચોથા ગોળ ગોળ મસ્તક ઘુમાવતા હતા અને સામેના ખૂણે બેઠેલા મોં નીચું રાખીને બેઠા હતા. ટેબલ પાસે બેઠેલા અધિકારીઓ ચોફાળ જેવા મોટા પત્રકમાં મોં ખોસીને બબડતાં બબડતાં ગણતરી કરતાં, ઊકેલ જડતાં કાને ખોસેલી પેન્સિલથી આંકડો ટપકાવતા હતા. કામ કરતાં કરતાં, ભીડને કારણે બાજુમાં બેઠેલાને ‘નડશો મા’ ‘અલ્યા માગ કર ને’ ‘તારી કુણી આઘી રાખ વાગે છે.’ ‘છેક મારી સીટ પર આવી ગયો, જરા ખસતો બેસ’ એમ બોલ્યે જતા હતા. સ્પીકરમાંથી સતત સંભળાતું હતું, ‘અધિકારીગણ અને કર્મચારીઓ હળીમળીને રહો, અવાજ ન કરશો, શાંતિ રાખો. સાહેબ આ ઘડી આવી જશે. રિવ્યૂ શરૂ થવામાં છે, સહુ તૈયાર રહો.’ સ્પીકરમાંથી અવાજ બંધ થતાં ટેબલ પાસે બેઠેલા અધિકારીઓ પત્રક વાળવા લાગ્યા. એમની પાછળ ચોંટીને ઊભેલા ફોલ્ડરો સાવધાનની પોઝિશનમાં આવી ગયા. દીવાલને અઢેલીને બેઠેલા પણ હાથ-પગ કડક રાખીને ટટ્ટાર બેઠા. હૉલના બંને દરવાજામાંથી કયા દરવાજેથી સાહેબ આવશે એ રહસ્ય કોઈથી ઊકલતું નહોતું તેથી એમનાં મુખની દિશા બદલ્યા વગર દેખાય એટલું જોવા મથતા હતા. એમને ઊભેલા પટાવાળાથી વધારે કંઈ દેખાતું ન હતું. આકાશભણી અને નીચું મોં રાખી બેઠેલા ઍડ્‌વાન્ટેજિયસ પૉઝિશનમાં હતા. કારણ ત્રાંસી નજરે એમને વધારે સ્પષ્ટ દેખાતું હતું. ત્યાં જ સ્ટેડિયમમાં પ્રેક્ષકોના વેવની જેમ હૉલનો પ્રત્યેક જણ ઊભો થઈ સલામ કરીને ઊભો રહ્યો. સાહેબ મોટા વૂડન પ્લૅટફૉર્મ મૂકેલી એમની રાજા ચેર પર બેઠા. સાહેબે ગરુડાવલોકન કરી હસતાં હસતાં કહ્યું, ‘કેમ બધા આમ વિચિત્ર મોં રાખીને બેઠા છો? આપ સહુએ રિવ્યૂ કરવાના હતા આપણાં પશુ ભાઈબહેનનાં મુખ કઈ તરફ નમેલાં છે તેના. આપે તે રીતે બેસવાના નથી.’ નીચું મોં રાખેલા વિભાગમાંથી અવાજ આવ્યો. ‘સર ફિલ્ડમાં સતત રિવ્યૂમાં રહેવાથી અમારાં મસ્તક પણ ઑટોમેટિક સમીક્ષા વિષયની જેમ ઢળી જાય છે.’ સાહેબે કહ્યું, ‘એ બતાડે છે કે આપ સહુ કેટલા ડૂબ્યું છે. પણ તમને સહુને ફાવતા હોય તો અમને આપત્તિ નથી.’ સાહેબે રિવ્યૂ શરૂ કર્યો. ‘મારા પ્યારા અધિકારીઓ, આ ઐતિહાસિક રિવ્યૂ, ન પહેલાં થયો છે ન પછી થશે. ઉક્ત સમીક્ષામાં આપ સહુને આવકારે છે. આપ સહુ કેટલા નસીબવાળા છો કે અમુક ચોક્કસ સમયમાં જન્મ લીધા, સરકારી નોકરી મળી અને આ રિવ્યૂમાં સામેલ થયા. ફરીથી કહું કે આ ધન્ય પળમાં સામિલ છો એનો હમને બહુ આનંદ છે.’ હમે વિશેષ લાંબા ભાષણ નથી કરવાના. ધારીએ તો કરી પણ શકીએ. મોટા સાહેબનાં પડખાં સેવ્યાં છે – એક ફૉલ્ડર ગણગણ્યો – ‘પુરુષમાં નથી લાગતો’ સાહેબની સાથે ને સાથે રહ્યા તેથી સ્પીચ આપવાના ફાવટ આવી ગયા છે. પણ ટૂંકમાં પતાવીશું. ‘આપ સહુને ખબર છે કે સમાજનો સુધાર કરવો હોય, બદલાવ લાવવો હોય તો સંશોધન કરવાં જરૂરી છે. કેટલીક ગણતરી કરવાની થાય. આજના આધુનિક ટૅક્‌નૉલૉજીના યુગમાં ‘ડેટા’ એકઠા કરવા અને ત્યારબાદ એનું એનાલિસિસ કરવું અતિ આવશ્યક છે. તે થકી જ આપણે ગ્લોબલી કંપિટિટિવ થઈ શકાશે.’ ‘તો હા, અમે કહેતા હતા કે આ અનોખી સમીક્ષાનો આરંભ મોટા સાહેબની ઇચ્છા પ્રમાણે આપણાં સહુનાં પ્યારાં પશુ ભાઈ-બહેનોથી કરવાનું વિચાર્યું હતું. આપ સહુ એ પણ જાણતા જ હશો કે સમગ્ર દેશના સર્વ જીવોના ડેટા એકઠા કરવા મુશ્કિલ જ નહિ નામુમકિન છે. વળી એક બીજા પણ સમસ્યા થયા. રિવ્યૂના પૂર્વ તૈયારી રૂપે હમે એક પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરેલા. એમાં એક કમ્પ્લેન આવ્યા હતા કે આપણા પૂર્વજ એવા કપિભાઈઓ નિયત નમૂના મુજબ જવાબ આપવાને બદલે ખેંખચ કરતા જોવા મળ્યા.’ આખો હૉલ ખડખડાટ હસી પડ્યો. ઊંઝાના ટી.ડી.ઓ.એ મોંની પૉઝિશન બદલ્યા સિવાય હાથ ઊંચો કરી સ્પષ્ટતા કરી, ‘સાહેબ અમારા તાલુકામાં કપિભાઈઓ ખેંખાચિયાં કરીને સમીક્ષાનો આખો માહોલ બગાડતા હતા તેથી એમને સમીક્ષામાંથી બહાર રાખેલા.’ સાહેબે આગળ બોલતાં જણાવ્યું કે, ‘જેમની પાછળ ચાલવાનું આપણે કોઈ પસંદ ન કરીએ તે ખરભાઈને પણ જુદા કારણસર બાકાત રાખેલ હતા. અમે બતાવી દઈએ કે એમની બાબતમાં બુદ્ધિના પણ પ્રશ્ન હોવાથી સમીક્ષાને મદદ મળી શકે તેમ ન હતા.’ ‘અને ખાસ કારણસર, જનરેશન્સથી અતિ પૂજ્ય હોવાથી, તેના અંગેઅંગમાં’ સાહેબની ડાબી બાજુથી અવાજ આવ્યો, ‘રોમેરોમમાં દેવતા વસ્યા છે સાહેબ’ ‘ભાઈની વાત બરાબર છે. તેથી ગાયને પણ ટચ કરવાના મુનાસિબ ન લાગ્યા. આ બાબતે મોટા સાહેબના પણ પરામર્શ કર્યા હતા. અને સાહેબે ગાયમાતા વંદનને પાત્ર છે તેથી તેની સતામણી ન કરવાના અને તેના સતામણી કરે તેની ખાલ ઊધેડી દેવાના, સૉરી સૉરી સાહેબે તેમ નથી કહ્યા. સો, ગાયમાતાને પણ રિવ્યૂમાં સામેલ ન કરેલ.’ ત્યારબાદ સાહેબે સંસ્કૃતિ, સભ્યતાના અભ્યાસીઓના મંડળને કામ સોંપેલા. મંડળના મત હતા કે આપણી પ્રાચીન સિંધુ સભ્યતાના ગ્રંથોમાં ઉલ્લેખ પામેલાં પ્રાણીઓમાંથી આજે હયાત પશુ ભાઈ-બહેનોના સર્વે કરવાના નક્કી કર્યાં. અંતે મોટા સાહેબે નક્કી કર્યા પ્રમાણે અશ્વ એટલે ઘોડા જે શક્તિ, virilityનું સિમ્બોલ છે, ડોગી એટલે કે કૂતરાં જે બોલનારનું સિમ્બોલ છે, આપે જોયા હશે, તે ચોવીસ ઘંટા કંઈક ને કંઈક અવાજ કાઢ્યા કરે છે, ભેંસા – કોઈક બોલ્યું, ‘ગુજરાતીમાં ભેંસ કહેવાય સાહેબ’ એ શાના સિમ્બોલ છે? જવાબ ન આવતાં સાહેબે કહ્યું, ‘લીવ ઈટ, અને ભૂંડ વગેરેના સમીક્ષા હાથ ધર્યા.’ ‘તો ચાલો હવે રિવ્યૂ શરૂ કરીએ. આપ સહુ આપના તાલુકાના આંકડા સાથે તૈયાર છો ને?’ ડાબી તરફ મોં રાખીને બેઠેલા વર્ગના અધિકારીઓ કેલ્ક્યુલેટર બાજુમાં મૂકી તેમના તાલુકાની સ્થિતિ વધારે સારી બતાવવા આંગળીના વેઢે ગણતરી કરીને પત્રકમાં છેલ્લી ઘડીના સુધારા કરતા હતા. સાહેબે શરૂ કર્યું ને બધાએ પોતાના માઈક્રોફોનની સ્વીચ ઑન કરી. જમણી બાજુ નમેલા તાલુકાવાળા બ્લૉકમાંથી પાંચ સાત જણ એક સાથે બોલવા લાગ્યા ‘સાહેબ અમારો તાલુકો પહેલેથી જમણી બાજુ’, ‘સાહેબ ઍક્સેલન્ટ પ્રોગ્રેસ છે,’ ‘સાહેબ જબરદસ્ત વિકાસ છે.’ સાહેબે ટેબલ પર મુક્કો પછાડીને ‘નો નો, બધાએ સામટા નથી બોલવાનું. તમારા ગ્રૂપ લીડર કોણ છે, ડીસા તાલુકો ને? તો ડીસા તાલુકો પ્રથમ બોલે.’ ડીસા તાલુકાના ટી.ડી.ઓ. અહેવાલ રજૂ કરતાં પહેલાં સાહેબની રજા લઈને ઊભા થઈ ગયા. ‘સાહેબ, જોસ્સો આવી જાય તેવો પ્રોગ્રેસ છે.’ આપે અમને ‘સમજાવટ સાથે સમીક્ષા’ એવું સૂત્ર આપેલું. એ મારા બ્લૉકના સડસઠ તાલુકા વિકાસ અધિકારીઓએ ગાંઠે બાંધેલું. સાહેબે ખોટી રીતે રિપીટ કર્યું, ‘બધા ટી.ડી.ઓ. ગંઠાઈ ગયેલ હતા.’ ડીસાના ઑફિસરે વાત આગળ વધારી, ‘સાહેબ અમારી આંતરિક સમીક્ષા પ્રમાણે પ્રથમ ત્રણ માસમાં જમણી બાજુ નમેલાં ચાલીસ ટકા હતાં. આ લોકો સાહેબ સાથે પેઢીથી એ તરફ જ હતાં. છ માસ પછી સેન્સેક્સની જેમ ઊછળીને સિત્તેર ટકાએ આંક પહોંચ્યો. સાહેબ, અમે ઘર ઘર હર ઘર કૅમ્પેઈન આદર્યું તો એવું જોવા મળ્યું કે શ્વાન બંધુઓ કુદરતી હાજતે જાય તો પગ ઊંચો કરવાનું રહી જાય છે પણ મસ્તક તો ચોક્કસ દિશામાં નમેલું જ હોય. વળી એક બીજું કૌતુક પણ જોવા મળ્યું. શ્વાનભાઈઓનો અવાજ પહેલાં મંદ થયો, પછી ફ્રિકવન્સી ઘટી અને તાજેતરમાં તો ઘણાબધા, એમ સમજોને કે પચાસ ટકા બોલતા જ બંધ થઈ ગયા છે.’ સાહેબે ટ્રાન્સલેશન કર્યું ‘their tounge is tied’ ‘સાહેબ ભૂંડો પણ આદત સે મજબૂર મસ્તક નીચું રાખે છે પણ શરીર જમણી બાજુ ઢળેલું હોય છે. ભેંસોની બાબતમાં તકલીફ પડે છે. ડોક એવી રીતે ઘુમાવે કે પ્રશ્નનો જવાબ ‘હા’ કે ‘ના’માં આપે એ સમજાય નહિ. પણ એટલું સારું છે કે એ પણ બધી ક્રિયાઓ આપ સાહેબે કહ્યા પ્રમાણેની દિશામાં જ કરે છે.’ સાહેબ એક વાત ઉમેરું? ‘એકવાર અમે સર્વે કરતા હતા ત્યારે ત્રણ ઘોડા રેવાલ ચાલે જમણી બાજુ ચાલતા હતા, અસવારોનાં ઘર ડાબી બાજુ હતાં તેથી લગામ ખેંચીને ડાબી બાજુ મોં ફેરવવા મથ્યા, ચોકઠું પણ ડાબી બાજુ ફેરવ્યું પણ ઘોડા જમણી બાજુના ઘરના ઓટલા પર ચડી ગયા. છેવટે અસવારો કૂદકો મારીને એમના ઘર પાસે ઊતર્યાં. આ ફેરફારને કારણે સાહેબ એટલી બધી વહીવટી સરળતા થઈ ગઈ કે બધા ઊકરડા જમણી બાજુ, તેથી ડાબી બાજુ ચોખ્ખીચણક રહે છે. અઠવાડિયે એકવાર વાળીએ તો પણ ચાલે. હવાડા જમણી બાજુ અને ચાટ પણ જમણી બાજુ ગોઠવી દીધી, ઘોડાના તબેલા પણ એ બાજુ. સમૂહના જમણી બાજુના ઝુકાવને કારણે પ્રથમ વર્ષે ઘણો ખર્ચ થશે, પણ કાયમી નિરાંત થઈ જશે. વળી આપે હૈયાધારણ આપી હતી કે ફંડ ઈઝ નો પ્રોબ્લેમ, બડી સરકાર આપશે. સર્વ પશુ ભાઈબહેન એકસૂત્ર હોય, એક તરફ વિચારે તેથી સંવાદિતા રહે. સાહેબ એક કવિતા બોલું? ‘અમે સહુ સંવાદિતાના સાધકો.’ સાહેબ અકળાયા ‘ભાઈ તમે તો બહુ લાંબા રામાયણ કહ્યા. ટૂંકમાં પતાવો.’ અધિકારીએ કહ્યું, ‘સમાપન કરું તો સાહેબ ૯૯.૯૯ ટકાએ જુમલો પહોંચાડ્યો છે. સાહેબ, આપને યોગ્ય લાગે છે ને?’ સાહેબે આછું સ્મિત કરતાં બધી ક્રેડિટ ગ્રૂપ લીડર ન લઈ જાય તેથી કહ્યું, ‘આપના તાલુકાના સહુના અથાગ પ્રયાસ, મારી દોરવણી અને મોટા સાહેબની પ્રેરણાથી અને આપણો સહ પશુ ભાઈ-બહેનોના સહકારથી આટલા પ્રગતિ થયા. થ્રી ચિયર્સ ટુ ઑલ. સહુ તાળીઓથી વધાવી લેશો. ‘આખો હૉલ વર્ણથંભી તાળીઓથી ગુંજી ઊઠ્યો અને સમય જાણે થંભી ગયો.’ સાહેબ ‘આભાર’ બોલ્યા ને ધીમે ધીમે અવાજ ઓછો થઈને અટક્યો. સાહેબે કહ્યું, ‘આ તો પ્રથમથી જ પ્રગતિશીલ બ્લૉક હતી તેથી સમીક્ષા અધિકારીઓ માટે કામ સહેલાં હતાં. પણ હવે, ‘હાર્ડ નટ ટુ ક્રેક’ વાળા બ્લૉક લઈએ.’ ડાબી તરફ ઝૂકેલા ગ્રૂપ લીડરને પૂછ્યું. લીડરે વાળ ઉલાળી, કડક ચહેરે નિવેદન શરૂ કર્યું, ‘સર આપે અમને જોશ અને જોમથી કામ કરવા જણાવેલ. અમે ગામ ગામ ખૂંદી વળ્યા. સોંપાયેલાં તમામ પશુભાઈ બહેનોને એક એક કરીને સમજાવી, ફોસલાવી જોયાં કે ભાઈઓ, બહેનો જમણી તરફ ઝૂકેલાં રહેશો એમાં જ આપનું, આપણા તાલુકાનું, રાજ્યનું અને અંતે દેશનું કલ્યાણ રહ્યું છે. પણ સાહેબ, શી વાત કરું? મારાં વ્હાલાં ટસથી મસ ન થયાં. પછી તો મેં મારી ટીમ મિટિંગમાં જાહેર કર્યું કે સામ, દામ, દંડ, ભેદની રીત અજમાવો, આપણા મોટા સાહેબ કહે છે તેમ.’ સાહેબે આંગળી ઉઠાવીને કહ્યું, ‘નો નો ગલત બાત. મોટા સાહેબ એમ જાહેરમાં કહે જ નહિ. એ તો ટાણે જ બોલે, હરેક ટાણે, હરેકની સામે ન બોલે. તમે જોયા હશેે, તેઓશ્રી લગભગ મૌન રહે છે. આપણે પૂછીએ તો ટૂંકમાં જવાબ આપશે. આથી તમે એવું સાંભળ્યા હશે તો એ નાના નેતા પાસેથી. પન બોલો તમે શા વાત કરતા હતા?’ લીડરે કહ્યું, ‘હું સાહેબ એમ કહેતી હતી કે પહેલા ક્વાર્ટરમાં સહેજેય પ્રોગ્રેસ ન દેખાયો તેથી મેં સાથીદારોને સમજાવ્યું કે પેલું સૂત્ર અજમાવો. એ બધાએ ખૂબ પ્રયાસ કર્યાં. પણ આ વર્ગનાં પશુ ભાઈ-બહેન જડ જેવાં હતાં. એ સમજાવટ, નાણાંથી ન માન્યાં. છેવટે સાહેબ, અકળાઈને કેટલાંક ગામોમાં કાર્યકર્તાઓએ કૂતરાં અને ડુક્કરોને લાફા ઝીંકી દીધા તે બધાને ગાલપચોરું થઈ ગયું તો પણ ટસસે મસ ન થયાં. ડાબે જ રહ્યાં. જિનેટિકલી ડિફેક્ટીવ પીસ.’ સાહેબને ન સમજાયું એટલે એ ‘ગાલપચોરિયા’ ક્યા હોતા હૈ પૂછ્યું. કોઈક અંગ્રેજી શબ્દ mumps બોલ્યું ને વાત આગળ વધી. લીડરે કહ્યું કે, ‘સાહેબ ગાલપચોરું મટાડવા માટે રાજ્યના ખજાનામાંથી સારો એવો ધનરાશી વપરાયો.’ એ બ્લૉકમાં ખુરશીમાં બેઠેલો એક કર્મચારી ઊભો થઈ તરન્નુમમાં આવી ગયો ‘તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના’ એક પટાવાળો દોડતો આવીને એને બેસાડી ગયો. લીડરે સમાપન કરતા કહ્યું, ‘પૈસા ખર્ચતાં પણ ફાયદો એ થયો કે એવી જડબેસલાક ધાક બેસી ગઈ કે થોડાઘણા જમણે વળ્યા. આ સિદ્ધિ નાનીસૂની નથી સાહેબ. સાહેબે તરત કહ્યું, ‘એમ નહિ, ચોક્કસ આંકડો રજૂ કરો. મારે મોટા સાહેબને પરફેક્ટ પ્રોગ્રેસ બતાડવાના છે.’ એની પાછળ ઊભેલો ફૉલ્ડર લીડર ભણી ધસી આવ્યો. લીડર સાહેબના કાનમાં એ ગણગણ્યો ને એ બોલ્યા, ‘સાહેબ એમ સમજોને કે એક્ઝેક્ટ ૧૭% વૃદ્ધિ થઈ. સાહેબ માફ કરશો, બહુ ખેતી કરી પણ ધારેલી સફળતા ન મળી.’ સાહેબના ચહેરા પર સંતોષ અને રાજીપો એકસાથે દેખાયા. એમણે કહ્યું, ‘તમારા અઘરું કામ જોતાં ઘણાં સારો પ્રોગ્રેસ કહેવાય. ગુડ. યુ ડિઝર્વ ક્લેપ’ કહી સર્વેને તાળીઓ પાડવા ઇશારો કર્યો. પછી તેમણે કહ્યું, ‘જે પશુઓ ગોળગોળ મોં ફેરવતાં હતાં તેના અમને ચિંતા નથી. આ લોકો આપણી કાઉ, આઈ મીન ગાય માતા જેટલાં જ પવિત્ર અને હાર્મલેસ હોય છે. ક્યારેક શિંગડા મારી બેસે પણ જ્યાદાતર નુકસાન ન કરે. આ પશુઓ ન બદલાય તો વાંધા નથી. એમનો જૂમલો જેટલા છે તેટલા ટકી રહે કે થોડા આંકડા બઢે તો ફાયદા જ છે. તેમના થકી વહીવટને કોઈ નુકસાન નથી. તે પોતાના સંભાલીને બેસી રહે છે. ટૂંકમાં તેઓ નડતર નથી. એમને હમે સતાવીશ નહિ.’ તો પણ એ બ્લૉકનો લીડર બોલી ઊઠ્યો, ‘તેમ છતાં સાહેબ દસ ટકાને આપણી તરફ ઝુકાવી દીધા છે.’ સાહેબ ગુસ્સે થઈ ગયા ‘ફિર સે ગલત બાત બોલી?’ લીડર ઓઝપાઈ ગયો. ‘ના સાહેબ, હું તો પહેલીવાર બોલ્યો,’ ‘લેકિન ગલત બોલા ન?’ સૂન, આપણે સહુ સરકારશ્રી અને પ્રજાના સેવકો છીએ તે ભૂલવાના નથી. આપણે કોઈના પક્ષમાં નથી બેસવાના. આપના મત પણ નથી જણાવવાના. ન્યૂટ્રલ રેહવાના છે. બસ ઈતના હી. હાં પૂરા ઇન્વૉલ્વમૅન્ટ ચાહિએ. જી-જાનસે કામ કરને કા. લીડર સહિત હૉલમાં બેઠેલા સહુ બોલ્યાં, ‘જી સર’ સાહેબ સહિત સહુ બે કલાકથી પેશાબ કર્યાં વગર બેઠા હતા એની પીડા એમના મોં પર કળાતી હતી. સહુને ક્યારે પતે એની રાહ હતી. સાહેબે કહ્યું, ‘હવે વધારે વખત નથી લેવાના’ એમની પાછળ બેઠેલા અધિકારીને પૂછ્યું, ‘હવે કયા વર્ગના રિવ્યૂ બાકી રહ્યા?’ એણે કહ્યું, ‘સાહેબ નીચું જોઈને વિચરતાં પશુ ભાઈબહેન.’ સાહેબમાં ચેતન આવ્યું, ‘યસ, લાસ્ટ બટ મૉસ્ટ ઈમ્પોર્ટન્ટ. આ વર્ગનાં ભાઈ-બહેનો કેવાં હોય છે? તમે કાલે પ્રિવ્યૂમાં એક વર્ડ વાપર્યા હતા. એમ કહી એ અધિકારી તરફ જોયું, અધિકારી ગૂંચવાયો, કારણ એ કશું નહોતો બોલ્યો. આ વર્ગનો લીડર તરત બોલ્યો, ‘સર આપ એમને ‘મીંઢા’ ગણો છો ને?’ ‘યસ બેસ્ટ વર્ડ ઈન બૅસ્ટ ઑર્ડર. આ લોકો મીંઢા હોય છે. તેમને ફ્રિન્જ પણ ગણી શકો. તેઓ મૉર ડેન્જરસ હોય છે. કારણ કે, ગમે ત્યારે ગમે તે બાજુ ઢળી શકશે. તેથી તેમની સાથે ડીલ કરવામાં ઘણા ચોકસાઈ લીડર બોલ્યો, ‘ચોકન્ના’ સાહેબે કહ્યું, ‘અગેઈન પ્રોપર વર્ડ. હા ચોકન્ના રેહવા પડે. ભૂલમાં પણ ડાબી તરફ યા અન્ય અનુકૂલ સાઈડ તરફ જતાં રહે તો મોટા સમસ્યા ખડા થાય. મોટા સાહેબ પણ ગુસ્સે થઈ શકશે. હા, બોલો લીડર, તમારા વર્ગની સમીક્ષા શું કહે છે?’ લીડરે કહ્યું, જ્યારે પણ જઈએ, કંઈ પણ પૂછીએ, જવાબ જ ન આપે. અમુક કિસ્સામાં તો અમારા કાર્યકરો જમીન પર લેટીને એમની આંખમાં આંખ મેળવીને પૂછે, પણ લુચ્ચાં મગનું નામ મરી ન પાડે.’ ન સમજાતાં સાહેબે પૂછ્યું, એના મતલબ? ‘સર આ લોકો નોનકમિટલ રહે. અમને ઘણી અકળામણ થતી, પણ હાથ ઉપાડવાની તમે ના પાડેલી. ભારે સમજાવટ પછી ક્યારેક જવાબ આપે તેના આધારે એમને સમજાવવાનો પ્રોગ્રામ ઘડી કાઢીએ. સાહેબ પાંચ ટકા પાસે જમણી બાજુનું કમિટમેન્ટ લીધું, પણ સાથે સાથે એ પણ એન્સ્યોર કર્યું કે કોઈ પણ સંજોગોમાં આ ભાઈઓ ડાબી તરફ ન ઢળે.’ સાહેબને યાદ આવ્યું ‘આકાશમાં જોયા કરતાં ભાઈબહેનોને કેમ ભૂલી ગયા?’ એમને કોઈના પરવા નથી હોતા. એમના કુટુંબના નહિ, આપણા દેશના પણ નહિ. દેશ માટે એમના આવશ્યકતા નથી. પણ એમના સમીક્ષા આપણે નક્કી કર્યાં હતાં? ‘પાછળ બેઠેલો પી.એ. બોલ્યો.’ આપણે અવઢવમાં હતા તેથી ટુ બી ઓન સેઈફર સાઈડ અમે તો રિવ્યૂ કરાવ્યો છે. આપ ગુસ્સે થાવ તેથી એ તાલુકાના અધિકારીઓને બીજા રૂમમાં બેસાડ્યા છે. એમનો પ્રોગ્રેસ પૂછી આવું સાહેબ? સાહેબે ઉતાવળે કહ્યું, ‘ના ના રેહવા દો, એમાં સમય જશે. વી આર ઑલરેડી લેઈટ. ઑવરઑલ પિક્ચરમાં બતાવી દેશો.’ અંતે સાહેબે કહ્યું, ‘ઑ. કે. થૅન્ક્સ ઑલ. હમે ઘણા પ્રસન્ન થયા છે. આપ સહુએ અદ્‌ભુત કામ કર્યાં છે. મોટા સાહેબ પણ યોગ્ય નોંધ લેશે. હવે બધાએ સ્ટ્રેટ મુખ રાખવાનાં છે, યુ ડિઝર્વ ઈટ, યુ ઑલ હેવ અર્ન્ડ ઈટ. આ સાથે રિવ્યૂ મિટિંગ સમાપ્ત જાહેર કરવામાં આવે છે. સર્વ લોકો હાઈ ટી લઈને જશો. પણ તે પહેલાં ‘મોટા સાહેબ, મોટા સાહેબ, મોટા સાહેબ..’ ‘અ’ બ્લૉકમાંથી અવાજ આવ્યો, સાહેબની પિન ચોંટી ગઈ. બધાની નજર બારણાં પર નોંધાઈ. કદાચ મોટા સાહેબ સરપ્રાઈઝ આપે પણ ખરા કાયમની જેમ. ત્યાં જ સાહેબ, ‘મોટા સાહેબ’ બોલી અટક્યા અને લાર્જ સ્ક્રીન પર મોટા સાહેબનું મેગા કટ આઉટ દેખાયું. કટ આઉટ આગળ સારા એવા નાના પણ સાચુકલા મોટા સાહેબ દેખાયા. એ ત્રણ વાર મોટેથી ‘ભારત માતા કી જય’ બોલ્યા અને હૉલમાંથી પ્રચંડ પ્રતિસાદ પણ સંભળાયો. મોટા સાહેબે શરૂ કર્યું, ‘આપણા દેશકાળ માટે મોટો અવસર આવ્યો છે. હું તહેદિલથી આપ સહુનું અભિવાદન કરું છું. આપ સહુના અથાગ પરિશ્રમથી આપણે દેશનું સુકાન ફેરવી શક્યા છીએ. દેશના વિકાસ માટેના અવરોધો દૂર થયા. હવે આપણને શિખર પર પહોંચતાં દુનિયાની કોઈ તાકાત નહિ રોકી શકે. મોટા સાહેબે બંને મુક્કા વાળેલા હાથ હવામાં ઉછળ્યા. સમગ્ર વિશ્વમાં ભારતવર્ષનો ડંકો વાગશે.’ ‘આપ સહુ એ વાતથી બેખબર હશો, પ્રત્યેક તાલુકામાં આપ સહુ મારા ડ્રીમ પ્રોજેક્ટને સફળતા મળે તે સારું પ્રયત્નશીલ હતા ત્યારે મીટ ઍવરીબડી કાર્યક્રમ દ્વારા હું ત્યાં હાજર હતો. ટૅક્‌નૉલોજી ઇઝ ધ નીડ ઑફ એન અવર. આ સમગ્ર કાર્યક્રમમાં આપ સહુને પડતાં, આખડતાં, પુનઃ પુનઃ ઊભા થઈ મથતાં મેં જોયા છે. આપ સહુ મારા આંખ, કાન, અરે! શ્વાસ છો.’ ‘આપણાં પશુ ભાઈબહેનોને તો એ દિશા ભણી વાળ્યાં છે, એમ કહોને કે યોગ્ય દિશા તરફ. એમનાં ચાલ, ચલગત અને ચરિત્ર બદલાયાં છે. પણ મારું તમને એ કહેવું છે કે, પશુ ભાઈ-બહેનો બદલાઈ ગયાં છે તેથી પ્રેરિત થઈને આ પ્રોજેક્ટ ચર, અચર, સચરાચરમાં અમલમાં મૂકીએ તો કેવું?’ આખા હૉલમાં ‘જી સર’નો એવો તો મોટો અવાજ આવ્યો કે મોટા સાહેબનું ‘આભાર’ પણ ન સંભળાયું. અચાનક હૉલોગ્રામ સ્ક્રીન બ્લૅન્ક થઈ ગયો. બ્લૅન્ક સ્ક્રીન પર મોટા સાહેબને શોધતાં સહુ ભીંત પર લગાડેલા ચિત્રની જેમ જડાઈ ગયાં. પળ બે પળ હૉલમાં સૂનકાર વ્યાપ્યો ને સ્પીકર પરથી અવાજ સંભળાયો, ‘પ્રોગ્રામ’ પતી ગયો. હૌ પોતપોતાના ઘરે જાવ.’