બોલે ઝીણા મોર/અન્તર્જલી જાત્રા

From Ekatra Wiki
Revision as of 09:18, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અન્તર્જલી જાત્રા

ભોળાભાઈ પટેલ

થોડાક દિવસ પહેલાં છાપામાં છપાયેલા એક સમાચારે ધ્યાન ખેંચ્યું. એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌતમ ઘોષ— દિગ્દર્શિત ફિલ્મ ‘અન્તર્જલી જાત્રા’ પુરસ્કૃત થઈ.

કયા ફિલ્મ-ફેસ્ટિવલમાં? હમણાં યાદ કરવા મથ્યો. યાદ ન આવ્યું. ફિલ્મરસિકો શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા અને શ્રી હિંમતલાલ કપાસીની મદદ લીધી. શ્રી કપાસી તો દેશમાં થતા ઘણાબધા ફિલ્મ-ફેસ્ટિવલમાં પહોંચી જાય. એમણે કહ્યું કે તાશ્કંદ ફિલ્મ-સમારોહમાં ‘અન્તર્જલી જાત્રા’ને પુરસ્કાર મળ્યો છે. શ્રી ટોપીવાળાને ફિલ્મનું હિન્દી શીર્ષક ‘મહાયાત્રા’ સ્મરણમાં હતું. એમણે વિગતો પણ આપી કે એમાં મુખ્ય ભૂમિકા શત્રુઘ્ન સિંહાની છે. નાયિકાની ભૂમિકા શમ્પા ઘોષની છે. એમાં ઉત્પલ દત્ત અને મોહન અગાશેની પણ ભૂમિકાઓ છે. સંગીત સત્યજિત રાયનું છે. શ્રી કપાસીએ કહ્યું કે ત્રિવેન્દ્રમ-તિરુવનન્તપુરમના ફિલ્મ-ફેસ્ટિવલમાં આ ફિલ્મ બતાવવાની હતી પણ ફિલ્મમાં નિરૂપાયેલ સતીપ્રથાના પ્રશ્નથી વિવાદ સર્જાવાના ભયથી ‘અન્તર્જલી’ને બતાવેલી નહિ

મારે માટે આ ‘અન્તર્જલી જાત્રા’નું આકર્ષણ નવું નહોતું. છેક ૧૯૬૫માં સુરેશ જોષીએ ‘ક્ષિતિજ’ માટે ઉચ્ચ સાહિત્યિક વર્તુળોમાં બહુચર્ચિત એક નવલકથા વિષે લેખ લખવાનું મને કહ્યું. એ નવલકથા હતી ‘અન્તર્જલી જાત્રા.’ એમણે પુસ્તક પણ મોકલી આપ્યું. પુસ્તકના લેખક હતા કમલકુમાર મજુમદાર.

ગાડામાં બેઠા હોઈએ અને એ ગાડું વારંવાર ઘાંચમાં પડે અને આપણે હડદોલા ખાઈએ, કંટાળીને ઊતરી જવાનું મન થાય. કંઈક એવું ‘અન્તર્જલી જાત્રા’ વાંચવાનું શરૂ કરતાં થયું. છેક છેલ્લે સુધી હડદોલા આવ્યા કર્યા. કેટલીય વાર લેખક પર ઝાંઝ ચઢી ગઈ. ક્યારેક થાય, હું સમાસબહુલા સંસ્કૃત ભાષાની કથા વાંચું છું; ક્યારેક થાય, બંગાળના ચંડાળની બોલી સાંભળું છું. ગુરુ-ચંડાલી યોગની કહેવત સિદ્ધ થતી હતી. કમલકુમારને એમના વાચક પ્રત્યે જરા પણ જાણે દયા નથી. એકદમ દુરૂહ અને દુરારોહ્ય.

વચન આપ્યું હતું એટલે ‘ક્ષિતિજ’ માટે લેખ તો કર્યો, પણ મનમાં અસંતોષ ભારે રહ્યો. લેખક સાથે ન્યાય થયો નથી, પણ ‘અન્તર્જલી જાત્રા’નું આકર્ષણ અમોઘ રહ્યું. કમલકુમાર મજુમદારનો વાર્તાસંગ્રહ ‘નિમ અન્નપૂર્ણા’ મંગાવી વાંચવાનો પ્રયત્ન કર્યો. (આ વાર્તા પરથી પણ એ જ નામે ફિલ્મ બની છે.) એવા જ લોઢાના ચણા. પછી એક વાર અતિ લોકપ્રિય બંગાળી નવલકથાકાર – ‘ચોરંગી’ પ્રસિદ્ધ – શંકર અમદાવાદ આવેલા. પ્રકાશક આર. આર. શેઠ તરફથી લેખકમિલનનો નાનકડો સમારંભ રાખેલો. તેમાં શંકરને આ કમલકુમાર વિષે અને એમની ‘અન્તર્જલી જાત્રા’ વિષે પૂછેલું પણ એમને માટે કમલકુમાર ‘ચાનો પ્યાલો(અંગ્રેજી મુહાવરો ‘કપ ઑફ ટી’ના અનુકરણે) ન હતા. એમણે સ્વીકારેલું.

એક વાર હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરતો હતો. લાંબી મુસાફરીમાં બારી પાસે બેસીને વાંચવાની લિજ્જત અનેરી હોય છે. મારી પાસે ગુજરાતી ઉપરાંત બંગાળી પત્રિકા-પુસ્તક જોઈ સહયાત્રી એક ભદ્રપુરુષે વાતચીત શરૂ કરી. પરસ્પરનો પરિચય કર્યો. કલકત્તામાં એમની ફૅક્ટરી ચાલે છે. પણ વાતચીત બંગાળી સાહિત્ય વિષે ચાલી. લાગ્યું કે સાહિત્ય બાબતે એ ઊંડા છે. નવાઈ લાગતી હતી. વેપારી અને સાહિત્ય! વાતવાતમાં ‘અન્તર્જલી જાત્રા’નું નામ આવ્યું. મારે મોઢે આ નામ સાંભળી પરમ આશ્ચર્ય પામી પૂછ્યું, ‘તમે એ વાંચી છે?’ મારો જવાબ સાંભળી કહે, ‘હું કમલકુમારને કહીશ કે પશ્ચિમ ભારતના ખૂણામાં તમારો એક વાચક છે.’ પછી કહે, ‘તમને ખબર નહિ હોય, પણ બંગાળમાં કમલકુમારના વાચકો આંગળીને વેઢે ગણાય એટલા જ છે. એમના જેવા લેખકો તો વિરલ છે. મારા એ મિત્ર છે.’

‘નક્ષત્ર ટ્રસ્ટ’ના ઉપક્રમે પ્રસિદ્ધ બંગાળી કવિ અને કથાકાર સુનીલ ગંગોપાધ્યાય અમદાવાદમાં વ્યાખ્યાન આપવા આવેલા. મારા એ અતિથિ થયેલા. ગુજરાતી-બંગાળી સાહિત્યની વર્તમાન ગતિવિધિની વાતો થતી રહેતી. એમાં એમની પોતાની કથાસૃષ્ટિની વાત નીકળી. કહે – ‘સાહિત્યના ક્ષેત્રમાં મારા ગુરુ છે કમલકુમાર મજુમદાર.’ નવાઈ પામી ગયો આ સાંભળી. પણ નવાઈનો પાર ન રહ્યો, જ્યારે સાંભળ્યું કે કમલકુમાર અદ્ભુત પ્રતિભા ધરાવતી વિભૂતિ છે. બંગાળી નાટક વિષે એમના જેવો કોઈ જાણકાર નથી. ફિલ્મમાં એમની સૂઝ સત્યજિત રાયને પણ વિસ્મય પમાડનારી છે. બંગાળીમાં ગણિતની પહેલી પત્રિકા ‘અંકભાવના’ના સંપાદક છે, ઉપરાંત જાસૂસી પત્રિકા ‘તદન્ત’નું પણ સંપાદન. ફ્રેંચ ભાષાના જાણકાર. અનેક તરુણ કલાકારો-લેખકો એમની આજુબાજુ ભેગા થાય. કલાવર્તુળોમાં લેજન્ડ બની ગયેલો કમલકુમાર ભાગ્યે જ સામાન્ય વાચકોમાં ચર્ચાતા હોય. સુનીલ ગંગોપાધ્યાય ભક્તિભાવે કમલકુમાર મજુમદારની વાતો કરતા રહેલા. રફિક કાયસાર નામના બાંગ્લાદેશના એક સમીક્ષકે તો ‘કમલપુરાણ’ નામે એક ચોપડી કમલકુમાર વિષે લખી દીધી છે.

મૂળ વાત કરતાં મારી પ્રસ્તાવના લાંબી થઈ ગઈ, પણ કમલકુમારની વાત કરવાનો ઉત્સાહ મને પણ જરા ચઢી ગયો. મૂળ વાત તો આપણી ‘અન્તર્જલી યાત્રા’ વિષેની છે. કમલકુમાર આજે તો નથી, પણ કદાચ તેમની આ કથા તેમને રુચિસંપન્ન ભાવકોમાં જિવાડશે. કદાચ એ ઉપરથી ઊતરેલી ફિલ્મ વ્યાપક વર્તુળોમાં એમનું નામ જાણીતું કરે.

ફિલ્મ તો જોવાનો સુયોગ પામ્યો નથી, પણ એની કથાની વાત કરીએ. કથાની વાત કરતાં પહેલાં એના શીર્ષકની ચર્ચા કરવી પડશે, ‘અન્તર્જલી જાત્રા’ એટલે શું?

થોડું જૂના જમાનામાં પાછા ફરવું પડશે – અઢારમી સદીના ગંગાતીરવર્તી બંગાળમાં સતીદાહની પ્રથા ચરમસીમા પર હતી. હિન્દુ ધર્મ આચારમાં બદ્ધ થઈ ગયો હતો. એ વખતે કોઈ વૃદ્ધનું મૃત્યુ નજીક આવતું લાગે ત્યારે એને ગંગાતીરે આવેલા ગામના સ્મશાનમાં લઈ જવામાં આવે. ત્યાં ગંગાકાંઠે એને એ રીતે સુવડાવવામાં આવે કે જેથી એના બે પગ ગંગાજળમાં ડૂબેલા રહે, અને એમ પડ્યાં પડ્યાં એ મૃત્યુની પ્રતીક્ષા કરે. મૃત્યુ આવે ત્યારે એના પગ ગંગામૈયાના પવિત્ર જળમાં ડૂબેલા હોય. આ થઈ એની ‘અંતર્જલી જાત્રા’ (સાંભળ્યું છે કે ક્યારેક તો અન્તર્જલી માટે આવેલા મુમૂર્ષુનું મૃત્યુ એના મોઢા પર પાણીની છાલકો મારી મારીને લાવવામાં આવતું!). ‘અન્તર્જલી જાત્રા’ કરનારને માટે મોક્ષનાં દ્વાર ખુલ્લાં રહે એ માન્યતા. અન્તર્જલી જાત્રા, આમ આખરની મહાયાત્રા છે. (રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે પોતાની આત્મકથામાં એમનાં દાદીની આવી અંતર્જલી જાત્રાની વાત લખી છે.)

પણ કમલકુમારની ‘અન્તર્જલી જાત્રા’માં ઘણું વિશેષ છે. માત્ર ત્રણ મુખ્ય પાત્રો અને થોડા કલાકોની સમવ્યાપ્તિમાં, ગંગાતીરવર્તી ગામના સ્મશાનના સીમિત ભૂદૃશ્યમાં જે વિચિત્ર ભાષામાં આ કથા કંડારી છે, તે અદ્ભુત લાગે. ગંગા અહીં જીવન અને મૃત્યુ — ઉભયનું પ્રતીક છે.

ત્રણ પાત્રો તે અન્તર્જલી જાત્રા માટે સ્મશાનભૂમિમાં લાવવામાં આવેલ, એંશી વરસ વટાવી ગયેલા સીતારામ ચટ્ટોપાધ્યાય, સોળ વર્ષની અનિંદ્ય યશોમતીજશોમતી અર્થાત્ જશો, અને સ્મશાનનો ડોમ-ચંડાળ બૈજુનાથ અર્થાત બૈજુ. નવલકથાનો સમય બંગાળની અઢારમી સદીનો છે. કથાના આરંભમાં કાદમ્બરીની યાદ અપાવે એવી સંસ્કૃત શબ્દશૈલીમાં ઊઘડતા પ્રભાતનું વર્ણન છે. એ પ્રભાત ગંગાતીરે થાય છેઃ

અનતિદૂરે ઉદાર વિશાલ પ્રવાહિણી ગંગા, તરલ માતૃમૂર્તિ
યથા, મધ્ય મધ્યે વાયુ અનર્ગલ ઉચ્છવસિત હઇયા ઊઠે…’

પ્રાચીન (વૃદ્ધ) સીતારામને ગંગાતીરે અન્તર્જલી કરીને સુવાડવામાં આવ્યા છે, ખડના બિછાનામાં. આખું શરીર વૃદ્ધાવસ્થાથી જર્જર છે. એમની અન્તર્જલી માટે વરાવવા કેટલાક સ્વજનો સ્મશાન ભૂમિમાં આવ્યા છે. આવે વખતે લક્ષ્મીનારાયણ નામના એક પિતાને વિચાર આવે છે કે આ ડોસો હજી મર્યો નથી, અને મારે ઘેર ઉંમરલાયક કુંવારી કન્યા છે. જો આ ડોસા સાથે મારી કન્યાને પરણાવી દેવામાં આવે તો હું કન્યાઋણમાંથી મુક્ત થઈ જાઉં.

વિદાય આપવા આવેલી મંડળીમાં એક જ્યોતિષી પણ છે, કુલ-પુરોહિત પણ છે. એ આ લગ્નને અનુમોદન આપે છે. એંશી વર્ષના મુમૂર્ષુ વૃદ્ધ સાથે ષોડશીનાં લગ્ન. અને તે અહીં જ આ સ્મશાનભૂમિમાં! બધું ગોઠવાઈ જાય છે. અને છોકરીનો બાપ ઘેર જઈ પોતાની સોળ વર્ષની છોકરીને નવવધૂને રૂપે સજાવી સ્મશાનમાં લગ્ન માટે લઈ આવે છે. પાલખીમાંથી યશોવતી ઊતરે છે.

‘અનિંદ્ય સુંદર એકટિ સાલંકારા કન્યા પ્રતીયમાન હઈલ. ક્રંદનેર ફલે અનેક સ્થાનેર ચંદન મુછિયા છે, આકર્ષણવિવૃત્ત લોચન રક્તાભ, હલુદ પ્રલેપે મુખમંડલ ઈષત્ સ્વર્ણ સબુજ…’

મરણાસન્ન સીતારામ ચટ્ટોપાધ્યાય સાથે આ યશોને પરણાવી પણ દીધી. સ્મશાનભૂમિ લગ્નભૂમિ બની, અને એ જ બનશે યશોની પ્રથમ રાત્રિની વાસરભૂમિ. કોઈ ભદ્રજનને જરા સરખી પણ અરેરાટી ન થઈ. એકમાત્ર સ્મશાનના ચંડાળ બૈજુનો. જીવ કકળી ઊઠ્યો, ‘હું તો ચંડાળ છું’ એમ વારેવારે નિર્દેશ કરીને બધાને કઠોર ચંડાલીમાં સંભળાવતો બૈજુ કંપી ઊઠે છે. આ સીતારામ તો માંડ એક દિવસનો પરોણો છે. એ મરી જવામાં છે. એ મરી જશે પછી યશોને સતી થવા સમજાવાશે, અને યશોની ચિતા પણ પોતાને રચવી પડશે. ના, મારાથી નહિ બને. અનેક મડદાં બાળ્યાં છે, વાંસના ગોદા મારી ખોપરીઓ ફોડી છે. પણ જીવતા જીવને…!’

અદ્ભુત પાત્ર છે ચંડાળ બૈજુનું. ધર્મવાદી બ્રાહ્મણોમાંથી દયાનો વાસ ઊઠી ગયો, કંઈક વાસ તો આ ચંડાળમાં છે! કમલકુમાર આપણી ધર્મબુદ્ધિને – જો હોય તો – હચમચાવી દે છે.

યશોવતી તો બધું સ્વીકારી લે છે. એના લોહીમાં તો ધર્મસંસ્કાર રૂઢ થયા છે. વૃદ્ધ સીતારામ, એના પતિ…ધર્મશોષણની આથી વધારે કઈ સીમા હશે? મનુષ્યજીવનનો અધિકાર નષ્ટ કરે તે ધર્મ? ભદ્ર સમાજને આ માન્ય છે, ચંડાળને નથી.

…પછી તો આ ‘અલૌકિક દંપતી’ને ત્યાં મૂકીને વરાવવા આવેલા લોકો – પેલી કન્યાનો બાપ સુધ્ધાં રાતે ગામમાં પાછા જાય છે. હવે વૃદ્ધ સીતારામનો પુરાતન જીવડો સળવળે છે. યશોનું રૂપ જોઈ મૃત વાસના જીવતીજાગતી થાય છે, એટલું જ નહિ એનામાં સંભોગેચ્છા જાગે છે. આ વરરાજાને દર્પણમાં મોઢું જોવાની ઇચ્છા થાય છે. સુંદર યશો એક પાત્રમાં પાણી લાવી એમાં એનું પ્રતિબિંબ બતાવે છે. ડોસો પૂછે છે પણ ખરો : ‘હું કેવો લાગું છું?’ યશો કહે છે, ‘ખૂબ સુંદર.’

પણ આ ખીલતી કળીના જીવનને રોળી નાખનાર સીતારામ પર ચંડાળને ઘણો ક્રોધ ચઢ્યો છે. એક વાર એ ડોસાને ઉપાડીને ગંગામાં પધરાવી દેવાનો પ્રયત્ન કરે છે, પણ યશોને લીધે એ ફાવતો નથી. ચંડાળના મનમાં પણ આ રૂપસીને જોઈને કદાચ આકર્ષણ જન્મે છે. એ વારંવાર કહે છે, ‘કને બઉ, પાલાઓ, પાલાઓ.’ અહીંથી ભાગી જા, ભાગી જા. દુનિયા ઘણી મોટી છે. જીવવું એ મહત્ત્વનું છે.

ચાંદની રાત છે. ડોસો હવે ‘આમિ બાંચિબો આમિ બાંચિબો, – મારે જીવવું છે, મારે જીવવું છે.’ એમ કહી યશોને ક્યાંક નજીકમાંથી દૂધ લઈ આવવા કહે છે. દૂધ લઈ પાછી આવતી યશો જોડે ચંડાળ જીભાજોડી કરે છે. એ વખતે યશો એને જવાબ આપે છે, ડોસો દૂર સૂતાં સૂતાં એ સાંભળે છે અને યશો પર વીફરે છે.

લેખક ધીરે ધીરે યશોમાં રહેલી નારીને જાગ્રત કરે છે. ચંડાળ પ્રત્યે એના મનમાં એક ખેંચાણ જન્મે છે. તેમ છતાં એ બૈજુને દૂર રાખે છે. એક વાર બૈજુ અડકી જતાં એ સ્નાન કરવા જાય છે. સ્નાન કર્યા પછી શરીરે વીંટેલા એકમાત્ર અંગોછાને ચંડાળ બૈજુ ખેંચી લે છે, પોતાના આલિંગનમાં લેવા પ્રયત્ન કરે છે. યશો પ્રતિકાર કરે છે, પણ પછી એ પોતે ચંડાળના દૃઢબંધનમાં ‘મરવાની’ ઇચ્છા કરે છે.

એટલામાં ગંગામાં ઘોડાપૂર આવે છે. પાણી ચઢવા લાગતાં પાણીમાં હલબલતા ડોસાની બૂમો સંભળાય છે. ક્ષણમાં યશોના પુરાણા સંસ્કાર જાગતાં એ બચકું ભરી ચંડાળના હાથમાંથી છૂટી વૃદ્ધ પતિ પાસે દોડી જાય છે. વેગથી આવતા પાણીમાં વૃદ્ધ સીતારામ તણાતા હોય છે. યશો પાણીના એ લોઢમાં ઝંપલાવે છે અને પોતે પણ તણાઈ જાય છે. યશોની પણ અંતર્જલી જાત્રા રચાઈ ગઈ.

બૈજુ ચંડાળ જીવનને મૃત્યુના હાથમાંથી બચાવી શક્યો નહિ, પણ કમલકુમારે ચંડાળના પાત્ર દ્વારા જીવન પ્રત્યેની, મનુષ્ય પ્રત્યેની અસીમ શ્રદ્ધા વ્યક્ત કરી છે.

કમલકુમાર જલદીથી પામી શકાય એવા લેખક નથી. સત્યજિત રાય જેવાએ કહેલું છે કે ‘કમલકે તો બુઝિ આમરા કજનઈ’ – કલમ (કુમાર)ને કેટલા ઓછા જણ ઓળખે છે! ફિલ્મ ‘અન્તર્જલી જાત્રા’નો પ્રભાવ કેવો હશે, તે તો જોવાનું છે.