બોલે ઝીણા મોર/વાંકી રે પાઘલડીનું ફૂમતું રે!

From Ekatra Wiki
Revision as of 12:13, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાંકી રે પાઘલડીનું ફૂમતું રે!

ભોળાભાઈ પટેલ

તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે…એમ એક ગીત શરૂ થાય છે. એમાં બે શબ્દો તરફ ધ્યાન જાય છે. વાંકી અને ફૂમતું. ટાઢ-તડકાથી માથાનું રક્ષણ કરવા ફેંટો, પાઘડી કે ટોપી પહેરવામાં આવે છે; પણ પાઘલડી સીધી પહેરવાને બદલે વાંકી શા માટે? અને એમાં વળી ફૂમતાની ઉપયોગિતા શી? સીધી પહેરવાથી કે ફૂમતું ન હોવાથી ટાઢ-તડકાથી રક્ષણ કરવાની તેની ક્ષમતા ઓછી નથી થવાની; પરંતુ ગીતની નાયિકા તો મુગ્ધ છે પેલા ફૂમતા પર, જે નાયકની વાંકી પાઘલડી પર શોભે છે.

વાંકી અને ફૂમતું એ બંને શબ્દો એ પાઘડી પહેરનારનું વ્યક્તિત્વ આપણી સામે ધરી દે છે. એ પાઘડી પહેરનાર નાયક જીવન પ્રત્યેનો એનો ઉલ્લાસધર્મી અભિગમ પ્રકટ કરે છે. ઉપયોગિતાની એ અવગણના નથી કરતો, એને જ અંત પણ નથી માનતો. જીવનને એ રંગભરી રીતે જીવી જવા માગે છે. પાઘડીને જરા વાંકી કરી કે એ રંગદૃષ્ટિ છતી થઈ. એના પર ફૂમતું રાખ્યું કે એ રંગ નાયિકાની નજરમાં વસી ગયો. પછી તો માત્ર એ વાંકી પાઘલડી અને ફૂમતું જ નહિ, એનો ધારણકર્તા પણ એને ગમી જાય.

સંસ્કૃતમાં રાજા શૂદ્રકે રચેલું એક પ્રસિદ્ધ નાટક છે, ‘મૃચ્છકટિક’ – માટીની ગાલ્લી. ભાસ, કાલિદાસ, ભવભૂતિનાં નાટકોથી તદ્દન જુદી ભાત ધરાવતું આ નાટક એના સર્વદેશીય કૉસ્મોપોલિટન ગુણોથી દેશવિદેશમાં બે હજાર વર્ષ પછી પણ ભાવકોને હૃદયંગમ બની રહે છે.

એ નાયકની નાયિકા છે વસંતસેના. સમગ્ર ઉજ્જયિની નગરીની એ શોભારૂપ છે. છે તો વૈભવમાં આળોટતી ગણિકાપુત્રી. કોઈ એકને જ ચાહવું એવો એનો કુલધર્મ નથી; પણ મદનમહોત્સવ પ્રસંગે કામદેવના મંદિરમાં શ્રેષ્ઠી ચારુદત્તને જોયા પછી એના પ્રેમમાં પડી જાય છે. ચારુદત્ત શ્રેષ્ઠી છે પણ એની ઉદારતાને લીધે એ અત્યારે દરિદ્ર થઈ ગયો છે.

તેમ છતાં વસંતસેના ચારદત્તના એક પછી એક ગુણોથી જિતાતી જાય છે. નાટકમાં એક પ્રસંગ આવે છે : વસંતસેનાનો કર્ણપૂરક નામે એક સેવક ઘેર આવીને પોતે રસ્તામાં કરેલા એક પરાક્રમની વાત વસંતસેનાને કહે છે. કહે છે — આપણો ખૂંટ મોડક નામે હાથી તોફાને ચઢી ગયેલો, તેણે ખૂંટો ઉખેડી મહાવતને ઠાર કીધો અને ઉજ્જયિનીના રાજમાર્ગ પર દોડતો જતો હતો. રાજમાર્ગ પર લોકોની ભાગાભાગી મચી ગઈ. કેટલાંક લોકો ઝાડ પર ચઢી ગયાં. કેટલાંક ઘરોમાં પેસી ગયાં. ત્યાં હાથીએ એક બૌદ્ધ ભિક્ષુને સૂંઢમાં પકડીને નીચે પટકવા સૂંઢ ઊંચી કરી એટલામાં ત્યાં પહોંચી જઈ મેં મારા હાથમાં રહેલો લોખંડનો દડો તેની સૂંઢ ઉપર ફટકારીને ભિક્ષુને છોડાવ્યા. મારું એ અદ્ભુત પરાક્રમ જોઈ લોકો મને શાબાશી આપવા લાગ્યા. ત્યાં એક ઉદાર પુરુષે મને બક્ષિસ આપવા માટે પોતાને કંઠે-હાથે દાગીના માટે જોયું પણ દાગીના નહોતા. તેમણે મને ખભેથી ઉતારી પોતાનો સુંદર ખેસ આપ્યો. એના પર એમનું નામ પણ છે.

વસંતસેનાએ જોયું. એ ખેસને એક છેડે નામ હતું ચારુદત્ત. ચારુદત્તના આ ઔદાર્યથી વસંતસેના ખૂબ રાજી થઈ ગઈ, પણ વધારે રાજી થવાનું કારણ તો બીજું હતું. એણે એ સુંદર ખેસ પોતાના હાથમાં લીધો કે એમાંથી જૂઈનાં ફૂલોની સુવાસ પ્રસરી રહી. વસંતસેનાથી ઉદ્ગાર નીકળી ગયો :

‘અનુદાસીનમસ્ય યૌવનમ્’

આમનું યૌવન અનુઉદાસીન છે, ઉદાસીનતારહિતનું છે. અર્થાત્ જીવનના ઉલ્લાસનો સ્વીકાર કરનારું છે. ખેસ સુંદર તો છે, પણ એમાં જૂઈનાં ફૂલોની સુવાસ છંટાયેલી છે. ચારુદત્તની રુચિની–શોખની એ પરિચાયક બની રહી. વસંતસેના ચારુદત્તના સૌન્દર્ય-ઔદાર્ય આદિ ગુણોથી તો એની તરફ ખેંચાતી જતી હતી, પણ વધારે તો ખેંચાઈ એના સુગંધિત ખેસથી – તો શોખીન પણ છે ચારુદત્ત.

ચારુદત્તના ખેસમાંથી આવતી જૂઈનાં ફૂલોની સુવાસ અને વાંકી પાઘલડી અને એમાંનું ફૂમતું બંને વાત એક જ છે. જીવનમાં આનંદનો-સૌન્દર્યનો સ્વીકાર, જીવનમાં થોડીક બંકિમતા, હિન્દીમાં જેને કહે છે બૉંકપન – એ હોવું જોઈએ. એટલે તો વૃન્દાવનમાં જે કૃષ્ણ બિરાજે છે તેમનું અભિધાન છે, બાંકે બિહારી.

આ જ તો ફેર છે રામ અને કૃષ્ણમાં. રામ તો મર્યાદાપુરુષોત્તમ છે. તુલસીદાસના ‘રામચરિતમાનસ’માં પ્રસંગ આવે છે. સીતાજીના સ્વયંવર પ્રસંગે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરી, અહલ્યાનો ઉદ્ધાર કરી પછી એમની સાથે આવ્યા છે જનકપુરીમાં. ગુરુની આજ્ઞા લઈ એક વહેલી સવારે રામ-લક્ષ્મણ જનકરાજાની પુષ્પવાટિકામાં ગયા છે, ત્યાં જાનકી પણ પૂજા કરવા આવ્યાં છે. એમનાં કંકણનો રણકાર અને ઝાંઝરનો ઝમકાર સાંભળતાં પહેલાં તો રામને લાગે છે કે જાણે કામદેવતાએ દુંદુભિ બજાવી. પણ પછી બીજી જ ક્ષણે સાવધ બની જઈ કહે છે :

મોહિ અતિશય પરતીતિ જીય કેરી
જેહું સપનેહુ પરનારી ન હેરી.

મને ઊંડી આત્મપ્રતીતિ છે કે મેં સપનામાં પણ પરસ્ત્રીને જોઈ નથી. રામજાનકીનો આ પ્રથમદર્શન પ્રસંગ!

કવિ સુરદાસના સુરસાગરમાં પહેલી વાર કૃષ્ણ રાધાને જુએ છે. તરત પૂછે છે : બુઝત શ્યામ કૌન તૂ ગોરી….

‘હે ગોરી! તું કોણ છે? ક્યાં રહે છે? કોની દીકરી છે? વ્રજની ગલીમાં તને કદી જોઈ નથી!’

રાધા જવાબ આપે છે :

‘વ્રજમાં અમે શાનાં આવીએ? અમારે આંગણે રમીએ છીએ. અમે સાંભળ્યું છે કે આ બાજુ નંદનો છોકરો માખણની ચોરી કરતો ખાતો ફરે છે.’

કૃષ્ણ અનુનય કરતાં કહે છે :

“પણ તારું અમે શું ચોરી લેવાનાં છીએ? આવને આપણે સાથે મળીને રમીએ.’

પછી કવિ સુરદાસ કહે છે કે રસિકશિરોમણિ પ્રભુએ વાતવાતમાં ભોળી રાધિકાને ભોળવી – બાતઈ ભુરઈ રાધિકા ભોરી.

કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. જીવનના ઊછળતા ઉમંગનો સ્વીકાર સંસારભરના ભાગ્યે જ કોઈ અવતારી પુરુષ કરી ગયા છે. એમનું બીજું એક નામ છે ત્રિભંગીલાલ. મોરલી વગાડતી વખતે એક પગ પર બીજો પગ ચઢાવી, એનાથી વિપરીત દિશાએ કમર વાળી, એનાથી વિપરીત દિશાએ મોરલી ધરેલું મુખ વાળી જે અદ્ભુત ત્રિભંગની મુદ્રા ધારણ કરે છે તે આપણા ચિત્તમાં યુગોથી જડાઈ ગઈ છે. ગોપીએ ઉદ્ધવને કહ્યું હતું કે અમે કૃષ્ણને અમારા હૃદયમાંથી કેવી રીતે બહાર કાઢીએ? એક તો વાંકા હતા અને એમાંય હૃદયમાં જઈ તિરછા જડાઈ ગયા છે!

વાંકી પાઘલડી ને બાંકે બિહારીનો મોરમુકુટ! એક નજર એમાં આછકલાઈ કે વરણાગિયાવૃત્તિ કોઈ જોઈ શકે; પણ આછકલાઈ ન સહી, થોડું વરણાગિયાપણુંય ન હોય એવી સીધી સપાટ સ્વચ્છ અને એટલે શુષ્ક જીવનચર્યાનુંય શું? હવે ભુલાઈ ગયેલા એક ગીતમાં (જે લગ્નપ્રસંગે ગવાતાં મારા ગામમાં સાંભળેલું) નણદી નવી આવેલી ભાભીને કહે છે : ‘ઓ ભાભી, તમે થોડાં થોડાં થાઓ વરણાગી!’ પછી વરણાગી કેમ થવાય એની સૂચિ નણદી આપે છે. ભાઈને તો જ એ પસંદ પડશે, જો થોડી વરણાગી થશે.

માથાના લાંબા કે ટૂંકા વાળને વ્યવસ્થિત ઓળી પછી એક નાનકડી લટને કપાળ પર જરા મુક્ત કરી દેવામાં આવી હોય, ભાલ પર બિન્દીની નમણી ભાત રચી હોય એ પણ ઘણું કહી જાય છે. મેળામાં ગળે રૂમાલ ભરાવી કાનમાં ડમરો પહેરી ફરતા છેલબટાઉ કોળી જુવાનડા જોયા છે. એમની સરખામણીમાં એ મેળામાં થોડાં મોંઘાં કપડાં પહેરેલા અમે ઝાંખા લાગતા. લાગતું કે આ ક્ષણે તેઓ ઉલ્લાસથી છલછલ છે. એવી છલછલ કોળી યુવતીઓ. એમના ભાલ ઉપર લાલ ટીલડી અને આંખે કાળી મેશ!

પોતાની રિક્ષાનું કે પોતાની ટૅક્સી કે ટ્રકનું નામ રાખનાર કે ક્યારેક એને ફૂમતાં બાંધનાર પણ જીવન પ્રત્યેનો ઉલ્લાસ સ્વીકારે છે. કેવાં કેવાં સૂત્રો એમનાં વાહનો પર શોભતાં હોય છે! કેવાં લાડભર્યાં નામ હોય છે!

સુંદર મોંઘાં શર્ટ તો ઘણાં પહેરે છે, પણ કોઈ ખિસ્સા પર એકાદ પતંગિયું કે ફૂલ ભરેલું હોય, વાત જરા જુદી બની જાય છે. કૉલેજમાં-યુનિવર્સિટીમાં કેટલાંક છાત્રો અને છાત્રીઓ થોડીક ફૅશન કરે તો એમાં આછકલાઈ જોવાને બદલે જીવનનો રાગ જોઉં છું. વિવિધ રંગોનાં શોખીન એક અભ્યાસી અધ્યાપિકાને બીજી અધ્યાપિકાએ ટોણો મારેલો : ‘આપણને અધ્યાપિકાને રંગોનો આટલો બધો શોખ ન શોભે!’

‘તો જગતમાં આટલા બધા રંગો છે શા માટે?’ – એમણે જવાબ આપેલો.