મનોહર ત્રિવેદીની વાર્તાઓ/૧. નાગચૂડ

From Ekatra Wiki
Revision as of 06:36, 17 March 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. નાગચૂડ

રાજાદા’ મુંઝારો અનુભવતા’તા. તેમના બે હોઠ વચ્ચે ચલમ એમની એમ ઠઠી રહી, દમ લીધા વગરની. થોડીવારે એમણે દમ લીધો, અનાયાસ. સતત દમ નહીં લેવાતા ચલમ ઓલવાઈ ગઈ હતી. કડિયાના ગુંજામાંથી ફરી બજરની પદડી ને બાકસ કાઢ્યાં. ચલમ ઠપકારીને એમાંથી અર્ધબળેલી તમ્બાકુને ઓટલા પર ઠાલવી નાખી. નવી તમ્બાકુ ભરી ધ્રૂજતે હાથે. ચેતાવી ચલમને, માંડ માંડ, બેચાર દીવાસળીને અંતે. કંપ–વા થયો છે, રાજાદા’ને. કામ કશું સૂઝે નહીં. બેઠાડુ થઈને વખત આમ ચેતાવી ચેતાવીને ઓલવ્યા કરવાનો, ચલમ પેઠે. એમણે ઉપરાછાપરી બેપાંચ દમ માર્યા. બીજા હાથની હથેળીથી તમ્બાકુ ભરેલી પોચી પોચી પદડીને દબાવ્યા કરી. પછી એકાએક પગના નળામાં થયેલા સૂકા ખરજવા પર હાથ ગયો. કંપતે હાથે એને પંપાળતા રહ્યા. ધીમે ધીમે આંગળાઓમાં ગતિ આવતી ગઈ. વલૂરવું ગમતું’તું. આંગળાનાં વધી ગયેલા નખથી ખરજવું ખોતરાતું ગયું, ખોતરાતું ગયું, ખોતરાતું... એમણે પોતાના અદોદળા દેહને સહેજ નમાવ્યો, ખરજવા પર થયેલા ફેરફારને નીરખવા. ત્યાં આંખ ઠેરવવા કોશિશ કરી. ફાંદનો ઘેરાવો જોવામાં થતો હતો નડતરરૂપ. ખરજવાની જગ્યાએ આછી–લીલી બળતરા ઊઠી. શરીર થોડું વધુકું નમાવી શકાતું હોત તો, ફૂંક મારીને ઠંડક આપી શકાત. મજા આવત. આખરે ખરજવાને પંપાળતી આંગળી ઊંચકીને આંખ સામે ધરી. નખ લોહીથી ખરડાઈ ગયા’તા. મારો બેટો આ ધંધો કરવા જેવો નથી, એવો હળવો વિચાર આવીને સરી ગયો. તે દિ’ વેજનાથ વૈદે કીધેલી વાત સાંભરી આવી : રાજાદા’, જેના રુદિયામાં ભો ફફડાટ કરતો હોય એને ખરજવું આસાનીથી વળગે ને ઝટ છૂટક્યો ય નો કરે, જો કે વૈદની વાત...ઃ ફરી આંગળીઓ ખરજવા પર ફરી રહી હતી. એ પછી રાજાદા’એ પોતાના ભારેખમ દેહને એક હાથનો આધાર આપી ટેકવ્યો ને બીજા હાથમાં ધૂળ લીધી. હથેળીને થોડીવાર લગી હલાવ્યા કરી. ધૂળ ઝાટકી. કાંકરીઓ અને ખરબચડી ધૂળ નીચે ખરતી ગઈ. ઝીણી, મુલાયમ ધૂળ હાથમાં વધી, તે લોહીવાળા ખરજવા પર લગાવી દીધી. ધૂળની ઠંડકથી બળતરા ઓછી થઈ. ગમતું હોય એમ લાગ્યું. વાડો ખાલીખમ હતો. છપ્પરમાં બાંધેલાં ઢોરને વહુએ ધણમાં વળાવ્યાં હતાં. ઢાંઢા છોડીને મોટો છોકરો એને ગાડે જોડીને વાડી દીમના લઈ ગયો હતો. વહુએ વાસીદું પતાવ્યું. ત્યાં સુધી એ સુનમુન બેઠા રહ્યા. જતાં જતાં અરધીપરધી લાજમાંથી વહુ બરાડતી ગયેલી : બાર્ય ગુડાવ તર્યે વાડાનો ઝાંપો બંદ કરીને ટળજ્યો. કાલે ઉઘાડો મેલીને ગ્યા’તા તે પારકાં ઢોર ગરી ગ્યાં’તાં : અને છિંકોટા મારતી હોય તેમ : બેઠા બેઠા ઝાંહોટવું તો ય એટલી ય સરત નથી બળી કે ઝાંપલીને સાંકળ તો વાસું : છતાં પોતે વહુને કશું કહી નો’તા શક્યા. પોતાના જ છોકરા ગાળભેળથી વે’વાર કરતા હોય, પોતાની હાર્યે, ન્યાં પારકી જણીનો શો ધોખો ધરવો? રાજાદા’નું મન આશ્વાસન શોધતું’તું. વિચારતંતુ આગળ ખેંચાયો. જેની હાર્યે તત્તણ-ચચ્ચાર દાયકા વીત્યા એ ધણિયાણીયે ક્યાં તુંકારો નથી કરી લેતી? એની આંખ્યુંમાં પોતે તો ક્યારેય હેત તબક્યું દીઠું નથી. વડકાં જ ભરતી હોય, હડાળાની કૂતરી તીમાં... હળવે હળવે એમણે ગાળો દદડવા દીધી, હોઠ પરથી. એને ઝાંખુંપાંખું યાદ છે કે, ખાટલે બીમાર બાપ જ એના વાંસામાં ક્યેંક ક્યેંક હાથ ફેરવતા, માયાળુ. બાકી એની બા પણ ઓરમાયા દીકરા ઘોડ્યે એને રાખતી. ખાંચાના છોકરાઓ સાથે એ ક્યારેય ઝગડો ઊભો થવા ન દેતો. કોઈની હાર્યે ગાળાગાળી નંઈ. તો ય બીજા છોકરાઓ એને : એ ભીમ!...એ ભોલ! ... કોઠી... : કહી ચીડવતા. શરૂ શરૂમાં એ છાશિયું કરી લેતો. પછી તો એય પડતું મેલી દીધેલું : બોલવા દે ને, એનું મોઢું થાકશે તયેં આફૂડા બંધ થઈ જાહે! બીજાઓ તો ઠીક, એના ભાઈઓ પણ સામેની ટોળીમાં ભળી જઈ એને હેરાન કરતા. ઇશારાથી કે આગોતરી ગોઠવણ કરી, બધા પાકતા, દાવ પોતાના માથે આવતો. ઘોડી એને થવું પડતું. ડૂશ કાઢી નાખતા એની. દા’ દઈ દઈને પરસેવો છૂટી પડતો. છાતીમાં ગભરામણ થતી. આ ઘોડીને મારું બેટું, માથે જીન નાખવું પડે એમ નથી. પોચી પોચી છે માણકી : કહીને શેઠનો લાલકો એના પડખામાં એડી મારતો. આમ ક્યાંય લગી ચાલ્યા કરે. એ રડી પડતો. માંડ માંડ છૂટતો. રાવ લઈને મા પાંહે પણ શું જવું? એ તો પાધરી એને જ ફટકારતી : બૂડી મર્યને, ઢાંકણીમાં ઢૂંહા લઈને તું. અમથું અમથું ખાઈ બગાડીને આ નકરું શરીર ખડકી જાણ્યું છ પીટ્યાએ. તું તારી માને નંઈ, બાપને થાનોલે ધાવ્યો હશ, નકર... : કોણ જાણે કેટલુંય સંભળાવતી, મા. એ પછી એણે કોઈ દિ’ મા પાસે ફરિયાદ નો’તી કરી. ખમી ખાતો. છાને ખૂણે રોઈને દિવસભરના આવા જુલમને વિસાતારે પાડતો. એકલું ગમતું નઈ એટલે ફરી ચડતો ખાંચાના છોકરાઓના લબડધક્કે. ખમી ખાવાની આદત કોઠે પડી ગઈ’તી, હવે. ઠેકડી ઊડતી તો હવે એને ઓછું ન આવતું. એ ય પોતાની જાતને છેતરીને બધાની સાથે હસી લેતો. સવારનો તડકો તીક્ષ્ણ થતો ગયો. અરધી ઉઘાડી પીઠ પર તડકાના નૉર ઊંડા બેસવા લાગ્યા. પાદર જઈ લીંમડાને છાંયે ઘડીક આડો પડું. વિચાર આવ્યો. હળવે હળવે બહાર નીકળ્યા. ઝાંપો બંદ કરવાનું વોવ કે’તી ગઈ છે. યાદ આવ્યું. સાંકળ ને તેનો નકૂચો ભોંય–સરસાં હતાં. વાંકા વળીને તેઓ તે કદી વાસી ન શકતા. ઝાંપલી ખેંચી, જમીન પર બેસી સાંકળ ચડાવી, માંડ માંડ. કશુંક ગણગણતા તેઓ પડખેની ભીંતે તથા લાકડીને ટેકે ઊભા થઈ, પાદર ભણી ચાલવા માંડ્યા. પાદરના એક ખખડધજ લીંમડાના થડ ફરતો પાકો બાંધેલો ઓટો હતો. તેના ઉપર ગંગારામ બાવાજી ઉનાળાના દિવસોમાં પરબ ચલાવતા. આસપાસનાં ગામના વટેમારગુ કે અહીંથી પસાર થતા વગડિયા(બસ)ના પેસેન્જરોની બપોરે ને સાંજે, બે વખત ઠઠ જામતી. રાજાઆતાને ભાળીને ગંગારામ બાવાજી બબડ્યા કંઈક. હરજી ધડૂક બેઠા હતા ત્યાં ચલમ ફૂંકતા. એણે રાજાદા’ની ફાંદમાં જ પાધરી ચલમ ખંખેરી સ્વાગત કર્યું. રાજાદા’ ચલમના તણખા પેટ પર ઠલવાતાં જોરથી ચિત્કારી ઊઠ્યાં : ઓયવોય ભાભા! તમે ય તે, આવી મસગરી... વધુ કંઈ થઈ શક્યું કે કહેવાઈ શકાયું નંઈ, રાજાદા’થી. ચોરણો ઝાપટવા માંડ્યા. ક્યાંક ક્યાંક કાણાં પડી ગયાં હતાં, ચોરણામાં. ક્યાંય લગી રાજાદા’ દૂંટી આસપાસ ચંચવાળતા રહ્યા. ખી—ખી—ખી, હસતા હતા હરજીભાભા અને ગંગારામ બાવો. રાજાદા’ નહોતા હસતા કે નહોતા કરી શક્યા રોષ. બળતરા ભૂલવા ચૂંગી ચેતાવીને બેઠા રહ્યા, સ્થિર. બચપણથી માંડીને અત્યાર લગી જે અવતાર વીત્યો હતો, જે અત્યાચાર ભોગવ્યો હતો... પોતે અસહાય ને અવશ – એક પછી એક, અનાયાસ આંખ પાસેથી પસાર થતું હતું, બધું. પોતે મોટોભાઈ હોવા છતાં, નાનાભાઈઓનાં ફાટેલાં-સાંધેલાં કપડાં એણે પહેરવા પડતાં. ટૂંકાં પડતાં તો ય રોડવી લેવું પડતું. ખેતીનું કામ કરવા એને ધક્કેલાતો, છતાંય, દરજીને દિવાળીએ ઘેર બેસાડતા પણ એનાં લૂગડાંનું પરમાણું નખાતું જ નંઈ. માના મોટા મોટા ડોળા એના ભણી મંડાતા જ એ કંપી ઊઠતો. લગન લેવાયાં તો ય પરથમ બે નાના ભાઈઓના. બધાં અને ચીઢવતાં. એ મૂંગો મૂંગો જીરવી લેતો. પોતાનાં લગન સૌથી છેલ્લે. અને બૈરું મળ્યું તો એ પણ બીજવારુકું, જેણે કોઈ દિ’ સાસરું સાંઢેલું જ નંઈ. ધણીને ઊભો મેલીને આવેલી એવી બોથડ, પછી એનો વે’વાર માયાળુ હોય એવી એષણા સપનેય કેમ રખાય? એણે કોઈ દિ’ ખેવના નો રાખી, ઈ છોકરા-વઉવારુ શું લેવા રાખે? – રાજાદા’ને અકળામણ થઈ આવે છે. વિચારે છે : પોતે આખા જીવતરની અવધિમાં એક જ કામમાં આવ્યા : પોતાની ઠેકડી ઉડાડવા દેવા માટે. ધીમે ધીમે બપોર ચડવા માંડ્યા. ગામની બસનો સમય થતો જતો હતો. પડખેના ગામથી ચાલીને આવી, અહીંથી બસમાં બેસી બહારગામ જવા ઇચ્છનાર, પૂછતો ગંગારામ બાવાને, પાણીનો ગ્લાસ ચાપવામાં ઠલવતાં : બારનો વગડિયો આવી ગ્યો? : રાજાદા’ એ એના વતી જવાબ વાળ્યો : ટેમ થતો જાય છ. હમણે આવ્વ્વો જ જોવે. ઃ અદા,... ભારે બેઠાર્યોને. શકનમાં તમે જ ભટકાવ : આગંતુક રાજાદા’ને ઓળખતો જ હોય. અદા કાંઈ બોલ્યા નંઈ. બીજાઓ તિરસ્કારથી–મજાકથી એમની સામું જોઈ રહ્યા. ઃ અદો પણ નવરો ધૂપ રોખો. વખત ક્યાં વીતાડે બીજે? : કોઈક. ઃ મહાણમાં : અન્ય. ઃ –એમ તો તમારે જેની વાટ છે, એને હજુ વાર છે : એક જણનું ટિખળમાં રાજાદા’ના અન્ત વિશેનું ભવિષ્ય. બીજાઓ : હો–હો–ઓ–ઃ હસે. રાજાદા’ના ચહેરા પર અભાવ સિવાય કશું નંઈ. ફાળિયાની ઝૂલણ–ખુરસીમાં ભારેખમ દેહને ડોલાવતા બેઠા રહ્યા. એમની બાજુમાં બેઠેલ એક જુવાન ત્યાંથી ઊભો થઈ છેટે બેસતા : અદો આખ્ખો બાસ્ય મારે છ, મને એમ લાગે છ, વરહને વચલે દિ’ પણ ના’તો નંઈ હોય...ઃ ઃ ના’વું તો ઘણું હોય બિચારા જીવને, પણ વઉ બચારિયું એટલું બધું પાણી, આવા હડિંબલા દેહ માટે ખેંચી લાવે ક્યાંથી? : એક જણ. ઃ તો વાડીએ પૂગી જતા હોય તો? : ઃ એના હાટાનું હાલવા કોણ જાય? : એક જણ : ગાડામાં બેહીને નો જવાય? : બીજો : ઢાંઢા ભાર નો વેંઢારી હકે... : બધા હસી પડ્યા, ફરી વાર. એટલામાં ગોબર આવ્યો. ગોબર તુરખિયો. એને ભાળીને ઘણાનું હાસ્ય કરમાવા માંડ્યું. છતાં ભયના માર્યા અમુક બેઠાડુએ એને આવકાર્યો. ગોબર ખૂનીની ભડક આખા ગામની શેરીઓમાં ઘુમરાયા કરતી. સગ્ગા ભાઈને રહેંસી નાખનાર બીજાને શેં મૂકે? તે બધાની ઉપર નજર ફેરવી બોલ્યો : કાં ડાયરો, શું રાજાદા’ની પત્તર ફાડો છ? : અને રાજાદા’ની બાજુમાં બેસીને એની પીઠમાં જોરથી ગુમ્ભો માર્યો. રાજાદા’ વિરોધ ન કરી શક્યા, પણ ગળામાંથી ઊંહકારો નીકળી ગયો. ગોબરના પરાક્રમને બિરદાવતું હાસ્ય, લીંમડાના ઓટા આસપાસ ગોઠવાયેલ સમૂહમાંથી પસાર થઈ ગયું. ઃ શું વાત ચાલતી’તી ના’વાની? : ગોબર. ઃ વાત એમ હતી, ગોબરભાય, અમે કે’તા’તા કે રાજાદા’ કઈ રીતે નાઈ હકે? એટલું પાણી કાઢવું ક્યાંલી? અને આવો સાંઠિકડા જેખો દેહ વાડીએ પૂગે કેમ? વળી ગાડામાં બેહી વાડીએ જાય તો ઢાંઢા માથે જોખમ... : એક જણે ગોબરભણી પ્રશંસાત્મક દૃષ્ટિથી નીરખીને કહ્યું : તમે જ કાંક તોડ કાઢો : ગોખર તુરખિયો ગર્વથી હસ્યો : તોડ તો વળી શું હોય, બીજો? આ તોડ કહી એણે રાજાદા’ને ધક્કો માર્યો. ફાળિયાની ‘ઝૂલણ ખુરસી’માં લપેટાયેલો ભારેખમ દેહ ઓટલા પરથી દડી ગયો. ઃ એ ગોબરભાય. રેવા દ્યોને ભાયસાબ્ય. હું તે તમારી જેવડો છું, ભલામાણા : ડોસાની કોણી છોલાઈ ગઈ હતી. કપાળમાં કાંકરીઓ ખૂંતી જતાં, લોહીનાં ટસિયા ફૂટી ગયા હતા. ગોબર વધુ નિર્દય થયો. એણે ડોસાને બે ત્રણ ગોથા ખવરાવ્યાં. બોલ્યો : આમ દેડવતાં દેડવતાં પુગાડો એને વાડી દીમનો. ઃ તો તો આખ્ખા ગામને ના’વાનો વારો આવેને, એમ કરીએ તો તો : એક ખેડૂત ખંધાઈભર્યું હસ્યો. ડોસાને મૂઢ માર પડ્યો’તો. કેટલાય દિવસ કળ્યા કર્યું શરીર. કહેવું પણ કોને? કોણ સારવાર કરે? એણે મનોમન પ્રાર્થના કર્યા કરી : એને કમોતે મારજે ભગવાન. એણે એના સગા ભાયને રેં’સી નાખ્યો એમ એનું ય કાસળ કો’ક કાઢી નાખે એમ કર્ય : અને કેટલીય ગાળો હળવે હળવે સેરવ્યા કરી એમણે. ફરી એક દિવસ. એ જ સ્થળ. રોંઢો ઢળ્યો હતો. આદત પ્રમાણે પાદરને ઓટલે બેઠા’તા રાજાદા’. સાંજના વગડિયાના ઉતારુઓ એકઠાં થતાં જતાં હતાં, ધીમે ધીમે. એમાં એક ગારુડી પણ હતો. પોતાના બન્ને ટોપલા એણે હેઠે મેલ્યા. એકમાંથી ડુગડુગી ને મોરલી કાઢ્યાં. ટોળું જામવા માંડ્યું. રતનવહુ ને કંકુવહુની ડાબલીઓ પર ખાલી મૂઠી ને ‘ઈલમ કી લકડી’ ફેરવી. ઓટોમેટિક દોરી ખેંચતી ભૂંગળીઓનો જાદુ બતાવ્યો. મોઢામાંથી વીંછી કાઢ્યો. મોરલીના તાલે છેવટે નાગદાદા ડોલાવવા કરંડિયો ખોલ્યો. સૂતેલા દાદાની ફેણ પર હળવી થાપલી મારી, ઢંઢોળવામાં આવ્યા : છોકરે, તાલિયાં બજાવ... : પછી મોરલીના નાદે નાગદાદાનું ઝૂમવું. મદારી : તાલિયાં બન્દ, અબ છોકરે, જાવ, સબ અપન અપન ઘર જાકર નાગદેવતાકે લિયે દૂધ ઔર દૂધ ના મિલે તો લોટ લે આના. બાદ મેં જબરા ખેલ બતાઉંગા. જે છોકરા નંઈ જાવે, એની ભાભી કી સાસુ મર જાવે : ખી–ખી–ખી... હાસ્યનાં મોજાં ફેલાઈ ગયાં. મોટેરાયે હસતા’તા. કોઈ કોઈ લોટ—દૂધ લેવા ગયા, કોઈ કોઈ છોકરાં સરી ગયાં. ગોબર તુરખિયો બોલ્યો : ગારુડી, તારો એરુ છોડી મેલ્ય, ઓલ્યા રાજાભાભા ભણી. ઈ નંઈ ભાગી હકે. ભલે એના ચોવણામાં ગરી જાય એરુ. ગારુડી એના સામાનનો સંકેલો કરવા માંડ્યો. બોલ્યો : ન માબાપ, હમ એસુ ક્યૂં કરે? ભલે આદમીકુ હેરાન કરને સે ક્યા ફાયદા, બાબા? : ઃ અરે ફાયદા તો ઘણા હે ગારુડી! : ગોબર તુરખિયો : આમ પરાણે પરાણે જીવવા કરતાં નાગદાદાને હાથે મોત આવે, એનાથી બીજું રૂડું શું? : ઃ પણ ગોબરભાય, આ એરુની દાઢ તો ગારુડીએ પરથમ કાઢી લીધી હોય. એમ કાંય રાજાદા’ નંઈ મરે : ટોળામાંથી કોક બોલ્યું. ઃ ભાય, આ એરુનો ચાળો નંઈ સારો. ઈ ઝેરનાં પારખ્યાં કે’વાય : બાજુના ગામનો એક ઉતારુ બોલ્યો : અમારા ગામના સવાણીનો વિઠ્ઠલ ખલાસ નો થૈ ગ્યો? : ઃ કયેં? : ગોબર તુરખિયો. ઃ બે મઈના મોર્ય : પેલો ઉતારુ. ઃ તમને ખબર્ય નથી, ગોબરભાય? બિચારો બેચર મુખી જાતી અવસ્થાએ કંધોતર વિન્યાનો થૈ ગ્યો. જુવાનજોધ, એકનો એક દીકરો... તમને ક્યાંલી ખબર્ય હોય : ના ક્યાંલી ખબર્ય હોય? સરકારનો જમાય થઈને હું તો હાહરે ગ્યો’તો ને? : ગોબર તુરખિયા સાથે બીજાઓએ પણ ખંધુ હાસ્ય કર્યું. ઃ કેમ કરતાં આભડી ગ્યો એરુ? રાજાદા’ને વાતમાં રસ પડ્યો. ઃ આભડવો તો તમારી જેખાને જોવે, પણ દૂધમલિયાનો કાળ થૈ ગ્યો... હં, તમે શું કે’તા’તા? : પેલા ઉતારુ ભણી ફરીને ગોબર તુરખિયો : કેમ કરતાં આભડી ગ્યો? : ઉતારુએ વીગત આપી : વિઠ્ઠલ એની વાડીએ ગદબમાં પાણી વાળતો’તો. કેદુનો એની વાડીમાં કાળોતરો દેખા દેતો’તો. પણ વિઠ્ઠલો આમેય ઢીલો. અમે એને ઘણીવાર કે’તા કે એને પતાવી દે. એવાને જાવા દંઈ તો આખ્ખા કટમ્બનો જીવ જોખમમાં. રાત–વરતના વાડી–કેડે હાલનારાંને ય ભો. બનવા કાળ તે એણે કોઈનું નો માન્યું. વિઠલો ક્યારાનું નાકું બદલતો’તો. એનો પગ અજાણતા જ કાળોતરાની પૂંછડી પર પડ્યો. એ..ને વળગ્યો પિંડીએ : ઃ એમ? મારો બેટો... : રાજાદા’થી બોલ્યા વિના ન રહેવાયું. ઃ હા ભૈ, છાનોમુનો સાંભળ્યને, ડોરાઃ ગોબરે રાજાદા’ તરફ રાતી આંખ કરી. પછી વાત કે’નાર જણ ભણી ફરી : હં, પછે? : ઃ પછે તો, વિઠલો ય આમ મરદ તો ખરોને ? એણે ય એરુને રાંઢવા ઘોડ્યે પકડીને ફગાવ્યો. પછે જ્યાં ભાગવા ગ્યો ત્યાં એરુ દાઝનો માર્યો પાછો ધોડી આવ્યો ને વીંટાઈ ગ્યો પિંડીએ. બીજી વાર વછોડાવ્યો તો તીજીવાર. તીજીવાર તો એવો વળગ્યો કે છોડ્યો જ નંઈ. લોઈની તો નીક. વિઠ્ઠલની રાડ્ય સાંભળીને કોહ હાંકતો પરાગલો પૂગી ગ્યો. પણ એરુ છૂટ્યો કયેં? કટકા થ્યા કેડ્યે. એવી નાગચૂડ લીધેલી કે...ઃ ઃ મારો બેટો એરુ કે’વો પડે : રાજાદા’થી પ્રશંસાસૂચક સૂર નીકળી પડ્યો, અનાયાસ. ગોબર તુરખિયો બરાડી ઊઠ્યો : ઘેલસપ્પો છે, આ ડોહો. હું વાત છે ઈ સાંભળે નંઈ ને વચમાં જ જેમતેમ ભૈડે રાખે છ : એણે રાજાદા’ના પડખામાં ઠોંસો માર્યો. પૂછ્યું : પછે વિઠલાને ક્યાંય લઈ ગ્યેલા કે નંઈ? : વાત કે’નાર જણ : લઈ ગ્યેલા, સાખપર, વૈદદાદા પાંહે દોરો બંધાવવા. સાત ગાંઠ્યવાળો દોરો બાંધે ઈ ભેગું માણહ ‘ફડાક’ કરતુંક ને બેઠું થઈ જાય. ભરમાંડમાં જીવ હોય તોય. પણ વિઠલાને આંયથી લૈ ગ્યા તયુંનો જીવ જ નો’તો : ઃ ખરાફાટ્યનો કે’વાયને? પ્રાણ લીધો ને પોતાનો પ્રાણ ગુમાવ્યો તો ય છોડ્યો નંઈને? ખરાફાટ્યનો બાકી... : રાજાદા’ એની ધૂનમાં બબડ્યે જતા’તા. તિરસ્કારથી બધા એની સામે તાકી રહ્યા. ગોબર તુરખિયાથી ન રહેવાયું : તારા જેવા ડગરાને આવું મોત વળગવું જોવે, એને બદલે બિચારો વિઠલો...ઃ એણે રાજાદા’ની ફાંદમાં ધારિયાની અણી ભોંકાવી. ડોસાથી જિરવાયું નહીં. એના ગળામાંથી બૂમ નીકળી ગઈ : ગોબરા, રે’વા દેને. હું તારું મોઢું વતાવું છવ? : કોઈ દિવસ નંઈ ને આજ એમના મોઢામાંથી ‘તું’કારો નીકળી ગયો. પેટમાં લાગતી ધારિયાની અણી એમનાથી સહી ન શકાઈ. એમણે ધારિયાના ફણાનો ઉપરનો ભાગ પકડી લીધો ને અચાનક ધારિયાનો હાથો એમના હાથમાં આવી ગયો. ગોબર તુરખિયો બરાડ્યો : ડોહા, મારું નામ લેવામાં મજા નથી. મૂક્ય, તારા બાપનું ધારિયું : કોઈ દિ’ નંઈ ને આજ રાજાદા’નું લોહી ધગી ઊઠ્યું : મારા બાપની સામે જા મા, નકર... : ઃ શું નકર? : ગોબર તુચ્છતાથી હસ્યો : જોવો તો ખરા, આ ડગરો મને, ગોબરાને ધમકી આપે છ! : ગોબર તુરખિયાએ ધારિયાને ખેંચવા માટે હાથ લંબાવ્યો. રાજાદા’ના કંપતા હાથમાં ધારિયું ઊંચકાયું. એણે ગોબરના પગના નળા ઉપર ધારિયું ઉગામ્યું ને ફટકાર્યું. ગોબર તુરખિયો થોડો બેબાકળો થઈ ગયો. બીજી વાર ધારિયું ઊંચકાતા તે સચેત થઈને બીજી બાજુ જવા માટે ઊછળ્યો. તેના બે પગ વચ્ચે ધારિયાના લાંબો હાથો આવી જતાં તે ભોંય પર ગબડી પડ્યો. બીજાઓ આ દશ્ય સુખસ્વપ્ન પેટે નીરખતાં ઊભા હતા. રાજાદા’ના સાથળ પર ગોબર તુરખિયાના પગ અથડાયા. આપોઆપ રાજાદા’ના હાથમાં એના પગ જકડાઈ ગયા. ખેંચાયા. એક હાથે ગોબર તુરખિયાયે ધારિયું ખેંચ્યું. ખેંચાઈ ગયું ને રાજાદા’ના ખભા પર વાઢ મેલતું ગયું. રાજાદા’એ લોહી ભાળ્યું. એક વેદનાભર્યો ચિત્કાર ગળામાંથી ઘુમરાઈને બહાર નીકળી ગયો. એક નવા આવેશ સાથે એમણે ગોબરનું ગળું પકડી લીધું. ભીંસ વધતાં એના હાથમાંથી ધારિયું વછૂટી ગયું. હવે એણે રાજાદા’ના સાથળ પર જોરથી બચકું ભર્યું. જરાયે આકળ વિકળ થયા વિના રાજાદા’એ ખમી ખાધું. આદત મુજબ. બે હાથ વચ્ચે ગોબર તુરખિયાનું ગળું ભીંસ અનુભવતું’તું. કંપવાને કારણે કે ગમે તેમ, રાજાદા’ના હાથ અત્યારે વધારે પડતા ધ્રૂજતા હતા, છતાં ભીંસ વધતી જતી હતી. ગોબરે બે ત્રણ વખત એમાંથી છૂટવા ફાંફા મારી જોયા. રાજાદા’ ક્યાંય લગી તુરખિયાના દેહ સાથે ઢસડાતા ગયા, છોલાતા ગયા. પણ હાથ નહોતા છૂટતા. છેવટે ગોબર તુરખિયાના ગળામાંથી એક અસહાય ચીસ વછૂટી પડી. ટોળામાંથી એક જણે બહાર આવી ગોબર તુરખિયાને છોડાવવા ખેંચ્યો. ને ખેંચાતો ગયો તેમ તેમ રાજાદા’ પણ ખેંચાતા ગયા. બન્ને લોહીઝાણ થઈ ગયા’તા. છતાં રાજાદા’ના હાથ નો’તા છૂટતા. એ જેમ જેમ ખેંચાતા ગયા તેમ તેમ તેમના હાથ ગોબરના ગળા ફરતા અવશયપણે ભીંસાતા ગયા. ભીંસાતા ગયા. ભીંસાતા... બેમાંથી કોઈ જીવે છે કે નંઈ, એ જાણવા આતુર ટોળું આસપાસ ઢુંગલું વળીને ઊભરાતું ગયું.