માણસાઈના દીવા/૫. ક્ષુદ્રની સંગતે મહાનનું મોત

From Ekatra Wiki
Revision as of 08:32, 5 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. ક્ષુદ્રની સંગતે મહાનનું મોત


એ દેખાવમાં કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી-ઉતરાણનો કિસ્સો કહ્યો હતો. તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી થયાં. બાઈના હાથમાં બાળક હતું. સાથે વાંસનો ભારો હતો. મહીના આરા પર આવ્યાં કે તરત એક માણસે બૂમ મારી : “જલદી ઊતરો … નહીંતર ઘોડો આવે છે.” મહારાજ તો રહ્યા બાજંદા તરવૈયા, શરીરે પાવરધા, તે પાણીમાં ચાલ્યા. પછવાડે પેલો ભંગી ઊતર્યો, ને વાંસનો ભારો પાણીમાં ખેંચતો ચાલ્યો. એના મનમાં એમ કે બાઈ બાળકને લઈને પાછળ ચાલી આવે છે. પેલે કાંઠે બેઉ પહોંચી ગયા. પછી પાછળ જુએ તો દૂર દૂર બાઈ પાણીની અંદર સજ્જડ બનીને ઊભી થઈ રહેલી! કાંખમાં છે બાળક.બૂમ પાડી : “અરે બાઈ, ઝટ ચાલી આવ!” પણ બાઈના મોંમાં બોલ નથી, શરીરમાં સંચરાટ નથી. બૂમો પડે છે : “ઘોડો આવે છે! વાધુ આવે છે!” જે માણસ બૂમો પાડતો આવ્યો તેને પેલા ભંગીએ કહ્યું : “ભાઈ, મારી દીકરીને તું ઉતારી લાવ.” માછી કહે : “શું દઈશ?” ભંગી કહે : “મારી કને બે આના છે તે આ લે.” “એટલે તો શાનો ઉતારું!” એમ કહેતો એ તો ઢબઢબતો ચાલ્યો ગયો. ને મહારાજ એ ભંગીને અને પછી એની પાણીમાં દૂર થંભી રહ્લી બાળકવંતી પુત્રીને જોઈ રહ્યા. બેમાંથી જાણે કોઈમાં ચેતન નથી. શિર ઉપર સદાની વિદાય તોળાઈને ઊભી છે. મહારાજ પાછા ગયા. બાઈની પાસે પહોંચ્યા. બાઈને કહે છે કે, “આંહીં આવ!” બાઈ બોલતી જ નથી. એ તો જાણે જીવન-મૃત્યુ વચ્ચેનો ભેદ ત્યજીને ઊભી છે. મહારાજે જઈ બાળકને હાથમાં લીધું. બાઈનો હાથ પકડી ઘોડાનાં ચડતાં પાણીમાં દોરી. બાઈ રસ્તે ફક્ત એટલું જ બોલી શકી : “બાપજી, મારું તો જે થવું હોય તે થાય પણ મારી છોકરીને કંઈ થવા ના દેશો હોં કે!” મુસીબતે બાઈને સામે કાંઠે પહોંચાડી ત્યારે બાઈનો બાપ બોલ્યો : “બાપજી! તમારાં તો ઘી-ગોળનાં હાડ ખરાં ને! એ તો ઘી-ગોળનાં હાડવાળા તેથી જ તમે આને લઈ આવ્યા. અમે તો શું કરી શકીએ!” તે દિવસે એ ભંગીના બોલ પર જેવા પોતે મરક્યા હશે તેવા જ આજે પણ મંદ મંદ મરકીને મહારાજ કહે છે : “ઘી-ગોળના હાડ!” વસ્તુતઃ તો એણે વર્ષોથી નરી ખીચડી સિવાય, કંગાલ ઘરનાં ખરાબ દાળ-ચોખાના બે મૂઠી બાફણાના એક ટંકના ભોજન સિવાય, ઝાઝું કંઈ જોયું નથી.