મોટીબા/અગિયાર

From Ekatra Wiki
Revision as of 14:48, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અગિયાર}} {{Poem2Open}} સુરેન્દ્રનગરમાં મકાનમાલિક સાથે લાઇટનું બિલ ભાડા ભેગું જ ઠરાવેલું. અલગ મીટર પણ હતું નહિ. સાંજે ઑફિસથી આવું ત્યારે મોટીબા ફરિયાદ કરે, ‘આખી બપોર હું તો તાપે મરી ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અગિયાર

સુરેન્દ્રનગરમાં મકાનમાલિક સાથે લાઇટનું બિલ ભાડા ભેગું જ ઠરાવેલું. અલગ મીટર પણ હતું નહિ. સાંજે ઑફિસથી આવું ત્યારે મોટીબા ફરિયાદ કરે, ‘આખી બપોર હું તો તાપે મરી ગઈ. બે-તૈણ દાડાથી રોજ બપોરે લાઇટો જતી રૅ સ. તારી ઑફિસમોં લાઇટો હતી?’ ‘હા.’ ‘તો પસઅ્ આટલા વિસ્તારની લાઇટો ગઈ હશે.’ બે-ચાર દિવસ તો આમ ચાલ્યું. પણ પછી બપોરે જેવો પંખો બંધ થઈ ગયો એવાં મોટીબા બહાર નીકળ્યાં. બે-ચાર ઘર છોડીને આગળના ઘરે જઈ પૂછી જોયું, ‘તમાર લાઇટો ચાલુ સ?’ જવાબ તો મોટીબાને સંભળાયો નહિ, પણ એમણે જોઈ લીધું કે પંખો ફરતો'તો. વખત સ નં હું બા’ર નીકળી એ કેડી લાઇટો આઈ ગઈ હોય. ‘થોડી વાર પહેલાં તમાર લાઇટો ગઈ'તી?’ મોટીબાએ હોઠના ફફડાટ પરથી ને માથાના હલવા પરથી જવાબ પારખ્યો ને ઘરે પાછાં ફર્યાં. ડોકિયું કરીને ચકાસ્યું કે પંખો બંધ છે. પછી ગયાં મકાનમાલકણ પાસે. ને બંધ પંખા સામે જોઈ પૂછ્યું, ‘આજેય બળ્યું લાઇટો ગઈ સ નંઈ? ‘હા, અમારે આંઈ તો ઘણીવાર લાઇટું જાય.’ ‘આ લાઇટોવાળાનં કૉગળિયું આવ… ખરા ઉનાળઅ્ પીટ્યા લાઇટો બંધ રાખ સ…’ મોટીબા આમ બોલતાં જાય ને મકાનમાલકણ ને એની દીકરીના મોં પરના હાવ-ભાવ પારખતાં જાય. પછી તો મોટીબાએ સીધો જ ધડાકો કર્યો— ‘તમારી મેઇન સ્વિચ ક્યોં સ જરી મનં બતાવજો…’ ને એ લોકોના ચહેરા ધોળી પૂણી જેવા. ‘લી છોડી. મેઇન સ્વિચ ચાલુ કર એટલ લાઇટો આઈ જશી, હોં!' પછી મેઇન સ્વિચ ચાલુ થઈ! સાંજે મોટીબાએ વિગતે આ બધીયે વાત મને માંડીને કરી ને પછી કહે, ‘કાલ તું ઑફિસ જઈનં બધાય સ્ટાફનં કઈ દે ક ઈંમના ધ્યોંનમોં કોઈ ઘર હોય તો બતાડ. અવઅ્ મારઅ્ આ ઘરમોં નથી રૅવું.’ ફરી પાછું ક્યાં ઘર શોધવું? ને ફરી પાછો ક્યાં સામાન ફેરવવો? ને નવા ઘરમાં ફરી પાછું બધું ગોઠવવું ને ફરી પાછું નવું સરનામું બધાને જણાવવું ને — આ બધી બબાલ કરતાં આ જ ઘરમાં રહેવું શું ખોટું? તે મેં મોટીબાને લખીને કહ્યું, ‘હવેથી એ લોકો મેઇન સ્વિચ બંધ નહિ કરે ને ભાડા ઉપરાંત લાઇટના પૈસાય ઠરાવી દઈશું. પછી?' ‘પછી બછી કોંય નંઈ. મારઅ્ આ ઘરમોં અવઅ્ નથી રૅવું. મારું મન અવઅ્ ઊઠી ગયું. રૅવા દે, સલેટમોં આગળ કોંય લખે નંઈ. માર કોંય નથી હોંભળવું. બસ, નવું ઘર ઝટ શોધી કાઢ. આ ઘર ખાલી કરું એટલ પત્યું. મકૉનમાલિક જોડેનોં અંજળ પોંણી પૂરોં.’ મને એમ કે બે-ચાર દિવસ પછી મોટીબા ટાઢાં પડશે પણ મોટીબા કોને કીધાં? મારે નવું ઘર શોધવું પડ્યું. જોકે, થોડા દિવસ બપોરે મેઇન સ્વિચ બંધ રહી એ કારણે ઘરમાં એક સરસ મઝાનો હાથપંખો જોવા મળ્યો. પાણી ગળવા માટેના પ્લાસ્ટિકના જૂના ગળણાની હાથાવાળી ગોળ રિંગ મોટીબાએ સંઘરી રાખેલી. એ રિંગમાં બરાબર સમાય એ રીતે એક જૂના કૅલેન્ડરનું પૂઠું ગોળ કાપ્યું. એને રિંગમાં ગોઠવી આજુબાજુ જૂના કાળા પૅન્ટનું કાપડ ચઢાવી સીવી દીધું અને જૂના રંગીન સાડલાના કાપડમાંથી રિંગની ફરતે સરસ મઝાની ઝૂલ બનાવી ઝીણા ઝીણા ટાંકા લઈ લીધા. ઝૂલવાળો આવો મઝાનો હાથપંખો જોતાં જ મેં પૂછેલું, ‘આ હાથપંખો ક્યાંથી આવ્યો?’ પછી મોટીબાએ કહ્યું કે એ શેમાંથી ને કેવી રીતે બનાવ્યો. દવાઓની સ્ટ્રિપમાંથી તેઓ જાળવીને ગોળી એ રીતે કાઢે કે બધીયે ગોળીઓ ખલાસ થયા પછીયે સ્ટ્રિપ આખે આખી રહે. એ સ્ટ્રિપનો ઉપયોગ કરવાનો વાસણ માંજવા માટે, દવાઓની સ્ટ્રિપ શેમાંથી બનતી હશે અને એને વાસણ સાથે ઘસવાથી શુંય રિઍક્શન થતું હશે એ તો રામ જાણે. ‘પણ ઈંનાથી વાહણ જરીકે ચીકણું નોં રૅ. નં વાહણ જોણે હાલ બજારમોંથી નવું લાયા હોઈએ એવું ઝગારા માર.’ પહેલાં તેઓ વિસનગર હતાં ત્યારે વાસણ ઘસવા માટે નારિયેળનાં છોડાંનો અને રાખનો ઉપયોગ કરતાં ને નારિયેળની કાચલીનો ઉપયોગ ‘ખાળખૂડી’ ઉલેચવા. સાવ નકામી લાગતી ચીજોનેય સંઘરીને એનો ઉપયોગ કરતાં તેમજ ડોશીમાનું વૈદું તેઓ કદાચ વિસનગર અમારી પડોશમાં રહેતાં શિવગંગાબા પાસેથી શીખ્યાં હશે. મોટીબા કરતાં શિવગંગાબા પચીસેક વર્ષ મોટાં. મોટીબા એમને માશી કહી બોલાવતાં. એ શિવગંગાબાનું પાત્ર લઈને ‘ગંગાબા' નામે મેં ચરિત્રવાર્તા લખેલી. ‘ગંગાબા' લખાયા પછી એનાં સૌપ્રથમ ભાવક મોટીબા. વાંચતી વખતે એમના ચહેરા પર પ્રસન્નતા, મર્માળું સ્મિત, રમૂજ, વેદના વગેરે બદલાતાં ભાવો સ્પષ્ટ જોઈ શકાય. વાંચી રહ્યા પછી મોટીબા મલકાયાં. કહે, ‘શિવગંગાબાનં તીં આબેહૂબ ચીતર્યો સ. પણ હજી છપાવવા મોકલતો નંઈ. હું કહું એ બધી વાતો તું હજી ઓમોં ઉમેર. અનં પસઅ્ આખીય વાતની ફેરવારકી મોંડણી કર.’ અને પછી તો મોટીબાએ શિવગંગાબાની વાત ચલાવી તે છેક રાતના દોઢ વાગ્યા સુધી. એમના વિશે એક આખી લઘુનવલ થાય એટલીબધી વિગતો મોટીબાએ માંડીને કહી. વાત કરતાં કરતાં, વચ્ચે વચ્ચે, મોટીબાની આંખો ભીનીય થઈ જાય. વારે વારે અવાજ ગળગળો થઈ જાય. ક્યારેક માર્મિક રમૂજ કરે તો ક્યારેક ખડખડાટ હસીય પડે. અનેક ઝીણી વિગતો ઉપરાંત એક મુખ્ય પ્રસંગ – શિવગંગાબાનો પતિ સાધુ થઈ ગયેલો ને ઘરે પાછો ફરવા માટે વારે વારે આવતો ને ધમપછાડા કરતો એ વાતની તો મને ખબર જ નહિ. મોટીબા પાસેથી બધું સાંભળ્યા પછી એ પ્રસંગ તથા બીજીય વિગતો ‘ગંગાબા'માં ઉમેરીને એનું પુનર્લેખન કરેલું. મોટીબાના કહ્યા પછી ઉમેરેલી એક વિગત અહીં જણાવું— ‘આપડા ઘેર છુંદો ક મુરબ્બો કરીએ તારઅ્ ગળપણ ઓછું વપરાય માટે કેરીની છેંણનં નિચોઈનં ખાટું પોંણી કાઢી નખીએ. આ ખાટું પોંણી શિવગંગામાશી લઈ જાય નં કથરોટમોં તડકે હૂકવઅ્. બધું પોંણી ઊડી ગ્યા કેડી કથરોટમોં જે બારીક પાઉડર ચોંટ્યો ર્‌યો હોય એ ખોતરીનં એક શીશીમોં ભરી રાખ નં પસઅ્ આ પાઉડરનો ઉપયોગ વાર-તૅવારે દાળ-શોકમોં નખવા કરઅ્.’ કથાની માંડણી, પ્રસંગ ક્યાંથી ઉપાડવો, કેમ બહેલાવવો, ક્યાં પૂરો કરવો, વાસ્તવમાં ઘૂંટીને, કપોલકલ્પિતનેય કઈ રીતે વાતમાં ઉમેરવું, વાતમાં મોણ કેટલું નાખવું, વાત કહેતાં કહેતાં ક્યાં અવાજને ધીમો ને ભારે કરવો, ક્યાં ગળગળા થઈ જવું ને ક્યાં સાદ ઊંચો લઈ જવો, અભિનય સાથેની કથનશૈલી વગેરે કળા તો મોટીબાની. આ બધું તેઓ ક્યાંથી શીખ્યાં હશે?! મોટીબા આમ તો બાપુજીને હંમેશાં ભાંડતાં જ હોય — ‘આટલું ભણ્યો નં પોસ્ટમાસ્તર થયો તોય હાવ હૈયાફૂટો સ. હૌ ઈનં છેતરી જાય. વહુ કૅ એટલું જ કરવું બસ. બુદ્ધિ જોણે બૅર મારી ગઈ સ. નેંચ પોસ્ટ-ઑફિસ હોય નં ઉપર આપડઅ્ રૅવાનું. તે બધાય સ્ટાફનં નવા વરસમોં ચા-પોંણી-નાસ્તો કરાઈએ ક કોક વારતૅવારે પ્રેમથી બધોંનં ખવડાઈએ એ વાત વાજબી. પણ આ તો દિવાળીના પંદર દા'ડા અગઉથી, સેવો પાડી હોય એ જ દા'ડ ડિસો ભરી ભરીનં નેંચ સ્ટાફ માટઅ્ મોકલવાની. જે કોંય બનં એવું, રોજેરોજ, ડિસો ભરી ભરીનં નેંચ જાય નં બેહતા વરસે તો પાછું જુદું. દિવાળી ક વાર-તૅવાર વિનાય, ઘરમોં કોંક ફરસોંણ બનાયું હોય તોય વધાર બનાવવાનું નં બધાય સ્ટાફનં ખવડાવવાનું. કમાયેલું બધુંય ઈન તો આ ટપાલીયોનં ખવડાવવામોં જ ગયું સ. ગણ રાખઅ્ એવું કોઈ હોય નં ઈનં ઉપર બોલાઈનં નાસ્તો કરાઈએ તો હજી ઠીક, પણ આ તો બધા નગુણા બૂઢિયાઓનંય નાસ્તા કરાવવાના. બદલી થાય નં સોમોન પૅક કરવાનો હોય ક બીજું કોંય કોંમ હોય તો એકાદ-બે જ આવશી નં બાકી બધા આઘાપાછા થઈ જશી.. ‘ખઈ ખઈનં પાસા ખોદશી ક સાહેબનોં બા તો ઘરનું કોંમેય બતાવ સ.. ટપાલ વેંચવા જતો હોય નં રસ્તામોં જ દુકાનં આવતી હોય નં ઈંની ફાય છેંકણીનો પડો મગાયો ઈંમો તો કૅશે ક સાહેબનૉં બા ઘરનું કોંમ કરાવ સ..’ આવું કૅનાર પોસ્ટમૅનનંય તારો બાપ પાછો કશું કૅ નંઈ નં ઉપરથી મનં કૅ ક – છીંકણીનો પડો લાવવો હોય તો તમારે મને કહેવું, હું લાવી આપીશ – (અવાજ બદલી બાપુજીના ચાળા પાડતાં આમ બોલે પછી પાછાં મૂળ ટોનમાં આવી જાય.) મોટો સિધ્ધોંતવાળો નોં જોયો હોય તો…' આમ મોટીબાને બાપુજીનાં વખાણ કરતાં સાંભળ્યાં છે એના કરતાંય વધારે તો ભાંડતાં જ જોયાં છે. છતાં, એક વાર મોટીબા ધીમા સાદે મને કહે, ‘લ્યા, યોગેશ..’ ‘બટુક’ કે ‘બટકા’ને બદલે કેમ બાએ અત્યારે ‘યોગેશ’ કહ્યું?! પછી ઉમેર્યું, ‘તું તારી કવિતા — વાર્તા નં બધું છપાવ સ ઈંમોં તારું નોંમ ‘યોગેશ જોષી’ લખ સ ઈંના બદલ તારા નોંમની પાછળ તારા ભઈનું (બાપુજીનું) નોંમેય ઉમેરતો હોય તો? આખું નોંમ નોં ઉમેર તો કોંય નંઈ પણ નોંમનો પૅલો અક્ષર ઉમેર..’ વિધિનું કરવું તે બરાબર એ જ વખતે ટપાલી ‘કવિલોક' નાખી ગયો. એ જ અંકમાં મારો ફોટો-પરિચય છપાયેલો. એમાં છપાયેલું બાપુજીનું આખું નામ મેં મોટીબાને બતાવ્યું ને એ જોઈ મોટીબા રાજી રાજી. બોલ્યાં,

‘વાહ, રંગ સ, રંગ સ.. ઇચ્છા કરી એવી ફળી!’