મોટીબા/બાવીસ

From Ekatra Wiki
Revision as of 14:54, 13 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાવીસ}} {{Poem2Open}} વાલમ જવાનું થાય ત્યારે ઘણાં ઘરડેરાં કહે, ‘વાલમમોં તો ઘોડાશેરીમોં તારા દાદાનું ઘર હતું...’ નાનો હતો ત્યારે હું મોટીબાને કોક વાર પૂછતો, ‘બા, વાલમમાં આપડું ઘર હતું એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાવીસ

વાલમ જવાનું થાય ત્યારે ઘણાં ઘરડેરાં કહે, ‘વાલમમોં તો ઘોડાશેરીમોં તારા દાદાનું ઘર હતું...’ નાનો હતો ત્યારે હું મોટીબાને કોક વાર પૂછતો, ‘બા, વાલમમાં આપડું ઘર હતું એ ક્યોં ગયું? ‘એ વાત પર મૂક પૂળો…' કહેતાં મોટીબા કાળઝાળ થઈ જાય. મોટા થયા પછી બાપુજી પાસેથી બધી વાત જાણવા મળેલી. બાપુજીએ આ વાત ગામના કોઈ વડીલ પાસેથી જાણેલી: ગંગાશંકર સાથેના લગ્નના થોડા સમય પછી જ, નવોઢા તારાએ રસોડા અલગ કરાવ્યાં! ઘોડાશેરીનું એ ઘર બે માળનું તે નીચે પોતે રહે ને વિધવા જેઠાણીને મોકલ્યાં ઉપર. કહે છે કે કીકા મહેતાની તારાએ તો ઘરડાં ને વિધવા જેઠાણીનું જીવવું હરામ કરી દીધેલું. માંડ પંદર-વીસ દિવસ ચાલે તેટલું અનાજ કાઢી આપે ને કહે કે તારે મહિનો ચલાવવાનું! અન્ય ખર્ચ માટે દર મહિને રૂપિયા પાંચ આપવાનું ઠરાવાયેલું. એ પણ આપે, ન આપે. અનાજ ખૂટે ને જેઠાણી માગવા આવે તો ગાળો દઈને કાઢી મૂકે ને ગંગાશંકર તો ગયા હોય ગોરપદાના કામે બહારગામ. એક વાર તો ફિલ્મોમાં જ આવે એવું દૃશ્ય ખડું કરેલું તારાએ. ગંગાશંકર ઘરમાં નહિ. અનાજ ખૂટ્યું હશે ને માગવા જાય તો તો તારા ગાળો દઈને કાઢી મૂકે તે પોતાનો અધિકાર સમજીને જેઠાણી મયાબા તારાની ગેરહાજરીમાં તારાના ‘ઓઈડા'માં થોડું અનાજ લેવા પેઠાં હશે ને ‘તાકડ’ તારાનું આવવું. ‘ઓઈડામોં ચોરી કરવા પેઠી સ.. લાજશરમેય નથી મૂઈનં...’ કહી તારા જેઠાણીને ઓરડામાં પૂરી દેવા માટે બારણાં બંધ કરવા લાગી! પેલાંએ બિચારાંએ ઝટ બહાર નીકળીને નાસી જવાના ઇરાદે હાથ બહાર કાઢ્યો તોપણ તારાએ ધડામ્ કરતાં બેય બારણાં કર્યાં બંધ ને વચમાં મયાબાનો હાથ! છતાં તારા તો સાંકળ ભિડાવી દેવા જોરજોરથી બારણાં ખેંચે, બારણાં વચ્ચે ભીંસાતા હાથમાંથી લોહી દદડે ને મયાબા ચીસાચીસ કરે, છતાં તારાએ બારણાં ખેંચીને, જોર કરીને સાંકળ ભિડાવી જ દીધી. ઘોડાશેરી આખીયમાં ‘હો-હા’ થઈ ગઈ... પાસેની જ શેરીમાં રહેતા કીકા મહેતા દોડી આવ્યા ને બારણું ખોલ્યું. તારાને ઠપકો આપ્યો. મયાબાના જમાઈ તેમજ તેમની નણંદો ને નણદોઈઓએ મિલકતના ભાગ કરવા અથવા તો મયાબાનું ભરણપોષણ કરવા તારાને સમજાવી, પણ સમજે તો તારા શાની?! છેવટે કોર્ટમાં કેસ ચાલ્યો, મિલકત અને ભરણપોષણ અંગે. ગંગાશંકર તો ઓલિયો જીવ. કોઈને કશુંય બોલી ન શકે. કોર્ટમાં કેસ લડવા અંગેય ગંગાશંકરની તો ના હતી. પણ તારા અને કીકા મહેતા આગળ એમનું કશું ચાલ્યું નહિ. કદાચ થતું હશે ગંગાશંકરને કે આના કરતાં તો લગ્ન ન કર્યાં હોત તો સારું હતું. ભલે વંશ ન ટકે. કીકા મહેતાએ કેસ લડવા માટે તારાને વકીલ રોકી આપ્યો. કોર્ટમાં શું બોલવું, શું નહિ બોલવું એના પાઠ વકીલે ભણાવ્યા ગંગાશંકરને. વકીલ આગળ તો ગંગાશંકરે ડોકું ધુણાવ્યા કર્યું, પણ કોર્ટમાં વકીલે ભણાવેલું કશું જ બોલ્યા નહિ. વકીલે પઢાવેલું એનાથી તદન ઊંધું જ બોલ્યા. પરિણામે કોર્ટના ચુકાદામાં એ ઘર ગયું. ને તારા, કીકા મહેતા ને વકીલ બધાંય ગંગાશંકર પર ખફા. ‘આ ગાંડિયા ડોસાએ હાથમાં આવેલી બાજી બગાડી નાખી.’ જવાબમાં ગંગાશંકરે કીકા મહેતાને અને વકીલને કહ્યું, ‘કોર્ટમાં, ગીતાના સોગંદ ખાઈને હું જુઠ્ઠું બોલી જ કઈ રીતે શકું?!' ત્યારથી ગંગાશંકરની ગણતરી ગાંડામાં થતી. પણ કોર્ટના ચુકાદાથી ગંગાશંકર અંદરથી રાજી હતા ને કશી શાંતિ ને હા..શ અનુભવતા કે પોતે નહિ હોય ત્યારે ભાભીનું શું થશે એ ચિંતા ટળી. ઘર એમને મળ્યું એ સારું જ થયું. હરિ કરે એ હારા માટે. કહે છે કે ઘોડાશેરીમાં જ એમનું બીજુંય એક ઘર હતું, છતાં તારા અવારનવાર મહેણાં મારતી — ‘મનં વશીદેરાના ઓટલઅ્ બેહાડી.’ કેસ હારી ગયા પછી તારાનો મિજાજ સાવ છટક્યો. ઘોડાશેરીમાં બીજું ઘર હોવા છતાં, હવે એ શેરીમાં જ નહિ પણ વાલમ ગામમાંય રહેવું નથી… ‘ભરી કોરટમોં મારું નાક વઢઈ ગયું. અવઅ્ આ ગોમમોંય રૅવું શી'તી? તે વાલમમાંનું બીજું ઘર બસોએક રૂપિયામાં વેચી માર્યું. કીકા મહેતાએ પણ ઘણું સમજાવી તારાને, પણ માને તો તારા શાની?! ‘આટલા પૈસામોં નવું ઘર નીં મળ તો વિહનગરમોં ભાડે રઈશું. પણ અવઅ્ માર આ ગોંમમોં તો રૅવું નથી. ઘરનું નં ગોંમનું બેયનું નઈ નખ્યું મીં તો. નં પૈસા બચાઈનં ગમેતાર વિહનગરમોં ઘર લેવાની તેવડ સ મારામોં.’ થોડો વખત વિસનગરમાં ભાડે રહીને પછી દસ તોલા સોનું વેચીને નવું ઘર લીધુંય ખરું. તારાએ વાલમ ગામ છોડ્યું ત્યારથી ગંગાશંકરનાં બધાં જ સગાંઓ સાથેનો વહેવાર પણ તોડી નાખેલો તે એટલે સુધી કે ગંગાશંકરના અવસાન પછીયે એ લોકોને સ્નાન-સૂતકનો કાગળ સુધ્ધાં ન લખ્યો કે જાણ પણ ન કરી. છતાં આવી બાબતની જાણ થયા વિના થોડી રહે? ‘લગન ક જનોઈ હોય તો વગર કંકોતરીએ નોં જઈએ, પણ મરણ પછી તો, રાગ નોં હોય તોય જઈનં ઊભોં રહીએ ’ — એમ વિચારી, પોતાને જાણ સુધ્ધાં ન કર્યાની વાત ગળી જઈનેય કેટલાંક સગાં આવેલાં દુઃખમાં ભાગીદાર થવા તો મોટીબાએ, ‘મનં હરખ કરાવા આયોં સો?’ કહી, અપમાન કરેલું. બસ ત્યારથી તો સાવ પૂર્ણવિરામ જ આવી ગયું ગંગાશંકરનાં સગાંઓ સાથેના સંબંધનું. અમને છોકરાંઓને તો, એ સગાંઓનાં નામ કે સગપણ સુધ્ધાંની ખબર નથી. અત્યારે, મોટીબાના ભારેલા અગ્નિ જેવા મિજાજનાં કારણો કંઈક અંશે સમજાય છે. ભરયુવાનીમાં સફેદ કપડાં પહેરેલાં મોટીબાને કદાચ એવુંય થયું હશે કે પચીસમા વરસ પછી સીધું જ પચાસમું બેસતું હોય તો કેવું સારું?! મોટીબાએ માત્ર એમની બહેનોનાં કુટુંબો સાથે જ સંબંધ જાળવ્યો. સગા ભાઈઓ સાથે પણ નહિ. સગા ભાઈઓનાં મરણ પછી રોવાય નથી ગયાં ને બાપ માટેય હંમેશાં એ જ શબ્દો — છોડીઓના નેંહાકા લીધા સ તે કીકા મૅતાનું તો નખોદ જવાનું.’ જોકે, કીકા મહેતા માટે તેઓ આમ બોલે છે એમાં એમનો એટલો વાંક નથી. કીકા મહેતાએ તારાનું સાટું કર્યું એમાં કદાચ એમના ભાઈ પશલાને પરણાવવાની ગણતરી હતી પણ બાકીની ત્રણેય દીકરીઓ માટે?! પૈસા લઈ લઈને એમણે બધીયે દીકરીઓને પરણાવેલી. ને ‘કન્યાદાન', તેમજ ‘પિતા’ શબ્દનેય લાંછન લગાડેલું… મોટીબાની બધીયે બહેનોમાં વિજયા તો સૌથી સુંદર ને રૂપાળી. રૂ૫ રૂપનો અંબાર. તે એના તો વધુ પૈસા ઊપજે ને? સાંભળ્યું'તું કે વિજયાને જેની સાથે પરણાવી એમની પાસેથી તો કીકા મહેતાએ રોકડ રકમ ઉપરાંત ઘર આખુંયે લખાવી લીધેલું! જોકે, વિજયા નસીબદાર કે એને ફૂટડો જુવાન મળેલો. દેખાવેય સરસ ને સ્વભાવે પણ શાંત ને સમજુ. વિજયાનું નક્કી થયું એ વખતે મોટીબાને ઊકળતા તેજાબ જેવી ઈર્ષ્યા થઈ હશે?! કીકા મહેતાએ ઘર લખાવી લીધું ત્યારે તો વિજયા કશું બોલી નહોતી ને સત્તરેક વરસની વિજયાને મકાનનો દસ્તાવેજ એટલે શું એનીય શું ખબર હોય? તેમ છતાં, વિજયાય કીકા મહેતાની દીકરી. પરણ્યા પછી વિજયા પિયર રહેવા આવી ત્યારે શું બનેલું એની વાત મોટીબા પાસેથી સાંભળેલી. કીકા મહેતાની એક અલગ લાકડાની પેટી હતી. જેને તેઓ હંમેશાં તાળું મારી રાખતા ને એની ચાવી પોતાની મેલી જનોઈમાં બાંધી રાખતા. ઉનાળાના દિવસો તે સહુ પુરુષો આંગણમાં ખાટલા ઢાળીને સૂઈ રહે. ને સ્ત્રીઓ ચોકમાં ને પરસાળમાં. કીકા મહેતાનાં નસકોરાં ખૂબ મોટેથી બોલે. મધરાતે ગામ આખુંય જંપી ગયું. કૂતરાંઓનું ભસવુંય બંધ થઈ ગયું. ક્યાંકથી ચીબરીનો અવાજ આવતો હતો. કીકા મહેતાનાં નસકોરાં ખૂબ મોટેથી બોલવા લાગ્યાં ત્યારે એક પથારીમાં જાગતી જ પડી રહેલી વિજયા ઊભી થઈ. ઓશીકા પાસે જ રાખેલી કાતર હાથમાં લીધી ને દબાતે પગલે ચાલી. હળવેકથી બારણું ઉઘાડ્યું. બારણું ખોલવાનો અવાજ ન થાય એ માટે તો વિજયાએ અગાઉથી જ નકૂચામાં તેલ પૂરેલું. હાથમાં કાતર લઈને દબાતે પગલે વિજયા કીકા મહેતાના ખાટલા પાસે આવી. તે જમાનામાં કેરોસીનનીય સ્ટ્રીટલાઇટો નહોતી. અંધારિયાની ચોથ કે પાંચમનો દિવસ હતો. ઉનાળો હતો તે કીકા મહેતા માત્ર પંચિયું પહેરીને જ સૂતા હતા. તે ઉઘાડી ફાંદ પરથી વળાંક લઈને જતી જનોઈ દેખાઈ. જનોઈમાં ભેરવેલી ચાવી પડખા નીચે દબાઈ તો નહિ ગઈ હોય ને?!

ત્યાં તો ચાવીય દેખાઈ! સાચવીને વિજયાએ કાતરથી જનોઈ કાપીને ચાવી કાઢી લીધી. પછી દબાતે પગલે ગઈ ઓરડામાં. ઓરડાનાં કમાડ લગીર આડા કરી પેટી ખોલી. દીવાસળી વડે નાનું દીવડું સળગાવ્યું. એની જ્યોત સાવ નાની કરી. પછી પેટીમાંથી કીકા મહેતાએ લખાવી લીધેલો પોતાના ઘરનો દસ્તાવેજ શોધી કાઢી, દીવડાની જ્યોત પર ધર્યો…