યાત્રા/ભૂમિકા1

From Ekatra Wiki
Revision as of 02:04, 17 May 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભૂમિકા

‘કાવ્યમંગલા’માં આવેલાં ‘કાવ્યપ્રણાશ’, ‘કવિનો પ્રશ્ન' તથા ‘ધ્રુવપદ ક્યહીં?’ની સાથે આ કાવ્યનું અનુસંધાન છે. કવિતા સાથે સંબંધ બંધાતાં કવિને આખું જગત કાવ્યમય લાગે છે, પરંતુ કવિતામાં રચાયેલું જગતનું ચિત્ર વાસ્તવિક જીવનમાં તેવું જ જોવા મળતું નથી, અને જીવનની સાથે તે મેળવી જોતામાં કાંઈ જુદું દેખાય છે, એની કવિતાની સૃષ્ટિ ભાંગી પડે છે. તો પછી જગતનું ખરું સ્વરૂપ શું છે? કવિતાની પ્રવૃત્તિમાં જીવનની ઇતિશ્રી આવી જતી નથી. એ તો એક નાનકડું ઝરણ, નાની નદી જેવું, દેખાય છે, તેનું પરિણામ મર્યાદિત દેખાય છે. કવિને જીવનની સંપૂર્ણ સાર્થકતા જોઈએ છે, તે ક્યાં છે? એ પ્રશ્ન લઈને કવિ સંપૂર્ણ સત્ય-સૌન્દર્ય–રસ-આનંદની શોધમાં નીકળી ‘ધ્રુવપદ ક્યહીં?’માં આગળ વધે છે. ૧૯૩૦-૩૨-૩૩માં શરૂ થયેલી કવિની આ શોધનો જવાબ તેને ૧૯૪૩માં, પૂર્ણયોગનો પરિચય થયા પછીનાં વર્ષોમાં મળી રહે છે. કવિના હાથમાં હવે વીણા આવી છે, એ વીણાના વાદન રૂપે ‘આ ધ્રુવપદ’ આવે છે.

કાવ્ય-૨ચના

આ કાવ્યનો આરંભ હું ૧૯૪૩માં પોંડિચેરી હતો ત્યારે ૨૮.૪.૪૩ એ થયેલો, તેની ૩ કડી લખાયેલી. તે પછી મે માસમાં ‘મદ્-યાત્રા’ લખાયું અને જૂનમાં હું અમદાવાદ પાછો ગયેલો. ત્યાં પછી ઑગસ્ટમાં ૬ થી ૨૮ તારીખોમાં ‘આ ધ્રુવપદ’ રચાયું, આ પણ લાંબુ એવું, છેવટે જતા ૯૦ કડીનું. આમાં પણ ત્રણ ત્રણ કડીના ગુચ્છમાં વિષય ગોઠવાયેલો છે. એ વિષય તે ‘મદ્-યાત્રા'ના વિષયનો ઉત્તરાર્ધ હોય તેવો છે. ‘મદ્ -યાત્રા’માં માનવહૃદયની એક પ્રબળ પિપાસાનું-પ્રેમનું નિરૂપણ છે. એમાં તૃતિ પ્રાપ્ત થયા પછી માનવનું ચિત્ત આખા જીવન તરફ વળે છે અને તેના રહસ્યનો તાગ લેવા નીકળે છે. ‘મદ્-યાત્રા’ તે જાણે ‘ભક્તિ-યોગ’ છે, ‘આ ધ્રુવપદ’ તે ‘જ્ઞાન-યોગ’ છે.

અહીં કોઈ સહેજ રીતે કવિ પ્રકૃતિના હાર્દમાં બેસી જાય છે અને પક્ષીઓની સાથે તાદાત્મ્યમાં આવી જઈ તેમને ઉદ્દેશીને પોતાની વાત કરવા લાગે છે, પોતાની વીણા છેડી તે સાથે થતા ગાન રૂપે પોતાનું વક્તવ્ય રજૂ કરે છે. બપોરનો સમય છે, એટલે સૂર્યની હાજરી તે ખૂબ જ અનુભવે છે અને પૃથ્વી અને સૂર્યનો સંબંધ જણાવે છે, મધ્યાહ્નના પ્રખર તાપમાં થતી જીવનની શિથિલતા, કુંજમાં લેવાતી વિશ્રાંતિ, તો સાથે સાથે શિકારી પંજાનો ભય, જીવનની ક્રૂરતા, તો પ્રકૃતિનું કરુણ માતૃસ્વરૂપ, પ્રભુએ સર્જેલાં વાયુ આદિ પાંચ ભૂત તત્ત્વને, એમાં થતું થતું કાવ્ય પૃથ્વી ઉપર મનુષ્યના આગમનમાં પહોંચે છે. અને માનવનો વિકાસ, તેના પ્રબળ પ્રાણે સાધેલું જીવન પરનું પ્રભુત્વ, તેમાં રહેલાં દિવ્ય-અદિવ્ય-દનુજ તત્ત્વોની ગતિ, તેના ભોગ વિલાસો, તેણે સાધેલો ત્યાગ, તેનામાં બુદ્ધિની તીક્ષ્ણતા વધતાં જતાં તેણે કરેલી નીતિની રચના. જીવનમાં ધર્મનો ઉદય, છતાં અધર્મની પણ સહસ્થિતિ, આમાંથી જીવન સમસ્ત વિષે પ્રગટતી નિરાશા, વળી વિશેષ પુરુષાર્થથી થતી ઊર્ધ્વ જીવનની સાધના, પ્રભુની પ્રાપ્તિ, અને છેવટે એ પ્રભુનું પૃથ્વી પરના જીવનમાં સંસ્થાપન, આમ કાવ્ય આખા જીવનપટને આવરી લઈ એક નવા ભવ્ય ભાવિ પ્રતિની ઝંખના વ્યક્ત કરતું શાંત ભાવમાં વિરામ પામે છે.